‘રૂપું મારું છે, ને સોનું પણ મારું છે’
‘રૂપું મારું છે, ને સોનું પણ મારું છે’
આજથી લગભગ ૨,૬૦૦ વર્ષ પહેલાંની વાત છે. ઈરાનના રાજા કોરેશે યહોવાહના ભક્તોને બાબેલોનની ગુલામીથી આઝાદ કર્યા. ત્યાર પછી હજારો ને હજારો ભક્તો યરૂશાલેમ પાછા ફર્યા. ત્યાં યહોવાહનું મંદિર વર્ષોથી ઉજ્જડ પડેલું હતું. એ તેઓએ ફરીથી બાંધવું હતું. પણ બે મુશ્કેલીઓ હતી. એક તો તેઓ પાસે પૈસા ન હતા. બીજું કે યરૂશાલેમની આજુબાજુના લોકો બાંધકામને અટકાવવા માગતા હતા. એટલે અમુકને લાગ્યું કે મંદિરનું બાંધકામ તો ફક્ત સપનું જ છે.
પણ પ્રબોધક હાગ્ગાય દ્વારા યહોવાહે તેઓને ખાતરી આપી કે પોતે બાંધકામમાં સાથ આપશે. યહોવાહે કહ્યું કે ‘હું સર્વ પ્રજાઓને હલાવી નાખીશ, ને સર્વ પ્રજાઓની કીમતી વસ્તુઓ આવશે, ને હું આ મંદિરને ગૌરવથી ભરીશ. રૂપું મારું છે, ને સોનું પણ મારું છે.’ (હાગ્ગાય ૨:૭-૯) હાગ્ગાયના કહેવાથી ભક્તોમાં એટલી હોંશ જાગી કે પાંચ જ વર્ષમાં મંદિરનું બાંધકામ પૂરું થયું.—એઝરા ૬:૧૩-૧૫.
હાગ્ગાયના શબ્દો આજે પણ યહોવાહના ભક્તોમાં હોંશ જગાડે છે. એટલે યહોવાહની ભક્તિ માટે તેઓ મોટા મોટા પ્રોજેક્ટ હાથ પર લે છે. દાખલા તરીકે, વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરે ૧૮૭૯માં આ મૅગેઝિન બહાર પાડવાનું શરૂ કર્યું. એનું નામ ઝાયન્સ વોચટાવર ઍન્ડ હેરલ્ડ ઑફ ક્રાઈસ્ટ્સ પ્રેઝન્સ હતું. એમાં તેઓએ કહ્યું, ‘અમે માનીએ છીએ કે આ મૅગેઝિન પર યહોવાહનો આશીર્વાદ છે. યહોવાહ જણાવે છે કે “પહાડોનું સર્વ સોનું તથા રૂપું મારું છે.” એટલે આ મૅગેઝિનના ખર્ચ માટે અમે કદી પણ કોઈની આગળ હાથ લાંબો કરીશું નહિ. જ્યારે પૂરતા પૈસા નહિ હોય, ત્યારે અમે સમજીશું કે આ મૅગેઝિન બંધ કરવાનો સમય આવી ગયો છે.’
હજુ પણ આ મૅગેઝિનને યહોવાહનો સાથ છે. * સાથે સાથે સજાગ બનો! મૅગેઝિનની પણ ૮૧ ભાષામાં લગભગ ૩,૪૨,૬૭,૦૦૦ કૉપી છપાય છે.
પહેલા જ ચોકીબુરજની લગભગ છ હજાર જેટલી કૉપી અંગ્રેજીમાં છપાઈ હતી. આજે દરેક અંકની ૧૬૧ ભાષામાં લગભગ ૨,૮૫,૭૮,૦૦૦ કૉપી છપાય છે.શા માટે ચોકીબુરજ બહાર પાડવામાં આવે છે? શા માટે યહોવાહના ભક્તો અનેક પ્રોજેક્ટ પર કામ કરે છે? એનાથી લોકો સમજી શકશે કે યહોવાહ જ વિશ્વના માલિક છે. અને તેમના રાજ્ય દ્વારા તે કેવા કેવા ફેરફારો કરવાના છે. (માત્થી ૨૪:૧૪; પ્રકટીકરણ ૪:૧૧) પણ એ બધા પ્રોજેક્ટ માટે પૈસા જોઈએ. યહોવાહના ભક્તો, ૧૮૭૯ના મૅગેઝિન પ્રમાણે પૂરા દિલથી માને છે કે યહોવાહ સાથ આપે છે. કેવી રીતે? ચાલો આપણે જોઈએ.
પૈસા ક્યાંથી આવે છે?
યહોવાહના સાક્ષીઓ પ્રચાર કરે છે ત્યારે અમુક લોકો પૂછે છે કે “તમને પગાર મળે છે?” પણ એ સવાલનો જવાબ તો ના જ છે. શા માટે? યહોવાહે તેઓ માટે ઘણું કર્યું છે. બાઇબલમાંથી જે શીખ્યા એનાથી તેઓના પોતાના જીવનમાં ઘણો લાભ થયો છે. એટલે તેઓ ટાઇમ કાઢીને યહોવાહ કેવા છે, કેવા ફેરફારો પૃથ્વી પર લાવશે એના વિષે બીજાઓને જણાવે છે. તેઓ ઈસુની વાત દિલમાં ઉતારે છે કે “તમે મફત પામ્યા, મફત આપો.” માત્થી ૧૦:૮) યહોવાહના ભક્તો યહોવાહ અને ઈસુ વિષે લોકોને જણાવે છે. દૂર-દૂર સુધી પ્રચાર કરે છે. અરે તેઓ પોતાના પૈસા વાપરે છે. તેઓની તમન્ના છે કે બધા યહોવાહના ભક્ત બને.—યશાયાહ ૪૩:૧૦; પ્રેરિતોનાં કૃત્યો ૧:૮.
(યહોવાહના સાક્ષીઓ ઘણા દેશોમાં પ્રચાર કરે છે. એ માટે ઘણી ફેક્ટરી, ઍસેમ્બલી હૉલ, મિશનરી હોમ ને ઘણી ઑફિસોની જરૂર પડે છે. એ બાંધવા ને ચલાવવા માટે પૈસા તો જોઈએ. એ પૈસા ક્યાંથી આવે છે? આ બધો ખર્ચો ખુલ્લા હાથે મળતા દાનમાંથી નીકળે છે. યહોવાહના સાક્ષીઓની મિટિંગમાં જવા માટે કોઈ ચાર્જ નથી. તેઓ સાહિત્ય માટે કોઈ ચાર્જ માંગતા નથી. જો લોકો એ કામને માટે દાન આપે તો તેઓ ખુશીથી સ્વીકારે છે. આખી દુનિયામાં પ્રચાર કરવા યહોવાહના સાક્ષીઓ અનેક કામ કરે છે, એમાંનું એક છે ભાષાંતર કામ. ચાલો જોઈએ કે એ કેવી રીતે થાય છે.
૪૩૭ ભાષામાં સાહિત્ય
યહોવાહના સાક્ષીઓ પુસ્તિકા, મૅગેઝિન, બુક વગેરેનું ૪૩૭ જેટલી ભાષાઓમાં ભાષાંતર કરે છે. વર્ષોથી તેઓના સાહિત્યનું ભાષાંતર દુનિયામાં જાણીતું છે. જેમ અનેક રીતે પ્રચાર કરવામાં ખર્ચો તો થાય જ, તેમ ભાષાંતર કરવામાં પણ ઘણો ખર્ચ થાય છે. ચાલો જોઈએ કે ભાષાંતર કેવી રીતે થાય છે.
પહેલા અંગ્રેજીમાં લેખ લખવામાં આવે છે. પછી ઈ-મેલ દ્વારા એ લેખ ભાષાંતર ટીમોને મોકલવામાં આવે છે. એના પર દરેક ભાષાની ટીમ કામ કરે છે. ટીમમાં
કેટલા જણ હોય છે? એનો આધાર બે બાબતો પર છે. એક તો કેટલું સાહિત્ય ભાષાંતર કરવાનું છે. બીજું કે ભાષાંતરમાં કેટલો સમય લાગી શકે, એમાં કેટલી મુશ્કેલીઓ આવી શકે. આ બાબતોને જોતા ટીમમાં પાંચથી પચીસ જણ હોય છે.ભાષાંતર કરતી વખતે અંગ્રેજી લેખનો દરેક વિચાર પોતાની ભાષામાં મૂકવો પડે. એ વિચારો લોકો સમજી શકે એવી સાદી ભાષામાં હોવા જોઈએ. પણ એ સહેલું નથી. અમુક વખતે સજાગ બનો!માં વિજ્ઞાન, મેડિકલ કે ઇતિહાસ પર લેખો આવે છે. ભાષાંતર કરતા પહેલાં અંગ્રેજી અને પોતાની ભાષામાં એ વિષયો પર ઘણું રિસર્ચ કરવું પડે છે. (અમુક ભાષાંતરકારોને અંગ્રેજી આવડતું નથી એટલે ફ્રેંચ, રશિયન, કે સ્પૅનિશ પરથી ભાષાંતર કરે છે.) ભાષાંતર થઈ ગયા પછી અંગ્રેજી સાથે એ લેખને સરખાવીને જોવામાં આવે છે કે બધા અંગ્રેજી વિચારો લેખમાં છે કે નહિ. પછી વ્યાકરણ બરાબર છે કે નહિ એ જોવામાં આવે છે.
ભાષાંતર કરનારા યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસમાં ફૂલ-ટાઇમ કે પાર્ટ-ટાઇમ સેવા આપે છે. બીજાઓ જ્યાં એ ભાષા બોલાતી હોય ત્યાં રહીને ભાષાંતર કરે છે. તેઓને પગાર મળતો નથી. બ્રાંચ ઑફિસ ફૂલ-ટાઇમ ભાષાંતરકારોને જરૂરી ચીજ-વસ્તુઓ પૂરી પાડે છે. આજે આખી દુનિયામાં લગભગ ૨,૮૦૦ ભાઈ-બહેનો એ કામ કરે છે. ૯૮ બ્રાંચ ઑફિસોમાં ક્યાં તો ભાષાંતર થાય છે, કે પછી બીજી જગ્યાએ થતા ભાષાંતરની દેખરેખ રાખે છે. દાખલા તરીકે, રશિયા બ્રાંચમાં ૨૩૦ ફૂલ-ટાઇમ કે પાર્ટ-ટાઇમ ભાઈ-બહેનો ૩૦થી વધારે ભાષામાં ભાષાંતર કરે છે. એમાં ચુવાશ, ઓસેશીઆન અને ઉઈઘર ભાષાઓ તો થોડા જ લોકો બોલે-લખે છે.
સમજાય એવું ભાષાંતર
અઘરી માહિતીનું ભાષાંતર કરવું કંઈ સહેલું નથી. ભાષાંતર કરનાર માહિતીને પોતાની ભાષામાં બરાબર મૂકવા માંગે છે. સાથે સાથે ફક્ત એક વાર વાંચીને ગળે ઉતરે એવી ભાષા તે વાપરવા માંગે છે. એવું ના
લાગવું જોઈએ કે આ ભાષાંતર થયેલું છે. એવી આવડત કેળવતા વર્ષો લાગે છે. એટલે જ યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસમાંથી તેઓને ટ્રેનિંગ મળે છે. અમુક ભાઈ-બહેનો ભાષાંતર ટીમોને મદદ કરે છે. તેઓ ભાષાંતરની કળા કેળવવા અને કૉમ્પ્યુટર પ્રોગ્રામ વાપરતા શીખવે છે.આ ટ્રેનિંગને લીધે ઘણો ફાયદો થયો છે. દાખલા તરીકે, નિકારાગુઆ બ્રાંચ જણાવે છે કે “મેક્સિકો બ્રાંચમાંથી એક ઇન્સ્ટ્રક્ટર આવ્યા. પહેલી વાર જ મિસ્કિતો ભાષાની અમારી ટીમને ટ્રેનિંગ આપી. એનાથી ભાષાંતરમાં ઘણો જ સુધારો થયો. હવે એ વાંચવામાં સહેલું છે.”
દિલ સુધી પહોંચતો સંદેશ
યહોવાહના ભક્તો લોકોની પોતાની ભાષામાં બાઇબલ અને સાહિત્ય છાપે છે, જેથી એ વ્યક્તિના દિલ સુધી પહોંચે. એનો એક દાખલો લઈએ. ૨૦૦૬માં ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ ક્રિશ્ચિયન ગ્રીક સ્ક્રીપ્ચર્સ બલગેરિઅન ભાષામાં બહાર પડ્યું. ત્યાં યહોવાહના ભક્તોને બહુ જ આનંદ થયો. તેઓએ બ્રાંચને પત્ર લખીને આભાર માન્યો. અમુકે કહ્યું કે ‘જ્યારે પહેલાં બાઇબલ વાંચતા ત્યારે જાણે વાંચવા ખાતર વાંચતા. હવે બાઇબલ વાંચવાથી સીધું દિલમાં ઊતરી જાય છે.’ એક દાદાએ કહ્યું કે ‘ઘણાં વર્ષોથી હું બાઇબલ વાંચું છું. પણ આ બાઇબલ વાંચીને તરત જ સમજણ પડે છે. અરે સીધું દિલમાં ઊતરી જાય છે.’ આલ્બેનિયા દેશમાં ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ આલ્બેનિઅન ભાષામાં મળ્યું. એક ભક્તે કહ્યું, ‘મારી ભાષામાં બાઇબલ વાંચવાની બહુ મજા આવે છે. યહોવાહ જાણે મારી સાથે વાત કરી રહ્યા છે!’
આખું બાઇબલ ભાષાંતર કરતા ઘણાં વર્ષો લાગે. પણ એનાથી લાખો લોકો પોતાની ભાષામાં બાઇબલ વાંચીને સમજી શકે છે, એ કેટલો મોટો આશીર્વાદ કહેવાય!
‘ઈશ્વર સાથે કામ કરનારા’
આખી દુનિયામાં પ્રચાર કરવા ભાષાંતર જેવા બીજાં કામ પણ છે. જેમ કે લેખો લખવા, છાપકામ, સાહિત્ય બીજા શહેર કે દેશોમાં મોકલવું વગેરે. બ્રાંચ ઑફિસોમાં, મંડળોમાં ને સરકીટમાં પણ ઘણું કામ. આ કામ પૂરું કરવા પૈસા ને મહેનત માગી લે છે. યહોવાહના ભક્તો “ખુશીથી” આ કામ કરે છે. (ગીતશાસ્ત્ર ૧૧૦:૩) એ કામ માટે તેઓ ખુશીથી દાન પણ આપે છે. તેઓને ગર્વ છે કે યહોવાહ તેઓને ‘પોતાની સાથે કામ કરનારા’ ગણે છે.—૧ કોરીંથી ૩:૫-૯.
યહોવાહ કહે છે કે “રૂપું મારું છે, ને સોનું પણ મારું છે.” એટલે આપણે પૈસા આપીએ કે નહિ, યહોવાહ એ કામ ચોક્કસ પૂરું કરશે. પણ દાન આપીને આપણે “બધી પ્રજાઓને” પ્રચાર કરવા મદદ કરીએ છીએ. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) એ યહોવાહની નજરે અનમોલ છે. એનાથી તેમનું નામ રોશન થાય છે. પ્રચારનું કામ એક વાર પૂરું થયા પછી કદીયે ફરીથી થશે નહિ. તો ચાલો આપણે એમાં બનતું બધું જ કરીએ! (w07 11/1)
[Footnote]
^ આ મૅગેઝિન કઈ કઈ ભાષાઓમાં છપાય છે, એ પાન બે પર જુઓ.
[Box on page 22]
જીવન સુધારતા મૅગેઝિનો
ચૌદ વર્ષની છોકરીએ યહોવાહના સાક્ષીઓની કૅમરૂન બ્રાંચને આવો પત્ર લખ્યો: “આ વર્ષે સ્કૂલ માટે નવી બુક્સ ખરીદી. ગયા વર્ષની બે બુક્સ મેં ૨,૫૦૦ ફ્રેન્ક્સમાં [લગભગ ૨૦૦ રૂપિયા] વેચી. એ અને મારી બચતમાંથી બીજા ૯૧૦ ફ્રેન્ક્સ [લગભગ ૭૦ રૂપિયા] મોકલાવું છું. તમે બહુ જ મહત્ત્વનું કામ કરો છો. ચોકીબુરજ ને સજાગ બનો! માટે થેન્ક યુ! એમાંથી હું શીખું છું કે જીવનમાં ક્યાં સુધારો કરવો જોઈએ.”
[Box/Picture on page 22]
નાના છોકરાનું દાન
મૅન્યૂઅલ છ વર્ષનો છે. એને લખતા આવડતું નથી. તેણે પોતાના દોસ્ત પાસે મેક્સિકો બ્રાંચને પત્ર લખાવ્યો. એમાં જણાવ્યું: “મારી નાનીએ મને એક ડુક્કર આપ્યું. તેને બચ્ચાં થયાં. એમાંથી એકને મેં ભાઈઓની મદદથી મોટું કર્યું. તેનું વજન ૧૦૦ કિલો થયું, ત્યારે એ વેચ્યું. એને વેચવાથી ૧,૨૫૦ પેસોસ [લગભગ ૪,૪૦૦ રૂપિયા] મને મળ્યા. આ પૈસા હું ખુશીથી તમને આપું છું. યહોવાહ માટે વાપરજો.”
[Box on page 23]
આ પૈસા બાઇબલ ભાષાંતર માટે વાપરજો
૨૦૦૫માં યૂક્રેઇનમાં યહોવાહના સાક્ષીઓના ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ ક્રિશ્ચિયન ગ્રીક સ્ક્રીપ્ચર્સ યૂક્રેઇન ભાષામાં બહાર પાડ્યું. બીજા દિવસે જ દાન માટેના બૉક્સમાંથી આમ જણાવતો એક પત્ર મળ્યો: “હું નવ વર્ષની છું. ગ્રીક સ્ક્રીપ્ચર્સ માટે થેન્ક યુ! હું ને મારો નાનો ભાઈ સ્કૂલે બસમાં જઈએ છીએ. મમ્મી એના માટે પૈસા આપે છે. પણ જ્યારે વરસાદ પડતો ન હોય ત્યારે અમે ચાલીને જતા. એમ કરવાથી અમે ૫૦ હરવિનીયા [લગભગ ૪૦૦ રૂપિયા] ભેગા કર્યા છે. અમે ચાહીએ છીએ કે આ પૈસા તમે યૂક્રેઇન ભાષામાં આખું બાઇબલ ભાષાંતર કરવા વાપરો.”
[Box on page 20]
દાન આપવાની કેટલીક રીતો
આખા જગતમાં પ્રચાર માટે દાન
ઘણા લોકો નિયમિત રીતે અમુક રકમ બચાવે છે અને મંડળમાં “જગતવ્યાપી પ્રચાર કાર્ય માટે દાન—માત્થી ૨૪:૧૪” લેબલવાળી દાનપેટીમાં નાખે છે.
દર મહિને જે દાન મળે એ મંડળ પોતાના દેશની યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસને મોકલે છે. તમે પણ તમારી મરજી પ્રમાણે પૈસાનું દાન મોકલી શકો છો. બ્રાંચ ઑફિસોના સરનામા પાન ૨ પર આપવામાં આવ્યા છે. જો તમે ચૅક મોકલાવો તો, એ “Watch Tower” નામે મોકલાવી શકો. તમે ઘરેણાં કે એના જેવી બીજી કીમતી વસ્તુઓ પણ દાનમાં આપી શકો. તમે આવી કોઈ વસ્તુ આપતા હોવ ત્યારે, એ પણ લખીને જણાવો કે એ શાના માટે દાન આપો છો.
શરતી-દાન ટ્રસ્ટ ગોઠવણ *
આ ગોઠવણમાં વૉચટાવરને લાભ થાય, એ રીતે પૈસા ટ્રસ્ટમાં મૂકી શકાય. આ ખાસ ગોઠવણમાં દાન આપનારને જરૂર પડે તો, તે દાનમાં આપેલા પૈસા પાછા મેળવી શકે છે. વધુ માહિતી માટે તમારા દેશની બ્રાંચ ઑફિસનો સંપર્ક કરો.
દાન આપવાની બીજી રીતો *
પૈસાનું દાન આપવા ઉપરાંત, આખી દુનિયામાં પ્રચાર કાર્ય માટે દાન આપવાની અનેક રીતો છે. તમે જે દેશમાં રહેતા હોવ ત્યાં લાગુ પડતું હોય એ પ્રમાણે, તમે નીચે આપેલી રીતોથી દાન આપી શકો છો:
વીમો: જીવન વીમાની પૉલિસી કે પેન્શનના ફૉર્મમાં, વારસદાર તરીકે વૉચટાવરનું નામ આપી શકાય.
બૅંક ખાતાઓ: બૅંકમાં મૂકેલા પૈસા, ફિક્સ્ડ ડિપોઝિટના સર્ટિફિકેટ અને પેન્શનના બૅંક ખાતા તમારા મરણ પછી વૉચટાવરને મળે, એ માટે કોઈ ટ્રસ્ટમાં મૂકી શકાય. અથવા મરણ પછી એ સીધા જ તેઓને મળે એવી ગોઠવણ કરી શકાય. એ ગોઠવણો તમારા બૅંકના નિયમ પ્રમાણે થઈ શકશે.
શૅર અને બૉન્ડ્સ: શૅર અને બૉન્ડ્સ પણ વૉચટાવરને દાનમાં આપી શકાય.
જમીન કે મિલકત: જમીન કે મિલકતનું વૉચટાવરને સીધું દાન કરી શકાય. અથવા દાન કરનાર પોતે જીવે ત્યાં સુધી એનો ઉપયોગ કરી શકે છે. તમારી કોઈ પણ મિલકતનું દાન કરતા પહેલાં, તમારા દેશની બ્રાંચ ઑફિસને લખો.
ગિફ્ટ ઍન્યુઇટી: આ ગોઠવણમાં વ્યક્તિ પોતાના પૈસા કે મિલકત વૉચટાવર કૉર્પોરેશનને આપી શકે. પછી દાન આપનાર કે તે પસંદ કરે તે વ્યક્તિને જીવનભર દર વર્ષે અમુક રકમ મળે. દાન આપનાર આ ગોઠવણ શરૂ કરે ત્યારે એ વર્ષમાં તેમને આવક વેરો ભરવો પડતો નથી.
વસિયત (વિલ) અને ટ્રસ્ટ: મિલકત કે પૈસા, વસિયત કે ટ્રસ્ટ દ્વારા “Watch Tower” નામે કરી શકાય. અમુક દેશોમાં, ટ્રસ્ટ દ્વારા દાન આપવાથી, સરકારી ગોઠવણ પ્રમાણે કરવેરામાંથી અમુક લાભ મળી શકે.
તમે અનેક રીતોથી આખા જગતમાં પ્રચાર માટે દાન આપી શકો છો. ઉપરની “દાન આપવાની રીતો” બતાવે છે કે દાન આપતા પહેલાં, તમારે અમુક ફૉર્મ ભરીને અગાઉથી તૈયારી કરવી પડે છે. જો તમે દાન આપવાની એ રીતોમાંથી કોઈ પણ રીત પસંદ કરતા હોવ, તો ગોઠવણો કરવા માટે અંગ્રેજી અને સ્પૅનિશ ભાષામાં એક બ્રોશર તૈયાર કરવામાં આવ્યું છે. એનું નામ છે ચૅરિટેબલ પ્લાનિંગ ટુ બેનિફિટ કિંગ્ડમ સર્વિસ વર્લ્ડવાઇડ. * આ બ્રોશર એ સમજાવે છે કે તમે કઈ ગોઠવણોથી હમણાં દાન આપી શકો છો. અથવા ગુજરી ગયા પછી પણ વસિયત દ્વારા કઈ રીતે આપી શકો. આ બ્રોશર વાંચ્યા પછી, તમારા વકીલ કે એકાઉન્ટન્ટ સાથે ચર્ચા કરી શકો છો. એમ કરીને ઘણા યહોવાહના સાક્ષીઓના જગતવ્યાપી પ્રચાર કાર્યને ટેકો આપી શક્યા છે. સાથે સાથે ટૅક્સમાંથી પણ પૂરેપૂરો લાભ મેળવી શક્યા છે.
જો તમને વધુ માહિતી જોઈતી હોય, તો યહોવાહના સાક્ષીઓને નીચે આપેલી બ્રાંચના સરનામા પર ફોન કરી શકો કે પત્ર લખી શકો. અથવા પાન ૨ પર આપેલા સરનામા પર તેઓને લખો.
Jehovah’s Witnesses,
Post Box 6440,
Yelahanka,
Bangalore 560 064,
Karnataka. Telephone: (080) 28468072
[Footnotes]
^ ભારતમાં આ લાગુ પડતું નથી.
^ નોંધ: બધા દેશોમાં ટેક્ષ ભરવાની રીત જુદી હોઈ શકે. તમે તમારા એકાઉન્ટન્ટ કે વકીલ પાસેથી કરવેરાના કાયદા-કાનૂન જાણી શકો. તેમ જ તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલાં, તમારા દેશની બ્રાંચ ઑફિસને પણ પૂછી શકો.
^ ભારતમાં આ પુસ્તિકા મળતી નથી.