સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુની જેમ લોકોને શીખવીએ

ઈસુની જેમ લોકોને શીખવીએ

ઈસુની જેમ લોકોને શીખવીએ

“તમે કેવી રીતે સાંભળો છો તે વિષે સાવધાન રહો.”—લુક ૮:૧૮.

૧, ૨. આપણે કેમ ઈસુ પાસેથી શીખવું જોઈએ?

 “તમે કેવી રીતે સાંભળો છો તે વિષે સાવધાન રહો.” આ શબ્દો ઈસુએ શિષ્યોને કહ્યા. ઈસુ એટલું સરસ રીતે શીખવતા કે લોકો સહેલાઈથી યહોવાહને માર્ગે આવતા. (લુક ૮:૧૬-૧૮) આજે આપણે પણ લોકોને યહોવાહ વિષે શીખવીએ છીએ. એટલે યહોવાહનું શિક્ષણ લોકોને આપવા જે મદદ મળે એ આપણે દિલમાં ઉતારીએ. આજે આપણને ઈસુના શબ્દો સાંભળવા મળતા નથી. પણ બાઇબલમાંથી તેમના વિષે વાંચી શકીએ. જાણી શકીએ. શીખી શકીએ. ઈસુએ લોકોને કઈ રીતે શીખવ્યું, એ આપણે આ લેખમાં જોઈશું.

ઈસુ પ્રચાર કરવામાં હોશિયાર. શાસ્ત્રના સારા જાણકાર. સત્ય શીખવનાર સૌથી સારા શિક્ષક! (લુક ૮:૧; યોહાન ૮:૨૮) લોકો યહોવાહના ભક્ત બને માટે આપણે પ્રચાર તો કરવો જ જોઈએ. સાથે સાથે ઈસુની જેમ સારા શીખવનાર પણ બનવું જોઈએ. ઘણા ભાઈ-બહેનો સારી રીતે પ્રચાર કરે છે. છતાંયે લોકોને શીખવવાની વાત આવે ત્યારે કાચા પડે છે. આપણે પ્રચાર કરીને લોકોને યહોવાહ વિષે જણાવીએ છીએ. પણ યહોવાહમાં શ્રદ્ધા મૂકવા, લોકોને ઘણી મદદની જરૂર પડે. એ માટે આપણે લોકોને પોતાના બનાવવા પડે. (માત્થી ૨૮:૧૯, ૨૦) ચાલો આપણે એ મહાન ગુરુ ઈસુ પાસેથી શીખીએ.—યોહાન ૧૩:૧૩.

૩. ઈસુને પગલે ચાલવાથી આપણને કેવી મદદ મળશે?

આપણે ઈસુને પગલે ચાલીને, પાઊલની આ સલાહ માનીએ: ‘જેઓ બહાર છે, તેઓની સાથે ડહાપણથી વર્તો; સમયનો સારો ઉપયોગ કરો. તમારૂં બોલવું હંમેશાં મધુર હોય, કે જેથી દરેકને યોગ્ય જવાબ આપવો એ તમે જાણો.’ (કોલોસી ૪:૫, ૬) ઈસુની જેમ શીખવવું સહેલું નથી. પણ એનાથી આપણે ‘દરેકને યોગ્ય જવાબ આપી’ શકીશું. દરેકને તેના સંજોગ પ્રમાણે શીખવી શકીશું.

ઈસુએ લોકોનું ધ્યાનથી સાંભળ્યું

૪. ઈસુ લોકોનું ધ્યાનથી સાંભળતા એનો દાખલો આપો.

ઈસુ નાના હતા ત્યારથી જ, લોકોનું ધ્યાનથી સાંભળતા. લોકોનાં દિલમાં શું છે એ જાણવા તૈયાર હતા. બાર વર્ષની ઉંમરે તેમણે મંદિરમાં ગુરુઓની વચમાં બેસીને ‘તેઓનું સાંભળ્યું અને સવાલો પૂછ્યા.’ (લુક ૨:૪૬) ન તો ઈસુ ત્યાં દેખાડો કરવા ગયા હતા, ન તો ગુરુઓને શરમાવવા. ભલે તેમણે સવાલો પૂછ્યા, પણ તે ત્યાં સાંભળવા ગયા હતા. તે લોકોનું ધ્યાનથી સાંભળતા. એટલે જ યહોવાહ અને માણસોને તેમનો સ્વભાવ ગમતો.—લુક ૨:૫૨.

૫, ૬. શાના પરથી કહી શકાય કે ઈસુએ લોકોની વાતો ધ્યાનથી સાંભળી?

ઈસુ બાપ્તિસ્મા પામ્યા અને મસીહ બન્યા. એ પછી પણ ઈસુએ લોકોનું ધ્યાનથી સાંભળવા સમય કાઢ્યો. તે પોતે જે શીખવતા હતા એમાં જ ખોવાઈ ન ગયા. મોટે ભાગે તે લોકોને પૂછતા કે તેઓના વિચાર શું છે. પછી ધ્યાનથી સાંભળતા. (માત્થી ૧૬:૧૩-૧૫) એક દાખલો લઈએ. લાજરસ ગુજરી ગયો ત્યારે તેની બહેન મારથાને ઈસુએ કહ્યું, “જે કોઈ જીવે છે, અને મારા પર વિશ્વાસ રાખે છે, તે કદી મરશે નહિ જ.” પછી તેમણે મારથાને પૂછ્યું: “તું શું એવો વિશ્વાસ રાખે છે?” તેનો જવાબ ઈસુએ ધ્યાનથી સાંભળ્યો કે ‘હા, પ્રભુ; મેં વિશ્વાસ રાખ્યો છે કે તું ઈશ્વરનો દીકરો, ખ્રિસ્ત છે.’ (યોહાન ૧૧:૨૬, ૨૭) મારથાની શ્રદ્ધા જોઈને ઈસુને કેટલું સારું લાગ્યું હશે!

બીજી એકવાર એવું બન્યું કે ઈસુના ઘણા શિષ્યો તેમને છોડીને ચાલ્યા ગયા. ઈસુ પોતાના જિગરી દોસ્તોના દિલમાં શું છે એ જાણવા ચાહતાʼતા. તેમણે પૂછ્યું: ‘શું તમે પણ જતા રહેવા ચાહો છો? સીમોન પીતરે તેને ઉત્તર દીધો, કે પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તારી પાસે છે. અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ, કે ઈશ્વરનો પવિત્ર તે તું જ છે.’ (યોહાન ૬:૬૬-૬૯) એ સાંભળીને ઈસુને કેવી શાંતિ વળી હશે! તમે જેની સાથે સ્ટડી કરતા હોવ, તેઓની શ્રદ્ધા પીતર જેવી હોય તો તમારું દિલ પણ કેટલી ખુશીથી ભરાઈ જશે!

ઈસુએ લોકો સાથે માનથી વાત કરી

૭. ઘણા સમરૂનીઓએ કેમ ઈસુ પર વિશ્વાસ કર્યો?

ઈસુ બહુ સારી રીતે શીખવી શકતાʼતા, કેમ કે તેમને બધા પર પ્રેમ હતો. ગમે એ વ્યક્તિ હોય, તે તેનું સાંભળીને તેને માન આપતા. એકવાર ઈસુ સૈખાર નામના શહેર પાસેના યાકૂબના કૂવા પાસે બેઠા હતા. ત્યાં એક સમરૂની સ્ત્રી સાથે વાત કરી. એ વખતે ઈસુએ જ બોલ બોલ ન કર્યું. તે સ્ત્રીની વાત પણ સાંભળી. તેમણે જોયું કે તેને ભક્તિ માટે હોંશ હતી. એટલે સ્ત્રીને કહ્યું કે ઈશ્વરને એવા જ ભક્તો ગમે છે, જે દિલથી તેમની ભક્તિ કરે. ઈસુએ તે સ્ત્રીનું ધ્યાનથી સાંભળીને તેને માન આપ્યું. તે સ્ત્રીએ જઈને બીજાને જણાવ્યું. ‘તે સ્ત્રીની વાતથી શહેરના ઘણા સમરૂનીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો.’—યોહાન ૪:૫-૨૯, ૩૯-૪૨.

૮. પ્રચારમાં લોકો સાથે કઈ રીતે વાતચીત શરૂ કરી શકાય?

મોટે ભાગે લોકોને પોતાના વિચારો જણાવવાનું ગમે છે. પહેલાંના જમાનામાં એથેન્સના લોકો એવા જ હતા. તેઓને પોતાના વિચારો કહેવાનું અને કંઈક નવું નવું સાંભળવાનું ગમતું. એના લીધે પાઊલ અરેઓપાગસ શહેરમાં સરસ પ્રવચન આપી શક્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૮-૩૪) આજે પ્રચારમાં આપણે શું કરી શકીએ? વ્યક્તિને અમુક વિષય જણાવી કહી શકીએ કે ‘આ વિષે મને તમારા વિચારો જાણવા છે.’ વ્યક્તિના વિચારો ધ્યાનથી સાંભળો. એના વિષે કંઈક કહો કે કોઈ સવાલ પૂછો. પછી જણાવો કે શાસ્ત્ર એના વિષે શું કહે છે.

ઈસુ સરસ રીતે વાતચીત શરૂ કરતા

૯. “ધર્મલેખોનો ખુલાસો” કરીને વધારે સમજણ આપતા પહેલાં ઈસુએ શું કર્યું?

ઈસુ લોકોનું ધ્યાનથી સાંભળતા તો ખરા જ. સાથે સાથે ઘણી વાર તેઓના મનના વિચારો પણ જાણી લેતા. એટલે તે સરસ રીતે વાતચીત શરૂ કરી શકતા હતા. (માત્થી ૯:૪; ૧૨:૨૨-૩૦; લુક ૯:૪૬, ૪૭) એક દાખલો લઈએ. ઈસુ સજીવન કરાયા, એના થોડા સમય પછીની વાત છે. બે શિષ્યો યરૂશાલેમથી એમ્મૌસ ગામે ચાલીને જતા હતા. ‘તેઓ એકબીજાની સાથે વાત કરતા તથા સવાલ પૂછતા હતા, એટલામાં ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યો. પણ તેઓની આંખો બંધાઈ ગએલી હોવાથી તેઓ તેને ઓળખી શક્યા નહિ. ઈસુએ તેઓને પૂછ્યું, કે તમે ચાલતાં ચાલતાં એકબીજાની સાથે શી વાત કરો છો? તેઓ ઉદાસ થઈને ઊભા રહ્યા. કલીઓપાસ નામે એકે ઉત્તર આપ્યો, કે શું, યરૂશાલેમમાં રહેનારાઓમાંનો એકલો તું જ આ દિવસોમાં બનેલી બીનાઓ નથી જાણતો? ઈસુએ તેઓને પૂછ્યું, કે કઈ બીનાઓ?’ પછી, મહાન ગુરુએ તેઓનું ધ્યાનથી સાંભળ્યું. તેઓએ સમજાવ્યું કે ઈસુ નાઝારી લોકોને શીખવતા, ચમત્કાર કરતાʼતા. તેમને મારી નાખવામાં આવ્યા. અમુક લોકોનું કહેવું હતું કે તે સજીવન કરાયા છે. આ બનાવમાં ઈસુએ પહેલા તો ક્લીઓપાસ અને તેના સાથીની વાત સાંભળી. પછી “ધર્મલેખોનો ખુલાસો” કરીને, વધારે સમજણ આપી.—લુક ૨૪:૧૩-૨૭, ૩૨.

૧૦. પ્રચારમાં વ્યક્તિની માન્યતા વિષે જાણવા શું કરી શકાય?

૧૦ કદાચ અમુક વ્યક્તિના ધર્મ વિષે આપણે કંઈ જ જાણતા ન હોઈએ. આપણે કેવી રીતે વાતચીત શરૂ કરી શકીએ? એમ કહી શકાય કે ‘પ્રાર્થના વિષે લોકોના વિચારો જાણવા મને ગમે છે. શું તમને લાગે છે કે કોઈ આપણી પ્રાર્થના સાંભળે છે?’ વ્યક્તિના જવાબ પરથી આપણે જાણી શકીશું કે તે શામાં માને છે. જો તે ભગવાનમાં માનતા હોય તો આમ પૂછી શકાય: ‘તમને લાગે છે કે ભગવાન બધી જ પ્રાર્થના સાંભળે છે, કે પછી અમુક ન પણ સાંભળે?’ આવી વાતચીતથી વ્યક્તિના દિલની વાત જાણવા મળી શકે. આપણે બાઇબલનો કોઈ વિચાર બતાવીએ તોપણ, સમજી-વિચારીને બતાવીએ. એવું ન લાગવું જોઈએ કે આપણે તેમને તોડી પાડીએ છીએ. જો તેમને મજા આવી હશે તો જરૂર ફરી આવવા કહેશે. પણ એ કંઈ પૂછે અને આપણને જવાબ ખબર ન હોય તો? એમાં ગભરાવાની જરૂર નથી. આપણે પોતે શોધ-ખોળ કરીને ફરીથી તેમને મળીએ. ‘જે આશા રાખીએ છીએ, તેનો ખુલાસો જો કોઈ માગે તો તેને નમ્રતાથી તથા સત્યતાથી’ આપીએ.—૧ પીતર ૩:૧૫.

શીખવા ચાહનારાને ઈસુએ શીખવ્યું

૧૧. શીખવા ચાહનારને શોધવા આપણને શું મદદ કરશે?

૧૧ ઈસુ તો પારખી શકતા હતા કે કોણ શીખવા ચાહે છે અને કોણ નહિ. પણ એવા લોકોને શોધવા આપણા માટે મુશ્કેલ છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮) ઈસુના શિષ્યોને પણ એ મુશ્કેલ લાગ્યું હતું. એટલે ઈસુએ કહ્યું: “જે જે નગરમાં કે ગામમાં તમે જાઓ, તેમાં યોગ્ય કોણ છે એની તપાસ કરો.” (માત્થી ૧૦:૧૧) તેઓની જેમ આપણે પણ સાંભળનાર વ્યક્તિની શોધ કરવાની છે. આપણે લોકોને મળીએ ત્યારે, ધ્યાનથી સાંભળીએ. ભગવાન વિષે તેઓને કેવું લાગે છે એ ધ્યાનમાં લઈએ.

૧૨. કોઈ સાંભળે ત્યાર પછી આપણે તેઓને કઈ રીતે મદદ કરી શકીએ?

૧૨ માનો કે કોઈએ યહોવાહ વિષે સાંભળ્યું. પછી આપણે શું કરવું જોઈએ? તેમના વિષે વિચાર કરવો જોઈએ. વાતચીત પરથી જે જરૂરી લાગે એ આપણે લખી લઈએ. વિચારીએ કે એ વ્યક્તિને કેવી રીતે મદદ કરી શકાય, જેથી તે યહોવાહનો ભક્ત બને. ફરીથી તેમને મળીએ ત્યારે પણ ધ્યાનથી સાંભળીએ. આમ તેમની માન્યતા, સંજોગો અને જીવન વિષે વધારે જાણી શકીશું. પછી, ધીમે ધીમે તેમને મદદ કરી શકીશું.

૧૩. વ્યક્તિને યહોવાહ વિષે કેવું લાગે છે એ જાણવા શું કરી શકીએ?

૧૩ લોકોને યહોવાહ વિષે કેવું લાગે છે એ કઈ રીતે જાણી શકાય? એક રીત આ છે: કોઈ કલમ વાંચો અને પૂછો કે ‘તમને આના વિષે શું લાગે છે?’ એનાથી જાણી શકાય કે વ્યક્તિના વિચારો શું છે. ઈસુની જેમ યોગ્ય સવાલ પૂછીને, આપણે લોકોને સારી રીતે શીખવી શકીએ.

ઈસુએ યોગ્ય સવાલો પૂછ્યા

૧૪. લોકોના દિલની વાત જાણવા શું કરી શકીએ?

૧૪ લોકો શરમમાં પડી જાય એવા નહિ, પણ યોગ્ય સવાલો પૂછીએ. ઈસુએ એક પછી એક સવાલોની ઝડી વરસાવી નહિ. પણ સમજી-વિચારીને યોગ્ય સવાલો પૂછ્યા. ઈસુએ પ્રેમથી લોકોનું સાંભળ્યું. એટલે લોકો તેમની સાથે છૂટથી વાત કરતા. (માત્થી ૧૧:૨૮) જાતજાતના લોક તેમની પાસે આવીને પોતાની તકલીફો જણાવતા. (માર્ક ૧:૪૦; ૫:૩૫, ૩૬; ૧૦:૧૩, ૧૭, ૪૬, ૪૭) આપણે ચાહીએ છીએ કે લોકો છૂટથી પોતાના દિલની વાત જણાવે. બાઇબલ વિષે તેઓના વિચારો જણાવે. પણ સવાલો પૂછી પૂછીને આપણે તેઓને થકવી ન નાખીએ.

૧૫, ૧૬. ધાર્મિક બાબતે લોકો સાથે કઈ રીતે વાતચીત કરી શકાય?

૧૫ બીજી કઈ રીતે લોકોના વિચારો જાણી શકાય? આપણે એવું કંઈક કહી શકીએ, જેનાથી વ્યક્તિ પોતાના વિચારો જણાવવા તૈયાર થાય. પછી આપણે ધ્યાનથી સાંભળીએ. ઈસુએ નીકોદેમસને જણાવ્યું: “જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય, તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી.” (યોહાન ૩:૩) ઈસુએ કહેલી વાત જ એવી હતી કે નીકોદેમસે કંઈક કહેવું જ પડ્યું. તેનું સાંભળ્યા પછી ઈસુએ જે કહ્યું એ તેણે પણ સાંભળ્યું. (યોહાન ૩:૪-૨૦) આ રીતે આપણે પણ લોકોને પોતાના દિલની વાત કહેવા પ્રેરી શકીએ.

૧૬ આજે આફ્રિકા હોય કે પૂર્વ યુરોપ, કે પછી લેટિન અમેરિકા, બધી બાજુ નવા નવા ધર્મોની ચર્ચા ચાલે છે. એવા દેશોમાં મોટે ભાગે આમ વાતચીત શરૂ કરી શકાય: ‘મને ઘણી વાર થાય કે આજે કેટલા બધા ધર્મો છે. પણ બધી નાત-જાત ને દેશોના લોકો સંપીને ભક્તિ કરે તો કેવું સારું! તમને એવું ગમશે?’ આપણી માન્યતા વિષે કંઈક કહેવાથી, લોકો તેમના દિલની વાત કહે પણ ખરા. જ્યારે સવાલની સાથે જવાબની પસંદગી પણ હોય તો શું કહેવું એના માટે તેઓએ ફાંફાં નહિ મારવા પડે. (માત્થી ૧૭:૨૫) વ્યક્તિ પોતાના વિચારો જણાવે પછી, કલમ બતાવીને જવાબ આપી શકો. (યશાયાહ ૧૧:૯; સફાન્યાહ ૩:૯) આમ વ્યક્તિને ધ્યાનથી સાંભળીને જાણી શકીશું કે બીજી વખત તેમની સાથે શાના વિષે વાત કરવી.

ઈસુએ બાળકોનું સાંભળ્યું

૧૭. શું બતાવે છે કે ઈસુ બાળકોને ભૂલી ન ગયા?

૧૭ ઈસુ ફક્ત મોટા લોકો સાથે જ નહિ, બાળકો સાથે પણ હળતા-મળતા. તે બાળકોની રમતો અને ભાષા વિષે જાણકાર હતા. (લુક ૭:૩૧, ૩૨; ૧૮:૧૫-૧૭) છોકરાઓ ઈસુનો જયજયકાર કરતા હતા ત્યારે તેમણે સાંભળ્યું. પછી જણાવ્યું કે એ વિષે શાસ્ત્ર પહેલેથી જણાવે છે. (માત્થી ૧૪:૨૧; ૧૫:૩૮; ૨૧:૧૫, ૧૬) આજેય ઘણાં બાળકો ઈસુને પગલે ચાલે છે. આપણે તેઓને કઈ રીતે મદદ કરી શકીએ?

૧૮, ૧૯. ઈસુને પગલે ચાલવા આપણે પોતાના બાળકને કઈ રીતે મદદ કરી શકીએ?

૧૮ આપણે પોતાના બાળકને મદદ કરતા પહેલાં તેનું સાંભળીએ. તેના વિચારો જાણીએ, સમજીએ. એ જોઈએ કે તેને યહોવાહ જેવા વિચારો કેળવવા ક્યાં મદદની જરૂર છે. બાળક ગમે એ કહે, પહેલા તો આપણે એના વિષે કંઈક સારું કહીએ. પછી તે યહોવાહના વિચારો સમજે, એ માટે યોગ્ય શાસ્ત્રવચનો બતાવીએ.

૧૯ બાળકોને એ પણ ગમતું નથી કે કોઈ સવાલ પૂછ-પૂછ કરે. કોઈક વાર અમુક સવાલો પૂછીએ તો ચાલે. તેઓનાં નાનકડાં મગજ પર સવાલોનો ઢગલો કરવાને બદલે, આપણે જ પોતાના વિષે કંઈક ટૂંકમાં કહી શકીએ. કહી શકીએ કે આપણને અમુક વિષય પર આમ લાગતું. જણાવી શકીએ કે કેમ એવું લાગતું હતું. પછી પૂછી શકીએ કે ‘શું તને પણ એમ જ લાગે છે?’ આ રીતે આપણા બાળક સાથે બાઇબલની સરસ વાતચીત કરવાની મજા આવી શકે.

ઈસુને પગલે ચાલતા રહીએ

૨૦, ૨૧. લોકોને યહોવાહના માર્ગ વિષે શીખવવા આપણે કેમ ધ્યાનથી સાંભળવું જોઈએ?

૨૦ આપણે ભલે પોતાના બાળક સાથે કે બીજા કોઈ સાથે વાત કરતા હોઈએ, તેઓનું ધ્યાનથી સાંભળવાની જરૂર છે. આપણે ફક્ત શબ્દો જ નહિ, વ્યક્તિના હાવ-ભાવને પણ ધ્યાન આપીશું. એનાથી લોકો માટેનો આપણો પ્રેમ દેખાઈ આવે છે. આપણે તેઓને માન આપીએ છીએ.

૨૧ લોકોને યહોવાહના માર્ગ વિષે શીખવીએ તેમ, તેઓનું ધ્યાનથી સાંભળીએ. એમ કરીને આપણે જાણી શકીશું કે કેવા વિષયો તેમને ગમે છે. પછી ઈસુની જેમ શીખવીને તેઓને મદદ કરવાનો પ્રયત્ન કરીએ. આપણે દિલોજાનથી આમ કરીશું તો ખુશી મળશે. દિલને સંતોષ થશે. યહોવાહના આશીર્વાદ પણ મળશે! (w07 11/15)

આપણે શું કહીશું?

• ઈસુએ કઈ રીતે લોકોને દિલની વાત કહેવા ઉત્તેજન આપ્યું?

• ઈસુ કેમ લોકોનું ધ્યાનથી સાંભળતા?

• પ્રચારમાં કઈ રીતે સવાલો પૂછીને વ્યક્તિનું દિલ ખોલી શકીએ?

• ઈસુને પગલે ચાલવા બાળકોને કઈ રીતે મદદ કરી શકીએ?

[Study Questions]

[Picture on page 28]

પ્રચારમાં ધ્યાનથી સાંભળો

[Picture on page 30]

બાળકોને યહોવાહનો માર્ગ પસંદ કરવા મદદ કરીને ઈસુને પગલે ચાલીએ