જીવનમાં સંતોષ ક્યાંથી મળે?
જીવનમાં સંતોષ ક્યાંથી મળે?
કેનિ શેર બ્રોકરની સારી કંપનીમાં કામ કરે છે. ફૉરિનની મોંઘી કાર વાપરે છે. શહેરના અમીર ભાગમાં તેમનો મોટો ફ્લેટ છે. તે સ્કાઈ ડ્રાઇવર છે. એટલે કે ઊડતા વિમાનમાંથી પેરાશૂટ પહેરીને નીચે ઊતરવામાં ઍક્સ્પર્ટ છે. એના માટે તે પાગલ છે. આપણને લાગશે કે તેમનું જીવન ખુશીથી ભરેલું છે. પણ ધ વૉલ સ્ટ્રીટ જર્નલમાં તેમણે કહ્યું: ‘હું ૪૫ વર્ષનો છું. મારા જીવનનો કોઈ મકસદ નથી. મારું જીવન બસ ખાલી ખાલી છે.’
એલિનનો દાખલો લઈએ. તે આઇસ સ્કેટિંગમાં નંબર ૧ બની. તેના વર્ષોના સપનાં સાચાં પડ્યાં. પણ એલિને ઉદાસ સાદે કહ્યું: ‘જે જોઈતું હતું એ મળી ગયું. પૈસાનો ઢગલો છે, પણ જીવન સૂનું સૂનું છે. લાગે છે હું આમ જ ઘરડી થઈને ચાલી જઈશ?’
હિડિયો એક કુશળ ચિત્રકાર હતો. તે રંગબેરંગી ચિત્રો માટે ખૂબ જાણીતો હતો. તે ચિત્ર દોરવા માટે જ જીવતો હતો. તે માનતો કે ચિત્રો વેચવાથી પોતાની કળા હલકી ગણાશે. એટલે તેણે એક પણ ચિત્ર વેચ્યું નહિ.
જીવન દોરીનો અંત આવવા લાગ્યો ત્યારે તેણે પોતાના બધાં ચિત્રો એક મ્યુઝિયમને દાનમાં આપી દીધાં. તે આખી જિંદગી તેની કળા માટે જીવ્યો. પણ તેને એમાં સંતોષ મળ્યો નહિ. કેમ કે, તે માનતો હતો કે પોતે લાખો-કરોડો વર્ષ જીવે તોય કદીએ આર્ટનો માસ્ટર બની શકશે નહિ.અમુક લોકો પોતાનું જીવન સમાજસેવામાં અર્પી દે છે. દાખલા તરીકે, હોલીવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક માલિકનો વિચાર કરો. તે અમેરિકાની સૌથી મોટી ફિલ્મ કંપનીના વાઇસ પ્રેસિડન્ટ હતા. તે ફિલ્મી હીરો સાથે હળતા-મળતા. હીરો-હીરોઈન સાથે શહેરના ખૂબ અમીર વિસ્તારમાં રહેતા. એક વાર તે કૅમ્બોડિયામાં ફરવા ગયા. ત્યાંના પાટનગર, નોમ પેન્હમાં તે એક હોટલમાં જમતા હતા. એક નાની છોકરીએ તેમની પાસે ભીખ માંગી. તેમણે તેને એક ડૉલર જેટલી ત્યાંની રકમ આપી. સાથે સાથે તેને કોલ્ડડ્રિંક ખરીદી આપ્યું. છોકરી રાજી રાજી થઈ ગઈ. બીજા દિવસે તે ફરી એ જ હોટલમાં જમતા હતા. એ જ છોકરી ફરી ત્યાં ભીખ માંગવા આવી. તેમને થયું કે આવા લોકોને એક-બે પાઈ આપવાથી કંઈ ફરક નહિ પડે. તેઓને વધારે મદદની જરૂર છે.
આ બનાવના એક વર્ષ પછી, આ વાઇસ પ્રેસિડન્ટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું છોડી દીધું. તેમણે કૅમ્બોડિયા જઈને એક સ્કૂલ શરૂ કરી. એમાં ગરીબો માટે રહેવાની, જમવાની અને ભણવાની ગોઠવણ કરી. આવી સમાજસેવા કર્યા છતાં, તેમના મનને શાંતિ ન હતી. એક બાજુ તેમને ગરીબોની સેવા કરવાનો સંતોષ હતો. પણ બીજી બાજુ, તેમની નિરાશા વધતી ગઈ. કેમ કે, લોકોની દુઃખ તકલીફો પણ વધતી હતી.
આ ચારેય જણને ખબર હતી કે તેઓના જીવનનો મકસદ શું છે. તેઓએ રાત-દિન કામ કરીને સપનાં સાકાર કર્યાં. તોપણ તેઓને સંતોષ ન હતો. તેઓને જીવન ખાલી-ખાલી લાગ્યું. હવે તમારો વિચાર કરો. તમે શાના માટે જીવો છો? તમારા જીવનમાં શું સૌથી મહત્ત્વનું છે? શું તમને ખાતરી છે કે વર્ષો પછી પણ જીવનમાં સંતોષ હશે? (w07 11/15)