સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાળકોને હળી-મળીને રહેતા શીખવો

બાળકોને હળી-મળીને રહેતા શીખવો

બાળકોને હળી-મળીને રહેતા શીખવો

નિકોલ આઠ વર્ષની છે. ગાબ્રીઅલ તેની બહેનપણી છે. નિકોલનું કુટુંબ બીજે રહેવા જવાની તૈયારી કરે છે. એ જગ્યા દૂર છે, પણ નિકોલ બહુ જ ખુશ છે. તે રોજ ગાબ્રીઅલને એની વાત કરે છે. એક દિવસ અચાનક ગાબ્રીઅલે કહ્યું, ‘તું જા! મને તારી કંઈ પડી નથી!’ નિકોલનું દિલ તૂટી ગયું. તેને ગુસ્સો આવ્યો. તેણે મમ્મીને કહ્યું, “મારે ગાબ્રીઅલનું મોઢું પણ જોવું નથી!”

નિકોલ અને ગાબ્રીઅલ વચ્ચે વાંકું પડ્યું. એ બતાવે છે કે છોકરાં હળી-મળીને રહે એ સહેલું નથી. હજુ તેઓ બાળકો જ હોવાથી, તેઓનું વર્તન ‘બાળક જેવું’ છે. (૧ કોરીંથી ૧૩:૧૧) તેઓને ખબર નથી હોતી કે એનાથી બીજાઓને દુઃખ પહોંચી શકે. એવા વખતે માબાપે સમાધાન કરાવવું પડે છે. એ પણ શીખવવું પડે છે કે કેવી રીતે એવી તકરારનો ઉકેલ લાવવો, કેવી રીતે કુટુંબ અને બીજાઓ સાથે હળી-મળીને રહેવું.

માબાપ શીખવવા ચાહે છે કે પોતાનાં બાળકો બધા સાથે “સલાહશાંતિ” કરીને, હળી-મળીને રહે. એની ‘પાછળ મંડ્યા રહે.’ (૧ પીતર ૩:૧૧) જો છોકરાંઓ એમ શીખશે તો બીજાઓ પર શંકા નહિ કરે. બીજાઓની નફરત નહિ કરે. નિરાશ નહિ થાય. બાળકો બધા સાથે હળી-મળીને રહે, એવું માબાપ કેવી રીતે શીખવી શકે?

‘શાંતિદાતા ઈશ્વરને’ ખુશ કરો

યહોવાહ ‘શાંતિના’ ઈશ્વર છે, “શાંતિદાતા” છે. (ફિલિપી ૪:૯; રૂમી ૧૫:૩૩) તેમણે બાઇબલમાં માર્ગદર્શન આપ્યું છે. માબાપે બાળકોને એમાંથી શીખવવું જોઈએ. એમાંથી તેઓ શીખશે કે કેવી રીતે યહોવાહ જેવા ગુણો કેળવીને, તેમને ખુશ કરી શકે. ચાલો એક દાખલો લઈએ. બાઇબલ કહે છે કે ઈશ્વરભક્ત યોહાનને સંદર્શન થયું. તેમણે યહોવાહની રાજગાદીની આસપાસ લીલા જેવા રંગનું સુંદર મેઘધનુષ જોયું. * (પ્રકટીકરણ ૪:૨, ૩) એ વિષે બાળક કલ્પના કરી શકે, એવી રીતે શીખવો. સમજાવો કે મેઘધનુષ યહોવાહની શાંતિને રજૂ કરે છે. અને જેઓ યહોવાહના કહેવા પ્રમાણે જીવશે તેઓને તે સુખ-શાંતિ આપશે.

યહોવાહ, ઈસુ દ્વારા પણ માર્ગદર્શન આપે છે, કેમ કે ઈસુ ‘શાંતિના સરદાર’ છે. (યશાયાહ ૯:૬, ૭) તેમણે લોકોને શીખવ્યું કે મારા-મારી ન કરવી. ઝઘડા ન કરવા. આવા બનાવો તમારાં બાળકો સાથે વાંચો. એની ચર્ચા કરો. (માત્થી ૨૬:૫૧-૫૬; માર્ક ૯:૩૩-૩૫) ઈશ્વરભક્ત પાઊલ વિષે પણ જણાવો કે તે પહેલાં ‘જુલમી હતા.’ પણ પછી સારા માણસ બન્યા. પાઊલે સલાહ આપી કે ‘પ્રભુના દાસે તકરાર કરવી નહિ, પણ તે સર્વ માણસો પ્રત્યે માયાળુ, સહનશીલ’ હોવો જોઈએ. (૧ તીમોથી ૧:૧૩; ૨ તીમોથી ૨:૨૪) આ અનુભવો પરથી બાળકો ઘણું શીખી શકશે.

ચાલો ઈવાનનો દાખલો લઈએ. તેને યાદ છે કે તે સાત વર્ષનો હતો ત્યારે, સ્કૂલ બસમાં એક છોકરાએ તેની મજાક કરી. ઈવાન કહે છે કે “મને એવો તો ગુસ્સો આવ્યો કે વાત ના પૂછો! તેને ચૂપ કરી દેવાનું મન થયું. પણ હું ચૂપ રહ્યો. મારાં માબાપે મને શીખવ્યું હતું એ યાદ આવ્યું, કે યહોવાહ ચાહે છે કે ‘ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલો.’” (રૂમી ૧૨:૧૭, ૧૮) ઈવાને ગુસ્સા પર કાબૂ રાખ્યો. હિંમત રાખી. શાંત રહીને તેણે ઝઘડાની આગ બુઝાવી. ઈવાનને યહોવાહનું દિલ ખુશ કરવું હતું.

ઘરમાં હળી-મળીને રહો

શું તમારા ઘરમાં બધા હળી-મળીને રહે છે? માબાપનું વર્તન જોઈને બાળક શીખે છે. એ માટે ઈસુ અને યહોવાહના પગલે માબાપે ચાલવું જોઈએ. પછી માબાપ જ્યારે કુટુંબને હળી-મળીને રહેતા શીખવે, ત્યારે એ સહેલાઈથી બાળકોને ગળે ઊતરી જશે.—રૂમી ૨:૨૧.

રસભાઈ અને સીન્ડીબેનનો દાખલો લઈએ. તેઓને બે પુત્રો છે. તેઓને મોટા કરવા બહુ મહેનત કરે છે. છોકરાંને શીખવે છે કે કોઈ હેરાન કરે ત્યારે ગુસ્સે ન થવું. સીન્ડીબેન કહે છે કે ‘દીકરાઓ કે બીજાઓ સાથે અમને મુશ્કેલી થાય ત્યારે છોકરાંઓ અમારું વર્તન જુએ છે. એ જોઈને તેઓ શીખે છે કે મુશ્કેલીમાં કેવું વર્તન રાખવું જોઈએ.’

બાળકોને મોટા કરવામાં માબાપ ભૂલ તો કરવાના જ. પણ તરત જ માફી માગો. છોકરાંઓ એ જોઈને ઘણું શીખશે. સ્ટીવનભાઈ ને ટેરીબેનનો દાખલો લઈએ. તેઓ કહે છે કે ‘અમુક વખત અમે પૂરી હકીકત જાણ્યા વગર છોકરાંને ખખડાવી નાખતા. પછી ખબર પડતી કે એમાં તો તેઓનો કંઈ વાંક-ગુનો નથી. તરત અમે ‘સૉરી’ કહેતા. જણાવતા કે અમે પણ મામૂલી ઇન્સાન છીએ. ભૂલો કરીએ છીએ. એનાથી કુટુંબમાં શાંતિ તો આવી જ, પણ છોકરાં બધા સાથે હળી-મળીને રહેતા શીખ્યા.’

શું તમારા વાણી-વર્તનથી છોકરાંઓ હળી-મળીને રહેતા શીખે છે? ઈસુએ કહ્યું કે “જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.” (માત્થી ૭:૧૨) સાથે સાથે એ પણ ન ભૂલો કે બાળકો પ્રેમના ભૂખ્યા છે. તેઓ પર ભરપૂર પ્રેમ વરસાવો. માર્ગદર્શન કે શિસ્ત આપો, પણ પ્રેમથી આપો.

મગજ શાંત રાખો

બાઇબલ જણાવે છે કે “માણસની વિવેકબુદ્ધિ [સમજણ] તેના ક્રોધને શાંત કરે છે.” (નીતિવચનો ૧૯:૧૧) તમારા બાળકો કેવી રીતે એ સમજણ કેળવી શકે? ચાલો એ માટે ડેવિડ ને મેરિઆનના કુટુંબનો દાખલો લઈએ. તેઓને એક છોકરો ને છોકરી છે. તેઓ કહે છે, ‘અમુક વખતે કોઈ કંઈક બોલે કે કરે, એનાથી છોકરાંઓને ગુસ્સો આવે. ત્યારે અમે તેઓને બીજાઓની લાગણી સમજવા મદદ કરીએ છીએ. જેમ કે અમે કહીએ કે, તેને સારું નહિ હોય. એનો દિવસ બહુ સારો નહિ ગયો હોય. કદાચ તે તમારી અદેખાઈ કરે છે. અથવા કોઈનો ગુસ્સો એ તમારા પર કાઢે છે. એનાથી છોકરાંઓ સારું વિચારે છે. કોનો વાંક છે એની ચિંતા કરવાને બદલે, ગુસ્સા પર કાબૂ રાખતા શીખે છે.’

છોકરાંઓને એવી ટ્રેનિંગ આપવાથી ઘણો ફાયદો થશે. આગળ આપણે નિકોલ અને ગાબ્રીઅલની વાત કરી. નિકોલની મમ્મી મીશેલબેને તેને ફરીથી દોસ્તી બાંધવા મદદ કરી. એટલું જ નહિ, મીશેલબેન કહે છે કે ‘મેં અને નિકોલે લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર પુસ્તકમાંથી ૧૪મું પ્રકરણ વાંચ્યું. * એમાં ઈસુએ કહ્યું કે વ્યક્તિને કાયમ માફી આપવી જોઈએ. નિકોલે જણાવ્યું કે ગાબ્રીઅલે જે કહ્યું એનાથી તેને કેવું લાગ્યું. મેં શાંતિથી સાંભળ્યું. પછી તેને ગાબ્રીઅલનો વિચાર કરવા સમજાવ્યું કે તેની બેસ્ટ ફ્રેન્ડ બહુ દૂર જાય છે. એનું તેને બહુ જ દુઃખ થતું હશે.’—માત્થી ૧૮:૨૧,૨૨.

નિકોલને સમજાયું કે શા માટે ગાબ્રીઅલ ગુસ્સે થઈ હશે. તેણે ગાબ્રીઅલને ફોન કરીને માફી માંગી. નિકોલની મમ્મી કહે છે કે ‘ત્યારથી નિકોલ હવે બહુ ખુશ રહે છે. તે બીજાઓની લાગણી સમજે છે. બીજાને મદદ કરે છે, જેનાથી તેઓને સારું લાગે.’—ફિલિપી ૨:૩, ૪.

બાળકોને શીખવો કે બીજાઓની ભૂલોથી કે ગેરસમજથી ગુસ્સે ન થાય. એમ કરવાથી તેઓ બધા પર પ્રેમ રાખતા શીખશે. હળી-મળીને રહેશે. એ જોઈને તમને આનંદ થશે ખરું ને!—રૂમી ૧૨:૧૦; ૧ કોરીંથી ૧૨:૨૫.

બીજાને માફ કરતા શીખવો

બાઇબલ જણાવે છે કે બીજાનો ‘અપરાધ માફ કરો.’ (નીતિવચનો ૧૯:૧૧) ઈસુએ પોતાના પિતા યહોવાહને પગલે ચાલીને લોકોને માફ કર્યા. દાખલા તરીકે, લોકો ઈસુને રિબાવી રિબાવીને મારતા હતા ત્યારે પણ તેઓને માફ કર્યા. (લુક ૨૩:૩૪) એવી જ રીતે બાળક ભૂલ કરે ત્યારે તેને માફ કરો. એ જોઈને બાળક પણ બીજાઓને માફ કરવાનું શીખશે.

વિલીનો દાખલો લઈએ. તે પાંચ વર્ષનો છે. તેને નાનીમા સાથે ચિત્રમાં રંગ પૂરવા ગમે છે. એક દિવસ તેઓ રંગ પૂરતા હતા. અચાનક નાનીમા તેના પર તપી ગયા અને તેને એકલો મૂકીને જતા રહ્યા. બિચારો વિલી! વિલીના પપ્પાએ કહ્યું કે ‘વિલીના નાનીમા એંશી વર્ષના છે. તેમની યાદશક્તિ ધીરે ધીરે ઓછી થાય છે (ઍલ્ઝાઈમરનો રોગ). એટલે મેં અને મારી પત્નીએ વિલીને એના વિષે સાદી રીતે સમજાવ્યું.’ વિલીને યાદ કરાવ્યું કે તેની ભૂલોની પણ કેટલી બધી વાર માફી મળી છે. એટલે તેણે પણ બીજાઓને માફી આપવી જોઈએ. વિલીએ એ સાંભળીને શું કર્યું? તેના પપ્પા જણાવે છે કે ‘નાનકડો વિલી નાનીમા પાસે ગયો. પ્રેમથી તેમને કહ્યું, “પ્લીઝ મને માફ કરો.” પછી તેમનો હાથ પકડીને ધીમે ધીમે ચિત્ર પાસે લઈ આવ્યો. ફરીથી તેઓ રંગ પૂરવા લાગ્યા. જરા વિચારો, એ જોઈને અમને કેવું લાગ્યું હશે!’

છોકરાંઓ ‘એકબીજાનું સહન કરીને’ માફ કરે, એ બહુ જ સારું છે. (કોલોસી ૩:૧૩) ઘણા લોકો જાણીજોઈને છોકરાંઓને હેરાન કરશે. તોપણ બાળકોને શીખવો કે શાંત રહેવાથી તેઓને જ ફાયદો થશે. બાઇબલ કહે છે કે “જ્યારે કોઈ માણસના માર્ગથી યહોવાહ રાજી થાય છે, ત્યારે તે તેના શત્રુઓને પણ તેની સાથે સલાહસંપમાં રાખે છે.”—નીતિવચનો ૧૬:૭.

બાળકને મદદ કરતા રહો

માબાપો, બાળકોને ‘શાંતિથી’ બાઇબલમાંથી શીખવો. તમે પોતે ‘સલાહ કરાવનારા’ બનો. બાળક તમને જોઈને ઘણું શીખશે. (યાકૂબ ૩:૧૮) બાળક શીખશે કે બીજાઓ સાથે તકલીફ ઊભી થાય તો શું કરવું. એનાથી તેબધા સાથે હળી-મળીને રહેશે. પછી તેઓનું જીવન સંતોષી હશે, ખુશીઓથી ભરાઈ જશે.

દાન અને કેથીના કુટુંબનો દાખલો લઈએ. તેઓનાં ત્રણેય બાળકો હવે યુવાન થઈ ગયા છે. સારી રીતે યહોવાહની ભક્તિ કરે છે. દાનભાઈ કહે છે કે ‘બાળકોને મોટા કરવા કંઈ સહેલું ન હતું. પણ અમે ધીરજ રાખી. હવે તેઓ યહોવાહની ભક્તિમાં ઘણું સારું કરે છે. બીજાઓ સાથે હળી-મળીને રહે છે. કોઈએ તેઓ સામે ખોટું કર્યુ હોય તોપણ માફી આપવા તૈયાર છે.’ કેથીબેને કહ્યું, ‘એ જોઈને અમને આનંદ થાય છે. એવા ગુણો યહોવાહને ગમે છે.’—ગલાતી ૫:૨૨, ૨૩.

માબાપો, બાળકોને હળી-મળીને રહેતા શીખવતા રહો. ખરું કે તેઓ તમારું કહેલું બધું જ નહિ કરે. પણ ‘થાકશો નહિ.’ હિંમત ન હારો. ધીરે ધીરે એ શીખશે. કદીયે ન ભૂલો કે ‘પ્રેમ તથા શાંતિ આપનાર યહોવાહ તમારી સાથે રહેશે.’—ગલાતી ૬:૯; ૨ કોરીંથી ૧૩:૧૧. (w07 12/1)

[Footnotes]

^ પ્રકટીકરણ—એની ભવ્ય પરાકાષ્ઠા હાથવેંતમાં છે! પુસ્તકનું પાન ૭૫ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

^ આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[Box/Picture on page 20]

મીડિયા ને સંસ્કાર

એક મીડિયા કંપનીએ (મીડિયા અવેરનેસ નેટવર્ક) એક લેખ લખ્યો. ટાઇટલ હતું, ‘હિંસાથી ભરેલું મીડિયા.’ એમાં જણાવે છે કે ‘આજે ફિલ્મ, ટીવી પ્રોગ્રામ ને મ્યુઝિક પ્રોગ્રામમાં હીરો અને વિલન બહુ જ મારા-મારી કરે છે. એ જોઈને લોકો શીખે છે કે તકલીફ દૂર કરવી હોય તો ઢીસૂમ-ઢીસૂમ કરવું પડે.’ ફક્ત ૧૦ ટકા પ્રોગ્રામો જ બતાવે છે કે લડાઈ કરવાના કેવા ખરાબ પરિણામ આવી શકે. બીજા બધા તો બતાવે છે કે ‘મારા-મારી કરવામાં કંઈ ખોટું નથી. અરે તકલીફ હોય તો મારા-મારી કરીને કામ પતાવી દેવું જોઈએ.’

એ વાંચીને તમને કેવું લાગે છે? તમારા બાળક આવા પ્રોગ્રામ જોઈને શું શીખશે? તમારું બાળક બધા સાથે હળી-મળીને રહે એવું ઇચ્છતા હો તો ધ્યાન રાખજો કે આવા પ્રોગ્રામો તમારી મહેનત પર પાણી ન ફેરવી દે.

[Picture on page 17]

‘શાંતિદાતા ઈશ્વરને’ ખુશ કરવાનું બાળકને શીખવો

[Picture on page 18]

બાળકનું વર્તન ખરાબ હોય તો તેને સુધારજો

[Picture on page 19]

બીજાઓને માફ કરે એ બાળકને શીખવવું જોઈએ