સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

લોકોને સચ્ચાઈના માર્ગમાં લાવવા શું કરવું જોઈએ?

લોકોને સચ્ચાઈના માર્ગમાં લાવવા શું કરવું જોઈએ?

લોકોને સચ્ચાઈના માર્ગમાં લાવવા શું કરવું જોઈએ?

“તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો.”—માત્થી ૨૮:૧૯.

૧. અમુક ઈશ્વરભક્તોએ કેવી આવડત અને ગુણો કેળવ્યા?

 યહોવાહના ભક્તો તેમની ભક્તિ દિલોજાનથી કરવા માંગે છે. એ માટે તેઓ રાજી-ખુશીથી જુદી જુદી આવડત શીખે છે. અનમોલ ગુણો કેળવે છે. ઈબ્રાહીમ અને સારાહનો વિચાર કરો. યહોવાહના કહેવાથી તેઓએ ઉર શહેરની એશઆરામની જિંદગી છોડી. તેઓ તંબૂમાં રહેતા શીખ્યા. (હેબ્રી ૧૧:૮, ૯, ૧૫) યહોશુઆનો દાખલો લો. તે ઈસ્રાએલી લોકોને યહોવાહે વચન આપેલા દેશમાં લઈ ગયા. એ માટે તેમણે યહોવાહના નિયમોનું ભરપૂર જ્ઞાન લીધું. તેમનામાં પૂરો ભરોસો રાખ્યો. હિંમત રાખી. (યહોશુઆ ૧:૭-૯) બસાલએલ ને આહોલીઆબ હોશિયાર કારીગરો હતા. યહોવાહનો હાથ તેઓ પર હતો. એટલે તેઓએ મુલાકાતમંડપ અને એને લગતું બાંધકામ બહુ સરસ રીતે કર્યું.—નિર્ગમન ૩૧:૧-૧૧.

૨. લોકોને શીખવવા વિષે કેવા સવાલોની ચર્ચા કરીશું?

એની સદીઓ પછી ઈસુએ પોતાને પગલે ચાલનારાને આ આજ્ઞા આપી: ‘તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.’ (માત્થી ૨૮:૧૯, ૨૦) આવું કામ કરવાનો આશીર્વાદ પહેલાંના લોકોને મળ્યો નથી! એ કામ કરવા કેવા ગુણો જરૂરી છે? એ ગુણો કઈ રીતે કેળવી શકીએ?

યહોવાહ પરનો પ્રેમ

૩. આપણે યહોવાહને ચાહતા હોઈએ તો શું કરીશું?

પહેલાંના જમાનામાં ઈસ્રાએલીઓ યહોવાહની આજ્ઞાઓ પાળતા. અર્પણો ચઢાવતાં. ગીતો ગાઈને યહોવાહનો જયજયકાર કરતા. આ રીતે તેઓ યહોવાહ પરનો પ્રેમ બતાવી શકતા. (પુનર્નિયમ ૧૦:૧૨, ૧૩; ૩૦:૧૯, ૨૦; ગીતશાસ્ત્ર ૨૧:૧૩; ૯૬:૧, ૨; ૧૩૮:૫) જો આપણે યહોવાહને દિલોજાનથી ચાહીશું, તો તેમના નિયમો પાળીશું. પૂરી લગનથી લોકોને તેમના વિષે શીખવીશું. એનાથી આપણો પ્રેમ હજુએ ખીલી ઊઠશે. યહોવાહ જે આશીર્વાદો લાવશે, એની વાતો આપણા દિલમાંથી આવવી જોઈએ. એના વિષે કહેતા કદીયે થાકીએ નહિ. આપણે યહોવાહને ચાહતા હોઈએ તો શું કરીશું?—૧ થેસ્સાલોનીકી ૧:૫; ૧ પીતર ૩:૧૫.

૪. યહોવાહ વિષે લોકોને શીખવતા ઈસુ કેમ થાકતા નહિ?

ઈસુ દિલોજાનથી યહોવાહને ચાહતા હતા. એટલે યહોવાહ વિષે, તેમના રાજ્ય અને ભક્તિ વિષે લોકોને જણાવતા થાકતા જ નહિ. (લુક ૮:૧; યોહાન ૪:૨૩, ૨૪, ૩૧) અરે, ઈસુએ કહ્યું કે “જેણે મને મોકલ્યો છે, તેની ઇચ્છા પૂરી કરવી, અને તેનું કામ પૂર્ણ કરવું, એ મારું અન્‍ન છે.” (યોહાન ૪:૩૪) આ શબ્દો પણ ઈસુને લાગુ પડે છે: “હે મારા દેવ, તારી ઇચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું; તારો નિયમ મારા હૃદયમાં છે. મહા મંડળીમાં મેં તારા ન્યાયીપણાની વાત પ્રગટ કરી છે; મેં મારા હોઠો બંધ કર્યા નથી, હે યહોવાહ, તે તું જાણે છે.”—ગીતશાસ્ત્ર ૪૦:૮, ૯; હેબ્રી ૧૦:૭-૧૦.

૫, ૬. લોકોને સારી રીતે શીખવવા કયા અનમોલ ગુણની જરૂર છે?

યહોવાહની ભક્તિ કરવાનું શરૂ કર્યું હોય એવા ભાઈ-બહેનોનો વિચાર કરો. તેઓમાં યહોવાહના પ્રેમની જ્યોત જલતી હોય છે. તેઓ એવી સરસ રીતે બાઇબલમાંથી શીખવે છે કે લોકોએ એ માનવું પડે. (યોહાન ૧:૪૧) યહોવાહ પરનો પ્રેમ આપણને ચૂપ રહેવા દેતો નથી. આપણે બીજા લોકોને તેમના વિષે શીખવ્યા વિના રહી શકતા નથી. એ પ્રેમની જ્યોત બુઝાવા ન દઈએ. રોજ બાઇબલ વાંચીએ. એના પર વિચારીએ.—૧ તીમોથી ૪:૬, ૧૫; પ્રકટીકરણ ૨:૪.

યહોવાહ પરના પ્રેમને લીધે જ ઈસુ લોકોને હોંશે હોંશે શીખવતા. સાથે સાથે ઈસુએ બીજું શું કર્યું, જેનાથી લોકોને સારી રીતે શીખવી શક્યા?

લોકો પર પ્રેમ વરસાવો

૭, ૮. ઈસુને લોકો પર કેવો પ્રેમ હતો?

યહોવાહ પોતે પ્રેમના સાગર અને દુખિયાના બેલી. તેમની જેમ જ ઈસુને લોકો પર બહુ જ પ્રેમ. સ્વર્ગમાં હતા ત્યારે પણ મનુષ્યને લગતી વાતોમાં તેમને આનંદ થતો. (નીતિવચનો ૮:૩૦, ૩૧) પૃથ્વી પર આવ્યા ત્યારે પણ તેમને લોકો પર એટલી જ માયા ને પ્રેમ. તે લોકોના દિલની વાત સમજતા. તેઓના સંજોગો સમજતા. દુખિયાને દિલાસો આપતા. અરે ગમે એવા લોકો તેમની પાસે આવે, હળવા થઈને જાય. જાતજાતના લોકોએ ઈસુનું સાંભળ્યું, માન્યું, તેમના પગલે ચાલ્યા. ઈસુના આવા સ્વભાવથી લોકો યહોવાહ તરફ ખેંચાયા.—માત્થી ૧૧:૨૮-૩૦; લુક ૭:૩૬-૫૦; ૧૮:૧૫-૧૭; ૧૯:૧-૧૦.

એક વાર ઈસુને એક માણસે પૂછ્યું કે મારે અમર જીવન જીવવા શું કરવું? “તેની તરફ જોઈને ઈસુને તેના પર હેત આવ્યું.” (માર્ક ૧૦:૧૭-૨૧) બેથાનીઆમાં ઈસુના શિષ્ય હતા, તેઓ વિષે આપણે આમ વાંચીએ છીએ: “મારથા તથા તેની બહેન તથા લાજરસ ઉપર ઈસુ પ્રેમ રાખતો હતો.” (યોહાન ૧૧:૧,) ઈસુ લોકોને એટલા ચાહતાʼતા કે ખાવા-પીવાનું, આરામ લેવાનું પણ ભૂલી જતા. (માર્ક ૬:૩૦-૩૪) તેમણે સૌથી સારી રીતે લોકોને યહોવાહના માર્ગ વિષે શીખવ્યું. લોકો માટેનો તેમનો પ્રેમ મહાન પ્રેમ હતો.

૯. પાઊલનો સ્વભાવ કેવો હતો?

ઈશ્વરભક્ત પાઊલને પણ લોકો માટે બહુ જ પ્રેમ હતો. થેસ્સાલોનીકીના લોકો માટેના પ્રેમ વિષે તે જણાવે છે: ‘અમે તમારા પર બહુ મમતા રાખીને, તમને કેવળ ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરવાને જ નહિ, પણ અમારા જીવો પણ આપવાને રાજી હતા, કારણ કે તમે અમને બહુ પ્રિય થઈ પડ્યા હતા.’ પાઊલના આવા સ્વભાવને લીધે જ ત્યાંના અમુક લોકો ‘મૂર્તિઓ તરફથી ઈશ્વરની ભણી ફર્યા.’ એ લોકો યહોવાહના ભક્તો બન્યા. (૧ થેસ્સાલોનીકી ૧:૧૦; ૨:૮) આપણે પણ લોકો પર ઈસુ અને પાઊલ જેવો જ પ્રેમ રાખીએ. જ્યારે લોકો સાંભળશે, યહોવાહના માર્ગે ચાલશે, ત્યારે આપણને પણ તેઓ જેવી જ ખુશી થશે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮.

સ્વાર્થ વિનાનો પ્રેમ

૧૦, ૧૧. લોકોને શીખવવા માટે કેમ આપણામાં સ્વાર્થ વિનાનો પ્રેમ હોવો જોઈએ?

૧૦ લોકોને યહોવાહના માર્ગ વિષે શીખવવા ઘણું જતું કરવું પડે. આ કામમાં પૈસાનો પ્રેમ પોસાય જ નહિ. ઈસુએ પોતાના દોસ્તોને કહ્યું કે ‘જેઓની પાસે દોલત છે તેઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું કેટલું બધું અઘરું પડશે!’ ઈસુના દોસ્તોને જરા નવાઈ લાગી. પણ તેમણે કહ્યું કે ‘દોલત પર ભરોસો રાખનારાઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું કેવું અઘરું છે! દોલતવાનને દેવના રાજ્યમાં પેસવા કરતાં ઊંટને સોયના નાકામાં થઈને જવું સહેલ છે.’ (માર્ક ૧૦:૨૩-૨૫) ઈસુએ પોતાના પગલે ચાલનારાને સીધુંસાદું જીવન જીવવાની સલાહ આપી. એમ કરવાથી લોકોને શીખવવા પર વધારે ધ્યાન આપી શકાય. (માત્થી ૬:૨૨-૨૪, ૩૩) લોકોને શીખવવા પર વધારે ધ્યાન આપવા સાદું જીવન કઈ રીતે મદદ કરી શકે?

૧૧ ઈસુએ જે જે આજ્ઞા આપી, એ લોકોને શીખવવા ઘણો પ્રયત્ન કરવો પડે છે. લોકોને શીખવવા માટે આપણને પૂરા દિલની હોંશ હોવી જોઈએ. સારી રીતે શીખવવા વ્યક્તિને દર અઠવાડિયે મળવું જોઈએ. અમુક ભાઈ-બહેનો તો એવી વ્યક્તિને શોધવા ફૂલ-ટાઇમને બદલે પાર્ટ-ટાઇમ જૉબ કરે છે. જુદી જુદી ભાષાના લોકોને શીખવવા, હજારો ભાઈ-બહેનો બીજી ભાષા શીખ્યા છે. અરે, ઘણા તો બીજી જગ્યાએ કે બીજા દેશોમાં ગયા છે. (માત્થી ૯:૩૭, ૩૮) આવો સ્વાર્થ વિનાનો પ્રેમ આજે ક્યાં જોવા મળે!

ધીરજ રાખો, સમય બચાવો

૧૨, ૧૩. લોકોને શીખવવા કેમ ધીરજ બહુ જ જરૂરી છે?

૧૨ લોકોને શીખવવા માટે ધીરજ બહુ જ જરૂરી છે. આપણો સંદેશો સાંભળી લોકો તરત જ કંઈ કરે તો સારું. પણ ઘણી વાર તેઓને ટાઇમ આપવો પડે. બહુ ધીરજ રાખવી પડે. (૧ કોરીંથી ૭:૨૯) ઈસુનો વિચાર કરો. તેમણે પોતાના ભાઈ માટે કેટલી ધીરજ રાખી! ઈસુ જોરશોરથી પ્રચાર કરતાʼતા. તોપણ, યાકૂબ કોઈ કારણે ઈસુના શિષ્ય બન્યા નહિ. (યોહાન ૭:૫) ૩૩ની સાલમાં ઈસુના મરણ અને પેન્તેકોસ્ત વચ્ચેના સમયમાં યાકૂબ શિષ્ય બની ગયા હતા. એટલે જ પેન્તેકોસ્તના દિવસે ભાઈ-બહેનો પ્રાર્થના કરવા ભેગા મળ્યા ત્યારે, તેઓમાં ઈસુની મા અને ભાઈઓમાંના યાકૂબ પણ હોવા જોઈએ. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૧૩, ૧૪) પછીથી તેમણે મંડળમાં ભારે જવાબદારીઓ ઉપાડી.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧૩; ૧ કોરીંથી ૧૫:૭.

૧૩ લોકોને યહોવાહના માર્ગ વિષે શીખવવાનું કામ ખેડૂતના કામ જેવું છે. અનાજ કંઈ રાતોરાત પાકતું નથી. એવી જ રીતે, બાઇબલની સમજણ, યહોવાહ પરનો પ્રેમ અને ઈસુ જેવો સ્વભાવ કંઈ રાતોરાત વ્યક્તિ કેળવી શકતી નથી. યાકૂબે લખ્યું કે “ભાઈઓ, પ્રભુના આવતાં સુધી તમે ધીરજ રાખો. જુઓ, ખેડૂત ખેતરમાં થનારા મૂલ્યવાન ફળની વાટ જુએ છે, અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે. તમે પણ ધીરજ રાખો, તમારાં મન દૃઢ રાખો; કેમ કે પ્રભુનું આગમન નજીક છે.” (યાકૂબ ૫:૭, ૮) યાકૂબે ઈશ્વરભક્તોને વિનંતી કરી કે “પ્રભુના આવતાં સુધી” ધીરજ રાખો. જ્યારે પણ ઈસુના દોસ્તોને કંઈ સમજ ન પડતી, ત્યારે તે ધીરજથી દાખલા આપીને સમજાવતા. (માત્થી ૧૩:૧૦-૨૩; લુક ૧૯:૧૧; ૨૧:૭; પ્રેરિતોનાં કૃત્યો ૧:૬-૮) આજે કોઈને શીખવતી વખતે આપણે પણ એવી જ ધીરજ રાખવાની જરૂર છે.—યોહાન ૧૪:૯.

૧૪. આપણે કઈ રીતે ધીરજ રાખીએ પણ સમય ન બગાડીએ?

૧૪ ઘણી વાર ધીરજ રાખીએ તોપણ, બાઇબલ સ્ટડી કરનારા બધા જ યહોવાહનો માર્ગ સ્વીકારતા નથી. (માત્થી ૧૩:૧૮-૨૩) આપણે બનતી બધી જ મહેનત કરીએ. તોપણ, તેઓ કંઈ ન કરે તો શું? એમ બને તો પછી એવા લોકોની શોધ કરવા સમય વાપરીએ, જેઓને બાઇબલમાંથી શીખવું હોય. (સભાશિક્ષક ૩:૧,) ઘણાને યહોવાહનો માર્ગ ગમે છે. પણ જીવનમાં, સ્વભાવમાં ફેરફાર કરવાનું મુશ્કેલ લાગે. તેઓને વધારે મદદની જરૂર હોઈ શકે. ઈસુએ પોતાના દોસ્તોને સારો સ્વભાવ કેળવવા કેટલી બધી મદદ કરી હતી! ચાલો આપણે પણ ઈસુની જેમ ધીરજ બતાવીએ.—માર્ક ૯:૩૩-૩૭; ૧૦:૩૫-૪૫.

સારી રીતે શીખવીએ

૧૫, ૧૬. વ્યક્તિને શીખવતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

૧૫ આપણે જોયું કે લોકો યહોવાહના ભક્તો બને એ માટે આ ગુણો કેળવવા જોઈએ: યહોવાહ અને લોકો માટેનો પ્રેમ. પોતે કંઈ પણ જતું કરવાની તૈયારી અને ધીરજ. હવે એ જોઈએ કે સારી રીતે શીખવવાની કળા કઈ રીતે કેળવી શકીએ. એનાથી આપણે લોકોને સહેલી રીતે શીખવી શકીશું. મહાન શિક્ષક, ઈસુએ કેવી રીતે શીખવ્યું? તે જે કહેતા એ તરત લોકોના દિલમાં ઊતરી જતું. જેમ કે, તેમણે વાપરેલી અમુક સીધીસાદી કહેવતો જોઈએ: “તમે પોતાને સારૂ આકાશમાં દ્રવ્ય એકઠું કરો.” “જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો.” ‘જ્ઞાન પોતાનાં કાર્યોથી સાચું ઠરે છે.’ ‘જે કાઈસારના તે કાઈસારને, જે ઈશ્વરનાં તે ઈશ્વરને ભરી આપો.’ (માત્થી ૬:૨૦; ૭:૬; ૧૧:૧૯; ૨૨:૨૧) એવું નʼતું કે ઈસુએ આવાં નાનાં નાનાં વાક્યો કહીને રહેવા દીધાં. પણ સીધીસાદી રીતે શીખવ્યું. જરૂર પડી ત્યારે વધારે સમજણ પણ આપી. ઈસુની જેમ શીખવવા આપણે શું કરવું જોઈએ?

૧૬ એક તો સારી તૈયારી કરવી જોઈએ. એમ નહિ કરનાર મોટે ભાગે પોતે જ બોલ-બોલ કરે છે. પોતે જાણતા હોય એ બધુંય બોલી નાખે. એમાં મુખ્ય વિચારો ક્યાંય ખોવાઈ જાય છે. પણ જો સારી તૈયારી કરીશું તો આપણે સ્ટડી કરનાર વ્યક્તિનો વિચાર કરીશું. જરૂર હોય એટલું જ, સાદી રીતે શીખવીશું. (નીતિવચનો ૧૫:૨૮; ૧ કોરીંથી ૨:૧, ૨) આપણે વિચારીશું કે એ વિષય પર વ્યક્તિ કેટલું જાણે છે. પછી, સ્ટડીમાં જે જે મુદ્દાની વાત કરવાની હોય એટલી જ કરીશું. ભલે આપણે એ વિષય પર ઘણું જાણતા હોઈએ. તોપણ સીધીસાદી રીતે શીખવવું હોય તો વ્યક્તિને બધું જ જણાવી ‘અપચો’ કરવાની જરૂર નથી.

૧૭. લોકોના દિલ સુધી બાઇબલની અમૃતવાણી પહોંચાડવા શું કરવું જોઈએ?

૧૭ ઈસુ લોકોના પ્રશ્નોના જવાબ તરત આપી દેતા નહિ. લોકો પોતે વિચારીને નક્કી કરે, એવી રીતે ઈસુ વાત કરતા. એક વાર તેમણે પૂછ્યું, “સીમોન, તને શું લાગે છે? પૃથ્વીના રાજાઓ કોની પાસેથી દાણ અથવા કર લે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પારકાઓ પાસેથી?” (માત્થી ૧૭:૨૫) બાઇબલ સ્ટડી ચલાવતી વખતે આપણે શું કરીએ છીએ? આપણને બાઇબલ વિષે સમજાવવું બહુ ગમતું હોય. તોપણ ચૂપ રહેતા શીખવાની જરૂર છે. એનાથી સામેવાળી વ્યક્તિ પોતાના દિલની વાત જણાવી શકશે. એનો અર્થ એવો પણ નહિ કે આપણે બસ એક પછી એક સવાલોની ઝડી વરસાવીએ. આપણે સારી રીતે શીખવવું હોય તો સમજી-વિચારીને વર્તીએ. સારા સારા ઉદાહરણ વાપરીએ. સવાલો પૂછીએ. આ રીતે આપણે બાઇબલની અમૃતવાણી તેઓના દિલ સુધી પહોંચાડી શકીશું.

૧૮. વ્યક્તિને સારી રીતે શીખવવા શું કરવું જોઈએ?

૧૮ બાઇબલ જણાવે છે કે આપણે સારી રીતે શીખવવાની કળા કેળવીએ. (૨ તીમોથી ૪:૨; તીતસ ૧:૯) એનાથી વ્યક્તિ ફક્ત શીખેલું ગોખી નહિ જાય. પણ તે સાચ-જૂઠ, સારું-ખરાબ, જ્ઞાન અને મૂર્ખતા વચ્ચેનો ભેદ પારખી શકશે. ધીમે ધીમે વ્યક્તિના દિલમાં યહોવાહ માટેનો પ્રેમ જાગશે. તે પોતે દિલથી યહોવાહની આજ્ઞા પાળવા ચાહશે.

યહોવાહ વિષે લોકોને હોંશથી શીખવો

૧૯. મંડળના દરેક ભાઈ-બહેનો કઈ રીતે નવી વ્યક્તિને મદદ કરે છે?

૧૯ માની લો કે આપણે કોઈ સાથે સ્ટડી કરીએ છીએ. તે યહોવાહના ભક્ત બને છે. એનાથી આપણને એકલાને જ નહિ, પણ આખા મંડળને ખુશી થાય છે. એ વ્યક્તિ યહોવાહના માર્ગે ચાલવા લાગે, એમાં મંડળના બધા ભાઈ-બહેનોનો સાથ છે. માનો કે કોઈ છોકરું ખોવાઈ જાય. એને શોધનાર ટીમમાંથી કદાચ કોઈ એકને જ એ છોકરું મળી આવે. પણ માબાપને એ બાળક પાછું સોંપતી વખતે આખી ટીમ રાજી રાજી થઈ જાય છે. (લુક ૧૫:૬, ૭) એ જ રીતે જે કોઈ યહોવાહને ભજવા માંગે તેઓને આપણે બધા શોધીએ છીએ. જ્યારે મિટિંગમાં કોઈ નવી વ્યક્તિ આવે ત્યારે આપણે બધા તેને મદદ કરીએ છીએ. (૧ કોરીંથી ૧૪:૨૪, ૨૫) એટલે જ જ્યારે દર વર્ષે લોકો યહોવાહના ભક્તો બને છે, ત્યારે આપણે બધા જ ખુશીથી ઝૂમી ઊઠીએ છીએ!

૨૦. બીજાને યહોવાહ વિષે શીખવવા માગતા હોઈએ તો શું કરવું જોઈએ?

૨૦ આપણે બધાય ચાહીએ છીએ કે કોઈને યહોવાહના ભક્ત બનવા મદદ કરીએ. ઘણી વાર બહુ મહેનત કરીએ તોય એવું બનતું નથી. પણ નિરાશ ન થાવ. યહોવાહ માટેના પ્રેમની જ્યોત બુઝાવા ન દો. લોકો પર પ્રેમ રાખો. કોઈ સ્વાર્થ વિનાનો પ્રેમ! ધીરજ રાખો. શીખવવાની કળા તેજ બનાવો. બીજાઓને સત્ય શીખવવાની તમન્‍ના યહોવાહને જણાવો. (સભાશિક્ષક ૧૧:૧) કદીએ ન ભૂલો કે યહોવાહની ભક્તિમાં જે કંઈ કરીએ, એનાથી યહોવાહનું નામ રોશન થાય છે! (w07 11/15)

આપણે શું કહીશું?

• યહોવાહ પરના આપણા પ્રેમની કસોટી ક્યારે થાય છે?

• લોકોને મદદ કરવા આપણે કેવા ગુણો કેળવવા જોઈએ?

• લોકોને સારી રીતે શીખવવા કેવી આવડત કેળવવી જોઈએ?

[Study Questions]

[Picture on page 21]

આપણે યહોવાહને ચાહીએ છીએ, એટલે તેમના માર્ગે ચાલવા લોકોને મદદ કરીએ છીએ

[Picture on page 23]

આપણે કેમ લોકો પર પ્રેમ રાખવો જોઈએ?

[Picture on page 24]

લોકોને શીખવવા કેવા ગુણો કેળવવા જોઈએ?

[Picture on page 25]

લોકો યહોવાહના ભક્તો બને છે તેમ, આપણે બધા ખુશીથી ઝૂમી ઊઠીએ છીએ