સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘ઊભા રહો, ને યહોવાહ તમારો બચાવ કરશે તે જુઓ’

‘ઊભા રહો, ને યહોવાહ તમારો બચાવ કરશે તે જુઓ’

‘ઊભા રહો, ને યહોવાહ તમારો બચાવ કરશે તે જુઓ’

“યહોવાહ મારા પક્ષનો છે; હું બીવાનો નથી; માણસ મને શું કરી શકશે?”—ગીતશાસ્ત્ર ૧૧૮:૬.

૧. ઇન્સાન પર શું આવી પડશે?

 ઇન્સાન પર ઝડપથી ને જલદી જ મોટી આફત આવવાની છે. એવી પહેલાં કદી આવી નથી. આપણા દિવસો વિષે શિષ્યોને જણાવ્યા પછી ઈસુએ તેઓને ચેતવ્યા: “એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી, ને કદી થશે પણ નહિ. અને જો તે દહાડા ઓછા કરવામાં ન આવત તો કોઈ પણ માણસ બચી ન શકત; પસંદ કરેલાઓની ખાતર તે દહાડા ઓછા કરાશે.”—માત્થી ૨૪:૨૧, ૨૨.

૨. મોટી વિપત્તિને કોણ રોકી રાખે છે?

યહોવાહ અને સ્વર્ગદૂતોને ઇન્સાન જોઈ શકતો નથી. એ સ્વર્ગદૂતો મોટી વિપત્તિને થોડો સમય રોકી રાખે છે. ઈસુએ આપેલા પ્રકટીકરણમાં યોહાને આમ જોયું: ‘મેં ચાર દૂતને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા; તેઓએ પૃથ્વીના ચાર વાયુને અટકાવી રાખ્યા. વળી મેં બીજા એક દૂતને ઊગમણી દિશાથી ચઢતો જોયો, તેની પાસે જીવતા ઈશ્વરની મુદ્રા હતી; તેઓને તેણે મોટે ઘાંટે હાંક મારીને કહ્યું, કે જ્યાં સુધી અમે અમારા ઈશ્વરના દાસોને તેઓનાં કપાળ પર મુદ્રા કરી ન રહીએ, ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા ઝાડોને ઉપદ્રવ કરશો નહિ.’—પ્રકટીકરણ ૭:૧-૩.

૩. મોટી વિપત્તિ આવશે ત્યારે પ્રથમ શું બનશે?

‘ઈશ્વરના દાસો’ એટલે કે અભિષિક્તો પર આખરી મુદ્રા કરવાનો સમય ઝડપથી આવી રહ્યો છે. ચાર દૂતો પૃથ્વી પર વિનાશક વાયુ છૂટા મૂકવા તૈયાર છે. ત્યારે પ્રથમ શું બનશે? એક દૂતે જવાબ આપ્યો: ‘મહાન બાબેલોનને ઝપાટાથી નાખી દેવામાં આવશે, અને ફરી તે કદી પણ જોવામાં આવશે નહિ.’ (પ્રકટીકરણ ૧૮:૨૧) બાઇબલ દુનિયાના જૂઠા ધર્મોને મહાન બાબેલોન તરીકે ઓળખાવે છે. એનો નાશ થશે ત્યારે સ્વર્ગમાં સર્વને અનેરો આનંદ થશે!—પ્રકટીકરણ ૧૯:૧, ૨.

૪. આવતા દિવસોમાં શું બનશે?

દુનિયાના રાજ્યો એક થઈને યહોવાહના ભક્તોનો વિરોધ કરશે. શું તેઓ યહોવાહના ભક્તોનું નામનિશાન મિટાવી દેશે? કદાચ આપણને એવું લાગે. પણ ઈસુ ખ્રિસ્તની સાથે સ્વર્ગદૂતોનું સૈન્ય છે! તેઓ શેતાનના લોકોનો નાશ કરશે. (પ્રકટીકરણ ૧૯:૧૯-૨૧) છેવટે શેતાન ને તેના દૂતોને ઊંડાણમાં નાખી દેવામાં આવશે. તેઓ હજાર વર્ષ સુધી ઇન્સાનને ગેરમાર્ગે દોરી શકશે નહિ. મોટી વિપત્તિમાંથી બચી ગયેલા લાખોને કેટલી હાશ થશે!—પ્રકટીકરણ ૭:૯, ૧૦, ૧૪; ૨૦:૧-૩.

૫. યહોવાહના વફાદાર ભક્તો કેવો આનંદ અનુભવશે?

થોડા જ સમયમાં આપણે આ અજોડ બનાવો અનુભવીશું. એનાથી સાબિત થશે કે યહોવાહને જ વિશ્વ પર રાજ કરવાનો હક્ક છે. તે જ વિશ્વના માલિક છે. જો આપણે દિલથી તેમને વિશ્વના રાજા માનીશું, તેમને વફાદાર રહીશું, તો તેમનું નામ પવિત્ર કરવામાં ને તેમનો હેતુ પૂરો કરવાનો આપણને મોકો મળશે. એ કેટલી આનંદની વાત કહેવાય!

૬. મોટી વિપત્તિ માટે તૈયાર થવા આપણે શું કરવું જોઈએ?

આપણે દરેકે પોતાને પૂછવું જોઈએ: ‘એ બનાવો માટે શું હું તૈયાર છું? યહોવાહ બચાવશે એવો શું મને ભરોસો છે? તે સૌથી સારી રીતે ને યોગ્ય સમયે બચાવશે, એવી શું મને ખાતરી છે?’ એનો જવાબ ફક્ત તમે જ આપી શકો. તેમ જ પ્રેરિત પાઊલે રોમના મંડળને જે કહ્યું એને ધ્યાનમાં રાખો: ‘જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું, તે આપણને શિખામણ મળે માટે લખવામાં આવ્યું હતું, કે ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.’ (રૂમી ૧૫:૪) મિસર કે ઇજિપ્તની ક્રૂર ગુલામીમાંથી યહોવાહે ઈસ્રાએલીઓને કઈ રીતે છોડાવ્યા એ બનાવ બાઇબલમાં છે. આપણને એમાંથી દિલાસો, આશા ને શિખામણ મળે છે. એના પર વિચાર કરવાથી આપણે જોઈ શકીશું કે યહોવાહે તેઓને બચાવવા શું શું કર્યું. આમ ઝડપથી આવી રહેલી મોટી વિપત્તિ માટે તૈયાર થવા આપણને ઉત્તેજન મળશે.

યહોવાહે પોતાના ભક્તોને બચાવ્યા

૭. ઇજિપ્તમાં ઈ.સ. પૂર્વે ૧૫૧૩માં શું બન્યું?

ઈ.સ. પૂર્વે ૧૫૧૩માં ઇજિપ્તના લોકો અને ફારૂન પર યહોવાહ નવ આફતો લાવ્યા. નવમી આફત પછી ફારૂને મુસાને કહ્યું: “મારી પાસેથી જા, ખબરદાર, મારૂં મુખ હવે પછી તું જોતો નહિ; કેમ કે તું મારૂં મુખ જોશે તે જ દિવસે તું માર્યો જશે.” પછી મુસાએ કહ્યું: “તેં ઠીક કહ્યું છે, હું ફરીથી કદી તારૂં મુખ જોઇશ નહિ.”—નિર્ગમન ૧૦:૨૮, ૨૯.

૮. ઈસ્રાએલીઓને બચવા માટે યહોવાહે શું માર્ગદર્શન આપ્યું? અને શું બન્યું?

યહોવાહે મુસાને જણાવ્યું કે પોતે હવે ફારૂન અને ઇજિપ્તના સર્વ લોકો પર છેલ્લી આફત લાવશે. યહુદીઓનો અબીબ એટલે નિશાન મહિનો હતો. ઇજિપ્તના કુટુંબમાંથી સૌથી મોટો દીકરો એ મહિનાની ચૌદ તારીખે મરણ પામવાનો હતો. એ જ રીતે તેઓના ઢોરઢાંકમાં પણ પ્રથમ જન્મેલું મરણ પામવાનું હતું. પણ ઈસ્રાએલી પ્રજાએ એમાંથી બચવા મુસાના માર્ગદર્શન પ્રમાણે કંઈક કરવાનું હતું. તેઓએ દરવાજાની બંને બારસાખ ને ઓતરંગ પર ઘેટાંનું લોહી છાંટવાનું હતું. તેમ જ ઘરમાં રહેવાનું હતું. એ રાત્રે શું બન્યું? મુસા જણાવે છે: ‘મધ્યરાત્રે યહોવાહે ફારૂનના પ્રથમજનિતથી માંડીને મિસર દેશમાંના સર્વ પ્રથમજનિતો અને પશુના સર્વ પ્રથમ જન્મેલાને પણ મારી નાખ્યા.’ ફારૂને તરત જ મુસા અને હારૂનને બોલાવીને કહ્યું: “તમે તથા ઈસ્રાએલપુત્રો બન્‍ને ઊઠો, ને મારા લોક મધ્યેથી નીકળી જાઓ; અને જઈને તમારા કહ્યા પ્રમાણે યહોવાહની સેવા કરો.” એ સાંભળીને ત્રીસેક લાખ ઈસ્રાએલીઓ એમાંથી નીકળ્યા. તેઓ સાથે અગણિત ‘મિશ્રિત લોકો’ એટલે પરદેશીઓ પણ હતા.—નિર્ગમન ૧૨:૧-૭, ૨૯, ૩૧, ૩૭, ૩૮.

૯. યહોવાહ ઇજિપ્તમાંથી ઈસ્રાએલને કયા રસ્તે લઈ ગયા? શા માટે?

ઈસ્રાએલીઓ ભૂમધ્ય સમુદ્ર કિનારાથી અને પલિસ્તીઓના દેશમાંથી પોતાના વતનમાં જાય તો એ નજીક પડત. પણ પલિસ્તીઓ તેઓના દુશ્મન હતા. તેઓ સાથે ઈસ્રાએલીઓને લડવું ન પડે માટે યહોવાહ તેઓને રાતા સમુદ્ર પાસેના રણના માર્ગે દોરી લાવ્યા. ઇજિપ્તમાંથી ત્રીસેક લાખ લોકો નીકળ્યા હતા. તેઓ જેમ તેમ નહિ પણ ટુકડીઓમાં હતા. બાઇબલ કહે છે: “ઈસ્રાએલપુત્રો શસ્ત્રસજ્જિત [સૈનિકોની જેમ ટુકડીઓમાં] થઈને મિસર દેશમાંથી નીકળ્યા હતા.”—નિર્ગમન ૧૩:૧૭, ૧૮.

‘યહોવાહ બચાવ કરશે તે જુઓ’

૧૦. યહોવાહે ઈસ્રાએલપુત્રોને પીહાહીરોથની સામે છાવણી નાખવાનું શા માટે કહ્યું?

૧૦ પછી નવાઈ પમાડે એવો બનાવ બન્યો. યહોવાહે મુસાને કહ્યું: “ઈસ્રાએલપુત્રોને કહે, કે તમે પાછા વળીને બાલસફોનની સામેના પીહાહીરોથની સામે મિગ્દોલ તથા સમુદ્રની વચમાં છાવણી કરો.” તેઓએ એમ જ કર્યું. એનાથી એવું લાગ્યું કે તેઓ રાતા સમુદ્ર ને મિગ્દોલ પર્વતો વચ્ચે ફસાઈ ગયા છે. છટકવાનો કોઈ રસ્તો જ નથી. પણ યહોવાહ જાણતા હતા કે પોતે શું કરશે. તેમણે મુસાને કહ્યું: “હું ફારૂનનું હૃદય હઠીલું કરીશ, ને તે તેઓની પૂઠે લાગશે; અને ફારૂન ઉપર તથા તેના સઘળા સૈન્ય ઉપર હું મહિમાવાન થઈશ; અને મિસરીઓ જાણશે કે હું યહોવાહ છું.”—નિર્ગમન ૧૪:૧-૪.

૧૧. (ક) ઈસ્રાએલીઓના ગયા પછી ફારૂને શું કર્યું? ફારૂનનું સૈન્ય જોઈને ઈસ્રાએલીઓ પર કેવી અસર પડી? (ખ) ઈસ્રાએલીઓની ફરિયાદ સાંભળીને મુસાએ શું કહ્યું?

૧૧ ઈસ્રાએલી લોકોને જવા દીધા પછી ફારૂનને પસ્તાવો થયો. તે ઊકળી ઊઠ્યો. ચૂંટી કાઢેલા છસો રથ-સૈન્ય લઈને ફારૂન તેઓની પાછળ પડ્યો. ઈસ્રાએલીઓ ઇજિપ્તનું સૈન્ય જોઈને ગભરાઈ ગયા. તેઓએ અકળાઈને મુસાને કહ્યું: ‘શું મિસરમાં કબરો નહોતી કે તું અમને અરણ્યમાં મરવાને લઈ આવ્યો છે?’ મુસાને યહોવાહમાં અતૂટ ભરોસો હતો. એટલે તેમણે કહ્યું: ‘બીહો મા, ઊભા રહો, ને યહોવાહ આજે તમારે માટે જે બચાવ કરશે તે જુઓ; યહોવાહ તમારે માટે યુદ્ધ કરશે, ને તમારે શાંત રહેવું.’—નિર્ગમન ૧૪:૫-૧૪.

૧૨. યહોવાહે પોતાના લોકોને કેવી રીતે બચાવ્યા?

૧૨ મુસાએ કહ્યું એમ યહોવાહની દોરવણીથી સ્વર્ગદૂતો લડવાના હતા. યહોવાહનો જે સ્વર્ગદૂત ઈસ્રાએલીઓને પ્રકાશ આપીને દોરતો એ જ દૂત મેઘસ્તંભથી ઇજિપ્તના લોકો પર અંધકાર બિછાવતો. (નિર્ગમન ૧૩:૨૧, ૨૨; ૧૪:૧૯, ૨૦) યહોવાહના કહેવાથી મુસાએ પોતાનો હાથ સમુદ્ર તરફ લંબાવ્યો. બાઇબલ કહે છે: ‘યહોવાહે આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ચલાવીને સમુદ્રને પાછો હઠાવ્યો. ઈસ્રાએલપુત્રો કોરી જમીન પર ચાલીને સમુદ્રની મધ્યે થઈને ગયા; અને પાણી તેમને જમણે તથા તેમને ડાબે હાથે ભીંતરૂપ થઈ ગયાં હતાં.’ ઇજિપ્તના સૈન્યએ ઈસ્રાએલીઓનો પીછો કર્યો. પણ યહોવાહ ઈસ્રાએલીઓ સાથે હતા. તેમણે ઇજિપ્તના સૈન્યને ગૂંચવણમાં નાખી દીધું અને મુસાને કહ્યું: “તારો હાથ સમુદ્ર તરફ લંબાવ, એ સારૂ કે મિસરીઓ પર, તેઓના રથો પર તથા તેઓના સવારો પર પાણી ફરી વળે.” ફારૂન ને તેનું સૈન્ય ડૂબી ગયું. તેઓમાંથી કોઈ એટલે કોઈ જ ન બચ્યું!—નિર્ગમન ૧૪:૨૧-૨૮; ગીતશાસ્ત્ર ૧૩૬:૧૫.

ઈસ્રાએલના બચાવમાંથી શીખીએ

૧૩. ઈસ્રાએલીઓએ પોતાના બચાવ પછી શું કર્યું?

૧૩ ઈસ્રાએલીઓ ચમત્કારિક રીતે ફારૂનના હાથમાંથી બચ્યા. એનાથી તેઓને કેવું લાગ્યું? ઈસ્રાએલીઓએ મુસા સાથે મળીને યહોવાહનું ભજન કર્યું. ભજનમાં તેઓએ ગાયું: ‘હું યહોવાહની આગળ ગાયન કરીશ, કેમ કે તેણે વિજય મેળવ્યો છે; યહોવાહ સદાસર્વકાળ રાજ કરશે.’ (નિર્ગમન ૧૫:૧, ૧૮) તેઓએ તરત જ યહોવાહના ગુણ ગાયા. તેમને જશ આપ્યો. એનાથી સાબિત થયું કે યહોવાહ જ વિશ્વના રાજા છે!

૧૪. (ક) યહોવાહે ઈસ્રાએલીઓને જે રીતે બચાવ્યા એમાંથી આપણે શું શીખી શકીએ? (ખ) ૨૦૦૮નું વચન શું છે?

૧૪ આ બનાવમાંથી આપણે શું શીખી શકીએ? એમાંથી આપણને દિલાસો ને આશા મળે છે! તેમ જ, શીખવા મળે છે કે યહોવાહ પોતાના ભક્તોને કોઈ પણ સંજોગોમાંથી છોડાવવા તૈયાર છે. કોઈ પણ સંજોગોમાં યહોવાહ હાર માને એવા નથી. યહોવાહે પૂર્વ તરફથી ભારે પવન મોકલ્યો ત્યારે રાતો સમુદ્ર પણ પસાર થતા ઈસ્રાએલીઓને રોકી ન શક્યો. પણ તેમણે એ જ સમુદ્રનો ઉપયોગ કરીને ફારૂન ને તેના સૈન્યને સમુદ્રમાં દફનાવી દીધું. એનો વિચાર કરવાથી આપણને પણ એક ઈશ્વરભક્તની જેમ ગાવાનું મન થાય: “યહોવાહ મારા પક્ષનો છે; હું બીવાનો નથી; માણસ મને શું કરી શકશે?” (ગીતશાસ્ત્ર ૧૧૮:૬) ઈશ્વરભક્ત પાઊલના શબ્દોમાંથી પણ આપણને દિલાસો મળે છે. તેમણે રૂમી ૮:૩૧માં કહ્યું: ‘જો ઈશ્વર આપણા પક્ષનો છે તો આપણી સામો કોણ?’ એ વચનથી આપણને કેટલી હિંમત મળે છે! આપણા દિલમાં કોઈ ડર કે શંકા હોય તો એનાથી એ જતા રહે છે. એટલે જ ૨૦૦૮નું વચન છે: “ઊભા રહો, ને યહોવાહ આજે તમારે માટે જે બચાવ કરશે તે જુઓ.”—નિર્ગમન ૧૪:૧૩.

૧૫. ઇજિપ્તમાંથી બચવા ઈસ્રાએલીઓને યહોવાહનું માનવું કેમ મહત્ત્વનું હતું? આપણા માટે પણ એ કેમ મહત્ત્વનું છે?

૧૫ ઈસ્રાએલીઓને ઇજિપ્તની ગુલામીમાંથી છુટકારો મળ્યો એમાંથી આપણે બીજું શું શીખી શકીએ? એ જ કે યહોવાહ આપણને જે કંઈ કહે એ દિલથી કરવું જોઈએ. પાસ્ખાપર્વની તૈયારી વિષે યહોવાહે જે જણાવ્યું એમ જ ઈસ્રાએલીઓએ કર્યું. નિશાન ૧૪ની રાત્રે તેઓ ઘરની અંદર જ રહ્યા. છેવટે તેઓએ ઇજિપ્ત છોડ્યું ત્યારે “શસ્ત્રસજ્જિત થઈને” એટલે સૈનિકોની જેમ ટુકડીઓમાં નીકળ્યા. (નિર્ગમન ૧૩:૧૮) આજે યહોવાહ આપણને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા માર્ગદર્શન આપે છે. આપણે તેઓનું સાંભળીએ એ ખૂબ જ મહત્ત્વનું છે! (માત્થી ૨૪:૪૫) બુદ્ધિમાન ચાકર દ્વારા યહોવાહ જાણે કહે છે કે ‘તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો, ત્યારે તમારા કાન પછવાડેથી એવી વાત આવતી સાંભળશે, કે માર્ગ આ છે, તે પર તમે ચાલો.’ (યશાયાહ ૩૦:૨૧) મોટી વિપત્તિમાંથી બચવા યહોવાહ એ પહેલાં કદાચ પોતાના ભક્તોને વધારે માર્ગદર્શન આપે. એનાથી આપણી પાસે અપ-ટુ-ડેટ માહિતી હશે ને એ પ્રમાણે કરીશું તો જ બચીશું.

૧૬. ઈસ્રાએલીઓને બચાવવા યહોવાહે જે કર્યું એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૬ યાદ રાખો કે યહોવાહે ઈસ્રાએલીઓને પર્વતો ને રાતા સમુદ્રની વચ્ચે છાવણી નાખવાનું કહ્યું. એનાથી તેઓ રાતો સમુદ્ર ને પર્વતો વચ્ચે ફસાઈ ગયા હોય એમ લાગતું હતું. વળી ત્યાં છાવણી નાખી એ મોટી ભૂલ લાગતી હતી. પણ યહોવાહ બધું જ જોતા હતા. તેમણે પોતાના લોકોને મોતના મોંમાંથી બચાવ્યાં. આમ પોતે મહાન બન્યા. આપણે પણ અમુક વખતે સંસ્થાના નિર્ણયો બરાબર સમજી ન શકીએ. તોપણ, યહોવાહ ને વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર દ્વારા આવતા માર્ગદર્શનમાં અતૂટ ભરોસો રાખવો જોઈએ. કોઈ વાર આપણા દુશ્મનો સફળ થાય છે એવું લાગી શકે. આપણા થોડા જ્ઞાનથી બધું સમજી ન શકીએ. તોય ચિંતા ન કરીએ, કેમ કે યહોવાહ બધું જોઈ શકે છે. તેમણે ઈસ્રાએલીઓને બચાવ્યા હતા તેમ પોતાના ભક્તોને બચાવશે.—નીતિવચનો ૩:૫.

યહોવાહમાં અતૂટ શ્રદ્ધા રાખીએ

૧૭. યહોવાહના માર્ગદર્શનમાં આપણે કેમ અતૂટ ભરોસો રાખી શકીએ?

૧૭ યહોવાહે ઈસ્રાએલીઓને માર્ગ બતાવવા દિવસે મેઘસ્તંભ ને રાત્રે અગ્‍નિસ્તંભ વાપર્યો. ઈસ્રાએલીઓને એનો વિચાર કરતા યહોવાહ વિષે કેવું લાગ્યું હશે એની કલ્પના કરો! મેઘસ્તંભ ને અગ્‍નિસ્તંભ પુરાવો હતો કે યહોવાહ પોતાના દૂત દ્વારા ઈસ્રાએલીઓને દોરી રહ્યા છે. (નિર્ગમન ૧૩:૨૧, ૨૨; ૧૪:૧૯) આપણને પૂરી ખાતરી છે કે યહોવાહ આજે પણ પોતાના ભક્તોને માર્ગદર્શન ને રક્ષણ આપે છે. તેમ જ પોતાના દુશ્મનના હાથમાંથી છોડાવે છે. યહોવાહના વચનમાં આપણે અતૂટ શ્રદ્ધા રાખવી જોઈએ: “તે પોતાના ભક્તોને તજી દેતો નથી; તે તેઓનું સદા રક્ષણ કરે છે.” (ગીતશાસ્ત્ર ૩૭:૨૮) આપણે ભૂલવું ન જોઈએ કે યહોવાહના દૂતો આપણને મદદ કરી રહ્યા છે. આમ આપણે યહોવાહની ભક્તિમાં અડગ ‘ઊભા રહીને યહોવાહ આપણો બચાવ કરશે તે જોઈ શકીશું.’—નિર્ગમન ૧૪:૧૩.

૧૮. આપણે કેમ ઈશ્વર પાસેથી આવતાં “સર્વ હથિયારો સજી” લેવાં જોઈએ?

૧૮ યહોવાહને અંત સુધી વફાદાર રહેવા શું મદદ કરી શકે? એ વિષે પ્રેરિત પાઊલે એફેસી મંડળને શું કહ્યું એ નોંધ કરો: ‘યહોવાહ પાસેથી આવતાં સર્વ હથિયારો સજી લો.’ દરેકે પોતાને પૂછવું જોઈએ કે “જૂના જમાનાના સૈનિકોની જેમ શું મેં ‘સર્વ હથિયારો બરાબર સજી’ લીધાં છે?” શેતાન આપણો કટ્ટર દુશ્મન છે. તે આપણી નબળાઈઓ જાણે છે. તે આપણને અજાણતા ખોટાં કામોમાં ફસાવવાનો પ્રયત્ન કરે છે. આપણે યહોવાહ સાથેનો નાતો કાપી નાખીએ એવાં બાણ તે છોડે છે. આપણે શેતાનના દૂતો સામે “યુદ્ધ” કરવાનું છે. એ માટે યહોવાહના સાથથી જ વિજય પામી શકીશું!—એફેસી ૬:૧૧-૧૮; નીતિવચનો ૨૭:૧૧.

૧૯. અંત સુધી વફાદાર રહીશું તો આપણને શું જોવા મળશે?

૧૯ ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: ‘તમારી ધીરજથી તમે પોતાને બચાવશો.’ (લુક ૨૧:૧૯) યહોવાહના ઘણા ભક્તો અનેક દુઃખ-તકલીફો સહીને પણ તેમને વફાદાર રહ્યા છે. ચાલો આપણે પણ તેઓની જેમ અંત સુધી વફાદાર રહીએ. એમ કરીશું તો યહોવાહની ભક્તિમાં અડગ રહી શકીશું ને ‘યહોવાહ આપણો બચાવ કરશે તે જોઈ શકીશું.’ (w07 12/15)

તમે સમજાવશો?

• ઇન્સાન પર શું આવી પડશે?

• ઈ.સ. પૂર્વે ૧૫૧૩માં યહોવાહે ઈસ્રાએલીઓને કેવી રીતે બચાવ્યા?

• યહોવાહને વફાદાર રહેવા તમે શું કરશો?

[Study Questions]

[Blurb on page 22]

૨૦૦૮નું વચન: “ઊભા રહો, ને યહોવાહ આજે તમારે માટે જે બચાવ કરશે તે જુઓ.”—નિર્ગમન ૧૪:૧૩.

[Picture on page 19]

‘અગાઉ લખવામાં આવ્યું હતું, એ આપણી શિખામણ માટે લખવામાં આવ્યું’

[Picture on page 20]

ફારૂન હઠીલો હોવાથી ઇજિપ્તનો નાશ લાવ્યો

[Picture on page 21]

ઈસ્રાએલીઓએ યહોવાહનું કહેવું માન્યું એટલે તેઓ બચી ગયા