સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શેતાન કદી જીતશે નહિ

શેતાન કદી જીતશે નહિ

શેતાન કદી જીતશે નહિ

‘તારી વિરૂદ્ધ કોઈ પણ હથિયાર સફળ થશે નહિ.’—યશાયાહ ૫૪:૧૭.

૧, ૨. આલ્બેનિયાના સાક્ષીઓ માટે યશાયાહ ૫૪:૧૭નું વચન કઈ રીતે સાચું પડ્યું?

 અમુક દાયકા પહેલાની વાત છે. આલ્બેનિયામાં સામ્યવાદી (કૉમ્યુનિસ્ટ) સરકાર હતી. એ સરકાર સાથે પ્રજા પણ નાસ્તિક હતી. તેઓને યહોવાહના સાક્ષીઓ જરાય ગમતા નહિ. એટલે તેઓએ સાક્ષીઓને રિબાવ્યા. તેઓને કેદમાં પૂરી દીધા. એટલું જ નહિ તેઓ વિષે જાહેરમાં અફવા ફેલાવી. તોપણ, એ સરકાર યહોવાહના સાક્ષીઓને મિટાવી શકી નહિ. એ સખત સતાવણીમાં પણ સાક્ષીઓએ મિટિંગ જવાનું ને પ્રચાર કરવાનું છોડ્યું નહિ. તેઓએ હિંમતથી ખ્રિસ્તનું શિક્ષણ બધે જ ફેલાવ્યું ને યહોવાહના ગુણગાન ગાયા. ગયા વર્ષે એ દેશમાં નવી બ્રાંચનું ડેડીકેશન હતું. એમાં યહોવાહને ભજતા ઘણા ભાઈ-બહેનો આવ્યા હતા. એમાંના એક ભાઈએ કહ્યું: ‘ભલે શેતાન ગમે તેટલા ધમપછાડા કરે, તે દર વખતે હારે છે. હંમેશાં યહોવાહની જ જીત થાય છે!’

આ અનુભવ શું બતાવે છે? એ જ કે યશાયાહ ૫૪:૧૭માં યહોવાહનું વચન સાચું પડ્યું ને પડતું જ રહેશે. એ વચન કહે છે: ‘તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલું કોઈ પણ હથિયાર સફળ થશે નહિ. ન્યાયસભામાં જે કોઈ જીભ તારી વિરુદ્ધ બોલશે, તેને તું દોષિત ઠરાવીશ.’ ઇતિહાસ બતાવે છે કે શેતાન ભલે યહોવાહના ભક્તો પર લાખ તોફાનો લાવે, તે કદીયે જીતતો નથી. આખી દુનિયામાં યહોવાહના ભક્તો તેમની ભક્તિ કરવાનું છોડશે નહિ.

શેતાનના નકામાં હથિયારો

૩, ૪. (ક) યહોવાહના ભક્તો સામે શેતાન કેવાં હથિયારો વાપરે છે? (ખ) શેતાનનાં હથિયારો ને યોજનાઓ કેમ નકામા સાબિત થાય છે?

યહોવાહના ભક્તો સામે શેતાન કેવાં હથિયાર વાપરે છે? તે ‘દુષ્ટ અધિકારીઓના નિયમોથી’ સાક્ષીઓને ફસાવવા પ્રયત્ન કરે છે. (ગીતશાસ્ત્ર ૯૪:૨૦) જેમ કે તે યહોવાહની ભક્તિ બંધ કરાવવા નિયમો ઘડે છે. ભાઈ-બહેનોને હિંસાના શિકાર બનાવે છે. ઘણાને કેદી બનાવે છે. હાલમાં પણ સાક્ષીઓ પર શેતાન એવી તકલીફો લાવે છે જેનાથી તેઓની અગ્‍નિ ‘પરીક્ષા’ થાય છે.—પ્રકટીકરણ ૨:૧૦.

યહોવાહના સાક્ષીઓની એક બ્રાંચ ઑફિસ કહે છે: ‘એક વર્ષમાં ૩૨ કેસ એવા હતા જેમાં ભાઈ-બહેનો પ્રચાર કરતા હતા ત્યારે તેઓને મારવામાં આવ્યા.’ એ જ વર્ષે પોલીસે નાના-મોટા ૫૯ ભાઈ-બહેનોને ગિરફતાર કર્યા. ગુનેગારની જેમ તેઓની ફિંગર પ્રિન્ટ ને ફોટા લઈને જેલમાં નાખ્યા. બીજા ભાઈ-બહેનોને કડક ધમકી આપી. બીજા એક દેશમાં ૧,૧૦૦ કરતાં વધારે કેસમાં ભાઈ-બહેનોને ગિરફતાર કરવામાં આવ્યા. તેઓને દંડ કરવામાં આવ્યો કે માર ખાવો પડ્યો. એમાંના બસોથી વધારે કેસ તો ભાઈ-બહેનો મેમોરિયલ ઊજવી રહ્યાં હતા ત્યારે થયા! યહોવાહના સાથથી તેઓ અને બીજા અનેક ભાઈ-બહેનો સખત સતાવણી સહન કરી શક્યા. (ઝખાર્યાહ ૪:૬) દુશ્મનો કદીયે આપણને યહોવાહની ભક્તિ કરતા રોકી શકશે નહિ. તેમ જ તેઓના કોઈ પણ હથિયાર આપણને મિટાવી શકશે નહિ. આપણે તો યહોવાહના ગુણગાન ગાતા જ રહીશું!

જૂઠાણું ફેલાવનારાઓ દોષિત ઠરશે

૫. પ્રથમ સદીમાં ખ્રિસ્તીઓ વિષે કેવું જૂઠાણું ફેલાવવામાં આવ્યું?

યશાયાહે ભાખ્યું હતું કે ઈસ્રાએલીઓ વિષે જૂઠાણું ફેલાવનારાઓ દોષિત ઠરશે. પ્રથમ સદીમાં લોકો ઘણી વાર ખ્રિસ્તીઓને ગુનેગાર ઠરાવતા. તેઓ વિષે જૂઠાણું ફેલાવતા. એમાંનો એક દાખલો પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૨૦, ૨૧માં છે: ‘આ માણસો આપણા શહેરમાં બહુ ધાંધળ મચાવે છે. રૂમીઓને જે રીતરિવાજો માનવા અથવા પાળવા ઉચિત નથી, એ તેઓ શીખવે છે.’ બીજા કિસ્સામાં ખ્રિસ્તીઓનો વિરોધ કરવા ધર્મગુરુઓએ સરકારને ચાવી ચઢાવી. તેઓએ કહ્યું: ‘જેઓએ જગતને ઊથલપાથલ કર્યું છે, તેઓ અહીં પણ આવ્યા છે; તેઓ સઘળા કૈસરની આજ્ઞાની વિરુદ્ધ છે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૬, ૭) પ્રેરિત પાઊલ તેઓ માટે ‘પીડાકારક’ હતો. ધર્મગુરુઓએ કહ્યું કે પાઊલ ‘આખા જગતમાં બંડ ઉઠાવનાર પંથના આગેવાન’ હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૨-૫.

૬, ૭. આપણે કઈ રીતે લોકોના મોં બંધ કરી શકીએ?

પ્રથમ સદીની જેમ આજે લોકો આપણા વિષે પણ જૂઠી અફવા ફેલાવીને આપણું નામ બગાડે છે. આપણી નિંદા કરે છે. આવું થાય ત્યારે આપણે શું કરવું જોઈએ?—યશાયાહ ૫૪:૧૭.

આપણા સારા વાણી-વર્તનથી તેઓનું મોં બંધ થઈ શકે છે. (૧ પીતર ૨:૧૨) કઈ રીતે? લોકો જોશે કે આપણે દેશના નિયમો પાળીએ છીએ. આપણા સારા સંસ્કાર છે. એકબીજાને પ્રેમ બતાવીએ છીએ. આપણા વર્તનથી સાબિત કરી શકીશું કે કોણ સાચું ને કોણ ખોટું. આપણું વર્તન જોઈ બીજાઓ પણ યહોવાહને ભજવા માંડ્યા છે. તેઓએ જોયું કે યહોવાહનું નામ જાહેર કરવું ને તેમના માર્ગમાં ચાલવા સિવાય જીવનમાં બીજું કંઈ નથી.—યશાયાહ ૬૦:૧૪; માત્થી ૫:૧૪-૧૬.

૮. (ક) સત્ય સાબિત કરવા આપણે અમુક વાર શું કરવું પડશે? (ખ) ઈસુની જેમ આપણે પણ શું કરવું જોઈએ?

આપણે સારું વર્તન રાખવાની સાથે અમુક વાર હિંમતથી બોલવું જોઈએ. જેમ કે જૂઠાણાંને ખુલ્લું પાડવા કદાચ કોર્ટ કે સરકાર સામે કેસ રજૂ કરવો પડે. (એસ્તેર ૮:૩; પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૨૫-૨૯; ૨૫:૧૦-૧૨) ઈસુ પણ અમુક વાર જાહેરમાં તેમના દુશ્મનો સામે હિંમતથી બોલ્યા. (માત્થી ૧૨:૩૪-૩૭; ૧૫:૧-૧૧) ઈસુની જેમ આપણે પણ મોકો મળે ત્યારે હિંમતથી પોતાની માન્યતા વિષે લોકોને સત્ય જણાવવું જોઈએ. (૧ પીતર ૩:૧૫) આપણે નોકરી-ધંધા પર, સ્કૂલમાં અને સગાંવહાલાંઓ સામે શરમાઈને ચૂપ રહેવું ન જોઈએ. તેઓ આપણી મશ્કરી કરે, તોપણ ચાલો આપણે સત્ય વિષે લોકોને જણાવતા જ રહીએ.—૨ પીતર ૩:૩, ૪.

યરૂશાલેમ એક ‘ભારે પથ્થર’ છે

૯. ઝખાર્યાહ ૧૨:૩ મુજબ ‘ભારે પથ્થર’ શું છે? આજે પૃથ્વી પર એ કોને રજૂ કરે છે?

દુનિયાના લોકો કેમ યહોવાહના સાક્ષીઓ વિરુદ્ધ થાય છે? એનો જવાબ ઝખાર્યાહની ભવિષ્યવાણીમાં મળે છે. ઝખાર્યાહ ૧૨:૩ કહે છે: ‘તે દિવસે હું યરૂશાલેમને સર્વ લોકો માટે ભારે પથ્થર થાય એવું કરીશ.’ શું આ પ્રાચીન યરૂશાલેમની વાત થાય છે? ના, એ ભવિષ્યવાણી ‘સ્વર્ગીય યરૂશાલેમ’ એટલે કે ઈશ્વરની સરકારને લાગુ પડે છે. એમાં અભિષિક્ત ખ્રિસ્તીઓ કામ કરશે. (હેબ્રી ૧૨:૨૨) આ સરકારના અમુક સભ્યો હજી પૃથ્વી પર છે. તેઓ “બીજાં ઘેટાં” સાથે, લોકોને યહોવાહની સરકાર તરફ દોરવા કોશિશ કરે છે. (યોહાન ૧૦:૧૬; પ્રકટીકરણ ૧૧:૧૫) તેઓનો સંદેશો સાંભળીને દુનિયાના લોકો શું કરે છે? યહોવાહ પોતાના ભક્તોને કેવી મદદ આપે છે? ચાલો આપણે ઝખાર્યાહનો બારમો અધ્યાય તપાસીએ. એમાંથી જોઈશું કે અભિષિક્ત ખ્રિસ્તીઓ અને આપણી સામે દુશ્મન ‘કોઈ પણ હથિયાર’ વાપરે તોય તે સફળ થશે નહિ.

૧૦. (ક) ઈશ્વરના ભક્તો કેમ હિંસાના શિકાર બને છે? (ખ) ‘ભારે પથ્થરને’ ફેંકી દેવાની કોશિશ કરતા લોકોનું શું થયું છે?

૧૦ યહોવાહની આજ્ઞા પ્રમાણે, તેમના ભક્તો તેમની સરકાર વિષે આખા જગતમાં ખુશખબરી ફેલાવી રહ્યાં છે. તેઓને ખબર છે કે એ જ સરકાર દુનિયાની બધી તકલીફો સુધારશે. પણ દુનિયા માટે આ સરકાર વિષેનો સંદેશો એક ‘ભારે પથ્થર’ જેવો છે. તેઓ પ્રચાર કામ રોકીને જાણે એ પથ્થરને એક બાજુ ફેંકી દેવાની કોશિશ કરે છે. પણ ઝખાર્યાહ ૧૨:૩ મુજબ તેઓ પોતે જ “સખત રીતે ઘાયલ” થયા છે. નિષ્ફળ જવાથી તેઓનું નાક પણ કપાઈ ગયું છે. તેઓ યહોવાહના ભક્તોને ચૂપ કરી શકતા નથી. દુનિયાનો અંત આવે ત્યાં સુધી આ સાક્ષીઓ જોરશોરથી યહોવાહની સરકાર વિષે “સનાતન સુવાર્તા” જાહેર કરતા જ રહેશે. (પ્રકટીકરણ ૧૪:૬) આફ્રિકામાં એક જેલના ચોકીદારે જોયું કે લોકો સાક્ષીઓને ખૂબ સતાવતા હતા. તેણે એ લોકોને કહ્યું: ‘તમે સાક્ષીઓની સતાવણી કરો છો, એ નકામી છે. તેઓ કદી ઈશ્વરને છોડશે નહિ. તેઓની સંખ્યા વધતી જ જશે.’

૧૧. ઝખાર્યાહ ૧૨:૪ મુજબ યહોવાહનું વચન કઈ રીતે સાચું પડ્યું છે?

૧૧ ચાલો ઝખાર્યાહ ૧૨:૪ વાંચીએ. એમાં યહોવાહ વચન આપે છે કે તેમના ભક્તોની વિરુદ્ધ છે તેઓને તે ‘ગભરાટમાં’ મૂકશે ને તેઓને જાણે આંધળા કરી નાખશે. યહોવાહનું આ વચન સાચું પડ્યું છે. દાખલા તરીકે, એક દેશમાં સરકારે યહોવાહની ભક્તિ કરવાની મનાઈ કરી. તોપણ ભાઈ-બહેનોને સત્ય સમજાવતા પુસ્તક-પુસ્તિકા મળતાં રહ્યાં. એક ન્યૂઝપેપરે એમ પણ કહ્યું કે સાક્ષીઓ ફુગ્ગા કે બલૂન દ્વારા ચોરીછૂપીથી દેશમાં સાહિત્ય લાવતા! યહોવાહનું વચન સાચું પડ્યું: ‘હું મારી આંખ ઉઘાડીશ, ને લોકોના દરેક ઘોડા પર અંધાપો આણીશ.’ યહોવાહના દુશ્મનો ક્રોધથી જાણે આંધળા થઈ ગયા છે. તેઓ જાણતા નથી કે શું કરવું. પણ આપણને પૂરી ખાતરી છે કે યહોવાહ પોતાના ભક્તોનું રક્ષણ કરશે.—૨ રાજાઓ ૬:૧૫-૧૯.

૧૨. (ક) ઈસુએ કઈ રીતે પૃથ્વી પર આગ સળગાવી? (ખ) અભિષિક્તોએ કઈ રીતે દુનિયામાં આગ સળગાવી અને શું પરિણામ આવ્યું?

૧૨ ચાલો ઝખાર્યાહ ૧૨:૫, ૬ વાંચીએ. આ કલમોમાં “યહુદાહના સરદારો” કોને રજૂ કરે છે? તેઓ યહોવાહની સંસ્થામાં આગેવાની લેનારા ભાઈઓ છે. યહોવાહે તેઓના દિલમાં સળગતી આગ જેવી ધગશ મૂકી છે, જેથી તેઓ યહોવાહના ભક્તોનો ખ્યાલ રાખી શકે. ઈસુએ તેમના શિષ્યોને કહ્યું: “હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું.” (લુક ૧૨:૪૯) ઈસુએ યહોવાહની સરકાર વિષે પ્રચાર કરીને જાણે દુનિયામાં આગ સળગાવી. યહુદી દેશમાં એ સંદેશાને લીધે ગરમાગરમ વાદવિવાદ થયો. (માત્થી ૪:૧૭, ૨૫; ૧૦:૫-૭, ૧૭-૨૦) ‘લાકડામાં અગ્‍નિથી ભરેલી પેણીરૂપ તથા પૂળીઓમાં બળતી મશાલની’ જેમ, અભિષિક્તોએ યહોવાહના સંદેશાથી દુનિયામાં આગ સળગાવી છે. ૧૯૧૭માં ધ ફિનિશ્ડ મિનિસ્ટ્રી * પુસ્તકે સર્વ ચર્ચનો ઢોંગ ખુલ્લો પાડ્યો. એનાથી પાદરીઓ લાલ-પીળા થઈ ગયા. હાલમાં આપણે કિંગ્ડમ ન્યૂઝ નંબર ૩૭ લોકોને આપી હતી. એનો વિષય હતો: “ધર્મને નામે ધતિંગ ક્યાં સુધી ચાલશે?” આ સંદેશો લોકોને નિર્ણય લેવા ઉત્તેજન આપતો હતો કે તેઓ યહોવાહને કે શેતાનને ભજશે.

‘યહુદાહના તંબુઓ’ બચશે

૧૩. ‘યહુદાહના તંબુઓનો’ અર્થ શું થાય અને યહોવાહ કેમ તેઓને બચાવશે?

૧૩ ચાલો ઝખાર્યાહ ૧૨:૭, ૮ વાંચીએ. પ્રાચીન ઈસ્રાએલના મેદાનોમાં બધી બાજુએ તંબુઓ જોવા મળતા. ખેડૂતો ને પાળકો પણ અમુક વાર તંબુમાં રહેતા. તેઓને ખાસ રક્ષણની જરૂર હતી. કેમ કે દુશ્મનો યરૂશાલેમ પર હુમલો કરે એ પહેલાં તંબુમાં રહેતા લોકોનો શિકાર કરતા. કલમમાં ‘યહુદાહના તંબુઓનો’ શું અર્થ થાય છે? એ આપણા જમાનાના અભિષિક્તોને રજૂ કરે છે. કેમ કે, તેઓ જાણે તંબુમાં રહેતા લોકોની જેમ રક્ષણ વગરના છે. આ અભિષિક્ત ખ્રિસ્તીઓ ડર્યા વગર હિંમતથી યહોવાહની ભક્તિ આગળ વધારે છે. શેતાન હુમલો કરવા આવે ત્યારે તે પહેલાં અભિષિક્તોનો શિકાર કરવા કોશિશ કરશે. પણ તે સફળ થશે નહિ કેમ કે યહોવાહ પ્રથમ ‘યહુદાહના તંબુઓને’ બચાવશે.

૧૪. યહોવાહ ‘યહુદાહના તંબુઓનું’ કઈ રીતે રક્ષણ કરે છે?

૧૪ આ અભિષિક્તો જાણે મેદાનમાં ‘તંબુઓ’ નાખીને રહે છે. * એટલે કે તેઓ રક્ષણ વગરના છે. પણ ઇતિહાસ પુરાવો આપે છે કે યહોવાહ તેઓનું રક્ષણ કરે છે. તે તેઓને સથવારો આપે છે જેથી તેઓ ‘નિર્બળ’ થઈને ઠોકર ન ખાય. આમ યહોવાહ તેઓને દાઊદની જેમ હિંમતવાન ને જોરદાર બનાવે છે.

૧૫. યહોવાહ કેમ ‘સર્વ પ્રજાઓનો વિનાશ કરવા’ ચાહે છે? તે ક્યારે એમ કરશે?

૧૫ ચાલો ઝખાર્યાહ ૧૨:૯ વાંચીએ. યહોવાહ કેમ ‘સર્વ પ્રજાઓનો વિનાશ કરવા’ ચાહે છે? કારણ કે તેઓ યહોવાહની સરકાર વિરુદ્ધ છે. તેઓ યહોવાહના ભક્તોને હેરાન કરે છે. સતાવણી કરે છે. એ માટે યહોવાહે તેઓનો ન્યાય કર્યો છે. નજીકમાં શેતાનના ચેલાઓ આખરી વાર યહોવાહના ભક્તો પર હુમલો કરવા નીકળશે. ત્યારે યહોવાહ હાર-માગેદોન યુદ્ધ લાવશે. પણ યહોવાહ પોતાના ભક્તોનું રક્ષણ કરશે. (પ્રકટીકરણ ૧૬:૧૩-૧૬) એ વખતે સર્વ લોકો જાણશે કે યહોવાહ કોણ છે. એનાથી તેમનું નામ હંમેશાં મહાન મનાવવામાં આવશે.—હઝકીએલ ૩૮:૧૪-૧૮, ૨૨, ૨૩.

૧૬, ૧૭. (ક) “યહોવાહના સેવકોનો વારસો” શું છે? (ખ) શેતાનના હુમલાઓ સહેવાથી આપણને શું ખાતરી મળે છે?

૧૬ શેતાન પાસે એવું કોઈ હથિયાર નથી જેનાથી તે જગતભરના ભક્તોની શ્રદ્ધા નબળી પાડી શકે. યહોવાહ હંમેશાં પોતાના ભક્તોને બચાવશે. એનાથી આપણને કેટલી મનની શાંતિ મળે છે! આ આશીર્વાદ “યહોવાહના સેવકોનો વારસો છે.” (યશાયાહ ૫૪:૧૭) કોઈ એ શાંતિ છીનવી શકશે નહિ. તેમ જ, પરમેશ્વર સાથેનો નાતો કાપી શકશે નહિ. (ગીતશાસ્ત્ર ૧૧૮:૬) હાલમાં યહોવાહના ભક્તો પર શેતાન લાખો તોફાન લાવે છે. પણ જો આપણે હિંમત ન હારીએ તો એનાથી સાબિત થશે કે યહોવાહની કૃપા આપણા પર છે. (૧ પીતર ૪:૧૪) યહોવાહની સરકાર વિષેની ખુશખબરી આખી દુનિયામાં ફેલાઈ રહી છે. પણ એનો પ્રચાર કરીએ છીએ ત્યારે દુશ્મનો આપણી સામે ‘ગોફણના ગોળાની’ જેમ નિશાન તાકીને તહોમતો મૂકે છે. તેમ છતાં, યહોવાહની શક્તિથી આપણે એ સહી શકીશું. (ઝખાર્યાહ ૯:૧૫) અભિષિક્તો ને તેઓના સાથીદારોનું કામ કોઈ પણ રોકી શકશે નહિ!

૧૭ આપણે શેતાનના હાથમાંથી હંમેશ માટે આઝાદ થવાની રાહ જોઈએ છીએ. આપણને જે ખાતરી આપવામાં આવ્યો છે એનાથી હમણાં કેટલો દિલાસો મળે છે: ‘તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલું કોઈ પણ હથિયાર સફળ થશે નહિ. ન્યાયસભામાં જે કોઈ જીભ આપણી વિરુદ્ધ બોલશે, તેને તું દોષિત ઠરાવીશ!’ (w07 12/15)

[Footnotes]

^ યહોવાહના સાક્ષીઓનું પુસ્તક, જે હવે છાપવામાં આવતું નથી.

^ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલું આ પુસ્તક જુઓ: જેહોવાઝ વીટનેસીસ—પ્રોક્લેમર્સ ઑફ ગૉડ્‌સ કિંગ્ડમ પુસ્તકના પાન ૬૭૫-૬૭૬.

તમે શું કહેશો?

• શું બતાવે છે કે શેતાનનાં હથિયારો નકામા સાબિત થાય છે?

• લોકોને ઈશ્વરની સરકાર કઈ રીતે ‘ભારે પથ્થર’ જેવી લાગે છે?

• યહોવાહ ‘યહુદાહના તંબુઓને’ કઈ રીતે બચાવે છે?

• હાર-માગેદોન આવે તેમ તમને શાની ખાતરી છે?

[Study Questions]

[Picture on page 23]

આલ્બેનિયામાં યહોવાહના સાક્ષીઓ પર શેતાન અનેક સતાવણી લાવ્યો તોપણ તેઓ યહોવાહને વફાદાર રહ્યાં

[Picture on page 25]

ઈસુએ આરોપોને ઊંધા વાળ્યા

[Picture on page 26]

ઈશ્વરની સરકાર વિષેની ખુશખબરી કોઈ પણ રોકી શકશે નહિ