સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દિલના ઇરાદાઓથી સાવધ રહો!

દિલના ઇરાદાઓથી સાવધ રહો!

બાઇબલ જણાવે છે કે, “હૃદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે.” (યિર્મે. ૧૭:૯) આપણા દિલમાં કોઈ તીવ્ર ઇચ્છા જાગે ત્યારે, એ ઇચ્છા પૂરી કરવા શું આપણે કારણો શોધતા નથી?

બાઇબલ આપણને ચેતવે છે: ‘હૃદયમાંથી દુષ્ટ વિચારો, ખૂન, ચોરી, વ્યભિચાર, લૂંટ, જૂઠ અને નિંદા નીકળે છે.’ (માથ. ૧૫:૧૯) આપણું દિલ આપણને છેતરી શકે અને ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધનાં કામો કરવાં ઉશ્કેરી શકે. કંઈ ખોટું ન કરી બેસીએ ત્યાં સુધી ખ્યાલ આવતો નથી કે આપણે સમજદારીથી વર્ત્યા નથી. તો પછી, ખોટું પગલું ભરીએ એ પહેલાં કઈ રીતે દિલના ઇરાદાને પારખી શકીએ?

દિલના ઇરાદા કઈ રીતે પારખવા?

દરરોજ બાઇબલ વાંચવાથી આપણા દિલ પર કેવી અસર થાય છે?

દરરોજ બાઇબલ વાંચીએ અને એના વિચારો પર મનન કરીએ.

ઈશ્વરના વિચારો જણાવતા પ્રેરિત પાઊલે લખ્યું: “ઈશ્વરનાં વચન જીવંત અને પરાક્રમથી ભરપૂર છે, અતિ તીક્ષ્ણ હથિયાર કરતાં પણ તે વધુ તીક્ષ્ણ છે. આપણા હૃદયના ઊંડામાં ઊંડા વિચારો તથા ઇચ્છાઓને તે આરપાર વીંધી શકે છે અને આપણને આપણા અસલ સ્વરૂપમાં ઉઘાડાં કરે છે.” (હિબ્રૂ ૪:૧૨, IBSI ) પોતાને સારી રીતે તપાસવા બાઇબલનું શિક્ષણ આપણને ઘણી મદદ કરે છે. એનાથી, આપણે દિલના ઇરાદા પારખી શકીએ છીએ. એટલે, બહુ જરૂરી છે કે દરરોજ બાઇબલ વાંચીએ તેમ જ એના પર મનન કરીએ. આમ, આપણે યહોવાના વિચારો દિલમાં ઊતારી શકીશું.

આપણા અંતઃકરણનો અવાજ ખરાં-ખોટાંની “ખાતરી” અપાવવાનું કામ કરે છે. (રોમ. ૯:૧) તેથી, બાઇબલની સલાહ સ્વીકારવાથી અને એના સિદ્ધાંતો જીવનમાં લાગુ પાડવાથી અંતઃકરણ પર સારી અસર પડશે. કોઈ ખરાબ બાબત કરવા માટે બહાના શોધવાથી, અંતઃકરણ આપણને રોકશે. વધુમાં, બાઇબલમાં એવાં ઘણાં ઉદાહરણો છે, જે ‘આપણા માટે ચેતવણીરૂપ’ છે. (૧ કોરીં. ૧૦:૧૧) એમાંથી શીખીશું તો ખોટી દિશામાં જતા અટકીશું. તો સવાલ થાય કે આપણે દરેકે શું કરવું જોઈએ?

આપણી પ્રાર્થનાઓ અંતઃકરણને પારખવા મદદ કરે છે

દિલના ઇરાદા પારખવા પ્રાર્થનામાં ઈશ્વરની મદદ માગીએ.

યહોવા “અંતઃકરણને પારખે છે.” (૧ કાળ. ૨૯:૧૭) તે ‘આપણા અંતઃકરણ કરતાં મોટા છે અને બધું જાણે છે.’ (૧ યોહા. ૩:૨૦) તેમને કોઈ છેતરી શકતું નથી. જો પોતાની ચિંતા, લાગણીઓ અને ઇચ્છાઓ દિલ ખોલીને પ્રાર્થનામાં જણાવીશું, તો દિલના ખરા ઇરાદા પારખવા યહોવા મદદ કરશે. આપણે પોતાનામાં “શુદ્ધ હૃદય ઉત્પન્‍ન” કરવા યહોવાને જણાવી શકીએ. (ગીત. ૫૧:૧૦) દિલ આપણને કઈ દિશામાં લઈ જાય છે, એ પારખવા માટે પ્રાર્થનાની ગોઠવણને અવગણીએ નહિ.

મંડળની સભાઓ દિલના ઇરાદા પારખવા મદદ આપે છે

સભામાં પૂરું ધ્યાન આપીએ.

સભામાં આપવામાં આવતી માહિતી તરફ પૂરું ધ્યાન આપીશું તો, દિલને ઈમાનદારીથી તપાસવા મદદ મળશે. ખરું કે, સભામાં દરેક વખતે નવી માહિતી ન પણ મળે. પરંતુ, દરેક સભામાં હાજર રહેવાથી બાઇબલના સિદ્ધાંતોની આપણી સમજણ વધુ સ્પષ્ટ બને છે. તેમ જ, સભામાં મળતાં સૂચનો દિલના ઇરાદાને તપાસવા મદદ કરે છે. આપણા દિલના ઇરાદા સુધારવા માટે ભાઈ-બહેનોનાં જવાબો બહુ મહત્ત્વનાં છે. (નીતિ. ૨૭:૧૭) પોતાને એકલા પાડી, ભાઈ-બહેનોની સંગતનો આનંદ નહિ માણીએ તો, ખુદને જ નુકસાન થશે. એમ કરવાથી આપણે “પોતાની ઇચ્છા” પૂરી કરવા ખેંચાઈશું. (નીતિ. ૧૮:૧) તેથી, આ સવાલ પર વિચાર કરવો સારું રહેશે: ‘શું હું નિયમિત રીતે બધી સભામાં જઉં છું અને એમાંથી લાભ લઉં છું?’—હિબ્રૂ ૧૦:૨૪, ૨૫.

દિલ આપણને ક્યાં લઈ જાય છે?

દિલ કપટી હોવાથી જીવનની અલગ અલગ બાબતોમાં આપણને ભરમાવી શકે. જેમ કે, ધનદોલત મેળવવામાં, દારૂ પીવામાં, મિત્રોની અને મનોરંજનની પસંદગીમાં. ચાલો, એ ચાર બાબતોનો વિચાર કરીએ.

ધનદોલત મેળવવામાં.

પોતાની જરૂરિયાતો પૂરી કરવાની ઇચ્છા થવી સ્વાભાવિક છે. જોકે, ધનદોલતની વધારે પડતી ચિંતા વિશે ઈસુએ ચેતવણી આપી હતી. તેમણે એક ઉદાહરણમાં જણાવ્યું કે એક ધનવાન માણસની વખારો અનાજથી ભરેલી હતી. તેની પાસે બીજું અનાજ ભરવા પૂરતી જગ્યા નહોતી. એટલે એ તોડીને મોટી વખારો બનાવવાની તેનામાં ઇચ્છા જાગી. તેણે આમ વિચાર્યું: “ત્યાં મારું બધું અનાજ તથા મારી માલમિલકત ભરી મૂકીશ. હું મારા જીવને કહીશ, કે ઓ જીવ, ઘણાં વરસને માટે ઘણી માલમિલકત તારે માટે રાખી મૂકેલી છે; આરામ લે, ખા, પી, આનંદ કર.” જોકે, તે માણસ એક હકીકત ભૂલી ગયો હતો કે તેનું જીવન એ જ રાતે ખતમ થઈ શકે.—લુક ૧૨:૧૬-૨૦.

ઉંમર વધે તેમ, આપણને કદાચ વધારે ચિંતા થાય કે ઘરડા થઈશું ત્યારે પૈસેટકે સલામતીનું શું? એવી ચિંતાને લીધે કદાચ સભામાં હાજર રહેવાને બદલે, નોકરી ધંધામાં સમય આપવાનું યોગ્ય લાગી શકે. અથવા, એવું પણ બને કે મંડળની જવાબદારીઓને કોઈક રીતે અવગણવા લાગીએ. શું આવી ઇચ્છાઓને અટકાવવી ન જોઈએ? બની શકે કે આપણે યુવાન છીએ અને પૂરા સમયની સેવાને સૌથી સારી કારકિર્દી ગણીએ છીએ. પણ, શું એવા કિસ્સામાં પાયોનિયરીંગ બાજુએ મૂકી, પહેલાં આર્થિક રીતે સદ્ધર થવાનાં કારણો શોધીએ છીએ? ઈશ્વરની નજરમાં ધનવાન થવા, શું આપણે બનતું બધું ન કરવું જોઈએ? કોને ખબર કાલે આપણે જીવીએ કે ન જીવીએ!

દારૂ પીવામાં.

બાઇબલ સલાહ આપે છે કે ‘દારૂડિયા સાથે મિજબાનીમાં જોડાઈશ નહિ.’ (નીતિ. ૨૩:૨૦, IBSI ) જો વ્યક્તિને દારૂ પીવાની ખૂબ ઇચ્છા થતી હોય, તો કદાચ તે દરરોજ દારૂ પીવાનાં કારણો શોધશે. કદાચ તે એમ પણ વિચારે કે, ‘હું તો દારૂ હળવાશની પળો માણવા ખાતર પીવું છું, નશામાં ચકચૂર થવા નહિ!’ જો હળવાશની પળો માણવા દારૂની જરૂર પડતી હોય, તો હમણાં જ પોતાના દિલના ઇરાદાઓ ઈમાનદારીથી તપાસવાની જરૂર છે.

મિત્રોની પસંદગીમાં.

ખરું કે, સત્યમાં ન હોય એવા લોકોનો અમુક જગ્યાએ સંપર્ક ટાળવો અશક્ય છે. જેમ કે, સ્કૂલમાં, નોકરી-ધંધા પર અને પ્રચારમાં. પરંતુ, તેઓ સાથે વધારે હળવુંમળવું તેમ જ ગાઢ દોસ્તી બાંધવી, એ વિચારવાની બાબત છે. શું તેઓની સંગતને એમ માનીને ચલાવી લઈએ છીએ કે તેઓમાં સારા ગુણો ઘણા છે? બાઇબલ જણાવે છે કે છેતરાશો નહિ “દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.” (૧ કોરીં. ૧૫:૩૩) આપણે જાણીએ છીએ કે થોડીક ગંદકી પણ ચોખ્ખાં પાણીને બગાડી દે છે. એવી જ રીતે, સત્યમાં ન હોય એવા લોકોની દોસ્તી, યહોવા સાથેના આપણા કીમતી સંબંધને બગાડી શકે. તેમ જ, દુનિયાના વિચારો, પહેરવેશ કે વાણી-વર્તન અપનાવવા લલચાવી શકે.

મનોરંજનની પસંદગીમાં.

આજની ટૅક્નોલૉજીને લીધે દરેક પ્રકારનું મનોરંજન આંગળીના ટેરવે મળી રહે છે. જોકે, એમાંનું મોટા ભાગનું મનોરંજન આપણી માટે અયોગ્ય હોય છે. પાઊલે લખ્યું કે, ‘સર્વ પ્રકારની અશુદ્ધ બાબતોનાં નામ પણ તમારે ન લેવાં.’ (એફે. ૫:૩) જો આપણું દિલ કંઈક અયોગ્ય જોવા કે સાંભળવા લલચાય તો શું? કદાચ, આપણે એમ વિચારવા લાગીએ કે દરેકને ઓછાંવત્તાં પ્રમાણમાં મનોરંજન તો જોઈએ જ અને એ વ્યક્તિગત બાબત છે. આપણે પાઊલની સલાહ દિલમાં ઉતારીએ. કોઈ પણ અશુદ્ધ બાબતો આંખો કે કાન દ્વારા દિલમાં પ્રવેશવા દઈએ નહિ.

સુધારો કરવો શક્ય છે

જો પોતાના કપટી દિલના ઇશારે નાચવાની અને ખોટું વર્તન ચલાવી લેવાની આદત પડી ગઈ હોય, તોપણ પોતાનામાં સુધારો કરવો શક્ય છે. (એફે. ૪:૨૨-૨૪) ચાલો, બે વ્યક્તિના અનુભવો જોઈએ.

મિગેલને a ધનદોલત પ્રત્યે પોતાના વિચારો સુધારવાની જરૂર જણાઈ. તે કહે છે, “મારી પત્ની, મારો દીકરો અને હું એવા દેશના છીએ જ્યાં નવામાં નવી ટૅક્નોલૉજી અને એશઆરામ મેળવવાને ઘણું મહત્ત્વ અપાય છે. એક સમયે, દુનિયાનું બની શકે એ બધું મેળવવા હું દિન-રાત મંડ્યો રહેતો. અને એમ વિચારતો કે સુખ-સાહેબીનો રંગ મને લાગશે નહિ. પણ, જલદી જ મને અહેસાસ થયો કે ધનદોલત તો એવો રસ્તો છે જેનો કોઈ અંત નથી. મેં યહોવાને મારા દિલના ઇરાદા અને વિચારો વિશે પ્રાર્થના કરી. મેં તેમને જણાવ્યું કે હું અને મારું કુટુંબ તેમની ભક્તિ પૂરા દિલથી કરવા ઇચ્છીએ છીએ. અમે અમારું જીવન સાદું બનાવવાનું નક્કી કર્યું. અને એવી જગ્યાએ જવાનો નિર્ણય કર્યો જ્યાં પ્રચાર કરવાની વધારે જરૂર હતી. જલદી જ, અમે પાયોનિયરીંગ શરૂ કરી શક્યા. અમે જોઈ શક્યા કે સુખી અને સંતોષી જીવન માટે વધારે ધનદોલત હોવી જરૂરી નથી.”

લીનો અનુભવ બતાવે છે કે ઈમાનદારીથી દિલને તપાસીએ તો ખોટી સોબતથી છૂટી શકાય છે. તે કહે છે, “મારાં કામ-ધંધાને લીધે પરદેશી વેપારીઓ સાથે ઘણી વાર ઊઠવા-બેસવાનું થતું. મને ખબર હતી કે તેઓ સાથે વેપારને લગતી મિટિંગમાં વધારે પડતો દારૂ તો પીવાશે જ. પરંતુ, ત્યાં જવાનું મને ઘણું ગમતું. ઘણી વાર, હું એટલી હદે દારૂ પીતો કે ભાન ગુમાવી બેસું એવી હાલતમાં આવી જતો. જોકે, પછીથી મને અફસોસ થતો. મારે પોતાના દિલને ઈમાનદારીથી તપાસવાની જરૂર હતી. બાઇબલની શિખામણ અને વડીલોની સલાહથી મને અહેસાસ થયો કે હું એવા લોકોની સંગત ચાહતો હતો, જેઓ યહોવાને નહોતા ચાહતા. હવે, હું કામને લગતી બાબતો બને તેમ, ફોનથી પતાવી દઉં છું અને વેપારીઓ સાથે ઓછામાં ઓછો સંપર્ક રાખું છું.”

પોતાના દિલમાં શું છે એ જાણવાની અને એને ઈમાનદારીથી પારખવાની જરૂર છે. એમ કરીએ ત્યારે, પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માગીએ. હંમેશાં યાદ રાખીએ કે, ‘ઈશ્વર હૃદયની ગુપ્ત વાતો જાણે છે.’ (ગીત. ૪૪:૨૧) ઈશ્વરે આપેલું બાઇબલ અરીસાનું કામ કરે છે. (યાકૂ. ૧:૨૨-૨૫) ઉપરાંત, આપણી સભાઓ અને સાહિત્યમાંથી મળતાં સલાહ-સૂચનો પણ ખૂબ મહત્ત્વનાં છે. આ બધી ગોઠવણોથી આપણે દિલનું રક્ષણ કરી શકીએ છીએ. આમ, ઈશ્વરે બતાવેલા માર્ગ પર ચાલતા રહી શકીશું.

a નામ બદલ્યાં છે.