પ્રેટોરીયન સૈનિકોને સાક્ષી મળે છે
ઈસવીસન ૫૯ના વર્ષમાં જુલિયસ નામનો અમલદાર અને તેના થાકી ગયેલા સૈનિકો કેટલાક કેદીઓને રોમમાં લઈ જઈ રહ્યા હતા. તેઓ પૉર્ટા કાપેના નામના દરવાજેથી શહેરમાં આવ્યા. તેઓ પેલૅટાઇન નામની ટેકરી ઉપર ચઢ્યા, જ્યાંથી સમ્રાટ નીરોનો મહેલ દેખાતો હતો. તેઓ એ મહેલની ચારેબાજુ તહેનાત પ્રેટોરીયન સૈનિકો જોઈ શકતા હતા, જેઓની પાસે તલવાર હતી. a કેદીઓનો સમૂહ રોમન ચૌંટું પસાર કરી વિમિનલ ટેકરી પર આવ્યો. તેઓ એવા એક બગીચા પાસેથી નીકળ્યા જ્યાં રોમન દેવતાઓની વેદીઓ હતી. એ પછી, તેઓ એક મોટા મેદાન તરફ આવ્યા, જે સૈનિકોની તાલીમ અને પરેડ માટે વપરાતું હતું.
એ કેદીઓમાં પ્રેરિત પાઊલ પણ હતા. અમુક સમય પહેલાં, પાઊલની દરિયાઈ મુસાફરી દરમિયાન તોફાન આવ્યું હતું. એ સમયે, એક સ્વર્ગદૂતે પાઊલને કહ્યું હતું, “કૈસરની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે.” (પ્રે.કૃ. ૨૭:૨૪) પાઊલને થયું હશે કે શું એ શબ્દો જલદી પૂરા થશે? રોમ જોઈને પાઊલને ઈસુના શબ્દો યાદ આવ્યા હશે, જે તેમણે અમુક વર્ષો પહેલાં યરુશાલેમમાં એનટોનિયાના ટાવર પાસે કહ્યા હતા: “હિંમત રાખ; કેમ કે જેમ મારે વિશે તેં યરુશાલેમમાં સાક્ષી આપી છે, તેમ તારે રોમમાં પણ સાક્ષી આપવી પડશે.”—પ્રે.કૃ. ૨૩:૧૦, ૧૧.
પાઊલે કદાચ પ્રેટોરીયન સૈનિકોની છાવણી જોઈ હશે, જે કાસ્ટ્રા પ્રેટોરીયા કહેવાતી. આ એક મોટો કિલ્લો હતો જેના ઊંચા બુરજો અને દીવાલો લાલ ઈંટના બનેલાં હતાં. એ કિલ્લામાં, સમ્રાટની રક્ષા કરનાર પ્રેટોરીયન સૈનિકોની બાર ટુકડીઓ રહેતી. b શહેરના પોલીસદળની અમુક ટુકડીઓ અને ઘોડેસવારો પણ એમાં રહેતાં. એ ઇમારત જોઈ લોકોને અહેસાસ થતો કે સમ્રાટ કેટલો શક્તિશાળી છે. રોમન સામ્રાજ્યના બીજા ભાગોના કેદીઓ, પ્રેટોરીયન સૈનિકોની જવાબદારી હતા. એટલે, જુલિયસ કેદીઓના સમૂહને પ્રેટોરીયન છાવણીમાં લઈને આવતો હતો. મહિનાઓની મુસાફરી પછી તેઓ છેવટે રોમમાં આવ્યા.—પ્રે.કૃ. ૨૭:૧-૩, ૪૩, ૪૪.
પાઊલે પ્રચાર કરવાનું બંધ કર્યું નહિ
રોમ તરફની મુસાફરી દરમિયાન અમુક રોચક બનાવો બન્યા હતા. જેમ કે, દરિયામાં તોફાન આવ્યું ત્યારે, પાઊલે ભાખ્યું કે વહાણ ભાંગી જશે પણ બધા બચી જશે. પાઊલને ઝેરી સાપ કરડ્યો તોપણ તેમને કંઈ ન થયું. ત્યાર બાદ, પાઊલે માલ્ટાના ટાપુ પર માંદાઓને સાજા કર્યા અને લોકો તેમને ભગવાન કહેવા લાગ્યા. પ્રેટોરીયન સૈનિકોમાંથી કેટલાકે કદાચ એ બનાવ વિશે સાંભળ્યું હશે અને એના વિશે વાતો કરી હશે.
રોમથી “આપિયસના બજારમાં અને ત્રણ ધર્મશાળાઓમાં” મળવા આવેલા ભાઈઓને પણ પાઊલ મળ્યા. (પ્રે.કૃ. ૨૮:૧૫, ઈઝી-ટુ-રીડ વર્ઝન) રોમમાં પ્રચાર કરવા પાઊલ આતુર હતા. પણ તે કઈ રીતે એમ કરી શકે, તે તો કેદી હતા? (રોમ. ૧:૧૪, ૧૫) અમુક માને છે કે કેદીઓને પહેલાં, સૈનિકોના ઉચ્ચ અધિકારી પાસે લઈ જવામાં આવતા. જો એમ હોય તો, પાઊલને પ્રેટોરીયન સૈનિકોના ઉચ્ચ અધિકારી, આફ્રાનિયસ બરૉસ પાસે લઈ જવામાં આવ્યા હશે. બની શકે કે તેની પાસે લગભગ સમ્રાટ જેટલી સત્તા હતી. c ભલે ગમે એ હોય, પાઊલને હવે અમલદારોના હાથમાં સોંપવાને બદલે, એક પ્રેટોરીયન સૈનિક સાથે રાખવામાં આવ્યા હતા. રહેવા માટે જગ્યા શોધવાની પાઊલને પરવાનગી આપવામાં આવી હતી. તેમના ત્યાં મુલાકાતીઓને આવવાની પણ રજા હતી. એટલે, પાઊલ તેઓને પ્રચાર કરતા.—પ્રે.કૃ. ૨૮:૧૬, ૩૦, ૩૧.
પાઊલે “નાનામોટાને” સાક્ષી આપી
નીરો પાસે લઈ જતા પહેલાં, કદાચ પ્રેટોરીયન છાવણીમાં કે મહેલમાં બરૉસે પાઊલને પૂછતાછ કરી હશે. ત્યારે પાઊલે “નાનામોટાને સાક્ષી” આપવાની તક જતી કરી નહિ. (પ્રે.કૃ. ૨૬:૧૯-૨૩) બરૉસે પાઊલને ગુનેગાર ગણ્યા હતા કે નહિ એ આપણે જાણતા નથી. પણ, આપણે એ તો જાણીએ છીએ કે તેણે પાઊલને પ્રેટોરીયન છાવણીમાં કેદી તરીકે મોકલ્યા નહિ. d
પાઊલે “યહુદીઓના મુખ્ય માણસો” અને બીજાઓને ઘરે બોલાવીને તેઓને “સાક્ષી આપી.” પ્રેટોરીયન સૈનિકોને પણ સાક્ષી મળી હતી. કઈ રીતે? જ્યારે ઈસુ અને તેમના રાજ્ય વિશે પાઊલે, યહુદીઓને “સવારથી સાંજ સુધી” સાક્ષી આપી, ત્યારે એ સૈનિકોએ સાંભળ્યું હતું.—મહેલની ચોકી કરતા પ્રેટોરીયન સૈનિકો દર આઠ કલાકે બદલાતા. એવી જ રીતે, પાઊલની નિગરાની કરતો સૈનિક પણ દિવસ દરમિયાન બદલાતો. આમ, ઘણા સૈનિકોને સાક્ષી મળી હતી. પાઊલ એફેસી, ફિલિપી, કોલોસી અને હિબ્રૂ ભાઈ-બહેનોને મોકલવાં, કોઈની પાસે પત્રો લખાવતા, એ પણ સૈનિકોએ સાંભળ્યા હતા. તેમ જ, પાઊલ ફિલેમોનને પત્ર લખતા હતા, એ પણ સૈનિકોએ જોયું હશે. પાઊલ કેદમાં હતા ત્યારે તેમણે ઓનેસીમસને મદદ કરી હતી. ઓનેસીમસ પોતાના માલિક પાસેથી ભાગી છુટ્યો હતો. પાઊલ તેને દીકરા સમાન ગણતા અને તેને માલિક પાસે પાછો મોકલી આપ્યો. (ફિલે. ૧૦) એમાં કોઈ શંકા નથી કે ચોકી કરતા સૈનિકોમાં પણ પાઊલે રસ બતાવ્યો હશે. (૧ કોરીં. ૯:૨૨) દાખલા તરીકે, સૈનિકો રક્ષણ માટે શું પહેરે છે, એ વિશે તેઓ સાથે વાતચીત કરી હશે. પછી એ માહિતી પાઊલે પોતાના એક ઉદાહરણમાં વાપરી.—એફે. ૬:૧૩-૧૭.
‘ઈશ્વરની સુવાર્તા હિંમત રાખીને બોલીએ’
આખા રોમન સામ્રાજ્યમાં પ્રેટોરીયન સૈનિકોના સંપર્ક હતા. એમાં સમ્રાટ, તેનું કુટુંબ, ચાકરો અને ગુલામો પણ હતાં. એટલે, ફક્ત પ્રેટોરીયન સૈનિકો જ નહિ પરંતુ, બીજા ઘણાને સુવાર્તા સાંભળવાની તક મળી. એમાંના કેટલાક ખ્રિસ્તી પણ બન્યા. (ફિલિ. ૧:૧૨, ૧૩; ૪:૨૨) પાઊલના ઉદાહરણથી રોમમાં રહેતાં ભાઈ-બહેનોને ‘ઈશ્વરની સુવાર્તા હિંમત રાખીને બોલવાં’ ઉત્તેજન મળ્યું.—ફિલિ. ૧:૧૪.
પાઊલનો દાખલો સારા તેમ જ મુશ્કેલ સમયમાં પ્રચાર કરવા પણ ઉત્તેજન આપે છે. (૨ તીમો. ૪:૨) બની શકે કે તબિયતને લીધે તમે ઘર કે હૉસ્પિટલમાં જ રહેતા હો અથવા ઈશ્વર પરની શ્રદ્ધાને કારણે જેલમાં હો. સંજોગો ભલે ગમે એ હોય, કોઈને પણ મળીએ ત્યારે પ્રચાર કરી શકીએ. જેમ કે, આપણને મદદ કરવા આવનારાઓને કે પછી અમુક સેવાઓ પૂરી પાડનારાઓને પ્રચાર કરી શકીએ. જ્યારે આપણે હિંમત રાખીને દરેક તકે પ્રચાર કરીએ છીએ, ત્યારે આપણે બતાવીએ છીએ કે “ઈશ્વરનું વચન બંધનમાં નથી.”—૨ તીમો. ૨:૮, ૯, IBSI.
a “નીરોના સમયના પ્રેટોરીયન સૈનિકો” બૉક્સ જુઓ.
b રોમન ટુકડી વધુમાં વધુ હજાર સૈનિકોની બનેલી હતી.
c “સેક્ટસ આફ્રાનિયસ બરૉસ” બૉક્સ જુઓ.
d આ જ જગ્યાએ હેરોદ આગ્રીપાને કેદ કરવામાં આવ્યો હતો. કેમ કે, તેણે એવું જણાવ્યું હતું કે કેલિગુલા જલદી જ સમ્રાટ બનવો જોઈએ. એ માટે તીબેરિયસ કાઈસારે હેરોદને ૩૬-૩૭ની સાલમાં પ્રેટોરીયન છાવણીમાં કેદ કરાવ્યો. કેલિગુલા સમ્રાટ બન્યો એ પછી તેણે હેરોદને ઇનામમાં યહુદીયાનો રાજા બનાવ્યો.—પ્રે.કૃ. ૧૨:૧.