યહોવાને ચાહનારાઓ માટે ‘ઠોકર ખાવાનું કોઈ કારણ નથી’
‘તમારા નિયમ પર પ્રેમ રાખનારાને બહુ શાંતિ મળે છે; તેઓને ઠોકર ખાવાનું કોઈ કારણ નથી.’—ગીત. ૧૧૯:૧૬૫.
૧. હાર માનવી જોઈએ નહિ, એ સમજાવતો એક દાખલો આપો.
મેરી ડૅકર તરુણ હતી ત્યારથી જ દોડવામાં જગ-મશહૂર હતી. ૧૯૮૪ના ઉનાળાના ઑલિમ્પિકમાં ત્રણ હજાર મીટર ફાઇનલમાં તેણે ભાગ લીધો. બધા ચાહતા હતા કે ગોલ્ડ મૅડલ તેને જ મળે. પણ, દોડમાં અંતિમ રેખા તે પાર ન કરી શકી. શા માટે? કેમ કે, તેનો પગ દોડમાં કોઈકની સાથે અથડાયો અને તે ઊંધે માથે પડી. તેને ઘણું વાગ્યું અને તે રડી પડી. પછી, તેને ત્યાંથી ઊંચકીને લઈ જવી પડી. જોકે, મેરી હાર માને એવી ન હતી. એક વર્ષની અંદર, તેણે ફરીથી દોડમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ૧૯૮૫ના વર્ષમાં મહિલાઓની એક માઈલની દોડમાં તેણે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
૨. કયા અર્થમાં આપણે દોડમાં છીએ અને આપણું ધ્યાન શાના પર હોવું જોઈએ?
૨ ખ્રિસ્તીઓ હોવાથી આપણે પણ જાણે એક દોડમાં છીએ. આપણું ધ્યાન જીતવા પર હોવું જોઈએ. આપણી દોડ એવી કોઈ હરીફાઈ નથી, જેમાં ઝડપ એ જીતવાની ચાવી હોય. તેમ જ, એ કોઈ કસરતની દોડ નથી, જેમાં ધીમી ગતિએ દોડતા વચ્ચે વચ્ચે ઊભા રહીએ. એને બદલે, આપણી દોડને લાંબા અંતરની દોડ સાથે સરખાવી શકાય. એમાં છેક સુધી ટકી રહેવું એ જીતવા માટે બહુ જરૂરી છે. કોરીંથ મંડળને લખેલા પત્રમાં, પ્રેરિત પાઊલે દોડવીરનું ઉદાહરણ વાપર્યું. કારણ કે, કોરીંથ શહેર રમતની સ્પર્ધાઓ માટે મશહૂર હતું. તેમણે લખ્યું: “શું તમે નથી જાણતા કે શરતમાં દોડનાર સર્વે તો ઈનામ મેળવવા દોડે છે, તો પણ એકને જ ઈનામ મળે છે? એમ દોડો કે તમને મળે.”—૧ કોરીં. ૯:૨૪.
૩. દોડમાં ભાગ લેનારા બધા જ કઈ રીતે હંમેશ માટેનું જીવન મેળવી શકે છે?
૩ બાઇબલ આપણને એક ખાસ પ્રકારની દોડમાં ભાગ લેવા જણાવે છે. (૧ કોરીંથી ૯:૨૫-૨૭ વાંચો.) એનું ઈનામ હંમેશ માટેનું જીવન છે, જે અભિષિક્તોને સ્વર્ગમાં અને બાકીના ખ્રિસ્તીઓને ધરતી પર મળશે. મોટા ભાગની સ્પર્ધાઓમાં બધાને ઈનામ મળતું નથી. જ્યારે કે, આ દોડમાં જેઓ ભાગ લે અને અંત સુધી ટકે તે બધાને ઈનામ મળશે. (માથ. ૨૪:૧૩) આ દોડમાં ભાગ લેનારાઓ જો નિયમો પ્રમાણે ન દોડે અથવા અંતિમ રેખા પાર ન કરે, તો જ તેઓને એ ઈનામ નહિ મળે. તેમ જ, હંમેશ માટેનું જીવન આપતી આ જ એક દોડ છે.
૪. હંમેશ માટેનું જીવન મેળવવાની દોડને કઈ બાબત મુશ્કેલ બનાવે છે?
૪ અંતિમ રેખા પાર કરવી સહેલી નથી. એ માટે પોતાના પર સંયમ રાખવો પડે છે. તેમ જ, લક્ષ્ય પામવા માટે મનમાં ગાંઠ વાળવી પડે છે. અત્યાર સુધી, ફક્ત ઈસુ ખ્રિસ્ત આ દોડને ઠોકર ખાધા વગર પાર કરી શક્યા છે. તેમના શિષ્ય યાકૂબે લખ્યું કે ખ્રિસ્તને અનુસરનારા ઘણી વાર ‘ભૂલ કરે છે.’ (યાકૂ. ૩:૨) એ કેટલું સાચું છે! આપણા બધા પર પોતાની નબળાઈઓ અને બીજાની ખામીઓની અસર થાય છે. તેથી, આપણને અમુક વાર ઠેસ વાગે, કદાચ લથડવા લાગીએ અને ઉત્સાહ ખોઈ બેસીએ. અરે, કદાચ પડી જઈએ તોપણ, પાછા ઊભા થઈને દોડવા લાગીએ છીએ. અમુક તો એટલી ખરાબ રીતે પડ્યા છે કે તેઓને ફરી પાછા ઊભા થવામાં અને ફરી અંતિમ રેખા તરફ દોડવામાં મદદની જરૂર પડી છે. આમ, શક્ય છે કે આપણે પણ થોડીક વાર માટે પડી જઈએ અથવા તો વારંવાર ઠોકર ખાઈએ.—૧ રાજા. ૮:૪૬.
જો ઠોકર ખાઓ તોપણ દોડતા રહો
૫, ૬. (ક) યહોવાના ભક્ત માટે કેમ ‘ઠોકર ખાવાનું કોઈ કારણ નથી?’ જો પડે તો તેમને ‘પાછા ઊઠવા’ કઈ મદદ મળે છે? (ખ) શા માટે અમુક લોકો ઠોકર ખાધા પછી ઊભા થતા નથી?
૫ ઠોકર ખાઈએ કે પડી જઈએ ત્યારે, જે કંઈ કરીએ છીએ એના પરથી ખબર પડશે કે આપણે કેવા છીએ. ઠોકર ખાનારા કે પડી જનારા અમુકે પસ્તાવો કર્યો છે અને ઈશ્વરની ભક્તિમાં લાગુ રહ્યા છે. તો કેટલાકે પસ્તાવો કર્યો નથી. નીતિવચનો ૨૪:૧૬ જણાવે છે, “નેક માણસ સાતવાર પડી પડીને પણ પાછો ઊઠે છે; પણ દુષ્ટો વિપત્તિથી પાયમાલ થઈ જાય છે.”
૬ યહોવા પોતાના ભક્તોને એવી કોઈ ઠોકર ખાવા નહિ દે અથવા એવી રીતે પડવા નહિ દે, જેથી તેઓ પાછા ઊઠી જ ન શકે. આપણને ખાતરી મળી છે કે ‘પાછા ઊઠવામાં’ યહોવા મદદ કરશે, જેથી પૂરા દિલથી તેમની ભક્તિ કરી શકીએ. યહોવાને પૂરા દિલથી ચાહનારાઓ માટે એ કેટલી રાહતની વાત છે! પણ, દુષ્ટોને પાછા ઊઠવું નથી. તેઓ ઈશ્વરની શક્તિ દ્વારા મળતી મદદ લેતા નથી. ઈશ્વરના ભક્તો પાસેથી મળતી મદદ પણ તેઓ લેવાનો ઇન્કાર કરે છે. જ્યારે કે, ‘યહોવાના નિયમ પર પ્રેમ રાખનારાઓ’ માટે એવી કોઈ ઠોકર નથી, જે તેઓને જીવનની દોડમાંથી બહાર ધકેલી દે.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૫ વાંચો.
૭, ૮. ‘પડી જવા’ છતાં, કઈ રીતે ઈશ્વરની કૃપા પામી શકાય?
૭ ઘણી વાર વ્યક્તિ પોતાની નબળાઈને લીધે પાપ કરી બેસે છે. એવું પણ બને કે એ જ ભૂલ તે વારંવાર કર્યા કરે. જો તે ‘પાછા ઊઠવાના’ અને વફાદારીથી યહોવાની ભક્તિ ફરી શરૂ કરવાના પ્રયત્નો કરશે, તો યહોવાની નજરમાં તે હજી પણ ન્યાયી ગણાય છે. એ બાબત ઈસ્રાયેલીઓના દાખલામાંથી જોવા મળે છે. જ્યારે જ્યારે તેઓએ ખરો પસ્તાવો કર્યો ત્યારે ત્યારે યહોવાએ તેઓને ન્યાયી ગણ્યા. (યશા. ૪૧:૯, ૧૦) આપણે નીતિવચનો ૨૪:૧૬ જોઈ ગયા. એ કલમ ‘પડી જવા’ પર ભાર આપવાને બદલે, ઈશ્વરની મદદથી ‘પાછા ઊઠવા’ પર ભાર મૂકે છે. (યશાયા ૫૫:૭ વાંચો.) યહોવા અને ઈસુ આપણામાં ભરોસો બતાવે છે અને ‘પાછા ઊઠવા’ ઉત્તેજન આપે છે.—ગીત. ૮૬:૫; યોહા. ૫:૧૯.
૮ લાંબા અંતરની દોડમાં દોડવીર ઠોકર ખાય કે પડી જાય તોય, પાછા ઊઠીને ફરી દોડવાનો તેને સમય મળે પણ ખરો. જ્યારે કે, હંમેશ માટેના જીવનની દોડમાં આપણે જાણતા નથી કે એ દોડનો અંત કયા ‘દિવસે અને કઈ ઘડીએ’ આવશે. (માથ. ૨૪:૩૬) જો આપણે ઓછી ઠોકરો ખાઈશું, તો એક ધારી રીતે દોડતા રહેવામાં મદદ મળશે. તેમ જ, દોડમાં રહી શકીશું અને એને સારી રીતે પૂરી કરી શકીશું. તો સવાલ થાય કે ઠોકર ખાવાનું કઈ રીતે ટાળી શકીએ?
ઠોકર ખવડાવતી બાબતો
૯. કઈ બાબતો આપણને ઠોકર ખવડાવી શકે?
૯ આપણને ઠોકર ખવડાવી શકે એવી પાંચ બાબતોની ચાલો ચર્ચા કરીએ. એ છે: પોતાની નબળાઈઓ, શરીરની ઇચ્છાઓ, ભાઈ-બહેનને લીધે થયેલો અન્યાય, વિપત્તિ કે સતાવણી અને બીજાઓની ખામીઓ. યાદ રાખો કે, ઠોકર ખાઈએ તોય યહોવા આપણી સાથે ધીરજથી વર્તે છે. આપણે વફાદાર રહ્યા નથી એમ જાહેર કરવામાં તે ઉતાવળ કરતા નથી.
૧૦, ૧૧. દાઊદે કઈ નબળાઈનો સામનો કર્યો?
૧૦ પોતાની નબળાઈઓને કદાચ દોડવાના માર્ગમાં પડેલા અમુક પથ્થરો સાથે સરખાવી શકાય. રાજા દાઊદ અને પ્રેરિત પીતરના જીવન-પ્રસંગો પર નજર કરવાથી, આપણા ધ્યાનમાં તેઓની બે નબળાઈઓ આવશે: સંયમની કમી અને માણસોનો ડર.
૧૧ દાઊદ બેકાબૂ થવાની અણી પર જ હતા જ્યારે નાબાલે તેમનું અપમાન કર્યું હતું. ઉપરાંત, બાથશેબા સાથે જે કર્યું, એમાં પણ દાઊદમાં સંયમની કમી સાફ દેખાઈ આવી. ખરું કે, દાઊદે અમુક વખતે સંયમ ગુમાવ્યો, તોપણ યહોવાને ખુશ કરવાનું તેમણે ક્યારેય છોડ્યું નહિ. બીજાઓની મદદને સહારે યહોવાની ભક્તિમાં તે પાછા સ્થિર થયા.—૧ શમૂ. ૨૫:૫-૧૩, ૩૨, ૩૩; ૨ શમૂ. ૧૨:૧-૧૩.
૧૨. ઠોકર ખાવા છતાં, પીતર કઈ રીતે દોડમાં લાગુ રહ્યા?
૧૨ પીતરને માણસોનો ડર હોવાથી, અમુક વાર તેમણે ખરાબ રીતે ઠોકર ખાધી. છતાં, યહોવા અને ઈસુને તે વળગી રહ્યા. દાખલા તરીકે, તેમણે જાહેરમાં પોતાના ગુરુને નકાર્યા, એક વાર નહિ, પણ ત્રણ વાર! (લુક ૨૨:૫૪-૬૨) બીજા એક પ્રસંગે, તે ખ્રિસ્તી તરીકે વર્તવાનું ચૂકી ગયા. કઈ રીતે? તે યહુદી ખ્રિસ્તીઓને વધારે માન આપતા અને બીજી જાતિના ખ્રિસ્તીઓને નીચા ગણતા. જ્યારે કે, પ્રેરિત પાઊલ સ્પષ્ટ જોઈ શક્યા કે ખ્રિસ્તી મંડળમાં ભેદભાવને કોઈ સ્થાન નથી. પીતરનું વલણ ખોટું હતું. તેમના વલણને લીધે ખ્રિસ્તી ભાઈચારામાં કડવાશ પેદા થાય એ પહેલાં પાઊલે પગલાં ભર્યાં. તેમણે પીતરને કડક શબ્દોમાં સલાહ આપી. (ગલા. ૨:૧૧-૧૪) એનાથી, શું પીતરનો અહમ ઘવાયો અને તેમણે જીવનની દોડ છોડી દીધી? ના. તેમણે પાઊલના શબ્દોનું મહત્ત્વ પારખ્યું, એ પ્રમાણે કર્યું અને જીવનની દોડમાં લાગુ રહ્યા.
૧૩. આપણી તબિયત કઈ રીતે ઠોકરરૂપ બની શકે?
૧૩ આપણી તબિયત પણ કોઈક વાર નબળાઈ બની શકે અને ઠોકર ખવડાવી શકે. એ આપણને જીવનની દોડમાં ધીમા કરી શકે, ડગમગાવી શકે, અરે, પાડી પણ શકે! ચાલો, જાપાનમાં રહેતાં આપણાં બહેનનો દાખલો લઈએ. બાપ્તિસ્માનાં સત્તર વર્ષ પછી તે સખત બીમાર પડ્યાં. તબિયત વિશે આ બહેન એટલી હદે ચિંતા કરવાં લાગ્યાં કે યહોવાની ભક્તિમાં નબળાં પડવાં માંડ્યાં. સમય જતા, તે ભક્તિમાં સાવ ઠંડાં પડી ગયાં. બે વડીલોએ તેમની મુલાકાત લીધી. તેઓના ઉત્તેજનથી બહેને સભાઓમાં જવાનું ફરી શરૂ કર્યું. બહેન યાદ કરતાં જણાવે છે કે, ‘સભામાં ભાઈ-બહેનોએ પ્રેમથી મારો આવકાર કર્યો ત્યારે, મારી આંખો ભીંજાઈ ગઈ.’ આપણાં બહેન ફરીથી જીવનની દોડમાં જોડાયાં.
૧૪, ૧૫. ખોટી ઇચ્છાઓ જાગે ત્યારે કયાં કડક પગલાં ભરવાં જોઈએ? ઉદાહરણથી સમજાવો.
૧૪ શરીરની ઇચ્છાઓને લીધે પણ ઘણાએ ઠોકર ખાધી છે. શરીરની ઇચ્છાઓ પૂરી કરવાની લાલચ જાગે તો, કયાં કડક પગલાં લેવાં જોઈએ? ઈશ્વરના ધોરણો પ્રમાણે પોતાના વિચારો અને વાણી-વર્તન ચોખ્ખાં રાખવાં બનતું બધું કરવું જોઈએ. યાદ કરો, ઈસુએ કહ્યું હતું કે આપણી આંખ કે હાથ આપણને ઠોકર ખવડાવે તો એને કાઢીને ‘ફેંકી દેવો’ જોઈએ. એટલે કે, આપણે ગંદા વિચારો અને વર્તન સાવ કાઢી નાખવાં જોઈએ, નહિતર એ આપણને દોડતા અટકાવશે.—માથ્થી ૧૮:૮ વાંચો.
૧૫ એક ભાઈનો ઉછેર સત્યમાં થયો હોવા છતાં, તે સજાતીય સંબંધો તરફ ખેંચાતા. ભાઈએ લખ્યું કે, “હું હંમેશાં બીજાઓથી અલગ અનુભવતો. મને લાગતું કે હું તેઓની સાથે સારી રીતે ભળી શકતો નથી.” તે ભાઈ ૨૦ વર્ષની ઉંમર સુધીમાં તો નિયમિત પાયોનિયર અને મંડળમાં સેવકાઈ ચાકર બન્યા. એના થોડા સમય પછી, તે મોટી ભૂલ કરી બેઠા. તેથી, તેમને બાઇબલમાંથી શિસ્ત આપવામાં આવી અને વડીલોએ તેમને મદદ કરી. પ્રાર્થના, બાઇબલનો અભ્યાસ અને બીજાઓને મદદ કરવાં પર ધ્યાન આપવાથી તેમને ફાયદો થયો. તે ફરી પોતાને ઊભા કરી શક્યા અને દોડમાં જોડાયા. તે જણાવે છે કે અમુક વર્ષો પછી પણ, “હજીયે મને એ ઇચ્છાઓ કોઈ વાર થયા કરે છે, પણ હું એને મારા પર જીતવા દેતો નથી. હું શીખ્યો છું કે કાબૂ ન કરી શકાય એવી કોઈ પણ લાલચ યહોવા આપણા પર આવવા દેશે નહિ. તેથી, હું માનું છું કે ઈશ્વર મારી પાસેથી જે ચાહે એ હું કરી શકું છું. અત્યાર સુધી, જે કાંઈ મેં સહ્યું છે એના બદલામાં આશીર્વાદ મને નવી દુનિયામાં મળશે. એ મારે મેળવવા જ છે! હું ખોટી ઇચ્છાઓ સામે લડતો રહીશ.” ભાઈએ દોડમાં ટકી રહેવાની મનમાં ગાંઠ વાળી છે.
૧૬, ૧૭. (ક) અન્યાયથી પીડાતા એક ભાઈને શાનાથી મદદ મળી? (ખ) ઠોકરરૂપ બાબતો ટાળવા શાના પર ધ્યાન આપવું જોઈએ?
૧૬ ભાઈ-બહેનને લીધે થયેલો અન્યાય પણ એક ઠોકર બની શકે. ફ્રાંસમાં રહેતા આપણા એક ભાઈ પહેલાં વડીલ હતા. તે જણાવે છે કે મંડળમાં કોઈના લીધે તેમને અન્યાય થયો હતો. તેથી તે ખૂબ નારાજ થયા. પરિણામે, તેમણે મંડળની સંગત છોડી દીધી અને ભક્તિમાં સાવ ઠંડી પડી ગયા. બે વડીલોએ તેમની મુલાકાત લીધી અને સહાનુભૂતિ બતાવી. તેઓએ ભાઈની પૂરેપૂરી વાત ધ્યાનથી સાંભળી. વડીલોએ તેમને ઉત્તેજન આપ્યું કે આખી બાબત યહોવા પર છોડી દે. તેઓએ ભાર મૂકતા જણાવ્યું કે યહોવાને ખુશ કરવા એ જ સૌથી મહત્ત્વનું છે. ભાઈએ વડીલોનું કહેવું માન્યું અને થોડા જ સમયમાં પાછા દોડમાં જોડાયા. યહોવાની ભક્તિ તે ફરી ઉત્સાહથી કરવા લાગ્યા.
૧૭ દરેક ભાઈ-બહેનોએ મંડળના શિર ઈસુ તરફ પોતાનું ધ્યાન રાખવું જોઈએ, અપૂર્ણ ભાઈ-બહેનો તરફ નહિ. ઈસુની “આંખો અગ્નિની જ્વાળા જેવી” છે. તે મંડળની દરેક બાબતોને એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકે છે, જે આપણે જોઈ શકતા નથી. (પ્રકટી. ૧:૧૩-૧૬) દાખલા તરીકે, આપણે કદાચ એવું વિચારીએ કે મંડળમાં કોઈ અન્યાય થયો છે. પણ, હકીકતમાં એ બાબત વિશે આપણી ગેરસમજ થતી હોય. ઈસુ જાણે છે કે મંડળમાં શું કરવાની જરૂર છે અને એ કયા સમયે કરવું જોઈએ. તેથી, ભાઈ-બહેનોનાં વર્તન કે નિર્ણયોને લીધે ઠોકર ખાવી જોઈએ નહિ.
૧૮. સતાવણી અને મુશ્કેલીમાં કઈ રીતે ટકી શકીએ?
૧૮ વિપત્તિ કે સતાવણી અને બીજાઓની ખામીઓ પણ ઠોકરો છે. બી વાવનારના દૃષ્ટાંતમાં, ઈસુએ કહ્યું કે વચનને લીધે ઘણા લોકો પર “વિપત્તિ અથવા સતાવણી” આવશે અને તેઓ ઠોકર ખાશે. સતાવણી ભલે કુટુંબ, પડોશીઓ, સરકારી અધિકારીઓ કે બીજે ક્યાંકથી આવે. એ ખાસ કરીને એવા લોકોને અસર કરે છે જેઓમાં ‘જડ નથી’ એટલે કે, જેઓનો વિશ્વાસ મક્કમ નથી. (માથ. ૧૩:૨૧) જોકે, દિલ સારું રાખીશું તો, રાજ્યની ખુશખબર આપણને વિશ્વાસનાં મૂળ ઊંડાં ઉતારવાં મદદ કરશે. કસોટીઓથી ઘેરાઈ જઈએ ત્યારે, ઈશ્વરે આપણા માટે કરેલી દરેક સારી બાબતો પર મનન કરવું જોઈએ. (ફિલિપી ૪:૬-૯ વાંચો.) યહોવાની શક્તિથી આપણે કસોટીઓ સહી શકીશું અને મુશ્કેલીના સમયમાં ઠોકરરૂપ બાબતોને ટાળીશું.
૧૯. કોઈએ આપણને ખોટું લગાડ્યું હોય ત્યારે ઠોકર ન ખાઈએ એ માટે શું કરીશું?
૧૯ દુઃખની વાત છે કે બીજાઓની ખામીઓને લીધે ઘણાએ જીવનની દોડ પડતી મૂકી છે. કોઈકને જે બાબત યોગ્ય લાગે એ બીજાના અંતઃકરણ પ્રમાણે યોગ્ય ન પણ હોય. આમ, આ બાબતમાં કેટલાકે ઠોકર ખાધી છે. (૧ કોરીં. ૮:૧૨, ૧૩) જો કોઈએ આપણને ખોટું લગાડ્યું હોય, તો શું રાઈનો પહાડ બનાવી દઈશું? બાઇબલ આપણને ઉત્તેજન આપે છે કે બીજાઓનો ન્યાય કરવાનું ટાળીએ. એકબીજાને માફ કરીએ. તેમ જ, ભલે લાગે કે પોતે ખરા છીએ, તોય જતું કરીએ. (લુક ૬:૩૭) જ્યારે લાગે કે કોઈ બાબત ઠોકર ખવડાવી શકે, ત્યારે આ પ્રશ્નો પર વિચાર કરીશું: ‘શું હું મારા વિચારો પ્રમાણે બીજાઓનો ન્યાય કરું છું? મારા ખ્રિસ્તી ભાઈ-બહેનોની ખામીને લીધે શું હું સત્ય છોડી દઈશ?’ યહોવાને પ્રેમ કરતા હોવાથી, જીવનની દોડ પૂરી કરવામાં આપણે કોઈ પણ વ્યક્તિને અવરોધ નહિ બનવા દઈએ.
અંત સુધી દોડતા રહીએ અને ઠોકરથી બચીએ
૨૦, ૨૧. જીવનની દોડ વિશે તમે શું નક્કી કર્યું છે?
૨૦ શું તમે ‘દોડ પૂરી કરવા’ મક્કમ છો? (૨ તીમો. ૪:૭, ૮) જો ‘હા’ તો, બાઇબલનો વ્યક્તિગત અભ્યાસ કરવો બહુ જરૂરી છે. બાઇબલ અને આપણું સાહિત્ય વાપરો. એ તમને સંશોધન અને મનન કરવાં, તેમ જ, ઠોકર ખવડાવતી બાબતો પારખવા મદદ કરશે. પ્રાર્થનામાં ઈશ્વરની શક્તિ માંગો, જેથી સત્યમાં પોતાને મજબૂત રાખી શકો. યાદ રાખીએ કે, દોડવીર કોઈ વાર ઠોકર ખાય કે પડી જાય, તોય તે જીવનની દોડમાંથી કાયમ માટે બાકાત થઈ જતો નથી. તે પાછો ઊભો થઈ શકે છે અને દોડમાં જોડાય શકે છે. કદાચ તે પોતાની ભૂલોમાંથી શીખશે, જેથી વધારે સારી રીતે દોડી શકે.
૨૧ બાઇબલ જણાવે છે કે હંમેશ માટેનું જીવન મેળવવા, આપણા વતી બીજું કોઈ દોડી શકતું નથી. આ દોડ એવી પણ નથી કે જાણે બસમાં બેસી જઈએ અને બસ આપણને અંતિમ રેખા સુધી પહોંચાડી દે. જીવન માટેની દોડ આપણે જાતે જ દોડવી પડશે. ભૂલીએ નહિ કે, યહોવા પાસેથી મળતી “બહુ શાંતિ” દોડવામાં આપણું પીઠબળ બની રહેશે. (ગીત. ૧૧૯:૧૬૫) આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે યહોવા હમણાં આશીર્વાદ આપતા રહેશે અને જેઓ આ દોડ પૂરી કરશે તેઓને ભાવિમાં પણ અનંત આશીર્વાદો આપશે.—યાકૂ. ૧:૧૨.