સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણે થાકીએ નહિ

આપણે થાકીએ નહિ

“સારું કરતાં આપણે થાકવું નહિ.”—ગલા. ૬:૯.

૧, ૨. યહોવાના સંગઠન પર વિચાર કરવાથી કઈ રીતે આપણો ભરોસો વધે છે?

 એ કેટલી ખુશીની વાત છે કે આપણે યહોવાના વિશાળ સંગઠનનો ભાગ છીએ! હઝકીએલનો પહેલો અધ્યાય અને દાનીયેલનો સાતમો અધ્યાય અદ્‍ભુત રીતે બતાવે છે કે, યહોવા પોતાનો હેતુ પૂરો કરવા કાર્ય કરી રહ્યા છે. યહોવાના સંગઠનના પૃથ્વી પરના ભાગની ઈસુ આગેવાની લઈ રહ્યા છે. તે સંગઠનને દોરે છે, જેથી એ પ્રચારકાર્યને મહત્ત્વ આપે, આપણને ઉત્તેજન આપે અને લોકોને યહોવાના ભક્ત બનવા મદદ કરે. એ બધાથી યહોવાના સંગઠનમાં આપણો ભરોસો વધે છે.—માથ. ૨૪:૪૫.

શું આપણે એ અદ્‍ભુત સંગઠનની સાથે ચાલી રહ્યા છીએ? શું સત્ય માટે આપણો ઉત્સાહ વધી રહ્યો છે કે ઘટી રહ્યો છે? એ સવાલો આપણને પારખવા મદદ કરશે કે ક્યાંક આપણે ભક્તિમાં થાકી તો નથી રહ્યા અથવા ઉત્સાહ ગુમાવી તો નથી રહ્યા. એમ થવું શક્ય છે. પહેલી સદીમાં, પ્રેરિત પાઊલે સાથી ભાઈ-બહેનોને ઈસુનું ઉદાહરણ યાદ અપાવ્યું. પાઊલે કહ્યું કે જો તેઓ એને ધ્યાનમાં રાખશે તો, ‘મનમાં નિર્ગત થયાથી થાકી’ ન જવા મદદ મળશે. (હિબ્રૂ ૧૨:૩) આપણે અગાઉના લેખમાં જોઈ શક્યા કે યહોવાનું સંગઠન આજે શું સિદ્ધ કરી રહ્યું છે. તેમ જ, એ આપણને ભક્તિમાં ઉત્સાહ અને ધીરજ ટકાવી રાખવા કઈ રીતે મદદ કરે છે.

૩. થાકી ન જવા કઈ બાબત કરવાની જરૂર છે અને આ લેખમાં શાની ચર્ચા કરીશું?

પાઊલે દર્શાવ્યું કે થાકી ન જવા કંઈક વધુ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, “સારું કરતાં” રહેવું જોઈએ. (ગલા. ૬:૯) ચાલો, આ લેખમાં એવી પાંચ બાબતો જોઈએ, જે આપણને ભક્તિમાં અડગ રહેવા અને યહોવાના સંગઠનની સાથે ચાલવા મદદ કરશે. પછી નક્કી કરી શકીશું કે, પોતે અથવા કુટુંબે કઈ બાબત પર વધારે ધ્યાન આપવાની જરૂર છે.

ઉત્તેજન અને ભક્તિ માટે મળતા રહીએ

૪. ભેગા મળવું કેમ સાચી ભક્તિનો મહત્ત્વનો ભાગ છે?

યહોવાના ભક્તો માટે ભેગા મળવું હંમેશાં મહત્ત્વનું રહ્યું છે. સ્વર્ગમાં દૂતો પણ યહોવા સામે યોગ્ય સમયે હાજર થાય છે. (૧ રાજા. ૨૨:૧૯; અયૂ. ૧:૬; ૨:૧; દાની. ૭:૧૦) પહેલાના સમયના ઈસ્રાએલ રાષ્ટ્રને ભેગા થવા કહેવામાં આવતું જેથી “તેઓ સાંભળે તથા શીખે.” (પુન. ૩૧:૧૦-૧૨) પહેલી સદીના યહુદીઓનો રિવાજ હતો કે તેઓ સભાસ્થાનમાં ભેગા મળીને શાસ્ત્ર વાંચે. (લુક ૪:૧૬; પ્રે.કૃ. ૧૫:૨૧) આ બતાવે છે કે જ્યારે ખ્રિસ્તી મંડળો સ્થપાયા, ત્યારે ભેગા મળવું એ મહત્ત્વનું હતું. હજુ પણ એ ભક્તિનો મહત્ત્વનો ભાગ છે. સાચા ખ્રિસ્તીઓ તરીકે આપણે “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા એકબીજાનો વિચાર કરીએ.” એ કરવા ‘જેમ જેમ યહોવાનો દિવસ પાસે આવતો જોઈએ, તેમ તેમ વિશેષ પ્રયત્ન કરીએ.’—હિબ્રૂ ૧૦:૨૪, ૨૫.

૫. સભાઓમાં આપણે કઈ રીતે બીજાઓને ઉત્તેજન આપી શકીએ?

બીજાઓને ઉત્તેજન આપવાની મહત્ત્વની એક રીત છે કે આપણે સભાઓમાં જવાબ આપીને ભાગ લઈએ. એમ કરવા, આપણે સવાલોના જવાબ આપીએ, કલમ વિશે સમજાવીએ અથવા બાઇબલ સિદ્ધાંતથી મળેલી મદદ સમજાવતો નાનો અનુભવ જણાવીએ. (ગીત. ૨૨:૨૨; ૪૦:૯) સભાઓમાં તમે ઘણાં વર્ષોથી હાજરી આપતા હશો. તોપણ, તમે ચોક્કસ સહમત થશો કે નાનાં-મોટાં બધાનાં દિલથી આપેલા જવાબ, હજુએ ઘણું ઉત્તેજન આપે છે.

૬. ભક્તિમાં લાગુ રહેવા સભાઓ કઈ રીતે મદદ કરે છે?

નિયમિત રીતે ભેગા મળવા પર યહોવા ભાર મૂકે છે, એનું બીજું કારણ કયું છે? આપણી સભાઓ અને સંમેલનો હિંમતથી પ્રચાર કરવા મદદ કરે છે. ઉપરાંત, જેઓને આપણા સંદેશામાં રસ નથી કે વિરોધ કરે છે, તેઓ સાથે વાત કરતા પણ શીખવે છે. (પ્રે.કૃ. ૪:૨૩, ૩૧) બાઇબલ પર થતી ચર્ચા, આપણી હિંમત અને શ્રદ્ધા વધારે છે. (પ્રે.કૃ. ૧૫:૩૨; રોમ. ૧:૧૧, ૧૨) ભક્તિ માટે ભેગા મળવાથી શિક્ષણ અને એકબીજાને ઉત્તેજન મળે છે. એ આપણને ખરો આનંદ અનુભવવા મદદ કરે છે. તેમ જ, ‘સંકટના દિવસથી શાંતિ આપે’ છે. (ગીત. ૯૪:૧૨, ૧૩) દુનિયા ફરતે, યહોવાના ભક્તોને શિક્ષણ આપવા નિયામક જૂથની શિક્ષણ સમિતિ બધી જોગવાઈ પર દેખરેખ રાખે છે. એના લીધે, વર્ષના દરેક અઠવાડિયે આપણે ઉત્તમ શિક્ષણ મેળવી શકીએ છીએ. આ બધી જોગવાઈને માટે આપણે સાચે જ ઘણા આભારી છીએ!

૭, ૮. (ક) સભાઓમાં ભેગા મળવાનું મુખ્ય કારણ શું છે? (ખ) ભક્તિમાં ટકી રહેવા સભાઓ તમને કઈ રીતે મદદ કરે છે?

ખરું કે, સભાઓથી પોતાને લાભ થાય છે પણ, એથી વધુ કંઈક મહત્ત્વનું છે. ભેગા મળવાનું મુખ્ય કારણ છે કે આપણે યહોવાની ભક્તિ કરીએ. (ગીતશાસ્ત્ર ૯૫:૬ વાંચો.) યહોવાને ભજવાનો આપણી પાસે કેટલો સુંદર લહાવો! (કોલો. ૩:૧૬) યહોવા આપણી નિયમિત ભક્તિના હકદાર છે. એ માટે, આપણે સભાઓમાં જઈ એમાં ભાગ લેવો જોઈએ. (પ્રકટી. ૪:૧૧) તેથી, ઉત્તેજન આપવામાં આવે છે કે, “કેટલાએક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ.”—હિબ્રૂ ૧૦:૨૫.

યહોવા દુષ્ટ દુનિયાનો નાશ જલદી જ કરશે. ત્યાં સુધી, ભક્તિમાં ટકી રહેવા સભાઓની જોગવાઈ મદદ કરે છે. શું તમે એવું માનો છો? એમ હોય તો, વ્યસ્ત જીવનમાં પણ સભાઓને આપણે “શ્રેષ્ઠ [મહત્ત્વનું, NW]” ગણીને એની માટે સમય કાઢીશું. (ફિલિ. ૧:૧૦) ટાળી ન શકાય એવા કારણ વગર, આપણે સભાઓમાં જવાનું અને ભાઈ-બહેનો સાથે મળીને યહોવાની ભક્તિ કરવાનું નહિ ચૂકીએ.

નમ્ર દિલના લોકોને શોધીએ

૯. શાના આધારે કહી શકીએ કે પ્રચારકાર્ય મહત્ત્વનું છે?

પ્રચારકાર્યમાં પૂરો ભાગ લેવાથી પણ યહોવાના સંગઠન સાથે ચાલવા મદદ મળશે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે આ કામની શરૂઆત કરી. (માથ. ૨૮:૧૯, ૨૦) ત્યારથી જ, યહોવાના સંગઠન માટે પ્રચાર કરવાનું અને શિષ્ય બનાવવાનું કામ સૌથી મહત્ત્વનું છે. હાલના ઘણા અનુભવો બતાવે છે કે, દૂતો પણ આ કામને સાથ આપે છે અને નમ્ર દિલના લોકો સુધી પહોંચવા આપણને માર્ગદર્શન પૂરું પાડે છે. (પ્રકટી. ૧૪:૬, ૭) યહોવાના સંગઠનના પૃથ્વી પરના ભાગનો ખાસ ધ્યેય પ્રચારકાર્યને સાથ આપવાનો અને એની ગોઠવણ કરવાનો છે. શું પ્રચારકાર્ય તમારી માટે સૌથી મહત્ત્વનું છે?

૧૦. (ક) દાખલો આપી સમજાવો કે, સત્ય માટે પ્રેમ મજબૂત રાખવા શું મદદ કરશે? (ખ) થાકી ન જવા પ્રચારકાર્યથી તમને કઈ રીતે મદદ મળે છે?

૧૦ પ્રચારમાં ઉત્સાહી રહીશું તો સત્ય માટેનો પ્રેમ મજબૂત થશે. મિચેલ નામના ભાઈ લાંબા સમયથી વડીલ અને નિયમિત પાયોનિયર છે. તે કહે છે, ‘મને લોકોને સત્ય જણાવવું બહુ ગમે છે. ચોકીબુરજ અને સજાગ બનો!ના નવા લેખો પર હું વિચાર કરું છું. એમાંના દરેક લેખમાં મળતાં જ્ઞાન, ઊંડી સમજણ અને વાજબી માહિતીથી હું આશ્ચર્ય પામું છું. પ્રચારમાં લોકોને એ વિષયો કેવા લાગશે, એ જોવા ઘણો ઉત્સુક હોઉં છું. તેમ જ, તેઓનો રસ કઈ રીતે વધારી શકું એ પર હું વિચાર કરું છું.’ તે ભાઈ પ્રચારકાર્યને લીધે મહત્ત્વની બાબતોને જીવનમાં પ્રથમ રાખી શક્યા છે. તે ધ્યાન રાખે છે કે બીજી બાબતોમાં સમય વેડફાઈ ન જાય. એવી જ રીતે, જો આપણે ભક્તિમાં મંડ્યા રહીશું તો આ છેલ્લા દિવસોમાં અડગ રહેવા મદદ મળશે.—૧ કોરીંથી ૧૫:૫૮ વાંચો.

સાહિત્યમાંથી લાભ મેળવીએ

૧૧. પૂરાં પાડવામાં આવતાં બધાં સાહિત્યને વાંચવાનો કેમ પ્રયત્ન કરવો જોઈએ?

૧૧ યહોવા પુષ્કળ સાહિત્ય પૂરું પાડે છે, જેથી આપણે ભક્તિમાં મજબૂત થઈએ. એવું ચોક્કસ બન્યું હશે કે કોઈક સાહિત્ય વાંચીને તમને લાગ્યું હશે કે, “મને આની જ જરૂર હતી. યહોવાએ આ મારી માટે જ લખાવ્યું છે.” એ લેખ આવવો અને તમને એવું લાગવું કઈ એમ જ બન્યું ન હતું. પણ, એ સાહિત્ય દ્વારા યહોવા તમને માર્ગદર્શન અને સલાહ આપે છે. તેમણે કહ્યું: “કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ.” (ગીત. ૩૨:૮) પૂરાં પાડવામાં આવતાં બધાં સાહિત્યને વાંચવાનો, શું તમે પૂરો પ્રયત્ન કરો છો? શું તમે એના પર મનન કરો છો? એમ કરશો તો, ભક્તિમાં સારાં ફળ કેળવવાં મદદ મળશે. તેમ જ, આ છેલ્લા દિવસોમાં તમે ભક્તિમાં ધીમા નહિ પડો.—ગીતશાસ્ત્ર ૧:૧-૩; ૩૫:૨૮; ૧૧૯:૯૭ વાંચો.

૧૨. સાહિત્ય માટે કદર વધારવા શું મદદ કરશે?

૧૨ આપણને સાહિત્ય સમયસર મળે એ માટે એને તૈયાર કરવા ઘણી મહેનત કરવામાં આવે છે. એના પર વિચાર કરવાથી સાહિત્ય માટે કદર વધશે. સાહિત્ય તૈયાર કરવા નિયામક જૂથની લેખન સમિતિ આ બાબતો પર દેખરેખ રાખે છે: સંશોધન, લેખન, ભૂલોમાં સુધારો, ચિત્રોની પસંદગી અને અનુવાદ. એવી જ રીતે, આપણી વેબસાઇટ પર મૂકાતી માહિતી પર ધ્યાન આપે છે. શાખા કચેરીમાં એ સાહિત્ય છાપવામાં આવે છે અને પછી બધાં મંડળોને મોકલવામાં આવે છે. આ બધું કેમ કરવામાં આવે છે? જેથી, યહોવાના ભક્તોને શ્રદ્ધા જાળવી રાખવા સમયસર સલાહ-સૂચન મળતાં રહે. (યશા. ૬૫:૧૩) યહોવાના સંગઠન દ્વારા મળતાં સાહિત્યનો પૂરો લાભ લેવા બનતા પ્રયત્નો કરીએ.—ગીત. ૧૧૯:૨૭.

સંગઠનની ગોઠવણને પૂરો સાથ આપીએ

૧૩, ૧૪. યહોવાની ગોઠવણને સ્વર્ગમાં કોણ સાથ આપે છે? આપણે કઈ રીતે સાથ આપી શકીએ?

૧૩ પ્રેરિત યોહાનને થએલા દર્શનમાં તેમણે જોયું કે ઈસુ સફેદ ઘોડા પર સવારી કરી રહ્યા છે. જેઓ યહોવાની વિરુદ્ધ છે તેઓને હરાવવા તે નીકળી પડ્યા છે. (પ્રકટી. ૧૯:૧૧-૧૫) યોહાને જોયું કે ઈસુની પાછળ વિશ્વાસુ દૂતો છે. તેમ જ, સ્વર્ગમાં સજીવન કરવામાં આવેલા વિશ્વાસુ અભિષિક્તો પણ ઈસુ સાથે છે. (પ્રકટી. ૨:૨૬, ૨૭) એ જાણીને આપણો વિશ્વાસ ઘણો વધે છે. સાચે જ, યહોવાની ગોઠવણને સાથ આપવાનું એ ઉત્તમ ઉદાહરણ છે!

૧૪ ખ્રિસ્તના અભિષિક્ત ભાઈઓ જેઓ હજી પૃથ્વી પર છે, તેઓ સંગઠનના પૃથ્વી પરના ભાગની આગેવાની લઈ રહ્યા છે. એમાં તેમને મોટી ટોળી પૂરો સાથ આપે છે. (ઝખાર્યા ૮:૨૩ વાંચો.) યહોવાની એ ગોઠવણને સાથ આપવા વ્યક્તિ પોતે શું કરી શકે? એક રીત છે કે, આગેવાની લેનાર ભાઈઓને આધીન રહીએ. (હિબ્રૂ ૧૩:૭, ૧૭) એની શરૂઆત, પોતાના મંડળથી જ કરી શકાય. શું આપણી વાતચીત બતાવે છે કે વડીલો અને તેઓ જે જવાબદારી નિભાવે છે, એ માટે માન છે? શું બાળકોને શીખવીએ છીએ કે વડીલોને માન આપવું જોઈએ. અને બાઇબલની સલાહ માટે તેઓનું માર્ગદર્શન લેવું જોઈએ? વધુમાં, શું કુટુંબ તરીકે ચર્ચા કરીએ છીએ કે દુનિયા ફરતેનાં કામને ટેકો આપવા કઈ રીતે પોતાની માલમિલકતનો ઉપયોગ કરીશું? (નીતિ. ૩:૯; ૧ કોરીં. ૧૬:૨; ૨ કોરીં. ૮:૧૨) રાજ્યગૃહની સાફ-સફાઈ અને જાળવણીમાં ભાગ લેવાને, શું આપણે એક મહત્ત્વનો લહાવો ગણીએ છીએ? આવાં આદર અને એકતા રાખીએ ત્યારે, યહોવા આપણને તેમની શક્તિ આપે છે. તેમની શક્તિથી, આ છેલ્લા દિવસોમાં થાકી ન જવા આપણને મદદ મળે છે.—યશા. ૪૦:૨૯-૩૧.

ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવીએ

૧૫. સારું કરવા કેમ સખત મહેનત કરતા રહેવું જોઈએ?

૧૫ આપણે ચાહીએ છીએ કે ભક્તિમાં ટકી રહીએ અને યહોવાના સંગઠનની આગેવાનીને અનુસરીએ. તેથી, ‘ઈશ્વરને પસંદ પડતું શું છે, એ પારખી લઈએ.’ (એફે. ૫:૧૦, ૧૧) શેતાન, તેની દુષ્ટ દુનિયા અને આપણી અપૂર્ણતાની ખોટી અસર જીવન પર ન થાય, માટે સતત લડત આપવી પડે છે. યહોવા સાથેનો સંબંધ જાળવી રાખવા તમારામાંના અમુકને દરરોજ સખત લડત આપવી પડે છે. સારું કરવા તમે જે મહેનત કરો છો, એ માટે યહોવા તમને ઘણો પ્રેમ કરે છે. એમ કરતા થાકી ન જાઓ. યહોવાના હેતુ પ્રમાણે જીવન જીવવાથી ઘણો સંતોષ મળે છે. તેમ જ, એવી ભક્તિને તે સ્વીકારે છે.—૧ કોરીં. ૯:૨૪-૨૭.

૧૬, ૧૭. (ક) આપણાથી મોટું પાપ થઈ જાય તો, શું કરવું જોઈએ? (ખ) ઍનનો અનુભવ આપણને શું શીખવે છે?

૧૬ આપણાથી મોટું પાપ થઈ જાય તો શું કરવું જોઈએ? બની શકે એટલી જલદી મદદ મેળવો. પાપ જેટલા સમય સુધી છુપાવી રાખશો, એટલી જ સ્થિતિ બગડશે. દાઊદનો વિચાર કરો. તેમને પાપ છુપાવાથી કેવું લાગ્યું એ જણાવતા તે કહે છે: ‘આખો દિવસ દુઃખી થવાથી મારાં હાડકાં જીર્ણ થયાં.’ (ગીત. ૩૨:૩) પાપ છુપાવી રાખવાથી આનંદ ગુમાવી દઈશું. અરે, કદાચ યહોવા સાથેનો સંબંધ પણ તૂટી જાય. પણ, જેઓ પાપ ‘કબૂલ કરીને એનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.’—નીતિ. ૨૮:૧૩.

૧૭ ઍન નામની બહેનનો વિચાર કરો. a અઢારેક વર્ષની ઉંમરે તે નિયમિત પાયોનિયરીંગ કરતાં હતાં. પણ બીજી બાજુ તે ખોટાં કામ કરવાં લાગ્યાં. એની તેમના પર ઘણી અસર થઈ. તે કહે છે: ‘મારું અંતઃકરણ ડંખવા લાગ્યું અને હર વખત હું દુઃખી અને ઉદાસ રહેતી.’ તેમણે શું કર્યું? તે જણાવે છે કે એક દિવસે સભામાં યાકૂબ ૫:૧૪, ૧૫ની કલમ પર ચર્ચા થઈ. ઍન પારખી શક્યાં કે પોતાને મદદની જરૂર છે. તે તરત વડીલો પાસે ગયાં. પાછલાં સમયને યાદ કરતાં તે કહે છે: ‘એ કલમો જાણે બીમાર દર્દી માટે યહોવાએ આપેલી દવા હતી. દવા લેવી સહેલી ન હતી. પણ બાઇબલ દ્વારા આપેલી એ સલાહ મેં સ્વીકારી, જે કામ કરી ગઈ.’ એ વાતને અમુક વર્ષો વીતી ગયાં છે. ઍન ફરીથી વધુ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે યહોવાની ભક્તિ કરે છે. હવે તેમનું અંતઃકરણ ડંખતું નથી.

૧૮. આપણે શું કરવાનો દૃઢ નિર્ણય કરીશું?

૧૮ આ છેલ્લાં દિવસોમાં પણ યહોવાના સંગઠનનો ભાગ હોવું આપણા માટે સાચે જ એક મોટો લહાવો છે! આપણે એ લહાવાને સામાન્ય ન ગણીએ. એને બદલે, ચાલો દૃઢ નિર્ણય કરીએ કે બધી જ સભાઓમાં કુટુંબ સાથે ભાગ લઈશું, નમ્ર દિલના લોકોને પ્રચારમાં શોધીશું અને આપણાં સાહિત્યમાંથી પૂરો લાભ મેળવીશું. એ ઉપરાંત, આગેવાની લેતા ભાઈઓને સાથ આપીશું અને યહોવાની ઇચ્છા પ્રમાણે જીવન જીવીશું. આમ કરીશું તો, યહોવાના સંગઠનની સાથે સાથે ચાલી શકીશું. તેમ જ, ભક્તિમાં સારું કરતા કદી થાકીશું નહિ!

a નામ બદલ્યું છે.