યહોવાના હાથે ઘડાવા શિસ્ત સ્વીકારીએ
“તું તારા બોધથી મને માર્ગ બતાવશે, અને પછી તારા મહિમામાં મારો સ્વીકાર કરશે.” —ગીત. ૭૩:૨૪.
૧, ૨. (ક) યહોવા સાથે નજીકનો સંબંધ રાખવા શું જરૂરી છે? (ખ) બાઇબલના અહેવાલો પર વિચાર કરવાથી શું લાભ થશે?
“ઈશ્વર પાસે આવવું, તેમાં મારું કલ્યાણ છે; મેં પ્રભુ યહોવાને મારો આશ્રય કર્યો છે.” (ગીત. ૭૩:૨૮) એક ઈશ્વરભક્તે એ શબ્દોથી યહોવામાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કયા સંજોગોને લીધે તે આ તારણ પર આવ્યા? એ ઈશ્વરભક્તે જોયું હતું કે દુષ્ટ લોકો શાંતિથી જીવી રહ્યા છે. એ જોઈને પહેલા તો તેમને અદેખાઈ થઈ એટલે લખ્યું, “ખરેખર, મેં મારું હૃદય અમથું શુદ્ધ કર્યું છે, અને મેં મારા હાથ નિરર્થક નિર્દોષ રાખ્યા છે.” (ગીત. ૭૩:૨, ૩, ૧૩, ૨૧) પરંતુ, તે “ઈશ્વરના પવિત્રસ્થાનમાં” આવ્યા ત્યારે, પોતાના વિચારો બદલી શક્યા અને યહોવા સાથે ગાઢ સંબંધ બાંધી શક્યા. (ગીત. ૭૩:૧૬-૧૮) આ અનુભવે તેમને મહત્ત્વનો પાઠ શીખવ્યો હતો: યહોવા સાથે નજીકનો સંબંધ રાખવા ઈશ્વરના લોકો સાથે સંગત રાખવી, ઈશ્વરની સલાહ સ્વીકારવી અને એને જીવનમાં લાગુ પાડવી જરૂરી છે.—ગીત. ૭૩:૨૪.
૨ આપણે પણ યહોવા સાથે સંબંધ ગાઢ બનાવવા ચાહીએ છીએ. એ માટે જરૂરી છે કે, તેમની સલાહ માનીએ અને તે જે શિસ્ત આપે એ પ્રમાણે ઘડાઈએ. આમ, તેમને પસંદ પડે એવી વ્યક્તિ બનીએ. બાઇબલ સમયનાં રાષ્ટ્રો અને વ્યક્તિઓને યહોવાએ દયા બતાવી અને તેઓને શિસ્ત સ્વીકારવાની તક આપી. એ અહેવાલો બાઇબલમાં નોંધવામાં આવ્યા છે, જેથી ‘આપણને શિખામણ મળે’ અને અંતના દિવસોમાં “આપણને બોધ મળે.” (રોમ. ૧૫:૪; ૧ કોરીં. ૧૦:૧૧) આ અહેવાલો પર ધ્યાન આપવાથી યહોવાના ગુણોને સારી રીતે સમજવા મદદ મળશે. તેમ જ, તેમણે આપેલી શિસ્તથી લાભ લેવા સહાય મળશે.
કુંભાર પોતાના અધિકારનો ઉપયોગ કરે છે
૩. યશાયા ૬૪:૮ અને યિર્મેયા ૧૮:૧-૬માં યહોવાના અધિકાર વિશે શું કહેવામાં આવ્યું છે? (પાન ૨૪નું ચિત્ર જુઓ.)
૩ મનુષ્ય અને રાષ્ટ્રો પર યહોવાનો અધિકાર છે. એને સમજાવતા યશાયા ૬૪:૮ કહે છે, “હે યહોવા, હવે તું અમારો પિતા છે; અમે માટી, ને તું અમારો કુંભાર; અમે સર્વ તારા હાથની કૃતિ છીએ.” કુંભાર પોતાની મરજી પ્રમાણે માટીને ઘડી શકે છે. માટી કુંભારને કહી શકતી નથી કે, એને કેવો આકાર મળવો જોઈએ. મનુષ્ય અને ઈશ્વર વચ્ચે પણ એવું જ છે. ઈશ્વરે કઈ રીતે આપણને ઘડવા, એ કહેવાનો હક આપણી પાસે નથી.—યિર્મેયા ૧૮:૧-૬ વાંચો.
૪. શું યહોવા પોતાની મરજી પ્રમાણે લોકોને સારા કે ખરાબ ઘડે છે? સમજાવો.
૪ કુંભાર માટીને ઘડે તેમ, યહોવાએ પ્રાચીન ઈસ્રાએલને ઘડ્યું હતું. પરંતુ, યહોવામાં અને માનવીય કુંભારમાં ઘણો મોટો ફરક છે. કુંભાર પોતાની કળાથી માટીમાંથી મરજી પ્રમાણે વાસણ બનાવે છે. શું યહોવા પોતાની મરજી પ્રમાણે અમુકને સારા અને અમુકને ખરાબ ઘડે છે? ના. બાઇબલ જણાવે છે કે એમ નથી. યહોવાએ દરેક મનુષ્યને એક મૂલ્યવાન ભેટ આપી છે, એ છે પસંદગી કરવાની છૂટ. પણ, જો યહોવા બળજબરી કરે તો એ ભેટનો કોઈ મતલબ રહેતો નથી. તેથી, તે પોતાનો અધિકાર વાપરીને આજ્ઞા મનાવવા લોકોને બળજબરી કરતા નથી. એના બદલે, વ્યક્તિએ પોતે ઈશ્વરના હાથે ઘડાવાનો નિર્ણય લેવો જોઈએ.—યિર્મેયા ૧૮:૭-૧૦ વાંચો.
૫. વ્યક્તિ જ્યારે યહોવા પાસેથી ઘડાવાનો નકાર કરે, ત્યારે યહોવા પોતાનો અધિકાર કઈ રીતે વાપરે છે?
૫ મહાન કુંભાર યહોવાના હાથે ઘડાવાનો વ્યક્તિ નકાર કરે, તો? યહોવા પોતાનો અધિકાર કઈ રીતે વાપરે છે? એ સમજવા માની લો કે, કુંભાર ચાહે એવો માટીનો આકાર નથી આવતો. તેથી, તે એને બીજો આકાર આપશે અથવા ફેંકી દેશે. અમુક વાર, આકાર બગડવા પાછળ કુંભારનો વાંક હોય છે. જ્યારે કે, યહોવા વ્યક્તિને હંમેશાં યોગ્ય રીતે ઘડે છે. (પુન. ૩૨:૪) વ્યક્તિ જો યહોવા પાસેથી ઘડાવાનો નકાર કરે, તો વાંક વ્યક્તિનો જ હોય છે. એવા કિસ્સામાં, યહોવા પોતાનો અધિકાર કઈ રીતે વાપરે છે? યહોવા વ્યક્તિને ઘડતા હોય ત્યારે, વ્યક્તિ જે પ્રમાણે વર્તે એ ધ્યાનમાં રાખીને યહોવા પોતાના વ્યવહારમાં ફેરફાર કરે છે. જે વ્યક્તિ માર્ગદર્શન સ્વીકારે તેને લાભ થાય છે. દાખલા તરીકે, અભિષિક્તો ‘દયાનાં વાસણો’ છે. તેઓને ‘મહિમાને માટે’ ઘડવામાં આવ્યાં છે. બીજી બાજુ, જેઓ યહોવાના માર્ગદર્શન પ્રમાણે ઘડાવાનો નકાર કરે છે તેઓ ‘નાશ માટે થયેલાં કોપનાં વાસણો’ છે.—રોમ. ૯:૧૯-૨૩.
૬, ૭. યહોવા તરફથી મળતી સલાહ પ્રત્યે રાજા દાઊદ અને શાઊલનું વર્તન કેવું હતું?
૬ વ્યક્તિને ઘડવા યહોવા સલાહ કે શિસ્ત આપે છે. એ સમજવા, ઈસ્રાએલના બે રાજા દાઊદ અને શાઊલનો વિચાર કરો. રાજા દાઊદે બાથશેબા સાથે વ્યભિચાર કર્યો. એનાથી તેમને અને બીજાઓને સહેવું પડ્યું. દાઊદ ભલે રાજા હતા, તોપણ યહોવાએ તેમને કડક શિસ્ત આપી. દાઊદને ઠપકો આપવા યહોવાએ નાથાન પ્રબોધકને મોકલ્યા. (૨ શમૂ. ૧૨:૧-૧૨) એ ઠપકો સાંભળી દાઊદે શું કર્યું? તેમનું દિલ ડંખ્યું અને તેમણે પસ્તાવો કર્યો. એ પછી, તેમને યહોવાની કૃપાનો અનુભવ થયો.—૨ શમૂએલ ૧૨:૧૩ વાંચો.
૭ શાઊલ રાજા વિશે શું? તેમણે સલાહ ન સ્વીકારી. પ્રબોધક શમૂએલ દ્વારા યહોવાએ શાઊલને આજ્ઞા આપી કે અમાલેકી લોકો અને ઢોરઢાંકનો પૂરેપૂરો નાશ કરે. શાઊલે યહોવાના કહ્યા પ્રમાણે ન કર્યું. તેમણે, રાજા અગાગ અને અમુક સારાં પ્રાણીઓને જીવતાં રાખ્યાં. શા માટે? અમુક હદે તે પોતાને મહાન સાબિત કરવા માગતા હતા. (૧ શમૂ. ૧૫:૧-૩, ૭-૯, ૧૨) આજ્ઞા ન પાળવાને લીધે મળેલા ઠપકાને, શાઊલે દિલથી સ્વીકારવાની જરૂર હતી. તેમણે, યહોવાના હાથે પોતાને ઘડાવા દેવાની જરૂર હતી. જ્યારે કે, તેમણે એમ કરવાનો નકાર કર્યો. તે પોતાના વર્તનને યોગ્ય પુરવાર કરવા લાગ્યા. અને દાવો કર્યો કે, યહોવાને બલિદાન ચઢાવવા માટે તેમણે એ પ્રાણીઓને જીવતાં રાખ્યાં હતાં. આવા વર્તનને લીધે, યહોવાએ શાઊલનો રાજા તરીકે નકાર કર્યો. ત્યાર પછી, યહોવા સાથે શાઊલ સારો સંબંધ ફરી બાંધી શક્યા નહિ.—૧ શમૂએલ ૧૫:૧૩-૧૫, ૨૦-૨૩ વાંચો.
યહોવા પક્ષપાત કરતા નથી
૮. ઈસ્રાએલ રાષ્ટ્રના વર્તન પરથી શું શીખવા મળે છે?
૮ યહોવા ફક્ત વ્યક્તિઓને જ નહિ, રાષ્ટ્રોને પણ ઘડે છે. ઈસવીસન પૂર્વે ૧૫૧૩માં, ઈસ્રાએલીઓને ઇજિપ્તની ગુલામીમાંથી આઝાદ કરવામાં આવ્યા. ત્યાર બાદ, યહોવાએ કરાર કરીને તેઓને ખાસ પ્રજા બનાવી. આમ, ઈસ્રાએલ યહોવાનું પસંદ કરેલું રાષ્ટ્ર બન્યું. એને યહોવાના હાથે ઘડાવાની તક મળી. છતાં, ઈસ્રાએલીઓએ યહોવાની નજરે જે ખરાબ હતું એ વારંવાર કર્યું. અરે, તેઓ આસપાસનાં રાષ્ટ્રોના જૂઠા દેવોની ઉપાસના કરવા લાગ્યા. યહોવાએ ઘણી વાર પ્રબોધકો મોકલીને તેઓને પાછા ફરવાની તક આપી. પરંતુ, તેઓએ પ્રબોધકોની સલાહ ન સ્વીકારી. (યિર્મે. ૩૫:૧૨-૧૫) તેથી, યહોવાએ તેઓને કડક શિસ્ત આપી. નાશ માટે થયેલાં વાસણોની જેમ, ઈસ્રાએલની ખરાબ હાલત થઈ. એના દસ કુળો પર આશ્શૂરે કબજો કર્યો અને પછી યહુદાના બે કુળને બાબેલોને ગુલામ બનાવ્યાં. આ કિસ્સો આપણને મહત્ત્વનો પાઠ શીખવે છે કે, યહોવા જે રીતે ઘડે એ રીતે ઘડાઈશું તો આપણું ભલું થશે.
૯, ૧૦. યહોવાએ ચેતવણી આપી ત્યારે નીનવેહના લોકોએ શું કર્યું?
૯ યહોવાએ આશ્શૂરના શહેર નીનવેહને પણ ચેતવણી ધ્યાનમાં લેવાની તક આપી. પ્રબોધક યૂનાને તેમણે કહ્યું: “ઊઠ, મોટા નગર નીનવેહ જા, ને તેની વિરુદ્ધ પોકાર કર; કેમ કે તેઓની દુષ્ટતા મારી આગળ આવી છે.” નીનવેહ શહેરનો નાશ નક્કી હતો.—યૂના ૧:૧, ૨; ૩:૧-૪.
૧૦ યૂનાએ નાશનો સંદેશો જણાવ્યો ત્યારે, “નીનવેહના લોકોએ ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો; અને તેઓએ ઉપવાસનો ઢંઢેરો પીટાવીને મોટાથી તે નાના સુધી સર્વએ તાટ પહેર્યું.” તેઓના રાજાને પણ ‘એ વાતની ખબર થઈ ત્યારે, તે પોતાની ગાદી પરથી ઊઠ્યો અને ઝભ્ભો અંગ પરથી ઉતારી નાખી તાટ ઓઢીને રાખમાં બેઠો.’ એ શહેરના લોકો યહોવાની ઇચ્છા પ્રમાણે ઘડાયા અને તેઓએ પાપનો પસ્તાવો કર્યો. પરિણામે, યહોવા તેઓ પર નાશ ન લાવ્યા.—યૂના ૩:૫-૧૦.
૧૧. ઈસ્રાએલ અને નીનવેહ સાથેના વર્તન પરથી યહોવા વિશે શું શીખવા મળે છે?
૧૧ ઈસ્રાએલના લોકો યહોવાની ખાસ પ્રજા હતા. છતાં, યહોવાએ તેઓને શિસ્ત આપી. નીનવેહના લોકો યહોવાની ખાસ પ્રજા નહોતા. તોપણ, તેઓ યહોવાની ઇચ્છા પ્રમાણે ઘડાયા. એટલે યહોવાએ તેઓને દયા બતાવી અને તેઓનો નાશ ન કર્યો. યહોવા પક્ષપાત કરતા નથી. લોકો જે પ્રમાણે વર્તે એ પરથી તેઓનો ન્યાય કરે છે.—પુન. ૧૦:૧૭.
નિર્ણય ક્યારે બદલવો એ યહોવા જાણે છે
૧૨, ૧૩. (ક) લોકો પોતાના વર્તનમાં ફેરફાર કરે ત્યારે યહોવા પોતાના નિર્ણય શા માટે બદલે છે? (ખ) શાઊલના અને નીનવેહના કિસ્સામાં યહોવાને પશ્ચાત્તાપ થયો એનો શું અર્થ થાય છે?
૧૨ લોકો પોતાના વર્તનમાં ફેરફાર કરે ત્યારે તેઓ માટે યહોવા પોતાના નિર્ણય બદલે છે. શાઊલનો વિચાર કરો, તેમને રાજા બનાવ્યા પછી તેમના વર્તનમાં ફેરફાર આવ્યો. તેથી, યહોવાને અફસોસ થયો હતો. (૧ શમૂ. ૧૫:૧૧) બીજી બાજુ, નીનવેહના લોકોએ પસ્તાવો કર્યો અને ખરાબ કામ કરવાનું બંધ કર્યું ત્યારે શું બન્યું? બાઇબલ જણાવે છે કે, ‘તેઓ પર જે આપત્તિ લાવવાનું યહોવાએ કહ્યું હતું એ વિશે તેમને પશ્ચાત્તાપ થયો.’ અને તે આપત્તિ લાવ્યા નહિ.—યૂના ૩:૧૦.
૧૩ અહીંયા “પશ્ચાત્તાપ” માટેના મૂળ હિબ્રૂ શબ્દનો અર્થ થાય કે ‘વિચાર અથવા નિર્ણય બદલવો.’ યહોવાએ એક સમયે શાઊલને રાજા તરીકે પસંદ કર્યા હતા. પરંતુ, શાઊલે આજ્ઞા માનવાનું છોડી દીધું એ પછી, યહોવાએ તેમનો રાજા તરીકે નકાર કર્યો. યહોવાએ પોતાનો વિચાર બદલ્યો એનો અર્થ એમ નથી કે શાઊલને રાજા તરીકે પસંદ કરવામાં તેમણે ભૂલ કરી હતી. એ તો શાઊલની ભૂલ હતી કે તે આજ્ઞાઓ તોડવા લાગ્યા. બીજી બાજુ, નીનવેહે પસ્તાવો કર્યો ત્યારે તેઓ માટે યહોવાએ પોતાનો નિર્ણય બદલ્યો. એ અહેવાલ બતાવે છે કે યહોવા પ્રેમાળ અને કૃપાળુ છે. વ્યક્તિ પોતાના વર્તનમાં સુધારો કરે ત્યારે, તેની માટે યહોવા પોતાના નિર્ણય બદલવા તૈયાર છે.
યહોવા તરફથી મળતી શિસ્તને સ્વીકારો
૧૪. (ક) યહોવા આપણને શાના દ્વારા ઘડે છે? (ખ) યહોવા આપણને ઘડે ત્યારે શું કરવું જોઈએ?
૧૪ બાઇબલ અને સંગઠન દ્વારા યહોવા આપણને ઘડે છે. (૨ તીમો. ૩:૧૬, ૧૭) એના દ્વારા મળતી દરેક સલાહ અને શિસ્તને આપણે સ્વીકારીએ. બની શકે કે, ઘણાં વર્ષોથી આપણે બાપ્તિસ્મા પામ્યા છીએ અથવા મંડળમાં ઘણા લહાવા મળ્યા છે. તોપણ, આપણે યહોવાની સલાહ સ્વીકારવી જોઈએ. આમ કરીને, ‘મહિમાને માટે તૈયાર કરેલાં વાસણો’ બનીએ છીએ.
૧૫, ૧૬. (ક) શિસ્ત માટે અમુક લહાવા ગુમાવવા પડે ત્યારે કેવી લાગણીઓ થઈ શકે? સમજાવો. (ખ) ખોટી લાગણીઓનો સામનો કરવા મદદ ક્યાંથી મળી શકે?
૧૫ યહોવા આપણને કઈ રીતે શિસ્ત આપે છે? તેમની ઇચ્છા પ્રમાણે ચાલવા જે પગલાં આપણે ભરવાં જોઈએ એ વિશે તે શીખવે છે. તેમ જ, તે આપણા વિચારોને ઘડે છે. અમુક વાર કંઈક ખોટું કરવાને લીધે કડક શિસ્ત પણ મળે. અરે, શિસ્ત માટે કદાચ મંડળમાં મળેલા લહાવા પણ લઈ લેવામાં આવે. ચાલો, ડેનીસ a નામના ભાઈનો વિચાર કરીએ. તે વડીલ તરીકે સેવા આપતા હતા. યોગ્ય નિર્ણય ન લેવાથી ધંધામાં ખોટું પગલું ભરી બેઠા. તેમને ખાનગીમાં ઠપકો આપવામાં આવ્યો. એ પછી, મંડળમાં જાહેરાત કરવામાં આવી કે તે હવે વડીલ તરીકે સેવા નહિ આપે. ડેનીસ જણાવે છે, ‘એ રાતે હું નિષ્ફળતાની લાગણીમાં ડૂબી ગયો. છેલ્લાં ત્રીસ વર્ષથી મારી પાસે ઘણા લહાવા હતા. હું નિયમિત પાયોનિયર હતો, મેં બેથેલમાં સેવા આપી હતી, સેવકાઈ ચાકર અને પછી વડીલ બન્યો હતો. હાલના જ ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં ટોક આપવાનો મને પહેલી વાર લહાવો મળ્યો હતો. અચાનક, બધું જ બદલાઈ ગયું. શરમ અનુભવવાની સાથે સાથે મને એમ લાગતું કે હવે, સંગઠનમાં મારી કોઈ જ જગ્યા નથી.’
૧૬ ખરું કે, ડેનીસે સુધારા કરવાની જરૂર હતી. પરંતુ, તેમને નિરાશા અને શરમ જેવી ખોટી લાગણીનો સામનો કરવા ક્યાંથી મદદ મળી? તે જણાવે છે, ‘ભક્તિમાં લાગુ રહેવાનો મેં પાક્કો નિર્ણય કર્યો. મંડળનાં ભાઈ-બહેનોએ મને સાથ આપ્યો. તેમ જ, આપણાં સાહિત્યમાંથી ઘણું ઉત્તેજન મળ્યું. ઑગસ્ટ ૧, ૨૦૦૯ના ચોકીબુરજનો લેખ “સેવા કરવાનો લહાવો તમને પાછો મળી શકે છે” જાણે મારી પ્રાર્થનાઓનો જવાબ હતો. એ લેખમાંથી શીખ્યો કે હમણાં વધારાની જવાબદારી ન હોવાથી, હું એ સમયને યહોવા સાથે સંબંધ ગાઢ બનાવવામાં આપું.’ શિસ્ત સ્વીકારવાથી ડેનીસને શું લાભ મળ્યો? તે જણાવે છે, ‘અમુક વર્ષો પછી, ફરી મને સેવકાઈ ચાકર બનવાનો લહાવો મળ્યો. યહોવા તરફથી એ કેટલો મોટો આશીર્વાદ છે!’
૧૭. વ્યક્તિને મંડળમાંથી દૂર કરવામાં આવે ત્યારે, એની તેના પર કેવી અસર થાય છે? દાખલો આપી સમજાવો.
૧૭ વ્યક્તિને શિસ્ત આપવાની બીજી એક રીત છે કે યહોવા તેને મંડળમાંથી દૂર કરે છે. આમ, યહોવા ખરાબ અસરથી મંડળનું રક્ષણ કરે છે. તેમ જ, પાપ કરનારને પસ્તાવો કરવા મદદ કરે છે. (૧ કોરીં. ૫:૬, ૭, ૧૧) રોબર્ટ નામના ભાઈનો વિચાર કરો. તે આશરે ૧૬ વર્ષ મંડળથી દૂર રહ્યા. એ સમય દરમિયાન, તેમના માતા-પિતા અને ભાઈઓએ તેમની સાથે કોઈ સંગત ન રાખી. અરે, તેઓ તેમની સાથે જરા પણ વાત નહોતા કરતા. એમ કરીને, તેઓએ બાઇબલની સલાહ માની. જોકે, રોબર્ટને અમુક વર્ષ પહેલાં મંડળમાં પાછા લેવામાં આવ્યા છે. તે ભક્તિમાં પ્રગતિ કરી રહ્યા છે. તેમને પૂછવામાં આવ્યું કે આટલા લાંબા સમય પછી, કઈ બાબતને લીધે તે યહોવા અને તેમના લોકો તરફ પાછા ફર્યા. તેમણે જવાબ આપ્યો, ‘મારું કુટુંબ યહોવાને દૃઢતાથી વળગી રહ્યું, જેની મારા પર ઊંડી અસર થઈ. જો તેઓએ મારી સાથે જરાય સંગત રાખી હોત, તો હું એનાથી સંતોષ માની લેત. અને, ક્યારેય મંડળમાં પાછા આવવાની મને ઇચ્છા ન થાત.’
૧૮. મહાન કુંભાર યહોવાના હાથમાં તમે કેવી માટી બનશો?
૧૮ કદાચ આપણને એવી કડક શિસ્તની જરૂર ન પડે. જોકે, આપણે નક્કી કરવાની જરૂર છે કે કેવી માટી બનીશું? શિસ્ત મળે ત્યારે કઈ રીતે વર્તીશું? આપણે દાઊદ જેવું કે પછી શાઊલ જેવું વલણ બતાવીશું? યહોવા મહાન કુંભાર છે. કદી ભૂલશો નહિ કે, જેમ ‘પિતા પોતાના દીકરાને ઠપકો આપે છે, તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે.’ તેથી, ‘યહોવાની શિક્ષાને તુચ્છ ન ગણો અને તેમના ઠપકાથી નિરાશ ન થાઓ.’—નીતિ. ૩:૧૧, ૧૨.
a નામ બદલ્યાં છે.