સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાનાં સૂચનોને દિલનો આનંદ બનાવીએ

યહોવાનાં સૂચનોને દિલનો આનંદ બનાવીએ

“મેં તારાં સાક્ષ્યોને [સૂચનોને, NW ] મારો સદાકાળનો વારસો માન્યાં છે.”—ગીત. ૧૧૯:૧૧૧.

૧. (ક) વ્યક્તિઓને સૂચનો આપવામાં આવે ત્યારે તેઓ કઈ રીતે વર્તે છે અને શા માટે? (ખ) ઘમંડને લીધે વ્યક્તિ સૂચનોને કેવાં ગણશે?

 વ્યક્તિઓને માર્ગદર્શન કે સૂચન આપવામાં આવે ત્યારે, તેઓ અલગ અલગ રીતે વર્તે છે. જેમ કે, કોઈ અધિકારી સૂચન આપે તો કદાચ વ્યક્તિ એને તરત સ્વીકારી લે. જ્યારે કે, કોઈ નાની ઉંમરની કે અધિકાર ન હોય એવી વ્યક્તિ સૂચન આપે તો તે વ્યક્તિ કદાચ ગણકારશે નહિ. શિસ્ત કે સલાહ આપવામાં આવે છે ત્યારે પણ વ્યક્તિને જુદી જુદી લાગણીઓ થાય છે. દાખલા તરીકે, અમુક વ્યક્તિ ઉત્તેજન પામે અને સારું કરવા પ્રેરાય. જ્યારે કે, અમુક દુઃખ કે શરમ અનુભવે. આવી ખોટી લાગણી થવાનું એક કારણ વ્યક્તિનો ઘમંડ હોય શકે. ઘમંડને લીધે વ્યક્તિ યોગ્ય નિર્ણય લઈ શકતી નથી. આમ, તે કદાચ મહત્ત્વનાં સૂચનોમાંથી લાભ મેળવવાનું ચૂકી જઈ શકે.—નીતિ. ૧૬:૧૮.

૨. શા માટે ઈશ્વરભક્તો બાઇબલમાંથી મળતાં સૂચનોની કદર કરે છે?

બીજી બાજુ, ઈશ્વરભક્તો ઉપયોગી સૂચનોની કદર કરે છે. ખાસ કરીને જ્યારે એ બાઇબલ આધારિત હોય. ખોટું કામ કરવાથી શું પરિણામ આવી શકે એ જોવા યહોવાનાં સૂચનો આપણને મદદ કરે છે. એ આપણને એવા કામોથી દૂર રહેવા મદદ કરે છે, જેનાથી નુકસાન થઈ શકે. જેમ કે, માલ-મિલકતનો લોભ, અશ્લીલ કામો અને ડ્રગ્સ કે દારૂનો નશો. (નીતિ. ૨૦:૧; ૨ કોરીં. ૭:૧; ૧ થેસ્સા. ૪:૩-૫; ૧ તીમો. ૬:૬-૧૧) વધુમાં, ઈશ્વરનાં સૂચનો પાળવાથી આપણને ‘દિલથી’ આનંદ થાય છે.—યશા. ૬૫:૧૪.

૩. એક ઈશ્વરભક્તના કયા વલણને આપણે અનુસરવું જોઈએ?

આપણા ઈશ્વર યહોવા સાથેનો અનમોલ સંબંધ જાળવી રાખવા જરૂરી છે કે આપણે તેમનાં સૂચનોને જીવનમાં લાગુ પાડતાં રહીએ. આપણે પણ એક ઈશ્વરભક્ત જેવું વલણ બતાવવું જોઈએ, જેમણે લખ્યું હતું: “મેં તારાં સાક્ષ્યોને [સૂચનોને, NW ] મારો સદાકાળનો વારસો માન્યાં છે; કેમ કે તેઓ મારા હૃદયનો આનંદ છે.” (ગીત. ૧૧૯:૧૧૧) શું આપણને પણ યહોવાની આજ્ઞાથી આનંદ મળે છે, કે પછી અમુક વાર એને બોજરૂપ ગણીએ છીએ? ખરું કે, કોઈક વાર સલાહ સ્વીકારવી અઘરી લાગી શકે પણ એનાથી નિરાશ ન થઈએ. આપણે એવો અડગ વિશ્વાસ કેળવી શકીએ છીએ કે, ઈશ્વરનાં સૂચનો હંમેશાં આપણા ભલા માટે છે. ચાલો, એ કેળવવાની ત્રણ રીતો જોઈએ.

પ્રાર્થના દ્વારા વિશ્વાસ કેળવીએ

૪. દાઊદના જીવનમાં કઈ બાબત અડગ રહી?

રાજા દાઊદના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા. પરંતુ, ઈશ્વરમાં તેમનો ભરોસો કદી પણ ડગ્યો નહિ. તેમણે કહ્યું: “હે યહોવા, હું તારામાં મારું અંતઃકરણ લગાડું છું. હે મારા ઈશ્વર, મેં તારા પર ભરોસો રાખ્યો છે.” (ગીત. ૨૫:૧, ૨) ઈશ્વરમાં એવો અડગ ભરોસો કેળવવા દાઊદને ક્યાંથી મદદ મળી?

૫, ૬. દાઊદનો યહોવા સાથે કેવો સંબંધ હતો, એ વિશે બાઇબલ શું જણાવે છે?

ઘણા લોકો મુશ્કેલીમાં આવી પડે ત્યારે જ ઈશ્વરને પ્રાર્થના કરે છે. તેઓ એવા મિત્ર કે સગા જેવા છે જે ફક્ત કામ પડે ત્યારે જ તમારી પાસે આવે છે. સમય જતા, તમને એ વ્યક્તિની દોસ્તી પર શંકા થશે. જોકે, દાઊદ એવા ન હતા. સારા અને ખરાબ સંજોગોમાં તેમણે યહોવામાં અડગ શ્રદ્ધા રાખી. તેમ જ, ઈશ્વર માટે દિલથી પ્રેમ બતાવ્યો.—ગીત. ૪૦:૮.

નોંધ કરો કે કઈ રીતે દાઊદે યહોવાની સ્તુતિ કરી અને તેમનો આભાર માન્યો: ‘હે યહોવા, અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ઉત્તમ છે! તમારા ગર્વની પ્રશંસા આકાશો સુધી પહોંચે છે.’ (ગીત. ૮:૧, કોમન લેંગ્વેજ) ઈશ્વરપિતા સાથેનો દાઊદનો ગાઢ સંબંધ, શું તમે પારખી શક્યા? યહોવાની મહાનતા અને વૈભવ માટે દાઊદને ઘણી કદર હતી. એટલે, તે “આખો દિવસ” યહોવાની સ્તુતિ કરી શક્યા.—ગીત. ૩૫:૨૮.

૭. યહોવાને નિયમિત પ્રાર્થના કરવાથી આપણને શું લાભ થશે?

ઈશ્વરમાં ભરોસો મજબૂત કરવા જરૂરી છે કે આપણે પણ દાઊદની જેમ નિયમિત રીતે યહોવા સાથે વાતચીત કરીએ. બાઇબલ જણાવે છે કે, “તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.” (યાકૂ. ૪:૮) પ્રાર્થના કરવાથી આપણે ઈશ્વરની નજીક જઈ શકીએ છીએ. તેમ જ, પવિત્ર શક્તિ મેળવવાની એ મહત્ત્વની રીત છે.—૧ યોહાન ૩:૨૨ વાંચો.

૮. શા માટે દરેક વખતે પ્રાર્થનામાં એકના એક શબ્દો વાપરવા ન જોઈએ?

દરેક વખતે પ્રાર્થનામાં શું તમે એકના એક શબ્દો કે વાક્યોનું રટણ કરો છો? જો એમ હોય, તો પ્રાર્થના કરતા પહેલા વિચારો કે તમે શું કહેવા માંગો છો. માની લો કે તમે દરેક વખતે એકના એક શબ્દો કોઈ મિત્ર કે સગાને કહો તો શું તેને ગમશે? સમય જતા, કદાચ તે તમારી સામે આંખ આડા કાન કરે. ખરું કે, યહોવા હંમેશાં પોતાના ભક્તની દિલથી કરેલી પ્રાર્થનાને ધ્યાન આપે છે. તોપણ, આપણે પ્રાર્થના કરીએ ત્યારે એકના એક શબ્દો કહેવાનું ટાળીએ.

૯, ૧૦. (ક) પ્રાર્થનામાં આપણે શું કહી શકીએ? (ખ) દિલથી પ્રાર્થના કરવા આપણને શું મદદ કરશે?

ઈશ્વરની નજીક જવા માગતા હોઈએ તો, કરવા ખાતર પ્રાર્થના ન કરીએ. આપણે યહોવાની આગળ જેટલું વધારે દિલ ખોલીશું એટલા વધારે તેમની નજીક જઈ શકીશું અને તેમનામાં ભરોસો વધશે. તો પછી સવાલ થાય કે પ્રાર્થનામાં શું કહેવું જોઈએ? બાઇબલ જણાવે છે: “દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો.” (ફિલિ. ૪:૬) હકીકતમાં, આપણા જીવનને કે યહોવા સાથેના સંબંધને અસર કરતી દરેક બાબતનો પ્રાર્થનામાં ઉલ્લેખ કરી શકીએ છીએ.

૧૦ પહેલાંના સમયના વિશ્વાસુ ઈશ્વરભક્તોની પ્રાર્થનાઓમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. (૧ શમૂ. ૧:૧૦, ૧૧; પ્રે.કૃ. ૪:૨૪-૩૧) દાખલા તરીકે, ગીતશાસ્ત્રના પુસ્તકમાં ઘણી પ્રાર્થનાઓ અને ગીતો જોવા મળે છે. યહોવાને દિલથી કરેલી એ પ્રાર્થનાઓ અને ગીતોમાં મનુષ્યોની દરેક લાગણીઓનો સમાવેશ થયો છે. જેમ કે, અતિશય દુઃખથી લઈને અઢળક આનંદ જેવી લાગણીઓ જોવા મળે છે. વિશ્વાસુ ભક્તોની એ પ્રાર્થનાઓ પર વિચાર કરવાથી આપણી પ્રાર્થનાઓ પણ વધારે અર્થપૂર્ણ બનશે.

ઈશ્વરનાં સૂચનો પર મનન કરીએ

૧૧. ઈશ્વરનાં સૂચનો પર મનન કરવું શા માટે જરૂરી છે?

૧૧ દાઊદે જણાવ્યું હતું: “યહોવાની સાક્ષી [સૂચનો, NW ] વિશ્વાસપાત્ર છે, તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે.” (ગીત. ૧૯:૭) ભલે આપણે અબુદ્ધ એટલે કે બિનઅનુભવી હોઈએ, તોપણ યહોવાની આજ્ઞાઓ માનીને સમજુ બની શકીએ છીએ. બાઇબલની અમુક સલાહનો લાભ મેળવવા મનન કરવું જરૂરી છે. દાખલા તરીકે, બાઇબલના સિદ્ધાંતો પર મનન કરવાથી સ્કૂલમાં કે નોકરી પર આવતી લાલચોનો આપણે સામનો કરી શકીશું. મનન કરવાથી આપણને લોહી વિશે અને રાજકીય બાબતોમાં પક્ષ ન લેવા વિશે ઈશ્વરના નિયમ પાળવા મદદ મળશે. તેમ જ, યોગ્ય પહેરવેશ વિશે બાઇબલ સિદ્ધાંતને લાગુ પાડવા પણ સહાય મળશે. આમ, આપણે દરેક બાબતમાં ઈશ્વરને વિશ્વાસુ રહી શકીશું. મનન કરેલું હશે તો, અચાનક મુશ્કેલીમાં આવી પડીએ ત્યારે પણ તૈયાર રહેવા મદદ મળશે. એવા સંજોગોમાં આપણે યોગ્ય નિર્ણય લઈ શકીશું. પહેલાંથી તૈયારી કરી હશે તો, દુઃખી કરે એવા ખોટા નિર્ણય ટાળી શકીશું.—નીતિ. ૧૫:૨૮.

૧૨. કયા સવાલો પર મનન કરવાથી ઈશ્વરનાં સૂચનોને ધ્યાનમાં રાખવા મદદ મળશે?

૧૨ ખરું કે, ઈશ્વરનું વચન પૂરું થવાની આપણે રાહ જોઈએ છીએ. પરંતુ, હાલમાં શું આપણું જીવન બતાવે છે કે તેમની ઇચ્છા પ્રમાણે કરવું સૌથી મહત્ત્વનું છે? દાખલા તરીકે, શું આપણને ખાતરી છે કે મહાન બાબેલોનનો જલદી જ નાશ થશે? આપણે પહેલી વાર ભાવિમાં મળનારા આશીર્વાદો વિશે શીખ્યા ત્યારે જે ભરોસો મૂક્યો હતો, શું એ હજી પણ છે? શું આપણે પ્રચારકાર્ય માટેનો ઉત્સાહ હજી પણ જાળવી રાખ્યો છે, કે પછી બીજી બાબતોને વધારે મહત્ત્વ આપીએ છીએ? સજીવન થવાની આશા વિશે શું? યહોવાના નામને પવિત્ર મનાવવું અને રાજ કરવાનો હક્ક ફક્ત તેમનો જ છે, એ વિષયોને શું આપણે સૌથી મહત્ત્વના ગણીએ છીએ? આ સવાલો પર મનન કરવાથી એક ઈશ્વરભક્તની જેમ આપણે પણ કહી શકીશું. તેમણે લખ્યું કે ઈશ્વરનાં “સાક્ષ્યોને [સૂચનોને, NW] મારો સદાકાળનો વારસો માન્યાં છે.”—ગીત. ૧૧૯:૧૧૧.

૧૩. શા માટે પહેલી સદીના ખ્રિસ્તીઓને અમુક બાબતો સમજવી અઘરી લાગી? દાખલો આપો.

૧૩ બાઇબલમાં જણાવેલી અમુક બાબતોને કદાચ હમણાં આપણે પૂરી રીતે સમજી નહિ શકીએ. કારણ, એની સ્પષ્ટ સમજણ આપવાનો યહોવાનો હજી સમય થયો નથી. ઈસુએ પોતાની સતાવણી અને મરણ વિશે પ્રેરિતોને વારંવાર જણાવ્યું હતું. (માથ્થી ૧૨:૪૦; ૧૬:૨૧ વાંચો.) પરંતુ, પ્રેરિતો સમજી ન શક્યા કે ઈસુ શું કહેવા માગતા હતા. જોકે, ઈસુ સજીવન થયા, શિષ્યોને દેખાયા અને ‘ધર્મલેખો સમજવા માટે તેઓનાં મન ખોલ્યાં’ ત્યારે પ્રેરિતો સમજી શક્યા. (લુક ૨૪:૪૪-૪૬; પ્રે.કૃ. ૧:૩) બીજા એક કિસ્સામાં, સાલ ૩૩ના પેન્તેકોસ્તના દિવસે ખ્રિસ્તના શિષ્યો પર પવિત્ર શક્તિ રેડવામાં આવી એ પછી જ, તેઓ સમજી શક્યા કે ઈશ્વરનું રાજ્ય સ્વર્ગમાંથી રાજ કરશે.—પ્રે.કૃ. ૧:૬-૮.

૧૪. વીસમી સદીની શરૂઆતમાં ઘણા ભાઈઓને છેલ્લા દિવસો વિશે ગેરસમજ હતી, છતાં તેઓએ કેવો સારો દાખલો બેસાડ્યો?

૧૪ એવી જ રીતે, ૨૦મી સદીની શરૂઆતમાં સાચા ખ્રિસ્તીઓને પણ “છેલ્લા સમય” વિશે અમુક ગેરસમજ હતી. (૨ તીમો. ૩:૧) દાખલા તરીકે, ૧૯૧૪માં અમુકને લાગતું હતું કે તેઓને જલદી જ સ્વર્ગમાં લઈ લેવામાં આવશે. પરંતુ, એમ થયું નહિ. એ ભક્તોએ બાઇબલનો ઊંડો અભ્યાસ ચાલુ રાખ્યો. તેઓને ખ્યાલ આવ્યો કે પ્રથમ મોટા પાયે પ્રચારકાર્ય થવું જોઈએ. (માર્ક ૧૩:૧૦) તેથી, ૧૯૨૨માં ભાઈ જે. એફ. રધરફર્ડ પ્રચારકાર્યમાં આગેવાની લેવા લાગ્યા. સીદાર પોઈન્ટ, ઓહાયો, અમેરિકામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભેગા થયેલા બધાને તેમણે જણાવ્યું: “રાજા રાજ કરે છે! તમે તેમના પ્રચારકો છો. એટલે, રાજા અને તેમના રાજ્યને જાહેર કરો, જાહેર કરો, જાહેર કરો.” એ સમયથી “રાજ્યની” ખુશખબર ફેલાવવી, યહોવાના સાક્ષીઓની ઓળખ બની ગઈ છે.—માથ. ૪:૨૩; ૨૪:૧૪.

૧૫. યહોવાએ પોતાના લોકો માટે જે કર્યું છે એ પર મનન કરવાથી શું લાભ થશે?

૧૫ યહોવાએ આપેલાં વચનો પર મનન કરવાથી ઘણો લાભ થશે. તેમણે પહેલાંના સમયમાં અને હાલમાં પોતાના લોકોને આપેલાં વચનો ઘણી અદ્‍ભુત રીતે પૂરાં કર્યાં છે. એ આપણને પૂરો ભરોસો આપે છે કે યહોવા ભાવિમાં પણ પોતાનાં વચનો પૂરાં કરશે. આપણે ખાતરી રાખી શકીએ કે મનન કરવાથી ઈશ્વરનાં વચનોમાં આપણો ભરોસો વધશે.

ભક્તિ કરીને ભરોસો મજબૂત કરીએ

૧૬. ભક્તિના કાર્યોમાં વ્યસ્ત રહેવાથી કેવા આશીર્વાદો મળે છે?

૧૬ યહોવા ઘણા ઉત્સાહથી કામ કરતા રહે છે. એક ઈશ્વરભક્તે યહોવા વિશે લખ્યું: ‘તમારા જેવા પરાક્રમી કોણ છે? તમારો હાથ મજબૂત તથા તમારો જમણો હાથ મહિમાવંત છે.’ (ગીત. ૮૯:૮, ૧૩) આપણે તેમની ભક્તિમાં બનતું બધું કરીએ છીએ ત્યારે, યહોવા આપણને પણ આશીર્વાદ આપે છે. તે જુએ છે કે તેમના ભક્તો નાની ઉંમરના હોય કે મોટી ઉંમરના, સ્ત્રી હોય કે પુરુષ, બધા જ મહેનત કરે છે. તેઓ ‘આળસની રોટલી ખાતા નથી.’ (નીતિ. ૩૧:૨૭) યહોવાને અનુસરીને આપણે પણ ભક્તિમાં બનતું બધું કરવા વ્યસ્ત રહીએ છીએ. પૂરા દિલથી તેમની ભક્તિ કરવાથી આપણને ઘણો આનંદ મળે છે. તેમ જ, આપણી મહેનતની યહોવા ઘણી કદર કરે છે.—ગીતશાસ્ત્ર ૬૨:૧૨ વાંચો.

૧૭, ૧૮. યહોવાનાં સૂચનો પ્રમાણે કરવાથી આપણી શ્રદ્ધા કઈ રીતે મજબૂત થાય છે? દાખલો આપો.

૧૭ આપણે જ્યારે યહોવામાં ભરોસો રાખીને કંઈક કરીએ છીએ, ત્યારે કઈ રીતે આપણી શ્રદ્ધા મજબૂત થાય છે? બાઇબલમાં જણાવેલા ઈસ્રાએલીઓના અહેવાલનો વિચાર કરો. તેઓ વચનના દેશમાં જવાની તૈયારીમાં હતા. એ વખતે યહોવાએ યાજકોને કહ્યું કે કરારકોશ યરદન નદી પાર કરીને લઈ જાઓ. પરંતુ, લોકો નદી પાસે આવ્યા ત્યારે જોઈ શક્યા કે વરસાદને લીધે નદી છલોછલ વહેતી હતી. ઈસ્રાએલીઓએ શું કર્યું? શું તેઓએ નદીના કિનારે છાવણી નાખી અને પાણી ઓસરી જવાની રાહ જોઈ? ના. તેઓએ યહોવામાં પૂરો ભરોસો રાખ્યો અને તેમના માર્ગદર્શન પ્રમાણે કર્યું. પરિણામ શું આવ્યું? અહેવાલ જણાવે છે: ‘યાજકોના પગ નદીના પાણીમાં પડતા જ, વહેતું પાણી ઠરી ગયું અને યાજકો યરદનની વચ્ચે કોરી ભૂમિ પર ઊભા રહ્યા અને સર્વ ઈસ્રાએલીઓ કોરી ભૂમિ ઉપર ચાલીને પેલે પાર ઊતર્યા.’ (યહો. ૩:૧૨-૧૭) કલ્પના કરો કે એ પૂરના પાણી રોકાઈ જવાથી ઈસ્રાએલીઓના દિલ કેટલા આનંદથી ઊભરાઈ ગયા હશે! સાચે જ, ઈસ્રાએલીઓની શ્રદ્ધા મજબૂત બની હશે કારણ કે તેઓએ યહોવાનાં સૂચનોમાં ભરોસો મૂક્યો.

યહોશુઆના સમયના ઈસ્રાએલીઓની જેમ, શું તમે યહોવામાં શ્રદ્ધા બતાવશો? (ફકરા ૧૭, ૧૮ જુઓ)

૧૮ ખરું કે, એવા ચમત્કારો યહોવા આજે પોતાના ભક્તો માટે કરતા નથી. પરંતુ, તે હમણાં પણ શ્રદ્ધા બતાવતા ભક્તોને આશીર્વાદ આપે છે. દુનિયા ફરતે રાજ્યનો સંદેશો જાહેર કરવા ઈશ્વર પોતાની શક્તિ આપણને પૂરી પાડે છે. સજીવન થએલા ઈસુ ખ્રિસ્તે પણ પોતાના શિષ્યોને ખાતરી આપી કે મહત્ત્વનું કામ પૂરું કરવા તેઓને ચોક્કસ મદદ પૂરી પાડશે. તેમણે કહ્યું: ‘એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.’ (માથ. ૨૮:૧૯, ૨૦) ઘણા સાક્ષીઓ સંદેશો જાહેર કરવામાં પહેલાં કદાચ શરમાતા કે અચકાતા હતા. પણ, હવે તેઓ ઈશ્વરની શક્તિથી સંદેશો હિંમતથી જાહેર કરી શકે છે.—ગીતશાસ્ત્ર ૧૧૯:૪૬; ૨ કોરીંથી ૪:૭ વાંચો.

૧૯. ભલે આપણે વધારે કરી ન શકીએ તોપણ શાની ખાતરી રાખી શકીએ?

૧૯ અમુક ભાઈ-બહેનો બીમાર અથવા વૃદ્ધ હોવાને લીધે ભક્તિમાં વધારે કરી શકતાં નથી. છતાં, તેઓ ખાતરી રાખી શકે કે ‘કરુણાના પિતા અને સર્વ દિલાસાના ઈશ્વર’ યહોવા તેઓના સંજોગો સમજે છે. (૨ કોરીં. ૧:૩) આપણે રાજ્યનો સંદેશો જાહેર કરવામાં જે કંઈ કરીએ એની યહોવા કદર કરે છે. હંમેશાં યાદ રાખીએ કે આપણું તારણ ખાસ તો ખ્રિસ્તના બલિદાનમાં વિશ્વાસ મૂકવા પર આધારિત છે.—હિબ્રૂ ૧૦:૩૯.

૨૦, ૨૧. યહોવામાં ભરોસો બતાવવાની અમુક રીતો કઈ છે?

૨૦ આપણાં સમય, શક્તિ અને ધનસંપત્તિનો બને એટલો ઉપયોગ યહોવાની ભક્તિમાં કરીએ. આપણે પૂરા દિલથી “સુવાર્તિકનું કામ” કરવા ચાહીએ છીએ. (૨ તીમો. ૪:૫) એ કામ આપણે ખુશી ખુશી કરીએ છીએ. કારણ, એનાથી બીજાઓને “સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય” છે. (૧ તીમો. ૨:૪) સાચે જ, યહોવાને મહિમા આપવાથી અને તેમની સ્તુતિ કરવાથી ઘણા આશીર્વાદો મળે છે. (નીતિ. ૧૦:૨૨) તેમ જ, ગમે એવા સંજોગો આવે ઈશ્વરમાં આપણો ભરોસો મજબૂત બની રહેશે.—રોમ. ૮:૩૫-૩૯.

૨૧ આપણે ચર્ચા કરી તેમ, યહોવાનાં સૂચનોમાં આપણો ભરોસો આપોઆપ મજબૂત નહિ થાય. એ માટે આપણે પગલાં ભરવાં પડશે. તેથી, વિશ્વાસ મજબૂત કરવા યહોવાને પ્રાર્થના કરતા રહીએ. યહોવાએ અગાઉ જે રીતે પોતાનું વચન પૂરું કર્યું હતું અને ભાવિમાં કરવાના છે, એના પર મનન કરતા રહીએ. શ્રદ્ધા મજબૂત કરવા યહોવામાં ભરોસો રાખીને સોંપાયેલું કામ કરતા રહીએ. હંમેશાં યાદ રાખો કે યહોવાનાં સૂચનો સદા રહેશે. એ સૂચનો પર ધ્યાન આપીને તમે પણ સદા માટે જીવી શકશો.