સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વડીલો, ઉત્તમ ઘેટાંપાળકોને અનુસરો

વડીલો, ઉત્તમ ઘેટાંપાળકોને અનુસરો

“ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું, અને તમે તેને પગલે ચાલો, માટે તેણે તમોને નમૂનો આપ્યો છે.”—૧ પીત. ૨:૨૧.

૧, ૨. (ક) ઘેટાંની સારી સંભાળ લેવામાં આવે ત્યારે શું બને છે? (ખ) ઈસુના સમયના લોકો શા માટે પાળક વગરના ઘેટાં જેવા હતા?

 ઘેટાંપાળક ઘેટાંની સારી સંભાળ રાખે તો જ ઘેટાંની વૃદ્ધિ અને તંદુરસ્તી સારી થાય છે. ઘેટાંના ઉછેર વિશે એક પુસ્તક જણાવે છે કે, ‘જે ઘેટાંપાળક પોતાના ટોળાને ફક્ત ચરવા લઈ જાય છે અને ખાસ કોઈ સંભાળ નથી લેતો, એ ટોળાનાં ઘેટાં અમુક જ વર્ષોમાં નબળાં અથવા બીમાર પડી જાય છે.’ જ્યારે કે, દરેક ઘેટાંની સારી સંભાળ લેવામાં આવે તો ટોળામાં વૃદ્ધિ થાય છે.

મંડળમાં પણ એવું જ બને છે. ઈશ્વરે નીમેલા ઘેટાંપાળક દરેક ઘેટાંની સંભાળ રાખે ત્યારે મંડળમાં વૃદ્ધિ થાય છે. તમને યાદ હશે કે લોકોને જોઈને ઈસુને દયા આવી હતી કેમ કે, ‘તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થએલા તથા વિખેરાઈ ગએલા હતા.’ (માથ. ૯:૩૬) તેઓના એવા હાલ શા માટે થયા? કારણ કે, જેઓને ઈશ્વરના નિયમ શીખવવાની જવાબદારી સોંપાઈ હતી, તેઓ કઠોર, નિયમો થોપી બેસાડનાર, કહે કંઈ અને કરે કંઈ એવા હતા. ઈસ્રાએલી ધર્મગુરુઓ પોતાના ટોળાને પ્રેમ અને મદદ આપવાને બદલે, જાણે “ભારે બોજો” તેઓના ખભા પર નાખતા હતા.—માથ. ૨૩:૪.

૩. ઘેટાંની સંભાળ લેતા વડીલોએ શું યાદ રાખવું જોઈએ?

આજે, મંડળના ઘેટાંપાળકો એટલે કે પસંદ કરાયેલા વડીલો પર ગંભીર જવાબદારી છે. તેઓ જે ટોળાની સંભાળ રાખે છે, એ યહોવા અને ઈસુનું છે. ઈસુ જે “ઉત્તમ ઘેટાંપાળક” છે, તેમણે ઘેટાંને ‘પોતાના કીમતી રક્તથી’ ‘મૂલ્ય આપીને ખરીદ્યા’ છે. (યોહા. ૧૦:૧૧; ૧ કોરીં. ૬:૨૦; ૧ પીત. ૧:૧૮, ૧૯) ઈસુને ઘેટાં માટે એટલો પ્રેમ છે કે તેમણે રાજીખુશીથી પોતાનું જીવન આપી દીધું. વડીલોએ હંમેશાં યાદ રાખવું જોઈએ કે તેઓએ પોતાના ઉપરી ઈસુને હિસાબ આપવો પડશે, જે ઈશ્વરના પ્રેમાળ દીકરા અને “ઉત્તમ ઘેટાંપાળક” છે.—હિબ્રૂ ૧૩:૨૦, IBSI.

૪. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

તો સવાલ થાય કે, મંડળના ઘેટાંપાળકોએ દરેક ઘેટાંની સાથે કઈ રીતે વર્તવું જોઈએ? ખરું કે, મંડળનાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપવામાં આવ્યું છે કે, “આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન” રહેવું જોઈએ. એ જ રીતે વડીલોને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓએ ઈશ્વરે ‘સોંપેલા ટોળા પર ધણીપણું ન’ કરવું જોઈએ. (હિબ્રૂ ૧૩:૧૭; ૧ પીતર ૫:૨, ૩ વાંચો.) તો પછી, ધણીપણું કર્યા વગર વડીલો કઈ રીતે મંડળને દોરી શકે? બીજા શબ્દોમાં કહીએ તો, કઈ રીતે ઈશ્વરે આપેલા અધિકારની ઉપરવટ ગયા વગર તેઓ મંડળની જરૂરિયાતોની સંભાળ લઈ શકે? ચાલો જોઈએ.

‘તે તેઓને ગોદમાં ઊંચકી લેશે’

૫. યશાયા ૪૦:૧૧ યહોવા વિશે શું બતાવે છે?

યહોવા વિશે યશાયાએ લખ્યું: “ભરવાડની પેઠે તે પોતાના ટોળાનું પાલન કરશે, ને તે બચ્ચાંને પોતાના હાથથી એકઠાં કરીને તેમને પોતાની ગોદમાં ઊંચકી લેશે, તે ધવડાવનારીઓને સંભાળીને ચલાવશે.” (યશા. ૪૦:૧૧) અહીં જોવા મળે છે કે, યહોવા મંડળના નબળા અથવા વધુ કાળજીની જરૂર હોય એવા સભ્યો પર ધ્યાન આપે છે. એક ઘેટાંપાળકની જેમ તે મંડળના દરેક સભ્યની જરૂરિયાતો જાણે છે અને એને ખુશી ખુશી પૂરી કરે છે. ઘેટાંપાળક નવા જન્મેલા બચ્ચાને જરૂર પડે ત્યારે ગોદમાં ઊંચકી લે છે. એવી જ રીતે યહોવા ‘જે કરુણાના પિતા’ છે, તે આપણને પરીક્ષણ અને મુશ્કેલ સંજોગોમાં દિલાસો આપે છે.—૨ કોરીં. ૧:૩, ૪.

૬. યહોવાના ઉદાહરણને વડીલો કઈ રીતે અનુસરી શકે?

પિતા યહોવા પાસેથી મંડળના ઘેટાંપાળકો ઘણું શીખી શકે છે. યહોવાની જેમ તેઓએ ઘેટાંની જરૂરિયાતોનું ધ્યાન રાખવું જોઈએ. ભાઈ-બહેનોની મુશ્કેલીઓની જાણ થતા જ વડીલોએ વિચારવું જોઈએ કે ક્યારે અને કઈ રીતે તેઓને મદદ અને ઉત્તેજન આપી શકે. (નીતિ. ૨૭:૨૩) એનો અર્થ થાય કે, વડીલો તેઓ સાથે વાત કરવામાં પૂરતો સમય આપે અને તેઓનું ધ્યાનથી સાંભળે. જોકે, તેઓએ ભાઈ-બહેનોની વ્યક્તિગત બાબતોમાં દખલ ન કરવાનું ધ્યાન રાખવું જોઈએ. તેઓ ભાઈ-બહેનોની પ્રગતિમાં રસ બતાવે અને પ્રેમાળ રીતે ‘નબળાઓને સહાય કરે’ એ જરૂરી છે.—પ્રે.કૃ. ૨૦:૩૫; ૧ થેસ્સા. ૪:૧૧.

૭. (ક) હઝકીએલ અને યિર્મેયાના સમયમાં ઈશ્વરનાં ઘેટાં સાથે કેવું વર્તન કરવામાં આવતું? (ખ) યહોવાએ જે ઘેટાંપાળકોને નકાર્યા છે, એ પરથી આપણે શું શીખી શકીએ?

હઝકીએલ અને યિર્મેયાના સમયના ઘેટાંપાળકોનો વિચાર કરો. યહોવાએ એ ઘેટાંપાળકોને નકાર્યા કેમ કે તેઓએ ઘેટાંની સંભાળ રાખી નહિ. ઘેટાંના ટોળાનું ધ્યાન ન રાખવામાં આવે તો, એ જંગલી જાનવરોનો શિકાર બને છે અને ટોળું વિખેરાઈ જાય છે. એ સમયના ઘેટાંપાળકોએ ઘેટાંનું ધ્યાન રાખવાને બદલે “પોતાનું પોષણ કર્યું.” (હઝકી. ૩૪:૭-૧૦; યિર્મે. ૨૩:૧) પોતાને ખ્રિસ્તી કહેવડાવતા આગેવાનો પણ એવા જ ઘેટાંપાળકો છે, માટે યહોવાએ તેઓનો નકાર કર્યો. તેથી, ખૂબ જરૂરી છે કે વડીલો યહોવાના ટોળાની પ્રેમાળ અને યોગ્ય સંભાળ રાખે.

“મેં તમને નમૂનો આપ્યો છે”

૮. શિષ્યોના ખોટા વલણને ઈસુએ કઈ રીતે સુધાર્યું?

ઈશ્વરના અમુક ઘેટાં તરત સમજી નથી શકતાં કે ઈશ્વર તેઓ પાસેથી શું ઇચ્છે છે. કારણ બધા ભૂલભરેલા માણસો છે. તેથી તેઓ બાઇબલની સલાહ લાગુ પાડવામાં કે પછી અનુભવી ખ્રિસ્તીઓની જેમ વર્તવામાં કદાચ નિષ્ફળ જઈ શકે. એવા કિસ્સામાં વડીલો શું કરશે? ઈસુએ બતાવેલી ધીરજને તેઓએ અનુસરવું જોઈએ. શિષ્યોમાં મોટું કોણ એવી દલીલ ચાલી ત્યારે, ઈસુએ તેઓને ધીરજથી શીખવ્યું. તેઓને નમ્રતા કેળવવાની સલાહ પ્રેમથી આપી. (લુક ૯:૪૬-૪૮; ૨૨:૨૪-૨૭) શિષ્યોને નમ્રતા વિશે શીખવવા ઈસુએ તેઓના પગ ધોયા. આજે વડીલોએ પણ એવી જ નમ્રતા બતાવી જોઈએ.—યોહાન ૧૩:૧૨-૧૫ વાંચો; ૧ પીત. ૨:૨૧.

૯. વલણ સુધારવા વિશે ઈસુએ શિષ્યોને શું કહ્યું?

યાકૂબ અને યોહાન એવું માનતા હતા કે ઘેટાંપાળક બનવું એટલે બીજાઓ પર રાજ કરવું. તેથી, બંને પ્રેરિતોએ રાજ્યમાં મહત્ત્વનું સ્થાન મળે એવી ઈસુ પાસે માંગણી કરી. પરંતુ, ઈસુએ તેઓનું વલણ સુધારતા કહ્યું, ‘તમે જાણો છો કે વિદેશીઓના રાજાઓ તેઓ પર ધણીપણું કરે છે અને જેઓ મોટા છે તેઓ અધિકાર ચલાવે છે. પણ તમારામાં એવું ન થાય. તમારામાં જે કોઈ મોટો થવા ચાહે તે તમારો સેવક થાય.’ (માથ. ૨૦:૨૫, ૨૬) પ્રેરિતોએ પોતાના સાથીઓ ઉપર “ધણીપણું” ચલાવવાની ઇચ્છાને દૂર કરવાની હતી. તેઓ બીજાઓને હુકમો ન આપે એનું ધ્યાન રાખવાનું હતું.

૧૦. ટોળાની સંભાળ રાખવામાં ઈસુ વડીલો પાસેથી શું ઇચ્છે છે? પ્રેરિત પાઊલના દાખલામાંથી શું શીખી શકીએ?

૧૦ ઈસુએ પોતાના ઘેટાં સાથે જેવું વર્તન કર્યું, એવું જ વર્તન તે આજે વડીલો પાસેથી ઇચ્છે છે. તેઓ ભાઈ-બહેનોની સેવા કરવા તૈયાર હોવા જોઈએ. તેમ જ, ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેઓમાં હુકમ કરવાનું વલણ ન આવી જાય. પ્રેરિત પાઊલે પણ ઈસુની જેમ નમ્ર વલણ બતાવ્યું. એફેસસના વડીલોને તેમણે જણાવ્યું, ‘આસિયામાં મેં પ્રથમ પગ મૂક્યો તે દિવસથી માંડીને એ બધો વખત હું તમારી સાથે મનની પૂરી નમ્રતાથી વર્તીને પ્રભુની સેવા કરતો હતો, એ તમે પોતે જાણો છો.’ પાઊલ ઇચ્છતા હતા કે વડીલો નમ્ર બની ભાઈ-બહેનો માટે બનતું બધું કરે. તેમણે કહ્યું, ‘કઈ રીતે મહેનત કરીને તમારે નબળાઓને મદદ કરવી જોઈએ, એ મેં તમને બધી વાતે કરી બતાવ્યું છે.’ (પ્રે.કૃ. ૨૦:૧૮, ૧૯, ૩૫) પાઊલે કોરીંથીનાં ભાઈ-બહેનોને જણાવ્યું કે તેઓની શ્રદ્ધા પર તેમને કોઈ હક નથી. તેઓની જેમ પોતે પણ ઈશ્વરના એક સેવક છે. ભાઈ-બહેનો આનંદથી ભક્તિ કરી શકે એ માટે પોતે મદદ કરવા ઇચ્છે છે. (૨ કોરીં. ૧:૨૪) આમ, નમ્રતા બતાવવામાં અને બનતું બધું કરવામાં, પાઊલે આજના વડીલો માટે સારો દાખલો બેસાડ્યો છે.

“વિશ્વાસયોગ્ય વચનોને દૃઢતાથી વળગી રહેનાર”

૧૧, ૧૨. ભાઈને કોઈ નિર્ણય લેવામાં વડીલ કઈ રીતે મદદ કરશે?

૧૧ મંડળના વડીલ ‘સત્યના ઉપદેશનું પોતે પણ વફાદારીથી પાલન કરતા હોવા જોઈએ.’ (તીત. ૧:૯, ઈઝી-ટુ-રીડ વર્ઝન) પરંતુ, તે એવું “નમ્ર ભાવે” કરશે. (ગલા. ૬:૧) તે પોતાને ઠીક લાગે એ રીતે વર્તવા ભાઈઓને દબાણ નહિ કરે. એના બદલે, યહોવાને ખુશ કરે એવો નિર્ણય લેવા તેઓને મદદ કરશે. દાખલા તરીકે, મહત્ત્વનો નિર્ણય લેવામાં તે ભાઈને બાઇબલ સિદ્ધાંતો બતાવશે અથવા આપણાં સાહિત્યમાંથી ચર્ચા કરશે. ભાઈ જે નિર્ણયની પસંદગી કરશે એની યહોવા સાથેના તેમના સંબંધ પર કેવી અસર થશે, એ વિશે પણ તેમને સમજાવશે. પછી, વડીલ યાદ અપાવશે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા પ્રાર્થનામાં ઈશ્વરનું માર્ગદર્શન માંગવું બહુ મહત્ત્વનું છે. (નીતિ. ૩:૫, ૬) ચર્ચા પછી વડીલ એ ભાઈને જાતે નિર્ણય લેવા દેશે.—રોમ. ૧૪:૧-૪.

૧૨ મંડળના વડીલો જે પણ સલાહ આપે એ બાઇબલ આધારિત હોવી જોઈએ. તેઓ પોતાના વિચારો થોપી નહિ બેસાડે. તેથી, ખૂબ જરૂરી છે કે તેઓ બાઇબલમાંથી બતાવે અને એ પ્રમાણે જ માર્ગદર્શન આપે. આમ કરીને તેઓ ઈશ્વર તરફથી મળેલા અધિકારની ઉપરવટ જતા નથી. આખરે તો, ઘેટાં પર તેઓ માલિક નથી. મંડળના દરેક સભ્યએ પોતાના નિર્ણયો વિશે યહોવા અને ઈસુને જવાબ પોતે આપવો પડશે.—ગલા. ૬:૫, ૭, ૮.

“ટોળાને આદર્શરૂપ થાઓ”

ખુશખબર ફેલાવવાના કામમાં વડીલો પોતાના કુટુંબને મદદ કરે છે (ફકરો ૧૩ જુઓ)

૧૩, ૧૪. વડીલો કઈ બાબતોમાં સારો દાખલો બેસાડે છે?

૧૩ પીતરે વડીલોને કહ્યું, “ટોળા પર ધણી તરીકે” વર્તશો નહિ. પછી તેમણે ઉત્તેજન આપતા જણાવ્યું કે “ટોળાને આદર્શરૂપ થાઓ.” (૧ પીત. ૫:૩) વડીલો ટોળા માટે કઈ રીતે સારો દાખલો બેસાડી શકે? એ માટે વડીલ બનવા જે ગુણોની જરૂર છે, એમાંના બે પર વિચાર કરીએ. એક, તે “સમજદાર” હોવા જોઈએ. એટલે કે, તે બાઇબલ સિદ્ધાંતોને સારી રીતે સમજતા હોવા જોઈએ. તેમ જ, જાણતા હોવા જોઈએ કે એને કઈ રીતે જીવનમાં લાગુ પાડવા. એવા વડીલ મુશ્કેલ સંજોગોમાં પણ શાંતિથી અને સમજી વિચારીને નિર્ણય લેશે. બીજું, તે “પોતાના કુટુંબને સારી રીતે ચલાવનાર” હોવા જોઈએ. એટલે કે, તે પતિ અને પિતા તરીકે સારો દાખલો બેસાડશે. કારણ કે, “જો કોઈ પોતાનું ઘર જ ચલાવી શકતો નથી તો પછી તે ઈશ્વરની મંડળીની કાળજી કેવી રીતે રાખી શકે?” (૧ તીમો. ૩:૧, ૨, ૪, ૫, કોમન લેંગ્વેજ) વડીલોમાં આવા ગુણો જોઈને, મંડળનાં ભાઈ-બહેનો સહેલાઈથી તેઓમાં ભરોસો મૂકશે.

૧૪ પ્રચારમાં આગેવાની લેવામાં ઈસુની જેમ વડીલો પણ સારો દાખલો બેસાડે છે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમના માટે રાજ્યની ખુશખબર જાહેર કરવી એ ખૂબ મહત્ત્વનું કામ હતું. તેમણે પોતાના શિષ્યોને એ કામ કરવાનું શીખવ્યું હતું. (માર્ક ૧:૩૮; લુક ૮:૧) આજે, મંડળના સભ્યોને પ્રચારમાં વડીલો સાથે કામ કરવું ખૂબ ગમે છે. આ મહત્ત્વના કામમાં તેઓ વડીલોનો ઉત્સાહ જોઈ શકે છે. તેમ જ, શીખવવાની અલગ અલગ રીતો પણ જાણી શકે છે. વડીલોનું જીવન ઘણું વ્યસ્ત હોવા છતાં, તેઓ ખુશખબર જણાવવામાં પોતાનાં સમય અને શક્તિ વાપરે છે. એ જોઈને મંડળના સભ્યોને એવો જ ઉત્સાહ બતાવવા ઉત્તેજન મળે છે. મંડળમાં બીજી ઘણી રીતોએ વડીલો સારો દાખલો બેસાડી શકે છે. જેમ કે, સભાની તૈયારી કરવી, એમાં જવાબ આપવા અને રાજ્યગૃહની સાફ-સફાઈ કે સમારકામમાં ભાગ લેવો.—એફે. ૫:૧૫, ૧૬; હિબ્રૂ ૧૩:૭ વાંચો.

વડીલો ખુશખબર ફેલાવવાના કામમાં સારો દાખલો બેસાડે છે (ફકરો ૧૪ જુઓ)

“નિર્બળોને આશ્રય આપો”

૧૫. વડીલોની ઉત્તેજન આપતી મુલાકાતો પાછળ કયાં કારણો છે?

૧૫ કોઈ ઘેટાંને ઈજા થાય કે બીમાર પડે ત્યારે સારો ઘેટાંપાળક જલદી જ એને મદદ કરવાં પગલાં ભરે છે. એવી જ રીતે, મંડળમાં કોઈ બીમાર પડે કે કોઈને ઉત્તેજનની જરૂર હોય તો વડીલોએ તરત મદદ પૂરી પાડવી જોઈએ. મોટી ઉંમરના અને બીમાર લોકોને રોજબરોજના કામમાં મદદની જરૂર હોય છે. જોકે, તેઓને બાઇબલમાંથી ઉત્તેજન અને દિલાસાની ખાસ જરૂર હોય છે. (૧ થેસ્સા. ૫:૧૪) મંડળના યુવાનોને પણ ઘણા પડકારોનો સામનો કરવો પડે છે, જેમ કે “જુવાનીના વિષયો”ની ઇચ્છાઓ. (૨ તીમો. ૨:૨૨) વડીલો ઉત્તેજન આપતી મુલાકાત નિયમિત રીતે લઈને મંડળનાં ભાઈ-બહેનોને મદદ કરે છે. એવી મુલાકાતોમાં ભાઈ-બહેનોના સંજોગો સમજવાનો અને એ પ્રમાણે બાઇબલમાંથી ઉત્તેજન આપવાનો સમાવેશ થાય છે. એવી મુશ્કેલીઓને વડીલો વહેલી તકે હાથ ધરે ત્યારે, વાત ગંભીર બને એ પહેલા જ ઉકેલ આવી જાય છે.

૧૬. મંડળના કોઈ ભાઈ મુશ્કેલીમાં હોય ત્યારે, વડીલોએ શું કરવું જોઈએ?

૧૬ કોઈ ભાઈના જીવનમાં એવી મુશ્કેલી આવે જેના લીધે તેમનો યહોવા સાથેનો સંબંધ ખતરામાં પડે, ત્યારે વડીલો શું કરશે? ઈશ્વરભક્ત યાકૂબે કહ્યું: ‘તમારામાં શું કોઈ બીમાર છે? જો હોય તો તેમણે મંડળના વડીલોને બોલાવવા અને તેઓએ પ્રભુના નામથી તેમને તેલ ચોળીને પ્રાર્થના કરવી. વિશ્વાસથી કરેલી પ્રાર્થના બીમારને બચાવશે અને પ્રભુ તેમને ઉઠાડશે. અને જો તેમણે પાપ કર્યાં હશે, તો એ માફ કરવામાં આવશે.’ (યાકૂ. ૫:૧૪, ૧૫) બની શકે કે ‘બીમાર’ ભાઈ મંડળના ‘વડીલોને બોલાવે’ નહીં. પરંતુ, વડીલોને જો જાણ થાય તો તેઓએ તરત મદદ આપવા પહોંચી જવું જોઈએ. ભાઈઓ માટે વડીલો પ્રાર્થના અને મુશ્કેલ સમયમાં તેમને મદદ કરશે તો સારા ઘેટાંપાળક સાબિત થશે. આમ, તેઓ મંડળનાં ભાઈ-બહેનોને ઈશ્વરની સેવા આનંદથી કરવા ઉત્તેજન આપશે.—યશાયા ૩૨:૧, ૨ વાંચો.

૧૭. વડીલો “ઉત્તમ ઘેટાંપાળક”નું અનુકરણ કરે છે ત્યારે મંડળને શું ફાયદો થાય છે?

૧૭ યહોવાના સંગઠનમાં વડીલો ઈસુનું એટલે કે “ઉત્તમ ઘેટાંપાળક”નું અનુકરણ કરવા બનતું બધું જ કરે છે. એ જવાબદાર ભાઈઓની મદદથી ટોળામાં ઘણી વૃદ્ધિ થાય છે. એ બધા માટે આપણે પ્રેમાળ વડીલો અને મહાન ઘેટાંપાળક યહોવાના ઘણા આભારી છીએ.