સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પર્વતોના પડછાયામાં યહોવાએ રક્ષણ આપ્યું

પર્વતોના પડછાયામાં યહોવાએ રક્ષણ આપ્યું

એક બહેનને વહેલી સવારે પોતાના ઘરના દરવાજા પાસે એક નાનું ખોખું જોવા મળે છે. બહેન એને જલદી જ ઉઠાવીને આજુ-બાજુ નજર કરે છે, પણ રસ્તા પર કોઈ જોવા મળતું નથી. બહેનને લાગે છે કે કોઈ અજાણી વ્યક્તિએ રાતના સમયે એને મૂક્યું હશે. તે ખોખાને થોડું ખોલતાંની સાથે જ તરત અંદર જતાં રહે છે અને દરવાજો બંધ કરી દે છે. કારણ કે, એ ખોખામાં બાઇબલ સાહિત્ય હતું, જેનાં પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ખોખાને હાથમાં લઈને બહેન મનમાં પ્રાર્થના કરે છે. પોતાના લોકોની ભક્તિની ભૂખ મિટાવવા યહોવાએ જે જોગવાઈ કરી, એનો તે આભાર માને છે.

એ ઘટના જર્મનીમાં ૧૯૩૦ના દાયકા દરમિયાન બની. સાલ ૧૯૩૩માં નાઝી સત્તાની શરૂઆતમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં યહોવાના સાક્ષીઓના કાર્ય પર પ્રતિબંધ હતો. ભાઈ રીચર્ડ રુડોલ્ફ અત્યારે સો કરતાં વધારે ઉંમરના છે. * તે જણાવે છે: ‘અમને ખાતરી હતી કે યહોવા અને તેમનું નામ જાહેર કરવાના કામને માણસોનો કોઈ ચુકાદો રોકી શકશે નહીં. ખુશખબર ફેલાવવા અને વ્યક્તિગત અભ્યાસ માટે બાઇબલ સાહિત્યની ખૂબ જરૂર પડતી. પ્રતિબંધ હોવાને કારણે સાહિત્ય સહેલાઈથી મળતું નહીં. અમને થતું કે એ કાર્ય કઈ રીતે આગળ વધશે.’ ભાઈ રીચર્ડને ખ્યાલ આવ્યો કે પોતે એ જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરી શકે છે. એ કાર્ય પર્વતોના પડછાયામાં એટલે કે પર્વતોના રક્ષણમાં કરવામાં આવ્યું.—ન્યા. ૯:૩૬.

દાણચોરોના રસ્તે

એલ્બ નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં જતાં ખૂબ ઊંચા પહાડોની હારમાળા જોવા મળે છે. એ પહાડોની હારમાળાનું નામ કેરકોનોસે છે. એ પહાડો ચેક પ્રજાસત્તાક અને પોલૅન્ડની સરહદ પર આવેલા છે. પહાડો આશરે ૫,૨૫૦ ફૂટ ઊંચા હોવા છતાં, એમને યુરોપની મધ્યેનો આર્ક્ટિક ટાપુ કહેવાય છે. એ પહાડો પર વર્ષના છ મહિના સુધી ૧૦ ફૂટ બરફનો થર છવાયેલો રહે છે. ત્યાંનું વાતાવરણ એટલું છેતરામણું છે કે, કોઈ એને સામાન્ય ગણીને એ પહાડ ચઢવા જાય તો, અચાનક ટોચ પર ધુમ્મસ છવાઈ જતા એ વ્યક્તિ ફસાઈ જઈ શકે.

સદીઓ સુધી પહાડોની એ હારમાળા પ્રાંતો, રાજ્યો અને પ્રદેશો માટે કુદરતી સરહદ સાબિત થઈ છે. ત્યાંના રસ્તાઓ છેતરામણાં હોવાથી, પોલીસ માટે ત્યાં ચોકી કરવી અઘરી હોય છે. પહેલાંના સમયમાં દાણચોરો ચોરી-છૂપીથી માલ લઈ જવા એ પહાડોના રસ્તે જતાં. ૧૯૩૦ના દાયકામાં એ પહાડો ચેકોસ્લોવાકિયા અને જર્મની વચ્ચે સરહદ બની ગયા અને એ બંને જુદા જુદા દેશો ગણાયા. દાણચોરોએ જે રસ્તાનો ઉપયોગ કરવાનું છોડી દીધું હતું, એનો ઉપયોગ કરવાનું સાક્ષીઓએ નક્કી કર્યું. શા માટે? જેથી એ રસ્તા દ્વારા કીમતી સાહિત્ય લાવીને જ્યાં જરૂર છે ત્યાં પહોંચાડી શકે. એ કાર્ય કરનારા ભાઈઓમાંના એક યુવાન ભાઈ રીચર્ડ હતા.

પર્વત ચઢનારાઓ જેવો પહેરવેશ લઈને, ઊંચાં પર્વતો પાર કરતા ભાઈ-બહેનો સાહિત્ય જર્મની લઈ જઈ રહ્યાં છે

પકડાઈ જવાનો ડર છતાં, પહાડો સર કર્યા

ભાઈ રીચર્ડ યાદ કરતા કહે છે કે, ‘દર શનિ-રવિ અમે યુવાન ભાઈઓ, પર્વત ચઢનારાઓ જે ખાસ કપડાં પહેરે તેવો પહેરવેશ લેતા. અમે સાત-સાતની ટુકડી બનાવીને નીકળી પડતા. જર્મની બાજુથી પહાડોને ચઢીને બીજી બાજુના ચેક દેશમાં જતા. ત્યાંના સ્પિનડલરૂવ મેલિન રિસોર્ટ પર પહોંચવા અમને લગભગ ત્રણ કલાક લાગતા.’ ચેક પ્રજાસત્તાકથી એ રિસોર્ટ ૧૬.૫ કિ.મી. દૂર છે. તે સમયમાં, એ વિસ્તારમાં ઘણા જર્મન લોકો રહેતા. ભાઈઓને એક ખેડૂત મદદ કરવા તૈયાર થયો હતો. સાહિત્યનાં ખોખાં પ્રાગ નામના શહેરથી ટ્રેન દ્વારા એક નાનકડા શહેરમાં આવતાં. ફરવા આવતા લોકો માટે જે ઘોડાગાડીનો ઉપયોગ થતો, એમાં તે ખેડૂત સાહિત્યનાં ખોખાં મૂકીને નાનકડા શહેરથી પોતાના ખેતરમાં લાવતો. જર્મનીથી ભાઈઓ લેવા આવે ત્યાં સુધી ખોખાંને તે ઘાસની પૂળીઓમાં સંતાડી રાખતો.

ભાઈ રીચર્ડ આગળ જણાવે છે કે, ‘ખેતરમાં પહોંચીને અમે ખભા પર ભરાવવાના થેલામાં સાહિત્ય ભરતાં. એ થેલો વધુ વજન ઊંચકી શકે એવી રીતે બનાવવામાં આવતો. અમારામાંનો દરેક જણ એવા થેલામાં આશરે ૫૦ કિલોનું સાહિત્ય ભરીને નીકળતો.’ કોઈને ખબર ન પડે માટે અંધારું થયા પછી તેઓ નીકળી પડતા. સૂરજ આથમે ત્યારે મુસાફરી શરૂ કરીને, સૂરજ ઊગે એ પહેલાં ઘરે પાછા આવી જતા. જર્મનીમાં એ સમયે ભાઈ અર્નેસ્ટ વેસ્નર સરકીટ નિરીક્ષક હતા. સલામતી માટે જે પગલાં લેવામાં આવ્યાં એ વિશે ભાઈ અર્નેસ્ટે જણાવ્યું, ‘બે ભાઈઓ આગળ ચાલતા અને જો કોઈ વ્યક્તિ દેખાય, તો પાછળ આવતા ભાઈઓને ટૉર્ચના પ્રકાશથી તેઓ તરત સંકેત આપતા. એ સંકેત મળતા, આશરે ૧૦૦ મીટર પાછળ ચાલતા ભાઈઓ, થેલા સાથે ઝાડીઓમાં સંતાઈ જતા. પછી, આગળ ગયેલા ભાઈઓ આવીને એક ખાસ શબ્દ બોલે ત્યાં સુધી તેઓ સંતાઈ રહેતા. સંકેત માટેનો એ ખાસ શબ્દ દર અઠવાડિયે બદલી દેવામાં આવતો.’ તેઓને ભૂરી વરદીમાં સજ્જ જર્મન પોલીસ ઉપરાંત, બીજા ખતરાઓ પણ હતા.

ભાઈ રીચર્ડ કહે છે કે, ‘એક સાંજે કામ કરતા મને મોડું થઈ ગયું. તેથી હું ચેક પ્રજાસત્તાક જતાં ભાઈઓ સાથે ન જઈ શક્યો અને મોડો નીકળ્યો. બહાર અંધારું અને ધુમ્મસ છવાયેલાં હતાં. કડકડતી ઠંડી અને વરસાદમાં હું કાંપતો-કાંપતો ચાલતો જતો હતો. ગીચ ઝાડીઓમાં હું ખોવાઈ ગયો અને કલાકો સુધી મારો રસ્તો શોધતો રહ્યો. પર્વત ચઢનારાઓ ઘણા આવી રીતે ખોવાઈને મરણ પામ્યા છે. જ્યારે કે હું, વહેલી સવારે પાછા આવતા ભાઈઓને મળી શક્યો.’

આશરે ત્રણ વર્ષ સુધી એ હિંમતવાન ભાઈઓનું ટોળું દર અઠવાડિયે એ પહાડો પર જતું હતું. ઠંડીની મોસમમાં એ કીમતી સાહિત્યને તેઓ બરફ પર સરકનારા પાટીયા ઉપર મૂકીને લઈ જતા. આશરે વીસ ભાઈઓનું ટોળું કોઈક વાર દિવસના અજવાળામાં પણ નીકળતું. તેમ જ, પાછા આવતા રસ્તો મળે માટે નિશાનીઓ મૂકતું જતું. તેઓ પર્વત ચઢનારા લોકો છે, એવી છાપ બેસાડવા અમુક બહેનોને પણ સાથે લઈ જતા. એ બહેનો આગળ ચાલતી અને કોઈ ખતરો જણાય તો હવામાં પોતાની ટોપીઓ ઉછાળતી. આમ પાછળ ચાલતા ભાઈઓને સંકેત મળતો.

ઊંચાં પર્વતો પર ઘણો બરફ હોવાથી ત્યાંથી પસાર થવું ઘણું જોખમી હતું

આખી રાતની મુસાફરી કરીને જે સાહિત્ય લાવવામાં આવતું એ ભાઈ-બહેનોને તાત્કાલિક મળે માટે વ્યવસ્થા કરવામાં આવતી હતી. કઈ રીતે? સાબુનાં ખોખાંમાં સાહિત્યને એવી રીતે મૂકવામાં આવતું, જેથી લોકોને ખબર ન પડે. હિર્શબર્ક રેલવે સ્ટેશન પર સાહિત્યના ખોખાંને લઈ જવામાં આવતાં અને જર્મનીના જુદા જુદા ભાગોમાં પહોંચાડવામાં આવતાં. શરૂઆતમાં જોઈ ગયા તેમ ભાઈ-બહેનોનાં ઘર સુધી છૂપી રીતે સાહિત્ય પહોંચાડવામાં આવતું. એ કાર્ય કરવામાં જે ભાઈ-બહેનો જોડાયેલાં હતાં, તેઓમાંની એક પણ વ્યક્તિ પકડાઈ જાય તો, બીજાઓના પકડાઈ જવાનો પણ ડર રહેતો. એક દિવસે જેની બીક હતી એ જ બાબત બની.

સાલ ૧૯૩૬માં બર્લિન નજીક સાહિત્યનું મથક હતું ત્યાં પોલીસે છાપો માર્યો. તેઓને ત્રણ બંડલો મળ્યાં જેને કોઈ અજાણી વ્યક્તિએ હિર્શબર્કથી મોકલ્યાં હતાં. પોલીસે અક્ષર ઓળખનાર નિષ્ણાતને બોલાવ્યો. આમ, તેઓએ ટોળાના મુખ્ય સભ્યને શોધીને પકડી લીધો. થોડાક જ સમયમાં બીજા બે ભાઈઓ પણ પકડાયા, જેમાંના એક રીચર્ડ રુડોલ્ફ હતા. એ ભાઈઓએ બધો દોષ પોતાના માથે લીધો. તેથી, થોડાક સમય સુધી બીજા ભાઈઓ, એ ખતરનાક મુસાફરી કરીને સાહિત્ય પહોંચાડવાનું કામ ચાલુ રાખી શક્યા.

આપણા માટે બોધપાઠ

એ ઊંચા પહાડો પાર કરી ભાઈઓ જર્મનનાં ભાઈ-બહેનો માટે જે સાહિત્ય પીઠ પર લાવતા, એ તેઓ માટે મહત્ત્વનું હતું. ભાઈઓ એ ઉપરાંત બીજા રસ્તે પણ સાહિત્ય લાવતાં. જર્મન લશ્કરે ૧૯૩૯માં ચેકોસ્લોવાકિયા પર કબજો જમાવ્યો. એ દેશની સરહદ પર પણ એવા કઠિન રસ્તાઓ હતા, જેનો ભાઈઓ ઉપયોગ કરતા હતા. જર્મનની સરહદો પર ફ્રાન્સ, નેધરલૅન્ડ અને સ્વિટ્‌ઝર્લૅન્ડ જેવા દેશો આવેલા છે. સરહદની બંને બાજુનાં ભાઈ-બહેનો પોતાનો જીવ જોખમમાં મૂકીને, સતાવણી સહી રહેલા સાથીઓને સાહિત્ય પહોંચાડતાં હતાં.

આજે આપણને બાઇબલ સાહિત્ય જોઈતાં પ્રમાણમાં અને અલગ અલગ રૂપમાં મળી રહે છે. તમે કદાચ રાજ્યગૃહમાંથી કે પછી jw.org સાઇટ પરથી સાહિત્ય મેળવતાં હશો. જોકે, એકવાર વિચારવા જેવું છે કે એ સાહિત્ય તમારા સુધી કઈ રીતે પહોંચ્યું હશે. ખરું કે, એ કદાચ અડધી રાતે બરફીલા પહાડોની મુસાફરી કરીને નહિ આવ્યું હોય. છતાં, એને આપણા સુધી પહોંચાડવામાં ઘણાં ભાઈ-બહેનોએ નિઃસ્વાર્થ ભાવે સખત મહેનત કરી છે.

^ ભાઈ રીચર્ડ રુડોલ્ફ, સીલેસીયાના હિર્શબર્ક મંડળમાં સેવા આપતા હતા. હિર્શબર્ક શહેર આજે જેલેનિયા ગોરા તરીકે ઓળખાય છે, જે દક્ષિણ-પૂર્વ પોલૅન્ડમાં છે.