બાળપણમાં મેં કરેલી પસંદગી
સાલ ૧૯૮૫માં હું દસ વર્ષનો હતો. એ સમયે અમેરિકાના ઓહાયો, કોલંબસમાં આવેલી મારી સ્કૂલમાં કંબોડિયાથી અમુક છોકરાઓ ભણવા આવ્યા. એ છોકરાઓમાં એકને અંગ્રેજીના અમુક જ શબ્દો આવડતા. કંપાવી નાંખે એવી ઘટનાઓ વિશે તે કાગળ પર દોરીને મને સમજાવતો. તે મને જણાવતો કે કંબોડિયામાં લોકોને ક્રૂર રીતે સતાવવામાં અને મારી નાખવામાં આવતા. એ માટે તેઓ જીવ બચાવવા ત્યાંથી નાસી આવ્યા. સૂતા પહેલાં જ્યારે પણ મને એ છોકરાઓનો વિચાર આવતો ત્યારે હું રડી પડતો. હું તેઓને સુંદર બાગ જેવી દુનિયા અને સજીવન થવાની આશા વિશે જણાવવા માંગતો હતો. પરંતુ, તેઓ મારી ભાષા સમજી શકતા નહિ. નાનો હોવા છતાં મેં કંબોડિયાની ભાષા શીખવાનું નક્કી કર્યું, જેથી સ્કૂલના મિત્રોને યહોવા વિશે જણાવી શકું. એ વખતે મેં વિચાર્યું પણ ન હતું કે એ નિર્ણય મારા ભાવિને ઘડશે.
કંબોડિયાની ભાષા શીખવી અઘરી હતી. તેથી, બે વાર નિરાશ થઈને મેં શીખવાનું છોડવા વિચાર્યું. પરંતુ, યહોવા મને મારાં માબાપ દ્વારા ઉતેજન આપતા રહ્યા. સમય જતાં, સ્કૂલના શિક્ષકો અને મિત્રો મને ઉચ્ચ કારકિર્દી પસંદ કરવા દબાણ કરવા લાગ્યા. પરંતુ, હું પાયોનિયર બનવા માંગતો હતો. તેથી, પાર્ટ-ટાઈમ નોકરી મળે એવા કોર્સ મેં પસંદ કર્યાં. સ્કૂલ છૂટ્યા પછી હું પાયોનિયરો સાથે પ્રચારમાં જતો. અંગ્રેજીને બીજી ભાષા તરીકે શીખતા વિદ્યાર્થીઓના હું ટ્યુશન પણ લેવા લાગ્યો. એ નિર્ણયથી મને ઘણો ફાયદો થયો.
૧૬ વર્ષનો થયો ત્યારે જાણ થઈ કે, લૉંગ બીચ, કૅલિફૉર્નિયા, અમેરિકામાં સાક્ષીઓનું કંબોડિયન ભાષાનું એક ગ્રૂપ છે. હું ત્યાં ગયો અને કંબોડિયન ભાષા વાંચતાં શીખ્યો. સ્કૂલના શિક્ષણ પછી, મેં પાયોનિયરીંગ શરૂ કર્યું. હું મારા ઘરની આસપાસના વિસ્તારમાં રહેતા કંબોડિયાના લોકોને ખુશખબર જણાવતો. ૧૮ વર્ષની ઉંમરે મેં કંબોડિયા જઈને રહેવાનું વિચાર્યું. જોકે, ત્યાં જવું હજી પણ સલામત ન હતું. પરંતુ, ત્યાં વસતા આશરે ૧ કરોડ લોકોમાંથી અમુકે જ ખુશખબર સાંભળી હતી. એ સમયે આખા કંબોડિયામાં ફક્ત ૧૩ પ્રકાશકોનું એક મંડળ હતું. મેં ૧૯ વર્ષની ઉંમરે પહેલી વાર કંબોડિયાની મુલાકાત લીધી. બે વર્ષ પછી મેં ત્યાં જઈને રહેવાનું નક્કી કર્યું. મેં ત્યાં પાર્ટ-ટાઈમ ભાષાંતરનું અને અંગ્રેજી શીખવવાનું કામ મેળવ્યું. સમય જતાં મારા લગ્ન થયા. મારી પત્નીના પણ ધ્યેયો મારા જેવા જ હતા. ઘણા કંબોડિયાના લોકોને સાક્ષી બનવામાં મદદ કરવાનો અમને બંનેને લહાવો મળ્યો છે.
યહોવાએ મારા “હૃદયની ઇચ્છાઓ પૂરી” કરી છે. (ગીત. ૩૭:૪) લોકોને ઈશ્વરનો સંદેશો શીખવવો એ બીજા કોઈ પણ કામ કરતાં વધારે આનંદ આપનારું છે. મને કંબોડિયા આવ્યાને આશરે ૧૬ વર્ષ થઈ ગયાં છે. એ સમયે ૧૩ પ્રકાશકોનું મંડળ આજે વધીને ૧૨ મંડળો બની ગયાં છે. ઉપરાંત, ચાર છૂટાછવાયાં ગ્રૂપ પણ છે.—જેસન બ્લેકવેલ