સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કપરા દિવસો આવે, એ પહેલાં યહોવાની ભક્તિમાં વધુ કરીએ

કપરા દિવસો આવે, એ પહેલાં યહોવાની ભક્તિમાં વધુ કરીએ

‘તમારા સરજનહારનું સ્મરણ કરો.’—સભા. ૧૨:૧.

૧, ૨. (ક) ઈશ્વરની પ્રેરણાથી સુલેમાને યુવાનોને કઈ સલાહ આપી? (ખ) એ સલાહમાં ૫૦ કે એથી વધુ ઉંમરના ભક્તોને કેમ રસ હોવો જોઈએ?

ઈશ્વરની પ્રેરણાથી સુલેમાન રાજાએ યુવાન લોકો માટે આમ લખ્યું: ‘તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર; કપરા દિવસો આવ્યા પહેલાં તેમનું સ્મરણ કર.’ અહીં જણાવેલા ‘કપરા દિવસો’ શું છે? એ શબ્દો ઘડપણને દર્શાવે છે. સુલેમાને કવિતાના રૂપમાં ઘડપણની એ કપરી દશાનું વર્ણન કર્યું છે જ્યારે, હાથ-પગ ધ્રૂજવા લાગે, દાંત પડી જાય, દૃષ્ટિ ઝાંખી થઈ જાય, કાને ઓછું સંભળાય, વાળ સફેદ થાય અને શરીર વાંકું વળી જાય. તેથી, સુલેમાને ખરું જ કહ્યું છે કે આપણે મહાન સર્જનહારની સેવામાં યુવાનીથી જ જોડાવું જોઈએ.—સભાશિક્ષક ૧૨:૧-૫ વાંચો.

ઘણા ઈશ્વરભક્તો ૫૦ કે એથી વધુ ઉંમરના હોવાં છતાં, તેઓમાં હજુ પણ તાકાત અને ઉત્સાહ છે. તેઓના વાળમાં કદાચ સફેદી શરૂ થઈ ગઈ હોય, પણ સુલેમાનના વર્ણન પ્રમાણે તેઓનું શરીર હજુ નબળું પડ્યું નથી. શું એવા અનુભવી ઈશ્વરભક્તો સુલેમાનની યુવાનો માટેની સલાહ ‘તારા સરજનહારનું સ્મરણ કર’ લાગુ પાડી શકે? ચાલો, પહેલા જોઈએ કે એ સલાહનો શો અર્થ થાય?

૩. આપણા મહાન સર્જનહારનો વિચાર કરવામાં શાનો સમાવેશ થાય છે?

કદાચ, આપણે યહોવાની ભક્તિ ઘણાં વર્ષોથી કરીએ છીએ. તોપણ સારું રહેશે કે સમયે સમયે આપણે એ ભવ્ય સર્જનહારનો વિચાર કરીએ. જીવનનું જે રીતે સર્જન કરવામાં આવ્યું છે, એ ખૂબ આશ્ચર્ય પમાડે એવું છે. એની રચના માણસની સમજશક્તિની પાર છે. યહોવાએ ઘણી જોગવાઈઓ કરી, જેના લીધે આપણે જીવનનો ભરપૂર આનંદ લઈ શકીએ છીએ. યહોવાએ કરેલી રચના વિશે વિચારવાથી તેમનાં પ્રેમ, ડહાપણ અને શક્તિ પ્રત્યે આપણી કદર વધતી જાય છે. (ગીત. ૧૪૩:૫) એ ભવ્ય સર્જનહારને યાદ કરવાનો અર્થ એમ પણ થાય કે, આપણી પાસેથી તે શું ઇચ્છે છે એનો વિચાર કરીએ. એ બધી બાબતો પર મનન કરવાથી સર્જનહાર માટે આભાર વ્યક્ત કરવા આપણને જીવીએ ત્યાં સુધી તેમની સેવા કરવાની ઇચ્છા થાય છે.—સભા. ૧૨:૧૩.

મોટી ઉંમરે પણ અજોડ તકો રહેલી છે

૪. મોટી ઉંમરના ઈશ્વરભક્તોએ કયા સવાલ પર વિચાર કરવો જોઈએ અને શા માટે?

મોટી ઉંમરની વ્યક્તિ તરીકે તમારી પાસે વર્ષોનો અનુભવ છે. તેથી, આ સવાલ પર વિચાર કરી શકો, “મારામાં હજુ પણ જોશ અને શક્તિ છે, એ માટે હું એનો કઈ રીતે ઉપયોગ કરી શકું?” એક અનુભવી ઈશ્વરભક્ત તરીકે તમારી પાસે એવી તક રહેલી છે જે બીજાઓ પાસે નથી. તમે યહોવા વિશે જે શીખ્યા એ યુવાનોને જણાવી શકો. યહોવાની સેવાથી તમને જે આનંદ મળ્યો એ બીજાઓને જણાવીને તેઓની શ્રદ્ધા મજબૂત કરી શકો. રાજા દાઊદે પ્રાર્થનામાં એવી તક વિશે માંગ્યું હતું. તેમણે કહ્યું: ‘હે ઈશ્વર, મારી જુવાનીથી તમે મને શીખવ્યું છે. હે ઈશ્વર, હું ઘરડો અને પળિયાંવાળો થાઉં ત્યારે પણ તમે મને મૂકી દેતા નહિ. હું આવતી પેઢીને તમારું બળ જણાવું અને સર્વ આવનારાઓને તમારું પરાક્રમ પ્રગટ કરું, ત્યાં સુધી મારો ત્યાગ ન કરશો.’—ગીત. ૭૧:૧૭, ૧૮.

૫. મોટી ઉંમરના ઈશ્વરભક્તો બીજાઓને કઈ રીતે શીખવી શકે?

ઘણાં વર્ષોના અનુભવને લીધે મળેલું ડહાપણ બીજાઓને કઈ રીતે આપી શકો? શું તમે યુવાનોને ઘરે આમંત્રણ આપીને તેઓને ઉતેજન આપતી સંગતનો આનંદ માણી શકો? યહોવાની ભક્તિમાં તમને જે ખુશી મળે છે એ બતાવવા, શું તેઓને પ્રચારમાં સાથે લઈ જઈ શકો? ઈશ્વરભક્ત એલીહુએ કહ્યું: ‘મોટી ઉંમરના માણસોએ બોલવું જોઈએ અને વૃદ્ધ પુરુષોએ જ્ઞાન શીખવવું જોઈએ.’ (અયૂ. ૩૨:૭) પ્રેરિત પાઊલે અનુભવી બહેનોને પણ શબ્દો અને અનુભવમાંથી બીજાઓને શીખવવા વિશે ઉત્તેજન આપ્યું હતું. તેમણે લખ્યું કે, ‘વૃદ્ધ સ્ત્રીઓએ સારી શિખામણ આપનારી થવું જોઈએ.’—તીત. ૨:૩.

બીજાઓને મદદ કરવા શું કરી શકાય?

૬. જીવનનો ઘણો અનુભવ હોય એવા ઈશ્વરભક્તોએ પોતાની આવડતને કેમ ઓછી ન આંકવી જોઈએ?

સત્યમાં અનુભવી વ્યક્તિ તરીકે, તમે બીજાઓને ઘણી મદદ કરી શકો છો. આજથી ૩૦ કે ૪૦ વર્ષ પહેલાં તમે જીવનની જે બાબતો કદાચ સમજી શકતા ન હતા તે હવે સમજી શકો છો. હવે તમે જીવનના અલગ અલગ સંજોગોમાં બાઇબલ સિદ્ધાંતોને સારી રીતે લાગુ પાડી શકો છો. તમારી પાસે હવે બીજાઓના દિલ સુધી બાઇબલ સત્યને પહોંચાડવાની આવડત છે. જો તમે એક વડીલ હો, તો તમે જાણો છો કે ખોટું પગલું ભરનાર વ્યક્તિને કઈ રીતે મદદ કરવી. (ગલા. ૬:૧) કદાચ તમને મંડળ, સંમેલનો અને રાજ્યગૃહ બાંધકામ સમિતિના વિભાગોની દેખરેખ રાખવાનો અનુભવ છે. કદાચ તમે જાણો છો કે, લોહી વગરની સારવાર વિશે ડૉક્ટરને કઈ રીતે ઉત્તેજન આપી શકાય. અરે, તમને સત્ય શીખીને થોડો જ સમય થયો હોય તોપણ, તમારી પાસે જીવનનો કીમતી અનુભવ છે. દાખલા તરીકે, જો તમે બાળકો ઉછેર્યાં હોય, તો તમારી પાસે વહેવારુ જ્ઞાન ઘણું હશે. મંડળ માટે મોટી ઉંમરના સભ્યો ખૂબ જ કીમતી છે, કેમ કે તેઓ યહોવાના લોકોને શિક્ષણ, માર્ગદર્શન અને ઉત્તેજન આપે છે.—અયૂબ ૧૨:૧૨ વાંચો.

૭. મોટી ઉંમરના ભક્તો કઈ ઉપયોગી તાલીમ યુવાનોને આપી શકે?

તમે પોતાની આવડતોનો ઉપયોગ કઈ રીતે કરી શકો? કદાચ, તમે તરુણો અને યુવાનોને બતાવી શકો કે કઈ રીતે બાઇબલ અભ્યાસ શરૂ કરવો અને ચલાવવો જોઈએ. તમે એક બહેન હો તો, યુવાન માતાઓને શીખવી શકો કે બાળકોની કાળજી લેવાની સાથે સાથે યહોવાની ભક્તિમાં કઈ રીતે લાગુ રહેવું. જો તમે એક ભાઈ હો, તો યુવાન ભાઈઓને ઉત્સાહથી ટૉક આપવા અને ખુશખબર સારી રીતે જણાવનાર બનવા મદદ કરી શકો. યુવાનોને તમે શીખવી શકો કે મુલાકાત લેતી વખતે વૃદ્ધ ભાઈ-બહેનોને કઈ રીતે ઉતેજન આપી શકાય. ભલે તમારી પાસે હવે પહેલાં જેટલી શક્તિ નથી. તોપણ, તમારી પાસે યુવાનોને તાલીમ આપવાની સુંદર તક છે. બાઇબલ કહે છે: “જુવાનોનો મહિમા તેઓનું બળ છે; અને વૃદ્ધ પુરુષોની શોભા માથાનાં પળિયાં છે.”—નીતિ. ૨૦:૨૯.

વધુ જરૂર હોય ત્યાં સેવા આપવી

૮. મોટી ઉંમરના હોવા છતાં પ્રેરિત પાઊલે શું કર્યું?

પ્રેરિત પાઊલ મોટી ઉંમરના હોવા છતાં યહોવાની સેવા કરવામાં ખૂબ વ્યસ્ત રહ્યા. મોટી ઉંમર સુધી તેમણે મિશનરી તરીકે સખત મહેનત કરી હતી અને ઘણી સતાવણીઓ પણ સહી હતી. (૨ કોરીં. ૧૧:૨૩-૨૭) તેથી, આશરે સાલ ૬૧માં રોમની જેલમાંથી છૂટ્યા પછી, તે ત્યાં જ રહીને પ્રચાર કરી શક્યા હોત. એ મોટા શહેરમાં ભાઈઓએ તેમના સાથની ચોક્કસ કદર કરી હોત. પરંતુ, પાઊલે જોયું કે બીજા દેશમાં વધારે જરૂર છે. તેથી, તીમોથી અને તીતસ સાથે તે મિશનરી કામમાં પાછા જોડાયા અને એફેસસ, પછી ક્રીત અને કદાચ મકદોનિયા ગયા. (૧ તીમો. ૧:૩; તીત. ૧:૫) તેમણે સ્પેનની મુલાકાત લીધી કે નહિ એ આપણે જાણતા નથી. પરંતુ, પાઊલ ત્યાં જવાનું પણ વિચારતા હતા.—રોમ. ૧૫:૨૪, ૨૮.

૯. વધુ જરૂર હોય ત્યાં સેવા આપવા પીતર કઈ ઉંમરે ગયા હશે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

પ્રેરિત પીતર ૫૦થી વધુ વર્ષની ઉંમરે એવી જગ્યાઓમાં ગયા જ્યાં જરૂર વધારે હતી. એ આપણે કઈ રીતે કહી શકીએ? પીતર ઉંમરમાં આશરે ઈસુ જેટલા કે એમનાથી મોટા હતા. તેથી, સાલ ૪૯માં તે બીજા પ્રેરિતોને યરૂશાલેમમાં મળ્યા ત્યારે તેમની ઉંમર ૫૦ વર્ષથી વધુ હોવી જોઈએ. (પ્રે.કૃ. ૧૫:૭) એ સભા પછી, પીતર બાબેલોનમાં સેવા આપવા ગયા. તેમનો હેતુ હતો કે, એ વિસ્તારમાં રહેતા ઘણા યહુદીઓને ખુશખબર આપી શકે. (ગલા. ૨:૯) આશરે સાલ ૬૨માં, તેમણે ઈશ્વરની પ્રેરણાથી જે પહેલો પત્ર લખ્યો ત્યારે તે બાબેલોનમાં જ હતા. (૧ પીત. ૫:૧૩) બીજા દેશમાં રહીને સેવા આપવામાં ઘણા પડકારો હોય છે. પરંતુ, યહોવાની સેવા કરવાનો આનંદ લેવામાં પીતરે ઉંમરને આડે આવવા દીધી નહિ.

૧૦, ૧૧. જ્યાં જરૂર વધુ છે એવી જગ્યાએ સેવા આપવા કોઈ મોટી ઉંમરે ગયા હોય તેઓનો અનુભવ જણાવો?

૧૦ આજે ઘણા ઈશ્વરભક્તો ૫૦ કે એથી વધુ ઉંમરના છે. તેઓને લાગ્યું કે પોતાના સંજોગો બદલાયા છે. તેથી, તેઓ હવે યહોવાની સેવા નવી રીતોએ કરી શકે છે. અમુક ભાઈ-બહેનો જરૂર વધુ હોય એવા વિસ્તારોમાં રહેવાં ગયાં છે. જેમ કે, ભાઈ રોબર્ટ લખે છે: ‘મને અને મારી પત્નીને લગભગ ૫૫ વર્ષની ઉંમરે ખ્યાલ આવ્યો કે યહોવાની સેવા કરવાની અમારી પાસે બીજી ઘણી તક છે. અમારો દીકરો જુદો રહે છે. તેમ જ, હવે અમારાં વૃદ્ધ માબાપ પણ નથી જેઓની કાળજી લેવી પડે. ઉપરાંત, ગુજરી ગયેલાં માબાપ થોડોક વારસો મૂકતાં ગયાં છે. મેં હિસાબ લગાવ્યો કે અમારું ઘર વેચીને જે પૈસા મળશે એનાથી ઘર માટેની લોન ચૂકતે થશે. તેમ જ, પેન્શન મળવાનું શરૂ થાય ત્યાં સુધી એ પૈસાથી અમારું ગુજરાન ચાલી જશે. અમે સાંભળ્યું હતું કે બોલિવિયામાં ઘણા લોકો બાઇબલ અભ્યાસ સ્વીકારે છે. અને ત્યાં ઓછા પૈસામાં ગુજરાન ચાલી જાય છે. તેથી, અમે ત્યાં જવાનું નક્કી કર્યું. નવી જગ્યાએ રહેવું સહેલું ન હતું. ઉત્તર અમેરિકાના અમારા ઘરથી આ જગ્યા ઘણી અલગ હતી. પરંતુ, અમારી મહેનતનાં ઘણાં સારાં ફળ મળ્યાં.’

૧૧ ભાઈ રોબર્ટ આગળ જણાવે છે: ‘હવે અમારું જીવન મંડળની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે. અમે જેઓ સાથે અભ્યાસ કર્યો એમાંના અમુક બાપ્તિસ્મા પામ્યા છે. અમે એક ગરીબ કુટુંબ સાથે અભ્યાસ કર્યો હતો, જે ઘણા કિલોમીટર દૂર ગામડામાં રહે છે. પરંતુ, એ કુટુંબ મુશ્કેલ મુસાફરી કરીને પણ દર અઠવાડિયે સભામાં આવે છે. એ કુટુંબની પ્રગતિ અને એના મોટા દીકરાને પાયોનિયર બનતા જોઈ અમને એટલી ખુશી થઈ કે, એની તમે કલ્પના પણ ન કરી શકો!’

બીજી ભાષા બોલતા વિસ્તારોમાં જરૂર

૧૨, ૧૩. નિવૃત્ત થયાં પછી બ્રયાન અને તેમની પત્નીએ શું કર્યું?

૧૨ બીજી ભાષા બોલતાં મંડળો અને ગ્રૂપને વૃદ્ધ ભાઈ-બહેનોનાં દાખલાઓમાંથી ઘણો લાભ થાય છે. એવા વિસ્તારમાં સેવા આપવામાં ઘણી ખુશી મળે છે. દાખલા તરીકે, ભાઈ બ્રાયન લખે છે: ‘બ્રિટનમાં નિવૃત્ત થવાની ઉંમર ૬૫ વર્ષની હોય છે. મારી પત્ની અને હું એ ઉંમરે પહોંચ્યાં ત્યારે જીવન જરાય રસપ્રદ ન હતું. અમારાં બાળકો જુદાં રહેવાં ગયાં હતાં. ભાગ્યે જ કોઈ રસ ધરાવનાર વ્યક્તિ મળતી, જેની સાથે બાઇબલ અભ્યાસ ચલાવી શકાય. સમય જતાં, હું એક ચીની યુવાનને મળ્યો, જે નજીકની યુનિ­વર્સિટીમાં સંશોધન કરતો હતો. તેણે આપણી સભાઓમાં આવવાનું આમંત્રણ સ્વીકાર્યું. તેમ જ, તેની સાથે બાઇબલ અભ્યાસ શરૂ થયો. અમુક ­અઠવાડિયા પછી તે પોતાની સાથે બીજી એક ચીની વ્યક્તિને લઈ આવ્યો. એના બે અઠવાડિયા પછી તે ત્રીજી વ્યક્તિને અને પછી ચોથી વ્યક્તિને લાવવા લાગ્યો.’

૧૩ બ્રાયન આગળ જણાવે છે: ‘આમ પાંચ ચીની વ્યક્તિઓએ જ્યારે બાઇબલ અભ્યાસ માટે મને પૂછ્યું, ત્યારે મેં વિચાર્યું કે “૬૫ વર્ષનો થઈ ગયો છું એનો અર્થ એમ નથી કે યહોવાની સેવામાંથી હું નિવૃત્ત થઈ જઉં.” પછી, મેં મારાથી બે વર્ષ નાની મારી પત્નીને પૂછ્યું કે, શું તેને પણ ચીની ભાષા શીખવી ગમશે. અમે ઑડિયો કેસેટથી ચીની ભાષાનો કોર્સ કરવાં લાગ્યાં. એ વાતને દસ વર્ષ થઈ ગયાં છે. બીજી ભાષાના વિસ્તારમાં સેવા આપવાથી અમે ફરી જુવાન થઈ ગયાં હોય એવું લાગે છે. અત્યાર સુધીમાં, અમે ૧૧૨ ચીની લોકો સાથે અભ્યાસ કર્યો છે, જેમાંના ઘણા સભામાં પણ આવ્યા છે. એમાંના એક બહેન હાલમાં અમારી સાથે પાયોનિયર છે.’

તમે કદાચ એટલા ઘરડા થયા નથી કે યહોવાની સેવામાં વધુ ન કરી શકો (ફકરો ૧૨, ૧૩ જુઓ)

તમે જે કંઈ કરી શકો એમાં આનંદ માણો

૧૪. મોટી ઉંમરના ઈશ્વરભક્તોએ કઈ વાત ધ્યાનમાં રાખવી જોઈએ? પાઊલના દાખલામાંથી તેઓને કઈ રીતે ઉત્તેજન મળે છે?

૧૪ ઘણા ઈશ્વરભક્તોને ૫૦થી ૬૦ વર્ષની ઉંમરે યહોવાની સેવા કરવાની નવી તકો મળે છે. પરંતુ, બધા એ તકને ઝડપી શકતા નથી. અમુકની તબિયત સારી રહેતી નથી, તો અમુકને વૃદ્ધ માબાપ અથવા બાળકોની જવાબદારી હોય છે. જોકે, તમને જાણીને આનંદ થશે કે ભક્તિમાં તમારાથી બનતું જે કંઈ કરો છો એની યહોવા કદર કરે છે. તેથી, જે કરી શકતા નથી એનો વિચાર કરીને નિરાશ થવાને બદલે, જે કરી શકો છો એમાં આનંદ માણો. પ્રેરિત પાઊલનો વિચાર કરો. કેટલાક વર્ષો એક ઘરમાં કેદ હોવાને લીધે તે પોતાની મિશનરી મુસાફરી ચાલુ રાખી શક્યા નહિ. પરંતુ, ત્યાં લોકો તેમને મળવા આવે ત્યારે તે શાસ્ત્રવચનમાંથી સમજાવતા અને તેઓની શ્રદ્ધા મજબૂત કરતા હતા.—પ્રે.કૃ. ૨૮:૧૬, ૩૦, ૩૧.

૧૫. લાંબા સમયથી સેવા કરનારાઓની શા માટે કદર કરવામાં આવે છે?

૧૫ વૃદ્ધ લોકો ભક્તિમાં જે કરી શકે છે એની પણ યહોવા કદર કરે છે. સુલેમાને કબૂલ્યું હતું કે, શરીર નબળું પડી જવાથી એ જીવનનો સારો સમય હોતો નથી. વૃદ્ધ વ્યક્તિઓ ઉપાસનામાં લાગુ રહેવા જે કંઈ કરી શકે છે, એ યહોવાની નજરે કીમતી છે. (લુક ૨૧:૨-૪) મંડળ પણ લાંબા સમયથી સેવા કરી રહેલા વફાદાર સેવકોની કદર કરે છે.

૧૬. વૃદ્ધ આન્નાને કયો મોકો મળ્યો નહિ હોય? પરંતુ, યહોવાની ભક્તિમાં તે શું કરી શક્યાં?

૧૬ બાઇબલ, આન્ના વિશે જણાવે છે જે ઘડપણમાં પણ યહોવાની ભક્તિ કરતા રહ્યાં. ઈસુના જન્મના સમયે તે ૮૪ વર્ષની વિધવા હતાં. ખરું કે, ઈસુની શિષ્યા બનવા સુધી તે જીવી શક્યાં નહિ હોય. તેથી, પવિત્ર શક્તિથી અભિષિક્ત થવાનો કે રાજ્યનો સંદેશો ફેલાવવાનો તેમને મોકો નહિ મળ્યો હોય. તેમ છતાં, આન્ના જે કરી શકતાં હતાં એમાં તે ખુશ રહેતાં. બાઇબલ કહે છે, ‘તે મંદિરમાંથી નહિ ખસતાં રાતદિવસ ભક્તિ કર્યાં કરતા.’ (લુક ૨:૩૬, ૩૭) યાજક જ્યારે સવારે અને સાંજે મંદિરમાં ધૂપ ચઢાવતા, આન્ના ત્યારે આંગણામાં ટોળા સાથે ઊભા રહીને આશરે અડધો કલાક મનમાં પ્રાર્થના કરતા. તેમણે બાળક ઈસુને જોયા ત્યારે “જેઓ યરૂશાલેમના ઉદ્ધારની વાટ જોતા હતા તે સર્વને તેના [બાળકના] સંબંધી વાત કરી.”—લુક ૨:૩૮.

૧૭. ઈશ્વરની ભક્તિ કરવામાં આપણે વૃદ્ધ અને અશક્ત ભાઈ-બહેનોને કઈ રીતે મદદ કરી શકીએ?

૧૭ આજે આપણે વૃદ્ધ અને અશક્ત ભાઈ-બહેનોને મદદ કરવા તૈયાર રહેવું જોઈએ. એમાંના અમુકને મંડળની સભાઓ અને સંમેલનોમાં જવું ગમે છે. પરંતુ તેઓ માટે ત્યાં જવું ઘણું અઘરું હોય છે. અમુક જગ્યાએ મંડળો ગોઠવણ કરે છે, જેથી એવાં ભાઈ-બહેનો સભાઓ ટેલીફોનથી સાંભળી શકે. પરંતુ, દરેક જગ્યાએ એમ કરવું શક્ય હોતું નથી. છતાં, એવાં ભાઈ-બહેનો સભામાં હાજર રહ્યાં વગર પણ શુદ્ધ ઉપાસનાને ટેકો આપી શકે છે. દાખલા તરીકે, મંડળોની પ્રગતિ માટે તેઓ પ્રાર્થના કરી શકે.—ગીતશાસ્ત્ર ૯૨:૧૩, ૧૪ વાંચો.

૧૮, ૧૯. (ક) વૃદ્ધ ભાઈ-બહેનો બીજાઓને કઈ રીતે ઉત્તેજન આપી શકે? (ખ) ‘તમારા સર્જનહારનું સ્મરણ કરો’ની સલાહ કોણ લાગુ પાડી શકે?

૧૮ વૃદ્ધ ભાઈ-બહેનો જાણતાં નથી કે તેઓ બીજાઓને કેટલું બધું ઉત્તેજન આપી શકે છે. દાખલા તરીકે, આન્ના વર્ષો સુધી વફાદારીથી મંદિરમાં હાજર રહ્યાં. જોકે, તેમને કદાચ ખ્યાલ નહિ હોય કે તેમનાં દાખલામાંથી લોકો સદીઓ પછી પણ ઉત્તેજન મેળવશે. યહોવા પ્રત્યેના આન્નાના પ્રેમ વિશે બાઇબલમાં નોંધવામાં આવ્યું છે. યહોવા માટે તમારો પ્રેમ પણ વિશ્વાસુ ભક્તોનાં હૃદયમાં નોંધાય છે. બાઇબલ કહે છે કે નેકીના માર્ગમાં ચાલનારા માટે “માથે પળિયાં એ મહિમાનો મુગટ છે.”—નીતિ. ૧૬:૩૧.

૧૯ યહોવાની સેવા કરવામાં આપણામાંનો દરેક અમુક હદે સીમિત છે. પરંતુ, જેઓ પાસે હજુ પણ તાકાત અને જોશ છે તેઓએ બાઇબલના આ શબ્દો પ્રમાણે કરવું જોઈએ: ‘કપરા દિવસો આવ્યા પહેલાં તમારા સર્જનહારનું સ્મરણ કરો.’—સભા. ૧૨:૧.