સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવા આપણા સૌથી સારા મિત્ર

યહોવા આપણા સૌથી સારા મિત્ર

‘ઈબ્રાહીમને ઈશ્વરના મિત્ર કહેવામાં આવ્યા.’યાકૂ. ૨:૨૩.

૧. ઈશ્વરના સ્વરૂપમાં બનાવવામાં આવ્યા હોવાથી આપણામાં કઈ ક્ષમતા છે?

તમે કેટલીક વાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે, “એ તો એના પપ્પા પર ગયો છે!” કારણ કે, બાળકોમાં તેઓનાં માબાપ જેવાં ગુણો જોવા મળે છે. યહોવા આપણા સ્વર્ગમાંના પિતા છે, જેમણે આપણને જીવન આપ્યું છે. (ગીત. ૩૬:૯) તેમનાં બાળકો તરીકે આપણામાં પણ અમુક બાબતો તેમના જેવી છે. જેમ કે, આપણને તેમના “સ્વરૂપ”માં બનાવવામાં આવ્યા છે. એ કારણે આપણામાં વિચારવાની અને કોઈ નિર્ણય પર આવવાની ક્ષમતા છે. ઉપરાંત, આપણે પણ બીજાઓ સાથે ગાઢ મિત્રતા બાંધી શકીએ છીએ.—ઉત. ૧:૨૬.

૨. શાના આધારે આપણે યહોવાના મિત્ર બની શકીએ?

યહોવા આપણા સૌથી સારા મિત્ર બની શકે છે. યહોવાને આપણા પર પ્રેમ હોવાથી તેમની સાથે મિત્રતા કરવી આપણા માટે શક્ય બન્યું છે. જોકે, એ મિત્રતા કેળવવા તેમનામાં અને તેમના દીકરામાં આપણી શ્રદ્ધા હોવી પણ જરૂરી છે. ઈસુએ કહ્યું, ‘ઈશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.’ (યોહા. ૩:૧૬) આપણી પાસે એવા ઘણા લોકોના દાખલાઓ છે જેઓએ યહોવા સાથે ગાઢ સંબંધ બાંધ્યો હતો. ચાલો, એમાંના બે જોઈએ.

“મારા મિત્ર ઈબ્રાહીમ”

૩, ૪. યહોવા સાથે ઈબ્રાહીમની મિત્રતામાં અને ઈસ્રાએલીઓની મિત્રતામાં શું તફાવત છે?

યહોવાએ ઈસ્રાએલીઓના પૂર્વજ ઈબ્રાહીમને “મારા મિત્ર” કહીને બોલાવ્યા. (યશા. ૪૧:૮) બીજો કાળવૃત્તાંત ૨૦:૭માં પણ ઈબ્રાહીમને ઈશ્વરના મિત્ર કહેવામાં આવ્યા છે. ઈશ્વર સાથે આટલી ગાઢ મિત્રતા ઈબ્રાહીમ કઈ રીતે બાંધી શક્યા? તેમની શ્રદ્ધાને લીધે.—ઉત. ૧૫:૬; યાકૂબ ૨:૨૧-૨૩ વાંચો.

ઈબ્રાહીમના વંશજોથી પ્રાચીન ઈસ્રાએલ રાષ્ટ્ર બન્યું હતું. તેઓના પણ પિતા અને મિત્ર યહોવા હતા. પરંતુ, દુઃખની વાત છે કે સમય જતાં, યહોવા સાથેની તેમની મિત્રતા તૂટી ગઈ કેમ કે, તેઓએ યહોવાનાં વચનોમાંથી શ્રદ્ધા ગુમાવી દીધી.

૫, ૬. (ક) યહોવા કઈ રીતે તમારા મિત્ર બન્યા છે? (ખ) આપણે કયા સવાલો પર વિચાર કરવો જોઈએ?

આપણે ઈશ્વર યહોવા વિશે જેટલું વધારે શીખીએ છીએ એટલી જ તેમનામાં આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. તેમ જ, તેમના માટે આપણો પ્રેમ વધે છે. જરા વિચારો કે જ્યારે તમે પહેલી વાર આ બાબતો જાણી ત્યારે તમને કેવું લાગ્યું હતું: ઈશ્વરને આપણે એક વ્યક્તિ તરીકે ઓળખી શકીએ છીએ. તેમની સાથે આપણે ગાઢ સંબંધ બાંધી શકીએ છીએ. આદમે કરેલી ભૂલના લીધે આપણામાંના દરેકને વારસામાં પાપ મળ્યું છે. તેમ જ, આખી માણસજાત ઈશ્વરથી દૂર થઈ ગઈ છે. (કોલો. ૧:૨૧) પરંતુ, સ્વર્ગમાંના પિતા ખૂબ જ પ્રેમાળ છે અને તેમને આપણી ફિકર છે. તેમણે ઈસુ ખ્રિસ્તના બલિદાનની ગોઠવણ કરી. એ ગોઠવણમાં શ્રદ્ધા રાખીને યહોવા સાથેની આપણી મિત્રતા મજબૂત બનાવી શકીએ છીએ.

આપણે યહોવાને જે રીતે ઓળખતા થયા એ વિશે વિચાર કરતી વખતે આ સવાલો પર મનન કરવું જોઈએ: “શું હું ઈશ્વર સાથેની મિત્રતાને ગાઢ બનાવી રહ્યો છું? શું યહોવામાં મારો ભરોસો મજબૂત છે અને શું તેમની માટે મારો પ્રેમ દિવસે દિવસે વધતો જાય છે?” ઈશ્વરના બીજા એક ખાસ મિત્ર ગિદિયોન હતા. ચાલો, તેમના વિશે શીખીએ જેથી તેમને અનુસરી શકીએ.

‘યહોવા શાંતિ છે’

૭-૯. (ક) ગિદિયોનની જોડે કેવો અદ્ભુત બનાવ બન્યો અને એનું શું પરિણામ આવ્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) આપણે કઈ રીતે ઈશ્વર સાથેની મિત્રતા ગાઢ બનાવી શકીએ?

ઈસ્રાએલીઓ વચનના દેશમાં પહોંચી ગયા હતા. એ પછી ગિદિયોન જે સમયગાળામાં ન્યાયાધીશ બન્યા એ વખતે ખૂબ મુશ્કેલીઓ હતી. કારણ કે ઈસ્રાએલીઓ માટે મિદ્યાનીઓ મોટો ખતરો બન્યા હતા અને તેઓએ ઘણી વાર હુમલો પણ કર્યો હતો. એ કારણે મૂલ્યવાન અનાજને તરત સંતાડી શકાય માટે ગિદિયોન ઘઉંને ખેતરમાં ઝૂડવાને બદલે દ્રાક્ષકુંડમાં ઝૂડી રહ્યા હતા. ન્યાયાધીશો, અધ્યાય ૬ જણાવે છે કે, ગિદિયોન ઓફ્રાહમાં હતા ત્યારે યહોવાના દૂતે તેમની મુલાકાત લીધી. દૂતે પ્રગટ થઈને ગિદિયોનને “પરાક્રમી શૂરવીર” કહ્યા, માટે તેમને નવાઈ લાગી. યહોવાએ ઇજિપ્તમાંથી (મિસરમાંથી) ઈસ્રાએલીઓને છોડાવ્યા એ વાત ગિદિયોન જાણતા હતા. છતાં, ઈશ્વર મદદ કરશે એ વિશે તેમને શંકા હતી. તેથી સ્વર્ગદૂત ખાતરી અપાવતા જણાવે છે કે યહોવા ચોક્કસ તેમને મદદ કરશે.

ગિદિયોન વિચારમાં પડી ગયા કે, ‘મિદ્યાનીઓના હાથમાંથી ઈસ્રાએલને બચાવવા’ પોતાના માટે કઈ રીતે શક્ય છે. યહોવાએ તેમને સ્પષ્ટ જવાબ આપ્યો કે, ‘નિશ્ચય હું તારી સાથે હોઈશ. તેથી, તું જાણે એક માણસને મારતો હોય તેમ મિદ્યાનીઓને મારશે.’ (ન્યા. ૬:૧૧-૧૬) છતાં, એ વિશે હજુ પણ વિચારમાં પડેલા ગિદિયોને યહોવા પાસે નિશાની માંગી. પરંતુ, એ વાતચીત પરથી જોઈ શકાય કે, ગિદિયોનને યહોવાના અસ્તિત્વ વિશે જરાય શંકા ન હતી.

એ પછી જે બન્યું એનાથી ગિદિયોનની શ્રદ્ધા મજબૂત બની અને તે યહોવાની વધુ નજીક ગયા. ગિદિયોને સ્વર્ગદૂત માટે ભોજન તૈયાર કર્યું અને તેમની આગળ પીરસ્યું. ત્યાર બાદ સ્વર્ગદૂતે પોતાની છડી અડાડીને એ ભોજનને ચમત્કારિક રીતે અગ્નિથી ભસ્મ કર્યું. ગિદિયોનને અહેસાસ થયો કે એ સ્વર્ગદૂત સાચે જ ઈશ્વર તરફથી આવ્યો છે, ત્યારે તે ગભરાયા. તે બોલી ઊઠ્યા, ‘મને અફસોસ! કેમ કે મેં યહોવાના દૂતને મોઢામોઢ જોયો છે.’ (ન્યા. ૬:૧૭-૨૨) શું એ બનાવથી ગિદિયોન અને યહોવાની મિત્રતામાં તિરાડ પડી? ના. જરાય નહિ! ગિદિયોને તો ઈશ્વરની શાંતિ અનુભવી. આપણે એવું શાના આધારે કહી શકીએ? કારણ કે, તેમણે ત્યાં એક વેદી બાંધી અને એનું નામ “યહોવા-શાલોમ” પાડ્યું, જેનો અર્થ થાય “યહોવા શાંતિ છે.” (ન્યાયાધીશો ૬:૨૩, ૨૪ વાંચો.) યહોવા આપણા માટે દરરોજ જે બાબતો કરે છે, એના પર મનન કરવાથી ખ્યાલ આવશે કે તે આપણા સાચા મિત્ર છે. આપણે નિયમિત પ્રાર્થના કરીશું તો, વધારે ને વધારે શાંતિ અનુભવીશું અને તેમની સાથેની મિત્રતા ગાઢ બનશે.

‘યહોવાના મંડપમાં કોણ રહી શકે?’

૧૦. ગીતશાસ્ત્ર ૧૫:૩, ૫ પ્રમાણે જો આપણે ઈશ્વરના મિત્ર બનવું હોય તો શું કરવું જરૂરી છે?

૧૦ યહોવા આપણા મિત્ર બને એ માટે આપણે કેટલીક જરૂરિયાતો પૂરી કરવી પડશે. ગીતશાસ્ત્ર ૧૫મા અધ્યાયમાં દાઊદે જણાવ્યું છે કે, ‘યહોવાના મંડપમાં રહેવા’ એટલે કે ઈશ્વરના મિત્ર બનવા શું કરવું જરૂરી છે. (ગીત. ૧૫: ૧) ચાલો આપણે એમાંની આ બે બાબતો પર ધ્યાન આપીએ: નિંદાથી દૂર રહીએ અને દરેક કામમાં ઈમાનદારી રાખીએ. એ વિશે દાઊદે કહ્યું કે યહોવાના મંડપમાં રહેનાર: ‘પોતાની જીભથી નિંદા કરતો નથી અને તે નિર્દોષ વિરુદ્ધ લાંચ ખાતો નથી.’—ગીત. ૧૫:૩, ૫.

૧૧. આપણે શા માટે નિંદા કરવી ન જોઈએ?

૧૧ બીજા એક ગીતમાં દાઊદે આપણને સલાહ આપતા કહ્યું: ‘ભૂંડું બોલવાથી તમારી જીભને સંભાળો.’ (ગીત. ૩૪:૧૩) આપણે જો એ સલાહ પાળવામાં નિષ્ફળ જઈશું તો યહોવા સાથેની મિત્રતામાં તિરાડ પડશે. અરે, હકીકતમાં તો નિંદા કરવી એ શેતાનની ઓળખ છે, જે યહોવાનો સૌથી મોટો દુશ્મન છે. તે “ડેવિલ” તરીકે પણ ઓળખાય છે. “ડેવિલ” શબ્દ એક ગ્રીક શબ્દમાંથી આવ્યો છે, જેનો અર્થ થાય ‘નિંદા કરનાર.’ બીજાઓ વિશે વાત કરતી વખતે ખૂબ કાળજી રાખીએ. કારણ કે, એની અસર યહોવા સાથેના આપણા સંબંધ પર પડી શકે છે. મંડળમાં આગેવાની લેતા ભાઈઓ સાથેના આપણા વલણમાં તો ખાસ ધ્યાન રાખવું જોઈએ.—હિબ્રૂ ૧૩:૧૭; ૧ થેસ્સાલોનીકી ૫:૧૨ વાંચો.

૧૨, ૧૩. (ક) આપણે શા માટે બધી બાબતોમાં પ્રમાણિક રહેવું જોઈએ? (ખ) આપણે ઈમાનદારીથી કામ કરીએ છીએ ત્યારે શું પરિણામ આવે છે?

૧૨ યહોવાના ભક્તો ઈમાનદારીથી કામ કરવા માટે જાણીતા છે. પ્રેરિત પાઊલે લખ્યું: ‘તમે અમારા માટે પ્રાર્થના કરો કેમ કે અમારું અંતઃકરણ નિર્મળ છે, એવી અમને ખાતરી છે અને અમે સઘળી બાબતોમાં પ્રમાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.’ (હિબ્રૂ ૧૩:૧૮) આપણે બધી ‘બાબતોમાં પ્રમાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ,’ એ કારણે આપણે સાક્ષી ભાઈ-બહેનોનો ફાયદો ઉઠાવતા નથી. દાખલા તરીકે, જો તેઓ આપણી નીચે કામ કરતા હોય તો તેઓ પાસે વધારાનું કામ કરાવતા નથી અને તેઓને નક્કી કર્યા પ્રમાણે પગાર આપીએ છીએ. એક ખ્રિસ્તી તરીકે આપણે પ્રમાણિક રીતે આપણા માલિક અને બીજાઓ સાથે વર્તીએ છીએ. જો, આપણે કોઈ ભાઈ કે બહેનના ત્યાં કામ કરતા હોઈએ ત્યારે તેઓનો ફાયદો ન ઉઠાવવાનું અને વધુ પડતી છૂટની અપેક્ષા ન રાખવાનું ધ્યાન રાખીએ છીએ.

૧૩ દુનિયાના લોકો ઘણી વાર યહોવાના સાક્ષીઓની ઈમાનદારીની કદર કરે છે. દાખલા તરીકે, એક મોટી કંપનીના મેનેજરે નોંધ્યું કે યહોવાના સાક્ષીઓ પોતાનું વચન પાળે છે. તેમણે કહ્યું, ‘તમે જે બાબતો કરવા માટે સહમત થાવ છો, એને અચૂક કરો છો.’ (ગીત. ૧૫:૪) એવું વલણ યહોવા સાથેની આપણી મિત્રતા જાળવી રાખવા મદદ કરે છે. વધુમાં એનાથી આપણા પ્રેમાળ પિતા યહોવાને મહિમા મળે છે.

બીજાઓને યહોવાના મિત્ર બનવામાં મદદ કરીએ

બીજાઓને યહોવાના મિત્ર બનવા આપણે મદદ કરીએ છીએ (ફકરા ૧૪, ૧૫ જુઓ)

૧૪, ૧૫. આપણે પ્રચારકાર્યમાં કઈ રીતે લોકોને યહોવાના મિત્ર બનવા મદદ કરી શકીએ?

૧૪ પ્રચારમાં એવા ઘણા લોકો મળે છે જેઓ ઈશ્વરમાં માને છે, પણ તેઓએ કદી વિચાર્યું નથી કે “ઈશ્વર મારા મિત્ર બની શકે છે.” આપણે તેઓને કઈ રીતે મદદ કરી શકીએ? ઈસુએ ૭૦ શિષ્યોને પ્રચારમાં મોકલતા પહેલાં જે સૂચનો આપ્યાં એના પર ધ્યાન આપીએ: ‘કોઈ ઘરમાં તમે જાઓ ત્યાં પ્રથમ એમ કહો કે આ ઘરનાંને શાંતિ થાઓ. જો કોઈ શાંતિનો પુત્ર ત્યાં હોય તો તમારી શાંતિ તેના પર રહેશે; પણ જો નહિ હોય, તો તે તમારી પાસે પાછી વળશે.’ (લુક ૧૦:૫, ૬) આપણે લોકો સાથે મિત્ર ભાવે વાત કરીશું તો તેઓને સત્ય જાણવાની ઇચ્છા થશે. જ્યારે કોઈ ગુસ્સે થઈને આપણા સંદેશાનો વિરોધ કરે, ત્યારે નમ્રતા બતાવવાથી તેમને શાંત થવા મદદ મળશે. એ પછી, તેમને બીજા કોઈ વખતે સત્ય સાંભળવાની કદાચ ઇચ્છા પણ થાય.

૧૫ આપણને એવી પણ વ્યક્તિઓ મળે છે જેઓ ખૂબ જ ધાર્મિક હોય કે પછી ખોટાં રીત-રિવાજોમાં ડૂબેલી હોય. તોપણ આપણે તેઓ સાથે શાંતિથી અને મિત્ર ભાવે વાત કરવી જોઈએ. આપણી સભાઓમાં આવનાર બધી વ્યક્તિઓનો દિલથી આવકાર કરવો જોઈએ. એમાંય ખાસ તો એવી વ્યક્તિનો જે આજની દુનિયાથી હતાશ થઈ ગઈ છે અને આપણા ઈશ્વર વિશે જાણવા ચાહે છે. એવા ઘણા લોકોના સારા અનુભવો “બાઇબલ જીવન સુધારે છે” શૃંખલાના લેખોમાં જોવા મળે છે.

સૌથી સારા મિત્ર સાથે કામ કરવું

૧૬. આપણે કઈ રીતે યહોવાના મિત્ર બનવાની સાથે સાથે તેમની જોડે “કામ કરનારા” બની શકીએ છીએ?

૧૬ સાથે કામ કરતા લોકો મોટા ભાગે સારા મિત્રો બની જાય છે. પોતાનું જીવન યહોવાને સમર્પણ કરનાર વ્યક્તિઓ પાસે યહોવાના મિત્ર બનવાની સાથે સાથે તેમની જોડે “કામ કરનારા” બનવાનો લહાવો પણ છે. (૧ કોરીંથી ૩:૯ વાંચો.) આપણે પ્રચાર અને શિષ્ય બનાવવાનું કામ કરીએ છીએ ત્યારે, સ્વર્ગમાંના પિતાના ઘણા અદ્ભુત ગુણો વિશે શીખવા મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે પવિત્ર શક્તિ આપણને ખુશખબર જાહેર કરવામાં કઈ રીતે મદદ કરે છે.

૧૭. સંમેલનો કઈ રીતે બતાવે છે કે યહોવા આપણા મિત્ર છે?

૧૭ જેટલો વધુ સમય આપણે પ્રચારકાર્યમાં વિતાવીશું એટલા યહોવાની વધુ નજીક જઈશું. દાખલા તરીકે, આપણે જોઈ શકીએ છીએ કે યહોવા પ્રચારકાર્યના વિરોધીઓને કઈ રીતે અટકાવે છે. છેલ્લાં કેટલાક વર્ષોનો વિચાર કરો. યહોવા આપણને જે રીતે સભાઓ અને સાહિત્ય દ્વારા માર્ગદર્શન આપે છે, એ કેટલું નવાઈ પમાડનારું છે! સંમેલનોમાં આપવામાં આવતી માહિતી બતાવે છે કે, પ્રેમાળ પિતા યહોવા આપણી મુશ્કેલીઓ અને જરૂરિયાતોને સારી રીતે સમજે છે. ડિસ્ટ્રીક્ટ સંમેલન પ્રત્યે કદર બતાવતા એક કુટુંબે લખ્યું, ‘એ કાર્યક્રમ અમારાં દિલને સ્પર્શી ગયો. અમે અનુભવ્યું કે યહોવા આપણામાંના દરેકને પ્રેમ કરે છે અને ઇચ્છે છે કે આપણે જીવનમાં સફળ થઈએ.’ જર્મનીનું એક યુગલ આયર્લૅન્ડમાં ખાસ ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં હાજર રહ્યું હતું. ત્યાં તેઓને જે પ્રેમભર્યો આવકાર મળ્યો અને સંભાળ રાખવામાં આવી એ બદલ તેઓએ આભાર વ્યક્ત કરતા કહ્યું: ‘યહોવા અને રાજા ઈસુનો સૌથી મોટો આભાર! તેઓએ અમને સાચી એકતામાં રહેતા રાષ્ટ્રનો ભાગ બનવાનું આમંત્રણ આપ્યું. અમને અહીં એકતા વિશે ફક્ત વાતો જ નહિ પણ એનો અનુભવ પણ થયો છે. ડબલીનમાં થયેલા આ સંમેલનમાં અમને જે અનુભવ થયો એ ક્યારેય નહિ ભૂલાય! તમારા બધા સાથે ભવ્ય ઈશ્વરની ભક્તિ કરવાનો અમને જે લહાવો મળ્યો એ અનમોલ છે.’

મિત્રો વાતચીત કરતા રહે છે

૧૮. યહોવા સાથે વાતચીત કરવા વિશે આપણે કયા સવાલ પર વિચાર કરવો જોઈએ?

૧૮ સારાં વાતચીત-વ્યવહારથી મિત્રતા ગાઢ બને છે. આજે લોકો એસએમએસ અને ઇન્ટરનેટનો ઘણો ઉપયોગ કરે છે. પરંતુ, આપણા સૌથી સારા મિત્ર યહોવા જોડે વાત કરવાની રીત સાથે એની સરખામણી થઈ જ ન શકે. આપણા એ મિત્ર તો “પ્રાર્થનાના સાંભળનાર” છે. (ગીત. ૬૫:૨) તેમની સાથે વારંવાર વાત કરવામાં શું આપણે સમય આપીએ છીએ?

૧૯. પ્રાર્થનામાં લાગણીઓ વ્યક્ત કરવી અઘરી લાગે તો ક્યાંથી મદદ મળે છે?

૧૯ અમુક ઈશ્વરભક્તો માટે પોતાની ઊંડી લાગણીઓ વ્યક્ત કરવી અઘરી હોય છે. પરંતુ, યહોવા ઇચ્છે છે કે આપણે પ્રાર્થનામાં તેમની આગળ દિલ ઠાલવીએ. (ગીત. ૧૧૯:૧૪૫; યિ.વિ. ૩:૪૧) એ લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી અઘરી લાગે તો આપણી પાસે મદદ છે. રોમન ભાઈ-બહેનોને પાઊલે લખ્યું, ‘પ્રાર્થનામાં શું બોલવું એની આપણને ખબર નથી. તેથી પવિત્ર શક્તિ પોતે ઈશ્વર આગળ આપણે માટે વિનંતી કરે છે. અને એ લાગણીઓ શબ્દોમાં મૂકી શકાય નહિ. અંતઃકરણને પારખનાર ઈશ્વર પવિત્ર શક્તિનો વિચાર જાણે છે. કારણ, પવિત્ર શક્તિ ઈશ્વરના લોકો માટે ઈશ્વરની ઇચ્છા મુજબ તેમને વિનંતી કરે છે.’ (રોમ. ૮:૨૬, ૨૭, કોમન લેંગ્વેજ) બાઇબલમાં અયૂબ, ગીતશાસ્ત્ર અને નીતિવચનનાં પુસ્તકો પર મનન કરવાથી યહોવાની આગળ આપણી ઊંડી લાગણીઓ વ્યક્ત કરવામાં મદદ મળે છે.

૨૦, ૨૧. ફિલિપી ૪:૬, ૭માંના પાઊલના શબ્દોથી શો દિલાસો મળે છે?

૨૦ મુશ્કેલીઓ ઊભી થાય ત્યારે આપણે પાઊલે ફિલિપીઓને લખેલા આ શબ્દોને યાદ કરીએ: “કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો.” એ રીતે પ્રાર્થના કરવાથી આપણને દિલાસો મળે છે. પાઊલે ઉમેર્યું, “ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.” (ફિલિ. ૪:૬, ૭) આપણે હંમેશાં ઈશ્વરનો આભાર માનીએ કેમ કે, “ઈશ્વરની શાંતિ” આપણા હૃદય અને મનની સંભાળ રાખે છે.

પ્રાર્થનાથી ઈશ્વર સાથેની મિત્રતા કઈ રીતે મજબૂત થાય છે? (ફકરો ૨૧ જુઓ)

૨૧ પ્રાર્થના આપણને યહોવા સાથેની મિત્રતા વધારવા મદદ કરે છે. એ માટે આપણે “નિત્ય પ્રાર્થના” કરીએ. (૧ થેસ્સા. ૫:૧૭) આપણે યહોવા સાથેનો કીમતી સંબંધ મજબૂત બનાવતા રહીએ અને તેમની ઇચ્છા પ્રમાણે કરતા રહીએ. તેથી ચાલો યહોવાએ આપેલા આશીર્વાદો પર મનન કરવા સમય કાઢીએ કારણ કે તે આપણા ઈશ્વર, પિતા અને મિત્ર છે.