સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સારફાથની વિધવાને શ્રદ્ધાનું ફળ મળ્યું

સારફાથની વિધવાને શ્રદ્ધાનું ફળ મળ્યું

એક ગરીબ વિધવા પોતાના એકના એક દીકરાને ભેટી પડે છે. તેને પોતાની આંખો પર વિશ્વાસ નથી થતો. થોડી ઘડીઓ પહેલાં, તેણે પોતાના દીકરાના શબને હાથમાં લીધું હતું. પણ, હમણાં તે જીવતા થયેલા દીકરા પર નજર નાખે છે, તે હસી રહ્યો છે. વિધવાના આશ્ચર્યનો પાર નથી! તેના ઘરમાં રહેતા મહેમાને કહ્યું: “જો તારો દીકરો જીવતો છે!”

સજીવન કરવાનો આ બનાવ આશરે ૩,૦૦૦ વર્ષ પહેલાં બન્યો હતો. એ વિશે તમે પહેલો રાજાઓ ૧૭મા અધ્યાયમાં વાંચી શકો. ઘરમાં રહેતા એ મહેમાન, ઈશ્વરના પ્રબોધક એલીયા હતા. અને એ મા કોણ હતી? તેનું નામ નથી જણાવવામાં આવ્યું, પણ તે સારફાથ શહેરમાં રહેતી વિધવા હતી. તેના દીકરાને સજીવન કરવામાં આવ્યો એના લીધે તેની શ્રદ્ધા ઘણી વધી. તેના વિશે વિચારવાથી, આપણે અમુક મહત્ત્વના પાઠ શીખી શકીશું.

એલીયાને શ્રદ્ધા રાખતી વિધવા મળે છે

યહોવાએ નક્કી કર્યું હતું કે ઈસ્રાએલના દુષ્ટ રાજા આહાબના રાજ્યમાં લાંબા સમય સુધી દુકાળ પડશે. એલીયાએ દુકાળ જાહેર કર્યો એ પછી ઈશ્વરે તેમને આહાબથી બચાવવા સંતાડી રાખ્યા. ઈશ્વરે ચમત્કારથી કાગડાઓનો ઉપયોગ કરીને પ્રબોધકને રોટલી અને માંસ પૂરાં પાડ્યાં. પછી, યહોવાએ એલીયાને કહ્યું: “તું ઊઠ, ને સીદોનના સારફાથમાં જઈને ત્યાં રહે. જો, મેં ત્યાંની એક વિધવા સ્ત્રીને તારું પોષણ કરવાની આજ્ઞા આપી છે.”—૧ રાજા. ૧૭:૧-૯.

એલીયા સારફાથ આવ્યા ત્યારે, તેમણે એક ગરીબ વિધવાને લાકડાના ટુકડા ભેગા કરતી જોઈ. શું આ એ જ સ્ત્રી છે જે પ્રબોધકને ખોરાક પૂરો પાડશે? તે ઘણી ગરીબ છે, તો પછી તે કઈ રીતે એમ કરી શકશે? કદાચ એલીયાના મનમાં શંકાના વાદળો ઊઠ્યાં હશે, તોપણ તે સ્ત્રી સાથે વાત કરે છે. તે કહે છે: “પીવા માટે વાસણમાં થોડું પાણી લઈ આવ.” વિધવા પાણી લેવા જતી હતી ત્યારે, એલીયા એમ પણ કહે છે: “કૃપા કરીને મારે માટે તારા હાથમાં ટુકડો રોટલી પણ લેતી આવજે.” (૧ રાજા. ૧૭:૧૦, ૧૧) અજાણી વ્યક્તિને પાણી આપવામાં કંઈ વાંધો ન હતો, પણ રોટલી આપવી ઘણી મુશ્કેલ હતી.

સ્ત્રીએ જવાબ આપ્યો, “તારા ઈશ્વર યહોવાના જીવના સમ, કે મારી પાસે એકે રોટલી નથી, માત્ર માટલીમાં એક મુઠ્ઠી મેંદો, ને કૂંડીમાં થોડું તેલ છે. અને જો, હું બે લાકડાં વીણું છું, કે ઘરે જઈને હું મારે માટે તથા મારા દીકરાને માટે તે પકાવું, કે અમે તે ખાઈને પછીથી મરી જઈએ.” (૧ રાજા. ૧૭:૧૨) ચાલો, જોઈએ કે આ વાતચીત શું બતાવે છે.

વિધવા સ્ત્રી સમજી ગઈ કે, એલીયા એક ઈસ્રાએલી છે જે ઈશ્વરનો ડર રાખે છે. એ બાબત, તેણે કહેલા આ શબ્દો પર પારખી શકાય: “તારા ઈશ્વર યહોવાના જીવના સમ.” એમ લાગે છે કે તેને ઈસ્રાએલના ઈશ્વર વિશે થોડી જાણકારી હતી. પરંતુ, એટલી ન હતી કે તે “મારા ઈશ્વર” કરીને યહોવાને સંબોધે. તે સારફાથ નગરમાં રહેતી હતી, જે કદાચ કનાની શહેર સીદોન પર નિર્ભર રહેતું હતું. સારફાથમાં બઆલના ઉપાસકો રહેતા હતા. પરંતુ, યહોવાએ આ વિધવામાં કંઈક અલગ જોયું.

સારફાથની ગરીબ વિધવા ભલે મૂર્તિપૂજકોની વચમાં રહેતી હતી, પણ તેનાં કાર્યોથી દેખાઈ આવતું હતું કે તેને ઈસ્રાએલના ઈશ્વરમાં શ્રદ્ધા હતી. સ્ત્રી અને પ્રબોધક, બંનેના લાભ માટે યહોવાએ એલીયાને તેની પાસે મોકલ્યા. એનાથી આપણને એક મહત્ત્વની બાબત શીખવા મળે છે.

બઆલની ઉપાસના કરતા સારફાથના બધા જ લોકો દુષ્ટ ન હતા. એલીયાને વિધવા પાસે મોકલીને યહોવા દર્શાવવા માંગતા હતા કે તે વ્યક્તિઓના સારા ઇરાદાની નોંધ લે છે, પછી ભલે તેઓ તેમની હમણાં ભક્તિ ન કરતા હોય. ખરું જોતા, ‘દરેક દેશમાં જે કોઈ તેમની બીક રાખે છે અને ન્યાયીપણું કરે છે, તે તેમને માન્ય છે.’—પ્રે.કૃ. ૧૦:૩૫.

તમારા પ્રચાર વિસ્તારમાં કેટલા લોકો સારફાથની વિધવા જેવા છે? ખોટા ધર્મને ટેકો આપનારા લોકો કદાચ તેઓની ચારે બાજુ હશે, પણ તેઓ કંઈક સારી બાબતની ઝંખના રાખતા હોય શકે. તેઓ કદાચ યહોવા વિશે બહુ ઓછું અથવા જરાય નહિ જાણતા હોય. એટલે, તેઓને સાચી ભક્તિ સ્વીકારવી હોય તો મદદ જોઈશે. શું તમે એવી વ્યક્તિઓને શોધો છો? શું તેઓને મદદ કરો છો?

‘મારે માટે નાની રોટલી કરીને લઈ આવ’

ધ્યાન આપો કે એલીયાએ વિધવાને શું કરવા કહ્યું. હમણાં જ તેણે એલીયાને કહ્યું હતું કે તે પોતાના માટે અને દીકરા માટે છેલ્લી વાર ખાવાનું બનાવવાની છે. પછી, તેઓ ભૂખે મરવાના છે. છતાં, એલીયાએ શું કહ્યું? “બી મા, જઈને તારા કહેવા મુજબ કર; તોપણ પહેલાં મારે માટે તેમાંથી એક નાની રોટલી કરીને મારી પાસે અહીં લઈ આવ, પછી તારે માટે તથા તારા દીકરાને માટે કરજે. કેમ કે ઈસ્રાએલનો ઈશ્વર યહોવા એમ કહે છે, જે દિવસે હું ધરતી પર વરસાદ વરસાવીશ ત્યાં સુધી માટલીમાંનો મેંદો થઈ રહેશે નહિ ને કૂંડીમાંનું તેલ ખૂટી જશે નહિ.”—૧ રાજા. ૧૭:૧૧-૧૪.

અમુક લોકોએ કહ્યું હોત: ‘છેલ્લું ભોજન આપી દેવાનું? શું મજાક કરો છો!’ પણ વિધવા એવું નહોતી વિચારતી. યહોવા વિશે થોડું જાણતી હોવા છતાં, તેણે એલીયાનું માન્યું અને તેને જે કહેવામાં આવ્યું, એ કર્યું. શ્રદ્ધાની એ કેવી મોટી કસોટી કહેવાય! ખરેખર, તે ઘણી સમજદારીથી વર્તી!

એલીયાના ઈશ્વર યહોવામાં શ્રદ્ધા બતાવવાથી વિધવા અને તેના દીકરાનું જીવન બચ્યું

એ ગરીબ વિધવાને યહોવાએ છોડી ન દીધી. એલીયાએ આપેલા વચન પ્રમાણે જ થયું. યહોવાએ એલીયા, વિધવા અને તેનો દીકરો જીવતાં રહી શકે માટે દુકાળ પતે નહિ ત્યાં સુધી ખોરાક ખૂટવા દીધો નહિ. સાચે જ, ‘યહોવા પોતાનું જે વચન એલીયા દ્વારા બોલ્યા હતા તે પ્રમાણે માટલીમાંનો મેંદો થઈ રહ્યો નહિ, ને કુંડીમાંનું તેલ ખૂટી ગયું નહિ.’ (૧ રાજા. ૧૭:૧૬; ૧૮:૧) જો તે સ્ત્રી એવી રીતે વર્તી ન હોત, તો તેના છેલ્લાં મેંદા અને તેલથી બનેલી એ રોટલી તેનું છેલ્લું ભોજન હોત. પરંતુ, તેણે શ્રદ્ધા બતાવી, યહોવામાં ભરોસો રાખ્યો અને પહેલા એલીયાને ખવડાવ્યું.

આ અહેવાલ આપણને શું શીખવે છે? જેઓ શ્રદ્ધા બતાવે છે તેઓને ઈશ્વર આશીર્વાદ આપે છે. કસોટીમાં વફાદાર રહીને શ્રદ્ધા બતાવશો તો, યહોવા તમને મદદ કરશે. તે પૂરું પાડશે, રક્ષણ કરશે અને મિત્ર બનશે, જેથી તમે કસોટીનો સામનો કરી શકો.—નિર્ગ. ૩:૧૩-૧૫.

વિધવાના દાખલામાંથી શીખવા મળતા પાઠ વિશે ૧૮૯૮ના ઝાયન્સ વૉચ ટાવરમાં જણાવવામાં આવ્યું: ‘પ્રબોધક દ્વારા ઈશ્વરની મદદ મેળવવા વિધવા શ્રદ્ધા બતાવે એ જરૂરી હતું, જેથી તે આજ્ઞા પાળી શકે. જો તેણે શ્રદ્ધા ન બતાવી હોત તો બીજી કોઈ વિધવાને પસંદ કરવામાં આવી હોત. આપણા વિશે પણ એવું જ છે, જીવનમાં એવી ઘણી પળો આવે છે જ્યારે પ્રભુ આપણી શ્રદ્ધાની કસોટી કરે છે. જો આપણે શ્રદ્ધા બતાવીશું, તો આશીર્વાદ પામીશું અને નહિ બતાવીએ તો આશીર્વાદ ગુમાવી દઈશું.’

જીવનમાં આવતી કસોટીઓનો સામનો કરવા બાઇબલ અને બાઇબલ આધારિત સાહિત્યમાંથી ઈશ્વરનું માર્ગદર્શન લેવું જરૂરી છે. પછી, ભલે એ સલાહ પાળવી કેટલી પણ અઘરી કેમ ન હોય, યહોવાના માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ. આ કલમ પ્રમાણે કરીશું તો, આશીર્વાદ પામીશું: “તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.”—નીતિ. ૩:૫, ૬.

‘મારા દીકરાને મારી નાખવા માટે આવ્યા છો?’

વિધવાની શ્રદ્ધાની બીજી વાર કસોટી થવાની હતી. બાઇબલ અહેવાલ જણાવે છે: “એ બીનાઓ પછી એમ બન્યું, કે તે સ્ત્રીનો, એટલે તે ઘરની ધણીયાણીનો, દીકરો માંદો પડ્યો; અને તેનો મંદવાડ એટલો ભારે હતો કે તેનામાં કંઈ દમ રહ્યો નહિ.” આ ભયંકર બીમારીનું કારણ શોધતા, દુઃખી માતાએ એલીયાને કહ્યું: “હે ઈશ્વરભક્ત, મારે ને તારે શું છે? શું તું મારા અપરાધનું સ્મરણ કરાવવા, તથા મારા દીકરાને મારી નાખવા માટે મારી પાસે આવ્યો છે?” (૧ રાજા. ૧૭:૧૭, ૧૮) એ કડવા શબ્દોનો અર્થ શો થાય?

શું એ સ્ત્રીને પોતાનો કોઈ અપરાધ કે પાપ યાદ આવી ગયું, જેના લીધે તેનું અંતઃકરણ ડંખતું હતું? શું તેને એમ લાગતું હશે કે તેના દીકરાનું મરણ ઈશ્વર પાસેથી શિક્ષા છે? એલીયા એ ઈશ્વર પાસેથી મૃત્યુનો સંદેશો લાવનાર વ્યક્તિ છે? બાઇબલ એ વિશે જણાવતું નથી. પણ, એક વાત સ્પષ્ટ છે કે વિધવા ઈશ્વરને દોષ આપતી ન હતી.

છોકરાના મરણથી એલીયાને આઘાત લાગ્યો હશે. તેમના માનવામાં નહિ આવ્યું હોય કે સ્ત્રી આવા કરુણ બનાવ માટે પ્રબોધકની હાજરીને દોષ આપે છે. છોકરાના શબને એલીયા ઉપરની ઓરડીમાં લઈ ગયા અને પોકારી ઊઠ્યા: “હે મારા ઈશ્વર યહોવા, જે વિધવાને ત્યાં હું ઊતરેલો છું, તેના દીકરાને મારી નાખીને તેના પર પણ તેં આપત્તિ આણી?” પ્રબોધક જાણતા હતા કે જો આ દયાળુ અને પરોણાગત કરનારી સ્ત્રીને દુઃખી થવા દેશે, તો ઈશ્વરના નામ પર કલંક લાગશે. તેથી, એલીયાએ યહોવાને વિનંતી કરી: “હે મારા ઈશ્વર યહોવા, કૃપા કરીને આ છોકરાનો જીવ એનામાં પાછો આવવા દે.”—૧ રાજા. ૧૭:૨૦, ૨૧.

“જો, તારો છોકરો જીવતો છે”

એ વિનંતી યહોવાને કાને પડી. વિધવાએ ઈશ્વરના પ્રબોધકને ખોરાક પૂરો પાડ્યો હતો અને શ્રદ્ધા બતાવી હતી. ઈશ્વરે છોકરાની બીમારી ચાલવા દીધી. કારણ કે, તે જાણતા હતા કે સજીવન કરવાનો આ પહેલો કિસ્સો શાસ્ત્રમાં નોંધવામાં આવશે. એક એવો કિસ્સો જે પછીથી આવનાર પેઢીઓને પણ આશા આપશે. એલીયાની વિનંતી પર યહોવાએ બાળકને સજીવન કર્યું. એલીયાની વાત સાંભળીને વિધવા કેટલી ખુશ થઈ હશે, એની કલ્પના કરો! એલીયાએ કહ્યું: “જો, તારો છોકરો જીવતો છે.” સ્ત્રીએ એલીયાને જણાવ્યું, “હવે હું જાણું છું કે તું ઈશ્વરભક્ત છે, ને તારા મુખમાં યહોવાનું જે વચન છે તે સત્ય છે.”—૧ રાજા. ૧૭:૨૨-૨૪.

પહેલો રાજાઓનો ૧૭મો અધ્યાય આ વિધવા વિશે બીજું કંઈ નથી જણાવતો. પરંતુ, ઈસુએ તેના વિશે ઉલ્લેખ કર્યો એ પરથી કહી શકાય કે બાકીનું જીવન તે યહોવાની વિશ્વાસુ ભક્ત બનીને જીવી હશે. (લુક ૪:૨૫, ૨૬) તેનો અહેવાલ શીખવે છે કે ઈશ્વરભક્તો માટે સારું કરીશું તો, ઈશ્વર આશીર્વાદ આપશે. (માથ. ૨૫:૩૪-૪૦) સંજોગો કેટલા પણ ખરાબ હોય, યહોવા પોતાના વિશ્વાસુ ભક્તોનું રક્ષણ કરે છે. (માથ. ૬:૨૫-૩૪) આ અહેવાલ સાબિતી આપે છે કે ગુજરી ગયેલાઓને સજીવન કરવાની ઇચ્છા અને શક્તિ યહોવા ધરાવે છે. (પ્રે.કૃ. ૨૪:૧૫) સાચે જ, સારફાથની વિધવાને યાદ કરવાનાં એ ઉત્તમ કારણો છે.