સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે જાણો છો?

શું તમે જાણો છો?

બાઇબલના સમયોમાં, કોઈ વ્યક્તિ પોતાનાં કપડાં ફાડે તો એનો શો અર્થ થતો?

શાસ્ત્રવચનોમાં એવા ઘણા અહેવાલો જોવા મળે છે, જેમાં કોઈ વ્યક્તિએ પોતાનાં પહેરેલાં કપડાં જાતે ફાડ્યાં હોય. આજના વાચકો માટે એ બાબત કદાચ અજુગતી લાગે. જોકે, યહુદીઓમાં એમ કરવું દર્શાવતું કે એ વ્યક્તિ ખૂબ જ હતાશા, અતિશય દુઃખ, અપમાન, ગુસ્સો અથવા શોક અનુભવી રહી છે.

દાખલા તરીકે, દાસ થવા વેચાયેલા પોતાના ભાઈ યુસફને બચાવવાની યોજના નિષ્ફળ ગઈ ત્યારે રેઉબેને “પોતાનાં લૂગડાં ફાડ્યાં.” યુસફને જંગલી જાનવર ખાઈ ગયું છે, એમ માનીને તેમના પિતા યાકૂબે પોતાનાં “વસ્ત્ર ફાડ્યાં.” (ઉત. ૩૭:૧૮-૩૫) પોતાનાં બાળકો માર્યાં ગયાં છે, એ જાણીને ‘અયૂબે પોતાનું વસ્ત્ર ફાડ્યું.’ (અયૂ. ૧:૧૮-૨૦) એક સંદેશવાહક જ્યારે એલી યાજકને જણાવવા આવ્યો કે, ઈસ્રાએલીઓ હારી ગયા છે, યાજકના બંને દીકરા માર્યા ગયા છે અને કરારકોશ જપ્ત કરવામાં આવ્યો છે, ત્યારે ‘તેના વસ્ત્રો ફાટી ગયેલાં હતાં.’ (૧ શમૂ. ૪:૧૨-૧૭) યોશીયાએ નિયમશાસ્ત્રના પુસ્તકનાં વચનો સાંભળ્યાં ત્યારે, પોતાની પ્રજાની ભૂલો વિશે ખ્યાલ આવતાં તેમણે “પોતાનાં વસ્ત્ર ફાડ્યાં.”—૨ રાજા. ૨૨:૮-૧૩.

ઈસુની સુનાવણી વખતે પ્રમુખ યાજક કાયાફાસે ઈસુના શબ્દોને દુર્ભાષણ ગણીને ‘પોતાનાં લૂગડાં ફાડ્યાં.’ (માથ. ૨૬:૫૯-૬૬) રાબ્બીઓના રિવાજ પ્રમાણે જેઓ ઈશ્વરના નામ પર દુર્ભાષણ થતાં સાંભળે, તેઓને પોતાનાં કપડાં ફાડવાં પડતાં. યરૂશાલેમના મંદિરના નાશ પછી રાબ્બીઓમાં બીજો એક મત ઊભો થયો. એના પ્રમાણે ‘હાલના દિવસોમાં, જે કોઈ ઈશ્વરના નામ પર દુર્ભાષણ થતું સાંભળે તેણે પોતાનાં વસ્ત્રો ફાડવાની જરૂર નથી. નહિતર, વ્યક્તિનાં બધાં કપડાં ચીંથરા થઈ જશે.’

એમાં કોઈ શંકા નથી કે, વ્યક્તિ જો દિલથી દુઃખી ન હોય અને પોતાનાં કપડાં ફાડવાનો ફક્ત રિવાજ પાળે, તો એ યહોવાની નજરે માન્ય થતું નહિ. તેથી, યહોવાએ પોતાના લોકોને ‘વસ્ત્રો નહિ પણ હૃદયો ફાડીને તેમની પાસે પાછા આવવા’ કહ્યું.—યોએ. ૨:૧૩.