સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

 જીવન સફર

પૂરા સમયની સેવા​—⁠મને ક્યાં લઈ આવી છે!

પૂરા સમયની સેવા​—⁠મને ક્યાં લઈ આવી છે!

પૂરા સમયની સેવામાં વિતાવેલાં ૬૫ વર્ષો વિશે વિચારતા હું કહી શકું કે, મારું જીવન ખૂબ આનંદી રહ્યું છે. જોકે, એનો મતલબ એમ નથી કે જીવનમાં મેં ક્યારેય દુઃખ અને નિરાશા જોયાં જ નથી. (ગીત. ૩૪:૧૨; ૯૪:૧૯) પણ ટૂંકમાં કહું તો, મને જીવનમાં હેતુ અને અઢળક આશીર્વાદો મળ્યાં છે!

હું સપ્ટેમ્બર ૭, ૧૯૫૦ના રોજ બ્રુકલિન બેથેલનો સભ્ય બન્યો. એ સમયે ત્યાં જુદા જુદા દેશોનાં ૩૫૫ ભાઈ-બહેનો હતાં. તેઓ ૧૯થી લઈને ૮૦ વર્ષની ઉંમર સુધીનાં અને મોટા ભાગનાં અભિષિક્ત હતાં.

યહોવાની સેવાની શરૂઆત

૧૦ વર્ષની ઉંમરે મારા બાપ્તિસ્મા વખતે

‘આનંદી ઈશ્વર’ યહોવાની સેવા કરવાનું હું મારાં મમ્મી પાસેથી શીખ્યો. (૧ તીમો. ૧:૧૧, સંપૂર્ણ) હું નાનો હતો ત્યારથી તેમણે યહોવાની ભક્તિ શરૂ કરી. વર્ષ ૧૯૩૯ની ૧ જુલાઈના દિવસે અમેરિકાના નેબ્રૅસ્કામાં આવેલા કલંબસ શહેરમાં એક સરકીટ સંમેલન થયું (એ સમયે એને ઝોન ઍસેમ્બલી કહેતા), જ્યાં મેં ૧૦ વર્ષની ઉંમરે બાપ્તિસ્મા લીધું. એ સંમેલન ભાડે રાખેલા નાનકડા હૉલમાં હતું. અમે લગભગ સો માણસો, ભાઈ જોસેફ રધરફર્ડનું રેકોર્ડ કરેલું પ્રવચન “ફૅશિઝમ ઑર ફ્રિડમ” સાંભળી રહ્યા હતા. પ્રવચન હજુ અડધુ જ સાંભળ્યું હતું અને એટલામાં એક ટોળું ઘૂસી આવ્યું ને અમને બળજબરીથી શહેરની બહાર કાઢી મૂક્યાં. એ કારણે અમે શહેરની નજીક આવેલા આપણા એક ભાઈના ખેતરમાં જઈને બાકીનો કાર્યક્રમ સાંભળ્યો. તમે અંદાજ લગાવી શકો કે, શા માટે હું મારા બાપ્તિસ્માની તારીખ ભૂલી શકતો નથી!

સત્યમાં મારો ઉછેર કરવામાં મારાં મમ્મીએ ઘણી મહેનત કરી છે. ખરું કે, મારા પપ્પા એક સારા માણસ અને સારા પિતા હતા, પરંતુ તેમણે ધર્મમાં કે પછી ભક્તિને લગતી મારી પ્રગતિમાં કંઈ ખાસ રસ લીધો નહિ. મારાં મમ્મી અને ઓમાહા મંડળનાં બીજાં ભાઈ-બહેનો મને ઉત્તેજન આપતાં રહ્યાં, જેની મને ખાસ જરૂર હતી.

એક નવી દિશા

હું હાઈસ્કૂલમાંથી જલદી જ ગ્રૅજ્યુએટ થવાનો હતો, એટલે મારે નક્કી કરવાનું હતું કે જીવનમાં હું શું કરીશ. સ્કૂલમાં હતો ત્યારે મારી ઉંમરનાં ભાઈ-બહેનો સાથે ઉનાળાની રજાઓમાં વેકેશન પાયોનિયરીંગ કરતો (જે આજે સહાયક પાયોનિયરીંગ કહેવાય છે).

ગિલયડ શાળાના ૭મા વર્ગમાંથી ગ્રૅજ્યુએટ થયેલા, જોન ચિમિક્લીસ અને ટેડ જારસ નામના બે પ્રવાસી નિરીક્ષકો અમારા વિસ્તારમાં નિમાયા. તેઓ બંને આશરે બાવીસ-ત્રેવીસ વર્ષના હતા, એ જાણીને મને ખૂબ નવાઈ લાગી. હું તે સમયે ૧૮ વર્ષનો હતો અને હાઈસ્કૂલમાંથી જલદી જ ગ્રૅજ્યુએટ થવાનો હતો. મને હજુ યાદ છે કે, ભાઈ ચિમિક્લીસે મને પૂછ્યું હતું કે હું જીવનમાં આગળ શું કરવા માંગું છું. મેં તેમને મારો વિચાર જણાવ્યો ત્યારે તેમણે આગ્રહ કર્યો: ‘બરાબર, પૂરા સમયની સેવા શરૂ કરવામાં જરાય વાર  ન કર. તું જાણતો નથી કે એ તને ક્યાં લઈ જશે!’ એ સલાહ અને એ ભાઈઓએ બેસાડેલા સારા દાખલા મને ખૂબ અસર કરી ગયાં. તેથી, ગ્રૅજ્યુએટ થયા પછી મેં ૧૯૪૮માં પાયોનિયરીંગ શરૂ કર્યું.

હું બેથેલમાં કઈ રીતે આવ્યો

જુલાઈ ૧૯૫૦માં, હું મારાં મમ્મી-પપ્પા સાથે આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ગયો, જે ન્યૂ યૉર્ક શહેરમાં આવેલા યાંકી સ્ટેડિયમમાં યોજાયું હતું. બેથેલ સેવામાં જોડાવવાં માંગતાં ભાઈ-બહેનો માટે સંમેલન દરમિયાન જે સભા રાખવામાં આવે છે, એમાં હું પણ હાજર રહ્યો. હું પણ બેથેલમાં સેવા આપવા ઇચ્છું છું, એવો પત્ર મેં મોકલી આપ્યો.

પપ્પાને મારા પાયોનિયરીંગ કરવા અને મને તેમના ઘરમાં રાખવામાં કોઈ વાંધો ન હતો. પણ, તે ઇચ્છતા હતા કે મારો રહેવાનો અને ખાવા-પીવાનો ખર્ચો ઉઠાવવામાં હું તેમને ટેકો આપું. તેથી, હું એક દિવસ નોકરી શોધવા નીકળ્યો પણ પહેલા મેં ઘરની ટપાલ-પેટીમાં એક નજર નાખી. મને એમાં બ્રુકલિનથી આવેલો, ભાઈ નાથાન નોરે સહી કરેલો પત્ર મળ્યો. એમાં લખ્યું હતું: ‘બેથેલ સેવા વિશેની તમારી અરજી અમને મળી છે. હું સમજું છું કે તમે બેથેલની સેવા પ્રભુ ચાહે ત્યાં સુધી કરવા માંગો છો. તેથી, હું ઇચ્છું છું કે તમે સપ્ટેમ્બર ૭, ૧૯૫૦ના રોજ આ સરનામે હાજર થાઓ: બેથેલ, ૧૨૪ કોલંબિયા હાઇટ્સ, બ્રુકલિન, ન્યૂ યૉર્ક.’

પપ્પા નોકરી પરથી ઘરે આવ્યા ત્યારે મેં તેમને જણાવ્યું કે મને નોકરી મળી. તેમણે કહ્યું, ‘બહુ સરસ! કઈ જગ્યાએ?’ મેં જવાબ આપ્યો, ‘બ્રુકલિન બેથેલમાં, મહિને ૧૦ ડોલરના પગારે.’ એ સાંભળીને તેમને થોડોક આંચકો લાગ્યો. પણ તેમણે જણાવ્યું કે, ‘જો, તે જાતે એ નોકરી પસંદ કરી છે, માટે એમાં સફળ થવા બનતું બધું જ કરજે!’ એના થોડા જ વર્ષો પછી તેમણે ૧૯૫૩માં યાંકી સ્ટેડિયમમાં યોજાયેલ સંમેલનમાં બાપ્તિસ્મા લીધું.

મારા પાયોનિયર સાથી આલ્ફ્રેડ નુસ્સરલ્લાહ જોડે

આનંદની વાત હતી કે મારા પાયોનિયર સાથી આલ્ફ્રેડ નુસ્સરલ્લાહને પણ એ સમયે બેથેલમાં બોલાવવામાં આવ્યા. અમે બંને સાથે ત્યાં ગયા. પછીથી, આલ્ફ્રેડનું લગ્ન બહેન જોઆન સાથે થયું. તેઓ બંને ગિલયડ શાળામાં તાલીમ લઈ મિશનરી સેવા આપવા લેબેનન ગયાં અને ત્યાર બાદ પ્રવાસી કામ માટે પાછા અમેરિકા આવ્યાં.

બેથેલમાં મળેલી સોંપણીઓ

બેથેલમાં મને સૌથી પહેલી સોંપણી બાઇન્ડરી વિભાગમાં મળી, જ્યાં હું પુસ્તકો સીવવાનું કામ કરતો. મેં સૌપ્રથમ જે પુસ્તક પર કામ કર્યું એ, વૉટ હ્એઝ રીલીજન ડન ફોર મેનકાઈન્ડ? હતું. એ વિભાગમાં ૮ મહિના કામ કર્યા પછી મને સેવા વિભાગમાં મૂકવામાં આવ્યો, જ્યાં હું ભાઈ થોમસ સુલીવાનના માર્ગદર્શન પ્રમાણે કામ કરતો. તેમની જોડે કામ કરવું એ એક મજાનો અનુભવ રહ્યો. ઘણાં વર્ષોથી સંગઠનમાં હોવાને લીધે તેમને શાસ્ત્રનું ઘણું જ્ઞાન અને ઊંડી સમજણ હતી, જેના લીધે મને પણ ઘણું શીખવા મળ્યું.

સેવા વિભાગમાં ત્રણ વર્ષ વિતાવ્યાં પછી, મને મારા ફૅક્ટરી નિરીક્ષક મેક્સ લારસને કહ્યું કે ભાઈ નોર મને મળવા માંગે છે. મને ચિંતા થવા લાગી કે ‘શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે?’ જોકે, પછી એ જાણીને રાહત થઈ કે ભાઈ ફક્ત એ ખાતરી કરવા માંગતા હતા કે, નજીકના સમયમાં બેથેલ છોડવાની મારી કોઈ યોજના તો નથી. કારણ કે, ઑફિસમાં તેમને થોડા સમય માટે કોઈકની જરૂર હતી. તે જાણવા માંગતા હતા કે શું હું એ કામ કરી શકું. મેં જણાવ્યું કે બેથેલ છોડવાની મારી કોઈ યોજના નથી. પછી તો એમ બન્યું કે, મને ૨૦ વર્ષ સુધી તેમની જોડે કામ કરવાનો લહાવો મળ્યો.

હું ઘણી વાર જણાવું છું કે મને બેથેલમાં એવું શિક્ષણ મળ્યું જે બીજે ક્યાંય, અરે પૈસા આપીને પણ મળ્યું ન હોત. દાખલા તરીકે, ભાઈ સુલીવાન અને નોર, મીલટન હેન્સચલ, ક્લોસ જેનસન, મેક્સ લારસન, હ્યુગો રેમર અને ગ્રાન્ટ સુટર સાથે કામ કરીને હું ઘણું શીખ્યો. *

 સંસ્થા માટે કામ કરનારા જે ભાઈઓ સાથે હું હતો, તેઓની કામ કરવાની રીત બહુ વ્યવસ્થિત હતી. ભાઈ નોર કામ કરતા ક્યારેય થાકતા નહિ. તેમનું બસ એક જ લક્ષ કે, રાજ્યનું કામ બને એટલું આગળ વધે. તેમની સાથે કામ કરનારા લોકો અચકાયા વગર તેમની જોડે વાતચીત કરી શકતા. અરે, તેમના કરતાં અમારો મત જુદો હોય તોપણ અમે અચકાયા વગર જણાવી શકતા અને તે જરાય ખોટું ન લગાડતા.

એકવાર ભાઈ નોરે, નાની નાની બાબતમાં પણ કાળજી રાખવી કેટલી જરૂરી છે એના પર ભાર મૂકતા મને વાત કરી હતી. એ સમજાવતા તેમણે દાખલો આપ્યો કે જ્યારે તે ફૅક્ટરી નિરીક્ષક હતા, ત્યારે ભાઈ રધરફર્ડ તેમને ફોન કરી જણાવતા કે ‘ભાઈ નોર, તમે ફૅક્ટરીથી જમવા આવો ત્યારે પેન્સિલનાં થોડાં રબર લેતા આવજો. ઑફિસમાં મને એની જરૂર છે.’ ભાઈ નોરે મને જણાવ્યું કે તેમણે બીજી બધી બાબતો બાજુમાં મૂકી અને પહેલા સપ્લાય રૂમમાં જઈને થોડા રબર પોતાના ખિસ્સામાં મૂક્યાં, જેથી બપોરે તે ભાઈ રધરફર્ડને આપી શકે. એ વસ્તુ બહુ નાની હતી, પણ ભાઈ રધરફર્ડને બહુ કામ લાગતી. ત્યાર બાદ ભાઈ નોરે મને જણાવ્યું કે: ‘મને અણી કરેલી પેન્સિલો કામ લાગે છે. તેથી, દર સવારે એને અણી કરીને મૂકજો.’ નોર જોડે વર્ષો સુધીનાં કામ દરમિયાન મેં હંમેશાં ખાતરી રાખી કે તેમની પેન્સિલોને અણી હોય.

ભાઈ નોર ઘણી વાર ભાર મૂકતા કે આપણને કોઈ કામ કરવા માહિતી આપવામાં આવે ત્યારે, એ ધ્યાનથી સાંભળવી ખૂબ જરૂરી છે. એકવાર તેમણે મને કોઈ બાબત કરવા કહી અને એને હાથ ધરવાની રીત પણ વિગતવાર જણાવી. પરંતુ, હું ધ્યાનથી સાંભળવાનું ચૂકી ગયો અને ભૂલ કરી બેઠો, જેના પરિણામે ભાઈ નોર શરમમાં મુકાયા. મને ખૂબ જ ખરાબ લાગ્યું અને મેં તેમને ભૂલ બદલ દિલગીર હોવાનો ટૂંકો પત્ર લખ્યો. એમાં એમ પણ લખ્યું કે તમારી ઑફિસમાંથી મને બીજે ક્યાંક મૂકવામાં આવે એ સારું રહેશે. એ સવારે ભાઈ નોર ઑફિસમાં મારી પાસે આવ્યા અને કહ્યું, ‘રોબર્ટ, મને તમારો પત્ર મળ્યો. ખરું કે, તમે ભૂલ કરી છે, પણ હવે એ વિશે આપણી વાત થઈ ગઈ અને મને ખાતરી છે કે હવે પછી તમે એ બાબતમાં ખાસ ધ્યાન રાખશો. ચાલો હવે પાછા કામે લાગીએ.’ તેમના એ પ્રેમાળ વર્તન માટે મને ખૂબ કદર થઈ.

લગ્નની ઇચ્છા

આઠ વર્ષ સેવા આપ્યા પછી પણ મારો ધ્યેય બેથેલમાં રહેવાનો જ હતો. જોકે, પછી એ બદલાયો. વર્ષ ૧૯૫૮માં, યાંકી સ્ટેડિયમ અને પોલો ગ્રાઉનડ્સમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં હું લોરેન બ્રુક્સને મળ્યો. તેને હું પહેલી વાર ૧૯૫૫માં મળ્યો હતો ત્યારે તે કૅનેડાના મૉંટ્રિઑલ વિસ્તારમાં પાયોનિયરીંગ કરતી હતી. પૂરા સમયની સેવા પ્રત્યે લોરેનનું વલણ અને યહોવાનું સંગઠન જ્યાં લઈ જાય ત્યાં જવાની તેની તૈયારી મારા દિલને સ્પર્શી ગઈ. તેનો ધ્યેય ગિલયડ શાળામાં તાલીમ લેવાનો હતો. તેને ૧૯૫૬માં ૨૨ વર્ષની ઉંમરે ગિલયડના ૨૭મા વર્ગમાં આવવાનું આમંત્રણ મળ્યું હતું. પછી, તેને બ્રાઝિલમાં મિશનરી સેવા સોંપવામાં આવી. વર્ષ ૧૯૫૮માં હું અને લોરેન એકબીજાને સારી રીતે ઓળખવા લાગ્યાં અને તેણે લગ્ન માટેની મારી માંગણી પણ સ્વીકારી. અમે એ પછીના વર્ષે લગ્ન કરી લેવાનો અને બને તો મિશનરી સેવામાં સાથે જવાનો વિચાર કર્યો.

એ વિશે મેં ભાઈ નોરને જણાવ્યું તો, તેમણે મને ત્રણ વર્ષ રાહ જોવાની અને પછી લગ્ન કરી બ્રુકલિન બેથેલમાં સેવા  આપવાની સલાહ આપી. એ સમયે, લગ્ન પછી પણ યુગલે બેથેલમાં રહેવું હોય તો, જરૂરી હતું કે બંનેમાંથી કોઈ એક ૧૦ વર્ષ કે એથી વધુ અને બીજું ઓછાંમાં ઓછાં ૩ વર્ષથી બેથેલમાં હોય. તેથી, અમે લગ્ન કરીએ એ પહેલાં લોરેન બે વર્ષ બ્રાઝિલ બેથેલમાં અને પછી એક વર્ષ બ્રુકલિન બેથેલમાં સેવા આપવા તૈયાર થઈ.

સગાઈ પછીના બે મહિના અમે ફક્ત પત્રો દ્વારા સંપર્કમાં હતાં. તે સમયે ટેલીફોન કરવો બહુ મોંઘો પડતો અને આજની જેમ ઈમેઈલની ત્યારે કોઈ સગવડ ન હતી. સપ્ટેમ્બર ૧૬, ૧૯૬૧માં અમારા લગ્ન થયા, જેમાં ભાઈ નોરે ટૉક આપી. એ અમારા માટે મોટો લહાવો હતો. અમારાં લગ્ન જીવનને ૫૦થી વધુ વર્ષ થયાં છે. ખરું કે, લગ્ન માટે અમને થોડી રાહ જોવી પડી. પરંતુ, લગ્નજીવનમાં જે ખુશીઓ અમને મળી એની સામે રાહ જોવાનો એ સમયગાળો કંઈ જ ન કહેવાય!

અમારા લગ્નનો દિવસ. ડાબી બાજુથી: ભાઈ નાથાન એચ. નોર, પેટ્રેશીઆ બ્રુક્સ (લોરેનનાં બહેન), લોરેન અને હું, કરટીસ જોનસન, ફાયે અને રોય વોલન (મારાં માતા-પિતા)

સેવામાં જુદા જુદા લહાવા

વર્ષ ૧૯૬૪માં મને ઝોન નિરીક્ષક તરીકે બીજા દેશોની મુલાકાત લેવાનો લહાવો મળ્યો. એ સમયમાં, પ્રવાસી નિરીક્ષકોએ પત્ની સાથે જવાની ગોઠવણ ન હતી. વર્ષ ૧૯૭૭માં એમાં ફેરફાર થયો અને પછી નિરીક્ષક ભાઈઓની સાથે પત્નીઓ પણ જવા લાગી. એ વર્ષે મને અને લોરેનને બીજી એક તક મળી. અમે ભાઈ ગ્રાન્ટ અને તેમની પત્ની એડીથ સુટર સાથે જુદા જુદા દેશોની શાખા કચેરીઓની મુલાકાત લીધી. જેમ કે, જર્મની, ઑસ્ટ્રીયા, ગ્રીસ, સાઇપ્રસ, તુર્કી અને ઈસ્રાએલની શાખાઓ. અત્યાર સુધી મેં દુનિયા ફરતે ૭૦ જેટલા દેશોની મુલાકાત લીધી છે.

વર્ષ ૧૯૮૦માં અમને બ્રાઝિલ જવાનો લહાવો મળ્યો, જ્યાં અમે બેલેમ શહેરની મુલાકાત પણ લીધી. એ શહેર ભૂમધ્યરેખા પર આવેલું છે અને વર્ષો પહેલાં ત્યાં લોરેને મિશનરી સેવા આપી હતી. અમે માનોસ નામના વિસ્તારનાં ભાઈ-બહેનોની પણ મુલાકાત લીધી. એકવાર, ત્યાંના એક સ્ટેડિયમમાં પ્રવચન આપવામાં આવી રહ્યું હતું ત્યારે અમુક ભાઈ-બહેનોનું એક જૂથ જુદું બેઠું હતું. બ્રાઝિલમાં કોઈને પહેલી વાર મળતા હોય તો બહેનોને ચુંબન અને ભાઈઓને હાથ મિલાવીને ખબર-અંતર પૂછવાનો રિવાજ છે. અમે જોયું કે એ જૂથ બ્રાઝિલના રિવાજ પ્રમાણે હળી-મળી રહ્યું નથી. શા માટે?

આપણાં એ વહાલાં ભાઈ-બહેનો રક્તપિત્ત લોકોના વિસ્તારમાં રહે છે, જે એમેઝોનના ગાઢ જંગલોમાં આવેલો છે. કોઈ પણ રીતે ક્યાંક બીજાઓને ચેપ ન લાગી જાય માટે તેઓ ભાઈ-બહેનોને સ્પર્શ કરતા ન હતાં. જોકે, તેઓ અમારા દિલને સ્પર્શી ગયાં અને તેઓના એ હસતા ચહેરા ક્યારેય નહિ ભૂલાય! ખરેખર, યશાયાના આ શબ્દો કેટલા સાચા છે: “જુઓ, મારા સેવકો હૃદયના ઉમળકાથી હર્ષનાદ કરશે.”—યશા. ૬૫:૧૪.

જીવનમાં હેતુ અને અઢળક આશીર્વાદો

યહોવાની સેવામાં અમારાં ૬૫ વર્ષો વિશે લોરેન અને હું ઘણી વાર વિચારીએ છીએ. અમે ઘણાં ખુશ છીએ કે યહોવાએ પોતાના સંગઠન દ્વારા અમને દોર્યાં છે. અમે એ માર્ગદર્શન પ્રમાણે કર્યું માટે અમને ઘણા આશીર્વાદો મળ્યા છે. હવે હું પહેલાંની જેમ દુનિયા ફરતે પ્રવાસ કરી શકતો નથી. જોકે, નિયામક જૂથની કોઑર્ડિનેટર સમિતિ અને સેવા સમિતિના કામમાં મદદનીશ તરીકે સેવા આપી શકું છું. એ રીતે, દુનિયા ફરતેનાં ભાઈ-બહેનોના કામમાં ટેકો આપવો મારા માટે મોટો લહાવો છે, જેની હું દિલથી કદર કરું છું! આજનાં ઘણા જુવાન ભાઈ-બહેનોને યશાયા જેવું વલણ બતાવતાં જોઈ અમને બંનેને ખૂબ આનંદ થાય છે. યશાયાની જેમ તેઓ પણ જાણે કહે છે: “હું આ રહ્યો; મને મોકલ.” (યશા. ૬:૮) એ ભાઈ-બહેનોનું મોટું ટોળું જાણે વર્ષો પહેલાં સરકીટ નિરીક્ષકે કહેલાં આ શબ્દો સાચા પાડે છે: ‘પૂરા સમયની સેવા શરૂ કરવામાં જરાય વાર ન કર. તું જાણતો નથી કે એ તને ક્યાં લઈ જશે!’

^ ફકરો. 20 આ ભાઈઓના જીવન અનુભવો વિશે વાંચવા ધ વૉચટાવરના આ અંક જુઓ: થોમસ જે. સુલીવાન (ઑગસ્ટ ૧૫, ૧૯૬૫); ક્લોસ જેનસન (ઑક્ટોબર ૧૫, ૧૯૬૯); મેક્સ લારસન (સપ્ટેમ્બર ૧, ૧૯૮૯); હ્યુગો રેમર (સપ્ટેમ્બર ૧૫, ૧૯૬૪) અને ગ્રાન્ટ સુટર (સપ્ટેમ્બર ૧, ૧૯૮૩).