સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘તેમની ઇચ્છા પૂરી કરવી, એ મારું અન્ન છે’

‘તેમની ઇચ્છા પૂરી કરવી, એ મારું અન્ન છે’

તમને કઈ બાબતમાં વધુ આનંદ મળે છે? લગ્નજીવન માણવામાં, કુટુંબનો ઉછેર કરવામાં, કે પછી દોસ્તો સાથે સમય પસાર કરવામાં? તમારામાંથી અમુક એવા પણ હશે, જેઓને સગાં-વહાલાઓને જમાડવામાં ઘણો આનંદ આવે છે. જોકે, યહોવાના ભક્તો તરીકે આપણને તેમની ઇચ્છા પૂરી કરવામાં, બાઇબલનો વ્યક્તિગત અભ્યાસ કરવામાં અને ખુશખબર ફેલાવવામાં સૌથી વધારે આનંદ મળે છે.

રાજા દાઊદે ઈશ્વરનો મહિમા ગાતા કહ્યું: ‘હે મારા ઈશ્વર, તમારી ઇચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું; તમારો નિયમ મારા હૃદયમાં છે.’ (ગીત. ૪૦:૮) દાઊદના જીવનમાં ઘણી મુશ્કેલીઓ અને દબાણો આવ્યાં હતાં. એવા સંજોગોમાં પણ તેમને ઈશ્વરની ઇચ્છા પૂરી કરવામાં આનંદ આવતો. તેમના જેવા બીજા ઈશ્વરભક્તો પણ હતા, જેઓને યહોવાની ભક્તિ કરવામાં આનંદ મળતો.

પ્રેરિત પાઊલે ગીતશાસ્ત્ર ૪૦:૮ના શબ્દોનો ઉપયોગ મસીહ અથવા ખ્રિસ્ત માટે કર્યો. પાઊલે લખ્યું: ‘એ માટે જગતમાં આવીને ઈસુ કહે છે, “તમે બલિદાન તથા અર્પણની ઇચ્છા રાખી નહિ, પણ મારે માટે તમે શરીર તૈયાર કર્યું છે. દહનીયાર્પણથી તથા પાપાર્થાર્પણથી તમે કંઈ ખુશ થતા નથી. ત્યારે મેં કહ્યું કે હે ઈશ્વર, જુઓ, (શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખેલું છે) તમારી ઇચ્છા પૂરી કરવાને હું આવ્યો!”’—હિબ્રૂ ૧૦:૫-૭.

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે સૃષ્ટિને નિહાળવામાં, મિત્રો સાથે સમય વિતાવવામાં અને લોકો સાથે જમવામાં તેમને ઘણો આનંદ મળતો. (માથ. ૬:૨૬-૨૯; યોહા. ૨:૧, ૨; ૧૨:૧, ૨) જોકે, તેમને ઈશ્વરની ઇચ્છા પૂરી કરવામાં ખાસ આનંદ મળતો. ઈસુએ કહ્યું: ‘જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પૂરી કરવી અને તેમનું કામ પૂરું કરવું, એ મારું અન્ન છે.’ (યોહા. ૪:૩૪; ૬:૩૮) ઈસુ પાસેથી તેમના શિષ્યો પણ ખરા આનંદની ચાવી જાણી શક્યા. એના લીધે, તેઓ રાજી-ખુશીથી અને પૂરા ઉત્સાહથી રાજ્યની ખુશખબર બીજાઓને જણાવી શક્યા.—લુક ૧૦:૧, ૮, ૯, ૧૭.

‘જઈને શિષ્ય બનાવો’

ઈસુએ પોતાના શિષ્યોને આજ્ઞા આપી કે ‘તમે જઈને સર્વ દેશના લોકોને શિષ્ય કરો. પિતા, પુત્ર અને પવિત્ર શક્તિના નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.’ (માથ. ૨૮:૧૯, ૨૦) એ આજ્ઞા પ્રમાણે કરવાનો અર્થ થાય કે જ્યાં જ્યાં લોકો મળે ત્યાં ત્યાં તેઓને સંદેશો જણાવીએ. રસ બતાવનાર  વ્યક્તિની ફરી મુલાકાત કરીએ અને બાઇબલ અભ્યાસ શરૂ કરીએ. એ કામ કરવામાં જ ખરો આનંદ મળશે.

ભલે કોઈ સાંભળે નહિ, તોપણ આપણે પ્રેમને લીધે ખુશખબર જણાવવા પ્રેરાઈએ છીએ

ભલે લોકો આપણો સંદેશો સાંભળે કે ન સાંભળે, જો આપણે પ્રચારકાર્ય પ્રત્યે યોગ્ય વલણ રાખીશું તો આનંદ જાળવી શકીશું. અમુક લોકો રસ ન બતાવે, તોપણ આપણે સંદેશો ફેલાવવાના અને શિષ્યો બનાવવાના કામમાં શા માટે લાગુ રહેવું જોઈએ? કારણ કે આપણે ઈશ્વર અને પડોશીઓને પ્રેમ કરીએ છીએ. ઉપરાંત, આપણે જાણીએ છીએ કે આપણું અને પડોશીઓનું જીવન ખતરામાં છે. (હઝકી. ૩:૧૭-૨૧; ૧ તીમો. ૪:૧૬) તેથી, ચાલો આપણે એવાં અમુક મુદ્દા પર વિચાર કરીએ, જેનાથી ઘણાં ભાઈ-બહેનોને મુશ્કેલ વિસ્તારોમાં પણ ઉત્સાહ જાળવી રાખવા મદદ મળી છે.

દરેક તકનો ઉપયોગ કરીએ

સંદેશો જણાવતી વખતે યોગ્ય સવાલોનો ઉપયોગ કરવાથી સારાં પરિણામો આવે છે. બહેન ઍમીલીનો દાખલો જોઈએ. તે એક સવારે બાગમાં ગયાં અને તેમની નજર ન્યૂઝપેપર વાંચતી એક વ્યક્તિ પર પડી. બહેને તેમની પાસે જઈને પૂછ્યું કે, ‘શું તમને કોઈ સારી ખબર વાંચવા મળી?’ વ્યક્તિએ ના પાડી ત્યારે બહેને કહ્યું, ‘હું તમારા માટે ઈશ્વરના રાજ્યની ખુશખબર લાવી છું.’ એ વ્યક્તિને રસ જાગ્યો અને તેણે બાઇબલ અભ્યાસ કરવાની હા પાડી. ઍમીલીએ એ બાગમાં ત્રણ બાઇબલ અભ્યાસ શરૂ કર્યા.

બહેન જેનિસે પોતાના કામના સ્થળને પ્રચાર વિસ્તાર બનાવ્યો છે. એ જગ્યાએ કામ કરતા ચોકીદાર અને તેના સાથીએ ચોકીબુરજના એક અંકમાં રસ બતાવ્યો. જેનિસે તેઓને નિયમિત રીતે મૅગેઝિન લાવી આપવાનો વાયદો કર્યો. બહેન સાથે કામ કરનાર એક વ્યક્તિને ચોકીબુરજ અને સજાગ બનો!માં આવતા અલગ અલગ વિષયો વાંચવા ગમતા. તેના માટે પણ નિયમિત મૅગેઝિન લાવશે એમ જેનિસે જણાવ્યું. એ જોઈને બીજી એક વ્યક્તિએ પણ મૅગેઝિન માંગ્યાં. સમય જતાં, તે બહેન નોકરી પર ૧૧ લોકોને નિયમિત રીતે મૅગેઝિન આપવાં લાગ્યાં. તે કહે છે, ‘યહોવાનો એ કેટલો મોટો આશીર્વાદ!’

આનંદી વલણ રાખીએ

એક પ્રવાસી નિરીક્ષકે સલાહ આપી કે પ્રકાશકે ઘરમાલિકને ફક્ત એમ કહીને જતું ન રહેવું જોઈએ કે, ‘હું કોઈક બીજા દિવસે આવીશ.’ એના બદલે, તે તેને પૂછી શકે કે: ‘અમે કઈ રીતે બાઇબલ અભ્યાસ ચલાવીએ છીએ એ જોવાનું શું તમને ગમશે?’ અથવા ‘હું ફરી કયા દિવસે આવીને એ વિશે ચર્ચા કરી શકું?’ પ્રવાસી નિરીક્ષકે જણાવ્યું કે જે મંડળમાં તે સેવા આપે છે ત્યાંનાં ભાઈ-બહેનોએ એ રીત અપનાવીને એક જ અઠવાડિયામાં ૪૪ બાઇબલ અભ્યાસ શરૂ કર્યા.

પહેલી વાર મળ્યા પછી જલદી જ અથવા થોડા જ દિવસોમાં ફરી મુલાકાત કરવાથી ઘણો ફાયદો થાય છે. શા માટે? કારણ કે એમ કરીને બતાવીએ છીએ કે આપણને નમ્ર દિલના લોકોને બાઇબલ શીખવવામાં રસ છે. એક સ્ત્રીને પૂછવામાં આવ્યું કે તે શા માટે યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરે છે. તેણે જવાબમાં જણાવ્યું: ‘તેઓ ખરેખર મારી ફિકર કરે છે અને પ્રેમ કરે છે, માટે હું તેઓ સાથે અભ્યાસ કરું છું.’

તમે ઘરમાલિકને પૂછી શકો: ‘અમે કઈ રીતે બાઇબલ અભ્યાસ ચલાવીએ છીએ એ જોવાનું, શું તમને ગમશે?’

 પાયોનિયર શાળામાં ભાગ લીધા પછી થોડાં જ વખતમાં બહેન માડૅઈ ૧૫ બાઇબલ અભ્યાસ ચલાવવાં લાગ્યાં. ઉપરાંત, તેમણે બીજા પાંચ અભ્યાસ મંડળનાં ભાઈ-બહેનોને સોંપ્યા હતા. તેમના ઘણા બાઇબલ વિદ્યાર્થીઓ નિયમિત રીતે સભાઓમાં પણ આવવા લાગ્યા. તે આટલા બધા બાઇબલ અભ્યાસ કઈ રીતે મેળવી શક્યાં? પાયોનિયર શાળામાં તેમને શીખવા મળ્યું કે રસ ધરાવતી વ્યક્તિ પાછી ન મળે ત્યાં સુધી ફરી મુલાકાત કરતા રહેવું જોઈએ. બીજાં એક સાક્ષી બહેને ઘણી વ્યક્તિઓને બાઇબલ સત્ય શીખવા મદદ કરી છે. તે જણાવે છે, ‘ફરી મુલાકાત કરતા રહેવાથી હું એવા લોકોને મદદ કરી શકી છું, જેઓને ઈશ્વર યહોવા વિશે જાણવું છે.’

નક્કી કરેલા સમયે ફરી મુલાકાત કરીને આપણે બતાવીએ છીએ કે જેઓને બાઇબલ શીખવું છે, તેઓમાં આપણને રસ છે

ફરી મુલાકાત કરવા અને બાઇબલ અભ્યાસ ચલાવવા મહેનત લાગે છે. તેમ છતાં, એ બધી મહેનત કરતાં મોટું એનું ઇનામ હોય છે. રાજ્યની ખુશખબર જાહેર કરવામાં વ્યસ્ત રહીને આપણે બીજાઓને “સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત” કરવા મદદ કરીએ છીએ. (૧ તીમો. ૨:૩, ૪) એમ કરવાથી આપણને એવો સંતોષ અને આનંદ મળે છે, જેના તોલે કંઈ ન આવે.