સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સંગઠન સાથે, શું તમે આગળ વધી રહ્યા છો?

યહોવાના સંગઠન સાથે, શું તમે આગળ વધી રહ્યા છો?

“ન્યાયીઓ પર પ્રભુની [યહોવાની] નજર છે.”—૧ પીત. ૩:૧૨.

૧. યહોવાએ બેવફા ઈસ્રાએલીઓની જગ્યાએ કોની પસંદગી કરી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

પ્રથમ સદીમાં ખ્રિસ્તી મંડળની સ્થાપના અને હાલના સમયમાં સાચી ભક્તિની ફરી શરૂઆત કરવાનો જશ તો યહોવાને જ જાય છે. અગાઉના લેખમાં આપણે જોઈ ગયા કે ઈસ્રાએલીઓ બેવફા બની ગયા હતા. તેથી, સંગઠન માટે યહોવાએ તેઓની જગ્યાએ ઈસુ ખ્રિસ્તના શરૂઆતના અનુયાયીઓની પસંદગી કરી. આ નવું સંગઠન ઈ.સ. ૭૦માં થયેલા યરૂશાલેમના વિનાશમાંથી યહોવાની ઘણી કૃપાને લીધે બચી ગયું. (લુક ૨૧:૨૦, ૨૧) પ્રથમ સદીમાં બનેલા એ બનાવો, યહોવાના આજના ભક્તો સાથે બનનાર બનાવોની જાણે પૂર્વ છાયા હતા. શેતાનની દુનિયાનો અંત જલદી જ આવશે, જ્યારે કે ઈશ્વરનું સંગઠન છેલ્લા દિવસોમાં પણ ટકી રહેશે. (૨ તીમો. ૩:૧) આપણે શા માટે એવી ખાતરી રાખી શકીએ?

૨. “મોટી વિપત્તિ” વિશે ઈસુએ શું કહ્યું અને એ કઈ રીતે શરૂ થશે?

ઈસુએ છેલ્લા સમય વિશે જણાવતા કહ્યું: ‘તે ઘડી એવી મોટી વિપત્તિ આવી પડશે કે એના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી અને કદી થશે પણ નહિ.’ (માથ. ૨૪:૩, ૨૧) આવી વિપત્તિની શરૂઆત  “મહાન બાબેલોન” એટલે કે જૂઠા ધર્મોના સામ્રાજ્યના નાશથી થશે. યહોવા એ નાશ દુનિયાની સરકારો દ્વારા કરાવશે. (પ્રકટી. ૧૭:૩-૫, ૧૬) એ પછી, શું બનશે?

શેતાનના હુમલાથી આર્માગેદનની શરૂઆત

૩. જૂઠા ધર્મોનો નાશ થયા પછી, યહોવાના લોકોનું શું થશે?

જૂઠા ધર્મોનો નાશ થયા પછી, શેતાન અને તેનું જગત યહોવાના લોકો પર હુમલો કરશે. દાખલા તરીકે, ‘માગોગ દેશના ગોગ’ વિશે બાઇબલમાં જણાવ્યું છે: ‘તું તારાં સર્વ સૈન્ય અને ઘણી પ્રજાઓ પોતાની સાથે લઈને ચઢશે. તું તોફાનની જેમ આવશે અને તું દેશને ઢાંકી દેનાર વાદળ જેવો થશે.’ એવું લાગશે જાણે યહોવાના શાંતિપ્રિય લોકો પાસે કોઈ રક્ષણ નથી, માટે તેઓ પર સહેલાઈથી હુમલો થઈ શકે છે. પરંતુ, તેઓ પર હુમલો કરવો કેટલો મૂર્ખામીભર્યો સાબિત થશે!—હઝકી. ૩૮:૧, ૨, ૯-૧૨.

૪, ૫. ઈશ્વરભક્તો પર કરેલા શેતાનના હુમલાનો જવાબ ઈશ્વર કઈ રીતે આપશે?

ઈશ્વરભક્તોનો નાશ કરવાનો પ્રયત્ન કરનાર શેતાનને ઈશ્વર કેવો જવાબ આપશે? આખા વિશ્વના માલિક યહોવા અધિકારથી પોતાના લોકોનો બચાવ કરશે. તેમના લોકો પર થયેલા હુમલાને તે પોતાના પર થયેલો હુમલો ગણશે. (ઝખાર્યા ૨:૮ વાંચો.) તેથી, યહોવા આપણને બચાવવા તરત પગલાં ભરશે. તે આર્માગેદનમાં શેતાનની દુનિયાનો પૂરેપૂરો નાશ કરશે, જે “સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈ” છે. આમ, તે આપણો કાયમી છુટકારો કરશે.—પ્રકટી. ૧૬:૧૪, ૧૬.

આર્માગેદન વિશે બાઇબલની ભવિષ્યવાણી કહે છે: ‘વિદેશીઓની સાથે યહોવા વિવાદ કરે છે, તે સર્વ મનુષ્યજાતિનો ન્યાય કરશે; જે દુષ્ટ છે તેઓને તે તરવારને સ્વાધીન કરશે. સૈન્યોનો ઈશ્વર યહોવા કહે છે કે “જુઓ, વિપત્તિ દેશેદેશ ફેલાશે અને પૃથ્વીને છેક છેડેથી મોટી આંધી ઊઠશે. તે દિવસે યહોવાથી નાશ કરાયેલા લોકો પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી દેખાઈ આવશે. તેઓને માટે રડાપીટ થશે નહિ અને તેઓને ભેગા કરીને દાટવામાં આવશે નહિ. તેઓ ભૂમિની સપાટી પર પડી રહીને ખાતરરૂપ થઈ જશે.”’ (યિર્મે. ૨૫:૩૧-૩૩) આર્માગેદન દ્વારા દુષ્ટ દુનિયાનો અંત આવશે. જ્યારે કે, યહોવાના સંગઠનના પૃથ્વી પરના ભાગનો બચાવ થશે.

યહોવાનું સંગઠન શા માટે વૃદ્ધિ કરી રહ્યું છે

૬, ૭. (ક) મોટી સભામાં લોકો ક્યાંના છે? (ખ) હાલનાં વર્ષોમાં કેવો વધારો જોવા મળ્યો છે?

યહોવાનું સંગઠન પૃથ્વી પર વૃદ્ધિ કરી રહ્યું છે કેમ કે, એમાં તેમની કૃપા પામેલા લોકો છે. બાઇબલ આપણને ખાતરી આપે છે: “ન્યાયીઓ પર પ્રભુની [યહોવાની] નજર છે; અને તેઓની પ્રાર્થનાઓ તેને કાને પડે છે.” (૧ પીત. ૩:૧૨) એ ન્યાયી લોકોમાં “એક મોટી સભા”ના લોકોનો પણ સમાવેશ થાય છે, “જેઓ મોટી વિપત્તિમાંથી” બચી જશે. (પ્રકટી. ૭:૯, ૧૪) બચી જનારાઓ ફક્ત “સભા” નહિ, તેઓ “એક મોટી સભા” કહેવાયા છે, જેમાં ઘણા બધા લોકો હશે. શું તમે “મોટી વિપત્તિમાંથી” બચી જનારમાંના એક તરીકે પોતાને જુઓ છો?

મોટી સભામાં દુનિયાના ખૂણે ખૂણેથી આવેલા લોકો છે. તેઓને પ્રચારકાર્ય દ્વારા ભેગા કરવામાં આવ્યા છે. એના વિશે ઈસુએ ભાખ્યું હતું: ‘સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે અને ત્યારે જ અંત આવશે.’ (માથ. ૨૪:૧૪) તેથી, આ છેલ્લા દિવસોમાં ઈશ્વરના સંગઠનનું મુખ્ય કામ રાજ્યની ખુશખબર ફેલાવવાનું છે. એના પરિણામે લાખો લોકો યહોવાની ભક્તિ ‘પવિત્ર શક્તિથી અને સત્યતાથી’ કરે છે. (યોહા. ૪:૨૩, ૨૪) દાખલા તરીકે, ૨૦૦૩થી ૨૦૧૨નાં સેવા વર્ષોમાં ૨૭,૦૭,૦૦૦ લોકોએ યહોવાને સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું છે. આજે દુનિયા  ફરતે ૭૯,૦૦,૦૦૦ કરતાં પણ વધારે સાક્ષીઓ છે. ઉપરાંત, દર વર્ષે લાખોની સંખ્યામાં બીજા લોકો પણ સ્મરણપ્રસંગે હાજરી આપે છે. એનો જશ આપણે લેતા નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે ‘ઈશ્વર વૃદ્ધિ આપે’ છે. (૧ કોરીં. ૩:૫-૭) જોઈ શકાય કે, વર્ષો વીતે છે તેમ મોટી સભા, મોટી ને મોટી થતી જ જાય છે.

૮. શાના લીધે યહોવાના સંગઠનમાં નોંધવા લાયક વધારો થઈ રહ્યો છે?

ઈશ્વરભક્તોની સંખ્યામાં નોંધવા લાયક વધારો જોવા મળે છે, કેમ કે યહોવા પોતાના લોકોને સાથ આપી રહ્યા છે. (યશાયા ૪૩:૧૦-૧૨ વાંચો.) એ વધારા વિશે યશાયાએ ભાખ્યું હતું, “છેક નાનામાંથી હજાર થશે, ને જે નાનકડો છે તે બળવાન પ્રજા થશે; હું યહોવા ઠરાવેલે સમયે તે જલદી કરીશ.” (યશા. ૬૦:૨૨) એક સમયે, પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તો ‘ઘણી નાની’ સંખ્યામાં હતા. પરંતુ, પ્રચારકાર્ય પર ઈશ્વરનો આશીર્વાદ હોવાથી બીજા અભિષિક્તો પણ સંગઠનમાં ભેગા કરાયા. (ગલા. ૬:૧૬) યહોવાના આશીર્વાદને કારણે, વર્ષો દરમિયાન મોટી સભામાં પણ વધારો થઈ રહ્યો છે.

યહોવા આપણી પાસેથી શું ચાહે છે

૯. સારા ભાવિ વિશે યહોવાના વચનનો અનુભવ કરવા આપણે શું કરવું જોઈએ?

આપણે ભલે અભિષિક્ત હોઈએ કે પછી મોટી સભામાંના એક, આપણે બધા સારા ભાવિ વિશે યહોવાના વચનનો અનુભવ કરી શકીએ છીએ. જોકે, એમ કરવા આપણને યહોવા જે ઇચ્છે છે એ પ્રમાણે કરવું પડે. (યશા. ૪૮:૧૭, ૧૮) દાખલા તરીકે, યહોવા ઇચ્છતા હતા કે તેમના નિયમ પ્રમાણે ઈસ્રાએલીઓ ચાલે. એમ કરવાથી તેઓનું જ રક્ષણ થવાનું હતું. ઉપરાંત, એમાંથી તેઓ શીખતા કે કઈ રીતે કુટુંબ સુખી બનાવવું, સારા મિત્રો પસંદ કરવા, પ્રમાણિકતાથી વેપાર કરવો અને બીજાઓ સાથે દયાથી વર્તવું. (નિર્ગ. ૨૦:૧૪; લેવી. ૧૯:૧૮, ૩૫-૩૭; પુન. ૬:૬-૯) આજે પણ યહોવાની આજ્ઞા પ્રમાણે કરવાથી આપણને ફાયદા થાય છે. આપણને તેમની આજ્ઞા બોજરૂપ લાગતી નથી. (૧ યોહાન ૫:૩ વાંચો.) અરે, હકીકતમાં તો, જેમ ઈસ્રાએલીઓને યહોવાના નિયમ પાળવાથી રક્ષણ મળતું, તેમ આપણને પણ રક્ષણ મળે છે. એટલું જ નહિ, તેમની આજ્ઞાઓ અને સિદ્ધાંતો પાળીને આપણે “વિશ્વાસમાં દૃઢ” બનીએ છીએ.—તીત. ૧:૧૩, IBSI.

૧૦. બાઇબલ દરરોજ વાંચવા અને દર અઠવાડિયે કુટુંબ તરીકેની ભક્તિ કરવા શા માટે નિયમિત સમય ફાળવવો જોઈએ?

૧૦ યહોવાના સંગઠનનો પૃથ્વી પરનો ભાગ ઘણી રીતે આગળ વધી રહ્યો છે. જેમ કે, બાઇબલ સત્યની સમજણ વધુ ને વધુ સ્પષ્ટ થતી જાય છે. એમ થવું બાઇબલના આ વચનને પૂરું કરે છે: ‘સદાચારીનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે, જે બપોર થતાં સુધી વધતો ને વધતો જાય છે.’ (નીતિ. ૪:૧૮) આપણે આ સવાલો પર વિચાર કરવો મહત્ત્વનો છે: “શું બાઇબલ સત્યની સમજણોમાં આવેલા સુધારાથી હું વાકેફ છું? શું બાઇબલ દરરોજ વાંચવાની મેં ટેવ બનાવી છે? શું હું આપણા નવા સાહિત્યને વાંચવા તત્પર રહું છું? શું હું અને મારા સ્નેહીજનો કુટુંબ તરીકેની ભક્તિ દર અઠવાડિયે કરીએ છીએ?” આપણામાંના ઘણા સહમત થશે કે એ બધું કરવું અઘરું નથી. એ માટે તો બસ, અગાઉથી સમય ફાળવી રાખવાની જરૂર છે. બાઇબલનું સાચું જ્ઞાન લેવું, એને લાગુ પાડવું અને સંગઠન સાથે આગળ વધવું ઘણું મહત્ત્વનું છે. ખાસ કરીને આજના સમયમાં જ્યારે મોટી વિપત્તિ બહુ જ નજીક છે!

૧૧. પ્રાચીન સમયનાં પર્વો અને આજના સમયમાં થતાં સંમેલનો અને સભાઓથી કઈ રીતે ફાયદા મળે છે?

૧૧ યહોવાનું સંગઠન આપણા ભલા માટે સલાહ-સૂચનો આપે છે. તેથી, એ આપણને પ્રેરિત પાઊલની આ સલાહ પ્રમાણે કરવા ઉત્તેજન આપે છે: “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ  ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. જેમ કેટલાએક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તમે તે દહાડો પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો.” (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) પ્રાચીન ઈસ્રાએલીઓ યહોવાની ભક્તિ કરવા અને તેમનાં સૂચનો મેળવવાં પર્વોમાં નિયમિત ભેગા થતા. ઉપરાંત, આવાં પર્વો આનંદી પ્રસંગો હતા. જેમ કે, નહેમ્યાના સમયમાં ઉજવાયેલું માંડવાપર્વ. (નિર્ગ. ૨૩:૧૫, ૧૬; નહે. ૮:૯-૧૮) આજે, આપણને સભાઓ અને સંમેલનોમાંથી એવા જ ફાયદા મળે છે. તેથી ચાલો, આપણી ભક્તિ અને આનંદ માટે કરવામાં આવેલી એ જોગવાઈઓનો પૂરો લાભ લઈએ.—તીત. ૨:૨.

૧૨. ખુશખબર જણાવવાના કામ વિશે આપણને કેવું લાગવું જોઈએ?

૧૨ ઈશ્વરના સંગઠનના સભ્યો તરીકે આપણે ‘ઈશ્વરે આપેલ સુસમાચાર પ્રગટ કરવામાં’ આનંદ માણીએ છીએ. (રોમ. ૧૫:૧૬, IBSI) એ કામમાં ભાગ લઈને આપણે યહોવા, જે “પવિત્ર છે,” તેમની “સાથે કામ કરનારા” બનીએ છીએ. (૧ કોરીં. ૩:૯; ૧ પીત. ૧:૧૫) ખુશખબર જણાવીને આપણે યહોવાના પવિત્ર નામને મોટું મનાવીએ છીએ. ‘આનંદી પરમેશ્વરના મહિમાનો શુભસંદેશ’ જણાવવો, એ એક અદ્ભુત લહાવો છે.—૧ તીમો. ૧:૧૧, સંપૂર્ણ.

૧૩. યહોવા સાથે આપણો સંબંધ અને આપણું જીવન શાના પર નિર્ભર કરે છે?

૧૩ યહોવા ચાહે છે કે આપણો તેમની સાથેનો સંબંધ હંમેશાં મજબૂત રહે. તેથી, તે ઇચ્છે છે કે આપણે તેમને અને સંગઠનને વળગી રહીએ. ઈસ્રાએલીઓની જેમ આપણે પણ એક પસંદગી કરવાની છે. મુસાએ તેઓને કહ્યું હતું: ‘હું આજ આકાશને અને પૃથ્વીને તમારી સામે સાક્ષી રાખું છું, કે મેં આજે તમારી આગળ જીવન અને મરણ, આશીર્વાદ અને શાપ મૂક્યાં છે; માટે જીવન પસંદ કરો, કે તમે તથા તમારાં સંતાન જીવતાં રહે: યહોવા તમારા ઈશ્વર પર પ્રીતિ રાખવાનું, તેમની વાણી સાંભળવાનું, ને તેમને વળગી રહેવાનું પસંદ કરો; કેમ કે તે તમારું જીવન અને આયુષ્યની વૃદ્ધિ છે; એ માટે કે જે દેશ તમારા પૂર્વજોને, એટલે ઈબ્રાહીમને, ઈસ્હાકને તથા યાકૂબને આપવાને યહોવાએ તેઓની આગળ સમ ખાધા, તેમાં તમે વાસો કરો.’ (પુન. ૩૦:૧૯, ૨૦) યહોવાની ઇચ્છા પ્રમાણે કરવા, તેમના પર પ્રેમ રાખવા અને તેમને વળગી રહેવા પર આપણું જીવન નિર્ભર કરે છે.

૧૪. યહોવાના સંગઠન વિશે એક ભાઈને કેવું લાગ્યું?

૧૪ ભાઈ પ્રાઇસ હ્યુસ મક્કમ રીતે યહોવાને વળગી રહ્યા અને તેમણે સંગઠનને હંમેશાં સાથ આપ્યો. તેમણે લખ્યું હતું: ‘સાલ ૧૯૧૪ના થોડા દિવસો અગાઉ મને યહોવાના હેતુઓ વિશે જાણવા મળ્યું, જેના માટે હું તેમનો ઘણો આભારી છું. મને હંમેશાં એક વાત ખૂબ મહત્ત્વની લાગતી. એ હતી કે, યહોવાના સંગઠનની સાથે ચાલવું. મારા શરૂઆતના અનુભવોમાંથી મને શીખવા મળ્યું કે માણસોના વિચારો પર ભરોસો રાખવામાં જરાય સમજદારી નથી! તેથી, મેં મનમાં ગાંઠ વાળી કે સંગઠનને હંમેશાં વળગી રહીશ. યહોવાની કૃપા અને આશીર્વાદ મેળવવાનો બીજો કયો સારો રસ્તો હોય શકે?’

ઈશ્વરના સંગઠન સાથે આગળ વધતા રહો

૧૫. બાઇબલના અહેવાલમાંથી સમજાવો કે આપણી સમજણમાં સુધારો કરવામાં આવે ત્યારે કેવું વલણ રાખવું જોઈએ.

૧૫ યહોવાની કૃપા અને આશીર્વાદ મેળવવાં, શું કરી શકાય? સંગઠનની સાથે ચાલીએ અને બાઇબલની આપણી સમજણમાં જે સુધારો કરવામાં આવે એને સ્વીકારીએ. આનો વિચાર કરો: ઈસુના મરણ પછી યહુદીમાંથી ખ્રિસ્તી બનેલા હજારોએ, હજી પણ મુસાને અપાયેલા નિયમ પ્રમાણે ચાલવાનો આગ્રહ રાખ્યો. તેઓને એમાંથી મુક્ત થવું અઘરું લાગતું હતું. (પ્રે.કૃ. ૨૧:૧૭-૨૦) જોકે, હિબ્રૂઓને લખેલા પાઊલના  પત્રમાંથી તેઓને મદદ મળી. તેઓએ સ્વીકાર્યું કે ‘નિયમશાસ્ત્ર પ્રમાણે આપવામાં આવેલાં’ બલિદાનોથી નહિ, પણ “ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વાર અર્પણ થયાથી” તેઓને પવિત્ર કરવામાં આવ્યા છે. (હિબ્રૂ ૧૦:૫-૧૦) એમાં કોઈ શંકા નથી કે, તેઓમાંના ઘણાએ પોતાની સમજણમાં સુધારો કર્યો અને ભક્તિમાં આગળ વધ્યા. આપણે પણ બાઇબલનો ખંતથી અભ્યાસ કરીએ અને એને લગતી આપણી સમજણ કે પછી, પ્રચારકાર્યને લગતો કોઈ સુધારો આવે તો એનો ખુલ્લા મને સ્વીકાર કરીએ.

૧૬. (ક) કયા આશીર્વાદોને લીધે નવી દુનિયામાં જીવન એકદમ અદ્ભુત હશે? (ખ) તમે નવી દુનિયામાં શું કરવાની ઇચ્છા રાખો છો?

૧૬ યહોવાને અને તેમના સંગઠનને વફાદાર રહેલા લોકોને તે આશીર્વાદ આપતા રહેશે. વફાદાર અભિષિક્તોને ઈસુ સાથે રાજ કરવાનો અનમોલ લહાવો મળશે. (રોમ. ૮:૧૬, ૧૭) જો આપણને પૃથ્વી પરના જીવનની આશા હોય, તો કલ્પના કરો કે બાગ જેવી સુંદર ધરતી પર રહેવામાં કેવી મજા આવશે! આપણે યહોવાના સંગઠનના ભાગ હોવાથી બીજાઓને નવી દુનિયા વિશે યહોવાનાં વચનો જણાવીએ છીએ. એમાં આપણને કેટલો આનંદ મળે છે! (૨ પીત. ૩:૧૩) ગીતશાસ્ત્ર ૩૭:૧૧ જણાવે છે કે “નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.” એ સમયે લોકો “ઘરો બાંધીને તેઓમાં રહેશે” અને “પોતાના હાથોનાં કામોનાં ફળ” માણી શકશે. (યશા. ૬૫:૨૧, ૨૨) ત્યાં કોઈ જાતનો જુલમ, ગરીબી અને ભૂખમરો નહિ હોય. (ગીત. ૭૨:૧૩-૧૬) મહાન બાબેલોન કોઈને છેતરી નહિ શકે, કેમ કે તેનો નાશ થઈ ચૂક્યો હશે. (પ્રકટી. ૧૮:૮, ૨૧) મરણ પામેલાઓ જીવતા થશે અને તેઓને હંમેશ માટે જીવવાની તક મળશે. (યશા. ૨૫:૮; પ્રે.કૃ. ૨૪:૧૫) ખરેખર, યહોવાને સમર્પણ કરનારા લાખો લોકો માટે કેટલા બધા અદ્ભુત આશીર્વાદો રહેલા છે! આપણે દરેક પોતાના જીવનમાં બાઇબલનાં એ વચનોનો અનુભવ કરવા માંગીશું. એ માટે યહોવા સાથેના સંબંધને મજબૂત કરતા રહીએ અને તેમના સંગઠન સાથે આગળ વધીએ.

શું તમે પોતાને નવી દુનિયામાં જુઓ છો? (ફકરો ૧૬ જુઓ)

૧૭. યહોવાની ભક્તિ અને તેમના સંગઠન પ્રત્યે આપણું વલણ કેવું હોવું જોઈએ?

૧૭ આ જગતનો અંત નજીક હોવાથી, ચાલો આપણે શ્રદ્ધામાં દૃઢ રહીએ. તેમ જ, ભક્તિ માટે યહોવાએ કરેલી ગોઠવણની કદર કરીએ. ઈશ્વરભક્ત દાઊદે પણ એવું જ વલણ બતાવ્યું હતું. તેમણે લખ્યું: ‘યહોવા પાસે મેં એક વરદાન માંગ્યું છે, કે યહોવાનું મંદિર મારા જીવનના બધા દિવસો સુધી મારું નિવાસસ્થાન થાય, જેથી તેમના સૌંદર્યને નિહાળ્યા કરું અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.’ (ગીત. ૨૭:૪) ચાલો, આપણે પણ યહોવાને અને તેમના સંગઠનને વળગી રહીએ.