સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવા વ્યવસ્થાના ઈશ્વર છે

યહોવા વ્યવસ્થાના ઈશ્વર છે

‘ઈશ્વર અવ્યવસ્થાના નહિ, પણ શાંતિના ઈશ્વર છે.’—૧ કોરીં. ૧૪:૩૩.

૧, ૨. (ક) ઈશ્વરે સૌથી પહેલા કોનું સર્જન કર્યું અને તેનો ઉપયોગ કઈ રીતે કર્યો? (ખ) શું બતાવે છે કે દૂતો વ્યવસ્થામાં છે?

આખા વિશ્વના સર્જનહાર યહોવા, બધી બાબતો વ્યવસ્થામાં કરે છે. તેમણે સૌથી પહેલા દીકરા ઈસુનું સર્જન કર્યું, જેમને બાઇબલ “શબ્દ” તરીકે વર્ણવે છે. કારણ કે તે મુખ્ય રીતે યહોવા વતી બોલનારા છે. તેમણે યહોવાની સેવા યુગોના યુગોથી કરી છે, તેથી બાઇબલ કહે છે: “આદિએ શબ્દ હતો, અને શબ્દ ઈશ્વરની સંઘાતે હતો.” ઈસુ વિશે બાઇબલ આમ પણ જણાવે છે: “તેનાથી [શબ્દથી] સઘળું ઉત્પન્ન થયું; એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નહિ.” લગભગ બે હજાર વર્ષ પહેલાં ઈશ્વરે ઈસુને પૃથ્વી પર મોકલ્યા હતા, જ્યાં એક સંપૂર્ણ માણસ તરીકે તેમણે પોતાના પિતાની ઇચ્છા પૂરી કરી.—યોહા. ૧:૧-૩, ૧૪.

પૃથ્વી પર આવ્યા પહેલાં ઈશ્વરના દીકરાએ “કુશળ કારીગર તરીકે” પોતાના પિતાની વફાદારીથી સેવા કરી. (નીતિ. ૮:૩૦) તેમનો ઉપયોગ કરીને યહોવાએ સ્વર્ગમાં લાખો દૂતોનું સર્જન કર્યું. (કોલો. ૧:૧૬) એ દૂતો વિશે બાઇબલ જણાવે છે કે, “હજારોહજાર તેની [યહોવાની] સેવા કરતા હતા, અને લાખો ને લાખો તેની સંમુખ ઊભા રહેલા હતા.” (દાની. ૭:૧૦) અસંખ્ય દૂતો દ્વારા બનેલા પોતાનાં “સૈન્યો”ને યહોવા પૂરી રીતે વ્યવસ્થામાં રાખે છે.—ગીત. ૧૦૩:૨૧.

૩. તારા અને ગ્રહોની સંખ્યા કેટલી છે અને એ બધા કઈ રીતે ગોઠવાયેલા છે?

 યહોવાએ વિશ્વની રચના કરી ત્યારે ગણી ન શકાય એટલા તારા અને ગ્રહો તેમણે બનાવ્યા છે. શું તમે અંદાજ લગાવી શકો કે કેટલા તારા છે? એ વિશે વૈજ્ઞાનિકોએ હાલમાં એક અભ્યાસ કર્યો છે. એનો અહેવાલ આપતા એક ન્યૂઝ પેપર આમ જણાવે છે: ‘વૈજ્ઞાનિકો પહેલાં ધારતા હતા એના કરતાં ત્રણ ગણા વધારે તારા છે. ૩,૦૦૦ અબજ ગુણ્યા ૧૦૦ અબજ તારા, એટલે કે ત્રણની પાછળ ૨૩ શૂન્ય લગાડો એટલા તારા છે.’ (હ્યૂસ્ટન, ટેક્સસનું ક્રૉનિકલ) ઘણા તારા ગોઠવાઈને આકાશગંગા બને છે. એક આકાશગંગામાં કરોડો કે અબજોની સંખ્યામાં તારા ઉપરાંત ઘણા ગ્રહો હોય છે. એવી આકાશગંગાઓ મોટા ભાગે એક સમૂહમાં ગોઠવાયેલી હોય છે. એવાં ઘણાં સમૂહ મળીને મહા-સમૂહો બને છે.

૪. એમ માનવું કેમ વાજબી છે કે પૃથ્વી પરના પોતાના લોકોને યહોવા વ્યવસ્થામાં રાખે?

સ્વર્ગના દૂતો, અંતરિક્ષમાં રહેલા તારા અને ગ્રહો અદ્ભુત રીતે વ્યવસ્થામાં રહે છે. (યશા. ૪૦:૨૬) તેથી, એ માનવું વાજબી છે કે પૃથ્વી પરના પોતાના લોકોને પણ યહોવા વ્યવસ્થામાં રાખે. તે ઇચ્છે છે કે તેમના લોકો પણ વ્યવસ્થા જાળવે, કેમ કે તેઓએ પણ ઘણું મહત્ત્વનું કામ કરવાનું છે. હજારો વર્ષોનો ઇતિહાસ બતાવે છે કે યહોવાએ તેમના ભક્તોને હંમેશાં વ્યવસ્થામાં રાખ્યા છે, જેથી તેઓ વફાદારીથી તેમની સેવા કરી શકે. એ પુરાવો આપે છે કે યહોવા તેઓની સાથે રહ્યા છે અને ‘તે અવ્યવસ્થાના નહિ, પણ શાંતિના ઈશ્વર છે.’—૧ કોરીંથી ૧૪:૩૩, ૪૦ વાંચો.

પ્રાચીન સમયના ભક્તોને યહોવા વ્યવસ્થામાં લાવ્યા

૫. ઈશ્વરના પૃથ્વી વિશેના હેતુમાં કઈ રીતે અડચણ આવી?

યહોવાએ પ્રથમ યુગલ બનાવ્યું ત્યારે ‘તેઓને કહ્યું કે સફળ થાઓ, વધો, પૃથ્વીને ભરપૂર કરો અને એને વશ કરો. તેમ જ, સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો.’ (ઉત. ૧:૨૮) યહોવાએ એક સાથે લાખો લોકોને બનાવી દીધા નહિ. એના બદલે, તેમનો હેતુ હતો કે આદમ અને હવા પોતાનાં બાળકો અને પછી તેઓનાં બાળકો આખી પૃથ્વીને ભરપૂર કરે. તેમ જ, તેઓ બધા મળીને આખી પૃથ્વીને સુંદર બાગ જેવી બનાવે. પરંતુ, આદમ અને હવાએ યહોવાનું કહેવું માન્યું નહિ. એના લીધે ઈશ્વરના એ હેતુમાં થોડાક સમય માટે અડચણ આવી. (ઉત. ૩:૧-૬) સમય જતાં, ‘યહોવાએ જોયું કે માણસની દુષ્ટતા પૃથ્વીમાં ઘણી થઈ છે અને તેઓનાં હૃદયના દરેક વિચારો નિરંતર દુષ્ટતા તરફ જ છે.’ પરિણામે, ‘ઈશ્વરની નજરે પૃથ્વી દુષ્ટ અને જુલમથી ભરપૂર થઈ ગઈ’ હતી. તેથી, તેમણે નક્કી કર્યું કે દુષ્ટ લોકોનો જળપ્રલય દ્વારા નાશ કરશે.—ઉત. ૬:૫, ૧૧-૧૩, ૧૭.

૬, ૭. (ક) યહોવાની નજરમાં નુહ શા માટે કૃપા પામ્યા? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) નુહની વાત ન સાંભળનાર લોકોનું શું થયું?

જોકે, “નુહ યહોવાની દૃષ્ટિમાં કૃપા” પામ્યા કેમ કે ‘તે પોતાના જમાનામાં ન્યાયી અને ભલા માણસ હતા.’ ‘ઈશ્વરની સાથે ચાલતા હોવાથી,’ તેમને ઈશ્વરે મોટું વહાણ બાંધવાની આજ્ઞા આપી. (ઉત. ૬:૮, ૯, ૧૪-૧૬) તેમ જ, એને બનાવવાની એવી વિગતો આપી કે જેનાથી વહાણ પાણી પર તરી શકે અને એમાંનાં સર્વ પ્રાણીઓ અને વ્યક્તિઓ બચી શકે. “યહોવાએ જે સર્વ આજ્ઞા તેને આપી હતી તે પ્રમાણે નુહે કર્યું.” નુહ પોતાના કુટુંબની મદદથી વહાણ બનાવવાનું કામ વ્યવસ્થિત રીતે કરી શક્યા. બધા જીવોને વહાણની અંદર લાવ્યા પછી દરવાજો ‘યહોવાએ બંધ કર્યો.’—ઉત. ૭:૫, ૧૬.

ઈસવીસન પૂર્વે ૨૩૭૦માં મોટું પૂર આવ્યું, ત્યારે યહોવાએ ‘પૃથ્વીના સર્વ જીવનો નાશ’ કર્યો. પરંતુ, તેમણે વહાણમાંના નુહ અને તેમના કુટુંબનો બચાવ કર્યો. (ઉત. ૭:૨૩) આજે, પૃથ્વી પરના બધા લોકો નુહ અને તેમના કુટુંબના વંશજો છે. વહાણની અંદર ન જનારા દરેક દુષ્ટ વ્યક્તિનો બચાવ થયો નહિ, કેમ કે તેઓએ “ન્યાયીપણાના  ઉપદેશક નુહ”ની વાત સાંભળી નહિ.—૨ પીત. ૨:૫.

વ્યવસ્થાને વળગી રહેવાથી મોટા પૂર વખતે આઠ લોકોનો બચાવ થયો (ફકરા ૬, ૭ જુઓ)

૮. ઈશ્વરે ઈસ્રાએલીઓને વચનના દેશમાં પ્રવેશવા કહ્યું ત્યારે, એક સારી ગોઠવણ હતી, એ શાના પરથી સાબિત થયું?

પૂર આવ્યાના આઠસોથી વધારે વર્ષો પછી, યહોવા તેમની ઈસ્રાએલી પ્રજાને એક રાષ્ટ્ર તરીકે વ્યવસ્થામાં લાવ્યા. એનો અર્થ શો થાય? ઈશ્વર પોતાના લોકોનાં જીવન અને ભક્તિને લગતી બાબતોને ગોઠવણમાં લાવ્યા. દાખલા તરીકે, તેમણે અમુકને યાજકો અને લેવીઓ તરીકે પસંદ કર્યા. ઉપરાંત, “મુલાકાતમંડપના દ્વાર આગળ સેવા કરનારી સ્ત્રીઓની” ગોઠવણ કરી. (નિર્ગ. ૩૮:૮) યહોવાએ પોતાની પ્રજાને કનાનમાં પ્રવેશવાની આજ્ઞા આપી ત્યારે, તેઓમાંના મોટા ભાગના ડરી ગયા અને ત્યાં જવાની ના પાડી. તેથી, યહોવાએ તેઓને કહ્યું, ‘જે દેશમાં તમને વસાવવાને મેં મારો હાથ ઊંચો કર્યો છે, એમાં તમે જવા નહિ જ પામશો. ફક્ત યફૂન્નેહનો દીકરો કાલેબ અને નૂનનો દીકરો યહોશુઆ જવા પામશે.’ કારણ કે, તેઓએ જાસૂસી કર્યા પછી વચનના દેશ વિશે સારો અહેવાલ આપ્યો હતો. (ગણ. ૧૪:૩૦, ૩૭, ૩૮) સમય જતાં, યહોવાના માર્ગદર્શન પ્રમાણે મુસાએ ઈસ્રાએલને દોરવાની જવાબદારી યહોશુઆને સોંપી. (ગણ. ૨૭:૧૮-૨૩) ઈસ્રાએલને કનાનમાં લઈ જતાં પહેલાં યહોશુઆને કહેવામાં આવ્યું: ‘બળવાન તથા હિંમતવાન થા, ભયભીત ન થા અને ગભરાતો નહિ. કારણ કે, જ્યાં પણ તું જાય છે, ત્યાં તારો ઈશ્વર યહોવા તારી સાથે છે.’—યહો. ૧:૯.

૯. યહોવા અને તેમના લોકો વિશે રાહાબને કેવું લાગ્યું?

સાચે જ, યહોશુઆ જ્યાં પણ ગયા ત્યાં યહોવા ઈશ્વર તેમની સાથે હતા. દાખલા તરીકે, કનાની શહેર યરીખોની આસપાસ ઈસ્રાએલીઓએ છાવણી નાંખી ત્યારે જે બન્યું એનો વિચાર કરો. ઈસવીસન પૂર્વે ૧૪૭૩માં યહોશુઆએ બે માણસોને યરીખોની જાસૂસી કરવા મોકલ્યા. શહેરમાં તેઓને રાહાબ નામની એક વેશ્યા મળી. શહેરના માણસો જાસૂસોને પકડવા આવ્યા ત્યારે, તે સ્ત્રીએ તેઓને પોતાના ઘરની છત પર સંતાડ્યા. રાહાબે જાસૂસોને કહ્યું કે, ‘યહોવાએ આ દેશ તમને આપ્યો છે. કેમ કે, યહોવાએ તમારી આગળ સૂફ  સમુદ્રનું પાણી કેવી રીતે સૂકવી નાખ્યું અને અમોરીઓના બે રાજાના, તમે શા હાલ કર્યા તે અમે સાંભળ્યું છે.’ રાહાબે આગળ જણાવ્યું: “યહોવા તમારો ઈશ્વર તે જ ઉપર આકાશમાં ને નીચે પૃથ્વી પર ઈશ્વર છે.” (યહો. ૨:૯-૧૧) રાહાબ અને તેના કુટુંબે યહોવાના પસંદ કરેલા લોકોને સાથ આપ્યો. તેથી, ઈસ્રાએલીઓ યરીખોનો નાશ કરવા આવ્યા ત્યારે, યહોવાએ ધ્યાન રાખ્યું કે રાહાબ અને તેના કુટુંબનો નાશ ન થાય. (યહો. ૬:૨૫) રાહાબે શ્રદ્ધા બતાવી તેમ જ, યહોવા અને તેમના લોકોનો આદર કર્યો.

પહેલી સદીના ખ્રિસ્તીઓ સંગઠિત થયા

૧૦. ઈસુએ તેમના સમયના યહુદી ધર્મગુરુઓને શું કહ્યું અને શા માટે એમ કહ્યું?

૧૦ યહોશુઆની આગેવાની હેઠળ ઈસ્રાએલીઓ એક પછી એક શહેર જીતતા ગયા. આમ, તેઓએ કનાનનો પ્રદેશ કબજે કરી લીધો. જોકે, એ પછીની સદીઓ દરમિયાન ઈસ્રાએલીઓ ઈશ્વરના નિયમો વારંવાર તોડતા રહ્યા. અરે, ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યાં સુધીમાં તો ઈસ્રાએલીઓએ ઈશ્વરનું અને તેમના પ્રબોધકોનું કહેવું માનવાનું લગભગ છોડી દીધું હતું. એ માટે જ ઈસુએ તેઓને “પ્રબોધકોને મારી નાખનાર” તરીકે વર્ણવ્યા. (માથ્થી ૨૩:૩૭, ૩૮ વાંચો.) યહુદી ધર્મગુરુઓ વફાદાર ન રહ્યા માટે ઈશ્વરે તેઓને નકાર્યા. ઈસુએ તેઓને કહ્યું: ‘ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે અને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને અપાશે.’—માથ. ૨૧:૪૩.

૧૧, ૧૨. (ક) શું બતાવે છે કે યહુદી રાષ્ટ્રને મળનાર યહોવાનો આશીર્વાદ પ્રથમ સદીમાં હવે નવા સંગઠનને મળી રહ્યો હતો? (ખ) નવા સંગઠનનો ભાગ કોણ બન્યા?

૧૧ પ્રથમ સદીમાં યહોવાએ વફાદાર ન રહેનાર ઈસ્રાએલ રાષ્ટ્રને નકારી કાઢ્યું. જોકે, એનો અર્થ એમ નથી કે પૃથ્વી પર યહોવાના વફાદાર ભક્તો રહ્યા જ નહિ. ઈસુને અને તેમના શિક્ષણને વળગી રહેનાર શિષ્યો પર યહોવાનો આશીર્વાદ આવ્યો. આમ, નવા સંગઠનની શરૂઆત પેન્તેકોસ્ત ૩૩થી થઈ. યરૂશાલેમમાં એક જગ્યાએ ઈસુના આશરે ૧૨૦ શિષ્યો ભેગા થયા હતા. એ સમયે ‘આકાશમાંથી એકાએક ભારે આંધીના ઘુઘવાટ જેવો અવાજ આવ્યો અને તેઓ જ્યાં બેઠા હતા એ આખું ઘર ગાજી ઊઠ્યું. અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી. તેઓ બધાં પવિત્ર શક્તિથી ભરપૂર થયાં અને તેઓને જે ક્ષમતા મળી એનાથી તેઓ અન્ય ભાષાઓમાં બોલવાં લાગ્યાં.’ (પ્રે.કૃ. ૨:૧-૪) એ અદ્ભુત ઘટનાથી જોવા મળે છે કે ઈસુના શિષ્યોના એ નવા સંગઠનને યહોવાનો ટેકો હતો.

૧૨ એ રોમાંચક દિવસે ઈસુના અનુયાયીઓમાં “ત્રણેક હજાર માણસ ઉમેરાયાં.” ઉપરાંત, ‘યહોવા રોજરોજ તારણ પામનારાઓને તેઓમાં ઉમેરતા હતા.’ (પ્રે.કૃ. ૨:૪૧, ૪૭) પહેલી સદીના પ્રચારકોનું કામ એટલું અસરકારક હતું કે, ‘ઈશ્વરની વાતનો પ્રચાર થતો ગયો અને યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ. ઘણા યાજકો પણ વિશ્વાસને આધીન થયા.’ (પ્રે.કૃ. ૬:૭) એ નવા સંગઠનના સભ્યો સત્યો જાહેર કરતા, જેનો સ્વીકાર નમ્ર દિલના ઘણા લોકોએ કર્યો. સમય જતાં, યહોવાએ “વિદેશીઓ”ને પણ ખ્રિસ્તી મંડળનો ભાગ બનાવ્યા, જે બતાવે છે કે નવા સંગઠન પર યહોવાનો આશીર્વાદ હતો.—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૪૪, ૪૫ વાંચો.

૧૩. યહોવાના નવા સંગઠનનું કયું કામ હતું?

૧૩ આપણે અંદાજ લગાવી શકીએ કે ઈશ્વરે કયું કામ ખ્રિસ્તના અનુયાયીઓને સોંપ્યું હતું. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે એ કામમાં સારો દાખલો બેસાડ્યો હતો. ઈસુએ બાપ્તિસ્મા પછી તરત ‘સ્વર્ગના રાજ્ય’ વિશે લોકોને જણાવવાનું શરૂ કર્યું હતું. (માથ. ૪:૧૭) ઈસુએ પોતાના શિષ્યોને પણ એ જ કામ શીખવ્યું. તેમણે તેઓને કહ્યું, “યરૂશાલેમમાં, આખા યહુદામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.” (પ્રે.કૃ. ૧:૮) ઈસુના શિષ્યો જાણતા હતા કે તેઓએ કયું કામ કરવાનું છે. દાખલા તરીકે, પિસીદિયાના અંત્યોખમાં પાઊલ અને બાર્નાબાસે પોતાનો વિરોધ કરનારા યહુદીઓને હિંમતથી કહ્યું  કે, ‘ઈશ્વરનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી. પણ તમે તેનો નકાર કરો છો અને અનંતજીવન પામવાને તમે પોતાને અયોગ્ય ઠરાવો છો, માટે જુઓ અમે વિદેશીઓ તરફ ફરીએ છીએ. કેમ કે અમને યહોવાએ એવો હુકમ આપ્યો છે, કે “મેં તને વિદેશીઓને માટે પ્રકાશ તરીકે ઠરાવ્યો છે, કે તું પૃથ્વીના છેડા સુધી તારણસાધક થાય.”’ (પ્રે.કૃ. ૧૩:૧૪, ૪૫-૪૭) પ્રથમ સદીથી, યહોવાના સંગઠનનો પૃથ્વી પરનો ભાગ બીજાઓને જણાવે છે કે યહોવાએ માણસોને બચાવવા શું કર્યું છે.

ઘણાનો નાશ થયો પણ ઈશ્વરભક્તો બચી ગયા

૧૪. પહેલી સદીના યરૂશાલેમનું શું થયું, પણ કોણ બચી ગયું?

૧૪ મોટા ભાગના યહુદીઓએ ખુશખબર સ્વીકારી નહિ. પરિણામે, તેઓએ એ આફતનો સામનો કરવો પડ્યો, જેના વિશે ઈસુએ તેમના શિષ્યોને ચેતવ્યા હતા. તેમણે અગાઉથી કહ્યું હતું: “યરૂશાલેમને ફોજોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો ઉજ્જડ થવાનો સમય પાસે આવ્યો છે. ત્યારે જેઓ યહુદામાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું; જેઓ શહેરમાં હોય તેઓએ બહાર નીકળી જવું; અને જેઓ સીમમાં હોય તેઓએ શહેરમાં આવવું નહિ.” (લુક ૨૧:૨૦, ૨૧) ઈસુનો દરેક શબ્દ સાચો પડ્યો. યહુદીઓએ કરેલા બળવાને લીધે ઈ.સ. ૬૬માં સેસ્તિઅસ ગેલસની આગેવાની હેઠળ રોમન સૈન્યએ યરૂશાલેમને ઘેરી લીધું. જોકે, અચાનક એ સૈન્ય પાછું જતું રહ્યું. આમ, ઈસુના અનુયાયીઓને યરૂશાલેમ અને યહુદાથી નાસી જવાનો મોકો મળ્યો. યુસીબીયસ નામના એક ઇતિહાસકાર જણાવે છે કે, ઘણાઓ યરદન નદીને પાર પેરિઆમાં આવેલાં પેલ્લામાં ગયા. ઈસવીસન ૭૦માં સેનાપતિ તીતસની આગેવાની હેઠળ રોમન સૈન્ય પાછું આવ્યું અને યરૂશાલેમનો વિનાશ કરી નાખ્યો. પરંતુ, વફાદાર ઈશ્વરભક્તોએ ઈસુની ચેતવણી ધ્યાનમાં લીધી માટે બચી ગયા.

૧૫. કઈ મુશ્કેલીઓ હોવા છતાં, ઘણા લોકો ખ્રિસ્તી બન્યા?

૧૫ પહેલી સદીમાં ખ્રિસ્તીઓની ઘણી સતાવણી થઈ, તેઓની શ્રદ્ધાની પરખ થઈ. છતાં, ઘણા લોકો ખ્રિસ્તી બન્યા. (પ્રે.કૃ. ૧૧:૧૯-૨૧; ૧૯:૧, ૧૯, ૨૦) શરૂઆતના એ ખ્રિસ્તીઓ સફળ થયા કારણ કે તેઓ પર યહોવાના આશીર્વાદો હતા.—નીતિ. ૧૦:૨૨.

૧૬. ભક્તિમાં સારું કરવા દરેક ઈશ્વરભક્તે શું કરવું પડ્યું?

૧૬ ભક્તિમાં સારું કરવા એ ઈશ્વરભક્તોએ પ્રયત્નો કરવા પડ્યા. શાસ્ત્રનો ઊંડો અભ્યાસ, સભાઓમાં નિયમિત હાજરી અને પ્રચાર કામમાં પૂરા ઉત્સાહથી ભાગ લેવો જરૂરી હતો. એ બધું કરવાથી અગાઉના ભક્તો શ્રદ્ધામાં અડગ રહીને મંડળમાં એકતા જાળવી શક્યા. આજે, પણ એમ જ થાય છે. એ ભક્તો પાસે ખુશીથી મદદ આપનાર વડીલો અને સેવકાઈ ચાકર હતા. મંડળને એવા મહેનતું ભાઈઓથી ઘણી મદદ મળતી. (ફિલિ. ૧:૧; ૧ પીત. ૫:૧-૪) વધુમાં, તેઓને પ્રેરિત પાઊલ જેવા સરકીટ નિરીક્ષકોની મુલાકાતોથી પણ ઘણું ઉત્તેજન મળતું. (પ્રે.કૃ. ૧૫:૩૬, ૪૦, ૪૧) એ જોઈને કેટલી નવાઈ લાગે છે કે, પહેલી સદીની જેમ આજે પણ એવી જ ગોઠવણો છે! આપણે કેટલા આભારી છીએ કે યહોવાએ હંમેશાં પોતાના ભક્તોને વ્યવસ્થામાં રાખ્યા છે! *

૧૭. આવતા લેખમાં શાની ચર્ચા કરીશું?

૧૭ આ છેલ્લા દિવસોમાં શેતાનની દુનિયાનો અંત હવે નજીક છે. જ્યારે કે, યહોવાના સંગઠનનો પૃથ્વી પરનો ભાગ ઘણી ઝડપથી આગળ વધી રહ્યો છે. શું તમે એની જોડે જોડે ચાલી રહ્યા છો? શું તમે ભક્તિમાં વધુને વધુ કરી રહ્યા છો? હવે પછીનો લેખ બતાવશે કે એમ કરવા તમારે શું કરવું જોઈએ.

^ ફકરો. 16 જુલાઈ ૧૫, ૨૦૦૨ના ચોકીબુરજમાં લેખ “ખ્રિસ્તીઓ આત્માથી અને સત્યથી પરમેશ્વરની ભક્તિ કરે છે” અને “તેઓ સત્યને માર્ગે ચાલતા રહે છે” જુઓ. ઉપરાંત, યહોવાના સંગઠનના પૃથ્વી પરના ભાગ વિશે વધારે માહિતી આ પુસ્તકમાં જોવા મળે છે: જેહોવાઝ વિટ્નેસીસ—પ્રોક્લેમર્સ ઑફ ગૉડ્સ કિંગડમ.