સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બીજાઓને તેમની ક્ષમતા પૂરી રીતે વિકસાવવામાં મદદ કરો

બીજાઓને તેમની ક્ષમતા પૂરી રીતે વિકસાવવામાં મદદ કરો

“મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.”—ગીત. ૩૨:૮.

૧, ૨. પૃથ્વી પરના તેમનાં બાળકો વિશે યહોવાને કેવું લાગે છે?

પોતાનાં બાળકો રમતાં હોય ત્યારે તેઓની ક્ષમતાઓ જોઈને માબાપને ઘણી વાર નવાઈ લાગે છે. શું તમે એવું અનુભવ્યું છે? જેમ કે, કોઈ બાળક ખેલકૂદમાં સારું હોય, તો કોઈ ચિત્ર દોરવામાં અથવા કાગળથી કંઈક બનાવવામાં સારું હોય. બાળકોમાં ગમે તે આવડત હોય, માબાપને તેઓની એ આવડતો વિકસાવવામાં ઘણો આનંદ આવે છે.

યહોવા પણ પૃથ્વી પરના તેમનાં બાળકોમાં ઊંડો રસ લે છે. તે હાલના ભક્તોને “સર્વ પ્રજાઓની કીમતી વસ્તુઓ” જેવા ગણે છે. (હાગ્ગા. ૨:૭) ખાસ કરીને તેઓ પોતાની શ્રદ્ધા અને વફાદારીને લીધે કીમતી ગણાય છે. તમે નોંધ્યું હશે કે યહોવાના સાક્ષીઓમાં જુદી જુદી ખૂબીઓ હોય છે. દાખલા તરીકે, અમુક ભાઈઓ સારી ટૉક આપી શકે છે તો અમુક સારી ગોઠવણો કરી શકે છે. ઘણી બહેનોમાં જુદી જુદી ભાષા શીખવાની આવડત હોય છે, જેનો ઉપયોગ તેઓ પ્રચારમાં કરે છે. જ્યારે કે, કેટલાક સાક્ષીઓ બીજાઓને ઉત્તેજન આપવામાં અને બીમાર વ્યક્તિઓની કાળજી લેવામાં સારો દાખલો બેસાડે છે. (રોમ. ૧૬:૧, ૧૨) શું આપણે એવા મંડળનો ભાગ હોવાની કદર કરતા નથી, જેમાં આવાં ભાઈ-બહેનો છે?

૩. આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

જોકે અમુક નવાં અથવા યુવાન ભાઈઓને એવું લાગી શકે કે મંડળમાં તેમનું કોઈ સ્થાન નથી. એવાં ભાઈઓને તેઓની ક્ષમતા પૂરી રીતે વિકસાવવા  કઈ રીતે મદદ કરી શકીએ? યહોવાની જેમ તેઓમાં આપણે શા માટે સારા ગુણો શોધવા જોઈએ?

ભક્તોના સારા ગુણોની યહોવા નોંધ લે છે

૪, ૫. ન્યાયાધીશો ૬:૧૧-૧૬ના અહેવાલથી કઈ રીતે સાબિત થાય છે કે યહોવા પોતાના ભક્તોની ક્ષમતા જુએ છે?

બાઇબલના ઘણા દાખલા બતાવે છે કે યહોવા પોતાના ભક્તોમાં સારા ગુણો જોવાની સાથે સાથે તેમની ક્ષમતા પણ જુએ છે. દાખલા તરીકે, મિદ્યાનીઓના જુલમથી પોતાના લોકોને છોડાવવા યહોવાએ ગિદઓનને પસંદ કર્યા. દૂતે આવીને ગિદઓનને કહ્યું કે, “પરાક્રમી શૂરવીર, યહોવા તારી સાથે છે.” ગિદઓનને એ સમયે જરાય લાગ્યું નહિ કે પોતે “શૂરવીર” છે. તેમણે સ્વીકાર્યું કે પોતાનામાં એવી કોઈ ક્ષમતા નથી અને તે નજીવા છે. પરંતુ, ગિદઓન સાથેની વાતચીતમાં જોવા મળે છે કે યહોવાને તેમનામાં ઘણો ભરોસો હતો. તેમ જ, તે ઈસ્રાએલને બચાવવા ગિદઓનનો ઉપયોગ કરવાના હતા.—ન્યાયાધીશો ૬:૧૧-૧૬ વાંચો.

યહોવાને ગિદઓન પર ભરોસો હતો કે તે ઈસ્રાએલને છોડાવી શકશે. કારણ કે તે ગિદઓનની ક્ષમતા જાણતા હતા. યહોવાના દૂતે જોયું કે ગિદઓન પૂરી તાકાતથી ઘઉં ઝૂડતા હતા. દૂતનું ધ્યાન બીજી એક બાબત તરફ પણ દોરાયું હતું. પ્રાચીન સમયમાં, ખેડૂતો અનાજને ખુલ્લી જગ્યાએ ઝૂડતા, જેથી ફોતરાં પવનથી ઊડી જાય અને બહુ મહેનત ન લાગે. પરંતુ, નવાઈની વાત હતી કે ગિદઓન ઘઉંને દ્રાક્ષકુંડની અંદર ઝૂડતા હતા, જેથી તે મિદ્યાનીઓથી એ પાક છુપાવી શકે. એ કેટલું સમજણભર્યું કામ કહેવાય! યહોવાની નજરમાં ગિદઓન એક સાવધ ખેડૂત હોવાની સાથે સાથે એક ચતુર વ્યક્તિ પણ હતા. હા, યહોવાએ તેમની એ ક્ષમતા જોઈને તેમને તાલીમ આપી.

૬, ૭. (ક) પ્રબોધક આમોસને યહોવા કેવા ગણતા હતા, જ્યારે કે બીજાઓનો તેમના માટે શો મત હતો? (ખ) શું બતાવે છે કે આમોસ સારું લખી શકતા?

પ્રબોધક આમોસના કિસ્સામાં પણ એવું જ કંઈક જોવા મળે છે. બીજા લોકોની નજરમાં તેમની કોઈ જ વિસાત ન હતી. પણ યહોવા પોતાના એ ભક્તમાં ક્ષમતા જોઈ શક્યા. આમોસ પોતાને ઘેટાં સાચવનાર અને અંજીરની વાડીમાં કામ કરનાર એક સામાન્ય મજૂર ગણતા હતા. છતાં, ઈસ્રાએલના દસ મૂર્તિપૂજક કુળોને સુધારવા યહોવાએ આમોસને પસંદ કર્યા. અમુક ઈસ્રાએલીઓને એવું લાગ્યું હશે કે એ કામ માટે યહોવાએ ખોટી વ્યક્તિને પસંદ કરી છે. શા માટે?—આમોસ ૭:૧૪, ૧૫ વાંચો.

આમોસ એક નાનકડા ગામના રહેવાસી હતા. પરંતુ, એ સમયના આસપાસના દેશોનાં રીતિ-રિવાજો અને શાસકો વિશે તેમને સારી એવી જાણકારી હતી. કારણ કે એ દેશોમાંથી આવતા વેપારીઓ જોડે તેમની લેવડદેવડ રહેતી. તે ઈસ્રાએલની ખરાબ પરિસ્થિતિ વિશે અને પડોશના દેશોમાં શું ચાલી રહ્યું છે, એ વિશે જાણતા હતા. (આમો. ૧:૬, ૯, ૧૧, ૧૩; ૨:૮; ૬:૪-૬) આજે, બાઇબલના અમુક વિદ્વાનો આમોસને એક સારા લેખક ગણે છે. આમોસના લખાણમાં સાદા પણ કડક શબ્દોનો ઉપયોગ થયો છે. ભ્રષ્ટ યાજક આમાસ્યાહને તે હિંમતથી જવાબ આપી શક્યા. એ બતાવે છે કે યહોવાએ યોગ્ય વ્યક્તિને પસંદ કરી હતી. યહોવાએ આમોસમાં એવી અદ્ભુત આવડતો જોઈ જેને જોવામાં બીજાઓ નિષ્ફળ ગયા હતા.—આમો. ૭:૧૨, ૧૩, ૧૬, ૧૭.

૮. (ક) દાઊદને યહોવાએ શી ખાતરી આપી? (ખ) પોતાનામાં ભરોસો ન હોય એવી વ્યક્તિને ગીતશાસ્ત્ર ૩૨:૮માંથી કઈ રીતે ઉત્તેજન મળે છે?

યહોવા પોતાના દરેક ભક્તની ક્ષમતાઓ પર ધ્યાન આપે છે. રાજા દાઊદને યહોવાએ ખાતરી આપી કે ‘પોતાની નજર તેમના પર રાખીને’ તે માર્ગદર્શન આપશે. (ગીતશાસ્ત્ર ૩૨:૮ વાંચો.) એ શબ્દોથી આપણને શા માટે ઉત્તેજન મળે છે? કારણ કે, ભલે આપણને પોતાનામાં ભરોસો ન હોય, તોપણ કલ્પનાય ન કરી શકાય એ હદે યહોવા આપણને મદદ કરે છે. દાખલા તરીકે, એક સારો શિક્ષક પોતાના નવા વિદ્યાર્થીને ઝીણામાં ઝીણી  માહિતી આપશે. એ જ રીતે, યહોવા પણ આપણને ભક્તિમાં પ્રગતિ કરવા માર્ગદર્શન આપે છે. વધુમાં, આપણી ક્ષમતાનો પૂરો ઉપયોગ કરી શકીએ માટે તે મંડળનાં ભાઈ-બહેનો દ્વારા પણ મદદ આપે છે. કઈ રીતે?

બીજાઓમાં સારા ગુણો શોધીએ

૯. બીજાઓના હિત પર “લક્ષ” આપવાની પાઊલની સલાહ આપણે કઈ રીતે લાગુ પાડીશું?

પાઊલે દરેક ઈશ્વરભક્તને બીજાઓના હિત પર “લક્ષ” આપવાની અરજ કરી. (ફિલિપી ૨:૩, ૪ વાંચો.) પાઊલની સલાહમાંથી જોવા મળે છે કે આપણે બીજાઓની ક્ષમતાઓ પર ધ્યાન આપવું જોઈએ અને એની પ્રશંસા કરવી જોઈએ. આપણી પ્રગતિમાં બીજાઓ રસ બતાવે ત્યારે આપણને સારું લાગે છે. અરે, આપણને વધુ પ્રગતિ કરવા ઉત્તેજન મળે છે. એવી જ રીતે, ભાઈઓ-બહેનોની આપણે કદર કરીએ છીએ ત્યારે તેઓને ભક્તિમાં વધુ કરવા ઉત્તેજન મળે છે.

૧૦. આપણે ખાસ કરીને કોના પર ધ્યાન આપવું જોઈએ?

૧૦ આપણે ખાસ કરીને કોના પર ધ્યાન આપવું જોઈએ? ખરું કે, સમયે સમયે આપણામાંથી દરેક ઇચ્છે છે કે બીજાઓ આપણામાં રસ બતાવે અને આપણું ધ્યાન રાખે. છતાં, યુવાનો અને નવા નવા બાપ્તિસ્મા પામેલા ભાઈઓમાં રસ બતાવવાની ખાસ જરૂર છે, જેથી તેઓ અનુભવે કે તેઓ પણ મંડળનો ભાગ છે. ભાઈઓને વધારે જવાબદારી ઉપાડવા બાઇબલ ઉત્તેજન આપે છે. (૧ તીમો. ૩:૧) પરંતુ, આપણે જો તેઓના કામ પ્રત્યે કદર નહિ બતાવીએ તો તેઓને મંડળમાં વધુ જવાબદારી ઉપાડવાનું ઉત્તેજન નહિ મળે.

૧૧. (ક) એક યુવાન ભાઈને પ્રગતિ કરવામાં એક વડીલે કઈ રીતે મદદ આપી? (ખ) જુલિયનના અનુભવમાંથી તમને શું શીખવા મળે છે?

૧૧ લ્યુડોવિક નામના એક વડીલ જ્યારે યુવાન હતા ત્યારે તેમને પણ એ રીતે મદદ મળી હતી. તે કહે છે: ‘ભાઈઓમાં ઊંડો રસ બતાવું છું ત્યારે તેઓ જલદી પ્રગતિ કરે છે.’ એક યુવાન ભાઈ જુલિયન જે ઘણો શરમાળ હતો એના વિશે ભાઈ લ્યુડોવિક જણાવે છે: ‘પોતાનામાં ભરોસો ન હોવાને કારણે કેટલીક વાર જુલિયન મંડળમાં કોઈ કામ કરતી વખતે સામાન્ય રીતે ન વર્તતો. પરંતુ, હું જોઈ શક્યો કે તે ખરેખર પ્રેમાળ અને બીજાઓને મદદ કરનારો છે. તેથી મેં તેના સારા ગુણો જોયા અને ઉત્તેજન આપ્યું.’ થોડા સમય પછી, જુલિયન સેવકાઈ ચાકર બન્યો અને હવે તે એક નિયમિત પાયોનિયર છે.

તેઓની ક્ષમતા પૂરી રીતે વિકસાવવા મદદ કરીએ

૧૨. વ્યક્તિની ક્ષમતા વિકસાવવા આપણે શું કરવું જોઈએ? દાખલો આપો.

૧૨ બીજાઓને મદદ કરવા ચાહતા હોઈએ તો આપણે તેઓની ક્ષમતા પારખવાની જરૂર છે. જુલિયનના દાખલા પરથી જોઈ શકાય કે, વ્યક્તિની ક્ષમતાને વિકસાવવા જરૂરી છે કે તેની નબળાઈઓ જોવાને બદલે તેના સારા ગુણો પર ધ્યાન આપીએ. ઈસુએ પણ પ્રેરિત પીતરના સારા ગુણો જોયા. ખરું કે, પીતર કેટલીક વાર એવું કરી બેસતા કે તે સ્વભાવે ડગુમગુ લાગતા. પરંતુ, ઈસુ જોઈ શક્યા કે આગળ જતાં પીતર ખડક જેવા સ્થિર બની શકે છે.—યોહા. ૧:૪૨.

૧૩, ૧૪. (ક) યુવાન માર્કના કિસ્સામાં બાર્નાબાસે કઈ રીતે સમજદારી બતાવી? (ખ) માર્કની જેમ એક યુવાન ભાઈને મળેલી મદદથી તેને કઈ રીતે ફાયદો થયો? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૩ ચાલો હવે બાર્નાબાસ અને માર્કનો દાખલો જોઈએ. (પ્રે.કૃ. ૧૨:૨૫) પાઊલની બાર્નાબાસ જોડેની પહેલી મિશનરી મુસાફરીમાં તેઓની કાળજી લેવા માર્ક પણ સાથે ગયા હતા. જોકે, પામફુલ્યા પહોંચ્યા પછી માર્ક તેઓને અચાનક છોડીને જતા રહ્યા. તેથી, તે બંનેને એવા રસ્તે એકલા મુસાફરી કરવી પડી જ્યાં લૂંટારાઓનો ખતરો હતો. (પ્રે.કૃ. ૧૩:૫, ૧૩) જોકે, માર્કનું આવું વલણ જોઈને બાર્નાબાસે પછીથી તેમની અધૂરી તાલીમ પૂરી કરવાની તક ઝડપી લીધી. (પ્રે.કૃ. ૧૫:૩૭-૩૯) એ મદદને લીધે માર્ક  ભક્તિમાં વધુ મજબૂત બની શક્યા. જોવા જેવી વાત છે કે, વર્ષો પછી પાઊલ રોમમાં કેદખાનામાં હતા ત્યારે માર્ક તેમને મદદ આપવા આવતા. અરે, કોલોસી મંડળનાં ભાઈ-બહેનોને સલામ મોકલવામાં પાઊલ સાથે માર્ક પણ હતા. તેમ જ, એમાં પાઊલે માર્કના વખાણ પણ કર્યા છે. (કોલો. ૪:૧૦) જરા વિચારો કે પાઊલે મદદ માટે માર્કને મોકલવાનું કહેવડાવ્યું, એ જાણીને બાર્નાબાસને કેવું લાગ્યું હશે.—૨ તીમો. ૪:૧૧.

૧૪ હાલમાં વડીલ બનેલા ભાઈ એલેક્ઝાંડરને એક ભાઈએ આપેલી મદદથી ઉત્તેજન મળ્યું હતું. તે યાદ કરતા જણાવે છે, ‘યુવાન હતો ત્યારે સભાઓમાં પ્રાર્થના કરાવવી મને ખૂબ જ અઘરું કામ લાગતું. પરંતુ, એક વડીલે મને શીખવ્યું કે કઈ રીતે તૈયારી કરીને ડર્યા વગર હું પ્રાર્થના કરાવી શકું. તેમણે મને પ્રાર્થના કરાવવાની તક આપવાનું છોડી દીધું નહિ. એને બદલે, તે વારંવાર મને પ્રચારની સભામાં પ્રાર્થના કરાવવાની તક આપતા. સમય જતાં, હું પોતાનામાં ભરોસો રાખવાનું શીખી શક્યો.’

૧૫. પાઊલે પોતાનાં સાથી ભાઈ-બહેનો પ્રત્યે કદર કઈ રીતે બતાવી?

૧૫ બીજાઓમાં સારા ગુણ જોઈને તમને કેવું લાગે છે? શું તમે તેમના એ ગુણના વખાણ કરો છો? રોમનો ૧૬મા અધ્યાયમાં પાઊલે ૨૦ કરતાં વધારે ભાઈ-બહેનોની તેઓના સારા ગુણો માટે કદર બતાવી છે. (રોમ. ૧૬:૩-૭, ૧૩) દાખલા તરીકે, પાઊલે સ્વીકાર્યું કે આન્દ્રનિકસ અને જુનિયાસ તેમના કરતાં પણ વધારે વર્ષોથી ખ્રિસ્તના અનુયાયીઓ છે. આમ, પાઊલે તેઓની ધીરજની પ્રશંસા કરી. રૂફસની માતાએ લીધેલી પ્રેમાળ કાળજી માટે પણ પાઊલે કદર બતાવી.

ડાબેથી ભાઈ ફ્રેડરીક, જેમણે રીકોને યહોવાની સેવામાં અડગ રહેવા ઉત્તેજન આપ્યું (ફકરો ૧૬ જુઓ)

૧૬. એક તરુણના વખાણ કરવાથી કેવું પરિણામ આવ્યું?

૧૬ આપણે પણ બીજાઓના વખાણ કરીશું તો એના સારાં પરિણામો આવશે. ફ્રાંસના રીકો નામના એક તરુણનો વિચાર કરો. બાપ્તિસ્મા લેવા વિશે પોતાના પિતાએ ઘણો વિરોધ કર્યો હોવાથી રીકો નિરાશ થઈ ગયો હતો. તેને લાગ્યું કે યહોવાની ભક્તિમાં વધારે કરવા તેણે પુખ્ત વયના થવાની રાહ જોવી પડશે. સ્કૂલમાં પણ તેની મજાક ઉડાવવામાં આવતી હોવાથી તે ઘણો ઉદાસ રહેતો. તેનો અભ્યાસ લેનાર મંડળના એક વડીલ જણાવે છે, ‘મેં રીકોની પ્રશંસા કરી અને જણાવ્યું કે, એ વિરોધ બતાવે છે કે તું તારી શ્રદ્ધા હિંમતથી બતાવી રહ્યો છે.’ એ વખાણથી રીકોને એટલું ઉત્તેજન મળ્યું કે તે ભક્તિમાં પ્રગતિ કરી શક્યો અને પિતા સાથેનો સંબંધ સુધારી શક્યો. પછી, રીકોએ ૧૨ વર્ષની ઉંમરે બાપ્તિસ્મા લીધું.

જમણેથી જેરોમ જેમણે રયાન નામના યુવાનને મિશનરી સેવાના ધ્યેય તરફ આગળ વધવા મદદ આપી (ફકરો ૧૭ જુઓ)

૧૭. (ક) ભાઈઓને પ્રગતિ કરવામાં આપણે કઈ રીતે મદદ આપી શકીએ? (ખ) એક મિશનરી ભાઈએ કઈ રીતે યુવાન ભાઈઓમાં રસ લીધો અને એનું પરિણામ શું આવ્યું?

૧૭ સભાઓમાં ભાઈ-બહેનો સારી રીતે ભાગ રજૂ કરે ત્યારે તેઓના વખાણ કરીએ. એમ કરવાથી તેઓને ભક્તિમાં વધુ કરવા ઉત્તેજન મળશે. સિલ્વી * નામના બહેન ફ્રાંસ બેથેલમાં કેટલાક વર્ષોથી સેવા આપી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે બહેનો પણ ભાઈઓને ઉત્તેજન આપી શકે છે. અરે, એ બહેન એમ કરવાને  પોતાની ફરજ ગણે છે. (નીતિ. ૩:૨૭) ખરું કે, ભાગ રજૂ કરનાર વ્યક્તિને અનુભવી ભાઈઓ તરફથી ઉત્તેજન મળે છે. તોપણ ઘણી વાર બહેનો એવી વિગતો નોંધી શકે છે જે ભાઈઓના ધ્યાનમાં કદાચ ન આવે. તેથી, બહેનો એ વિશે વ્યક્તિના વખાણ કરે છે ત્યારે તેનો ઉત્સાહ વધે છે. જેરોમ નામના ભાઈ ફ્રેંચ ગુએનામાં મિશનરી સેવા આપે છે. તેમણે ઘણા યુવાન ભાઈઓને મિશનરી સેવાનો ધ્યેય રાખવા અને એ તરફ આગળ વધવા જોઈતી મદદ આપી છે. તે કહે છે, ‘મેં જોયું છે કે, પ્રચારમાં જણાવેલ સારો મુદ્દો કે પછી સભામાં આપેલ જવાબ માટે કોઈ યુવાન ભાઈના હું જ્યારે વખાણ કરું છું, ત્યારે તેની હિંમત વધે છે. પરિણામે, તેને ક્ષમતા વિકસાવવા મદદ મળે છે.’

૧૮. યુવાન ભાઈઓને કામમાં સામેલ કરવાથી શા માટે ફાયદો થાય છે?

૧૮ કોઈ કામમાં ભાઈ-બહેનોને સામેલ કરવાથી પણ તેઓને ભક્તિમાં વધુ કરવા ઉત્તેજન મળે છે. દાખલા તરીકે, જેઓ પાસે કૉમ્પ્યુટર ન હોય એવા વૃદ્ધજનોને આપણા સાહિત્યમાંથી કોઈ માહિતીની પ્રિન્ટ આઉટ આપવા એક વડીલ યુવાન ભાઈની મદદ લઈ શકે છે. યુવાન ભાઈને jw.org વેબસાઇટ પરથી એની પ્રિન્ટ આઉટ લાવી આપવા તે કહી શકે છે. અથવા તમે રાજ્યગૃહમાં કોઈ કામ કરતા હો તો યુવાન ભાઈને સાથે કામ કરવા બોલાવી શકો. એમ કરવાથી તમને તેની ક્ષમતા જાણવાની અને એના વખાણ કરવાની તક મળશે. ઉપરાંત, તમે એનું સારું પરિણામ પણ જોઈ શકશો.—નીતિ. ૧૫:૨૩.

ભાવિ માટે તૈયારી કરો

૧૯, ૨૦. બીજાઓને પ્રગતિ કરવામાં આપણે શા માટે મદદ કરવી જોઈએ?

૧૯ ઈસ્રાએલી પ્રજાને આગળ દોરવા યહોવાએ યહોશુઆને પસંદ કર્યા હતા. એ સમયે તેમણે મુસાને આજ્ઞા કરી કે તે યહોશુઆને “હિંમત” અને “બળ” આપે. (પુનર્નિયમ ૩:૨૮ વાંચો.) જગતફરતેનાં મંડળોમાં વધુ ને વધુ લોકો આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેથી ફક્ત વડીલોએ જ નહિ, પણ દરેક અનુભવી ભાઈ-બહેને યુવાન અથવા નવા ભાઈઓને ક્ષમતા વિકસાવવામાં મદદ આપવી જોઈએ. એમ કરવાથી વધુ લોકો પૂરા સમયની સેવામાં જોડાશે. તેમ જ, “બીજાઓને પણ શીખવી શકે” એવા ભાઈઓમાં વધારો થશે.—૨ તીમો. ૨:૨.

૨૦ ભલેને આપણે મોટા મંડળમાં કે પછી મંડળ બનવા તરફ પ્રગતિ કરતા નાના ગ્રૂપમાં જોડાયા હોઈએ, સંગઠનની ભાવિની જરૂરિયાતો પૂરી કરવા ચાલો આપણે મદદ કરતા રહીએ. એમ કરવા આપણે યહોવાને અનુસરીએ, જે પોતાના ભક્તોમાં હંમેશાં સારા ગુણો જુએ છે.

^ ફકરો. 17 નામ બદલ્યું છે.