સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રગતિ કરવા “તારા પગનો માર્ગ સપાટ કર”

પ્રગતિ કરવા “તારા પગનો માર્ગ સપાટ કર”

ઈસવીસન પૂર્વે ૫૩૭માં ઈશ્વરના લોકો બાબેલોનમાંથી યરૂશાલેમ જવા નીકળ્યા. તેઓની એ મુસાફરીમાં યહોવાએ ખાસ રસ લીધો હતો. યહોવાએ તેઓને કહ્યું: “માર્ગ તૈયાર કરો; બાંધો, સડક બાંધો; પથ્થરો વીણી કાઢો.” (યશા. ૬૨:૧૦) જરા કલ્પના કરો કે એ આજ્ઞા પાળવા યહુદીઓએ શું કર્યું હશે? કદાચ તેઓમાંથી અમુકે આગળ જઈને રસ્તો સરખો કર્યો હશે, ખાડા પૂર્યા હશે અને નાના-મોટા પથ્થરો દૂર કર્યા હશે. એમ કરવાથી યહુદીઓ માટે વતન પાછા જવું સહેલું બન્યું હશે.

એ દાખલો ભક્તિમાં આપણા ધ્યેયો પૂરા કરવા મદદ કરે છે. યહોવા ઇચ્છે છે કે તેમના લોકો ભક્તિના માર્ગ પર અડચણો વગર ચાલે. બાઇબલ આપણને ઉત્તેજન આપે છે: “તારા પગનો માર્ગ સપાટ કર અને તારા સર્વ રસ્તા નિયમસર [દૃઢ, NW] થાય.” (નીતિ. ૪:૨૬) ભલે તમે યુવાન હો કે પછી મોટી ઉંમરના, એ સલાહ પાળવાથી તમને ફાયદો થશે.

રસ્તો તૈયાર કરવા સારા નિર્ણય લો

બાઇબલ જણાવે છે કે “જુવાનોનો મહિમા તેઓનું બળ છે.” (નીતિ. ૨૦:૨૯) મોટા ભાગે યુવાનો પાસે સારી તંદુરસ્તી, ઉત્સાહ, તેજ દિમાગ અને સફળ થવાની ધગશ હોય છે. યુવાનોની આવડત અને ક્ષમતા જોઈને મોટા ભાગે લોકો આશા રાખે છે કે તેઓ જીવનમાં સફળ થાય. યુવાનો પોતાની આવડત અને શક્તિનો ઉપયોગ યહોવાની સેવામાં કરશે તો, ચોક્કસ ખરી ખુશી મેળવી શકશે.

તમે કદાચ જાણતા હશો કે દુનિયામાં યુવાનોની આવડત ઘણી મૂલ્યવાન ગણાય છે. દાખલા તરીકે, એક યુવાન સાક્ષી જ્યારે સ્કૂલમાં સારું કરે, ત્યારે તેના ટીચર અને બીજા દોસ્તો તેને ઉચ્ચ શિક્ષણ લેવા દબાણ કરે છે. એમ પણ બને કે કોઈ યુવાન સાક્ષી રમતગમતમાં સારું કરે તો, તેને એમાં કરિઅર બનાવવા ઉત્તેજન આપવામાં આવે. શું તમારી સામે એવા સંજોગો ઊભા થયા છે? અથવા શું તમે એવી કોઈ વ્યક્તિને  ઓળખો છો જેના પર એવું દબાણ આવ્યું છે? સારો નિર્ણય લેવા શું મદદ કરી શકે?

બાઇબલનું શિક્ષણ તમને જીવનમાં સારા માર્ગે જવા તૈયાર કરે છે. સભાશિક્ષક ૧૨:૧ જણાવે છે: ‘તારી યુવાનીમાં તારા સર્જનહારને યાદ રાખ.’ તમે અથવા બીજા યુવાનો કઈ રીતે ‘સર્જનહારને યાદ રાખી’ શકે?

પશ્ચિમ આફ્રિકામાં રહેતા એરિક * સાથે જે બન્યું એનો વિચાર કરો. તેને ફૂટબૉલ રમવું બહુ ગમતું. એરિક જ્યારે ૧૫ વર્ષનો થયો ત્યારે ફૂટબૉલની નેશનલ ટીમમાં તેને લેવામાં આવ્યો. એનો અર્થ થાય કે તેની પાસે યુરોપમાં સૌથી સારી તાલીમ મેળવવાની તક હતી. એનાથી તે ફૂટબૉલનો એક સારો ખેલાડી બની શક્યો હોત. એ સમય દરમિયાન, એરિકે યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. ‘યુવાનીમાં સર્જનહારને યાદ રાખવાની’ સલાહ તેણે કઈ રીતે લાગુ પાડી? એમાંથી તમે અથવા તમારા મિત્રો શું શીખી શકે?

બાઇબલનો અભ્યાસ કરવાથી તેને શીખવા મળ્યું કે માણસોની મુશ્કેલીઓને ઈશ્વર કાયમ માટે દૂર કરશે. તે સમજી શક્યો કે ઈશ્વરની ઇચ્છા પૂરી કરવી એ રમતગમત કરતાં ઘણી મહત્ત્વની છે. તેથી તેણે ફૂટબૉલમાં કરિઅર બનાવવાનું પડતું મૂક્યું. તેણે બાપ્તિસ્મા લીધું અને પોતાનાં સમય અને શક્તિનો ઉપયોગ યહોવાની સેવામાં કરવા લાગ્યો. થોડા સમય પછી તે સેવકાઈ ચાકર બન્યો. સમય જતાં, તેને ભાઈઓ માટેની બાઇબલ શાળામાં જવાનું આમંત્રણ પણ મળ્યું.

એરિકે પોતાનું કરિઅર રમત જગતમાં બનાવ્યું હોત તો, કદાચ તે દોલત-શોહરત મેળવી શક્યો હોત. પરંતુ, તે બાઇબલમાં જણાવેલી આ હકીકત પારખી શક્યો: ‘પૈસાદાર માણસનું ધન તેના માટે કિલ્લેબંધ શહેર છે. તેની પોતાની કલ્પના પ્રમાણે એ ઊંચા કોટ જેવું છે.’ (નીતિ. ૧૮:૧૧) વ્યક્તિ કદાચ એવું માને કે ધનદોલતથી સલામતી મળે છે. પરંતુ, એમ માનવું ખોટું છે કેમ કે પૈસાદાર બનવા માંગતા કેટલાક લોકોએ ‘ઘણાં દુઃખોથી પોતાને વીંધ્યા છે.’—૧ તીમો. ૬:૯, ૧૦.

ઘણા યુવાનોને પૂરા સમયની સેવામાં જોડાવાથી ખુશી અને કાયમી સલામતી મળી છે. એરિક કહે છે: ‘યહોવાના પૂરા સમયના સેવકોની મોટી “ટીમ”માં હું જોડાયો છું! હું સૌથી સારી ટીમનો સભ્ય છું. જીવનમાં ખરી ખુશી અને સફળતા મેળવવાનો એ એકમાત્ર રસ્તો છે. યહોવાએ મને એ રસ્તો બતાવ્યો માટે હું તેમનો ખૂબ આભારી છું!’

તમારા વિશે શું? દુનિયાના લોકો રાખે એવા ધ્યેયો રાખવાને બદલે કેમ નહિ કે યહોવા સામે “સર્વ રસ્તા” દૃઢ કરવા, તમે પાયોનિયર બનવાનો ધ્યેય રાખો? આ બૉક્સ જુઓ: “યુનિવર્સિટી ન આપી શકે એવા ફાયદા મેળવવા.”

તમારા રસ્તામાંથી અડચણો દૂર કરો

એક યુગલે અમેરિકાની શાખાની મુલાકાત લીધી. તેઓએ જોયું કે બેથેલના સભ્યો કેટલા ખુશ રહે છે. થોડા સમય પછી બહેને લખ્યું: ‘અમે વધુ પડતું આરામદાયક જીવન જીવતા હતા.’ તેથી, યુગલે નક્કી કર્યું કે હવેથી પોતાનાં સમય અને શક્તિનો ઉપયોગ યહોવાની સેવામાં કરશે.

જોકે, એ સમયે તેઓ માટે એવું બદલાણ લાવવું ઘણું અઘરું હતું. પરંતુ, એક દિવસે તેઓએ દરરોજના શાસ્ત્રવચનમાં યોહાન ૮:૩૧ની કલમ વાંચી. એમાં ઈસુએ કહ્યું છે: “જો તમે મારા વચનમાં રહો, તો ખરેખર તમે મારા શિષ્યો છો.” એ કલમ ધ્યાનમાં રાખીને તેઓએ વિચાર્યું કે ‘જીવન સાદું બનાવવા અમે જે કંઈ કરીશું એ એક બલિદાન સમાન ગણાશે.’ તેઓએ પોતાનું મોટું ઘર વેચી નાંખ્યું અને બિનજરૂરી બાબતો દૂર કરી. તેઓ જ્યાં જરૂર હતી એ મંડળમાં મદદ આપવા ગયા. હાલમાં એ યુગલ પાયોનિયરીંગ કરે છે અને રાજ્યગૃહ બાંધકામમાં મદદ આપે છે. તેમ જ, સંમેલનોમાં સ્વયંસેવકો તરીકે કામ કરે છે. તેઓને હવે કેવું લાગે છે? યુગલ જણાવે છે: ‘યહોવાનું સંગઠન જીવન સાદું બનાવવાનું જે ઉત્તેજન આપે છે, એ પ્રમાણે કરવાથી અમને એટલી ખુશી મળી જેનો કોઈ પાર નથી!’

પ્રગતિ કરવા રસ્તા પર દૃઢ રહો

સુલેમાને લખ્યું: ‘તારી આંખો સામી નજરે જુએ અને આગળ સીધી નજર નાખે.’ (નીતિ. ૪:૨૫) એક ડ્રાઇવર વાહન ચલાવતી વખતે રોડ પર જ ધ્યાન રાખે છે. એ જ રીતે આપણે પણ ભક્તિને લગતા ધ્યેયો પૂરા કરવા પર નજર રાખીએ અને ધ્યાન ફંટાવા ન દઈએ.

તમે કયા ધ્યેયો રાખી શકો? પૂરા સમયની સેવામાં જોડાવું,  એ એક સારો ધ્યેય છે. અથવા જે મંડળનો પ્રચાર વિસ્તાર મોટો હોય ત્યાં મદદ આપવા જઈ શકો. તમે એવા મંડળમાં પણ મદદ કરી શકો જ્યાં પ્રકાશકો તો ઘણા છે, પરંતુ વડીલો અને સેવકાઈ ચાકરો ઓછા છે. શું તમે એમાંની કોઈ એક રીતે મદદ કરી શકો? કેમ નહિ કે એ વિશે તમે સરકીટ નિરીક્ષક સાથે વાત કરો? તમે ઘરથી દૂર જઈને સેવા આપવા ઇચ્છતા હો તો, કોઈ દૂરના મંડળની માહિતી મેળવો, જેને મદદની જરૂર છે. *

ચાલો, આપણે યશાયા ૬૨:૧૦માં વર્ણન કરેલા દૃશ્યનો ફરી વિચાર કરીએ. અમુક યહુદીઓએ વતન જવાના માર્ગને સરખો કરવા ઘણી મહેનત કરી હશે. તમે પણ જે ધ્યેયો રાખ્યા છે એને પૂરા કરવા ઘણી મહેનત કરો છો. પરંતુ, નિરાશ થઈને એ ધ્યેયોને કદી પડતા ન મૂકશો. ઈશ્વરની મદદથી તમે ચોક્કસ એ ધ્યેયોને પૂરા કરી શકશો. નડતરો દૂર કરતી વખતે યહોવા પાસે જ્ઞાન માંગતા રહો. સમય જતાં, તમે જોઈ શકશો કે તે ‘પગનો માર્ગ સપાટ કરવા’ તમને કેવી મદદ કરે છે!—નીતિ. ૪:૨૬.

^ ફકરો. 8 નામ બદલ્યું છે.

^ ફકરો. 18 ઓર્ગેનાઈઝ્ડ ટુ ડુ જેહોવાઝ વીલ પુસ્તકનાં પાન ૧૧૧-૧૧૨ જુઓ.