સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માણસોની નબળાઈઓને શું તમે યહોવાની નજરથી જુઓ છો?

માણસોની નબળાઈઓને શું તમે યહોવાની નજરથી જુઓ છો?

‘શરીરનાં જે અંગો નાજુક છે, એ અગત્યનાં છે.’ —૧ કોરીં. ૧૨:૨૨.

૧, ૨. પાઊલ શા માટે બીજાઓની નબળાઈઓને સારી રીતે સમજી શકતા હતા?

આપણે દરેકે અમુક વાર કમજોરી અનુભવી હશે. કદાચ શરદી-ખાંસીને લીધે અથવા તબિયત સારી ન હોવાને લીધે આપણામાં અશક્તિ આવી જાય અને રોજબરોજનાં કામ કરવાં પણ અઘરાં લાગે. માની લો કે, તમે પણ અશક્તિ અનુભવી રહ્યા છો. એ પણ, એક કે બે અઠવાડિયાથી નહિ પરંતુ ઘણા મહિનાઓથી. એવા સંજોગોમાં જો લોકો તમારા પ્રત્યે સહાનુભૂતિ બતાવે, તો શું તમે એની કદર નહિ કરો?

મંડળમાંથી અને બહારથી આવતાં દબાણોને લીધે કેટલીક વાર પ્રેરિત પાઊલે નબળાઈઓ અનુભવી. અરે અમુક વાર તો તેમને લાગ્યું કે બસ, હવે તે વધુ નહિ કરી શકે. (૨ કોરીં. ૧:૮; ૭:૫) એક વફાદાર ખ્રિસ્તી તરીકે પાઊલે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. તેમણે એવી નબળાઈઓનો પોતે અનુભવ કર્યો હોવાથી તે બીજાઓની નબળાઈઓને સારી રીતે સમજી શકતા હતા. તેથી તે લખી શક્યા કે, “કોને અશક્ત જોઈને હું અશક્ત નથી થતો?” (૨ કોરીં. ૧૧:૨૯) ઉપરાંત, મંડળના જુદા જુદા સભ્યોને શરીરનાં અંગો સાથે સરખાવતાં તેમણે લખ્યું: ‘શરીરનાં જે અંગો નાજુક છે, એ અગત્યનાં છે.’ (૧ કોરીં. ૧૨:૨૨) તેમના કહેવાનો  અર્થ શો હતો? માણસોની નબળાઈઓને આપણે શા માટે યહોવાની નજરથી જોવી જોઈએ? એમ કરવાથી કઈ રીતે ફાયદો થશે?

માણસોની નબળાઈઓને યહોવા કેવી ગણે છે

૩. મંડળમાં જેઓને મદદની જરૂર પડે છે, તેઓ પ્રત્યે આપણું વલણ શા માટે બદલાઈ શકે?

આજે દુનિયામાં ચારેય બાજુ હરીફાઈનું વલણ જોવા મળે છે. યુવાની અને તાકાતને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. કમજોર લોકોનો ફાયદો ઉપાડીને ઘણાઓ પોતાનો સ્વાર્થ પૂરો કરે છે. નબળી વ્યક્તિની લાગણીઓની તેઓને કંઈ જ પડી નથી. આપણે કદાચ એવું વલણ જાણી જોઈને નહિ બતાવીએ. છતાં, મંડળમાં જેઓને મદદની સતત જરૂર પડે છે, એવાં ભાઈ-બહેનો પ્રત્યે કદાચ અજાણતા આપણું વલણ બદલાઈ જાય. તોપણ આપણે તેઓ પ્રત્યે યહોવા રાખે છે, એવું વલણ કેળવી શકીએ છીએ.

૪, ૫. (ક) માણસોની નબળાઈઓને યહોવા કઈ રીતે જુએ છે, એ સમજવા ૧ કોરીંથી ૧૨:૨૧-૨૩નું ઉદાહરણ કઈ રીતે મદદ કરે છે? (ખ) નબળાઓને મદદ કરીને આપણને કઈ રીતે ફાયદો થાય છે?

માણસોની નબળાઈઓને યહોવા કઈ રીતે જુએ છે? એ જાણવા, પાઊલે કોરીંથીઓને લખેલો પહેલો પત્ર આપણને મદદ કરે છે. એના ૧૨મા અધ્યાયમાં પાઊલ આપણને યાદ અપાવે છે કે ભલેને શરીરમાં અમુક અંગ સૌથી નાજુક અથવા કદરૂપું દેખાય, તોપણ એ ઘણું કામ લાગે છે. (૧ કોરીંથી ૧૨:૧૨, ૧૮, ૨૧-૨૩ વાંચો.) ઉત્ક્રાંતિવાદમાં માનનારા કેટલાક લોકો એમ વિવાદ કરે છે કે શરીરનાં અમુક અંગોની જરૂર નથી. જોકે, શરીરની રચના વિશે અભ્યાસ કરતા વૈજ્ઞાનિકોને હાલમાં જોવા મળ્યું છે કે, અગાઉ જે અંગો નકામાં ગણાતાં હતાં, એ અંગો મહત્ત્વનું કામ કરે છે. * દાખલા તરીકે, અમુકને સવાલ થતો કે પગની ટચલી આંગળી કોઈ કામની છે કે નહિ. પરંતુ, હવે જાણવા મળ્યું છે કે શરીરને સ્થિર રાખવામાં એ નાનકડી આંગળી ઘણી કામ લાગે છે.

એ ઉદાહરણથી પાઊલ દર્શાવવા માંગતા હતા કે મંડળમાંનો દરેક સભ્ય મહત્ત્વનો છે. યહોવાની નજરે તેમનો દરેક ભક્ત “અગત્ય”નો છે, પછી ભલેને તે નબળો હોય. જ્યારે કે, શેતાન વ્યક્તિઓને ફજેત કરે છે. (અયૂ. ૪:૧૮, ૧૯) એ હકીકત જાણીને ખુશી થાય છે કે મંડળમાં અને ઈશ્વરના જગતફરતેના સંગઠનમાં આપણે અગત્યનો ભાગ ભજવીએ છીએ. દાખલા તરીકે, એવા સમયને યાદ કરો જ્યારે કોઈ વૃદ્ધ વ્યક્તિને મદદ કરવા તમે હાથ લંબાવ્યો. કદાચ, એ મદદ આપવા તમારે તે વ્યક્તિની સાથે ધીરે ધીરે ચાલવું પડ્યું હશે. એ મદદથી તેને તો ફાયદો થયો જ હશે. પણ શું મદદ કરીને તમને ખુશી મળી ન હતી? બીજાઓની જરૂરિયાતોને પૂરી કરીને આપણને તેમની કાળજી લેવામાં આનંદ મળે છે. તેમ જ, આપણામાં ધીરજ, પ્રેમ વધે છે અને આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. (એફે. ૪:૧૫, ૧૬) ભલેને ભાઈ-બહેનોમાં નબળાઈઓ હોય પણ યહોવા ચાહે છે કે આપણે દરેકને મહત્ત્વના ગણીએ. એવું વલણ રાખીશું તો આપણે તેઓ પાસે વધુ પડતી અપેક્ષા નહિ રાખીએ. એ રીતે મંડળમાં પ્રેમ વધશે.

૬. પાઊલે “નિર્બળ” અને “શક્તિમાનો” જેવા શબ્દો કયા અર્થમાં વાપર્યા હતા?

ખરું કે, પાઊલે મંડળના લોકોને દર્શાવવા “નિર્બળ” અને “નિર્બળતા” જેવા શબ્દો વાપર્યા હતા. એમ કરવાનું કારણ હતું કે એ સમયના લોકો ખ્રિસ્તીઓને એવા શબ્દોથી સંબોધતા. જોકે, પાઊલ એવું કહેવા માંગતા ન હતા કે મંડળમાં અમુક લોકો બીજાઓ કરતાં સારા છે. અરે, કેટલીક વાર તો તેમણે પોતાને પણ નિર્બળ કહ્યા છે. (૧ કોરીં. ૧:૨૬, ૨૭; ૨:૩) એ જ પ્રમાણે પાઊલે અમુકને “શક્તિમાનો” કહ્યા ત્યારે તેમનો અર્થ એમ ન હતો કે તે લોકો બીજાઓ કરતાં ચઢિયાતા હતા. (રોમ. ૧૫:૧) એના બદલે, તે તો એમ કહેવા માંગતા હતા કે જેઓ સત્યમાં વધારે અનુભવી છે તેઓએ નવાઓ સાથે ધીરજથી વર્તવું જોઈએ.

 શું આપણા વલણમાં ફેરફારની જરૂર છે?

૭. જેને જરૂર છે એવી વ્યક્તિને મદદ કરવી અમુક વાર કેમ સહેલી નથી હોતી?

મદદની જરૂર હોય તેઓને આપણે મદદ કરવી જોઈએ. એમ કરીને આપણે યહોવાને અનુસરવાની સાથે સાથે તેમને ખુશ પણ કરીએ છીએ. (ગીત. ૪૧:૧; એફે. ૫:૧) જોકે, મદદ કરવી હંમેશાં સહેલી હોતી નથી. કારણ કે કેટલીક વાર આપણે વિચારતા હોઈએ કે વ્યક્તિએ પોતાની મુશ્કેલીઓનો હલ જાતે જ લાવવો જોઈએ. અથવા એમ પણ બને કે એવી વ્યક્તિ સાથે શું વાત કરવી એ ખબર ન હોવાથી આપણે કદાચ શરમાઈને દૂર રહીએ. સિંથીયા * નામના બહેનને તેમના પતિ છોડીને જતા રહ્યા છે. બહેન જણાવે છે: ‘ભાઈ-બહેનો જ્યારે તમારાથી દૂર-દૂર રહે અથવા જો કોઈ ગાઢ મિત્ર દોસ્તી ન નિભાવે ત્યારે દુઃખ થાય છે. તમે મુશ્કેલીઓમાં હો ત્યારે તો ખાસ તેઓના સાથની આશા રાખતા હો છો.’ દાઊદ રાજાને પણ તેમના મિત્રોએ સાથ ન આપ્યો ત્યારે એવું જ દુઃખ થયું હતું.—ગીત. ૩૧:૧૨.

૮. ભાઈ-બહેનોને સારી રીતે સમજવા શું મદદ કરશે?

મદદની જરૂર હોય તેઓને સારી રીતે સમજવા શું કરવું જોઈએ? યાદ રાખીએ કે તેઓમાંના ઘણાને કદાચ બીમારી કે ઊંડી નિરાશા સતાવતી હશે. અથવા કુટુંબમાંથી તે એકલા સત્યમાં હોવાથી તકલીફોનો સામનો કરી રહ્યા હશે. જો આપણે એવા સંજોગોમાં હોઈએ તો ચાહીશું કે લોકો આપણી લાગણીઓ સમજે. ઇજિપ્તમાં હતા ત્યારે ઈસ્રાએલીઓ ગરીબ અને નિર્બળ હતા. તેઓને વચનના દેશમાં પ્રવેશતા પહેલા યાદ અપાવવામાં આવ્યું કે ભાઈ-બહેનો પ્રત્યે ‘હૃદય કઠણ ન કરે.’ યહોવા ઇચ્છતા હતા કે તેઓ ગરીબ અને નિર્બળ ઈસ્રાએલીઓને મદદ કરે.—પુન. ૧૫:૭, ૧૧; લેવી. ૨૫:૩૫-૩૮.

૯. કપરા સંજોગોમાં આવી પડેલાં ભાઈ-બહેનોને મદદ આપતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? દાખલો આપો.

કપરા સંજોગોમાં આવી પડેલાં ભાઈ-બહેનો પર શંકા કરવાને, કે પછી વાંક કાઢવાને બદલે તેઓને બાઇબલમાંથી મદદ આપવી જોઈએ. (અયૂ. ૩૩:૬, ૭; માથ. ૭:૧) ચાલો એ સમજવા એક દાખલો જોઈએ. એક બાઇક ચલાવનારનો અકસ્માત થાય છે અને તેને ઇમર્જન્સી વૉર્ડમાં લાવવામાં આવે છે. એવા સમયે, શું ત્યાંનાં ડૉક્ટર અને નર્સ એ વિચારવા બેસશે કે તે વ્યક્તિનો વાંક હતો કે નહિ? ના. એના બદલે તેઓ તાત્કાલિક સારવાર આપવામાં લાગી જશે. એવી જ રીતે, જો કોઈ ભાઈ કે બહેન કોઈ કારણસર મુશ્કેલીમાં આવી પડે તો આપણે પહેલા તેમને બાઇબલમાંથી મદદ આપવી જોઈએ.—૧ થેસ્સાલોનીકી ૫:૧૪ વાંચો.

૧૦. નિર્બળ દેખાતાં ભાઈ-બહેનો પણ કઈ રીતે “વિશ્વાસમાં ધનવાન” છે?

૧૦ ભાઈ-બહેનોના સંજોગોનો વિચાર કરીશું તો તેઓની કમજોરીને આપણે અલગ નજરે જોઈ શકીશું. એવી બહેનોનો વિચાર કરો જેઓ વર્ષોથી કુટુંબનો વિરોધ સહી રહી છે. એમાંની અમુક કદાચ સામાન્ય અને નાજુક દેખાય. પરંતુ, શું તેઓ એવા કપરા સંજોગોમાં પણ અજોડ શ્રદ્ધા અને મક્કમ ઇરાદાની સાબિતી આપતી નથી? એકલા હાથે ઉછેર કરતી માતાને તમે સભાઓમાં બાળકો સાથે આવતી જુઓ છો, ત્યારે શું તેની શ્રદ્ધા અને દૃઢ નિર્ણય તમારા દિલને સ્પર્શી જતાં નથી? એવા તરુણો વિશે શું, જેઓ શાળામાં આવતાં ખરાબ દબાણનો સામનો કરીને પણ સત્યમાં અડગ રહે છે? એ બધા કિસ્સામાં જોઈ શકાય કે નાનાં અને નિર્બળ દેખાતાં ભાઈ-બહેનો પણ “વિશ્વાસમાં” એવી વ્યક્તિઓ જેટલા જ “ધનવાન” છે, જેઓના સંજોગો એટલા કપરા નથી.—યાકૂ. ૨:૫.

વલણમાં ફેરફાર કરી યહોવા જેવું વિચારીએ

૧૧, ૧૨. (ક) માણસોની નબળાઈઓ પ્રત્યેના આપણા વલણમાં ફેરફાર કરવા શું મદદ કરશે? (ખ) હારૂન સાથે યહોવા જે રીતે વર્ત્યા એમાંથી શું શીખવા મળે છે?

૧૧ ભાઈ-બહેનોની નબળાઈઓને યહોવા જે રીતે જુએ છે એ જ રીતે આપણે પણ જોવી જોઈએ. એ માટે બાઇબલમાં આપેલા અમુક અહેવાલો મદદ કરે છે. (ગીતશાસ્ત્ર ૧૩૦:૩ વાંચો.) દાખલા તરીકે, હારૂન સોનાનું વાછરડું બનાવવામાં પોતાનો વાંક નથી એમ કહેવા લાગ્યા. એ સમયે જો તમે મુસા  જોડે ત્યાં હોત, તો એ બહાનાં સાંભળીને તમને કેવું લાગત? (નિર્ગ. ૩૨:૨૧-૨૪) અથવા મુસા વિદેશી સ્ત્રી સાથે પરણ્યા હોવાને લીધે હારૂને પણ પોતાની બહેન મરિયમની વાતમાં આવીને મુસાની નિંદા કરી. તમને હારૂનનું એ વલણ કેવું લાગ્યું હોત? (ગણ. ૧૨:૧, ૨) યહોવાએ મરીબાહમાં ચમત્કાર કરીને ખડકમાંથી પાણી કાઢ્યું ત્યારે મુસા અને હારૂને યહોવાને મહિમા આપ્યો નહિ. એ વિશે તમને કેવું લાગ્યું હોત?—ગણ. ૨૦:૧૦-૧૩.

૧૨ યહોવા એ બધા કિસ્સામાં હારૂનને તરત જ શિક્ષા કરી શક્યા હોત. પરંતુ, તેમણે એ વાત ધ્યાનમાં રાખી કે હારૂને ભલે ભૂલ કરી પણ તે ખરાબ વ્યક્તિ નથી. લાગે છે કે સંજોગો અથવા માણસોના દબાણને વશ થઈને હારૂન સાચા માર્ગથી ફંટાઈ ગયા હશે. જોકે, તેમની ભૂલો જણાવવામાં આવી ત્યારે તેમણે તરત કબૂલ કરી અને યહોવાની સલાહ સ્વીકારી. (નિર્ગ. ૩૨:૨૬; ગણ. ૧૨:૧૧; ૨૦:૨૩-૨૭) યહોવાએ હારૂનની શ્રદ્ધા અને પસ્તાવો કરવાના વલણ પર ધ્યાન આપ્યું. સદીઓ પછી, હારૂન અને તેમના વંશજોને યહોવાના વફાદાર ભક્તો તરીકે યાદ કરવામાં આવ્યા.—ગીત. ૧૧૫:૧૦-૧૨; ૧૩૫:૧૯, ૨૦.

૧૩. આપણા વલણમાં કઈ રીતે ફેરફાર કરી શકીશું? દાખલો આપો.

૧૩ હારૂનની જેમ આપણાં ભાઈ-બહેનો પણ ભૂલો કરી શકે છે. એમ બને ત્યારે આપણે તેઓ પ્રત્યે કેવું વલણ રાખીએ છીએ? શું તમારે વલણમાં ફેરફાર કરવાની જરૂર છે? (૧ શમૂ. ૧૬:૭) દાખલા તરીકે, મનોરંજનની પસંદગી બાબતે કોઈ તરુણ સાવધાની ન રાખે અથવા તેનું વલણ ખરાબ હોય ત્યારે, આપણે તેની સાથે કઈ રીતે વર્તીએ છીએ? એવા કિસ્સામાં તેને ખરાબ વ્યક્તિ માની લેવાને બદલે, કેમ નહિ કે તેને સારા નિર્ણય લેતા શીખવીએ? આ રીતે મદદ આપવાથી તમે તેની સાથે ધીરજથી વર્તી શકશો અને તેના પ્રત્યે તમારો પ્રેમ વધશે.

૧૪, ૧૫. (ક) એલીયા થોડી વાર માટે નિરાશ થયા ત્યારે યહોવાને કેવું લાગ્યું? (ખ) એલીયાના અનુભવમાંથી શું શીખવા મળે છે?

૧૪ નિરાશામાં ડૂબેલાં અમુક ઈશ્વરભક્તો જોડે યહોવા કઈ રીતે વર્ત્યા? ચાલો જોઈએ કે એવા એક  ઈશ્વરભક્ત એલીયાને યહોવાએ કઈ રીતે મદદ આપી. બઆલના ૪૫૦ પ્રબોધકો સામે એલીયા હિંમતથી પડકાર ફેંકી શક્યા. પરંતુ, જ્યારે સાંભળ્યું કે રાણી ઈઝેબેલે તેમને મારી નાખવાનું કાવતરું કર્યું છે, ત્યારે તે ડરીને નાસી ગયા. તે ૧૫૦ કિ.મી. ચાલીને બેર-શેબા ગયા અને પછી વેરાન વિસ્તારમાં આવ્યા. ધગધગતા તાપમાં ચાલીને કરેલી એ લાંબી મુસાફરીથી તે થાકી ગયા હતા. અરે, તે એટલા થાકી ગયા કે ઝાડ નીચે બેઠા અને “મોત માંગ્યું.”—૧ રાજા. ૧૮:૧૯; ૧૯:૧-૪.

યહોવાએ એલીયાની નબળાઈઓ ધ્યાનમાં લીધી અને ઉત્તેજન આપવા એક દૂતને મોકલ્યા (ફકરા ૧૪, ૧૫ જુઓ)

૧૫ યહોવાએ સ્વર્ગમાંથી જોયું કે તેમનો વફાદાર ભક્ત નિરાશ થઈ ગયો છે ત્યારે તેમને કેવું લાગ્યું? થોડાક સમય માટે નિરાશ થવા અને ડરી જવાને લીધે, શું એલીયાનો યહોવાએ નકાર કર્યો? ના, જરાય નહિ. યહોવાએ ધ્યાનમાં લીધું કે એલીયા નબળા પડી ગયા છે. તેથી, તેમણે પોતાના એક દૂતને મોકલ્યા. દૂતે બે વખત એલીયાને જમવાનું આપ્યું, જેથી તેમને “લાંબી મજલ કાપવા” તાકાત મળી શકે. (૧ રાજાઓ ૧૯:૫-૮ વાંચો.) એલીયાને માર્ગદર્શન આપતાં પહેલા યહોવાએ તેમનું ધ્યાનથી સાંભળ્યું અને જરૂરી મદદ પૂરી પાડી.

૧૬, ૧૭. આપણે યહોવાની જેમ ભાઈ-બહેનોને મદદ કઈ રીતે કરી શકીએ?

૧૬ આપણે કાળજી લેનાર ઈશ્વરનું અનુકરણ કઈ રીતે કરવું જોઈએ? સલાહ આપવામાં ઉતાવળ ન કરીએ. (નીતિ. ૧૮:૧૩) સંજોગોને લીધે જેઓ પોતાને “ઓછા માનયોગ્ય” ગણે છે, તેઓને ધ્યાનથી સાંભળીએ. તેમ જ તેઓને સહાનુભૂતિ બતાવીએ. (૧ કોરીં. ૧૨:૨૩) એ પછી જ, આપણે જરૂરી મદદ આપી શકીશું.

૧૭ અગાઉ જેમનાં વિશે વાત કરી એ બહેન સિંથીયાનો દાખલો લઈએ. પતિ છોડીને જતા રહ્યા હોવાથી બહેન અને બે દીકરીઓ સાવ એકલાં પડી ગયાં હતાં. મંડળનાં અમુક ભાઈ-બહેનોએ તેઓને કઈ રીતે મદદ કરી? બહેન જણાવે છે, ‘જે બન્યું એ વિશે ફોન પર મેં જેઓને જણાવ્યું તેઓ ૪૫ મિનિટોમાં જ ઘરે આવી પહોંચ્યા. તેઓની આંખોમાં આંસુ હતાં. પહેલાંના બે-ત્રણ દિવસ તેઓએ અમને બિલકુલ એકલા પડવા દીધા નહિ. અમે દુઃખની લાગણીમાં ડૂબેલાં હોવાથી સરખું જમી પણ શકતાં નહિ. એવાં સંજોગોમાં તેઓ અમને પોતાના ઘરે લઈ ગયાં.’ એ પરથી આપણને યાકૂબના આ શબ્દો યાદ આવે છે: ‘જો કોઈ ભાઈ અથવા બહેન પાસે પૂરતાં કપડાં અને ખોરાક ન હોય અને તમારામાંનો કોઈ તેમને કહે કે “શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ,” તોપણ શરીરને જે જોઈએ તે જો તમે તેમને ન આપો, તો તેથી શો લાભ થાય? તેમ જ વિશ્વાસ પણ, જો તેની સાથે કરણીઓ ન હોય, તો તે એકલો હોવાથી નિર્જીવ છે.’ (યાકૂ. ૨:૧૫-૧૭) સિંથીયા અને તેમની દીકરીઓને ભાઈ-બહેનોએ સમયસર મદદ પૂરી પાડી. એનાથી તેઓ ફક્ત ૬ મહિનામાં એ દુઃખમાંથી બહાર આવી શક્યાં અને એટલાં દૃઢ થયાં કે સહાયક પાયોનિયરીંગ કરવાં લાગ્યાં.—૨ કોરીં. ૧૨:૧૦.

ઘણા ફાયદા થાય છે

૧૮, ૧૯. (ક) નબળાઓને આપણે કઈ રીતે મદદ કરી શકીએ? (ખ) એમ કરવાથી કોને ફાયદો થાય છે?

૧૮ તમે અનુભવ્યું હશે કે લાંબા સમયથી બીમાર હોઈએ તો સાજા થયા પછી પૂરી શક્તિ આવતા વાર લાગે. એવી જ રીતે, ભાઈ-બહેનોને પણ પોતાની મુશ્કેલીઓ કે અઘરા સંજોગોમાંથી બહાર આવીને ભક્તિમાં દૃઢ થતાં વાર લાગી શકે. જોકે, પોતાની શ્રદ્ધા મજબૂત કરવા એ વ્યક્તિએ બાઇબલનો વ્યક્તિગત અભ્યાસ, પ્રાર્થના અને મંડળની દરેક સભાઓમાં ભાગ લેવો જરૂરી છે. એ વ્યક્તિ શ્રદ્ધામાં ફરી મજબૂત થાય ત્યાં સુધી, શું આપણે ધીરજ બતાવીશું? એ સમય દરમિયાન શું આપણે તેના માટે લાગણી બતાવતા રહીશું? અમુક સમયથી નબળી પડી ગયેલી વ્યક્તિને આપણે જરૂરી મદદ અને પ્રેમ આપીએ. એમ કરવાથી તે અનુભવશે કે પોતે મંડળનો એક મહત્ત્વનો ભાગ છે.—૨ કોરીં. ૮:૮.

૧૯ ક્યારેય ન ભૂલીએ કે બીજાઓને મદદ કરવાથી પોતાને પણ ખુશી મળે છે. એનાથી આપણે ધીરજ અને સહાનુભૂતિ કેળવતાં શીખીએ છીએ. ઉપરાંત, એનાથી આખા મંડળમાં પ્રેમ પણ વધે છે. સૌથી મહત્ત્વનું તો એ છે કે “નબળાઓને સહાય” કરીને આપણે યહોવાને અનુસરીએ છીએ. આપણા પ્રેમાળ પિતાની નજરમાં દરેક વ્યક્તિ કીમતી છે.—પ્રે.કૃ. ૨૦:૩૫.

^ ફકરો. 4 ધ ડિસેન્ટ ઑફ મેન નામના તેના પુસ્તકમાં ચાર્લ્સ ડાર્વિને શરીરનાં અમુક અંગોને ‘નકામાં’ તરીકે ઉલ્લેખ્યાં છે. તેના એક સલાહકારે એ વિશે ભાર આપતા જણાવ્યું કે મનુષ્યના શરીરમાં એવાં ઘણાં અંગો છે જે ઉપયોગી નથી. એવાં અંગોમાં આંતરડાનો ભાગ “એપેન્ડીક્ષ” અને ગળાના નીચલા ભાગમાં આવેલી “થાઈમસ” નામની ગ્રંથિનો સમાવેશ થાય છે.

^ ફકરો. 7 નામ બદલ્યું છે.