સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—માઇક્રોનેશિયામાં

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—માઇક્રોનેશિયામાં

કેથરીન અમેરિકામાં મોટી થઈ અને ૧૬ વર્ષની ઉંમરે તેણે યહોવાના સાક્ષી તરીકે બાપ્તિસ્મા લીધું. તે ખંતથી ખુશખબર ફેલાવતી, પણ પોતાના વિસ્તારમાં તેને રસ ધરાવનાર લોકો ખૂબ ઓછા મળતા. તે જણાવે છે: ‘આપણા સાહિત્યમાં આવતા અનુભવોમાં મેં વાંચ્યું હતું કે અમુક લોકો સાચા ઈશ્વરને ઓળખવા ચાહે છે. એમાં મદદ મળે માટે કોઈકને મોકલવાની તેઓ પ્રાર્થના કરે છે. હું પણ ઇચ્છતી હતી કે મને એવી વ્યક્તિ મળે. જોકે, એવું ક્યારેય બન્યું નહિ.’

એક જ વિસ્તારમાં વર્ષોથી કામ કર્યાં પછી કેથરીન એવી જગ્યાએ રહેવા જવાનું વિચારવા લાગી જ્યાં લોકો રાજ્યની ખુશખબર સ્વીકારે. પણ, તેને થતું કે શું એમ કરવું સહેલું હશે. કારણ કે, અત્યાર સુધીમાં તે એક જ વાર પોતાના કુટુંબથી દૂર ગઈ હતી. એ પણ ફક્ત બે અઠવાડિયા માટે અને એમાંય તેને ઘરની યાદ રોજ સતાવતી હતી. તેમ છતાં, યહોવાને શોધવા માંગતા લોકોને મદદ કરવાની ઇચ્છાથી તેણે બીજી જગ્યાએ જવાનું નક્કી કર્યું. પોતે જ્યાં જઈ શકે એવા વિસ્તારો પર વિચાર કર્યા પછી તેણે ગુઆમ શાખા કચેરીને પત્ર લખ્યો અને જરૂરી માહિતી મેળવી. જુલાઈ ૨૦૦૭માં ૨૬ વર્ષની ઉંમરે કેથરીન પ્રશાંત મહાસાગરમાં આવેલા ટાપુ સાઇપાન ગઈ. એ ટાપુ તેના ઘરથી ૧૦,૦૦૦ કિ.મી. દૂર છે. તેનો એ નિર્ણય કેવો રહ્યો?

બે પ્રાર્થનાઓના જવાબ

નવા મંડળમાં આવ્યાને કેથરીનને થોડો જ સમય થયો હતો. એ પછી સંદેશો જણાવતી વખતે તેને લગભગ ૪૫ વર્ષની ડોરીસ નામની એક સ્ત્રી મળી, જેણે બાઇબલ અભ્યાસ સ્વીકાર્યો. પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકના પ્રથમ ત્રણ અધ્યાય ચલાવ્યા પછી કેથરીનને એ સ્ત્રી વિશે ચિંતા થવા લાગી. કેથરીન જણાવે છે: ‘ડોરીસ સારી રીતે અભ્યાસ કરતા, પણ મને લાગતું કે હું તેમને સારી રીતે શીખવી નહિ શકું. કારણ કે, મેં ક્યારેય નિયમિત રીતે કોઈનો બાઇબલ અભ્યાસ ચલાવ્યો ન હતો. ઉપરાંત મને થયું કે ડોરીસને તેમની જ ઉંમરનાં કોઈ અનુભવી બહેન વધુ સારી મદદ આપી શકશે.’ ડોરીસનો અભ્યાસ જેને સોંપી શકાય એવાં બહેન મળી રહે, એવી કેથરીને પ્રાર્થના કરી. પછી તેણે ડોરીસને જણાવવાનું નક્કી કર્યું કે તેનો અભ્યાસ હવેથી કોઈ બીજું ચલાવશે.

કેથરીન જણાવે છે: ‘હું ડોરીસને એ વાત જણાવવાની જ હતી એટલામાં તેમણે મને કહ્યું કે તે મને પોતાની મુશ્કેલી વિશે કંઈક કહેવા માંગે છે. તેમની વાત સાંભળ્યા પછી મેં જણાવ્યું કે એવા જ સંજોગોનો સામનો કરવા યહોવાએ કઈ રીતે મને મદદ કરી. એ જણાવવા માટે તેમણે મારો આભાર માન્યો.’ પછી ડોરીસે કેથરીનને કહ્યું કે, ‘મને મદદ કરવા યહોવા તમારો ઉપયોગ કરે છે. પહેલી વાર તમે મારા ઘરે આવ્યાં ત્યારે હું કલાકોથી બાઇબલ વાંચી રહી હતી. તેમ જ, ઈશ્વરને રડીને પ્રાર્થના કરતી હતી કે બાઇબલ સમજાવવા તે કોઈને મારી પાસે મોકલે. એટલામાં,  તમે દરવાજો ખખડાવ્યો! યહોવાએ મારી પ્રાર્થનાનો એ રીતે જવાબ આપ્યો હતો.’ ડોરીસની વાત કેથરીનના દિલને સ્પર્શી ગઈ અને તેની આંખમાં આંસુ આવી ગયાં. કેથરીન જણાવે છે: ‘ડોરીસના શબ્દો મારી પ્રાર્થનાનો જવાબ હતો. યહોવાએ મને બતાવ્યું કે હું ડોરીસનો અભ્યાસ ચલાવી શકું છું.’

ડોરીસે ૨૦૧૦માં બાપ્તિસ્મા લીધું અને આજે તે પોતે પણ કેટલાક બાઇબલ અભ્યાસો ચલાવી રહ્યાં છે. કેથરીન કહે છે: ‘ઘણા સમયથી મારી ઇચ્છા હતી કે હું પણ નમ્ર વ્યક્તિને યહોવાને ઓળખવામાં મદદ કરું. મારી એ ઇચ્છા પૂરી કરવા બદલ હું યહોવાનો ઘણો આભાર માનું છું.’ આજે, કેથરીન ખાસ પાયોનિયર તરીકે પ્રશાંત મહાસાગર પર આવેલા ટાપુ કોસરેમાં સેવા આપી રહ્યાં છે.

ત્રણ પડકારો અને એના હલ

બીજા દેશોમાંથી આવેલાં ૧૦૦ કરતાં વધારે ભાઈ-બહેનોએ (૧૯થી ૭૯ વર્ષની વચ્ચેનાં) માઇક્રોનેશિયામાં જ્યાં જરૂર છે ત્યાં સેવા આપી છે. એમાંની એક એરીકા પણ છે, જેણે સાલ ૨૦૦૬માં ૧૯ વર્ષની ઉંમરે ગુઆમ જઈને સેવા શરૂ કરી. એ બધાં ઉત્સાહી ભાઈ-બહેનો કેવું અનુભવે છે એની ઝલક એરીકાના આ શબ્દોમાં જોઈ શકાય. તે કહે છે: ‘જ્યાંના લોકોને સત્યની તરસ હોય, એવા વિસ્તારોમાં જઈને પાયોનિયરીંગ કરવામાં અનેરો આનંદ મળે છે. હું યહોવાની ઘણી આભારી છું કે તેમણે મને આવી સેવા કરવાનો મોકો આપ્યો. એવું જીવન સૌથી સારું છે.’ આજે, એરીકા ખાસ પાયોનિયર તરીકે મારશલ ટાપુઓમાં આવેલા ઍબી વિસ્તારમાં સેવા આપવાનો આનંદ માણે છે. જોકે, બીજા દેશમાં જઈને સેવા આપવામાં પડકારો પણ રહેલા છે. ચાલો એમાંના ત્રણ પડકારો વિશે જોઈએ. તેમ જ, એ પણ જોઈએ કે માઇક્રોનેશિયામાં જઈને સેવા આપતાં ભાઈ-બહેનોએ એ પડકારોને કઈ રીતે હાથ ધર્યા છે.

એરીકા

જીવન ઢબ. સાલ ૨૦૦૭માં પાલાઉ ટાપુ પર ૨૨ વર્ષના ભાઈ સીમોન ગયા. જલદી જ, તેમને સમજાયું કે પોતાના દેશ ઇંગ્લૅંડમાં જેટલું કમાતા હતા, એના કરતાં અહીં બહુ જ ઓછું કમાઈ શકશે. તે જણાવે છે, ‘મારે હવે શીખવાનું હતું કે જે ગમે એ બધું જ કંઈ ખરીદાય નહિ! હવે, હું ખાવા-પીવાની વસ્તુ પણ એક-બે દુકાને જઈને જ્યાં સસ્તું પડે ત્યાંથી ખરીદું છું. અમુક વાર કોઈ સાધન કે વસ્તુ બગડી જાય તો એવી કોઈ વ્યક્તિને શોધતો જે એ રીપેર કરવા મને મદદ કરે. એનો કોઈ ભાગ બદલવો પડે તો એને એવી દુકાન પરથી ખરીદું છું, જ્યાં જૂનો સામાન મળે છે.’ સાદી જીવન ઢબ અપનાવવાથી સીમોનને શું શીખવા મળ્યું? તે જણાવે છે, ‘જીવનમાં ખરેખર કઈ વસ્તુઓ જરૂરી છે અને કઈ રીતે હું થોડામાં પણ ગુજરાન કરી શકું, એ શીખવા મળ્યું. યહોવા મારી સંભાળ રાખી રહ્યા છે એની સાબિતી મને ઘણી વાર મળી. આ સાત વર્ષોની સેવા દરમિયાન મને ખાવા માટે ખોરાક અને સૂવા માટે જગ્યા હંમેશાં મળ્યાં છે. ખરેખર, રાજ્યને પ્રથમ રાખવા જેઓ સાદું જીવન જીવે છે તેઓને યહોવા ચોક્કસ મદદ કરે છે.’—માથ. ૬:૩૨, ૩૩.

ઘરની યાદ. એરીકા કહે છે, ‘મને મારું કુટુંબ ઘણું વહાલું છે. તેથી, મને ચિંતા હતી કે ઘરથી દૂર જઈશ તો તેઓની મને યાદ સતાવશે અને એ કદાચ મારા પ્રચારકાર્યને આડે આવશે.’ એ ચિંતામાંથી મુક્ત થવા તેને શામાંથી મદદ મળી? તે જણાવે છે, ‘બીજા દેશમાં જતાં પહેલા મેં ચોકીબુરજમાં એવા લેખો વાંચ્યા જેમાં માહિતી હતી કે, ઘરની યાદ સતાવે એવા લોકોએ શું કરવું જોઈએ. આમ, હું આવનાર પડકારનો સામનો કરવા  તૈયાર થઈ શકી. જેમ કે, એક લેખમાં એક માતાએ પોતાની દીકરીને ખાતરી અપાવી કે યહોવા તેની સંભાળ રાખશે. તેમણે કહ્યું “મારા કરતાં યહોવા તારી સંભાળ સારી રીતે લઈ શકે છે.” એ ખાતરી આપતાં શબ્દોથી મને ઘણું ઉત્તેજન મળ્યું.’ હાન્ના તેમના પતિ પેટ્રીક સાથે મારશલ ટાપુઓમાં માજ્યુરો નામના વિસ્તારમાં સેવા આપે છે. ઘરની યાદ સતાવે ત્યારે હાન્ના પોતાનું ધ્યાન મંડળનાં ભાઈ-બહેનો તરફ ફેરવતી. તે જણાવે છે, ‘દુનિયા ફરતે યહોવાએ જે ભાઈ-બહેનો આપ્યાં છે એ માટે હું યહોવાનો સતત આભાર માનું છું. કારણ કે તેઓ પાસેથી પણ કુટુંબ જેવો જ પ્રેમ મળે છે. તેઓની પ્રેમાળ મદદ વગર વધુ જરૂરવાળા વિસ્તારમાં હું સેવા આપી શકી ન હોત.’

સીમોન

લોકોમાં ભળવું. સીમોન જણાવે છે: ‘તમે બીજા દેશમાં જાઓ ત્યારે ત્યાં તમને બધું નવું નવું લાગે. અહીં હું પહેલાં જેટલો હસી-મજાક કરી શકતો નથી અને જો કરું તો અહીંના લોકો એને સમજે, એવું ઓછું બને છે.’ એરીકા કહે છે: ‘શરૂઆતમાં મને લાગતું કે હું એકલી પડી ગઈ છું. પરંતુ, મેં એ વાત પર વિચાર કર્યો કે આ દેશમાં આવવાનો મારો હેતુ શો છે. અહીંયા હું મારા ફાયદા માટે નહિ પણ યહોવાની સેવામાં વધુ કરવા આવી છું. સમય જતાં, હું ઘણા લોકો સાથે સારી મિત્રતા બાંધી શકી, જે મારા માટે બહુ કીમતી છે.’ સીમોને પાલાઉન ભાષા શીખવા ઘણી મહેનત કરી, જેથી તે હૃદય “વિશાળ કરી”ને ભાઈ-બહેનો સાથે હળી-મળી શકે. (૨ કોરીં. ૬:૧૩, ઈઝી-ટુ-રીડ વર્ઝન) સીમોને ભાષા શીખવા માટે મહેનત કરીને મંડળનાં ભાઈ-બહેનોનાં દિલ જીતી લીધાં. મંડળનાં ભાઈ-બહેનો અને બીજા દેશથી આવનારી વ્યક્તિ જ્યારે સાથે સાથે કામ કરે છે, ત્યારે તેઓની મિત્રતા ગાઢ બને છે. જરૂર છે ત્યાં ખુશીથી સેવા આપતાં ભાઈ-બહેનોને બીજા કયા આશીર્વાદો મળે છે?

‘ઉદારતાથી લણશે’

પ્રેરિત પાઊલે જણાવ્યું, “જે ઉદારતાથી વાવે છે, તે લણશે પણ ઉદારતાથી.” (૨ કોરીં. ૯:૬) પોતાનું સેવાકાર્ય વધારવા માટે મહેનત કરતી વ્યક્તિઓને પણ એ સિદ્ધાંત લાગુ પડે છે. માઇક્રોનેશિયામાંના એવાં ભાઈ-બહેનો કયાં ફળો ‘ઉદારતાથી લણી’ રહ્યાં છે?

પેટ્રીક અને હાન્ના

માઇક્રોનેશિયામાં હજી પણ ઘણા બાઇબલ અભ્યાસ શરૂ થઈ શકે એમ છે. તેમ જ, બાઇબલમાંથી વિદ્યાર્થી જે કંઈ શીખે છે એને લાગુ પાડતા અને ભક્તિમાં પ્રગતિ કરતા જોવાનો પણ અનેરો લહાવો છે. એન્ગુઆર નામના નાનકડા ટાપુ પર ૩૨૦ લોકો રહે છે. ત્યાં પેટ્રીક અને હાન્નાએ પ્રચાર કામ કર્યું હતું. બે મહિના પ્રચાર કર્યા પછી તેઓને એકલા હાથે બાળકનો ઉછેર કરનારી એક સ્ત્રી મળી. તેણે તરત બાઇબલ અભ્યાસ શરૂ કર્યો, સત્ય સ્વીકાર્યું અને પોતાના જીવનમાં મોટા ફેરફાર કર્યા. હાન્ના કહે છે: ‘દરેક વાર એ સ્ત્રીના અભ્યાસ પછી, હું અને મારા પતિ ઘરે જવાં જ્યારે સાઇકલ લઈને નીકળતાં ત્યારે બોલી ઊઠતાં, “યહોવા તમારો આભાર!” ખરું કે, યહોવા એ સ્ત્રીને પોતાની નજીક કોઈ પણ રીતે લાવી શક્યા હોત. છતાં, જરૂર વધારે હોય એવા વિસ્તારમાં જઈને કામ કરવાથી, ઘેટાં જેવા લોકોને આપણે શોધી શકીએ છીએ. તેમ જ, યહોવાને ઓળખવામાં તેઓને મદદ કરી શકીએ છીએ. અમારા જીવનનો એ એક યાદગાર અનુભવ હતો.’ એરીકા પણ કહે છે: ‘યહોવાને ઓળખવામાં કોઈ વ્યક્તિને મદદ કરો છો ત્યારે તમને એવો આનંદ મળે છે, જેને વર્ણવી ન શકાય!’

શું તમે એમાં ભાગ લઈ શકો?

ઘણા દેશોમાં રાજ્ય પ્રચારકોની વધારે જરૂર છે. એવી જગ્યાએ જઈને મદદ આપવાનો, શું તમે પણ વિચાર કરી શકો? યહોવા પાસે પ્રાર્થનામાં માંગો કે સેવાકાર્યમાં વધુ કરવાની તમારી ઇચ્છાને તે મજબૂત કરે. તમારા મંડળના વડીલો, સરકીટ નિરીક્ષક, કે પછી વધુ જરૂર છે ત્યાં સેવા આપવામાં અનુભવી વ્યક્તિઓ સાથે આ વિષય પર વાત કરો. તમે જે દેશમાં જઈને કામ કરવા વિચારો છો ત્યાંની શાખાને પત્ર લખીને જણાવો અને એ વિશે વધુ માહિતી મેળવો. * આજે ઘણાં વૃદ્ધો, યુવાનો, પરિણીત અને કુંવારાં ભાઈ-બહેનો પોતાને ખુશીથી યહોવાની સેવામાં સોંપી રહ્યાં છે. તમે પણ એમ કરી શકો અને તેઓની જેમ ‘ઉદારતાથી લણી’ શકો છો.

^ ફકરો. 17 આ વિશે “શું તમે ‘મકદોનિયા’ જશો?” ઑગસ્ટ ૨૦૧૧ની આપણી રાજ્ય સેવામાં વધારે માહિતી મેળવો.