સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

 જીવન સફર

એક પિતા ગુમાવ્યા—એક પિતા મેળવ્યા

એક પિતા ગુમાવ્યા—એક પિતા મેળવ્યા

મારા પિતાનો જન્મ સાલ ૧૮૯૯માં ઑસ્ટ્રિયાના ગ્રાઝમાં થયો હતો. તેથી, પહેલા વિશ્વયુદ્ધના સમયગાળામાં તે તરુણ હતા. બીજું વિશ્વયુદ્ધ ૧૯૩૯માં ફાટી નીકળ્યું અને થોડા જ સમયમાં જર્મન સેનાએ મારા પિતાને સેનામાં ફરજિયાત ભરતી કર્યા. વર્ષ ૧૯૪૩માં રશિયામાં યુદ્ધ લડતી વખતે તે માર્યા ગયા. ફક્ત બે વર્ષની ઉંમરે મેં મારા પિતાને એવી કરુણ રીતે ગુમાવ્યા છે. મને તેમને ઓળખવાની તક ક્યારેય મળી નહિ. મને પિતાની ખોટ બહુ સાલતી. ખાસ કરીને એવા સમયે જ્યારે, હું સ્કૂલમાં બીજા બધા છોકરાઓના પપ્પાને જોતો. જોકે, તરુણ થયા પછી મને સ્વર્ગમાં રહેતા એવા પિતા વિશે જાણીને દિલાસો મળ્યો, જે ક્યારેય મરી શકતા નથી.—હબા. ૧:૧૨.

બૉય સ્કાઉટ્સની તાલીમ વખતના મારા અનુભવો

બાળક હતો ત્યારે

હું સાત વર્ષનો થયો ત્યારે યુવાનોની બૉય સ્કાઉટ્સ નામની તાલીમમાં જોડાયો. જગતફરતે આવેલી બૉય સ્કાઉટ્સ નામની સંસ્થા વર્ષ ૧૯૦૮માં ગ્રેટ બ્રિટનમાં સ્થપાઈ હતી. રોબર્ટ સ્ટીફનસન સ્મિદ બાદેન-પાવલ નામનો એનો સ્થાપક બ્રિટનની સેનાનો લેફ્ટનેન્ટ જનરલ હતો. તેણે ૧૯૧૬માં વુલ્ફ કબ્સ અથવા કબ્સ સ્કાઉટ્સ નામની તાલીમની પણ શરૂઆત કરી હતી, જે મારા જેટલી ઉંમરનાં બાળકો માટેની હતી.

મને એ તાલીમ દરમિયાન દર અઠવાડિયાના અંતે શહેરથી દૂર ગોઠવાતા કૅમ્પ બહુ ગમતા. તંબુઓમાં સૂવું, યુનિફૉર્મ પહેરવો અને ઢોલના અવાજે કૂચ કરવી, એ બધામાં મને મજા આવતી. ખાસ કરીને, બીજા સ્કાઉટ્સની ટોળીઓ સાથે સાંજે તાપણું સળગાવી એના ફરતે બેસી ગીત ગાવામાં અને જંગલમાં રમતો રમવામાં મને બહુ મજા આવતી. એ તાલીમ દરમિયાન અમને ઝાડ-પાન અને બીજા જીવો વિશે ઘણું જાણવા મળ્યું, જેના લીધે ઈશ્વરની કરામત માટે મારી કદર વધી.

બૉય સ્કાઉટ્સમાં દરેક બાળકે દરરોજ કોઈ એક ભલુ કામ કરવાનું હતું. એ તેઓની તાલીમનો મકસદ હોય છે. સ્કાઉટ જ્યારે એકબીજાને મળતા ત્યારે “કેમ છો?” કહેવાને બદલે “હંમેશાં તૈયાર!” એવું બોલતા, જે મને ખૂબ ગમતું. ૧૦૦ કરતાં વધારે છોકરાઓની અમારી ટોળીમાં લગભગ અડ્ધા ભાગના છોકરાઓ કૅથલિક તો બીજા અડ્ધા પ્રોટેસ્ટંટ પંથના હતા અને એક છોકરો બૌદ્ધ ધર્મનો હતો.

વર્ષ ૧૯૨૦થી સ્કાઉટની આંતરરાષ્ટ્રીય સભાઓ યોજાવાનું શરૂ થયું હતું. એ સભાઓ અમુક વર્ષોનાં અંતરે યોજાય છે અને એને “જામબૂરી” કહેવાય છે. એવી બે જામબૂરીમાં હાજર રહેવાનો મને મોકો મળ્યો હતો: ઑસ્ટ્રિયામાં સાલ ૧૯૫૧ના ઑગસ્ટમાં બાટ ઈશલમાં યોજાયેલી સાતમી વિશ્વ સ્કાઉટ જામબૂરી અને નવમી વિશ્વ સ્કાઉટ જામબૂરી, જે ૧૯૫૭ના ઑગસ્ટમાં ઇંગ્લૅન્ડના બર્મિગમ વિસ્તારની નજીક આવેલા સ્યુટન પાર્કમાં થઈ હતી. એ નવમી જામબૂરીમાં લગભગ ૮૫ દેશોથી આવેલા આશરે ૩૩,૦૦૦ સ્કાઉટ્સ હતા. એ સભામાં અંદાજે ૭,૫૦,૦૦૦ લોકો મુલાકાતે આવ્યા હતા જેમાંની એક, ઇંગ્લૅંડની રાણી એલીઝાબેથ પણ હતી. એ બધું જોઈને મને જાણે દુનિયા ફરતે મારો પરિવાર હોય એવું લાગતું હતું. જોકે, એના કરતાં ઘણા મોટા અને સાચા ભાઈચારા વિશે હું જલદી જ જાણવાનો હતો, જે ઈશ્વરને પ્રેમ કરતા લોકોમાં જોવા મળે છે.

 યહોવાના એક સાક્ષી જોડે પહેલી વાર મુલાકાત

રુડી ચીઝર્લ નામનો શેફ જેણે પહેલી વાર મને સત્ય જણાવ્યું હતું

વર્ષ ૧૯૫૮ની વસંતમાં ઑસ્ટ્રિયાના ગ્રાઝમાં આવેલા ગ્રાન્ડ હોટેલ વેસ્લરમાં મારી વેઇટર તરીકેની ઍપ્રેન્ટિસની તાલીમ પૂરી થવાની હતી. ત્યાં રુડોલ્ફ ચીઝર્લ નામનો ભાઈ મારી સાથે કામ કરતો, જે એક શેફ હતો. રોજબરોજનાં કામ કરતી વખતે તેણે મને સત્ય વિશે જણાવ્યું હતું. સત્ય વિશે મેં પહેલાં ક્યારેય કંઈ સાંભળ્યું ન હતું. તે વાતચીતમાં ત્રૈક્યનો મુદ્દો લાવ્યો અને કહ્યું કે બાઇબલ એ માન્યતાને ટેકો આપતું નથી. મેં ત્રૈક્ય સાબિત કરવા દલીલો કરી અને હું ઇચ્છતો હતો કે તેને ખોટો સાબિત કરું. મને તે ગમતો હતો અને પાછા કૅથલિક ચર્ચમાં જોડાવવા, હું તેને મનાવ્યા કરતો.

રુડોલ્ફને અમે રુડી કહીને બોલાવતા. તે મારી માટે બાઇબલ લઈ આવ્યો. મેં તેને ભારપૂર્વક જણાવ્યું હતું કે એ કૅથલિક બાઇબલ હોવું જોઈએ. મેં એ બાઇબલ વાંચવાનું શરૂ કર્યું અને એની અંદરથી, રુડીએ મૂકેલી એક નાની પત્રિકા મને મળી, જે વૉચટાવર સોસાયટીએ બહાર પાડેલી હતી. મેં એનો વાંધો ઉપાડ્યો કેમ કે મને લાગતું કે આવા સાહિત્યમાં જૂઠી માહિતી સાચી લાગે એવી રીતે લખવામાં આવે છે. જોકે, રુડી સાથે બાઇબલમાંથી ચર્ચા કરવી મને ગમતી. એ પછી મને કોઈ પણ સાહિત્ય ન આપીને તેણે સમજદારી બતાવી. ત્યાર બાદ આશરે ત્રણ મહિનાના સમયગાળામાં અમે ક્યારેક ક્યારેક બાઇબલમાંથી ચર્ચાઓ કરતા, જે મોડી રાત સુધી ચાલતી.

મારા વતન ગ્રાઝમાંના હોટલમાં મારી ઍપ્રેન્ટિસની તાલીમ પૂરી થઈ. એ પછી આગળ ભણવા માટે હોટલ મેનેજમેન્ટના કોર્સનો ખર્ચો મારી મમ્મીએ ઉપાડ્યો. તેથી, ભણવા માટે હું આલપ્સ પહાડોની ખાડીમાં બેટ હોફગાસ્ટેઈન નામના શહેરમાં આવેલી એક સ્કૂલમાં જતો. એ સ્કૂલ, બેટ હોફગાસ્ટેઈનમાં આવેલા ગ્રાન્ડ હોટલ સાથે સંકળાયેલી હોવાથી વધુ અનુભવ મેળવવા, હું અમુક વાર એ હોટલમાં કામ કરવા જતો.

બે મિશનરી બહેનોએ લીધેલી મુલાકાત

સાલ ૧૯૫૮માં ઈલ્ઝે ઉંટેરદોરફેર અને એલ્ફ્રેડ લોએરે મારો બાઇબલ અભ્યાસ લેવાનું શરૂ કર્યું

રુડીએ મારું એ નવું સરનામું વિયેનાની શાખા કચેરીને મોકલાવ્યું હતું અને શાખાએ એ સરનામું ઈલ્ઝે ઉંટેરદોરફેર અને એલ્ફ્રેડ લોએર નામની બે મિશનરી બહેનોને જણાવ્યું. * એક દિવસે હોટલની રિસેપ્શનિસ્ટે મને જણાવ્યું કે કોઈ બે બહેનો કારમાં બેઠાં છે અને મારી સાથે વાત કરવાં માંગે છે. હું મૂંઝવણમાં પડી ગયો કારણ કે મને તેઓનાં વિશે કંઈ જ ખબર ન હતી. છતાં, મેં બહાર જઈને તેઓ સાથે વાત કરી. પછીથી મારા જાણવામાં આવ્યું કે બીજા વિશ્વયુદ્ધ અગાઉ પ્રચાર કામ પર પ્રતિબંધ મુકાયો હતો ત્યારે, જર્મનીની નાઝી છાવણીમાં તે બંને બહેનો સાહિત્ય છૂપી રીતે પહોંચાડતાં હતાં. અરે, યુદ્ધ શરૂ થયું એ પહેલાં પણ તેઓને જર્મનીની છૂપી પોલીસે (ગેસ્ટાપો) કેદ કરી લીક્ટેનબર્ગની છાવણીમાં મોકલ્યાં હતાં. એ પછી, યુદ્ધ દરમિયાન તેઓને બર્લિનના રાવેંસ્બ્રુકની છાવણીમાં લઈ જવામાં આવ્યાં હતાં.

એ બંને બહેનો મારી માતાની ઉંમરની હોવાથી તેઓ માટે મારા મનમાં માન હતું. તેથી, હું તેઓ સાથે અમુક મહિના કે અઠવાડિયા ચર્ચાઓ કરી અને પછી આગળ શીખવાની ના પાડીને તેઓનો સમય બગાડવા માંગતો ન હતો. એ માટે મેં તેઓને ફક્ત બાઇબલની એવી કલમોની યાદી લાવી આપવા કહ્યું જેમાં પ્રેષિતોના અધિકારના વારસાનો ઉલ્લેખ હોય. મેં તેઓને એમ પણ જણાવ્યું કે એ યાદીને હું મારા ચર્ચના પાદરીને બતાવીને ચર્ચા કરીશ. મેં વિચાર્યું કે એ રીતે હું જાણી શકીશ કે સત્ય શું છે.

 સ્વર્ગમાંના પવિત્ર પિતા વિશેનું સત્ય જાણવું

કૅથલિક માન્યતા પ્રેષિતોના અધિકારના વારસા વિશે શીખવે છે. એ દાવો કરે છે કે પીતરે પ્રેરિત હોવાનો પોતાનો વારસો જેને આપ્યો તે પોપ બન્યો. પછી એ વ્યક્તિએ એ વારસો બીજા કોઈકને આપ્યો. આમ, સદીઓથી એક પછી એક એમ સળંગ રીતે વ્યક્તિઓનો પોપ તરીકે અભિષેક થતો આવ્યો છે. (ચર્ચના લોકો માથ્થી ૧૬:૧૮, ૧૯માં ઈસુએ કહેલા શબ્દોનો ખોટો અર્થ કાઢે છે.) કૅથલિક ધર્મ એવો પણ દાવો કરે છે કે પોપ ક્યારેય માન્યતાની બાબતે ખોટો હોય શકે નહિ. પોપને “પવિત્ર પિતા” પણ કહેવામાં આવે છે, જે કદી ભૂલ કરી શકે જ નહિ. ઘણા કૅથલિક લોકો એ શિક્ષણમાં માનીને એને પોતાની શ્રદ્ધાનો પાયો બનાવે છે. હું પણ એમાં માનતો હતો અને વિચારતો કે જો પોપ ત્રૈક્યને ટેકો આપે છે તો એ માન્યતા ખરેખર સાચી હોવી જ જોઈએ. પણ જો કદાચ પોપ પણ ભૂલ કરતો હોય, તો દેખીતું છે કે એ માન્યતા પણ જૂઠી જ છે.

હું પાદરી પાસે ગયો તો તે મારા સવાલોના જવાબ આપી શક્યો નહિ. એના બદલે, તેણે મને એક પુસ્તક આપ્યું જે પ્રેષિતોના અધિકારના વારસા વિશે હતું. હું એને ઘરે લઈ ગયો અને તેના કહ્યા પ્રમાણે મેં એને વાંચ્યું. જોકે, વાંચ્યા પછી તો મને વધારે સવાલો થયા, જે મેં પાદરીને પૂછ્યા. પરંતુ, તે મારા સવાલોના જવાબ આપી શક્યો નહિ અને આખરે તેણે કહ્યું: ‘જો! હું તને સમજાવી શકતો નથી અને તું મને સમજાવી શકતો નથી! સારું ત્યારે, વાત અહીંયા જ પતાવીએ!’ એ પાદરીને મારી જોડે આગળ કોઈ ચર્ચા કરવી ન હતી.

એ માટે હું બહેન ઈલ્ઝે અને એલ્ફ્રેડ સાથે બાઇબલમાંથી અભ્યાસ કરવા તૈયાર થયો. તેઓએ મને સ્વર્ગમાંના સાચા અને પવિત્ર પિતા, ઈશ્વર યહોવા વિશે ઘણું શીખવ્યું. (યોહા. ૧૭:૧૧) એ સમયે ત્યાં હજું કોઈ પણ મંડળ ન હતું. તેથી, તે બહેનો રસ ધરાવનાર એક કુટુંબના ઘરે સભાઓ ચલાવતી, જેમાં થોડાક જ લોકો હાજર રહેતા. સભાની આગેવાની લેવા બાપ્તિસ્મા લીધેલા કોઈ ભાઈ ન હતા, તેથી તે બહેનો સભાની માહિતીને ચર્ચા દ્વારા આવરતી. જોકે, અમુક વાર કોઈક શહેરથી એક ભાઈ આવતા, જે ભાડે રાખેલી જગ્યામાં જાહેર પ્રવચન આપતા.

પ્રચારકાર્ય શરૂ કરવું

બહેન ઈલ્ઝે અને એલ્ફ્રેડે ઑક્ટોબર ૧૯૫૮માં મારો બાઇબલ અભ્યાસ લેવાનો શરૂ કર્યો. એના ત્રણ મહિના પછી મેં જાન્યુઆરી ૧૯૫૯માં બાપ્તિસ્મા લીધું. મારે જોવું હતું કે ઘર-ઘરનું પ્રચારકાર્ય કઈ રીતે કરવામાં આવે છે. તેથી, બાપ્તિસ્માના થોડા સમય પહેલાં મેં એ બહેનો સાથે પ્રચારમાં જવા વિશે પૂછ્યું. (પ્રે.કૃ. ૨૦:૨૦) તેઓ સાથે પહેલી વાર પ્રચારમાં ગયા પછી મેં મારો વ્યક્તિગત પ્રચાર વિસ્તાર મેળવવા આગ્રહ કર્યો. તેઓએ મને એક ગામમાં કામ કરવા જણાવ્યું, જ્યાં હું પોતાની રીતે જતો અને ઘરે-ઘરે ખુશખબર જણાવીને જેઓને રસ હોય તેઓની ફરી મુલાકાત કરતો. મેં પહેલી વાર કોઈ ભાઈ સાથે પ્રચાર કામ કર્યું હોય તો, એ સરકીટ નિરીક્ષક હતા અને અમારી મુલાકાતે પછીથી આવ્યા હતા.

વર્ષ ૧૯૬૦માં હોટલના કોર્સની તાલીમ પતાવ્યા પછી હું મારા ગામે પાછો ગયો, જેથી ત્યાં રહેતાં સગાં-વહાલાઓને સત્ય જણાવી શકું. આજ દિન સુધી તેઓમાંના કોઈએ સત્ય સ્વીકાર્યું નથી. જોકે, તેઓમાંના અમુક હવે થોડો ઘણો રસ બતાવી રહ્યા છે.

પૂરા સમયની સેવામાં જીવન

હું વીસેક વર્ષનો હતો ત્યારે

સાલ ૧૯૬૧માં પાયોનિયરીંગ કરવા વિશે ઉત્તેજન આપતા કેટલાક પત્રો શાખા કચેરીએ મોકલ્યા, જેને મંડળોમાં વાંચવામાં આવતા. હું તંદુરસ્ત અને કુંવારો હતો, માટે મેં વિચાર્યું કે પાયોનિયરીંગ ન કરવાનું મારી પાસે કોઈ કારણ નથી. હું એમ વિચારતો કે પાયોનિયરીંગ કરવામાં કાર બહુ કામ લાગશે, તેથી એ ખરીદવા થોડો સમય હજી નોકરી કરી લઉં. મેં મારો એ વિચાર કર્ટ કહન નામના સરકીટ નિરીક્ષકને જણાવ્યો અને પૂછ્યું કે તેમનું શું કહેવું છે. તેમણે કહ્યું, ‘શું ઈસુ અને બીજા પ્રેરિતોને પૂરા સમયની સેવા કરવા કદી કારની જરૂર પડી?’ તેમના એ શબ્દોથી મને નિર્ણય લેવા મદદ મળી. મેં બને એટલું  જલદી પાયોનિયરીંગ શરૂ કરવાનું નક્કી કર્યું. પરંતુ, એ સમયે હોટલમાં દર અઠવાડિયામાં ૭૨ કલાક કામ કરતો હોવાથી, મારે પહેલા કેટલાક ફેરફાર કરવાની જરૂર હતી.

મેં મારા માલિકને જણાવ્યું કે હવેથી હું અઠવાડિયે ૭૨ના બદલે ૬૦ કલાક કામ કરવા ચાહું છું. તેમણે કોઈ વાંધો ઉપાડ્યો નહિ અને પગાર પણ ઓછો કર્યો નહિ. થોડા સમય પછી, મેં જણાવ્યું કે હવેથી હું અઠવાડિયાના ૪૮ કલાક જ કામ કરી શકીશ. છતાં, તે રાજી હતા અને પગાર કાપ્યો નહિ. એ પછી મેં અઠવાડિયાના ૩૬ કલાક એટલે કે, ૬ દિવસના ૬ કલાક કામ કરવાની પરવાનગી માંગી. તેમણે એ પણ મંજૂર કરી અને નવાઈની વાત છે કે હજું પણ મને પહેલાં જેટલો જ પગાર મળતો હતો! એવું લાગતું હતું કે મારા માલિક મને છોડવા માંગતા જ ન હતા. આમ, એ ફેરફારોને લીધે હું નિયમિત પાયોનિયરીંગ શરૂ કરી શક્યો. એ સમયે પાયોનિયરે મહિનાના ૧૦૦ કલાક કરવાના હતા.

ચાર મહિના પછી, હું ખાસ પાયોનિયર તરીકે નિમાયો. તેમ જ, કરિંથીયા રાજ્યના સ્પીટલ-અન-દેર-દ્રાઉ નામના શહેરના એક નાના મંડળમાં મને સોંપણી મળી, જે આજે વડીલોના સેવકોને મળે છે. એ સમયમાં ખાસ પાયોનિયરોએ મહિને ૧૫૦ કલાક કરવાના હતા. મારી સાથે કામ કરવા કોઈ બીજો પાયોનિયર ન હતો. જોકે, ગેરટૂડ લોબનર નામનાં બહેને મને ખુશખબર ફેલાવવાના કામમાં ઘણો ટેકો આપ્યો. તે બહેન ત્યારે મંડળમાં જે સેવા આપતાં હતાં, એ આજે મંડળના સેક્રેટરી આપે છે.

બીજી નવી સોંપણીઓ

વર્ષ ૧૯૬૩માં મને સરકીટ કામ માટે આમંત્રણ મળ્યું. અમુક વાર હું ભારે પેટીઓ ઉપાડીને ટ્રેનમાં મુસાફરી કરીને એક મંડળથી બીજે જતો. મોટા ભાગનાં ભાઈ-બહેનો પાસે કાર ન હતી, એટલે તેઓમાંથી કોઈ મને લેવા સ્ટેશન પર આવી શકતું નહિ. તેમ જ, મારે દેખાડો કરવો ન હોવાથી હું ઉતારાની જગ્યાએ ચાલીને જતો, ટૅક્સી કરતો નહિ.

મને ૧૯૬૫માં ગિલયડના ૪૧મા વર્ગ માટે આમંત્રણ મળ્યું. એ વર્ગમાં મારી જેમ બીજા ઘણા કુંવારા હતા. ગ્રેજ્યુએશન વખતે મને જાણીને બહુ નવાઈ લાગી કે મને મારા દેશ ઑસ્ટ્રિયામાં સરકીટ કામ ચાલુ રાખવાની સોંપણી મળી છે. જોકે, અમેરિકા છોડતાં પહેલાં મને એક સરકીટ નિરીક્ષક સાથે ચાર અઠવાડિયા કામ કરવાં વિશે જણાવવામાં આવ્યું. એ ભાઈનું નામ એંથોની કોન્તે હતું, જે ઘણા પ્રેમાળ હતા. તેમને ખુશખબર ફેલાવવાનું કામ બહુ ગમતું અને તે એમાં ઘણા કુશળ પણ હતા. મને તેમની સાથે કામ કરવાં મળ્યું એની હું ખૂબ કદર કરું છું. અમે ન્યૂ યૉર્ક રાજ્યમાં આવેલા કોર્નવૉલ વિસ્તારમાં સાથે કામ કર્યું હતું.

અમારા લગ્નના દિવસે

ઑસ્ટ્રિયા પાછો આવ્યો ત્યારે મને એક સરકીટની સોંપણી મળી. ત્યાં હું તોવ મેરેટને મળ્યો, જે દેખાવે બહુ સુંદર અને કુંવારી યુવતી હતી. તે પાંચ વર્ષની હતી ત્યારથી તેનો ઉછેર સત્યમાં થયો હતો. વર્ષ ૧૯૬૭ના એપ્રિલ મહિનામાં અમે લગ્ન કર્યાં અને સરકીટ કામમાં સાથે જવાની અમને પરવાનગી મળી હતી. આજે પણ જ્યારે ભાઈઓ પૂછે કે અમે કઈ રીતે મળ્યાં ત્યારે અમે મજાકમાં કહીએ છીએ કે ‘શાખા કચેરીએ એની ગોઠવણ કરી.’

એ પછીના વર્ષમાં મને અહેસાસ થયો કે યહોવાએ મારા પર અપાર કૃપા બતાવીને મને પુત્ર તરીકે દત્તક લીધો છે. આમ, મારો તેમની સાથે ખાસ સંબંધ બંધાયો. ઉપરાંત, જેઓ રોમનો ૮:૧૫માં જણાવ્યા પ્રમાણે તેમને ‘આબ્બા બાપ કહીને બોલાવે છે,’ તેઓ સાથે પણ સંબંધ બંધાયો.

સરકીટ અને ડિસ્ટ્રીક્ટ કામમાં હું અને મેરેટ ૧૯૭૬ સુધી લાગુ રહ્યાં. અમુક વાર શિયાળામાં તાપમાન શૂન્યથી નીચે જતું રહેતું. એવામાં અમને હીટર વગરના રૂમમાં રાતો ગુજારવી પડતી હતી. એકવાર અમે ઊઠીને જોયું તો અમારા શ્વાસની  ઠંડકથી કામળાની કોર સફેદ થઈને જામી ગઈ હતી. અમે નક્કી કર્યું કે વીજળીથી ચાલતું નાનું હીટર હવે હંમેશાં સાથે રાખીશું, જેથી રાતની ઠંડીથી થોડીક રાહત મળે. અમુક જગ્યાએ બાથરૂમ ઘરની બહાર હોવાને કારણે રાત્રે જરૂર પડતા અમારે બરફમાં ચાલીને જવું પડતું. બાથરૂમ પણ ઘણાં ઠંડાં રહેતાં. અમારું પોતાનું ઘર ન હોવાથી, ઉતારાની જગ્યાએ અમે સોમવાર સુધી રહેતાં અને બીજા મંડળની મુલાકાત માટે મંગળવારની સવારે નીકળતાં.

મને જણાવતા આનંદ થાય છે કે વર્ષો દરમિયાન મારી વહાલી પત્નીએ હંમેશાં મને સાથ આપ્યો છે. તેને પ્રચારકાર્ય કરવું બહુ જ ગમે છે. એ માટે તેને ઉત્તેજન આપવાની મને ક્યારેય જરૂર પડી નથી. તેને મિત્રો ઘણા વહાલા છે અને તે હંમેશાં બીજાઓની ચિંતા કરે છે, જેના લીધે મને ઘણી મદદ મળી છે.

વર્ષ ૧૯૭૬માં અમને વિયેનામાં આવેલી ઑસ્ટ્રિયાની શાખા કચેરીમાં સેવા આપવાનું આમંત્રણ મળ્યું. શાખા સમિતિના સભ્ય તરીકે મારી ત્યાં નિમણૂક થઈ. ઑસ્ટ્રિયાની શાખા એ સમયે પૂર્વ-યુરોપના દેશોમાં થતાં કામની દેખરેખ રાખતી હતી. તેમ જ, એ દેશોમાં સાહિત્ય સાવચેતીથી પહોંચાડવાના કામની ગોઠવણ કરતી. એ કામમાં ભાઈ યોરગન રુનદેલે આગેવાની લીધી અને ઘણી મહેનત કરી. તેમની સાથે કામ કરવાનો મને લહાવો મળ્યો હતો. ભાઈ યોરગન અને તેમનાં પત્ની ગેરટૂડ ખાસ પાયોનિયરો તરીકે જર્મનીમાં આજે પણ ઉત્સાહથી સેવા આપી રહ્યાં છે. સમય જતાં, પૂર્વ-યુરોપની દસ ભાષાઓમાં ભાષાંતર કરવાના કામ પર દેખરેખ રાખવાની મને જવાબદારી મળી હતી. સાલ ૧૯૭૮થી ઑસ્ટ્રિયા શાખાએ એક નાના ઑફસેટ પ્રેસનો ઉપયોગ કરીને ૬ ભાષામાં મૅગેઝિનોનું છાપકામ શરૂ કર્યું. લવાજમ ભરનારા જુદા જુદા દેશોના લોકોને અમે સાહિત્ય પહોંચાડવાનું કામ પણ કરતા હતા. એ બધાં કામની દેખરેખ ભાઈ ઓટ્ટો કુગલીસ્ચ રાખતા હતા, જે પોતાની પત્ની ઈન્ગ્રીટ સાથે આજે જર્મનીમાં આવેલી શાખા કચેરીમાં સેવા આપી રહ્યા છે.

ઑસ્ટ્રિયામાં મેં બીજી રીતોની સાથે સાથે જાહેર જગ્યાએ પણ પ્રચારકાર્ય કરવાનો આનંદ માણ્યો

આમ તો, પૂર્વ-યુરોપમાંના ભાઈઓ પોત-પોતાના દેશમાં સાહિત્યનું છાપકામ ફિલ્મની પટ્ટીથી અથવા નકલો બનાવવાના મશીનો દ્વારા કરી લેતા હતા. છતાં, તેઓને બીજા દેશોમાંથી મદદની જરૂર પડતી હતી. એ બધાં કામમાં યહોવાએ રક્ષણ પૂરું પાડ્યું. પ્રતિબંધ અને કપરાં સંજોગોમાં પણ ભાઈઓએ શાખામાં કામ ચાલુ રાખ્યું, માટે અમે તેઓની ઘણી કદર કરીએ છીએ.

રોમાનિયાની ખાસ મુલાકાતે

નિયામક જૂથના સભ્ય, ભાઈ થીઓડોર જારસ સાથે ૧૯૮૯માં રોમાનિયા જઈને કામ કરવાનો મને લહાવો મળ્યો  હતો. ત્યાં ભાઈઓનું એક મોટું ગ્રૂપ હતું જેઓને સંગઠનમાં પાછા જોડાવામાં મદદ આપવાની હતી. સાલ ૧૯૪૯માં કેટલાક કારણોને લીધે તેઓ સંગઠનથી દૂર થઈ ગયા હતા. તેમ જ, તેઓએ પોતાનાં મંડળો ઊભાં કર્યાં હતાં. જોકે, તેઓએ પ્રચાર કરવાનું અને બાપ્તિસ્મા આપવાનું ચાલુ રાખ્યું હતું. સંગઠનના ભાઈઓની જેમ તેઓએ પણ સેનામાં ન જોડાવાને લીધે જેલ જવું પડ્યું હતું. રોમાનિયામાં હજું પણ પ્રતિબંધ હોવાથી અમારે તેઓને છૂપી રીતે મળવું પડ્યું. તેઓના મુખ્ય ચાર વડીલો અને રોમાનિયા કન્ટ્રી કમિટીના પ્રતિનિધિ ભાઈઓ સાથે અમે બધા, ભાઈ પેમફીલ એલ્બુના ઘરે મળ્યા. ઉપરાંત, અનુવાદ કરવા માટે ઑસ્ટ્રિયાથી આવેલા ભાઈ રોલ્ફ કેલનર પણ હતા.

ચર્ચાની બીજી રાત્રે, ભાઈ એલ્બુ પોતાના ગ્રૂપના ચાર વડીલોને અમારી સાથે જોડાવા માટે સમજાવવા લાગ્યા. તેમણે કહ્યું, ‘જો આપણે હમણાં તેઓ સાથે જોડાઈશું નહિ તો ફરી ક્યારેય એવી તક નહિ મળે.’ આમ, લગભગ ૫,૦૦૦ ભાઈઓ સંગઠનમાં પાછા જોડાયા. યહોવા માટે એ કેવી જીત અને શેતાન માટે કેવી મોટી હાર!

સાલ ૧૯૮૯ના અંત ભાગમાં અને પૂર્વ યુરોપમાં સામ્યવાદનો અંત આવ્યો, એ પહેલાં નિયામક જૂથ તરફથી મને અને મારી પત્નીને એક આમંત્રણ મળ્યું. એ જોઈને અમને ખૂબ નવાઈ લાગી. અમારી બદલી ન્યૂ યૉર્કમાં આવેલા મુખ્ય મથકે થવાની હતી. અમે જુલાઈ ૧૯૯૦માં બ્રુકલિન બેથેલમાં કામ શરૂ કર્યું. સાલ ૧૯૯૨માં નિયામક જૂથની સેવા સમિતિના મદદનીશ તરીકે મને નિયુક્ત કરવામાં આવ્યો. જુલાઈ ૧૯૯૪થી નિયામક જૂથમાં સેવા આપવાનો મને અદ્ભુત લહાવો મળ્યો છે.

વીતેલા સમયની યાદો અને ભાવિની આશા

બ્રુકલિન, ન્યૂ યૉર્કમાં મારી પત્ની સાથે

વેઇટર તરીકે કામ કર્યાને મને એક અરસો વીતી ગયો છે. હવે હું દુનિયા ફરતેનાં ભાઈ-બહેનો માટે ભક્તિને લગતો ખોરાક બનાવવાના અને વહેંચવાના કામમાં ઘણો આનંદ માણું છું. (માથ. ૨૪:૪૫-૪૭) પૂરા સમયની સેવામાં મને પ૦ કરતાં વધુ વર્ષો થઈ ગયાં છે. એના વિશે વિચારું છું ત્યારે મારું દિલ કદરથી ઉભરાઈ જાય છે. અને જગત ફરતેના ભાઈચારા પર યહોવાનો આશીર્વાદ જોઈને મને ખૂબ આનંદ થાય છે. આંતરરાષ્ટ્રીય સંમેલનમાં હાજર રહેવું મને ખૂબ ગમે છે. કારણ કે એમાં આપણા સ્વર્ગમાંના પિતા યહોવા વિશે અને બાઇબલ સત્ય વિશે શીખવા પર ખૂબ ભાર મૂકવામાં આવે છે.

હું પ્રાર્થના કરું છું કે લાખોને લાખો લોકો બાઇબલનો અભ્યાસ કરે અને સત્ય સ્વીકારે. તેઓ દુનિયા ફરતેના ભાઈચારાનો ભાગ બનીને એકરાગે યહોવાની ભક્તિ કરતા રહે. (૧ પીત. ૨:૧૭) હું એ સમયની રાહ જોઉં છું જ્યારે હું સ્વર્ગમાં હોઈશ અને પૃથ્વી પર લોકોને સજીવન થતાં જોઈશ. એમાંય ખાસ તો, મારા પપ્પાને જોવા હું આતુર છું. હું આશા રાખું છું કે બાગ જેવી પૃથ્વી પર રહેતાં મારા પપ્પા, મમ્મી અને બીજાં સગાંઓ પણ યહોવાની ભક્તિ કરવાનું પસંદ કરશે.

હું એ સમયની રાહ જોઉં છું જ્યારે હું સ્વર્ગમાં હોઈશ અને પૃથ્વી પર લોકોને સજીવન થતાં જોઈશ. એમાંય ખાસ તો, મારા પપ્પાને જોવા હું આતુર છું

^ ફકરો. 15 તેઓના જીવન અનુભવો વાંચવા નવેમ્બર ૧, ૧૯૭૯નું ધ વૉચટાવર જુઓ.