વાચકો તરફથી પ્રશ્નો
ઈસુએ સાદુકીઓને કહ્યું કે સજીવન થયેલાઓ “પરણતાં નથી અને પરણાવાતાં નથી.” (લુક ૨૦:૩૪-૩૬) શું તે પૃથ્વી પર સજીવન થયેલાં લોકોની વાત કરી રહ્યા હતા?
એ મહત્ત્વનો પ્રશ્ન છે, ખાસ કરીને તેઓ માટે જેઓનું વહાલું લગ્નસાથી ગુજરી ગયું છે. એવી વ્યક્તિઓ કદાચ ઇચ્છે કે નવી દુનિયામાં ફરીથી તેઓ પતિ-પત્ની તરીકે સાથે રહે. પત્નીને મરણમાં ગુમાવી બેસનાર એક ભાઈ જણાવે છે, ‘હું અને મારી પત્ની અમારાં લગ્નજીવનનો ક્યારેય અંત લાવવા માંગતા ન હતા. અમે દિલથી ઇચ્છતાં હતાં કે પતિ-પત્ની તરીકે સદા યહોવાની ભક્તિ કરતા રહીએ. હજુ પણ મારી એ ઇચ્છા બદલાઈ નથી.’ તો શું એમ માનવું યોગ્ય છે કે સજીવન થયેલાઓ લગ્ન કરી શકશે? એના જવાબમાં આપણે “હા” કે “ના” કહી શકતા નથી.
અમુક વર્ષો સુધી, આપણું સાહિત્ય લુક ૨૦:૩૪-૩૬માંના ઈસુના શબ્દો વિશે આમ જણાવતું હતું: એ શબ્દો પૃથ્વી પરના પુનરુત્થાનને લાગુ પાડી શકાય અને બતાવે છે કે પૃથ્વી પર સજીવન થયેલાઓ કદાચ લગ્ન નહિ કરે. * (માથ. ૨૨:૨૯, ૩૦; માર્ક ૧૨:૨૪, ૨૫; લુક ૨૦:૩૪-૩૬) જોકે, લાગે છે કે ઈસુ સ્વર્ગ માટેના પુનરુત્થાન વિશે કહી રહ્યા હતા. માટે એ શબ્દો પર ફરી વિચાર કરીએ.
ચાલો, એ બનાવ પર ધ્યાન આપીએ. (લુક ૨૦:૨૭-૩૩ વાંચો.) સાદુકીઓ પુનરુત્થાનમાં માનતા ન હતા. તોપણ, પુનરુત્થાન અને એ પછી થનાર લગ્ન વિશે સવાલ ઉઠાવીને તેઓ ઈસુને ફસાવવા માંગતા હતા. * જવાબમાં ઈસુએ તેઓને કહ્યું, “આ જગતના છોકરા પરણે છે તથા પરણાવાય છે; પણ જેઓ તે જગતને તથા મૂએલાંમાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે, તેઓ પરણતાં નથી અને પરણાવાતાં નથી; કેમ કે તેઓને ફરીથી મરવાનું નથી; કારણ કે તેઓ ઈશ્વરદૂતો સરખા છે; અને પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ ઈશ્વરના દીકરા છે.”—લુક ૨૦:૩૪-૩૬.
શા માટે આપણા સાહિત્યમાં એવું જણાવવામાં આવતું કે ઈસુના એ શબ્દો પૃથ્વી પરના પુનરુત્થાનને લાગુ પડતા હતા? એ તારણ પર આવવાનાં બે કારણો હતાં. પહેલું, સાદુકીઓએ પૃથ્વી પરના પુનરુત્થાનને ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછ્યો હતો, એટલે ઈસુએ એ પ્રમાણે જવાબ આપ્યો હશે. બીજું, ઈસુએ પોતાના જવાબના અંતે ઈબ્રાહીમ, ઈસ્હાક અને યાકૂબનો ઉલ્લેખ કર્યો, જેઓ પૃથ્વી પર સજીવન થવાના છે.—લુક ૨૦:૩૭, ૩૮.
પરંતુ, એમ લાગે છે કે ઈસુએ સ્વર્ગમાં થનાર પુનરુત્થાનને ધ્યાનમાં રાખીને એ જવાબ આપ્યો. પણ, એવું આપણે શાને આધારે કહી શકીએ? ચાલો, જવાબમાં ઈસુએ કહેલાં બે વાક્યો પર ચર્ચા કરીએ.
તેઓ “મુએલાંમાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે.” વફાદાર અભિષિક્તો ઈશ્વરના ‘રાજ્યમાં દાખલ થવાને યોગ્ય ગણાય’ છે. (૨ થેસ્સા. ૧:૫, ૧૧) ઈસુએ ચૂકવેલી કિંમતને આધારે તેઓને જીવન માટે ન્યાયી ગણવામાં આવે છે અને તેઓ પાપની દંડાજ્ઞાથી મુક્ત છે. (રોમ. ૫:૧, ૧૮; ૮:૧) એવાઓને “ધન્ય તથા પવિત્ર” કહેવામાં આવ્યા છે અને તેઓ સ્વર્ગ માટેના પુનરુત્થાનને યોગ્ય છે. (પ્રકટી. ૨૦:૫, ૬) જ્યારે કે, જેઓ પૃથ્વી પર સજીવન થશે તેઓમાં “અન્યાયીઓ”નો પણ સમાવેશ થાય છે. (પ્રે.કૃ. ૨૪:૧૫) તો શું એવાઓ પુનરુત્થાન માટે “યોગ્ય ગણાય” શકે?
“તેઓને ફરીથી મરવાનું નથી.” બાઇબલના બીજા અમુક અનુવાદોમાં એ વાક્ય આમ લખવામાં આવ્યું છે: “તેઓ ફરીથી મરી શકતા નથી” અથવા “તેઓ હવે મરણને આધીન નથી” કે પછી “મરણની તેઓ પર કોઈ સત્તા નથી.” અભિષિક્તો પોતાનું પૃથ્વી પરનું જીવન વફાદારીથી પૂરું કરે છે ત્યારે, તેઓને સ્વર્ગમાં સજીવન કરવામાં આવે છે. ત્યાં તેઓનું જીવન અવિનાશી હોય છે, જે ક્યારે નાશ પામી શકતું નથી. (૧ કોરીં. ૧૫:૫૩, ૫૪) આમ, સ્વર્ગમાં સજીવન થતાં ભાઈ-બહેનો પર મરણની કોઈ સત્તા ચાલી શકતી નથી. *
આપણે જે ચર્ચા કરી એના પરથી, શું તારણ કાઢી શકાય? શક્ય છે કે પુનરુત્થાન અને એ પછીના લગ્ન વિશે ઈસુના શબ્દો સ્વર્ગ માટેના પુનરુત્થાનને લગતા હતા. જો એમ હોય તો, ઈસુના એ શબ્દો સ્વર્ગમાં સજીવન થતી વ્યક્તિ વિશે અમુક માહિતી આપે છે. જેમ કે, તે લગ્ન કરતી નથી, મરણ પામી શકતી નથી અને કેટલીક રીતોએ સ્વર્ગદૂતો જેવી હોય છે. જોકે, એ તારણ પરથી બીજા કેટલાક સવાલો ઊભા થાય છે.
પહેલો સવાલ કે, સાદુકીઓએ કદાચ પૃથ્વી પરના પુનરુત્થાન વિશે પ્રશ્ન પૂછ્યો હતો. તો શા માટે ઈસુએ સ્વર્ગ માટેના પુનરુત્થાન વિશે જણાવ્યું? કેટલીક વાર ઈસુએ પોતાના વિરોધીઓને સીધે-સીધો જવાબ આપ્યો નથી. દાખલા તરીકે, યહુદીઓએ નિશાની માંગી ત્યારે ઈસુએ જવાબ આપ્યો, “આ મંદિરને પાડી નાખો, તો હું એને ત્રણ દહાડામાં ઊભું કરીશ.” ઈસુ જાણતા હતા કે યહુદીઓ મંદિરની ઇમારત વિશે વિચારી રહ્યા હતા, છતાં ‘ઈસુ પોતાના શરીરરૂપી મંદિર વિશે બોલ્યા હતા.’ (યોહા. ૨:૧૮-૨૧) એવી જ રીતે, પુનરુત્થાન અને સ્વર્ગદૂતોમાં ન માનનારા ઢોંગી સાદુકીઓને જવાબ આપવો ઈસુને જરૂરી નહિ લાગ્યું હોય. (નીતિ. ૨૩:૯; માથ. ૭:૬; પ્રે.કૃ. ૨૩:૮) એના બદલે તેમણે શિષ્યોને સ્વર્ગ માટેના પુનરુત્થાન વિશે વધુ માહિતી આપવી યોગ્ય સમજી. કેમ કે, તેઓ સ્વર્ગમાં પુનરુત્થાન પામવાના હતા.
બીજો સવાલ કે, શા માટે ઈસુએ પોતાની ચર્ચાને અંતે ઈબ્રાહીમ, ઈસ્હાક અને યાકૂબ વિશે જણાવ્યું, જેઓ પૃથ્વી પર સજીવન થવાના છે? (માથ્થી ૨૨:૩૧, ૩૨ વાંચો.) ધ્યાન આપો કે ઈસુએ એ ઈશ્વરભક્તો વિશે વાત શરૂ કરતા પહેલા આ શબ્દો વાપર્યા: “મૂએલાંઓના પુનરુત્થાન સંબંધી.” એના દ્વારા ઈસુએ તેઓનું ધ્યાન બીજા એક પાસાં તરફ વાળ્યું. તેમણે મુસાનાં લખાણોનો ઉલ્લેખ કર્યો, જેને સાદુકીઓ સ્વીકારતા હોવાનો દાવો કરતા હતા. ઈસુએ એમાંથી એ શબ્દો ટાંક્યા જે યહોવાએ મુસાને બળતા ઝાડવા પાસે કહ્યા હતા. એમ કરીને ઈસુ બીજી એક સાબિતી આપવા માંગતા હતા. કઈ? એ જ કે, પૃથ્વી પરનું પુનરુત્થાન ચોક્કસ થશે કારણ કે એ યહોવાનો હેતુ છે.—નિર્ગ. ૩:૧-૬.
ત્રીજો સવાલ કે, જો પુનરુત્થાન અને એ પછી લગ્ન કરવા વિશે ઈસુના શબ્દો કદાચ સ્વર્ગને લગતા છે, તો શું પૃથ્વી પર સજીવન થનાર ફરી લગ્ન કરી શકે? બાઇબલ એ વિશે “હા” કે “ના”માં જવાબ આપતું નથી. જો ઈસુ સ્વર્ગને લગતી વાત કરી રહ્યા હતા, તો તેમના શબ્દો પરથી પૃથ્વી પરના પુનરુત્થાન પછીના લગ્ન વિશે ખાસ કંઈ માહિતી મળતી નથી.
જોકે, બાઇબલ સાફ જણાવે છે કે મૃત્યુને લીધે લગ્ન બંધનનો અંત આવે છે. તેથી એકલી પડેલી વ્યક્તિ જો હુંફ અને સાથ માટે ફરી લગ્ન કરવા ચાહે તો એમાં કંઈ ખોટું નથી. એ વ્યક્તિગત નિર્ણય છે, જેની કોઈએ નિંદા કરવી જોઈએ નહિ.—રોમ. ૭:૨, ૩; ૧ કોરીં. ૭:૩૯.
ખરું કે, નવી દુનિયામાંના જીવન વિશે આપણને ઘણા પ્રશ્નો હશે. છતાં સારું રહેશે કે, આપણે એના જવાબોનું અનુમાન લગાડવાને બદલે નવી દુનિયામાં એ જવાબો મળે એની રાહ જોઈએ. એક વાત તો ચોક્કસ છે કે યહોવા પોતાના સર્વ વફાદાર ભક્તોની જરૂરિયાતો અને ઇચ્છાઓને સૌથી સારી રીતે પૂરી કરશે.—ગીત. ૧૪૫:૧૬.
^ ફકરો. 4 ધ વૉચટાવર, જૂન ૧, ૧૯૮૭, પાન ૩૦-૩૧ જુઓ.
^ ફકરો. 5 બાઇબલ સમયના રિવાજ પ્રમાણે, જો કોઈ પતિને સંતાન ન હોય અને તે ગુજરી જાય તો તેના વંશને આગળ વધારવા તેનો ભાઈ એ વિધવા જોડે લગ્ન કરી શકતો હતો.—ઉત. ૩૮:૮; પુન. ૨૫:૫, ૬.
^ ફકરો. 9 જેઓને પૃથ્વી પર સજીવન કરવામાં આવશે તેઓને હંમેશ માટેનું જીવન મળશે પણ એ અવિનાશી નહિ હોય. એ બંને જીવનમાં ફરક જાણવા ધ વૉચટાવર, એપ્રિલ ૧, ૧૯૮૪ના પાન ૩૦-૩૧ જુઓ.