સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘તારા ફર્યા પછી ભાઈઓને સ્થિર કરજે’

‘તારા ફર્યા પછી ભાઈઓને સ્થિર કરજે’

ઈસુનો નકાર કરવાને લીધે પીતર ખૂબ રડ્યા. તેમને ભક્તિમાં ફરી સ્થિર થવા ઘણા પ્રયત્નો કરવા પડ્યા હશે. પરંતુ, પીતરનો ઉપયોગ કરીને ઈસુ બીજાઓને મદદ આપવા માંગતા હતા. તેથી જ તેમણે અગાઉથી કહી રાખ્યું હતું કે, “તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે.” (લુક ૨૨:૩૨, ૫૪-૬૨) સમય જતાં, પીતર પહેલી સદીના મંડળના આધાર સ્તંભોમાંના એક બન્યા. (ગલા. ૨:૯) એ જ પ્રમાણે, અગાઉ વડીલ તરીકે સેવા આપી ચૂકેલી વ્યક્તિ ફરીથી એ જવાબદારી ઉઠાવવા યોગ્ય બની શકે છે. તેમ જ, ભાઈ-બહેનોને ભક્તિમાં મજબૂત કરવાનો આનંદ તે ફરી માણી શકે છે.

એક સમયે વડીલ તરીકે સેવા આપનાર વ્યક્તિ જો એ લહાવો ગુમાવે, તો કદાચ તે નિષ્ફળતાની લાગણી અનુભવે. જુલીઓ * નામના ભાઈએ દક્ષિણ અમેરિકામાં વડીલ તરીકે ૨૦થી વધુ વર્ષો સેવા આપી હતી. તે જણાવે છે: ‘ટૉકની તૈયારીઓ કરવી અને મંડળના સભ્યોને ઉત્તેજન આપતી મુલાકાતો લેવી, એ બધાં કામ મારા જીવનનો મુખ્ય હિસ્સો બની ગયાં હતાં. અચાનક એ બધું બંધ થઈ જવાથી મારું જીવન જાણે ખાલી-ખાલી લાગવા લાગ્યું. દરેક રીતે એ સમયગાળો ખૂબ આઘાતજનક રહ્યો.’ જોકે, આજે જુલીઓ ફરીથી વડીલ તરીકે સેવા આપી રહ્યા છે.

‘એને પૂરો આનંદ માનો’

શિષ્ય યાકૂબે લખ્યું: ‘મારા ભાઈઓ, જ્યારે તમને તરેહ તરેહનાં પરીક્ષણો થાય છે ત્યારે એને પૂરો આનંદ માનો.’ (યાકૂ. ૧:૨) યાકૂબ અહીં એવાં પરીક્ષણોની વાત કરી રહ્યા હતા, જે સતાવણીને અને આપણામાં રહેલી નબળાઈઓને લીધે આવે છે. એવી અમુક નબળાઈઓ વિશે જણાવતા યાકૂબે સ્વાર્થી ઇચ્છાઓ, પક્ષપાતી વલણ, વગેરેનો ઉલ્લેખ કર્યો. (યાકૂ. ૧:૧૪; ૨:૧; ૪:૧, ૨, ૧૧) એ નબળાઈઓને લીધે કદાચ યહોવા તરફથી આપણને શિસ્ત મળે, જેના કારણે કેટલાક સમય સુધી દુઃખ થતું રહે. (હિબ્રૂ ૧૨:૧૧) એવા પરીક્ષણના સમયમાં પણ આનંદ ગુમાવવો ન જોઈએ.

બની શકે કે, હવે આપણે પહેલાંની જેમ મંડળમાં વડીલ  તરીકેની સેવા આપી રહ્યા નથી. તોપણ, હજુય આપણી પાસે યહોવા પ્રત્યે સાચો પ્રેમ અને શ્રદ્ધા બતાવવાની તક છે. આપણે એ પણ વિચાર કરવો જોઈએ કે, અગાઉ આપણે શા માટે એ જવાબદારી ઉપાડતા હતા. શું એ બધું પોતાના ફાયદા માટે કરતા હતા કે પછી, યહોવા માટે પ્રેમ હોવાને લીધે? તેમ જ, શું આપણે સ્વીકારતા હતા કે મંડળ યહોવાનું છે અને એને પ્રેમાળ દેખરેખની જરૂર છે? (પ્રે.કૃ. ૨૦:૨૮-૩૦) અગાઉ વડીલ રહી ચૂકેલા ઘણા ભાઈઓ હાલમાં પણ ખુશીથી ભક્તિમાં લાગુ રહે છે. આમ, તેઓએ બધા લોકોની સાથે સાથે શેતાનને પણ સાબિત કરી આપ્યું કે તેઓ યહોવાને ખરાં દિલથી ચાહે છે.

રાજા દાઊદને પોતાનાં ગંભીર પાપ માટે કડક શિસ્ત મળી હતી. તેમણે એ સ્વીકારી ત્યારે તેમને માફી પણ મળી. દાઊદે લખ્યું: ‘જેની ભૂલો માફ થઈ છે અને જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે. જેને યહોવા અન્યાયી ગણતા નથી અને જેનામાં કંઈ કપટ નથી, તે માણસને ધન્ય છે.’ (ગીત. ૩૨:૧, ૨) શિસ્તને લીધે દાઊદ પોતાનામાં સુધારો કરી શક્યા. પરિણામે, તે ઈશ્વરના લોકોને દોરવા વધુ સારા પાળક બની શક્યા.

મોટા ભાગે, જે ભાઈઓ ફરી વડીલ બને છે, તેઓ ભાઈ-બહેનોની સંભાળ પહેલાં કરતાં વધુ સારી રીતે રાખી શકે છે. એવા જ એક વડીલ જણાવે છે: ‘કોઈ વ્યક્તિ ભૂલ કરે તો તેની કાળજી કઈ રીતે લેવી, એ હવે હું વધુ સારી રીતે સમજી શકું છું.’ બીજા એક વડીલ જણાવે છે કે, ‘ભાઈ-બહેનોની સેવા કરવાના લહાવાને હવે હું વધારે કીમતી ગણું છું.’

શું તમે પાછા ફરી શકો?

એક ઈશ્વરભક્તે લખ્યું: “યહોવા સદા ભૂલો શોધતા નથી.” (ગીત. ૧૦૩:૯, NW) આપણે એવું કદી ન વિચારીએ કે કોઈ વ્યક્તિ મોટી ભૂલ કરે તો, યહોવા તેના પર ફરી કદી ભરોસો કરશે નહિ. ભાઈ રિકાર્ડોએ ઘણાં વર્ષો વડીલ તરીકે સેવા આપી હતી, પણ પછી તેમણે એ લહાવો ગુમાવ્યો. તે જણાવે છે: ‘મારી ભૂલને લીધે હું અતિશય નિરાશ થઈ ગયો હતો. હું વિચાર્યા કરતો કે મારામાં ખામીઓ છે, માટે વડીલ તરીકેની જવાબદારી ફરી ઉપાડવાથી અચકાતો. મને એવું લાગતું કે ભાઈ-બહેનો મારામાં ફરી ભરોસો નહિ કરી શકે. પરંતુ, મને બીજાઓની મદદ કરવાનું ગમે છે. તેથી, હું બાઇબલ અભ્યાસ ચલાવવામાં, મંડળમાં ભાઈ-બહેનોને મદદ કરવામાં અને તેઓ સાથે પ્રચાર કરવામાં લાગુ રહ્યો. એના લીધે, હું હિંમત મેળવી શક્યો અને હાલમાં વડીલ તરીકે ફરી સેવા આપી રહ્યો છું.’

ઘણા ભાઈઓ યહોવાની મદદથી મંડળમાં પોતાનો આનંદ અને આગેવાની લેવાની ઇચ્છા ફરી કેળવી શક્યા છે

મનમાં ખાર ભરી રાખવાથી કોઈ વ્યક્તિ વડીલ તરીકેની સેવા નહિ આપી શકે. તેથી કેટલું સારું રહેશે કે આપણે ઈશ્વરભક્ત દાઊદ જેવું વલણ બતાવીએ. શાઊલ રાજાને દાઊદ પ્રત્યે ખૂબ જ  ઈર્ષા હતી જેના લીધે દાઊદે નાસી જવું પડ્યું. સમય જતાં, દાઊદને બદલો લેવાની કેટલીક તકો મળી હતી. પરંતુ, તેમણે બદલો લેવાનો નકાર કર્યો. (૧ શમૂ. ૨૪:૪-૭; ૨૬:૮-૧૨) અરે, શાઊલ યુદ્ધમાં માર્યા ગયા ત્યારે દાઊદને ખૂબ દુઃખ થયું. તેમણે શાઊલ અને યોનાથાન માટે લખ્યું કે તેઓ ‘પ્રિય અને આનંદદાયક હતા.’ (૨ શમૂ. ૧:૨૧-૨૩) દાઊદે મનમાં જરાય ખાર રાખ્યો નહિ.

તમને જો લાગે કે તમારી સાથે કોઈ ગેરસમજ અથવા અન્યાય થયો છે, તો ખોટા વિચારોને તમારા પર હાવી ન થવા દેશો. બ્રિટનમાં રહેતા વિલીયમનો દાખલો લઈએ. આશરે ૩૦ વર્ષ વડીલ તરીકે સેવા આપ્યા પછી તેમણે એ જવાબદારી ગુમાવી. એના લીધે તેમના મનમાં અમુક વડીલો પ્રત્યે ખાર હતો. યોગ્ય વલણ કેળવવા વિલીયમને ક્યાંથી મદદ મળી? તે જણાવે છે: ‘અયૂબનું પુસ્તક વાંચવાથી મને ઘણું જ ઉત્તેજન મળ્યું. યહોવાએ અયૂબને મદદ કરી કે તે તેમના ત્રણ સાથીદારો જોડે સુલેહ-શાંતિ કરી શકે. તેથી, હું ભરોસો રાખું છું કે મંડળના વડીલો જોડે પ્રેમથી વર્તવા યહોવા મને પણ મદદ કરશે.’—અયૂ. ૪૨:૭-૯.

વડીલની જવાબદારી ફરી ઉપાડવાથી આશીર્વાદ મળે છે

કદાચ તમે હાલમાં વડીલ તરીકેની જવાબદારી ઉપાડી રહ્યા છો. પરંતુ, કોઈ કારણસર એમાંથી મુક્ત થવા માંગો છો. એમ હોય તો પહેલાં આ સવાલો પર વિચાર કરો: “શું હું જીવનમાં આવતા પડકારોથી હારીને એ પગલું ભરવા માંગું છું? શું મારા જીવનમાં બીજી બાબતો વધારે મહત્ત્વની બની ગઈ છે? શું હું બીજાઓની અપૂર્ણતાને કારણે નિરાશ થઈ ગયો છું?” કારણ ગમે તે હોય, પણ હંમેશાં યાદ રાખો કે એક વડીલ તરીકે તમે બીજાઓને ઘણી રીતોએ મદદ આપી શકો છો. તમારી ટૉકથી તેઓની શ્રદ્ધા મજબૂત થાય છે. તમારા દાખલાથી તેઓનો ઉત્સાહ વધે છે. તમારી ઉત્તેજન આપતી મુલાકાતોથી તેઓ મુશ્કેલીઓમાં અડગ રહી શકે છે. એક સારા વડીલ તરીકે સેવા આપવાથી તમને તો ખુશી મળશે જ, સાથે સાથે યહોવાના દિલને પણ ખુશ કરી શકશો.—નીતિ. ૨૭:૧૧.

યહોવાની સેવા આનંદથી કરીને આપણે તેમના માટેના પ્રેમની સાબિતી આપીએ છીએ

ઘણા ભાઈઓ યહોવાની મદદથી મંડળમાં પોતાનો આનંદ અને આગેવાની લેવાની ઇચ્છા ફરી કેળવી શક્યા છે. બની શકે કે તમે વડીલ તરીકેની સેવા જતી કરી છે અથવા ગુમાવવી પડી છે. તોપણ તમે ફરી ‘અધ્યક્ષપદની ઇચ્છા રાખી’ શકો છો. (૧ તીમો. ૩:૧) પાઊલ કોલોસી મંડળ માટે ‘પ્રાર્થના અને વિનંતી કરવાનું ચૂકતા ન હતા.’ તે ચાહતા હતા કે એ ભાઈ-બહેનો યહોવાની ઇચ્છાને સારી રીતે જાણે અને તેમને ‘પ્રસન્ન કરવા માટે યોગ્ય રીતે વર્તે.’ (કોલો. ૧:૯, ૧૦) જો તમને વડીલ તરીકે સેવા આપવાનો ફરી લહાવો મળે, તો આનંદ, ધીરજ અને શક્તિ માટે યહોવા પર આધાર રાખો. આ છેલ્લા દિવસોમાં ભાઈ-બહેનોને ભક્તિમાં સ્થિર રહેવાં પ્રેમાળ વડીલોના સાથની જરૂર છે. શું તમે ભાઈઓને સ્થિર રહેવામાં મદદ આપશો?

^ ફકરો. 3 અમુક નામ બદલ્યાં છે.