સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે ગમે ત્યાં હો યહોવાની વાત સાંભળો

તમે ગમે ત્યાં હો યહોવાની વાત સાંભળો

‘તમારા કાનો પાછળથી એવી વાત આવતી સાંભળશે કે, “માર્ગ આ છે.”’—યશા. ૩૦:૨૧.

૧, ૨. યહોવા પોતાના ભક્તો સાથે કઈ રીતે વાત કરે છે?

બાઇબલના સમયમાં યહોવાએ તેમના ભક્તોને અલગ અલગ રીતે માર્ગદર્શન આપ્યું હતું. તેઓમાંના અમુક સાથે યહોવાએ દૂતો દ્વારા અથવા દર્શન કે સ્વપ્ન દ્વારા વાત કરી અને જણાવ્યું કે ભાવિમાં શું બનવાનું છે. યહોવાએ તેઓને ખાસ સોંપણી પણ આપી. (ગણ. ૭:૮૯; હઝકી. ૧:૧; દાની. ૨:૧૯) કેટલીક વાર યહોવાએ માર્ગદર્શન આપવા અમુક મનુષ્યોને પણ પસંદ કર્યા. માર્ગદર્શન આપવાની રીત ભલે ગમે તે હોય, એને માનવાથી ઈશ્વરભક્તોને આશીર્વાદ મળ્યા છે.

આજે, યહોવા આપણને માર્ગદર્શન આપવા પોતાની પવિત્ર શક્તિ, મંડળ અને બાઇબલનો ઉપયોગ કરે છે. (પ્રે.કૃ. ૯:૩૧; ૧૫:૨૮; ૨ તીમો. ૩:૧૬, ૧૭) યહોવાનું માર્ગદર્શન એટલું સ્પષ્ટ છે કે તે જાણે કહી રહ્યા છે કે “માર્ગ આ છે, તે પર તમે ચાલો.” (યશા. ૩૦:૨૧) જોકે, મંડળોને માર્ગદર્શન આપવા યહોવા ઈસુનો ઉપયોગ કરે છે. ઈસુ એ માર્ગદર્શનને ‘વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર’ દ્વારા મંડળો સુધી પહોંચાડે છે. (માથ. ૨૪:૪૫) આપણે એ માર્ગદર્શનને ગંભીર રીતે લેવું જોઈએ, કારણ કે આપણું હંમેશ માટેનું જીવન એના પર આધાર રાખે છે.—હિબ્રૂ ૫:૯.

૩. યહોવાના માર્ગદર્શન પ્રમાણે કરવાથી આપણને શું રોકી શકે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

શેતાન પૂરો પ્રયત્ન કરે છે કે આપણને યહોવા પાસેથી જીવન બચાવનારું માર્ગદર્શન ન મળે. ઉપરાંત, આપણું ‘હૃદય કપટી’ હોવાથી  યહોવાનું માર્ગદર્શન પાળવું અઘરું લાગી શકે. (યિર્મે. ૧૭:૯) તેથી, ચાલો જોઈએ કે એ પડકારોનો સામનો કઈ રીતે કરી શકીએ. એ પણ જોઈશું કે યહોવા સાથે વાતચીત કરતા રહીને તેમ જ, તેમનું કહ્યું સાંભળીને આપણે કોઈ પણ સંજોગોમાં તેમની નજીક રહી શકીએ છીએ.

શેતાનની ચાલાકીઓથી બચીએ

૪. કઈ રીતે શેતાન લોકોના વિચારોને અસર કરવાનો પ્રયત્ન કરે છે?

લોકોના વિચારોને પોતાના જેવા બનાવવા શેતાન ખોટી અને છેતરામણી માહિતી ફેલાવે છે. (૧ યોહાન ૫:૧૯ વાંચો.) દુનિયાના ખૂણે ખૂણે એ માહિતીને ફેલાવવા તે ન્યૂઝ પેપર, પુસ્તકો, સામયિકો, રેડિયો, ટીવી, ઇન્ટરનેટ વગેરેનો ઉપયોગ કરે છે. ખરું કે, એ માધ્યમો ઉપયોગી માહિતી આપે છે, પણ મોટા ભાગે એ યહોવાનાં ધોરણો વિરુદ્ધ જતું વલણ ફેલાવે છે. (યિર્મે. ૨:૧૩) દાખલા તરીકે, સમાચારો અને મનોરંજનનાં માધ્યમો સજાતીય સંબંધોને એ રીતે રજૂ કરે છે જાણે એમાં કંઈ ખોટું નથી. એ કારણે ઘણાને લાગે છે કે સજાતીયતા વિશે બાઇબલનાં ધોરણો વધુ પડતાં કડક છે.—૧ કોરીં. ૬:૯, ૧૦.

૫. શેતાનના વિચારોમાં તણાઈ ન જવા શું કરવું જોઈએ?

આજે, યહોવાનાં ન્યાયી ધોરણોને પ્રેમ કરનારા કઈ રીતે શેતાનના વિચારોમાં તણાઈ જતાં બચી શકે? કઈ રીતે તેઓ ખરા અને ખોટા વચ્ચે ભેદ પારખી શકે? યહોવાના ‘વચનો પ્રમાણે સાવધ રહીને.’ (ગીત. ૧૧૯:૯) બાઇબલ આપણને મહત્ત્વની માહિતી આપે છે. એનાથી આપણે ખરી અને છેતરામણી માહિતી વચ્ચે ભેદ પારખી શકીએ છીએ. (નીતિ. ૨૩:૨૩) ઈસુએ કહ્યું કે “હરેક શબ્દ જે ઈશ્વરના મોંમાંથી નીકળે છે” એનાથી માણસ જીવે છે. (માથ. ૪:૪) તેથી, આપણે બાઇબલનાં ધોરણોને જીવનમાં લાગુ પાડતાં શીખવું જોઈએ. યુસફનો વિચાર કરો. યુસફના સમયમાં વ્યભિચાર કે બીજી બાબતો સંબંધી હજી કોઈ નિયમ અપાયો ન હતો. તોપણ તે સમજતા હતા કે વ્યભિચાર કરવો ઈશ્વર વિરુદ્ધ પાપ છે. તેથી, પોટીફારની પત્નીએ તેમને જાતીય સંબંધ બાંધવા ઉશ્કેર્યા ત્યારે તે ત્યાંથી નાસી ગયા. તેમણે યહોવાને નાખુશ કરતું કોઈ કામ કર્યું નહિ. (ઉત્પત્તિ ૩૯:૭-૯ વાંચો.) પોટીફારની પત્નીનું સતત દબાણ હોવાં છતાં, યુસફે યહોવાનું જ સાંભળ્યું. આજે, ચારેય તરફ શેતાનના વિચારોનો ઘોંઘાટ છે. તેથી, યહોવાનું સાંભળવા વધુ ધ્યાન આપવું જરૂરી છે.

૬, ૭. શેતાનના દુષ્ટ વિચારોથી દૂર રહેવા આપણે શું કરવું જોઈએ?

આખી દુનિયા, ગૂંચવી નાખતાં ધાર્મિક શિક્ષણ અને માન્યતાઓથી ભરેલી છે. એના લીધે, લોકોને સાચા ધર્મની શોધ કરવી વ્યર્થ લાગે છે. પરંતુ, યહોવાનું માર્ગદર્શન સ્પષ્ટ છે. જો આપણે ઇચ્છીએ તો એને સહેલાઈથી મેળવી શકીએ છીએ. આપણે નક્કી કરવાની જરૂર છે કે કોનું સાંભળીશું. હકીકત એ છે કે, આપણે ક્યારેય એક સાથે બે અવાજ પર ધ્યાન આપી શકતાં નથી. તેથી, આપણે ઈસુના ‘સાદને ઓળખીએ’ અને તેમનું સાંભળવા ધ્યાન આપીએ. કેમ કે, આપણી  કાળજી રાખવા યહોવાએ ઈસુને નીમ્યા છે.—યોહાન ૧૦:૩-૫ વાંચો.

ઈસુએ કહ્યું: “તમે શું સાંભળો છો એ વિશે સાવધાન રહો.” (માર્ક ૪:૨૪) યહોવાની સલાહ સાચી અને સ્પષ્ટ છે. છતાં, એને ધ્યાનથી સાંભળવા અને લાગુ પાડવા આપણે યોગ્ય વલણ કેળવવાની જરૂર છે. જો ધ્યાન નહિ રાખીએ તો શેતાનની દુષ્ટ વાતોમાં આપણે ફસાઈ જઈશું. આજે, મોટા ભાગે દુન્યવી સંગીત, વીડિયો, ટીવી કાર્યક્રમો, પુસ્તકો, સાથીદારો, શિક્ષકો કે સલાહકારો આપણા વિચારોને અસર કરી શકે છે. એ માટે એ બધાથી સાવધ રહીએ.—કોલો. ૨:૮.

૮. (ક) શા કારણથી આપણે શેતાનનું નિશાન બની શકીએ? (ખ) જો ચેતવણીઓને ધ્યાન નહિ આપીએ તો આપણા સાથે શું બની શકે?

શેતાન આપણી નબળાઈઓ અને પાપી વલણને નિશાન બનાવે છે. તે પ્રયત્ન કરે છે કે આપણે ગમે તેમ કરીને પોતાની ઇચ્છાઓ સંતોષીએ. એના કારણે, યહોવા પ્રત્યે વફાદાર રહેવું આપણા માટે વધારે મુશ્કેલ બને છે. (યોહા. ૮:૪૪-૪૭) એક ભાઈનો વિચાર કરો જે મોજ-શોખને વધારે મહત્ત્વ આપે છે. ધીરે ધીરે તે એમાં એટલા ડૂબવા લાગે છે કે ખોટું કામ કરી બેસે છે. જોકે, તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે એવું કામ કરશે. (રોમ. ૭:૧૫) તે એવાં ખોટાં કામમાં શા માટે ફસાયા? બની શકે કે તેમણે યહોવાની વાત સાંભળવાનું ધીરે ધીરે બંધ કરી દીધું હશે. જેમ કે, તેમણે પ્રાર્થના કરવાનું, પ્રચાર અને સભાઓમાં જવાનું ઓછું કરી દીધું હશે. તેમનું મન ચેતવતું હશે કે તે ખોટું કરી રહ્યા છે, છતાં તેમણે એને ધ્યાનમાં નહિ લીધું હોય. આખરે, તે પોતાની ઇચ્છા સંતોષવા ખોટું કામ કરી બેસે છે. આપણે કોઈ ખોટું કામ ન કરી નાખીએ માટે મનની ચેતવણીઓને ધ્યાન આપવું જોઈએ. તેમ જ, ખોટાં વલણને સુધારવા તરત પગલાં ભરીએ. યહોવાની વાત પર ધ્યાન આપવા, ધર્મભ્રષ્ટ વાતને જરાય સાંભળીશું નહિ.—નીતિ. ૧૧:૯.

૯. પાપી ઇચ્છાઓને તરત પારખવી શા માટે મહત્ત્વની છે?

બીમાર વ્યક્તિનો જીવ બચાવવા જરૂરી છે કે, રોગની જલદી જ જાણ થાય અને એ પ્રમાણે સારવાર આપવામાં આવે. એવી જ રીતે, આપણા પાપી વલણની જાણ થતાં જ પગલાં લેવાં જોઈએ, જેથી ‘શેતાન પોતાની જાળમાં ફસાવીને આપણી પાસે તેનું ધાર્યું કરાવે’ નહિ. (૨ તીમો. ૨:૨૬, ઈઝી-ટુ-રીડ વર્ઝન) જો આપણાં વિચારો અને ઇચ્છાઓ ઈશ્વરની વિરુદ્ધ જતાં જણાય તો શું કરવું જોઈએ? તરત યહોવા તરફ પાછા ફરીએ. નમ્રતાથી તેમની સલાહ સ્વીકારીએ અને પૂરાં દિલથી એને પાળીએ. (યશા. ૪૪:૨૨) કોઈ ભૂલનું ખરાબ પરિણામ લાંબા સમય સુધી ભોગવવું પડી શકે. તેથી, કેટલું સારું રહેશે કે  આપણે એવી ભૂલો કરીએ જ નહિ અને યહોવાની પાસે જ રહીએ!

કઈ રીતે નિયમિત ભક્તિ કરવાથી શેતાનની ચાલાકીઓથી આપણે બચી શકીએ? (ફકરા ૪-૯ જુઓ)

ઘમંડ અને લાલચથી દૂર રહીએ

૧૦, ૧૧. (ક) ઘમંડને કઈ રીતે પારખી શકાય? (ખ) કોરાહ, દાથાન અને અબીરામના દાખલામાંથી શું શીખી શકાય?

૧૦ યાદ રાખીએ કે આપણું દિલ આપણને ખોટે માર્ગે લઈ જઈ શકે છે. પાપી વલણનું જોર ઘણું છે. દાખલા તરીકે, ઘમંડ અને લાલચનો વિચાર કરો. એવું વલણ આપણને યહોવાની વાત સાંભળવાથી અટકાવી શકે. પરિણામે, આપણે મોટી ભૂલ કરી શકીએ. એક ઘમંડી વ્યક્તિ વિચારે છે કે તે બીજાઓ કરતાં ચઢિયાતી છે. તેને લાગે છે કે, તે મન ફાવે એમ કરી શકે અને તેને કોઈની સલાહની જરૂર નથી. અરે, તેની નજરે તો મંડળનાં ભાઈ-બહેનોની, વડીલોની કે ઈશ્વરના સંગઠનની સલાહ પણ જરૂરી નથી! એવી વ્યક્તિ માટે યહોવાની વાત સાંભળવી અઘરી બને છે.

૧૧ ઈસ્રાએલીઓ ઉજ્જડ પ્રદેશમાંથી પસાર થતા હતા ત્યારે કોરાહ, દાથાન અને અબીરામે મુસા તથા હારૂનના અધિકારનો વિરોધ કર્યો હતો. અભિમાનમાં આવીને તેઓ પોતાની મરજી પ્રમાણે યહોવાની ભક્તિ કરવા માંગતા હતા. ત્યારે યહોવાએ શું કર્યું? તેમણે એ બળવાખોરોનો નાશ કર્યો. (ગણ. ૨૬:૮-૧૦) એ બનાવ આપણને કેટલો મહત્ત્વનો બોધપાઠ શીખવે છે! યહોવા વિરુદ્ધ જવાથી ખરાબ પરિણામો આવે છે. તેથી, હંમેશાં યાદ રાખીએ કે “અભિમાનનું પરિણામ નાશ છે.”—નીતિ. ૧૬:૧૮; યશા. ૧૩:૧૧.

૧૨, ૧૩. (ક) દાખલો આપો કે કઈ રીતે લાલચનું ખરાબ પરિણામ આવી શકે છે. (ખ) સમજાવો કે કઈ રીતે લાલચ વધીને મોટું સ્વરૂપ લઈ શકે છે.

૧૨ હવે લાલચ વિશે વિચાર કરો. લાલચી વ્યક્તિ એવું માને છે કે યહોવાની સલાહ તેને લાગુ પડતી નથી. તે એમ પણ વિચારે છે કે બીજાઓની વસ્તુ તેઓની પરવાનગી વગર તે લઈ શકે છે. જેમ કે, ગેહઝીનો વિચાર કરીએ. એલીશા પ્રબોધકે સિરિયાના સેનાપતિ નાઅમાનને કોઢથી સાજો કર્યો. એ માટે નાઅમાન તેમને ભેટ આપવા માંગતા હતા. પણ એલીશા એને સ્વીકારતા નથી. પરંતુ, એલીશાનો ચાકર ગેહઝી એ ભેટની લાલચ કરે છે. તે વિચારે છે, “યહોવાના જીવના સમ કે હું તો તેની [નાઅમાની] પાછળ દોડીને તેની પાસેથી કેટલુંક લઈશ.” ગેહઝી એલીશાને જાણ ન થાય એ રીતે નાઅમાન પાછળ જાય છે. તે નાઅમાનને જૂઠું બોલે છે અને ભેટ માંગતા કહે છે કે “એક તાલંત રૂપું તથા બે જોડ વસ્ત્ર” આપો. ગેહઝીની લાલચનું શું પરિણામ આવ્યું? નાઅમાનનો કોઢ ગેહઝીને લાગ્યો.—૨ રાજા. ૫:૨૦-૨૭.

૧૩ ધ્યાન ન રાખીએ તો, લાલચ વધીને મોટું સ્વરૂપ લઈ શકે છે. આખાનના કિસ્સામાં એવું જ બન્યું. બાઇબલ જણાવે છે કે ‘લૂંટમાંથી એક સારો શિનઆરી જામો અને બસો શેકેલ રૂપું અને પચાસ શેકેલ વજનની સોનાની એક લગડી જોઈને તેના મનમાં લોભ જાગ્યો અને તેણે એ લીધાં.’ પોતાના લોભને રોકવાને બદલે આખાને ચોરી કરી. તેણે એ વસ્તુઓ પોતાના તંબુમાં સંતાડી દીધી. આખાનની ચોરી પકડાઈ ત્યારે યહોશુઆએ જણાવ્યું કે યહોવા તેના પર આફત લાવશે. એ જ દિવસે, આખાન અને તેના કુટુંબને પથ્થરે મારી નાંખવામાં આવ્યાં. (યહો. ૭:૧૧, ૨૧, ૨૪, ૨૫) આપણામાંથી કોઈ પણ લાલચમાં ફસાઈ શકે છે. તેથી, ‘સાવધ રહીને સર્વ પ્રકારના લોભથી દૂર રહીએ.’ (લુક ૧૨:૧૫) જોકે, આપણા મનમાં કોઈક વાર ખોટાં કે ગંદા વિચારો આવી શકે છે. છતાં, એના પર કાબૂ રાખીએ. પોતાની ઇચ્છાઓને એટલી હદે ન વધવા દઈએ કે પાપમાં સપડાઈ જઈએ.—યાકૂબ ૧:૧૪, ૧૫ વાંચો.

૧૪. જો આપણામાં ઘમંડ કે લાલચનો અંશ પણ જણાય તો શું કરવું જોઈએ?

૧૪ ઘમંડ અને લાલચનો અંજામ હંમેશાં ખરાબ આવે છે. કંઈ પણ કરીએ એ પહેલા વિચારવું જોઈએ કે શું એનું કોઈ ખોટું પરિણામ આવી શકે. એ રીતે વિચારીશું તો આપણે યહોવાની વાત  સાંભળી શકીશું. (પુન. ૩૨:૨૯) બાઇબલમાં યહોવાએ ખરું માર્ગદર્શન આપ્યું છે, જેના પ્રમાણે કરવાથી આપણું ભલું થાય છે. તેમણે એ પણ જણાવ્યું છે કે એ માર્ગદર્શન ન માનવાથી આપણે ખોટે માર્ગે જઈ શકીએ છીએ. લાલચ કે ઘમંડમાં આવીને કોઈ પગલું ભરતાં પહેલા વિચારો કે, એની તમારા પર, પ્રિયજનો પર અને ખાસ કરીને યહોવા સાથેના તમારા સંબંધ પર કેવી અસર પડશે.

યહોવાની સાથે વાતચીતમાં રહીએ

૧૫. ઈસુના ઉદાહરણ પરથી આપણે શું શીખી શકીએ?

૧૫ યહોવા આપણા માટે સૌથી સારું જીવન ચાહે છે. (ગીત. ૧:૧-૩) તે આપણને યોગ્ય સમયે સારી સલાહ આપે છે. (હિબ્રૂ ૪:૧૬ વાંચો.) ઈસુ પૃથ્વી પર એક સંપૂર્ણ માણસ હોવા છતાં યહોવા પર આધાર રાખતા. તેમ જ, માર્ગદર્શન માટે નિયમિત પ્રાર્થના કરતા. યહોવાએ અદ્ભુત રીતોએ ઈસુને મદદ આપી હતી. તેમણે ઈસુની સેવા કરવા માટે સ્વર્ગદૂતોને મોકલ્યા. યહોવાએ ઈસુને પોતાની પવિત્ર શક્તિ દ્વારા મદદ આપી અને ૧૨ પ્રેરિતોની પસંદગીમાં માર્ગદર્શન આપ્યું. યહોવા આકાશમાંથી બોલ્યા અને સાબિત કર્યું કે તે ઈસુને સ્વીકારે છે અને સાથ આપે છે. (માથ. ૩:૧૭; ૧૭:૫; માર્ક ૧:૧૨, ૧૩; લુક ૬:૧૨, ૧૩; યોહા. ૧૨:૨૮) ઈસુની જેમ આપણે પણ દિલ ખોલીને યહોવાને પ્રાર્થના કરવી જોઈએ. (ગીત. ૬૨:૭, ૮; હિબ્રૂ ૫:૭) યહોવાની નજીક રહેવા અને તેમને મહિમા મળે એવું જીવન જીવવા પ્રાર્થના આપણને મદદ કરશે.

૧૬. આપણે યહોવાનું સાંભળીએ માટે તે કઈ રીતે મદદ કરે છે?

૧૬ યહોવા સૌથી સારી સલાહ આપે છે. જોકે, એ પાળવાનું દબાણ કરતા નથી. માર્ગદર્શન માટે પવિત્ર શક્તિ માંગીશું તો યહોવા એ ઉદારતાથી આપશે. (લુક ૧૧:૧૦-૧૩ વાંચો.) એ માટે જરૂરી છે કે આપણે ‘કઈ રીતે સાંભળીએ છીએ એ વિશે સાવધ રહીએ.’ (લુક ૮:૧૮) માની લો કે, એક વ્યક્તિ અનૈતિક કામોથી દૂર રહેવાં યહોવા પાસે મદદ માંગે છે. પરંતુ, જો તે પોર્નોગ્રાફી કે અશ્લીલ ફિલ્મો જોયા કરે, તો શું યહોવા તેને મદદ કરશે? તેમની મદદ મળે માટે જરૂરી છે કે એવી જગ્યાએ જઈએ અને એવા સંજોગોમાં રહીએ જ્યાં યહોવાની શક્તિ છે. દાખલા તરીકે, મંડળની સભાઓ. ઘણા ભક્તો સભાઓમાં જવાથી પોતાની ખોટી ઇચ્છાઓ પારખી શક્યા છે અને ખરાબ કામોથી દૂર થયાં છે.—ગીત. ૭૩:૧૨-૧૭; ૧૪૩:૧૦.

યહોવાની વાત ધ્યાનથી સાંભળતા રહીએ

૧૭. પોતાના પર આધાર રાખવામાં કયો ખતરો છે?

૧૭ પ્રાચીન ઈસ્રાએલના રાજા દાઊદનો વિચાર કરો. તેમણે જ્યાં સુધી યહોવા પર આધાર રાખ્યો, ત્યાં સુધી મોટાં કામો કરી શક્યાં. યુવાન હતા ત્યારે તેમણે કદાવર ગોલ્યાથને મારી નાંખ્યો. એ પછી, તે સૈનિક બન્યા અને સમય જતાં રાજા બન્યા. તેથી, બધા ઈસ્રાએલીઓનું રક્ષણ કરવાની અને તેઓ માટે મહત્ત્વના નિર્ણયો લેવાની જવાબદારી તેમની હતી. પરંતુ, જ્યારે તેમણે પોતાની સમજ પર આધાર રાખ્યો ત્યારે, તે ખોટા માર્ગે જવા લાગ્યા. તેમણે બાથશેબા સાથે વ્યભિચાર કરીને ગંભીર પાપ કર્યું. અરે, તેના પતિનું ખૂન પણ કરાવ્યું! જોકે, યહોવાએ શિસ્ત આપી ત્યારે તેમણે એને નમ્રતાથી સ્વીકારી. તેમણે પોતાની ભૂલ કબૂલી અને ફરીથી યહોવાના મિત્ર બન્યા.—ગીત. ૫૧:૪, ૬, ૧૦, ૧૧.

૧૮. યહોવાનું સાંભળતા રહીએ માટે શું જરૂરી છે?

૧૮ પહેલો કોરીંથી ૧૦:૧૨ની સલાહને લાગુ પાડીને આપણે પોતાના પર વધુ પડતો ભરોસો ન રાખીએ. આપણે ‘પોતાનાં પગલાં ગોઠવી’ શકતા નથી. (યિર્મે. ૧૦:૨૩) એ કારણે, આપણે આ બેમાંથી કોઈ એક માર્ગ પર ચાલીશું, યહોવાના માર્ગ પર અથવા શેતાનના માર્ગ પર. ચાલો, આપણે પ્રાર્થનામાં લાગુ રહીએ, પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે કરીએ અને હંમેશાં યહોવાનું જ સાંભળતા રહીએ.