શું તમને “વખતસર ખાવાનું” મળી રહ્યું છે?
આપણે માનવ ઇતિહાસના સૌથી કપરા સમયમાં જીવી રહ્યા છીએ. (૨ તીમો. ૩:૧-૫) આપણે દરરોજ સાબિતી આપવી પડે છે કે, આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ અને તેમના ન્યાયી સિદ્ધાંતો પ્રમાણે જીવવા માંગીએ છીએ. ઈસુ જાણતા હતા કે અંતના સમયમાં ખૂબ મુશ્કેલીઓ આવશે. તેથી, તેમણે ખાતરી આપી હતી કે તેમના અનુયાયીઓને છેક સુધી ટકી રહેવા ઉત્તેજન મળતું રહેશે. (માથ. ૨૪:૩, ૧૩; ૨૮:૨૦) તેઓ ભક્તિમાં ટકી રહે માટે ઈસુએ વિશ્વાસુ ચાકરની ગોઠવણ કરી, જે “વખતસર ખાવાનું” પૂરું પાડતો રહે.—માથ. ૨૪:૪૫, ૪૬.
સાલ ૧૯૧૯માં વિશ્વાસુ ચાકરની નિમણૂક થઈ. એ સમયથી “ઘરનાં”ને એટલે કે દરેક ભાષાના લાખો લોકોને ઈશ્વરના સંગઠનમાં ભેગા કરવામાં આવ્યા છે. તેમ જ, તેઓને ભક્તિને લગતો ખોરાક પૂરો પાડવામાં આવી રહ્યો છે. (માથ. ૨૪:૧૪; પ્રકટી. ૨૨:૧૭) ખરું કે, આપણું બધું જ સાહિત્ય દરેક ભાષામાં નથી. વધુમાં, દરેક વ્યક્તિ માટે શક્ય નથી કે કૉમ્પ્યુટર જેવાં સાધનો પરથી આપણું સાહિત્ય મેળવી શકે. દાખલા તરીકે, દરેક વ્યક્તિ એવા લેખો કે વિડીયો મેળવી શકતી નથી, જે ફક્ત jw.org વેબસાઇટ પર છે. તો શું એનો અર્થ એવો થાય કે તેઓને ભક્તિમાં મજબૂત કરતો ખોરાક મળી રહ્યો નથી? એનો જવાબ મેળવવા ચાલો આપણે ચાર મહત્ત્વના સવાલો પર ચર્ચા કરીએ.
૧ ભક્તિમાં ટકાવી રાખવા યહોવાએ કયા મુખ્ય ખોરાકની વ્યવસ્થા કરી છે?
શેતાને પથ્થરને રોટલી બનાવવા કહ્યું ત્યારે ઈસુએ જવાબ આપ્યો: “માણસ એકલી રોટલીથી નહિ, પણ હરેક શબ્દ જે ઈશ્વરના મોંમાંથી નીકળે છે તેથી જીવશે.” (માથ. ૪:૩, ૪) બાઇબલમાં યહોવાના શબ્દો નોંધવામાં આવ્યા છે. (૨ પીત. ૧:૨૦, ૨૧) આમ, ભક્તિને લગતો આપણો મુખ્ય ખોરાક બાઇબલ છે.—૨ તીમો. ૩:૧૬, ૧૭.
યહોવાના સંગઠને ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સનું ૧૨૦ કરતાં વધુ ભાષામાં પૂરું અથવા અમુક ભાગોનું ભાષાંતર કર્યું છે. દર વર્ષે એમાં બીજી ભાષાઓ ઉમેરાય છે. એ સિવાય, બાઇબલના બીજા હજારો અનુવાદો પણ છે. અરે, એ લાખો ને કરોડોની સંખ્યામાં, પૂરા અથવા અમુક ભાગોમાં છપાયા છે. નવાઈ પમાડતી એ સંખ્યાઓ ઈશ્વરની ઇચ્છાની સુમેળમાં છે, જે ચાહે છે કે “સઘળાં માણસો તારણ પામે, ને તેઓને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય.” (૧ તીમો. ૨:૩, ૪) વધુમાં, યહોવાની “આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી.” એ માટે ખાતરી રાખી શકીએ કે, જેઓને “આધ્યાત્મિક બાબતોની જરૂરિયાતો છે” તેઓને તે સંગઠનમાં લાવશે અને ભક્તિને લગતો ખોરાક પૂરો પાડશે.—હિબ્રૂ ૪:૧૩; માથ. ૫:૩, ઈઝી-ટુ-રીડ વર્ઝન; માથ. ૫:૬; યોહા. ૬:૪૪; ૧૦:૧૪.
૨ ભક્તિને લગતો ખોરાક પૂરો પાડવામાં આપણું સાહિત્ય કેવો ભાગ ભજવે છે?
કોઈ પણ વ્યક્તિએ શ્રદ્ધા દૃઢ બનાવવા બાઇબલ વાંચવા ઉપરાંત કંઈક વધુ કરવાની જરૂર છે. બાઇબલમાંથી જે વાંચે છે એને સમજીને તેણે જીવનમાં લાગુ પાડવાની જરૂર છે. (યાકૂ. ૧:૨૨-૨૫) એ વાત પ્રથમ સદીના એક હબશી (ઇથિયોપિયાના) અમલદારના અહેવાલ પરથી સાબિત થાય છે. તે શાસ્ત્રવચનોમાંથી વાંચતો હતો ત્યારે ફિલિપે તેને પૂછ્યું, “તું જે વાંચે છે તે શું તું સમજે છે?” જવાબમાં તેણે કહ્યું કે “કોઈના સમજાવ્યા સિવાય હું કેમ કરીને સમજી શકું?” (પ્રે.કૃ. ૮:૨૬-૩૧) ફિલિપે શાસ્ત્રવચનોની ખરી સમજણ તે અમલદારને આપી. એ સમજણ તેના દિલને એટલી સ્પર્શી ગઈ કે તેણે તરત બાપ્તિસ્મા લીધું. (પ્રે.કૃ. ૮:૩૨-૩૮) એવી જ રીતે, બાઇબલ આધારિત આપણું સાહિત્ય સત્યનું ખરું જ્ઞાન મેળવવામાં આપણને મદદ કરે છે. એ જ્ઞાન આપણાં દિલોને અસર કરે છે અને શીખેલી વાતોને લાગુ પાડવા ઉત્તેજન આપે છે.—કોલો. ૧:૯, ૧૦.
યહોવાના સેવકોની ભક્તિને લગતી ભૂખ અને તરસ અઢળક સાહિત્ય દ્વારાં સંતોષાય છે. (યશા. ૬૫:૧૩) દાખલા તરીકે, ૨૧૦થી વધુ ભાષામાં છપાતું ચોકીબુરજ બાઇબલની ભવિષ્યવાણીઓ સમજાવે છે, સત્યની ઊંડી સમજણ આપે છે અને બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે જીવવા પ્રેરે છે. સજાગ બનો! આશરે ૧૦૦ ભાષામાં છપાય છે. એ મૅગેઝિન યહોવાએ કરેલાં સર્જન વિશે આપણું જ્ઞાન વધારે છે. તેમ જ, એ રોજબરોજના જીવનમાં બાઇબલની સલાહ લાગુ પાડતા શીખવે છે. (નીતિ. ૩:૨૧-૨૩; રોમ. ૧:૨૦) વિશ્વાસુ ચાકર બાઇબલ આધારિત માહિતી ૬૮૦ કરતાં વધારે ભાષામાં બહાર પાડે છે. શું તમે દરરોજ બાઇબલ વાંચવા સમય ફાળવો છો? તમારી ભાષામાં મળતાં નવાં મૅગેઝિન અને દર વર્ષે મળતું નવું સાહિત્ય, શું તમે વાંચો છો?
યહોવાનું સંગઠન સાહિત્ય ઉપરાંત સભાઓ અને સંમેલનોમાં અપાતાં બાઇબલ આધારિત પ્રવચનો તૈયાર કરે છે. શું તમે ત્યાં આપવામાં આવતાં પ્રવચનો, નાટકો, પ્રદર્શનો અને અનુભવોનો આનંદ માણો છો? સાચે જ, ભક્તિને લગતો ભરપૂર ખોરાક યહોવા પૂરો પાડે છે.—યશા. ૨૫:૬.
૩ જો તમારી ભાષામાં બધું સાહિત્ય ન મળતું હોય, તો શું એનો અર્થ એમ થાય કે ભક્તિમાં તમે નબળા પડી જશો?
ના. જરાય નહિ! કેટલીક વાર, યહોવાના અમુક ભક્તોને બીજાઓ કરતાં વધુ પ્રમાણમાં માહિતી મળે છે. જોકે એનાથી આપણને નવાઈ ન લાગવી જોઈએ. શા માટે નહિ? કારણ જાણવા ચાલો પ્રેરિતોનો વિચાર કરીએ. તેઓને પ્રથમ સદીના બીજા શિષ્યો કરતાં વધુ સલાહ-સૂચનો મળતાં હતાં. (માર્ક ૪:૧૦; ૯:૩૫-૩૭) તેમ છતાં, બીજા શિષ્યો શ્રદ્ધામાં નબળા પડ્યા નહિ. કારણ કે, તેઓને જરૂરી શિક્ષણ મળી રહેતું.—એફે. ૪:૨૦-૨૪; ૧ પીત. ૧:૮.
એ પણ ધ્યાનમાં લઈએ કે ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે કહેલી બધી વાતોની નોંધ સુવાર્તાનાં પુસ્તકોમાં થઈ નથી. પ્રેરિત યોહાને કહ્યું: “ઈસુએ કરેલાં બીજાં કામો પણ ઘણાં છે, જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલાં બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ જગતમાં થાય નહિ, એમ હું ધારૂં છું.” (યોહા. ૨૧:૨૫) ખરું કે, આપણા કરતાં પ્રથમ સદીના શિષ્યો પાસે ઈસુના પૃથ્વી પરના જીવન વિશે વધુ માહિતી હતી. તોપણ, આપણે જરૂરી માહિતીથી બાકાત રહ્યા નથી. યહોવાએ એ ધ્યાન રાખ્યું છે કે આપણને ઈસુના પગલે ચાલવા જેટલી માહિતીની જરૂર છે, એટલી મળી રહે.—૧ પીત. ૨:૨૧.
પ્રથમ સદીનાં મંડળોને પ્રેરિતોએ મોકલેલા પત્રોનો પણ વિચાર કરીએ. પાઊલે લખેલા પત્રોમાંથી ઓછામાં ઓછો એક પત્રનો બાઇબલમાં સમાવેશ થયો નથી. (કોલો. ૪:૧૬) એ પત્ર બાઇબલમાં ન હોવાને કારણે, શું આપણને શ્રદ્ધા મજબૂત રાખવા પૂરતી માહિતી મળી નથી? ના, એમ નથી. યહોવા જાણે છે કે આપણને શ્રદ્ધામાં અડગ રહેવા કેટલી માહિતીની જરૂર છે અને એ તેમણે પૂરતાં પ્રમાણમાં આપી છે.—માથ. ૬:૮.
યહોવા જાણે છે કે આપણને શ્રદ્ધામાં અડગ રહેવા કેટલી માહિતીની જરૂર છે અને તે એને પૂરતાં પ્રમાણમાં આપે છે
આજે, અમુક ભાઈ-બહેનો પાસે પોતાની ભાષામાં ઓછું સાહિત્ય છે. શું તમારી ભાષામાં પણ ઓછું સાહિત્ય છે? એમ હોય તો એ યાદ રાખો કે યહોવા તમારી કાળજી રાખે છે. તેથી, તમારી ભાષામાં મળી રહેતાં સાહિત્યનો અભ્યાસ કરતા રહો અને સભાઓમાં નિયમિત હાજર રહો. તેમ જ, ખાતરી રાખો કે યહોવા તમને શ્રદ્ધામાં દૃઢ કરતા રહેશે.—ગીત. ૧:૨; હિબ્રૂ ૧૦:૨૪, ૨૫.
૪ જો jw.org પર મૂકવામાં આવતી માહિતી તમે મેળવી શકતા નથી, તો શું એનો અર્થ એમ થાય કે ભક્તિમાં તમે નબળા થઈ જશો?
આપણી વેબસાઇટ પર ઘણી સંખ્યામાં મૅગેઝિન અને બાઇબલ આધારિત સાહિત્ય મૂકવામાં આવે છે. યુગલો અને તરુણોને રસ પડે એવી માહિતી ત્યાં જોવા મળે છે. તેમ જ, નાનાં બાળકોને શીખવવામાં માબાપને ઉપયોગી ઘણી માહિતી ત્યાં મળી રહે છે. કુટુંબ તરીકેની ભક્તિમાં એ માહિતીનો ઉપયોગ કરવાથી બધાને ફાયદો થાય છે. આપણી વેબસાઇટ પર કેટલાક અહેવાલો પણ જોવા મળે છે. જેમ કે, નિયામક જૂથની વાર્ષિક સભાના અને ગિલયડ શાળાના અહેવાલો. ઉપરાંત, ક્યાંનાં ભાઈ-બહેનોએ કુદરતી આફતોનો સામનો કર્યો છે એ માહિતી ત્યાં મૂકવામાં આવે છે. વધુમાં, જુદા જુદા દેશનાં ભાઈ-બહેનોને અસર કરતા કાયદાકીય ફેરફારો વિશે પણ જાણવા મળે છે. (૧ પીત. ૫:૮, ૯) આપણા કામ પર રોક કે પ્રતિબંધ મુકાયો હોય એવા દેશોમાં પણ એ વેબસાઇટ ખુશખબર ફેલાવવાનું અસરકારક સાધન છે.
જોકે, તમે વેબસાઇટનો ઉપયોગ કરી શકતા ન હો, તોપણ અડગ શ્રદ્ધા જાળવી શકો છો. “ઘરનાં” દરેકની ભક્તિને લગતી ભૂખ સંતોષવા, “ચાકર” પૂરતાં પ્રમાણમાં છાપેલું સાહિત્ય પૂરું પાડવા મહેનત કરે છે. તેથી, વેબસાઇટનો ઉપયોગ કરવા કોઈ ખાસ સાધન વસાવવું જ પડશે, એવું નથી. કેટલાક મંડળોમાં ભાઈ-બહેનો પોતાની રીતે વેબસાઇટ પરથી માહિતીની પ્રિન્ટ કાઢીને બીજાઓને આપે છે. જોકે, મંડળોએ એવી કોઈ ગોઠવણ કરવાની ફરજ નથી.
આપણે આભારી છીએ કે ઈસુ પોતાના વચન પ્રમાણે આપણી ભક્તિને લગતી જરૂરિયાતો પૂરી પાડે છે. આ મુશ્કેલીભર્યા છેલ્લા દિવસોનો અંત આવે ત્યાં સુધી, આપણે ખાતરી રાખી શકીએ કે યહોવા “વખતસર ખાવાનું” પૂરું પાડતા રહેશે.