સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“ઘણાં સંકટ” છતાં ઈશ્વરને વળગી રહીએ

“ઘણાં સંકટ” છતાં ઈશ્વરને વળગી રહીએ

‘આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવાનું છે.’પ્રે.કૃ. ૧૪:૨૨.

૧. ઈશ્વરના લોકોને શા માટે દુઃખ-તકલીફોનો સામનો કરવો પડે છે?

આપણને એ જાણીને નવાઈ લાગતી નથી કે હંમેશ માટેનું જીવન મેળવીએ એ પહેલાં ઘણાં સંકટનો સામનો કરવો પડશે. ભલે આપણે હાલમાં જ સત્યમાં આવ્યા હોઈએ કે પછી લાંબા સમયથી સત્યમાં હોઈએ, એક હકીકત આપણે બધા જ જાણીએ છીએ. એ છે કે, આ દુનિયા શેતાનની હોવાથી આપણે દુઃખ-તકલીફોનો સામનો કરવો જ પડશે.—પ્રકટી. ૧૨:૧૨.

૨. (ક) ઈશ્વરના ભક્તોને કયા પરીક્ષણનો સામનો કરવો પડે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) એ પરીક્ષણો પાછળ કોનો હાથ છે? એમ માનવાનું શું કારણ છે?

ખરું કે, દરેક મનુષ્યને દુઃખ-તકલીફો સહેવી પડે છે. પરંતુ, ઈશ્વરના ભક્તોને વધુ એક પરીક્ષણનો સામનો કરવો પડે છે. (૧ કોરીં. ૧૦:૧૩) એ કયું છે? ઈશ્વરના નિયમો પ્રમાણે ચાલવાને લીધે તેઓએ સખત વિરોધનો સામનો કરવો પડે છે. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: ‘દાસ પોતાના શેઠથી મોટો નથી, એવી જે વાત મેં તમને કહી તે યાદ રાખો. જો તેઓ મારી પાછળ પડ્યા, તો તેઓ તમારી પાછળ પણ પડશે.’ (યોહા. ૧૫:૨૦) એ વિરોધની પાછળ મુખ્ય કોનો હાથ છે? શેતાનનો. તેને બાઇબલ “ગાજનાર સિંહ” કહે છે, જે ઈશ્વરના લોકોને “ગળી જવાને શોધતો ફરે છે.” (૧ પીત. ૫:૮) ઈસુને પગલે ચાલનાર લોકોની વફાદારી  તોડવા શેતાન બનતા પ્રયત્નો કરે છે. ચાલો જોઈએ કે પ્રેરિત પાઊલ સાથે શું બન્યું હતું.

લુસ્ત્રામાં સતાવણીનો સામનો

૩-૫. (ક) લુસ્ત્રામાં પાઊલને કઈ સતાવણી સહન કરવી પડી? (ખ) ભાવિમાં આવનાર સંકટો વિશે પાઊલના શબ્દો કઈ રીતે મન દૃઢ કરનારા હતા?

ઈશ્વરને વફાદાર રહેવાને લીધે પાઊલને ઘણી વાર સતાવણીનો સામનો કરવો પડ્યો. (૨ કોરીં. ૧૧:૨૩-૨૭) એવી એક સતાવણી લુસ્ત્રામાં થઈ હતી. ત્યાં તેમણે જન્મથી લંગડા એક માણસને સાજો કર્યો. એ ચમત્કાર પછી લોકો પાઊલ અને બાર્નાબાસને દેવ તરીકે પૂજવા લાગ્યા. પરંતુ, એમ ન કરે એવી તેઓએ લોકોને આજીજી કરી. એના થોડા જ સમય પછી યહુદી વિરોધીઓએ આવીને લોકોના મનમાં એ બંને વિરુદ્ધ ઝેર ભર્યું. અચાનક જ પરિસ્થિતિ બદલાઈ ગઈ! હવે એ જ લોકોએ પાઊલને પથ્થરે એવા માર્યા કે તે મરી જાય.—પ્રે.કૃ. ૧૪:૮-૧૯.

દર્બે શહેરની મુલાકાત પછી પાઊલ અને બાર્નાબાસ ફરી એક વાર ‘લુસ્ત્રા, ઈકોની અને અંત્યોખ’ ગયા. તેઓએ ત્યાંના ‘શિષ્યોનાં મન દૃઢ કરતાં તેઓને વિશ્વાસમાં ટકી રહેવાનું ઉત્તેજન આપ્યું અને કહ્યું કે “આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવાનું છે.”’ (પ્રે.કૃ. ૧૪:૨૧, ૨૨) “ઘણાં સંકટ” સહેવાની પાઊલની એ વાત કદાચ આપણને ઉત્તેજન આપનારી ન લાગે. તો સવાલ થાય કે, એ શબ્દોથી પાઊલ અને બાર્નાબાસે કઈ રીતે ‘શિષ્યોના મન દૃઢ કર્યાં’ હશે?

એનો જવાબ જાણવા ચાલો પાઊલે જે કહ્યું એના પર ધ્યાન આપીએ. તેમણે એમ ન કહ્યું કે ‘આપણે ઘણાં સંકટ સહેવાં પડશે.’ તેમણે તો એમ કહ્યું હતું કે, ‘આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવાનું છે.’ એ શબ્દોથી પાઊલે વફાદાર રહેવાના ઇનામ પર શિષ્યોનું ધ્યાન દોર્યું. એ ઇનામ કોઈ કલ્પના ન હતી. અગાઉ, ઈસુએ પણ કહ્યું હતું કે, “જે કોઈ અંત સુધી ટકશે તે તારણ પામશે.”માથ. ૧૦:૨૨.

૬. શ્રદ્ધામાં જેઓ અડગ રહેશે તેઓ માટે કયું ઇનામ છે?

આપણે મુસીબતોમાં પણ શ્રદ્ધામાં અડગ રહીશું તો ઇનામ મેળવી શકીશું. અભિષિક્તોને ઇનામમાં અવિનાશી જીવન મળે છે અને તેઓ સ્વર્ગમાં ઈસુ સાથે રાજ કરે છે. “બીજાં ઘેટાં”ના લોકો માટે ઇનામ તરીકે, ‘ન્યાયી’ સુંદર પૃથ્વી પર હંમેશ માટેનું જીવન છે. (યોહા. ૧૦:૧૬; ૨ પીત. ૩:૧૩) જોકે, પાઊલના જણાવ્યા પ્રમાણે, ઇનામ મળે એ પહેલાં આપણને કદાચ સંકટો સહન કરવાં પડે. ચાલો આપણે જોઈએ કે કયાં બે પ્રકારનાં પરીક્ષણો આવી શકે.

સીધેસીધા હુમલા

૭. આપણે શાને સીધેસીધો હુમલો કહી શકીએ?

ઈસુએ ભાખ્યું હતું કે, લોકો ‘તમને ન્યાયસભાઓને સોંપશે. સભાસ્થાનોમાં તમે કોરડાનો માર ખાશો અને તમે મારે લીધે અધિકારીઓ તથા રાજાઓની આગળ ઊભા કરાશો.’ (માર્ક ૧૩:૯) અમુક ઈશ્વરભક્તોને એવો સીધેસીધો હુમલો સહન કરવો પડશે. જેમ કે, ધર્મગુરુઓ કે રાજકીય નેતાઓ દ્વારા આવતી સતાવણીઓ. (પ્રે.કૃ. ૫:૨૭, ૨૮) ફરી એક વાર પાઊલનો વિચાર કરો. શું એવી સતાવણી વિશે વિચારીને તે ડરી ગયા? ના, જરાય નહિ.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૨, ૨૩ વાંચો.

૮, ૯. પાઊલે કઈ રીતે બતાવ્યું કે તે સતાવણી સહન કરવા તૈયાર હતા? આપણા સમયમાં અમુક ભાઈઓ પર કયો સીધેસીધો હુમલો થયો છે?

પાઊલે હિંમતથી શેતાનના સીધેસીધા હુમલાનો સામનો કર્યો. તેમણે કહ્યું: “હું મારો જીવ વહાલો ગણીને એની કંઈ પણ દરકાર કરતો નથી, એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ પાસેથી મને મળી છે તે હું પૂર્ણ કરું.” (પ્રે.કૃ. ૨૦:૨૪) એક વાત તો ચોક્કસ છે કે, પાઊલ સતાવણીથી ડર્યા નહિ. એના બદલે, તે કોઈ પણ સંજોગોમાં પોતાની શ્રદ્ધા જાળવી રાખવા વિશે મક્કમ રહ્યા. સતાવણી છતાં તેમનો ધ્યેય ‘સાક્ષીકાર્યને પૂરું’ કરવાનો હતો.

આજે, આપણાં ઘણાં ભાઈ-બહેનો પણ  એવી જ હિંમત બતાવી રહ્યાં છે. જેમ કે, એક દેશમાં કેટલાક સાક્ષીઓને કોઈ પણ મુકદ્દમો ચલાવ્યા વગર કેદ કરવામાં આવ્યા હતા. તેઓ લગભગ ૨૦ વર્ષથી જેલમાં હતા. શા માટે? રાજકીય બાબતોમાં કોઈ પણ રીતે ભાગ ન લેવાને કારણે. જેલમાં તેઓની સખત સતાવણી થઈ અને તેઓને મારવામાં આવ્યા. અરે, કુટુંબીજનોને પણ તેઓની મુલાકાત લેવાની પરવાનગી ન હતી!

૧૦. અચાનક આવતી સતાવણીથી આપણે શા માટે ડરવું ન જોઈએ?

૧૦ બીજી કેટલીક જગ્યાઓએ આપણાં ભાઈ-બહેનો પર અચાનક સતાવણી આવી પડે છે. જો એવું તમારી સાથે બને તો હાર ન માની લેતા પણ હિંમત રાખજો. યુસફનો દાખલો લો. તેમને ગુલામ તરીકે વેચી દેવામાં આવ્યા ત્યારે, યહોવાએ ‘તેમને સર્વ સંકટોમાંથી છોડાવ્યા.’ (પ્રે.કૃ. ૭:૯, ૧૦) યહોવા તમારા માટે પણ એમ કરી શકે છે. યાદ રાખો કે “તે ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે.” (૨ પીત. ૨:૯) તેથી, સતાવણીને હિંમતથી સહન કરવા માટે આપણે યહોવા પર ભરોસો રાખીએ. તે આપણને દુષ્ટ જગતથી બચાવીને હંમેશાંનું જીવન આપી શકે છે.—૧ પીત. ૫:૮, ૯.

છૂપા હુમલા

૧૧. શેતાનનાં છૂપા હુમલા કઈ રીતે તેના સીધેસીધા હુમલાથી અલગ છે?

૧૧ શેતાન બીજી એક રીતે પણ પરીક્ષણ લાવે છે. એ છે છૂપો હુમલો. કઈ રીતે એ હુમલો સીધેસીધા હુમલાથી અલગ છે? સીધેસીધો હુમલો એક ધરતીકંપ જેવો છે, જે અચાનક આવીને તમારા ઘરને તબાહ કરી દે છે. જ્યારે કે, છૂપો હુમલો ઊધઈ જેવો છે, જે ધીરે ધીરે તમારા ઘરને અંદરો-અંદર કોતરી ખાઈને નષ્ટ કરી નાખે છે. છૂપા હુમલા ખૂબ ખતરનાક હોય છે, કારણ કે વ્યક્તિને ખબર પડે એ પહેલાં તો ઘણું નુકસાન થઈ જાય છે.

૧૨. (ક) છૂપા હુમલા માટે શેતાન કયું એક સાધન વાપરે છે? એ શા માટે અસરકારક છે? (ખ) નિરાશાની પાઊલ પર કેવી અસર થઈ?

૧૨ શેતાન ચાહે છે કે યહોવા સાથેનો તમારો સંબંધ તૂટી જાય. એ માટે તે સતાવણી લાવીને સીધેસીધો હુમલો કરે છે. અથવા ધીરે ધીરે તમારી શ્રદ્ધાને કોરી ખાતો છૂપો હુમલો કરે છે. છૂપા હુમલામાં તેનું સૌથી અસરકારક હથિયાર નિરાશા છે. શા માટે? કારણ કે એના લીધે આપણી શ્રદ્ધા ધીરે ધીરે નબળી પડી શકે અને આપણને જાણ થાય એ પહેલાં યહોવાથી દૂર થઈ શકીએ. કેટલીક વાર પ્રેરિત પાઊલે પણ ‘નિરાશાનો’ અનુભવ કર્યો હતો. (રોમનો ૭:૨૧-૨૪ વાંચો.) પાઊલની શ્રદ્ધા તો ખૂબ મજબૂત હતી, કદાચ તે પ્રથમ સદીના નિયામક જૂથના સભ્ય પણ હતા. તો પછી, કયા કારણથી પાઊલ નિરાશ થયા? પાઊલે જણાવ્યું કે પોતાની અપૂર્ણતાને લીધે તેમને એમ લાગતું હતું. તે દિલથી ઇચ્છતા હતા કે જે સારું છે એ જ કરે, પણ પોતાના પાપી વલણને લીધે એમ કરવું ખૂબ મુશ્કેલ બનતું હતું. જો તમે પણ કોઈક વાર નિરાશા અનુભવો, તો યાદ રાખજો કે પ્રેરિત પાઊલને પણ એવી લાગણીનો સામનો કરવો પડ્યો હતો.

૧૩, ૧૪. (ક) અમુક ઈશ્વરભક્તો શા માટે નિરાશા અનુભવે છે? (ખ) કોણ ઇચ્છે છે કે આપણે હારી જઈએ અને શા માટે?

૧૩ ઘણાં ભાઈ-બહેનો કેટલીક વાર નિરાશા, ચિંતા અને પોતે નકામા છે એવી લાગણીઓ અનુભવે છે. દાખલા તરીકે, એક ઉત્સાહી પાયોનિયર બહેનનો વિચાર કરો. તે જણાવે છે, ‘મારાથી થયેલી એક ભૂલ મારા મનમાંથી જતી જ નથી. જ્યારે પણ એના વિશે વિચારું ત્યારે મને ખૂબ દુઃખ થાય છે. મને લાગે છે કે મારાથી થયેલી ભૂલો વિશે જાણીને મને કોઈ પ્રેમ નહિ કરે. કદાચ, યહોવા પણ નહિ!’

૧૪ એ પાયોનિયર બહેનની જેમ, બીજા ઉત્સાહી ઈશ્વરભક્તો પણ નિરાશા અનુભવે છે. શા માટે? એનાં ઘણાં કારણો છે. અમુકમાં પોતાના વિશે અને પોતાના સંજોગો વિશે ખોટું વિચારવાનું વલણ હોય શકે. (નીતિ. ૧૫:૧૫) બીજા અમુકને કદાચ બીમારીના લીધે એવી નિરાશા થઈ શકે. કારણ ગમે તે હોય, આપણે હંમેશાં યાદ રાખવું જોઈએ કે એવી લાગણીઓનો કોણ ફાયદો  ઉઠાવવા માંગે છે. કોણ ચાહે છે કે તમે નિરાશ થાઓ અને યહોવાની ભક્તિ છોડી દો? (પ્રકટી. ૨૦:૧૦) એમાં કોઈ શંકા નથી કે શેતાન જ એવું ચાહે છે. તેનો એક જ ધ્યેય છે. એ જ કે, આપણે ચિંતા કરીએ, શ્રદ્ધામાં નબળા પડીએ અને હારી જઈએ. તે એમ કરવા આપણા પર સીધેસીધો અથવા છૂપો હુમલો કરે છે. તેથી, કદી ન ભૂલીએ કે આપણે એક યુદ્ધમાં છીએ. આપણે યહોવા પ્રત્યેની વફાદારી માટે લડત આપવાની છે.

૧૫. બીજો કોરીંથી ૪:૧૬, ૧૭ પ્રમાણે તમે શું કરવાનો નિર્ણય કર્યો છે?

૧૫ મક્કમ નિર્ણય કરો કે, તમે નિરાશ થઈને કદી હાર નહિ માનો. હંમેશાં ઇનામ પર ધ્યાન રાખો. પાઊલે કોરીંથનાં ભાઈ-બહેનોને લખ્યું: ‘અમે નાહિંમત થતા નથી. ભલેને, બહારથી અમારો નાશ થતો જાય છે, તોપણ અમારા અંદરનું વ્યક્તિત્વ રોજ રોજ નવું થતું જાય છે. કેમ કે અમારી નજીવી અને ક્ષણિક તકલીફો અમારા માટે ખૂબ વધારે અને હંમેશાં રહેનારો મહિમા ઉત્પન્ન કરે છે.’—૨ કોરીં. ૪:૧૬, ૧૭.

સંકટ માટે હમણાંથી જ તૈયાર થાઓ

યુવાન અને વૃદ્ધ ઈશ્વરભક્તો પોતાની શ્રદ્ધા વિશે હિંમતથી જણાવવા શું કરી શકે? (ફકરો ૧૬ જુઓ)

૧૬. હમણાંથી જ સંકટ માટે તૈયાર થવું કેમ જરૂરી છે?

૧૬ આપણે જોઈ ગયા કે, શેતાન પાસે ‘ચાલાકીઓ’નો ભંડાર છે. (એફે. ૬:૧૧) આપણે દરેકે પહેલો પીતર ૫:૯માં આપેલી સલાહ લાગુ પાડવી જોઈએ. એમાં જણાવ્યું છે: “તમે વિશ્વાસમાં દૃઢ રહીને તેની [શેતાનની] સામા થાઓ.” શેતાનની સામા થવા આપણે હમણાંથી જ પોતાને તૈયાર કરવા જોઈએ. આપણાં મન અને વિચારોને, જે ખરું છે એ જ કરવાની તાલીમ આપવી જોઈએ. ચાલો એને સમજવા સૈનિકોનો દાખલો લઈએ. હજું યુદ્ધ થવાના કોઈ અણસાર પણ ન હોય તોય તેઓને સખત તાલીમ આપવામાં આવે છે. આપણે પણ જાણે યહોવાના સૈનિકો છીએ. આપણે નથી જાણતા કે શેતાન વિરુદ્ધના યુદ્ધમાં આવનાર સમયમાં તે કયો હુમલો કરશે. તેથી, સારું રહેશે કે તેના હુમલા પહેલાં આપણે  સારી તાલીમ લઈને તૈયાર રહીએ! પાઊલે કોરીંથીઓને લખ્યું કે, “તમારામાં વિશ્વાસ છે કે નહિ, એની પરીક્ષા તમે પોતે કરો. તમારી પોતાની પરીક્ષા કરો.”—૨ કોરીં. ૧૩:૫.

૧૭-૧૯. (ક) આપણે પોતાની પરખ કઈ રીતે કરવી જોઈએ? (ખ) પોતાની શ્રદ્ધા વિશે હિંમતથી જણાવવા યુવાનો કઈ રીતે તૈયાર રહી શકે?

૧૭ પાઊલની સલાહને લાગુ પાડવાની એક રીત એ છે કે આપણે પોતાની પરખ કરીએ. એ માટે આવા સવાલો પર વિચાર કરીએ: “શું હું નિયમિત પ્રાર્થના કરું છું? બીજાઓ મારા પર દબાણ કરે ત્યારે, શું હું યહોવાનું કહેવું માનું છું કે પછી માણસોનું? શું હું સભાઓમાં નિયમિત જઉં છું? શું હું મારી શ્રદ્ધા વિશે બીજાઓને હિંમતથી જણાવું છું? ભાઈ-બહેનો જેમ મારી ખામીઓને સહન કરી લે છે તેમ શું હું તેઓની નબળાઈઓ સહન કરી લઉં છું? શું હું મંડળમાં આગેવાની લેનાર અને સંગઠનમાં જવાબદારી ઉપાડનાર ભાઈઓને આધીન રહું છું?”

૧૮ ધ્યાન આપો, એ પ્રશ્નોમાંનો એક પોતાની શ્રદ્ધા હિંમતથી બતાવવા વિશે છે અને બીજો એક પ્રશ્ન દબાણનો સામનો કરવા વિશે છે. આપણા ઘણા યુવાનો શાળાઓમાં દબાણનો સામનો કરે છે. તેઓ પોતાની માન્યતાઓ વિશે ડર્યા વગર જણાવે છે. તેઓ શરમાતા નથી પણ હિંમતથી એના વિશે બોલે છે. તેઓ આપણાં મૅગેઝિનમાં આવતાં સલાહ-સૂચનો લાગુ પાડે છે. દાખલા તરીકે, ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૦૯નું સજાગ બનો! જણાવે છે કે, કોઈ સાથી વિદ્યાર્થી આપણી માન્યતાઓ વિશે પૂછે કે, “તું ઉત્ક્રાંતિમાં કેમ માનતો નથી?” તો એના જવાબમાં કહી શકાય કે, “હું શું કામ એમાં માનું? વૈજ્ઞાનિકો તો એમાં એક્સપર્ટ છે, તોપણ તેઓ એકમત થતા નથી.” શાળામાં એવું દબાણ કઈ રીતે હાથ ધરવું એ વિશે માબાપ પોતાનાં બાળકોને પહેલેથી તૈયાર કરી રાખે.

૧૯ ખરું કે, આપણી માન્યતાઓ વિશે જણાવવું કે પછી યહોવાના કહ્યા પ્રમાણે કરવું હંમેશાં સહેલું હોતું નથી. જેમ કે, આખો દિવસ નોકરી પર મહેનત કર્યા પછી, સભાઓમાં જવું કદાચ અઘરું લાગે. અથવા સાક્ષીકાર્ય માટે સવારે વહેલા ઊઠવામાં બહુ જ આળસ આવે. યાદ રાખો કે જો તમે સભાઓમાં અને સાક્ષીકાર્યમાં નિયમિત હશો તો, ભવિષ્યમાં સંકટનો સામનો કરવા સારી રીતે તૈયાર રહી શકશો.

૨૦, ૨૧. (ક) ઈસુના બલિદાન પર મનન કરવાથી આપણે કઈ રીતે નિરાશાની લાગણીને દૂર કરી શકીએ? (ખ) સંકટો છતાં આપણો દૃઢ નિર્ણય કયો હોવો જોઈએ?

૨૦ આપણે છૂપા હુમલા વિશે પણ સાવધ રહેવાની જરૂર છે. તેથી, નિરાશાની લાગણીમાંથી બહાર આવવા આપણે શું કરવું જોઈએ? સૌથી સારી રીત છે કે ઈસુના બલિદાન પર મનન કરીએ. પ્રેરિત પાઊલે પણ એમ જ કર્યું હતું. ખરું કે, તે અમુક વાર નિરાશ થયા, પણ તેમણે યાદ રાખ્યું કે ઈસુએ પાપી લોકો માટે બલિદાન આપ્યું છે. પાઊલે પોતાને પણ તેઓમાંના એક ગણ્યા. તેમણે લખ્યું કે, ‘મારું જીવન ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી જ છે. તેમણે મારા પર પ્રેમ રાખ્યો અને મારા માટે પોતાનું અર્પણ કર્યું.’ (ગલા. ૨:૨૦) પાઊલે સ્વીકાર્યું કે તેમને પણ ઈસુના બલિદાનની જરૂર હતી. તે માનતા હતા કે ઈસુએ તેમના માટે બલિદાન આપ્યું.

૨૧ આપણે પણ પાઊલ જેવો જ વિચાર કેળવીએ. એમ કરીશું તો આપણે પણ ઈસુના બલિદાનને પોતાના માટે યહોવા તરફથી એક ભેટ માનીશું. જોકે, એનો એવો અર્થ નથી કે આપણને ક્યારેય નિરાશાનો સામનો કરવો નહિ પડે. નવી દુનિયા આવે ત્યાં સુધી આપણામાંથી અમુકને એ છૂપા હુમલાનો સામનો કરવો પડી શકે. પરંતુ, યાદ રાખીએ કે જે અંત સુધી ટકશે તેને જ ઇનામ મળશે. હવે એ દિવસ દૂર નથી જ્યારે ઈશ્વરનું રાજ્ય આ પૃથ્વી પર શાંતિ લાવશે. તેમ જ, તેમના વફાદાર ભક્તોનાં પાપ અને ખામીઓ દૂર કરવામાં આવશે. ચાલો દૃઢ નિર્ણય લઈએ કે ગમે તે સંકટ આવે છતાં આપણે ઈશ્વરના રાજ્યમાં જઈશું.