સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પૂરા સમયના સેવકોની કદર કરીએ

પૂરા સમયના સેવકોની કદર કરીએ

‘તમારાં વિશ્વાસથી કરેલાં કામ, પ્રેમથી કરેલી મહેનત, અમે હંમેશાં યાદ રાખીએ છીએ.’૧ થેસ્સા. ૧:૩.

૧. યહોવાની સેવામાં જેઓ સખત મહેનત કરતા હતા તેઓ વિશે પ્રેરિત પાઊલને કેવું લાગતું?

ખુશખબર જાહેર કરવામાં જેઓ સખત મહેનત કરતા હતા તેઓની પ્રેરિત પાઊલે ખૂબ કદર કરી. તેમણે લખ્યું: ‘આપણા ઈશ્વર અને પિતાની આગળ તમારાં વિશ્વાસથી કરેલાં કામ, પ્રેમથી કરેલી મહેનત અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ધીરજથી રાખેલી દૃઢ આશા, અમે હંમેશાં યાદ રાખીએ છીએ.’ (૧ થેસ્સા. ૧:૩) સાચે જ, યહોવા પણ એવા ભક્તોની કદર કરે છે, જેઓ તેમની ખરા દિલથી ભક્તિ કરે છે. તેઓ ભલે પોતાના સંજોગો મુજબ સેવામાં થોડું અથવા વધારે કરે, યહોવા એને કદી ભૂલતા નથી.—હિબ્રૂ ૬:૧૦.

૨. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

પહેલાંના સમયની જેમ હાલમાં પણ ઘણા ઈશ્વરભક્તો છે, જેઓએ પૂરા સમયની સેવા માટે ઘણા ભોગ આપ્યા છે. ચાલો, પહેલી સદીમાં સેવા આપનારા અમુકનો વિચાર કરીએ. આપણે એ પણ જોઈશું કે આજે પૂરા સમયની સેવા આપવાની અમુક રીતો કઈ છે. તેમ જ, જાણીશું કે એવી સેવા આપતાં વહાલાં ભાઈ-બહેનોને કઈ રીતે કદર બતાવી શકીએ.

પહેલી સદીના સેવકો

૩, ૪. (ક) પહેલી સદીમાં અમુક ઈશ્વરભક્તોએ કઈ સેવાઓ આપી? (ખ) જરૂરિયાતો પૂરી કરવા તેઓને ક્યાંથી મદદ મળી?

બાપ્તિસ્મા લીધા પછી થોડા જ સમયમાં ઈસુએ રાજ્યને જાહેર કરવાનું કામ શરૂ કર્યું. એ સંદેશાને દૂર દૂર સુધી ફેલાવવા તેમણે શિષ્યોને પણ તાલીમ  આપી. (લુક ૩:૨૧-૨૩; ૪:૧૪, ૧૫, ૪૩) ઈસુના મરણ પછી તેઓએ એ કામમાં આગેવાની લીધી અને એને ફેલાવવામાં લાગુ રહ્યા. (પ્રે.કૃ. ૫:૪૨; ૬:૭) અરે, ફિલિપ જેવા અમુક તો સંદેશો ફેલાવવા પોતાનું ઘર છોડીને બીજી જગ્યાએ ગયા. (પ્રે.કૃ. ૮:૫, ૪૦; ૨૧:૮) પાઊલ અને બીજા મિશનરી ભાઈઓએ ઘણાં દેશોમાં જઈને ખુશખબર ફેલાવી. (પ્રે.કૃ. ૧૩:૨-૪; ૧૪:૨૬; ૨ કોરીં. ૧:૧૯) માર્ક અને લુક જેવા અમુક શિષ્યોએ બાઇબલ પુસ્તકો લખવામાં ભાગ લીધો. જ્યારે કે, સીલ્વાનસે અમુક પત્રો લખવામાં સહાયક તરીકે સેવા આપી. (૧ પીત. ૫:૧૨) ઘણી બહેનોએ પણ એવા ભાઈઓને અલગ અલગ રીતે ટેકો આપ્યો. (પ્રે.કૃ. ૧૮:૨૬; રોમ. ૧૬:૧, ૨) ગ્રીક શાસ્ત્રવચનોમાં આપણને એવા ઈશ્વરભક્તોના રોમાંચક અનુભવો વાંચવા મળે છે. એ અનુભવો બતાવે છે કે યહોવા પોતાના ભક્તોના કામની કદર કરે છે અને તેઓની જરૂરિયાતો પૂરી પાડે છે.

પહેલી સદીમાં, પૂરા સમયના સેવકોએ પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવ્યું? કેટલીક વાર તેઓને ભાઈ-બહેનો પાસેથી અમુક મદદ મળતી. જોકે, તેઓએ મદદ માટે કોઈને ફરજ પાડી નહિ. (૧ કોરીં. ૯:૧૧-૧૫) અમુક વ્યક્તિઓએ અને મંડળોએ અલગ અલગ રીતે તેઓને ટેકો આપ્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૪, ૧૫; ફિલિપી ૪:૧૫-૧૮ વાંચો.) પૂરા સમયની સેવા આપતા પાઊલ અને બીજા ભાઈઓ પોતાનો ખરચો ઉઠાવવા થોડોક સમય નોકરી-ધંધો પણ કરતા હતા.

આજે, પૂરા સમયના સેવકો

૫. પૂરા સમયની સેવા વિશે એક યુગલને કેવું લાગે છે?

આજે પણ પૂરા સમયની સેવામાં ઘણાં ભાઈ-બહેનો સખત મહેનત કરે છે. (“પૂરા સમયની જુદી જુદી સેવાઓ” બૉક્સ જુઓ.) કેમ નહિ કે, તેઓને પૂછીએ કે પૂરા સમયની સેવાના નિર્ણય વિશે તેઓને કેવું લાગે છે? તેઓના જવાબથી તમને ચોક્કસ ઘણું ઉત્તેજન મળશે. ચાલો, એક ભાઈનો દાખલો જોઈએ. તેમણે નિયમિત પાયોનિયર, ખાસ પાયોનિયર, મિશનરી અને બીજા દેશમાં બેથેલ સેવા પણ આપી છે. તે જણાવે છે, ‘પૂરા સમયની સેવા કરવી એ મારા જીવનનો સૌથી સારો નિર્ણય હતો. ૧૮ વર્ષનો હતો ત્યારે મારે નક્કી કરવાનું હતું કે હું શું કરું. યુનિવર્સિટીમાં ઉચ્ચ ભણતર લઉં, પૂરા સમયની નોકરી કરું કે પછી પાયોનિયરીંગ કરું. એ નિર્ણય લેવો ઘણો અઘરો હતો. હું અનુભવ કરી શક્યો કે પૂરા સમયની સેવા માટે તમે જે ભોગ આપો છો, એને યહોવા કદી ભૂલતા નથી. યહોવાએ આપેલી ઘણી આવડતોનો હું તેમની સેવામાં સારો ઉપયોગ કરી શક્યો છું. જો હું નોકરી કરતો હોત તો એ આવડતોનો આટલો સારો ઉપયોગ કરી શક્યો ન હોત.’ એ ભાઈના પત્ની જણાવે છે, ‘અમને મળેલી દરેક સોંપણીને લીધે મને ઘણું શીખવા મળ્યું છે. અમે વારંવાર યહોવાનું રક્ષણ અને માર્ગદર્શન અનુભવી શક્યાં. જો અમે વધુ કરવાની ઇચ્છા ન રાખી હોત તો ઈશ્વરનો એવો સાથ કદી અનુભવી શક્યાં ન હોત. હું પૂરા સમયની સેવામાં છું માટે યહોવાનો દરરોજ આભાર માનું છું.’ શું તમને પણ જીવનમાં એવો અનુભવ કરવો છે?

૬. યહોવાને આપણી સેવા વિશે કેવું લાગે છે?

કેટલાક લોકોના સંજોગો એવા નથી કે તે હાલમાં પૂરા સમયની સેવામાં જોડાઈ શકે. છતાં, આપણે ખાતરી રાખી શકીએ કે તેઓથી બનતું જે કંઈ કરે એની યહોવા કદર કરે છે. દાખલા તરીકે, ફિલેમોન ૧-૩માં પાઊલે કોલોસી મંડળનાં બધાં ભાઈ-બહેનોને યાદ મોકલાવી અને કેટલીક વ્યક્તિઓનાં નામનો પણ ઉલ્લેખ કર્યો. (વાંચો.) યહોવાની જેમ પાઊલે પણ તેઓની સખત મહેનતની કદર કરી. એ જ રીતે, તમારાથી બનતું તમે કરો છો ત્યારે યહોવા એની ચોક્કસ કદર કરે છે. છતાં, વિચારી શકાય કે પૂરા સમયના સેવકોને તમે કઈ રીતે વધુ ટેકો આપી શકો.

પાયોનિયરોને સહાય કરીએ

૭, ૮. પાયોનિયરો સેવામાં કેટલા કલાક આપે છે? તેઓને ભાઈ-બહેનો કઈ રીતે સહાય આપી શકે?

પ્રથમ સદીના પ્રચારકોની જેમ આજે પણ ઉત્સાહી પાયોનિયરો મંડળને ઉત્તેજન આપનાર બને છે. તેઓ દર મહિને સાક્ષી કામમાં ૭૦ કલાક આપે છે. તમે તેઓને કઈ રીતે સહાય આપી શકો?

 શારેય નામનાં એક પાયોનિયર બહેન જણાવે છે કે ‘આખો દિવસ સેવાકાર્યમાં હોવાથી પાયોનિયરો ઉત્સાહી લાગે, છતાં તેઓને પણ ઉત્તેજનની જરૂર છે.’ (રોમ. ૧:૧૧, ૧૨) અમુક વર્ષોથી સેવા આપતાં બીજાં એક પાયોનિયર બહેન તેમનાં મંડળનાં પાયોનિયરો વિશે આમ કહે છે: ‘તેઓ કલાકો સુધી ઘણી મહેનત કરે છે. તેઓને જ્યારે પ્રચાર વિસ્તારમાં આવવા-જવા મદદ આપવામાં આવે, જમવા બોલાવવામાં આવે, પેટ્રોલના કે પછી બીજા ખર્ચ માટે પૈસા આપવામાં આવે, ત્યારે તેઓ એની ઘણી કદર કરે છે. એમ કરીને તમે બતાવો છો કે તમને તેઓની ખરેખર ચિંતા છે.’

૯, ૧૦. અમુકે પોતાના મંડળના પાયોનિયરોને સહાય આપવા શું કર્યું છે?

પાયોનિયરોને સહાય આપવાની બીજી એક રીત છે કે તેઓની સાથે પ્રચારમાં જઈએ. બોબી નામનાં પાયોનિયર બહેન જણાવે છે, ‘અમને સોમથી શુક્રના દિવસોમાં સાક્ષીકાર્ય માટે સંગાથની ખાસ જરૂર પડે છે.’ એ જ મંડળનાં બીજાં એક પાયોનિયર બહેન કહે છે કે, ‘બપોરે સાક્ષીકાર્યમાં જવા સંગાથ મળવો મુશ્કેલ બને છે.’ હાલમાં એક બહેન બ્રુકલિન બેથેલમાં સેવા આપે છે. તે પોતાની પાયોનિયર સેવા વિશે ખુશીથી આમ કહે છે: ‘મારા મંડળના એક બહેન જેમની પાસે કાર હતી, તેમણે મને કહી રાખ્યું હતું કે “તમને જ્યારે પણ સાક્ષી કામમાં જવા સાથની જરૂર પડે, મને ફોન કરી દેજો, હું તમારી સાથે આવીશ.” એ બહેનની સહાયને લીધે હું પાયોનિયરીંગ ચાલુ રાખી શકી.’ શારેય કહે છે: ‘કુંવારા પાયોનિયરોને સાક્ષી કામ પત્યાં પછી ઘણી વાર એકલું-એકલું લાગે. તેથી, તમે સમયે સમયે તેઓને કુટુંબ તરીકેની ભક્તિમાં જોડાવવા આમંત્રણ આપી શકો અથવા બીજી પ્રવૃત્તિઓમાં સામેલ કરી શકો. એમ કરવાથી તેઓને ઉત્સાહ જાળવવા મદદ મળે છે.’

૧૦ એક બહેન આશરે ૫૦ વર્ષોથી પૂરા સમયની સેવા આપે છે. તે પોતાને અને બીજી કુંવારી પાયોનિયર બહેનોને મળેલી સહાય વિશે યાદ કરતા જણાવે છે: ‘અમારા વડીલો દર બે મહિને પાયોનિયરોની મુલાકાત લેતા. તેઓ આવીને અમારી ખબર-અંતર લેતા. ઉપરાંત, અમારી મુશ્કેલીઓ અને ચિંતાઓ વિશે પૂછતા. તેઓને ખરેખર અમારી કાળજી હતી. તેઓ અમારા ઘરે ખાસ એ માટે આવતા જેથી જોઈ શકે કે અમને કઈ મદદની જરૂર છે.’ એવા વડીલો અને બીજાં ભાઈ-બહેનો ઓનેસિફરસના દાખલાને અનુસરે છે. તેમણે પોતાના કુટુંબની સંભાળ રાખવાની સાથે સાથે પાઊલને પણ જરૂરી સહાય આપી.—૨ તીમો. ૧:૧૮.

૧૧. ખાસ પાયોનિયરોની સેવામાં શું સામેલ છે?

 ૧૧ પૂરા સમયની સેવા આપવાની બીજી એક રીત છે, ખાસ પાયોનિયર સેવા. ખાસ પાયોનિયરો મંડળ માટે એક આશીર્વાદ છે. એ ભાઈ-બહેનો સેવાકાર્યમાં દર મહિને ૧૩૦ કલાક આપે છે. મોટા ભાગનો સમય સેવામાં આપવાને લીધે તેઓ પાસે નોકરી-ધંધા માટે ખાસ કોઈ સમય બચતો નથી. તેથી, શાખા કચેરી તેઓને દર મહિને અમુક રકમ આપે છે. એના લીધે તેઓ સાક્ષીકાર્યમાં પૂરું ધ્યાન આપી શકે છે.

૧૨. વડીલો અને બીજાઓ કઈ રીતે ખાસ પાયોનિયરોને સહાય કરી શકે?

૧૨ આપણે ખાસ પાયોનિયરોને કઈ રીતે સહાય આપી શકીએ? શાખા કચેરીમાં સેવા આપતા એક વડીલ એવા ઘણા પાયોનિયરો સાથે સંપર્કમાં છે. તે જણાવે છે: ‘વડીલોએ તેઓ સાથે વાત કરવી જોઈએ, તેઓના સંજોગો જાણવા જોઈએ. એ પછી, વડીલો જાણી શકશે કે તેઓને કઈ સહાયની જરૂર છે. ખાસ પાયોનિયરોને શાખા તરફથી સહાય મળતી હોવાથી અમુક સાક્ષીઓને લાગે કે, તેઓને બીજી કોઈ મદદની જરૂર નથી. પરંતુ, એમ નથી. મંડળનાં ભાઈ-બહેનો બીજી ઘણી રીતે મદદ આપી શકે છે.’ નિયમિત પાયોનિયરોની જેમ ખાસ પાયોનિયરોને પણ સંગાથ મળે ત્યારે તેઓ એની ઘણી કદર કરે છે. શું તમે તેઓને એ રીતે સહાય કરી શકો?

પ્રવાસી નિરીક્ષકોને મદદ કરીએ

૧૩, ૧૪. (ક) સરકીટ નિરીક્ષક વિશે આપણે શું યાદ રાખવું જોઈએ? (ખ) પ્રવાસી નિરીક્ષકને મદદ કરવા તમે શું કરી શકો?

૧૩ આપણી નજરે સરકીટ નિરીક્ષક અને તેમના પત્ની ઘણાં અનુભવી, શ્રદ્ધામાં અડગ અને બીજાઓને ઉત્તેજન આપનારાં હોય છે. એ સાચું છે, છતાં, તેઓને પણ ઉત્તેજનની જરૂર પડે છે. તેઓને પ્રચારકાર્યમાં સાથ આપવો જોઈએ. તેમ જ, અમુક વાર તેઓ સાથે રમત-ગમત કે હળવાશની પળો વિતાવવી પણ જરૂરી છે. તેઓમાંથી કોઈ બીમાર પડે કે દવાખાનામાં દાખલ હોય ત્યારે મુલાકાત લઈને અને જરૂરિયાતો પૂરી પાડીને મદદ કરી શકીએ. પ્રથમ સદીના લુક જેમને પાઊલ “વહાલો વૈદ” કહે છે, તેમનો વિચાર કરો. તેમણે ચોક્કસ પાઊલ અને બીજા પ્રવાસી સાથીઓની ઘણી કાળજી રાખી હશે.—કોલો. ૪:૧૪; પ્રે.કૃ. ૨૦:૫–૨૧:૧૮.

૧૪ પ્રવાસી નિરીક્ષક અને તેમના પત્નીને વહાલા મિત્રોના પ્રેમ અને ઉત્તેજનની જરૂર પડે છે. એક સરકીટ નિરીક્ષકે લખ્યું કે ‘મારા મિત્રો જાણે છે કે મને ક્યારે ઉત્તેજનની જરૂર છે. તેઓ મને સમજી-વિચારીને એવા સવાલો પૂછે છે જેથી હું મારી ચિંતાઓ વિશે વાત કરી શકું. તેઓ મારું ધ્યાનથી સાંભળે છે, એનાથી પણ મને ઘણી મદદ મળે છે.’ ભાઈ-બહેનોએ બતાવેલી સાચી મિત્રતાની સરકીટ નિરીક્ષકો અને તેમના પત્ની ઘણી કદર કરે છે.

બેથેલનાં ભાઈ-બહેનોને ટેકો આપીએ

૧૫, ૧૬. બેથેલમાં ભાઈ-બહેનો કઈ સેવા આપે છે? તમે કઈ રીતે તેઓને ટેકો આપી શકો?

૧૫ દુનિયા ફરતે બેથેલમાં કામ કરતા ભાઈ-બહેનો રાજ્યના કામમાં ખાસ રીતે સેવા આપે છે. જેમ કે, તેઓ સાહિત્ય પૂરું પાડવામાં ભાગ લે છે. જો તમારી મંડળમાં કે સરકીટમાં એવી સેવા આપતાં ભાઈ-બહેનો હોય, તો તમે કઈ રીતે તેઓને ટેકો આપી શકો?

૧૬ કોઈ ભાઈ કે બહેન બેથેલમાં નવા હોય ત્યારે તેમને ઘરની યાદ સતાવી શકે. તેમને પોતાનાં વહાલાં કુટુંબ અને મિત્રોથી દૂર થવું પડે છે. એ માટે, બેથેલનાં અને તેમના નવા મંડળનાં ભાઈ-બહેનો જો તેમને મિત્ર બનાવે, તો તેમને ઘણી ખુશી મળે છે. (માર્ક ૧૦:૨૯, ૩૦) સામાન્ય રીતે, તેઓ સભાઓમાં અને સાક્ષીકાર્યમાં નિયમિત જઈ શકે છે. પરંતુ, અમુક વાર તેઓને વધારાની જવાબદારીઓ મળે છે. એવાં ભાઈ-બહેનોના સંજોગો મંડળ સમજે છે અને તેઓને ટેકો આપે છે ત્યારે બધાંને ફાયદો થાય છે.—૧ થેસ્સાલોનીકી ૨:૯ વાંચો.

બીજા દેશથી આવેલા સેવકોને સમજીએ

૧૭, ૧૮. કઈ કઈ સેવા બીજા દેશમાં જઈને આપી શકાય?

૧૭ અમુક ભાઈ-બહેનો બીજા દેશમાં જઈને પૂરા સમયની સેવા આપે છે. ત્યાં તેઓને જુદો ખોરાક, નવી ભાષા, નવી જીવન ઢબ અને અલગ રીતિ-રિવાજો જેવા પડકારોનો સામનો કરવો પડી શકે. સેવા આપી શકે માટે તેઓ એવા પડકારો ઝીલવા તૈયાર થાય છે.

 ૧૮ અમુક ભાઈ-બહેનો મિશનરી સેવા આપે છે. તેઓ મોટા ભાગનો સમય ખુશખબર જાહેર કરવામાં વિતાવે છે. તેઓને મળેલી ખાસ તાલીમથી મંડળને ઘણો ફાયદો થાય છે. શાખા કચેરી તેઓને રહેવા માટે સાદી જગ્યા અને જરૂરી ખર્ચા માટે મદદ પૂરી પાડે છે. અમુકને બીજા દેશની શાખા કચેરીમાં પણ સેવા આપવાની તક મળે છે. બીજા કેટલાકને, જુદા-જુદા દેશોમાં જઈને શાખા કચેરી, ભાષાંતર કેન્દ્ર, સંમેલનગૃહ કે રાજ્યગૃહના બાંધકામમાં ભાગ લેવાનો લહાવો મળે છે. સંગઠન તેઓ માટે ખોરાક અને રહેવાની ગોઠવણ કરે છે. બેથેલ સભ્યોની જેમ જ, બાંધકામ કરતા ભાઈ-બહેનો પણ નિયમિત રીતે સભાઓ અને સાક્ષીકાર્ય માટે જાય છે. એ બધાં ભાઈ-બહેનોના અનુભવમાંથી મંડળમાં બીજાઓને ઘણું શીખવા મળે છે.

૧૯. પૂરા સમયની સેવા માટે તમારા દેશમાં આવેલાં ભાઈ-બહેનો વિશે શું યાદ રાખવું જોઈએ?

૧૯ પૂરા સમયની સેવા માટે તમારા દેશમાં આવેલાં ભાઈ-બહેનોને તમે કઈ રીતે મદદ કરી શકો? યાદ રાખો કે તમારા વિસ્તારનું ખાવાનું તેઓને સાવ અલગ લાગી શકે. તમે તેઓને જમવા બોલાવો ત્યારે એ વાત ધ્યાનમાં રાખો. તમે પૂછી શકો કે તેમને શું ખાવું ગમશે અથવા શું તેમને નવી વાનગી ચાખવી છે. તેઓ તમારી ભાષા અને રીતિ-રિવાજો તરત નહિ શીખી શકે, માટે તમારે ધીરજ રાખવી જોઈએ. તમે જે કહો છો એ પૂરી રીતે સમજતા તેઓને વાર લાગી શકે. એ દરમિયાન, તમે તેઓને શબ્દોના ઉચ્ચાર સુધારવા પ્રેમથી મદદ કરી શકો. તેઓ શીખવા આતુર છે!

૨૦. પૂરા સમયના સેવકોને અને તેઓનાં માબાપને કઈ રીતે મદદ કરી શકાય?

૨૦ પૂરા સમયની સેવામાં ભાઈ-બહેનો વધારે સમય વિતાવે તેમ તેઓએ અમુક મહત્ત્વના નિર્ણયો લેવા પડે છે. જેમ કે, તેઓનાં ઘરડાં થતાં માબાપની સંભાળ કઈ રીતે રાખવી. માતા-પિતા જો સત્યમાં હોય તો તેઓ ઇચ્છશે, કે બાળકો પૂરા સમયની સેવામાં લાગુ રહે. (૩ યોહા. ૪) ખરું કે, પૂરા સમયના સેવકો પોતાનાં માતા-પિતાની સંભાળ રાખવા બનતું બધું જ કરશે. શક્ય હોય એટલી વાર તેઓ માબાપ પાસે આવીને મદદ કરશે. છતાં, માબાપ જે મંડળનાં છે, ત્યાંનાં ભાઈ-બહેનો પૂરા સમયના સેવકોને મદદ કરી શકે છે. કઈ રીતે? તેઓ એ વૃદ્ધ માબાપને જરૂરી મદદ આપી શકે. હંમેશાં યાદ રાખો કે પૂરા સમયના સેવકો રાજ્યના કામને ટેકો આપવા સખત મહેનત કરે છે. એ કામ દુનિયામાં સૌથી મહત્ત્વનું છે. (માથ. ૨૮:૧૯, ૨૦) તેથી, કેટલું સારું થશે કે આપણે પૂરા સમયના સેવકોનાં માબાપની સંભાળ લઈને મદદ આપીએ!

૨૧. બીજાઓ તરફથી મળતાં ઉત્તેજન અને મદદ માટે પૂરા સમયના સેવકોને કેવું લાગે છે?

૨૧ ભાઈ-બહેનો, યહોવાની અને બીજાઓની સેવા કરવાની ભાવનાને કારણે પૂરા સમયની સેવા કરે છે. તેથી, આપણે તેઓને જે કંઈ મદદ કરીએ છીએ એનો તેઓ દિલથી આભાર માને છે. પૂરા સમયની સેવા આપતાં એક બહેન હવે બીજા દેશમાં જઈને સેવા આપી રહ્યાં છે. તે જણાવે છે કે ‘કદરના બે શબ્દો પણ બતાવે છે કે બીજાઓ તમારો વિચાર કરે છે. તમે જે કરી રહ્યા છો એ માટે તેઓ ખુશ છે.’

૨૨. પૂરા સમયની સેવા વિશે તમને કેવું લાગે છે?

૨૨ યહોવાની પૂરા સમયની સેવા, એ જીવનનો સૌથી સારો અને આશીર્વાદ લાવનારો માર્ગ છે. પૂરા સમયના સેવકો જે ગુણો કેળવે છે અને અનુભવ મેળવે છે એ તેઓને હાલમાં મદદ કરવાની સાથે સાથે, આવનાર નવી દુનિયા માટે પણ તૈયાર કરે છે. જલદી જ, યહોવાનો દરેક સેવક એવાં કામ કરશે જેનાથી તેને ખરો સંતોષ મળશે. તેથી ચાલો આપણે, પૂરા સમયના સેવકોના ‘વિશ્વાસથી કરેલાં કામ’ અને ‘પ્રેમથી કરેલી મહેનતની’ હંમેશાં કદર કરતા રહીએ.—૧ થેસ્સા. ૧:૩.