શું તમે ‘અધ્યક્ષ બનવાની ઇચ્છા’ રાખો છો?
ભાઈ ફરનેન્ડો * ચિંતામાં છે કે, શું તેમને ક્યારેય વડીલ બનાવવામાં આવશે. કારણ કે પાછલા કેટલાક સમયથી પ્રવાસી નિરીક્ષકની મુલાકાતો પછી, વડીલો ફરનેન્ડોને મળ્યા હતા. તેઓએ ફરનેન્ડોને જણાવ્યું હતું કે મંડળમાં વધુ લહાવાને યોગ્ય બનવા તે શું કરી શકે. હાલમાં જ પ્રવાસી નિરીક્ષકે મંડળની ફરી મુલાકાત લીધી છે. ફરી એક વાર મંડળના બે વડીલોએ ફરનેન્ડોને જણાવ્યું છે કે તેઓ એકલામાં તેમની સાથે વાત કરવા માંગે છે. તેથી, તે વિચારમાં પડી ગયા છે કે આ વખતે તેઓ શું કહેશે?
વડીલો ફરનેન્ડોને મળે છે. ભાઈ તેઓનું ધ્યાનથી સાંભળી રહ્યા છે. એક વડીલે જણાવ્યું કે વડીલોના જૂથને પત્ર મળ્યો છે. પછી, પહેલો તીમોથી ૩:૧નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ‘તમારી વડીલ તરીકે નિમણૂક થઈ છે.’ ભાઈએ ખૂબ આશ્ચર્ય સાથે વડીલોને પૂછ્યું: ‘શું કહ્યું?’ વડીલે એ શબ્દો ફરીથી કહ્યા અને ભાઈના ચહેરા પર સ્મિત આવી ગયું. એ પછી, મંડળમાં જાહેરાત થઈ કે ફરનેન્ડો વડીલ તરીકે નિમાયા છે. એ સાંભળીને બધાં ભાઈ-બહેનોને પણ ખુશી થઈ.
શું મંડળમાં લહાવાઓ મેળવવાની ઇચ્છા રાખવી ખોટી છે? જરાય નહિ! પહેલો તીમોથી ૩:૧ જણાવે છે કે, “જો કોઈ માણસ અધ્યક્ષપદની ઇચ્છા રાખે છે, તો તે ઉમદા કામની ઇચ્છા રાખે છે.” એ કલમમાંથી ઉત્તેજન મેળવીને ઘણા ભાઈઓએ સારી લાયકાતો કેળવી છે, જેથી મંડળમાં લહાવાઓ મળે. પરિણામે, યહોવાના લોકો મધ્યે આજે લાખો વડીલો અને સેવકાઈ ચાકરો છે. એ સાચે જ એક આશીર્વાદ છે! જોકે, મંડળોમાં ઘણો વધારો થઈ રહ્યો છે. તેથી, વધુ ભાઈઓએ વધારે જવાબદારી ઉપાડવા મહેનત કરવાની જરૂર છે. એ માટે તેઓએ શું કરવું જોઈએ? શું અધ્યક્ષ બનવાની ઇચ્છા રાખતા ભાઈઓએ ફરનેન્ડોની જેમ ચિંતા કરવી જોઈએ?
‘અધ્યક્ષ બનવાની ઇચ્છા’માં શાનો સમાવેશ થાય?
બાઇબલમાં, “ઇચ્છા રાખે છે” માટે જે મૂળ ગ્રીક શબ્દ છે, એનો અર્થ આમ પણ થઈ શકે: “તીવ્ર ઇચ્છા હોવી” અને કશાક તરફ “પહોંચવા લંબાવવું.” જેમ કે, કોઈ વ્યક્તિ ઝાડ પરના ફળ સુધી પહોંચવા પોતાનો હાથ બને એટલો લંબાવે છે. જોકે, અધ્યક્ષ બનવાની તીવ્ર ઇચ્છા કોઈ પદવીની લાલચ અથવા સ્વાર્થ માટે ન હોવી જોઈએ. કારણ કે, જેઓ વડીલ બનવા ચાહે છે તેઓનો ધ્યેય ‘ઉમદા કામ’ કરવાનો હોવો જોઈએ, કોઈ પદવી મેળવવાનો નહિ.
ઉમદા કામની ઇચ્છા રાખતા ભાઈઓ માટે પહેલો તીમોથી ૩:૨-૭ અને તીતસ ૧:૫-૯માં મોટા ભાગની લાયકાતો જણાવવામાં આવી છે. ભાઈ રેમન્ડ ઘણાં વર્ષોથી વડીલ તરીકે સેવા આપે છે. તે બાઇબલમાં આપેલાં ઉચ્ચ ધોરણો વિશે આમ જણાવે છે: ‘મારા માટે સૌથી મહત્ત્વનું એ છે કે વ્યક્તિનું મન કેવું છે. ખરું કે, સારા વક્તા હોવું કે પછી શીખવવાની સારી આવડત હોવી મહત્ત્વની છે. પરંતુ, એનો અર્થ એમ નથી કે, આપણે નિર્દોષ, સંયમી, સમજદાર, વ્યવસ્થિત, પરોણાગત કરનાર કે વાજબી ન હોઈએ તો ચાલી જશે.’
અધ્યક્ષ બનવા ચાહતા હોય એ ભાઈનો કોઈ દોષ ન કાઢી શકે માટે તેમણે દરેક રીતે પ્રમાણિક અને શુદ્ધ રહેવું જોઈએ. ઉપરાંત, તે સંયમી, સમજદાર, વ્યવસ્થિત અને વાજબી હોવા જોઈએ. એમ હશે તો, ભાઈ-બહેનો ભરોસો કરી શકશે કે તે સારી આગેવાની લઈ શકે છે અને મુશ્કેલીઓમાં તેઓને મદદ આપી શકે છે. અધ્યક્ષ બનવા ચાહતા ભાઈ પરોણાગત કરનાર હોવાથી મળતાવડા, ઉદાર અને આવકાર આપનાર હોય છે. એના લીધે, સત્યમાં નવા હોય તેઓ અને બાળકો સહેલાઈથી એ ભાઈ પાસે જઈ શકશે અને ઉત્તેજન મેળવી શકશે. એ ભાઈ ભલાઈને ચાહતા હોવાથી બીમાર કે વૃદ્ધ લોકો માટે પણ દિલાસો અને મદદ આપનાર બનશે. તે એવા ગુણો, લહાવાઓ મેળવવાની ઇચ્છાને લીધે નહિ, પણ બીજાઓને મદદ કરવા માટે કેળવશે. *
વડીલોનું જૂથ ખુશી-ખુશી સારી સલાહ અને ઉત્તેજન આપે છે. જોકે, મંડળમાં લહાવાને યોગ્ય બનવાની જવાબદારી એ વ્યક્તિની છે. ભાઈ હેનરી એક અનુભવી નિરીક્ષક છે. તે જણાવે છે, ‘તમે વધુ લહાવાઓ માટે મહેનત કરીને પુરવાર કરો કે તમે એને યોગ્ય છો.’ સભાશિક્ષક ૯:૧૦નો ઉલ્લેખ કરતા તે ભાઈ આગળ જણાવે છે, ‘“જે કંઈ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર.” વડીલો તરફથી જે કંઈ સોંપણી મળે એને સારી રીતે કરવા બનતું બધું કરીએ. મંડળમાં જે પણ કામ આપવામાં આવે એને દિલથી કરીએ. પછી ભલેને એ સાફ-સફાઈનું કામ કેમ ન હોય! સમય જતાં, તમારાં કામ અને મહેનત રંગ લાવશે.’ તમે વડીલ તરીકે સેવા આપવા ઇચ્છતા હો તો, યહોવાની ભક્તિના દરેક પાસામાં મહેનતુ અને ભરોસાપાત્ર બનો. તમારા જીવનમાં પદવી મેળવવાની ભૂખ નહિ, પણ નમ્રતા દેખાઈ આવવી જોઈએ.—માથ. ૨૩:૮-૧૨.
ખોટાં વલણને અને અયોગ્ય વિચારોને ટાળો
મંડળમાં લહાવા મેળવવા ઇચ્છતી વ્યક્તિ કદાચ એવું બતાવવાનો પ્રયત્ન કરે કે તે વડીલ બનવાને લાયક છે. વડીલોના જૂથને પ્રભાવિત કરવાનો પણ તે કદાચ પ્રયત્ન કરે. બીજા અમુક કદાચ વડીલો તરફથી મળતી સલાહ નમ્રતાથી સ્વીકારી શકતા નથી. તેઓએ આ પ્રશ્ન પર વિચાર કરવો જોઈએ: “મારા માટે શું મહત્ત્વનું છે, પોતાની ઇચ્છા કે પછી યહોવાનાં ઘેટાંની નમ્રતાથી કાળજી લેવી?”
વડીલ બનવાની બીજી એક લાયકાત છે કે “ટોળાને આદર્શરૂપ” થવું. એ લાયકાત પર ધ્યાન આપવું પણ જરૂરી છે. (૧ પીત. ૫:૧-૩) મંડળમાં જે વ્યક્તિ સારો દાખલો બેસાડવા માંગે છે તે કોઈ પણ પ્રકારની ચાલાકીઓ અને ઢોંગી વલણને ટાળશે. ઉપરાંત, તેની નિમણૂક થઈ હોય કે ન હોય, તે ધીરજ અને સંયમ જેવા ગુણો કેળવશે. વડીલ બની જવાથી કોઈ ભાઈ રાતોરાત ખામી વગરના બની જતા નથી. (ગણ. ૧૨:૩; ગીત. ૧૦૬:૩૨, ૩૩) એવું પણ બને કે, એ ભાઈ “પોતાને કોઈ પણ વાતમાં દોષિત” ગણતા ન હોય. જ્યારે કે, મંડળમાં તેમના વિશે બીજાઓનો મત કદાચ જુદો હોય શકે. (૧ કોરીં. ૪:૪) મંડળના વડીલો તમને બાઇબલ આધારે યોગ્ય સલાહ આપે ત્યારે ચિડાઈ જવાને બદલે તેઓનું ધ્યાનથી સાંભળવું જોઈએ. ત્યાર બાદ એ સલાહ લાગુ પાડવા મહેનત કરવી જોઈએ.
લાંબો સમય રાહ જોવી પડે ત્યારે શું કરવું?
કેટલાક ભાઈઓને લાગે કે ઘણી રાહ જોયા પછી તેમની નિમણૂક થઈ. તમે પણ કદાચ કેટલાક વર્ષોથી “અધ્યક્ષપદની ઇચ્છા” રાખી છે અને હજુ રાહ જોઈ રહ્યા છો. તેથી, શું તમને ચિંતા થાય છે? જો એમ હોય તો બાઇબલના આ શબ્દો યાદ રાખો: ‘આશાનું ફળ મળવામાં વિલંબ થાય તો હૃદય દુઃખી થાય છે. પણ, ઇચ્છાનું ફળ મળે છે ત્યારે તે જીવનવૃક્ષ છે.’—નીતિ. ૧૩:૧૨.
દિલથી ઇચ્છા રાખી હોય એવા ધ્યેય સુધી ન પહોંચી શકાય તો વ્યક્તિને ઘણું દુઃખ થઈ શકે. એક સમયે ઈબ્રાહીમે પણ એવી લાગણી અનુભવી હતી. યહોવાએ તેમને સંતાનનું વચન આપ્યું હતું. એ વચન આપ્યાને વર્ષો વીતી ગયાં છતાં, ઈબ્રાહીમ અને સારાહને કોઈ બાળક થયું નહિ. (ઉત. ૧૨:૧-૩, ૭) તેથી વૃદ્ધ ઈબ્રાહીમ આમ બોલી ઊઠ્યા: ‘હે પ્રભુ યહોવા, તમે મને શું આપશો? કેમ કે હું નિઃસંતાન ચાલ્યો જાઉં છું, જો, તમે મને કોઈ સંતાન આપ્યું નથી.’ યહોવાએ ખાતરી આપી કે પોતે આપેલું વચન ચોક્કસ સાચું પડશે. યહોવાએ આપેલી એ ખાતરી પછી પણ ઈબ્રાહીમને આશરે ૧૪ વર્ષ સુધી રાહ જોવી પડી હતી.—ઉત. ૧૫:૨-૪; ૧૬:૧૬; ૨૧:૫.
એમ થયું તોપણ શું ઈબ્રાહીમે યહોવાની સેવા કરવાનો આનંદ ગુમાવી દીધો? ના. તેમણે યહોવાના વચન પર ક્યારેય શંકા કરી નહિ. એના બદલે, તે એ વચનથી આવનાર આશીર્વાદોની રાહ જોતા રહ્યા. પ્રેષિત પાઊલે ઈબ્રાહીમ વિશે આમ લખ્યું: ‘ધીરજ રાખ્યા પછી તેમને વચનનું ફળ મળ્યું.’ (હિબ્રૂ ૬:૧૫) પરિણામે, યહોવાએ ઈબ્રાહીમને તેમના ધાર્યા કરતાં ઘણા વધારે આશીર્વાદો આપ્યા. ઈબ્રાહીમ પાસેથી આપણે શું શીખી શકીએ?
શું તમે પણ વડીલ તરીકે સેવા આપવા ઘણાં વર્ષોથી રાહ જોઈ રહ્યા છો? એમ હોય તો, યહોવા પરથી ભરોસો ગુમાવશો નહિ. યહોવાની ભક્તિ કરવાનો તમારો આનંદ જાળવી રાખો. ભાઈ વૉરેને બીજા ઘણા ભાઈઓને મંડળમાં પ્રગતિ કરવા મદદ કરી છે. તે યહોવા પર ભરોસો રાખવાનું કારણ જણાવતાં આમ કહે છે: ‘વડીલ બનવા માટે જરૂરી ગુણો વિકસાવવામાં સમય લાગે છે. વડીલ બનવા ઇચ્છતી વ્યક્તિની લાયકાતો અને સ્વભાવ, તેનાં વલણ અને કાર્યો પરથી પારખી શકાય છે. કેટલીક વ્યક્તિ એવું વિચારે છે કે તેને કોઈ લહાવો મળે કે નિમણૂક થાય તો જ સફળ કહેવાય. એમ વિચારવું ખોટું તો છે જ, સાથે સાથે પદવી પાછળ આંધળા કરનારું પણ છે. જો તમે યહોવાને વફાદાર છો, તો ગમે ત્યાં રહો અને ગમે તે કામ કરો, તમે સફળ જ છો.’
વડીલ બન્યા અગાઉ એક ભાઈને ૧૦ વર્ષથી વધુ રાહ જોવી પડી. તેમને હઝકીએલના પહેલા અધ્યાયમાં આપેલા અહેવાલમાંથી ઘણું શીખવા મળ્યું. એના વિશે જણાવતા તે કહે છે, ‘યહોવા પોતાના સંગઠનરૂપી રથને ઇચ્છા અનુસાર ગતિ આપે છે. એના લીધે, આપણો સમય નહિ પણ તેમનો સમય મહત્ત્વનો છે. વડીલ તરીકે સેવા આપવાની બાબતે પણ મને શું જોઈએ છે અથવા હું શું ચાહું છું એ મહત્ત્વનું નથી. કારણ, હું જે ઇચ્છું, એ કદાચ યહોવાની નજરે મારી જરૂરિયાત ન પણ હોય!’
તમે નિરીક્ષકના ઉમદા કામની ઇચ્છા રાખતા હો તો મંડળની ખુશીમાં વધારો કરવામાં ફાળો આપો. જો તમને લાગતું હોય કે ઘણી રાહ જોવી પડી રહી છે, તો ધીરજ રાખો અને ચિંતા ન કરો. આપણે જેમના વિશે જોઈ ગયા એ ભાઈ રેમન્ડ કહે છે, ‘કંઈક મેળવવા પાછળ આંધળી દોટ મૂકવાથી વ્યક્તિનો સંતોષ છીનવાઈ જાય છે. જેઓ હંમેશાં કંઈક મેળવવા આતુર હોય છે તેઓ યહોવાની સેવામાં મળતો મોટો આનંદ ખોઈ બેસે છે.’ યહોવાની પવિત્ર શક્તિના ગુણો પૂરી રીતે વિકસાવીએ, ખાસ કરીને ધીરજનો ગુણ. તમારી શ્રદ્ધા મજબૂત કરવા બાઇબલનો સારો અભ્યાસ કરતા રહો. સાક્ષી કાર્યમાં અને રસ ધરાવતા લોકોનો બાઇબલ અભ્યાસ ચલાવવામાં બનતું બધું કરો. તમારા કુટુંબને યહોવાની સેવામાં પ્રગતિ કરવા મદદ કરો અને કુટુંબ તરીકે ભક્તિ કરવામાં આગેવાની લો. ભાઈ-બહેનોની સંગત માણવાની દરેક તક ઝડપી લો. એમ કરતા રહેશો તો તમારા ધ્યેય સુધી પહોંચો એ દરમિયાન પણ ખુશ રહી શકશો.
મંડળમાં લહાવો મળવો એ યહોવા તરફથી એક આશીર્વાદ છે. એ મેળવવા કોઈ ભાઈ નિરાશ અથવા દુઃખી થાય એવું યહોવા કે તેમનું સંગઠન ક્યારેય ઇચ્છતું નથી. જે કોઈ ખરા દિલથી સેવા કરે છે તેને યહોવા સાથ અને આશીર્વાદ આપે છે. સાચે જ, તેમના તરફથી મળતા આશીર્વાદોમાં તે ‘કોઈ દુઃખ ઉમેરતા નથી.’—નીતિ. ૧૦:૨૨.
કદાચ તમે ઘણા સમયથી લહાવા માટે મહેનત કરી રહ્યા છો. તોપણ યહોવા સાથેના તમારા સંબંધને મજબૂત કરવા હજું ઘણું કરી શકો છો. તમે લહાવાને યોગ્ય બનવા લાયકાતો કેળવતા રહો. ઉપરાંત, મંડળને સહાય આપવા મહેનત કરતા રહો, પણ કુટુંબની જવાબદારીના ભોગે નહિ. યાદ રાખો કે, યહોવા તમારા એ પ્રયત્નોને કદી ભૂલશે નહિ. ભલે તમને ગમે તે સોંપણી મળે યહોવાની સેવા આનંદથી કરતા રહો.
^ ફકરો. 2 આ લેખમાં નામ બદલ્યાં છે.
^ ફકરો. 8 સેવકાઈ ચાકર બનવા ઇચ્છતા ભાઈઓને પણ આ લેખમાં જણાવેલા સિદ્ધાંતો લાગુ પડે છે. તેઓ માટેની લાયકાતો પહેલો તીમોથી ૩:૮-૧૦, ૧૨, ૧૩માં જણાવવામાં આવી છે.