સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમને ખાતરી છે કે તમારી પાસે સત્ય છે?

શું તમને ખાતરી છે કે તમારી પાસે સત્ય છે?

‘ઈશ્વરની સારી અને માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, એ તમે પારખી લો.’રોમ. ૧૨:૨.

૧. કૅથલિક અને પ્રોટેસ્ટંટ ધર્મના આગેવાનોએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શું કર્યું હતું?

શું ઈશ્વર એવું ઇચ્છી શકે કે ખ્રિસ્તીઓ યુદ્ધમાં ભાગ લે અને બીજા દેશના લોકોને મારી નાખે? છેલ્લાં ૧૦૦ વર્ષો દરમિયાન પોતાને ખ્રિસ્તી કહેવડાવતા ઘણા લોકોએ યુદ્ધમાં ભાગ લીધો છે. યુદ્ધો દરમિયાન એક દેશના કૅથલિકો બીજા દેશના કૅથલિકોની વિરુદ્ધ લડ્યા. પ્રોટેસ્ટંટ લોકો પણ એ જ માર્ગે ચાલ્યા છે. અરે, તેઓના ધાર્મિક આગેવાનોએ સૈનિકો અને હથિયારો પર પ્રાર્થના કરીને ઈશ્વરનો આશીર્વાદ પણ માંગ્યો! પોતાને ખ્રિસ્તી કહેવડાવતા લોકોએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એકબીજા પર વારંવાર ક્રૂરતા ગુજારી.

૨, ૩. યહોવાના સાક્ષીઓએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને એ પછીના સમયમાં શું કર્યું? શા માટે?

શું યહોવાના સાક્ષીઓએ એ યુદ્ધમાં ભાગ લીધો? ઇતિહાસ બતાવે છે કે તેઓએ કોઈ પણ રીતે એ યુદ્ધમાં ભાગ લીધો નહિ. કારણ કે, તેઓ ઈસુના શિક્ષણ અને તેમના દાખલા પ્રમાણે કરવા માંગતા હતા. ઈસુએ કહ્યું હતું કે, “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહા. ૧૩:૩૫) તેમ જ, પાઊલે કોરીંથીને લખેલા પત્રોમાં જે સિદ્ધાંતો આપ્યા છે, એને પણ સાક્ષીઓ સારી  રીતે સમજ્યા હતા અને લાગુ પાડ્યા હતા.—૨ કોરીંથી ૧૦:૩, ૪ વાંચો.

સાચા ખ્રિસ્તીઓ ખરું-ખોટું પારખવા માટે બાઇબલ પર આધાર રાખે છે. તેથી, તેઓનું મન યુદ્ધ કરવાથી કે યુદ્ધકળા શીખવાથી તેઓને રોકે છે. યુદ્ધમાં ભાગ ન લેવાને કારણે હજારો સાક્ષીઓને વારંવાર ક્રૂર સતાવણી સહેવી પડી. તેઓમાં યુવાનો, વૃદ્ધો, સ્ત્રીઓ અને પુરુષો હતાં. ઘણાં પાસેથી કાળી મજૂરી કરાવવામાં આવી તો, ઘણાંને જેલમાં નાખવામાં આવ્યાં. જર્મનીમાં નાઝી સત્તા વખતે અમુકને તો મારી નાંખવામાં આવ્યાં. યુરોપમાં થયેલી એ આકરી સતાવણી છતાં, સાક્ષીઓ યહોવાના રાજ્યને જાહેર કરવાની જવાબદારી ભૂલ્યા નહિ. તેઓ કેદખાનાઓમાં, જુલમી છાવણીઓમાં અને દેશ નિકાલ થયા બાદ પણ ખુશખબર ફેલાવતા રહ્યાં. * રુવાન્ડામાં સાલ ૧૯૯૪માં જાતિવાદને લીધે થયેલા કત્લેઆમમાં પણ સાક્ષીઓએ ભાગ ન લીધો. ઉપરાંત, જે યુદ્ધને લીધે યૂગોસ્લાવિયાના ભાગલા પડ્યા એમાં પણ સાક્ષીઓએ કોઈનો પક્ષ લીધો નહિ.

૪. યહોવાના સાક્ષીઓ વિશે લોકોનું શું કહેવું છે?

દુનિયા ફરતે હજારો લોકો સ્વીકારે છે કે યહોવાના સાક્ષીઓ કોઈ પણ રીતે યુદ્ધ કે હિંસામાં ભાગ લેતા નથી. એ લોકોનું કહેવું છે કે સાક્ષીઓ ઈશ્વરને અને પડોશીઓને ખરા અર્થમાં પ્રેમ કરે છે, માટે તેઓ જ સાચા ખ્રિસ્તીઓ છે. લોકોના એમ વિચારવા પાછળ બીજાં કયાં કારણો છે?

શિક્ષણ આપવાનું આવું કામ ક્યારેય થયું નથી

૫. શિષ્યોએ રાજ્યનો સંદેશો કોને કોને આપવાનો હતો?

પોતાના સેવાકાર્યની શરૂઆતથી જ ઈસુએ રાજ્યના સંદેશાને જાહેર કરવા પર ભાર મૂક્યો હતો. એ સંદેશો આખી દુનિયામાં ફેલાય માટે પહેલા તેમણે ૧૨ પ્રેરિતોને પસંદ કર્યા. ત્યાર પછી, તેમણે બીજા ૭૦ શિષ્યોને પસંદ કર્યા. (લુક ૬:૧૩; ૧૦:૧) ઈસુએ શિષ્યોને એવી તાલીમ આપી કે તેઓ યહુદીઓને સારી રીતે શીખવી શકે. સમય જતાં, એ શિષ્યોએ બિનયહુદીઓને પણ રાજ્યનો સંદેશો જણાવવાનો હતો. તેઓ માટે એ એક મોટો ફેરફાર હતો. બીજા દેશોમાં જઈને લોકોને શીખવવું શિષ્યો માટે કોઈ નાની-સૂની વાત ન હતી.—પ્રે.કૃ. ૧:૮.

૬. પીતર કઈ રીતે સમજી ગયા કે યહોવા પક્ષપાત કરતા નથી?

પ્રેરિત પીતરને યહોવાએ જણાવ્યું કે જઈને કરનેલ્યસ નામના એક બિનયહુદીને શીખવે. એ પરથી પીતર સમજી ગયા કે યહોવા પક્ષપાત કરતા નથી. તેમ જ, તે ઇચ્છે છે કે દરેક રાજ્યના લોકો સત્ય સાંભળે અને એને સ્વીકારે. તેથી, પીતરે કરનેલ્યસને અને તેમના કુટુંબને બાપ્તિસ્મા લેવા જણાવ્યું. (પ્રે.કૃ. ૧૦:૯-૪૮) એ દિવસ પછી, પીતર અને બીજા શિષ્યો રાજ્યનો સંદેશો દુનિયાભરના લોકોને જણાવવા લાગ્યા.

૭, ૮. યહોવાના સંગઠને લોકો સુધી સત્ય પહોંચાડવા કેવી ગોઠવણો કરી છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

આપણા સમયમાં પણ યહોવાના સંગઠનમાં આગેવાની લેતા ભાઈઓ સંદેશો જણાવવાના કામમાં ઉત્સાહથી ભાગ લે છે. તેમ જ, સંગઠન એવી ગોઠવણો કરે છે કે એ સંદેશો દુનિયાના ખૂણે ખૂણે ફેલાય. આજે, દુનિયા ફરતે આશરે ૮૦ લાખ સાક્ષીઓ છે. તેઓ ઉત્સાહથી ૬૦૦ કરતાં વધુ ભાષાઓમાં સાક્ષીકાર્ય કરી રહ્યા છે અને એ આંકડો દિવસે ને દિવસે વધતો જ જાય છે. યહોવાના સાક્ષીઓ ખાસ કરીને ઘર-ઘરનાં અને જાહેરનાં પ્રચારકાર્ય માટે જાણીતા છે. જાહેરમાં સાહિત્ય રજૂ કરવા અમુક વાર તેઓ ટેબલ અને ટ્રૉલીનો ઉપયોગ કરે છે.

દુનિયાભરમાં ૨,૯૦૦થી વધુ ભાઈ-બહેનો ભાષાંતરનું કામ કરી રહ્યાં છે. તેઓને બાઇબલ અને એને આધારિત સાહિત્યનું ભાષાંતર કરવા માટે ખાસ તાલીમ આપવામાં આવી છે.  તેઓ ફક્ત એવી જ ભાષાઓમાં અનુવાદ કરતા નથી, જે બહુ જાણીતી છે. પરંતુ, એવી સેંકડો ભાષાઓમાં પણ અનુવાદ કરે છે, જે કદાચ દુનિયાભરમાં જાણીતી નથી, પણ લાખો લોકો એ ભાષા બોલે છે. દાખલા તરીકે, સ્પેનમાં એવા લાખો લોકો છે જેઓની માતૃભાષા કાટાલાન છે. તેઓ રોજબરોજના જીવનમાં એ ભાષા બોલે છે. હાલના સમયમાં એ ભાષાનો વપરાશ વધ્યો છે. છેલ્લા થોડાક સમયથી, યહોવાના સાક્ષીઓ કાટાલાન ભાષામાં બાઇબલ આધારિત સાહિત્ય બહાર પાડે છે. તેમ જ, સભાઓ પણ થાય છે, જેના લીધે એ ભાષાના લોકોનાં દિલ સુધી સત્ય પહોંચે છે.

૯, ૧૦. શું સાબિત કરે છે કે યહોવાનું સંગઠન બધા લોકો સુધી સત્ય પહોંચાડવા ચાહે છે?

એવી જ રીતે બીજી ઘણી ભાષાઓમાં અનુવાદનું કામ થાય છે અને લોકોને સત્ય શીખવવામાં આવે છે. મૅક્સિકોનો દાખલો લો, ત્યાંની મુખ્ય ભાષા સ્પેનિશ છે. પરંતુ, ત્યાં ઘણા લોકો એવા છે, જેઓની માતૃભાષા સ્પેનિશ નથી. જેમ કે, માયા ભાષા બોલતા લોકો. મૅક્સિકોની શાખાએ માયા ભાષામાં અનુવાદ કરનાર ભાઈ-બહેનોને એ વિસ્તારમાં મોકલ્યાં, જ્યાં એ ભાષા રોજબરોજના જીવનમાં બોલાય છે. હવે, નેપાળનું ઉદાહરણ લો, જ્યાં આશરે ૧૨૦ ભાષાઓ બોલાય છે. એ દેશમાં લગભગ ૨ કરોડ ૯૦ લાખ લોકો વસે છે, જેમાંથી ૧ કરોડ કરતાં વધુ લોકોની માતૃભાષા નેપાળી છે. તેમ જ, બીજા ઘણા લોકો એવા છે, જેઓની માતૃભાષા નેપાળી નથી છતાં એને સમજી શકે છે. તેથી, આપણું સાહિત્ય નેપાળી ભાષામાં પણ બહાર પાડવામાં આવે છે.

૧૦ આજે, ઘણી ભાષાઓમાં અનુવાદનું કામ થઈ રહ્યું છે. એ બતાવે છે કે દુનિયાભરમાં ખુશખબર ફેલાવવાના કામને યહોવાનું સંગઠન ખૂબ મહત્ત્વ આપે છે. આખી દુનિયામાં કરોડોની સંખ્યામાં પત્રિકાઓ, પુસ્તિકાઓ અને સામયિકો વિના મૂલ્યે આપવામાં આવ્યાં છે. એ કાર્યનો ખર્ચ સાક્ષીઓ પોતાનાં પ્રદાનો દ્વારા પૂરો પાડે છે. આમ, તેઓ ઈસુની આ સલાહ લાગુ પાડે છે: “તમે મફત પામ્યા, મફત આપો.”—માથ. ૧૦:૮.

લૉ જર્મન ભાષામાં અનુવાદકો સાહિત્ય તૈયાર કરી રહ્યા છે (ફકરો ૧૦ જુઓ)

પરાગ્વે દેશમાં લૉ જર્મન ભાષાનું સાહિત્ય મદદરૂપ થાય છે (શરૂઆતનું ચિત્ર પણ જુઓ)

૧૧, ૧૨. દુનિયા ફરતે ચાલી રહેલાં સાક્ષીકાર્યથી ઘણાને કઈ સાબિતી મળી છે?

૧૧ યહોવાના સાક્ષીઓને પૂરી ખાતરી છે કે તેઓને સત્ય મળ્યું છે. એ માટે તેઓ ભોગ આપીને પણ સત્યને દરેક દેશના અને જાતિના લોકો સુધી પહોંચાડે છે. સાક્ષીકાર્ય માટે ઘણાં ભાઈ-બહેનોએ પોતાનું જીવન સાદું બનાવ્યું છે,  નવી ભાષા શીખ્યાં છે અને નવા વિસ્તારમાં ગયાં છે. દુનિયા ફરતે ચાલી રહેલાં સાક્ષીકાર્ય અને શિક્ષણકાર્ય દ્વારા પણ ઘણાને સાબિતી મળી છે કે યહોવાના સાક્ષીઓ ખરા અર્થમાં ઈસુના અનુયાયીઓ છે.

૧૨ પોતાની પાસે સત્ય છે એવી ખાતરી હોવાથી સાક્ષીઓ એ બધાં કામ કરે છે. ચાલો હવે બીજાં કેટલાક કારણો જોઈએ જેનાં લીધે ભાઈ-બહેનોની એ ખાતરી વધુ મજબૂત થઈ છે.—રોમનો ૧૪:૧૭, ૧૮ વાંચો.

તેઓના વિશ્વાસનું કારણ

૧૩. સંગઠનને શુદ્ધ રાખવા સાક્ષીઓ શું કરે છે?

૧૩ આપણાં ભાઈ-બહેનોને પૂરો વિશ્વાસ છે કે તેઓને સત્ય મળ્યું છે. તેઓના અનુભવોમાંથી આપણે પણ શીખી શકીએ છીએ. લાંબા સમયથી સત્યમાં છે એવા એક ભાઈ આમ જણાવે છે: ‘યહોવાનું સંગઠન દરેક રીતે શુદ્ધ રહેવા પ્રયત્નો કરે છે. એ માટે કોઈને પણ શિસ્ત આપવાથી એ અચકાતું નથી.’ એવાં ઉચ્ચ ધોરણો કઈ રીતે જાળવવામાં આવે છે? બાઇબલનાં ધોરણો પ્રમાણે ચાલીને. તેમ જ, ઈસુ અને તેમના શિષ્યોના ઉદાહરણને અનુસરીને. એ કારણે જ, એવું ઓછું બન્યું છે કે કોઈ વ્યક્તિને ઈશ્વરનાં ધોરણો મુજબ ન ચાલવાને લીધે મંડળમાંથી દૂર કરવી પડી હોય. મોટા ભાગના સાક્ષીઓ એ ધોરણો મુજબ ચાલીને શુદ્ધ જીવન જીવે છે. અરે, જેઓ અગાઉ ઈશ્વરને માર્ગે ન ચાલતા હતા, તેઓએ પણ પોતાનામાં સુધારો કર્યો છે અને હવે શુદ્ધ જીવન જીવે છે.—૧ કોરીંથી ૬:૯-૧૧ વાંચો.

૧૪. મંડળમાંથી જેઓને દૂર કરવામાં આવે છે તેઓએ શું કર્યું છે અને એનું કેવું પરિણામ આવ્યું છે?

૧૪ બાઇબલનાં માર્ગદર્શન પ્રમાણે જેઓ ચાલતા નથી તેઓને મંડળમાંથી દૂર કરવામાં આવે છે. એવી મોટા ભાગની વ્યક્તિઓએ ખોટું કામ કરવા બદલ પસ્તાવો કર્યો છે. તેથી, મંડળે ફરીથી તેઓને ખુશી-ખુશી સ્વીકાર્યા છે. (૧ કોરીંથી ૨:૬-૮ વાંચો.) બાઇબલનાં ઉચ્ચ ધોરણોને વળગી રહેવાથી મંડળ શુદ્ધ રહે છે. એનાથી ભાઈ-બહેનોનો ભરોસો વધે છે કે સંગઠન યહોવાનું છે. ઘણાં ચર્ચમાં ખોટાં કામોને ચલાવી લેવામાં આવે છે. જ્યારે કે, યહોવાના મંડળમાં કોઈ પણ ખોટું કામ ચલાવી લેવાતું નથી. આમ, ઘણા લોકો પારખી શક્યા છે કે સત્ય કોની પાસે છે.

૧૫. એક ભાઈને શા માટે ખાતરી થઈ કે તેમની પાસે સત્ય છે?

૧૫ અમુક અનુભવી શાક્ષીઓ શા માટે માને છે કે તેઓ પાસે સત્ય છે? ૫૪ વર્ષના એક ભાઈ કહે છે, ‘હું તરુણ હતો ત્યારથી જ માનતો હતો કે મારા વિશ્વાસના ત્રણ આધાર સ્તંભો છે. (૧) ઈશ્વર સાચે જ છે; (૨) તેમણે જ બાઇબલ લખાવ્યું છે; (૩) તે આજે યહોવાના સાક્ષીઓના મંડળોનો ઉપયોગ કરે છે અને એને આશીર્વાદ આપે છે. વર્ષો દરમિયાન, મેં પરખ કરી કે એ આધાર સ્તંભો કેટલા અડગ છે. વર્ષો વીતતાં ગયાં તેમ મને ઘણી સાબિતીઓ મળી, જેના લીધે એ સ્તંભો વધુ દૃઢ બન્યા અને મારી શ્રદ્ધા વધી. મને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ છે કે આપણી પાસે જ સત્ય છે.’

૧૬. સત્ય વિશેની કઈ બાબતો એક બહેનના દિલને સ્પર્શી ગઈ છે?

 ૧૬ એક પરિણીત બહેન ન્યૂ યૉર્કમાં આવેલા આપણા મુખ્યમથકે સેવા આપે છે. તે યહોવાના સંગઠન વિશે આમ જણાવે છે, ‘યહોવાનું નામ બાઇબલમાં આશરે ૭,૦૦૦ વાર જોવા મળે છે અને આપણું જ સંગઠન એવું છે જે એને જાહેર કરે છે. મને બીજો કાળવૃત્તાંત ૧૬:૯માંથી પણ ખૂબ ઉત્તેજન મળે છે, જે જણાવે છે કે “યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે.”’ તે બહેન ઉમેરે છે કે, ‘સત્ય શીખવાને લીધે હું યહોવાની પૂરા દિલથી ભક્તિ કરી શકું છું અને યહોવા તેમની શક્તિ દ્વારા મને સહાય આપે છે. મારા માટે યહોવા સાથેનો સંબંધ સૌથી કીમતી છે. ઈશ્વર વિશેનું જ્ઞાન આપવા ઈસુએ જે ભૂમિકા ભજવી એની પણ હું કદર કરું છું. એ જ્ઞાને મને ટકાવી રાખી છે.’

૧૭. આપણા એક ભાઈને સત્ય વિશે કઈ ખાતરી મળી છે?

૧૭ સત્યમાં આવ્યા એ પહેલા આપણા એક ભાઈ ઈશ્વરમાં માનતા ન હતા. હવે તે કબૂલે છે: ‘સૃષ્ટિની રચના સાબિતી આપે છે કે મનુષ્ય ખુશ રહે એવી ઈશ્વરની ઇચ્છા છે. તેથી, ઈશ્વર હંમેશ માટે દુઃખ-તકલીફોને ચાલવા દેશે નહિ. આખું જગત દુષ્ટ કામોમાં ડૂબી રહ્યું છે. જ્યારે કે, યહોવાના લોકો શ્રદ્ધા, ઉત્સાહ અને પ્રેમમાં વધતા જાય છે. આજના સમયમાં એ એક ચમત્કાર છે, જે ફક્ત યહોવાની શક્તિથી જ શક્ય છે.’—૧ પીતર ૪:૧-૪ વાંચો.

૧૮. સત્ય વિશે બે ભાઈઓએ શું કહ્યું? તેમના વિચારો જાણીને તમને કેવું લાગે છે?

૧૮ લાંબા સમયથી સત્યમાં છે એવા એક ભાઈ પોતાના વિશ્વાસનું કારણ આપતા આમ કહે છે, ‘વર્ષો દરમિયાનના મારા ઊંડા અભ્યાસથી હું જાણી ગયો છું કે, સાક્ષીઓ પ્રથમ સદીના ખ્રિસ્તી મંડળને દરેક રીતે અનુસરવાનો પ્રયત્ન કરે છે. હું દુનિયાના ઘણા દેશો ફર્યો છું અને જોઈ શક્યો કે બધા જ સાક્ષીઓમાં એકતા છે. બાઇબલના સત્યથી મને સંતોષ અને ખુશી મળી છે.’ ૬૦થી વધુ વર્ષના એક ભાઈ જણાવે છે કે યહોવાના સાક્ષીઓ જ ખરા અર્થમાં ઈસુ પર વિશ્વાસ કરે છે. વધુમાં, તે કહે છે: ‘આપણે ઈસુના જીવન અને તેમના સાક્ષીકાર્યનો ધ્યાનથી અભ્યાસ કર્યો છે અને તેમના ઉદાહરણની કદર કરીએ છીએ. આપણે જીવનમાં ફેરફાર કર્યા છે, જેથી ઈસુ દ્વારા ઈશ્વરની નજીક જઈ શકીએ. આપણને ભરોસો છે કે ઈસુએ આપણા માટે જે કિંમત ચૂકવી છે, એનાથી આપણને જીવન મળશે. આપણે જાણીએ છીએ કે તેમને સજીવન કરવામાં આવ્યા હતા. એ હકીકતને સાબિત કરવા આપણી પાસે એવા લોકોની સાક્ષીઓ છે જેઓએ એ બનાવ આંખે જોયો હતો.’—૧ કોરીંથી ૧૫:૩-૮ વાંચો.

બીજાઓને પણ સત્ય વિશે જણાવીએ

૧૯, ૨૦. (ક) પાઊલે રોમન મંડળના ભાઈઓનું ધ્યાન કઈ જવાબદારી તરફ દોર્યું? (ખ) યહોવાના સાક્ષીઓ તરીકે આપણી પાસે કયો લહાવો છે?

૧૯ આપણે ખ્રિસ્તી હોવાથી પડોશીઓને પ્રેમ કરીએ છીએ. તેથી આપણે સત્યનું કીમતી જ્ઞાન તેઓને પણ જણાવીએ છીએ. પાઊલે રોમન મંડળના ભાઈઓને આમ લખ્યું: ‘જો તું મોંથી ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને ઈશ્વરે તેમને મૂએલાંમાંથી પાછા ઉઠાડ્યા, એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં રાખીશ, તો તારણ પામીશ. કારણ કે ન્યાયીપણાને અર્થે અંતઃકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે, ને તારણને અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે.’—રોમ. ૧૦:૯, ૧૦.

૨૦ યહોવાના સાક્ષીઓ તરીકે આપણને પૂરેપૂરી ખાતરી છે કે આપણી પાસે સત્ય છે. ઉપરાંત, ઈશ્વરના રાજ્યની ખુશખબર વિશે બીજાઓને શીખવવાનો લહાવો પણ છે. આપણા સાક્ષીકાર્ય અને બાઇબલના શિક્ષણથી ઘણા લોકો સત્ય પારખી શક્યા છે. આશા રાખીએ કે સત્ય માટેની આપણી ખાતરી જોઈને પણ તેઓ સત્ય પારખી શકે.

^ ફકરો. 3 જેહોવાઝ વિટ્નેસીસ—પ્રોક્લેમર્સ ઑફ ગૉડ્સ કિંગ્ડમ પુસ્તકનાં પાન ૧૯૧થી ૧૯૮ અને ૪૪૮થી ૪૫૪ જુઓ.