સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

ગીતશાસ્ત્ર ૩૭:૨૫માંના દાઊદના શબ્દો અને માથ્થી ૬:૩૩માંના ઈસુના શબ્દોનો શું એવો અર્થ થાય કે, યહોવાના કોઈ પણ સાક્ષીને ક્યારેય ખોરાક-પાણીની અછત પડશે નહિ?

દાઊદે લખ્યું કે “ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં જોયાં નથી.” દાઊદે પોતાના જીવન દરમિયાનના અનુભવ પરથી એ તારણ કાઢ્યું હતું. તે સારી રીતે જાણતા હતા કે ઈશ્વર હંમેશાં ભક્તોની કાળજી રાખે છે. (ગીત. ૩૭:૨૫) જોકે, દાઊદ એમ કહેવા માંગતા ન હતા કે ઈશ્વરના કોઈ પણ ભક્તને કદી કોઈ અછત પડશે નહિ.

દાઊદના જીવનમાં પણ ભારે મુશ્કેલીઓ આવી હતી. એમાંની એક હતી કે તેમણે શાઊલથી બચવા નાસી જવું પડ્યું. એ સમયે દાઊદ અને તેમના સાથીઓ પાસે ખોરાક ખૂટી પડ્યો અને તેમણે રોટલીની માંગ કરી. (૧ શમૂ. ૨૧:૧-૬) તો એ કિસ્સામાં દાઊદને રોટલીની અછત પડી કહેવાય. છતાં, એ કપરા સંજોગોમાં પણ દાઊદ જાણતા હતા કે યહોવાએ તેમને ત્યજી દીધા નથી. હકીકતમાં તો, બાઇબલ ક્યાંય જણાવતું નથી કે ગુજરાન ચલાવવા દાઊદે ભીખ માંગી હોય.

માથ્થી ૬:૩૩માં ઈસુએ ખાતરી આપી કે જેઓ રાજ્યને પ્રથમ સ્થાન આપે છે, તેઓની જરૂરિયાતો ઈશ્વર પૂરી કરશે. ઈસુએ કહ્યું હતું કે “તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં [ખોરાક-પાણી, કપડાં વગેરે] પણ તમને અપાશે.” જોકે, ઈસુએ એમ પણ જણાવ્યું હતું કે સતાવણીના કારણે “ભાઈઓમાંના” કેટલાકને ભૂખ અને તરસ સહેવી પડશે. (માથ. ૨૫:૩૫, ૩૭, ૪૦) પ્રેરિત પાઊલે પણ કેટલીક વાર ભૂખ અને તરસ સહન કરવી પડી હતી.—૨ કોરીં. ૧૧:૨૭.

યહોવાએ જણાવ્યું છે કે આપણા પર તરેહ તરેહનાં પરીક્ષણો આવશે. કેટલીક વાર, યહોવા આપણને અછતમાંથી પસાર થવા દે છે, જેથી શેતાનના આરોપોનો જવાબ આપી શકીએ. (અયૂ. ૨:૩-૫) નાઝી જુલમી છાવણીમાંના આપણાં ભાઈ-બહેનોનો વિચાર કરો. એ સમયે તેઓએ મરણતોલ સતાવણીઓનો સામનો કર્યો હતો. એ છાવણીમાં, સાક્ષીઓની વફાદારી તોડવાની એક રીત તેઓને ભૂખે રિબાવવાની હતી. છતાં, વફાદાર સાક્ષીઓએ યહોવાનો સાથ છોડ્યો નહિ અને યહોવાએ પણ તેઓને ત્યજ્યા નહિ. જેમ બીજા ભક્તોને જુદી જુદી કસોટીમાંથી પસાર થવા દે છે, તેમ યહોવાએ એ ભાઈ-બહેનોને પણ સતાવણીમાંથી પસાર થવાં દીધાં. એમાં કોઈ શંકા નથી કે યહોવાના નામને લીધે સતાવણી સહન કરનારનો સાથ તે કદી છોડતા નથી. (૧ કોરીં. ૧૦:૧૩) આપણે હંમેશાં ફિલિપી ૧:૨૯ના આ શબ્દો યાદ રાખીએ: “ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો માત્ર એટલું જ નહિ, પણ તેની ખાતર દુઃખ પણ સહેવું, એ માટે ખ્રિસ્તને વાસ્તે આ કૃપાદાન તમને આપવામાં આવ્યું છે.”

યહોવાએ વચન આપ્યું છે કે તે પોતાના ભક્તોને સાથ આપશે. દાખલા તરીકે, યશાયા ૫૪:૧૭ની કલમ ભરોસો આપે છે કે “તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહિ.” એ અને એનાં જેવાં ઘણાં વચનો યહોવાએ આપ્યાં છે. જોકે, વ્યક્તિગત રીતે ઈશ્વરભક્તે કદાચ અઘરા સંજોગોમાંથી પસાર થવું પડે. અરે, આપણે કદાચ મરણતોલ સતાવણી પણ સહેવી પડે. પરંતુ, આપણે એક વાતની ખાતરી રાખી શકીએ કે પોતાના લોકોનું એક સમૂહ તરીકે યહોવા ચોક્કસ રક્ષણ કરશે.