સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું નિર્ણય બદલવો યોગ્ય ગણાય?

શું નિર્ણય બદલવો યોગ્ય ગણાય?

મંડળના અમુક યુવાનોએ થિયેટરમાં એક ફિલ્મ જોવાનું નક્કી કર્યું. તેઓને સ્કૂલના અમુક દોસ્તો પાસેથી જાણવા મળ્યું કે એ ફિલ્મ બહુ સારી છે. પરંતુ, થિયેટર પહોંચ્યા ત્યારે એ યુવાનોને ફિલ્મનાં પોસ્ટરમાં ઓછાં કપડાં પહેરેલી સ્ત્રીઓ અને ખતરનાક હથિયારો જોવાં મળ્યાં. હવે, એ યુવાનો શું કરશે? શું તેઓ હજુ પણ એ ફિલ્મ જોશે?

એ દાખલા પરથી સમજી શકાય કે આપણે એવા ઘણા નિર્ણયો લેવા પડે છે, જેના સારાં કે ખરાબ પરિણામ આવી શકે. એ નિર્ણયની અસર યહોવા સાથેના આપણા સંબંધ પર પડી શકે છે. તમે પણ કેટલીક વાર કોઈક નિર્ણય લીધો હશે, પણ પરિસ્થિતિનો ફરી વિચાર કર્યા પછી કદાચ એ નિર્ણય બદલ્યો હશે. શું એનો મતલબ એવો થાય કે તમે નિર્ણય લેવામાં ઢચુપચુ છો? કે પછી, નિર્ણય બદલવો યોગ્ય ગણાય?

સંજોગો જેમાં નિર્ણય બદલવો સારો નથી

યહોવા માટે પ્રેમ હોવાથી આપણે પોતાનું જીવન તેમને સમર્પિત કર્યું છે અને બાપ્તિસ્મા લીધું છે. યહોવાને વફાદાર રહેવાની આપણી દિલથી ઇચ્છા છે. પરંતુ, આપણો દુશ્મન શેતાન આપણી એ વફાદારી તોડવા પૂરું જોર લગાડે છે. (પ્રકટી. ૧૨:૧૭) આપણે યહોવાની ભક્તિ કરવાનો અને તેમની આજ્ઞાઓ પાળવાનો નિર્ણય લીધો છે. જો આપણે યહોવાને કરેલા સમર્પણ પ્રમાણે નહિ કરીએ, તો એ ઘણાં દુઃખની વાત કહેવાશે. એના લીધે કદાચ આપણું જીવન જોખમમાં આવી શકે.

આજથી ૨,૬૦૦ કરતાં વધુ વર્ષો પહેલાં બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે એક સોનાની વિશાળ મૂર્તિ બનાવડાવી. તેણે આદેશ આપ્યો કે દરેક વ્યક્તિએ એની આગળ નમીને ભક્તિ કરવી. જો કોઈ એ આદેશ નહિ માને તો તેને ધગધગતી ભઠ્ઠીમાં નાંખવામાં આવશે. પરંતુ, શાદ્રાખ, મેશાખ અને અબેદનગો નામના યુવાનોએ એ આદેશ માન્યો નહિ, કેમ કે તેઓ યહોવાનો ભય રાખતા હતા. તેઓ મૂર્તિ આગળ નમ્યા નહિ માટે તેઓને સળગતી ભઠ્ઠીમાં નાંખી દેવામાં આવ્યા. ખરું કે, યહોવાએ ચમત્કાર કરીને તેઓને બચાવી લીધા હતા. પણ, એ યુવાનો યહોવાને વફાદાર રહેવાના નિર્ણયમાં કોઈ બાંધછોડ કરવા માંગતા ન હતા. અરે, તેઓ તો પોતાનું જીવન પણ દાવ પર લગાડી દેવા તૈયાર હતા!—દાની. ૩:૧-૨૭.

પ્રબોધક દાનીયેલ પણ યહોવાને વફાદાર રહ્યા. તે જાણતા હતા કે જો તે યહોવાને પ્રાર્થના કરશે તો તેમને સિંહોના બીલમાં નાંખી દેવામાં આવશે. જીવન જોખમમાં હોવા છતાં, તેમણે દિવસમાં ત્રણ વાર પ્રાર્થના કરવાની પોતાની રીતમાં ફેરફાર કર્યો નહિ. સાચા ઈશ્વરની ભક્તિ કરવાનો તેમનો દૃઢ નિર્ણય બદલાયો નહિ. એ કારણે યહોવાએ દાનીયેલને ‘સિંહોના પંજામાંથી બચાવ્યા.’—દાની. ૬:૧-૨૭.

આપણા સમયમાં પણ યહોવાના ભક્તો પોતાના સમર્પણ પ્રમાણે જીવે છે. આફ્રિકાની એક સ્કૂલમાં સાક્ષી બાળકોએ રાષ્ટ્ર ચિહ્નની પૂજામાં ભાગ ન લીધો. તેઓને ધમકી મળી કે જો તેઓ બીજા વિદ્યાર્થીઓ જોડે એમાં ભાગ નહિ લે તો સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવશે. એના થોડા સમય પછી, શિક્ષણ મંત્રીએ એ શહેરની મુલાકાત લીધી અને અમુક સાક્ષી બાળકો જોડે વાત કરી. સાક્ષી બાળકોએ નમ્રભાવે પણ હિંમતથી પોતાની માન્યતા વિશે મંત્રી સાથે વાત કરી. એ ઘડી પછી, આપણા યુવાન ભાઈ-બહેનોને સ્કૂલમાં કોઈ દબાણ કરવામાં આવ્યું નહિ.

જોસેફ નામના ભાઈનો વિચાર કરીએ. તેમનાં પત્ની એક બીમારીને લીધે અચાનક ગુજરી ગયાં. પત્નીની દફનવિધિને લગતા નિર્ણયને જોસેફના કુટુંબીજનોએ માન આપ્યું. પરંતુ, તેમની પત્નીના કુટુંબીજનો સત્યમાં ન હોવાથી તેઓએ એવી વિધિઓ કરવાનો આગ્રહ કર્યો, જે યહોવાને નાખુશ કરે છે. ભાઈ કહે છે, ‘મેં તડજોડ કરી નહિ માટે તેઓએ મારાં બાળકોને ફોસલાવાનો પ્રયત્ન કર્યો. પરંતુ, અમે બધાં જ અમારા નિર્ણય પર મક્કમ રહ્યાં. સગાંઓએ અમારા ઘરમાં જાગરણ વિધિ રાખવાનો આગ્રહ કર્યો. પરંતુ, મેં તેઓને સાફ જણાવી દીધું કે મારા ઘરમાં એવાં કોઈ રીતરિવાજો પાળવામાં આવશે નહિ. તેઓને ખબર હતી કે જાગરણ વિધિ મારી પત્નીની અને મારી માન્યતાની વિરુદ્ધ છે. તેથી, ઘણી દલીલો પછી તેઓએ આખરે એ વિધિ બીજી જગ્યાએ રાખી.’

ભાઈ આગળ જણાવે છે, ‘એ શોકનો સમય કપરો હતો. તેથી મેં યહોવાને વિનંતી કરી કે કુટુંબ તરીકે અમારાથી તેમની કોઈ આજ્ઞા ન તૂટે માટે મદદ કરે. તેમણે અમારી પ્રાર્થનાઓ સાંભળી અને દબાણો દરમિયાન મક્કમ રહેવા અમને મદદ આપી.’ જોસેફ અને તેમનાં બાળકો માટે યહોવાની ભક્તિને લગતો નિર્ણય ન બદલવો જ સૌથી મહત્ત્વનો હતો.

સંજોગો જેમાં નિર્ણય બદલવાનો વિકલ્પ હોય શકે

સાલ ૩૨ના પાસ્ખાપર્વના થોડા સમય પછી, સીદોન વિસ્તારમાં ઈસુને એક કનાની સ્ત્રી મળી. તેણે પોતાની દીકરીને વળગેલા ભૂતને કાઢવા ઈસુને વારંવાર વિનંતી કરી. ઈસુએ તેને જવાબ આપવાને બદલે શિષ્યોને કહ્યું: “ઈસ્રાએલના ઘરનાં ખોવાએલાં ઘેટાં સિવાય બીજા કોઈની પાસે હું મોકલાયો નથી.” પરંતુ, તે સ્ત્રી વિનંતી કરતી રહી, ત્યારે ઈસુએ તેને કહ્યું: ‘છોકરાંની રોટલી લઈને ગલૂડિયાંને નાખવી વાજબી નથી.’ તે સ્ત્રીએ દ્રઢ શ્રદ્ધા બતાવતા જવાબ આપ્યો: ‘પ્રભુ, પોતાના ધણીના મેજ પરથી જે કકડા પડે છે, ગલૂડિયાં એ ખાય છે.’ છેવટે, ઈસુએ તેની આજીજી સ્વીકારી અને તેની દીકરીને સાજી કરી.—માથ. ૧૫:૨૧-૨૮.

ઈસુ એમ કરીને યહોવાને અનુસર્યા. સંજોગો ધ્યાનમાં રાખતા યહોવા પોતાનો નિર્ણય બદલવા તૈયાર હતા. દાખલા તરીકે, ઈસ્રાએલીઓએ સોનાનું વાછરડું બનાવ્યું ત્યારે યહોવાએ તેઓનો નાશ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ, મુસાની વિનંતીને માન આપતા યહોવાએ તેઓનો નાશ કર્યો નહિ.—નિર્ગ. ૩૨:૭-૧૪.

પ્રેરિત પાઊલ પણ યહોવા અને ઈસુને અનુસર્યા. કેટલાક સમય સુધી પાઊલને લાગતું કે મિશનરી મુસાફરીમાં યોહાન માર્કને લઈ જવો યોગ્ય નથી. એનું કારણ હતું કે પહેલી મિશનરી મુસાફરી દરમિયાન પાઊલ અને બાર્નાબાસને અધવચ્ચે છોડીને માર્ક પાછા જતા રહ્યા હતા. જોકે, સમય જતાં પાઊલે જોયું હશે કે માર્કે પોતાનું વલણ બદલ્યું છે અને હવે સેવાકાર્યમાં ઉપયોગી છે. તેથી તેમણે તીમોથીને કહ્યું: ‘માર્કને તારી સાથે લેતો આવજે, કેમ કે સેવાને માટે તે મને ઉપયોગી છે.’—૨ તીમો. ૪:૧૧.

આપણા વિશે શું? આપણે સ્વર્ગમાંના પ્રેમાળ પિતાની દયા અને ધીરજને અનુસરવા માંગીએ છીએ. તેથી યોગ્ય હોય ત્યારે નિર્ણય બદલવો સારો રહેશે. જેમ કે, બીજાઓ વિશે જો આપણે ખોટું મંતવ્ય રાખતા હોઈએ તો એને બદલવા તૈયાર રહીએ. ખરું કે, આપણે યહોવા અને ઈસુની જેમ સંપૂર્ણ નથી. છતાં, બીજાઓ જો પોતાનું વલણ સુધારે, તો આપણે પણ તેઓના સંજોગો ધ્યાનમાં લઈએ અને તેઓ વિશેના આપણા વિચાર બદલીએ.

અમુક વાર, ભક્તિને લગતા આપણા ધ્યેયો માટે પણ યોગ્ય નિર્ણય લેવાની જરૂર પડી શકે. દાખલા તરીકે, અમુક બાઇબલ વિદ્યાર્થીઓ સભાઓમાં નિયમિત આવે, પણ બાપ્તિસ્મા લેવાનું ટાળે છે. એમ પણ બને કે અમુક ભાઈઓ સેવાકાર્યમાં વધુ કરી શકતા હોવા છતાં પાયોનિયરીંગ કરતા અચકાય છે. તો બીજા અમુક ભાઈઓ મંડળમાં વધુ જવાબદારી ઉપાડવાની ઇચ્છા બતાવતા નથી. (૧ તીમો. ૩:૧) શું એમાંનો કોઈ સંજોગ તમને લાગુ પડે છે? એમ હોય તો, યહોવા તમને એ લહાવો મેળવવા પ્રેમથી આમંત્રણ આપે છે. કેમ નહિ કે આપણે પોતાનો વિચાર બદલીને, યહોવા અને બીજાઓની સેવાથી મળતો આનંદ ઉઠાવીએ.

તમારો નિર્ણય બદલવો આશીર્વાદો લાવી શકે

બહેન ઈલા, આફ્રિકામાં આવેલી યહોવાના સાક્ષીઓની એક શાખા કચેરીમાં સેવા આપે છે. તે કહે છે, ‘હું બેથેલમાં આવી ત્યારે મને લાગતું ન હતું કે હું વધુ સમય રહી શકીશ. હું દિલથી યહોવાની ભક્તિ કરવા ઇચ્છતી હતી, પણ મને કુટુંબ પ્રત્યે પણ ખૂબ પ્રેમ હતો. તેથી મને કુટુંબની યાદ ઘણી સતાવતી. પરંતુ, મારી સાથે રહેતી બહેને મને બેથેલ સેવામાં લાગુ રહેવાનું ઉત્તેજન આપ્યું. તેથી, મેં બેથેલ ન છોડવાનો નિર્ણય લીધો. બેથેલમાં મને ૧૦ વર્ષ થઈ ગયાં છે. હજુ પણ શક્ય હોય ત્યાં સુધી હું અહીં જ રહીને ભાઈ-બહેનોની સેવા કરવા માંગું છું.’

સંજોગો જેમાં નિર્ણય બદલવો જ જોઈએ

કાઈનનો વિચાર કરીએ. તે પોતાના ભાઈ પર ઈર્ષા રાખીને ગુસ્સે ભરાયો. ત્યારે તેની સાથે શું બન્યું? ક્રોધે ભરાયેલા કાઈનને યહોવાએ જણાવ્યું કે જો તે પોતાનું વલણ બદલીને સારો નિર્ણય લેશે તો તે કૃપા પામશે. યહોવાએ તેને ચેતવ્યો, ‘પાપ તારે દ્વારે સંતાઈ રહેલું છે.’ કાઈને પાપી વલણ પર કાબૂ મેળવવાનો હતો. તે પોતાનું વલણ બદલી શક્યો હોત. પરંતુ, તેણે યહોવાની સલાહને ધ્યાનમાં ન લેવાનો નિર્ણય કર્યો. અફસોસની વાત છે કે કાઈને પોતાના ભાઈને મારી નાંખ્યો અને માનવ ઇતિહાસનો પ્રથમ ખૂની બન્યો.—ઉત. ૪:૨-૮.

જો કાઈને પોતાનો નિર્ણય બદલ્યો હોત તો કેવું સારું થાત!

રાજા ઉઝ્ઝીયાહનો દાખલો જોઈએ. શરૂઆતમાં તો તેણે યહોવાની નજરે જે સારું હતું તે કર્યું. પરંતુ, દુઃખની વાત છે કે તેના ઘમંડને લીધે તેનાં બધાં સારાં કામ વ્યર્થ ગયાં. તે યાજક ન હોવા છતાં, મંદિરમાં ધૂપ ચઢાવવા ગયો. યાજકે તેને યહોવા વિરુદ્ધનું એ કામ ન કરવા ચેતવ્યો હતો. શું રાજાએ પોતાનો નિર્ણય બદલ્યો? ના. અરે, તેને તો “ક્રોધ ચઢ્યો” અને તેણે એ ચેતવણી ગણકારી નહિ. પરિણામે, યહોવા તરફથી શિક્ષા મળી અને તેને કોઢ ફૂટી નીકળ્યો.—૨ કાળ. ૨૬:૩-૫, ૧૬-૨૦.

કેટલીક વાર એવા સંજોગો આવે છે જેમાં આપણે નિર્ણય બદલવો જ જોઈએ. આપણા સમયનો એક અનુભવ જોઈએ. ભાઈ જોયાકીમનું બાપ્તિસ્મા વર્ષ ૧૯૫૫માં થયું હતું. પરંતુ, વર્ષ ૧૯૭૮માં તેમને મંડળમાંથી બહિષ્કૃત કરવામાં આવ્યા. આશરે ૨૦ વર્ષ પછી ભાઈએ પસ્તાવો બતાવ્યો અને ફરી સાક્ષી તરીકે સ્વીકારવામાં આવ્યા. હાલમાં એક વડીલે જોયાકીમને પૂછ્યું કે તેમણે મંડળમાં પાછા ફરવામાં શા માટે આટલો સમય લીધો. જોયાકીમે કહ્યું, ‘મારાં ગુસ્સા અને ઘમંડને લીધે! મને અફસોસ છે કે એવું વલણ સુધારવા મેં આટલો લાંબો સમય લીધો. હું મંડળમાંથી દૂર કરવામાં આવ્યો, પણ હું જાણતો હતો કે સાક્ષીઓ સત્ય શીખવે છે.’ મંડળમાં પાછા આવવા ભાઈએ શું કરવાની જરૂર હતી? તેમણે પોતાનું વલણ બદલીને પસ્તાવો બતાવવાની જરૂર હતી.

આપણે પણ કદાચ એવા સંજોગોમાં આવી શકીએ, જેમાં આપણો નિર્ણય અને જીવન માર્ગ બદલવો પડે. યહોવાને ખુશ કરવા આપણે કોઈ પણ બદલાણ માટે હંમેશાં તૈયાર હોવા જોઈએ.—ગીત. ૩૪:૮.