સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તે ‘માર્ગ જાણતા હતા’

તે ‘માર્ગ જાણતા હતા’

ગાઈ હોલીસ પીઅર્સ, યહોવાના સાક્ષીઓના નિયામક જૂથના સભ્ય હતા. મંગળવાર, માર્ચ ૧૮, ૨૦૧૪ના રોજ તે ૭૯ વર્ષની ઉંમરે ગુજરી ગયા. આમ, પૃથ્વી પરનું તેમનું જીવન પૂરું થયું અને સજીવન થઈને ઈસુના ભાઈઓમાંના એક બનવાની તેમની આશા ત્યારે હકીકત બની.—હિબ્રૂ ૨:૧૦-૧૨; ૧ પીત. ૩:૧૮.

ગાઈ પીઅર્સનો જન્મ, અમેરિકાના કૅલિફૉર્નિયામાં ઑબર્ન શહેરમાં નવેમ્બર ૬, ૧૯૩૪માં થયો હતો. તેમનું બાપ્તિસ્મા ૧૯૫૫માં થયું. તેમણે વર્ષ ૧૯૭૭માં લગ્ન કર્યા અને કુટુંબ વસાવ્યું. તેમની વહાલી પત્નીનું નામ પેન્ની છે. વર્ષો દરમિયાન, કુટુંબની સારી સંભાળ રાખવાના અનુભવને લીધે, તે બીજાઓ માટે પણ એક પ્રેમાળ પિતા જેવા બન્યા. વર્ષ ૧૯૮૨ સુધીમાં તો ભાઈ પીઅર્સ અને તેમનાં પત્ની પાયોનિયરીંગ કામમાં ઘણાં વ્યસ્ત થઈ ગયાં. વર્ષ ૧૯૮૬થી લઈને ૧૧ વર્ષો સુધી તેમણે અમેરિકામાં સરકીટ નિરીક્ષક તરીકે સેવા આપી.

વર્ષ ૧૯૯૭માં ભાઈ પીઅર્સ અને તેમનાં પત્નીએ અમેરિકાના બેથેલમાં સેવા શરૂ કરી. ભાઈ પીઅર્સ ત્યાં સેવા વિભાગમાં હતા. વર્ષ ૧૯૯૮માં તેમને નિયામક જૂથની કર્મચારી (પર્સનૅલ) સમિતિમાં મદદનીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ત્યાર બાદ, ઑક્ટોબર ૨, ૧૯૯૯ની વાર્ષિક સભામાં જાહેરાત કરવામાં આવી હતી કે હવેથી તે નિયામક જૂથના સભ્ય તરીકે સેવા આપશે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ભાઈએ કર્મચારી, લેખન, પ્રકાશન અને કોઑર્ડિનેટર સમિતિઓમાં સેવા આપી હતી.

ભાઈ પીઅર્સના પ્રેમાળ સ્મિત અને મજાકી સ્વભાવને લીધે દરેક સંસ્કૃતિના લોકો તેમની પાસે ખેંચાઈ આવતા. જોકે, તેમના બીજા ગુણોને લીધે પણ લોકો તેમને પસંદ કરતા. જેમ કે, તેમનો પ્રેમાળ સ્વભાવ, નમ્રતા, અડગ શ્રદ્ધા અને યહોવાની આજ્ઞાઓ તેમ જ સિદ્ધાંતો પ્રત્યે તેમની કદર. એક દિવસ સૂર્ય નહિ ઊગે એમ માનવું ભાઈ માટે શક્ય હતું, પણ યહોવાનું વચન નિષ્ફળ જશે એમ માનવું અશક્ય હતું. એ સત્ય તે આખી દુનિયામાં ફેલાવવા માંગતા હતા.

યહોવાની સેવા કરવામાં ભાઈ પીઅર્સને કદી થાક ન લાગતો. તે વહેલી સવારે ઊઠી જતા અને મોટા ભાગે મોડી રાત સુધી કામ કરતા. દુનિયાભરના દેશોમાં મુસાફરી કરીને તેમણે ભાઈ-બહેનોને ઘણું ઉત્તેજન આપ્યું. બેથેલમાં તે ઘણા વ્યસ્ત હોવા છતાં હંમેશાં ભાઈ-બહેનોને સમય આપતા. તેમની પાસે સલાહ કે મદદ માગવા જે કોઈ આવે તેના માટે તે સમય કાઢતા. વર્ષો અગાઉ, તેમની સાથે વિતાવેલા સમયને અને તેમની પાસેથી મેળવેલા બાઇબલ આધારિત ઉત્તેજનને લોકો હજુય યાદ કરે છે. તેમણે બતાવેલી પરોણાગત અને મિત્રતા તેઓ ભૂલી શકતા નથી.

ભાઈ પીઅર્સનાં પત્ની, બાળકો, પૌત્ર-પૌત્રીઓ અને પરપૌત્ર-પૌત્રીઓના મનમાં તેમની યાદો કાયમ તાજી રહેશે. સત્યમાં એવાં ઘણાં ભાઈ-બહેનો છે જેઓને તે પોતાનાં બાળકો જેવાં ગણતાં હતાં. બ્રુકલિન બેથેલમાં શનિવાર, માર્ચ ૨૨, ૨૦૧૪ના રોજ ભાઈ પીઅર્સની યાદમાં એક ટૉક આપવામાં આવી હતી. નિયામક જૂથના સભ્ય, ભાઈ માર્ક સેન્ડરસને એ ટૉક આપી હતી. ટૉકમાં ભાઈ પીઅર્સના જીવન સફર વિશે અમુક વિગતો જણાવવામાં આવી. ઉપરાંત, ભાઈ પીઅર્સની સ્વર્ગીય આશા વિશે જણાવતા ભાઈ સેન્ડરસને ઈસુના આ શબ્દોનો ઉલ્લેખ કર્યો: ‘મારા પિતાના ઘરમાં રહેવાની જગ્યા ઘણી છે. કેમ કે હું તમારે માટે જગ્યા તૈયાર કરવાને જાઉં છું. જો હું જઈને તમારે માટે જગ્યા તૈયાર કરીશ, તો હું પાછો આવીશ, અને તમને મારી પાસે લઈ જઈશ. જેથી, જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો.’—યોહા. ૧૪:૨-૪.

ખરું કે, આપણને ભાઈ પીઅર્સની ઘણી ખોટ સાલશે. છતાં, આપણે ખુશ છીએ કે હંમેશ માટે ‘રહેવાની જગ્યાનો માર્ગ તે જાણતા હતા.’