તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—ન્યૂ યૉર્કમાં
આજથી અમુક વર્ષો અગાઉ કૅલિફૉર્નિયામાં રહેતા ભાઈ સેઝાર અને તેમના પત્ની રોસીઓ આરામદાયક જીવન જીવતાં હતાં. તેઓનું પોતાનું ઘર હતું અને હજી કોઈ બાળકો ન હતાં. ભાઈ સેઝાર વૅન્ટિલેશન (હવાઉજાસને જાળવી રાખતી), હીટિંગ (તાપમાનને ગરમ રાખતી) અને એરકન્ડિશનીંગના ક્ષેત્રમાં કામ કરતા હતા. બહેન રોસીઓ એક ડૉક્ટરની ક્લિનિકમાં થોડા કલાકોની નોકરી કરતા હતાં. પછી, તેઓના જીવનમાં એક મોટો વળાંક આવ્યો. એવું તો શું બન્યું?
ન્યૂ યૉર્ક, વૉલકીલમાં થનાર આપણા બાંધકામમાં અમુક સમય માટે સ્વયંસેવકોની જરૂર હતી. તેથી, ઑક્ટોબર ૨૦૦૯માં અમેરિકાની શાખા કચેરીએ એ દેશનાં બધાં મંડળોને પત્રો મોકલ્યા. એ પત્રો દ્વારા એવાં ભાઈ-બહેનોને થોડા સમયની બેથેલ સેવા માટે અરજી મોકલવા ઉત્તેજન આપવામાં આવ્યું જેઓ ખાસ આવડતો ધરાવે છે. એ ફોર્મ એવાં ભાઈ-બહેનો પણ ભરી શકતાં હતાં, જેઓની બેથેલ સેવા માટે અરજી કરવાની ઉંમર વીતી ગઈ છે. સેઝાર અને રોસીઓ જણાવે છે: ‘અમારી ઉંમરને જોતાં અમને ખ્યાલ આવી ગયો હતો કે બેથેલ સેવા માટેની કદાચ એ અમારા જીવનની છેલ્લી તક છે. અમે કોઈ પણ કિંમતે એ તક ગુમાવવા માંગતા ન હતા.’ તેથી, એ યુગલે તરત જ ફોર્મ ભર્યું.
ફોર્મ ભર્યાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો હતો. એ યુગલ બેથેલમાં બોલાવવામાં આવે એની હજી રાહ જોતું હતું. એ દરમિયાન તેઓ પોતાના ધ્યેય સુધી પહોંચવા જીવન સાદું બનાવવાં લાગ્યાં. ભાઈ સેઝાર જણાવે છે, ‘અમે અમારી ગાડી મૂકવાની જગ્યાને રહેવા માટે રૂમ બનાવી, જેથી એને ભાડે આપી શકાય. પછી અમે ૨,૨૦૦ સ્કવેર ફૂટના અમારા સપનાના ઘરને છોડીને ૨૭૦ સ્કવેર ફૂટના નાના ઘરમાં રહેવાં ગયાં. એમ કરવાથી અમે હવે બેથેલ સેવાના આમંત્રણને સ્વીકારવા વધુ તૈયાર થયાં.’ પછી શું થયું? રોસીઓ કહે છે, ‘અમે નાના ઘરમાં રહેવાં ગયાં. અમુક જ દિવસોમાં અમને વૉલકીલના બાંધકામ માટે થોડા સમયના બેથેલ સેવકો તરીકે બોલાવવામાં આવ્યાં. એના પરથી દેખાઈ આવ્યું કે જીવન સાદું બનાવવાના અમારા પ્રયત્નોને યહોવાએ આશીર્વાદ આપ્યો છે.’
ત્યાગ આપવાનું વલણ આશીર્વાદ લાવ્યું
સેઝાર અને રોસીઓનાં જેવાં સેંકડો ભાઈ-બહેનોએ ત્યાગ આપવાનું વલણ બતાવ્યું છે. તેઓમાંના કેટલાક તો ઘણું ખરું * યહોવાની પૂરા મનથી સેવા કરી શકે માટે ઘણાં યુગલોએ પોતાનાં પાળતું પ્રાણીઓ, સારાં ઘર અને નોકરી જતાં કર્યાં છે. તેઓના ત્યાગ આપવાના વલણ માટે શું યહોવાએ આશીર્વાદ આપ્યો? ચોક્કસ આપ્યો!
જતું કરીને ન્યૂ યૉર્ક રાજ્યમાં થનાર બાંધકામમાં મદદ આપવાં ગયાં છે. બીજા ઘણાઓને વૉરવીકમાં નવા મુખ્ય મથકના બાંધકામમાં ભાગ લેવાનો લહાવો મળ્યો છે.દાખલા તરીકે, વૅય નામના ભાઈ અને તેમના પત્ની ડેબોરા આશરે ૫૮ વર્ષનાં છે. ભાઈ એક ઇલેક્ટ્રિશીયન છે. એ યુગલ કૅન્ઝસમાં આવેલું પોતાનું ઘર અને બીજી સંપત્તિ વેંચીને વૉલકીલ રહેવા ગયું, જેથી બેથેલમાં કમ્યૂટર * તરીકે કામ કરી શકે. એના માટે તેઓને પોતાના જીવનમાં ઘણા ફેરફાર કરવા પડ્યા. જોકે, તેઓ અનુભવે છે કે યહોવાના આશીર્વાદ સામે એ બધા ત્યાગ કંઈ નથી. બેથેલમાં મળેલી સોંપણી વિશે બહેન ડેબોરા કહે છે, ‘આપણાં સાહિત્યમાં ઘણી વાર નવી દુનિયામાં થતાં બાંધકામનાં ચિત્રો આવે છે. કેટલીક વાર મને લાગે છે જાણે હું એ જગ્યાએ જ છું અને ત્યાં મદદ આપી રહી છું.’
દક્ષિણ કૅરોલાઈનામાં રહેતા ભાઈ મેલ્વીન અને તેમના પત્ની શારોને પોતાનું ઘર અને સામાન વેચી દીધાં, જેથી વૉરવીક જઈને મદદ આપી શકે. એવો ત્યાગ આપવો સહેલો નથી. પરંતુ, એ યુગલ વૉરવીકમાં થતાં ઐતિહાસિક બાંધકામમાં મદદ આપવાને મોટો લહાવો ગણે છે. તેઓ કહે છે: ‘આ કામમાં ભાગ લેવાથી દુનિયા ફરતેના આપણા સંગઠનને મદદ થઈ રહી છે, એ જાણીને ઘણો આનંદ મળે છે. એ લાગણી ખરેખર અદ્ભુત છે!’
કૅલિફૉર્નિયામાં રહેતા ભાઈ કેનથ અને તેમના પત્ની મૌરિન આશરે ૫૫ વર્ષનાં છે. ભાઈ કેનથ બાંધકામના ક્ષેત્રમાં કામ કરતા હતા, જેમાંથી તે નિવૃત્ત થયા હતા. એ પતિ-પત્ની મદદ આપવા વૉરવીક ગયાં. તેઓએ પોતાના ઘરની દેખરેખ માટે મંડળના એક બહેનની સહાય લીધી. તેમ જ, વૃદ્ધ પિતાની કાળજી લેવા માટે કુટુંબીજનો પાસે મદદ માંગી. બેથેલમાં સેવા આપવા માટે જે ભોગ આપ્યા એનો શું તેઓને કોઈ અફસોસ છે? જરાય નહિ! ભાઈ કેનથ જણાવે છે, ‘અમને તો ઘણા આશીર્વાદો મળ્યા છે! ખરું કે, એ બધું જતું કરવામાં અમારી સામે અમુક પડકારો આવ્યા. પરંતુ, હવે અમને ઘણો સંતોષ થાય છે. અમે બીજાઓને પણ એવી સેવા કરવા પૂરા દિલથી ઉત્તેજન આપીએ છીએ.’
પડકારો પર જીત મેળવવી
બાંધકામમાં સેવા આપવા જનાર ઘણી વ્યક્તિઓને કેટલાક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. દાખલા તરીકે, ભાઈ વિલીયમ અને બહેન સાન્ડ્રા આશરે ૬૨ વર્ષનાં છે. તેઓ પેન્સિલ્વેનિયામાં આરામદાયક જીવન જીવી રહ્યાં હતાં. તેઓનો પોતાનો વ્યવસાય હતો, જેમાં ૧૭ લોકો કામ કરતા હતા.
વિલીયમ અને સાન્ડ્રા નાનપણથી એક જ મંડળમાં હતા. તેમ જ, તેઓના મોટા ભાગના સગાં આસપાસના વિસ્તારમાં જ રહેતાં. એ યુગલ જાણતું હતું કે વૉલકીલમાં સેવા આપવા તેઓએ પોતાના વહાલા લોકો અને સગવડિયું જીવન છોડીને જવું પડશે. એના વિશે ભાઈ જણાવે છે, ‘પહેલાંના રોજિંદા અને આરામદાયક જીવનમાંથી નીકળવું જ અમારી માટે સૌથી મોટો પડકાર હતો.’ જોકે, ઘણી પ્રાર્થનાઓ પછી એ યુગલે વૉલકીલ જવાનું નક્કી કર્યું. તેઓને એ નિર્ણયનો જરાય અફસોસ નથી. ભાઈ કહે છે, ‘બેથેલનાં ભાઈ-બહેનો સાથે મળીને સેવા આપવાથી જે ખુશી મળે છે એને કશાની સાથે સરખાવી ન શકાય. સાન્ડ્રા અને હું આટલાં ખુશ ક્યારેય ન હતાં!’હવાઇ ટાપુ પર રહેનાર રિક્કીને પણ વૉરવીકમાં સેવા આપવા કમ્યૂટર તરીકે બોલાવવામાં આવ્યા. તેમના પત્ની કિન્ડ્રા ચાહતાં હતાં કે ભાઈ એ આમંત્રણ સ્વીકારે. જોકે, તેઓને ૧૧ વર્ષના દીકરા જેકબની ચિંતા હતી. તેઓને થયું કે શું ન્યૂ યૉર્ક રાજ્યમાં જવાનો નિર્ણય યોગ્ય સાબિત થશે? શું દીકરો જેકબ ત્યાંના સાવ જુદા માહોલને અપનાવી શકશે?
ભાઈ રિક્કી કહે છે, ‘અમારી સૌથી મોટી ચિંતા એક એવું મંડળ શોધવાની હતી, જેમાં તરુણો ભક્તિમાં સારું કરતા હોય. અમે ઇચ્છતાં હતાં કે જેકબને સારી સંગત મળી રહે.’ તેઓ જે મંડળ સાથે જોડાયા ત્યાં બાળકો ઓછાં હતાં, જોકે કેટલાક બેથેલ સેવકો હતા. ભાઈ રિક્કી જણાવે છે, ‘પહેલી સભા પછી મેં જેકબને પૂછ્યું કે તેને નવું મંડળ કેવું લાગ્યું. તેણે કહ્યું “પપ્પા તમે જરાય ચિંતા ન કરો, બેથેલમાં સેવા આપનાર યુવાનો મારા દોસ્ત બનશે!”’
એવું જ બન્યું. બેથેલમાં સેવા આપતા એ યુવાનોએ જેકબને પોતાનો દોસ્ત બનાવી લીધો. એની જેકબ પર કેવી અસર થઈ? ભાઈ રિક્કી જણાવે છે, ‘એક રાતે, જેકબની રૂમ પાસેથી પસાર થતાં મેં તેના રૂમની લાઇટ ચાલું જોઈ. મને થયું કે તે વીડિયો ગેમ રમતો હશે. પરંતુ, તે તો બાઇબલ વાંચતો હતો. મેં તેને પૂછ્યું કે તે શું કરે છે ત્યારે તેણે કહ્યું “હું પણ બેથેલમાં જવા ચાહું છું, એટલે તેઓની જેમ એક વર્ષમાં આખું બાઇબલ વાંચવાનું પૂરું કરીશ!”’ એમાં કોઈ શંકા નથી કે વૉરવીકમાં જઈ સેવા આપવાના નિર્ણયને લીધે રિક્કી અને કિન્ડ્રા ખૂબ ખુશ છે. ભાઈ રિક્કી ત્યાં થતાં બાંધકામમાં મદદ આપી શકે છે અને તેમનો દીકરો જેકબ પણ સત્યમાં સારી પ્રગતિ કરી રહ્યો છે.—નીતિ. ૨૨:૬.
કાલની ચિંતા અમે યહોવાને સોંપી
સમય જતાં, વૉલકીલ અને વૉરવીકનું બાંધકામ પૂરું થશે. તેથી, ત્યાં સેવા આપવા ગયેલાં ભાઈ-બહેનો જાણે છે કે તેઓની બેથેલ સેવા પણ પૂરી થશે. એ પછી તેઓ ક્યાં જશે અને શું કરશે, એની શું તેઓ વધુ પડતી ચિંતા કરે છે? જરાય નહિ! ઘણાં ભાઈ-બહેનોની લાગણી ફ્લોરિડાના આશરે પચાસેક વર્ષનાં આ બે યુગલો જેવી છે. વૉરવીકના બાંધકામમાં ભાઈ જોન મેનેજર તરીકે સેવા આપે છે. તેમના પત્ની કારમન પણ સ્વયંસેવક તરીકે સેવા આપે છે. એ યુગલ કહે છે: ‘અમે જોઈ શક્યાં કે અમને જે સમયે જેની જરૂર હતી યહોવાએ એને પૂરી પાડી છે. યહોવા અમને અહીં લાવ્યા છે. તેથી, અમને ખાતરી છે કે તે અમને ક્યારેય ત્યજી દેશે નહિ!’ (ગીત. ૧૧૯:૧૧૬) ભાઈ લુઈસનું કામ અગ્નિ સામે સુરક્ષા આપનાર વ્યવસ્થાની રૂપરેખા તૈયાર કરવાનું છે. તેમના પત્ની ક્વિનીયા પણ વૉલકીલમાં સેવા આપે છે. એ યુગલ કહે છે: ‘અમારી દરેક જરૂરિયાતને અમે યહોવાના ઉદાર હાથે પૂરી થતાં જોઈ છે. અમે જાણતા નથી કે તે અમારી કાળજી ક્યારે, ક્યાં અને કઈ રીતે લેશે. પરંતુ, અમને એક વાતની ખાતરી છે કે તે અમારી કાળજી ચોક્કસ લેતા રહેશે.’—ગીત. ૩૪:૧૦; ૩૭:૨૫.
‘સમાય નહિ એટલો બધો આશીર્વાદ’
ન્યૂ યૉર્ક રાજ્યમાં થતાં બાંધકામમાં મદદ આપનાર મોટા ભાગનાં ભાઈ-બહેનોને ત્યાં ન જવાનાં કારણો મળ્યાં હોત. પરંતુ, તેઓએ બાઇબલમાં જણાવ્યા પ્રમાણે યહોવાની પરખ કરી જોઈ. યહોવા જણાવે છે: ‘મારું પારખું તો લઈ જુઓ, કે હું તમારા માટે આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગ્યા નહિ હોય, એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહિ!’—માલા. ૩:૧૦.
શું તમે પણ યહોવાની પરખ કરીને તેમના તરફથી મળતા અઢળક આશીર્વાદોનો અનુભવ કરવા ઇચ્છો છો? એમ હોય તો પ્રાર્થનાપૂર્વક તમારા સંજોગોની તપાસ કરો. જુઓ કે તમે પણ એ રોમાંચક કામનો ભાગ બની શકો છો કે નહિ. ભલે ન્યૂ યૉર્કમાં કે પછી સંગઠનનાં કોઈ પણ બાંધકામમાં તમે સેવા આપો, તમને યહોવાના આશીર્વાદોનો અનુભવ ચોક્કસ થશે.—માર્ક ૧૦:૨૯, ૩૦.
ડૈલ અને કેથી નામનું યુગલ ઍલાબૅમામાં રહેતું હતું. ભાઈ ડૈલ સિવિલ એંજિનિયર છે. એ યુગલ વૉલકીલમાં સેવા આપી રહ્યું છે. તેઓ કહે છે: ‘જો તમારામાં આરામદાયક જીવન જતું કરવાની હિંમત હોય, તો તમારી પાસે યહોવાની શક્તિનો અનુભવ કરવાની તક છે.’ એવી તક ઝડપી લેવા શું કરવું જોઈએ? ડૈલ કહે છે, ‘તમારા જીવનને સાદું, હજી સાદું, એકદમ સાદું બનાવો! એમ કરવાનો તમને ક્યારેય અફસોસ નહિ થાય.’ ઉત્તર કૅરોલાઈનામાં રહેતા ભાઈ ગેરીને બાંધકામ સંચાલનમાં ૩૦ વર્ષનો અનુભવ છે. તે અને તેમના પત્ની મૌરિન વૉરવીકમાં સેવા આપે છે. એ વિશે તેઓ આમ જણાવે છે, ‘ત્યાં અમને એવાં ભાઈ-બહેનો સાથે કામ કરવાની તક મળે છે, જેઓ લાંબા સમયથી સેવા કરે છે. એ સૌથી મોટો આશીર્વાદ છે. ઉપરાંત, અમે તેઓની પ્રેમાળ સંગત માણી શકીએ છીએ.’ વધુમાં ભાઈ ગેરીનું કહેવું છે, ‘બેથેલમાં સેવા આપવા વ્યક્તિએ એકદમ સાદું જીવન જીવવું ખૂબ જરૂરી છે. એમ પણ આજના સમયમાં જીવન જીવવાની એ સૌથી સારી રીત છે.’ ઇલિનોઈ રાજ્યના ભાઈ જેસન ઇલેક્ટ્રિશીયન છે. તે અને તેમના પત્ની જેનિફર વૉલકીલમાં સેવા આપવા વિશે આમ કહે છે: ‘અહીં સેવા આપવાથી તમે નવી દુનિયાની એક ઝલકનો અનુભવ કરી શકો છો.’ બહેન જેનિફર કહે છે, ‘યહોવા માટે આપણે જે કંઈ કરીએ એની તે કદર કરે છે. તેમ જ, તે આપણને ભાવિ માટે તાલીમ પણ આપે છે. ખરેખર, એ જાણીને બહુ ખુશી થાય છે! અરે, સમાય નહિ એટલો બધો આશીર્વાદ આપણને મળે એનું યહોવા ધ્યાન રાખે છે.’