જાપાન માટે એક અનોખી ભેટ
એપ્રિલ ૨૮, ૨૦૧૩માં જાપાનના નાગોયા શહેરમાં એક ખાસ સભા યોજવામાં આવી હતી. એ સભાનું પ્રસારણ ઇન્ટરનેટ દ્વારા અમુક જગ્યાઓએ પણ થયું હતું. આશરે ૨ લાખ ૧૦ હજાર લોકોએ એ સભાનો આનંદ માણ્યો હતો. યહોવાના સાક્ષીઓના નિયામક જૂથના સભ્ય, ભાઈ એન્થોની મોરીસે સભામાં હાજર લોકોને ખુશ કરી દે એવી જાહેરાત કરી. તેમણે જાપાની ભાષામાં “ધ બાઇબલ—ધ ગૉસ્પલ અકૉર્ડિંગ ટુ મેથ્યુ” નામનું એક નવું પુસ્તક બહાર પાડ્યું. એ જાહેરાત સાંભળીને દર્શકોની તાળીઓનો ગડગડાટ કેટલાક સમય સુધી ચાલતો રહ્યો.
જાપાની ભાષામાં ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન બાઇબલ ઉપલબ્ધ છે. એ બાઇબલમાંની માથ્થીની સુવાર્તાને ૧૨૮ પાનના પુસ્તક તરીકે બહાર પાડવામાં આવી છે. ભાઈ મોરીસે સમજાવ્યું કે એ પુસ્તક ખાસ ‘જાપાની ભાષાના લોકોને ધ્યાનમાં રાખીને’ બનાવવામાં આવ્યું છે. એ પુસ્તકની કઈ ખાસિયતો છે? એ પુસ્તક શા માટે બહાર પાડવામાં આવ્યું? એ પુસ્તક મેળવીને લોકોને કેવું લાગે છે?
એ પુસ્તકની કઈ ખાસિયતો છે?
એ નવા પુસ્તકના લખાણને અલગ ઢબે મૂકવામાં આવ્યું છે, જેને જોઈને લોકોને નવાઈ લાગી. જાપાની લિપિમાં વાક્યો ડાબેથી જમણે અથવા ઉપરથી નીચે એમ બંને રીતે લખવામાં આવે છે. જાપાનનાં ઘણાં છપાયેલાં સાહિત્યમાં વાક્યો ડાબેથી જમણે એટલે કે આડી હરોળમાં લખવામાં આવે છે. એ જ ઢબ હાલનાં આપણાં સાહિત્યમાં પણ જોવા મળે છે. જ્યારે કે, આ નવા પુસ્તકમાં વાક્યો ઉપરથી નીચે એટલે કે ઊભી હરોળમાં મૂકવામાં આવ્યાં છે. જાપાનમાં ન્યૂઝપેપર અને બીજાં સ્થાનિક સાહિત્યમાં ઊભી હરોળમાં લખવાની ઢબ પ્રખ્યાત છે. જાપાનના મોટા ભાગના વાચકોને એ ઢબનું લખાણ વાંચવું સહેલું લાગે છે. આપણા નવા પુસ્તકની બીજી એક ખાસિયત છે કે એમાં દરેક મથાળું પણ ઊભી હરોળમાં લખવામાં આવ્યું છે. તેથી, વાચકો સહેલાઈથી મુખ્ય મુદ્દા વાંચી શકે છે.
જાપાનમાં આપણાં ભાઈ-બહેનોએ એ નવા પુસ્તકની ખાસિયતોનો લાભ ઉઠાવવાનો શરૂ કરી દીધો છે. ૮૦થી વધુ વર્ષનાં એક બહેન કહે છે, ‘મેં માથ્થીની સુવાર્તા અગાઉ પણ ઘણી વાર વાંચી છે. પરંતુ, આ નવા પુસ્તકમાં વાક્યો અને મથાળાં ઊભી હરોળમાં લખવામાં આવ્યાં છે. એના લીધે મને ઈસુનો પહાડ પરનો ઉપદેશ વધુ સારી રીતે સમજવા મદદ મળી છે.’ એક યુવાન બહેને લખ્યું: ‘મેં એક જ વારમાં એ પુસ્તક આખું વાંચી કાઢ્યું! મને ડાબેથી જમણે લખેલાં વાક્યો વાંચવાં ફાવે છે. પરંતુ, જાપાનના મોટા ભાગના લોકો ઊભી હરોળમાં લખેલાં વાક્યો વાંચવાનું પસંદ કરે છે.’
ખાસ જાપાની ક્ષેત્ર માટે તૈયાર કરવામાં આવ્યું
ફક્ત આ એક પુસ્તક દ્વારા જાપાની ભાષાના પ્રચાર વિસ્તારની જરૂરિયાતો કઈ રીતે પૂરી થાય છે? ખરું કે, જાપાનના મોટા ભાગના લોકો બાઇબલ વિશે ખાસ કંઈ જાણતા નથી. જોકે, તેઓ બાઇબલ વાંચવાની ઇચ્છા તો બતાવે છે. અમુક લોકોએ બાઇબલ ક્યારેય જોયું નથી. તેઓને આ નવા પુસ્તક દ્વારા બાઇબલનો એક ભાગ વાંચવાની તક મળશે.
શા કારણે માથ્થીની સુવાર્તાને જ પસંદ કરવામાં આવી? મોટા ભાગના જાપાની લોકોને “બાઇબલ” શબ્દ સાંભળતા જ ઈસુ ખ્રિસ્ત મનમાં આવે છે. માથ્થીની સુવાર્તામાં ઈસુની વંશાવળી, તેમના જન્મની માહિતી, પહાડ પરનો ઉપદેશ અને છેલ્લા સમયની
ભવિષ્યવાણીઓ છે. એ બધા વિષયો જાપાની લોકોમાં બાઇબલ માટે રસ જગાડે એવા છે. એ કારણે નવા પુસ્તક માટે માથ્થીની સુવાર્તા પસંદ કરવામાં આવી.જાપાનમાં ઉત્સાહી ભાઈ-બહેનોએ એ પુસ્તકને ઘર-ઘરના સાક્ષીકાર્યમાં અને ફરી મુલાકાતોમાં આપવાનું શરૂ કરી દીધું છે. એક બહેને લખ્યું: ‘એ પુસ્તકને લીધે હવે મારી પાસે, પ્રચાર વિસ્તારમાં લોકોને ઈશ્વરનાં વચનો વિશે જણાવવાની વધુ તક છે. એ નવું પુસ્તક બહાર પાડવામાં આવ્યું એ જ સાંજે, એની એક પ્રત હું સાક્ષીકાર્યમાં આપી શકી!’
એ પુસ્તક મેળવીને લોકોને કેવું લાગ્યું?
સાક્ષીકાર્યમાં ભાઈ-બહેનો એ નવા પુસ્તકની રજૂઆત કઈ રીતે કરે છે? જાપાનમાં ઘણા લોકો આવી કહેવતોથી વાકેફ છે: “કાલની ચિંતા ન કરો,” “ભૂંડ આગળ મોતી” અને “સાંકડું બારણું.” (માથ. ૬:૩૪; ૭:૬, ૧૩) લોકોને જાણીને ખૂબ નવાઈ લાગે છે કે એ શબ્દો ઈસુના છે. માથ્થીની સુવાર્તામાં એ શબ્દો જોઈને તેઓમાંના ઘણા આવું કંઈક કહે છે: ‘મને હંમેશાંથી ઇચ્છા હતી કે જીવનમાં એક વાર તો બાઇબલ વાંચું!’
જે લોકોએ પુસ્તક સ્વીકાર્યું હતું તેઓની ભાઈ-બહેનોએ ફરી મુલાકાત લીધી. એ લોકોએ જણાવ્યું કે જે દિવસે એ પુસ્તક મળ્યું તે જ દિવસે અમે અમુક ભાગ વાંચી લીધો છે. અરે, અમુકે તો આખું પુસ્તક વાંચી લીધું હતું. આપણા એક પ્રકાશકને ૬૦થી વધુ વર્ષની એક વ્યક્તિએ કહ્યું: ‘મેં એ પુસ્તક ઘણી વાર વાંચ્યું. એને વાંચવાથી મને દિલાસો મળ્યો. તમે મને બાઇબલ વિશે વધુ શીખવશો?’
એ નવા પુસ્તકનો ઉપયોગ જાહેરના સાક્ષીકાર્યમાં પણ થઈ રહ્યો છે. એવા સાક્ષીકાર્ય દરમિયાન આપણાં એક બહેને એક યુવતીને એ પુસ્તક અને પોતાનું ઈ-મેઇલ એડ્રેસ આપ્યું. એક કલાક પછી એ યુવતીએ બહેનને ઈ-મેઇલ કર્યો. યુવતીએ લખ્યું કે તેણે પુસ્તકનો અમુક ભાગ વાંચી લીધો છે અને વધુ જાણવા માંગે છે. એક અઠવાડિયા પછી તેનો બાઇબલ અભ્યાસ શરૂ થયો અને થોડાક દિવસો પછી તે સભાઓમાં પણ આવવા લાગી.
ધ બાઇબલ—ધ ગૉસ્પલ અકૉર્ડિંગ ટુ મેથ્યુ પુસ્તકની ૧૬ લાખથી વધુ પ્રતો જાપાનનાં મંડળોને મોકલવામાં આવી છે. દર મહિને ભાઈ-બહેનો, હજારોની સંખ્યામાં એ નવા પુસ્તકને સાક્ષીકાર્યમાં આપી રહ્યાં છે. એ પુસ્તકના પ્રકાશકોએ પ્રસ્તાવનામાં પોતાની લાગણી વ્યક્ત કરતા આવું જણાવ્યું છે: ‘અમારી આશા છે કે આ પુસ્તક વાંચીને બાઇબલમાં તમારો રસ વધે.’