સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણો ઇતિહાસ

“એક ખાસ ઋતુ”

“એક ખાસ ઋતુ”

વર્ષ ૧૮૭૦માં પીટ્સબર્ગ, પેન્સિલ્વેનિયા, અમેરિકામાં એક નાનું વૃંદ શાસ્ત્રવચનો પર સંશોધન કરવા લાગ્યું. ભાઈ ચાર્લ્સ ટેઝ રસેલે એ વૃંદની આગેવાની લીધી. ઈસુના બલિદાનના વિષય પર એ વૃંદ અભ્યાસ કરતું. એનાથી તેઓ સમજી શક્યા કે યહોવાના હેતુમાં ઈસુનું બલિદાન મુખ્ય ભાગ ભજવે છે. તેઓએ જાણ્યું કે ઈસુને ન ઓળખનાર લોકો માટે પણ એ બલિદાનને લીધે જીવનનો માર્ગ ખૂલી ગયો છે. એ જાણીને તેઓની ખુશીનો કોઈ પાર ન રહ્યો. ઈસુએ આપેલા બલિદાન માટે કદર બતાવવા તેઓ દર વર્ષે સ્મરણપ્રસંગ ઊજવવા લાગ્યા.—૧ કોરીં. ૧૧:૨૩-૨૬.

ભાઈ રસેલે, ઝાયન્સ વૉચ ટાવર નામનું મૅગેઝિન બહાર પાડવાનું શરૂ કર્યું. એ મૅગેઝિનો મુખ્યત્વે ઈસુના બલિદાનના વિષયને ચમકાવતાં, જે યહોવાના અપાર પ્રેમની સાબિતી છે. વૉચ ટાવર મૅગેઝિનોમાં સ્મરણપ્રસંગના સમયને “એક ખાસ ઋતુ” તરીકે ઉલ્લેખવામાં આવ્યો. એના દ્વારા બધા વાચકોને ઉત્તેજન આપવામાં આવ્યું કે તેઓ પીટ્સબર્ગમાં અથવા બીજી જગ્યાઓએ ભેગા થઈને સ્મરણપ્રસંગ ઊજવે. પછી ભલે ત્યાં એક અથવા ‘બે કે ત્રણ જણ ઈસુને નામે એકઠા થાય, તેઓની મધ્યે ઈસુ હશે.’

દર વર્ષે સ્મરણપ્રસંગ ઊજવવા વધુને વધુ લોકો પીટ્સબર્ગ આવવા લાગ્યા. સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા પર લખ્યું હતું, ‘તમને અહીં પ્રેમભર્યો આવકાર મળશે!’ ત્યાંના બાઇબલ વિદ્યાર્થીઓએ બીજાં ભાઈ-બહેનોને ખુશી ખુશી આવકાર આપ્યો. તેઓ માટે પોતાના ઘરે રહેવાની અને ખાવા-પીવાની વ્યવસ્થા કરી. વર્ષ ૧૮૮૬માં સ્મરણપ્રસંગ પછી, અમુક દિવસોનું એક ખાસ સંમેલન યોજાયું. એ સંમેલન માટે વૉચ ટાવરમાં આવા શબ્દોથી ઉત્તેજન આપવામાં આવ્યું: ‘આપણા પ્રભુ, તેમના સત્ય અને તેમના ભાઈઓ માટે જેઓના દિલ પ્રેમથી છલકાય છે, તેઓ બધા આવો!’

લંડન ટૅબરનૅકલમાં સ્મરણપ્રસંગ વખતે પ્રતીકો પસાર કરવા માટેની યોજના બતાવતો ચાર્ટ

સ્મરણપ્રસંગમાં આવેલા લોકો માટે બાઇબલ વિદ્યાર્થીઓએ પીટ્સબર્ગમાં અમુક વર્ષો સુધી એવાં સંમેલનોની ગોઠવણ કરી. બાઇબલ વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ તેમ દુનિયા ફરતે સ્મરણપ્રસંગમાં આવતા લોકોની સંખ્યા પણ વધી. શિકાગો મંડળના ભાઈ, રેય બોપ્પ ૧૯૧૦માં સ્મરણપ્રસંગે બનેલા એક બનાવને યાદ કરે છે. તે જણાવે છે કે એ પ્રસંગમાં સેંકડો લોકો હાજર રહ્યા હતા. લોકોમાં પ્રતીકો પસાર કરતા અમુક કલાકો લાગ્યા. કારણ કે આશરે બધાએ ખાવા-પીવામાં ભાગ લીધો હતો.

એ સમયમાં પ્રતીકો તરીકે શાનો ઉપયોગ થતો? ખરું કે ઈસુએ પ્રભુ ભોજન વખતે દ્રાક્ષદારૂનો ઉપયોગ કર્યો હતો. છતાં, અમુક સમય સુધી વૉચ ટાવરમાં એવું સૂચન આપવામાં આવ્યું કે દ્રાક્ષદારૂને બદલે તાજી દ્રાક્ષનો રસ અથવા સૂકી દ્રાક્ષને બાફીને બનાવેલો રસ વાપરવો. એમ સૂચવવાનું કારણ હતું કે જેઓ “મનથી કમજોર” હોય, તેઓ વધુ પડતું પીવાની લાલચમાં ન ફસાય. જોકે, જેઓને લાગતું કે એ પ્રસંગે “દ્રાક્ષદારૂનો જ ઉપયોગ થવો જોઈએ” તેઓ માટે દ્રાક્ષદારૂની વ્યવસ્થા કરવામાં આવતી. સમય જતાં, બાઇબલ વિદ્યાર્થીઓને સમજાયું કે ઈસુના લોહીને રજૂ કરવા, ભેળસેળ વગરના લાલ દ્રાક્ષદારૂનો જ ઉપયોગ યોગ્ય છે.

આ કાગળ અને પેન્સિલ, નિકારાગુઆની જેલમાં સ્મરણપ્રસંગની હાજરી નોંધવા પસાર કરવામાં આવ્યાં

ઈસુના મરણ પર મનન કરવાની સ્મરણપ્રસંગ વખતે તક મળતી. અમુક મંડળોમાં સ્મરણપ્રસંગ વખતે ખૂબ ગમગીન માહોલ છવાઈ જતો. સભાઓ પછી ભાઈ-બહેનો વાત કરવા પણ રોકાતાં નહિ. જોકે, ૧૯૩૪માં, જેહોવા નામના પુસ્તકમાં જણાવવામાં આવ્યું કે સ્મરણપ્રસંગે ઈસુના કરુણ મરણનો ‘શોક’ મનાવવો યોગ્ય નથી. એના બદલે, ૧૯૧૪થી ઈસુ રાજા બન્યા છે એ યાદ રાખીને ‘આનંદ’ કરવો જોઈએ.

વર્ષ ૧૯૫૭માં રશિયાના મોર્ડવિનિયામાં, મજૂરોની છાવણીમાં ભાઈઓ સ્મરણપ્રસંગ ઊજવવા ભેગા થયા હતા

વર્ષ ૧૯૩૫માં એક મોટો ફેરફાર થયો જેની અસર આવનાર વર્ષોના સ્મરણપ્રસંગ પર થવાની હતી. પ્રકટીકરણ ૭:૯માં જણાવેલી “મોટી સભા” વિશેની સમજણમાં સુધારો આવ્યો. એ સમય સુધી યહોવાના સેવકો એવું માનતા કે જેઓનો ઉત્સાહ ઓછો હોય એવા સમર્પિત ખ્રિસ્તીઓ “મોટી સભા”નો ભાગ છે. પરંતુ, ૧૯૩૫માં જણાવવામાં આવ્યું કે જેઓને પૃથ્વી પરના જીવનની આશા છે તેઓ “મોટી સભા”નો ભાગ છે. એ સભા અસંખ્ય વફાદાર ઈશ્વરભક્તોથી બનેલી છે. એ સમજણ વિશે જાણીને ભાઈ રસેલ પોજેન્સીએ પોતાની આશા પર વધુ મનન કર્યા પછી કબૂલ્યું: ‘યહોવાની પવિત્ર શક્તિએ મને સ્વર્ગની આશા માટે સાક્ષી આપી ન હતી.’ ત્યાર બાદ, ભાઈ પોજેન્સી અને બીજા વફાદાર ઈશ્વરભક્તો સ્મરણપ્રસંગમાં ખાવા-પીવામાં ભાગ ન લેતા. પરંતુ, તેઓ સ્મરણપ્રસંગમાં હાજર જરૂર રહેતા.

સ્મરણપ્રસંગની એ “ખાસ ઋતુ” દરમિયાન સાક્ષીકાર્ય માટે વિશેષ ઝૂંબેશ રાખવામાં આવતી. એમાં ભાગ લઈને લોકોને ઈસુના બલિદાન પ્રત્યે કદર બતાવવાની તક મળતી. વર્ષ ૧૯૩૨ના બુલેટિનમાં ખ્રિસ્તીઓને ઉત્તેજન આપવામાં આવ્યું કે તેઓ સ્મરણપ્રસંગે ફક્ત ખાવા-પીવામાં ભાગ લઈને ‘સ્મરણપ્રસંગના સંત’ ન બની રહે. એના બદલે, સત્યના સંદેશાને ફેલાવીને ‘કામ કરનાર’ બને. વર્ષ ૧૯૩૪ના બુલેટિનમાં ‘સહાયક પાયોનિયરીંગ’ માટે આવી જાહેરાત થઈ: ‘શું સ્મરણપ્રસંગના સમય સુધી ૧,૦૦૦ લોકો નામ નોંધાવશે?’ વધુમાં અભિષિક્તો માટે ઇન્ફોર્મન્ટમાં જણાવવામાં આવ્યું કે, ‘રાજ્યના સંદેશાની સાક્ષી આપશો તો જ ખરેખરા અર્થમાં તમે આનંદી બનશો!’ સમય જતાં, પૃથ્વીની આશા રાખનારા લોકો માટે પણ એ વાત સાચી સાબિત થવાની હતી. *

ભાઈ હેરોલ્ડ કિંગ ચીનમાં કેદી હતા ત્યારે સ્મરણપ્રસંગ વિશે તેમણે કવિતા અને ગીતો લખ્યાં

યહોવાના સાક્ષીઓ માટે સ્મરણપ્રસંગની સાંજ વર્ષની સૌથી મહત્ત્વની સાંજ છે. મુશ્કેલ સંજોગોમાં પણ તેઓ સ્મરણપ્રસંગ ઊજવે છે. વર્ષ ૧૯૩૦માં પર્લ ઇંગ્લિશ અને તેમનાં બહેન ઑરા આશરે ૮૦ કિ.મી. ચાલીને સ્મરણપ્રસંગમાં હાજરી આપવાં ગયાં. ચીનમાં, હેરોલ્ડ કિંગ નામના મિશનરી ભાઈને એકાંતવાસમાં કેદ રાખવામાં આવ્યા. જેલમાં તેમણે સ્મરણપ્રસંગના વિષય પર કવિતા અને ગીતો લખ્યાં. પ્રતીકો માટે તેમણે કાળી દ્રાક્ષ જેવાં એક ફળના (બ્લેક કરંટના) રસનો અને ભાતનો ઉપયોગ કર્યો. પૂર્વ યુરોપ હોય, મધ્ય અમેરિકા કે આફ્રિકા, ખ્રિસ્તીઓએ યુદ્ધ અને પ્રતિબંધના સમયોમાં પણ હિંમત બતાવીને સ્મરણપ્રસંગ ઊજવ્યો છે. આપણે ગમે ત્યાં કે ગમે તે સંજોગોમાં હોઈએ, યહોવા અને ઈસુ માટે માન બતાવવા સ્મરણપ્રસંગમાં અચૂક હાજર રહીએ.

^ ફકરો. 10 બુલેટિન પછીથી ઇન્ફોર્મન્ટ નામથી ઓળખાયું અને આજે એ આપણી રાજ્ય સેવા છે.