સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“કેવળ પ્રભુમાં” લગ્ન કરવું—એ સલાહ આજે કેટલી વાજબી છે?

“કેવળ પ્રભુમાં” લગ્ન કરવું—એ સલાહ આજે કેટલી વાજબી છે?

“મંડળમાં મને કોઈ લગ્નસાથી મળતો નથી. ઉંમર વધતી જાય છે તેમ એકલા જીવવાનો મને ડર લાગે છે!”

“સત્યમાં નથી એવા અમુક પુરુષો પણ ઘણા નમ્ર, પ્રેમાળ અને કાળજી લેનારા હોય છે. અરે, તેઓને મારા ધર્મ પ્રત્યે કોઈ વાંધો નથી. તેમ જ, મંડળના કેટલાક ભાઈઓની સરખામણીમાં તેઓ ગમી જાય એવા હોય છે.”

એવા વિચારો યહોવાના અમુક ભક્તોએ વ્યક્ત કર્યા છે. જોકે, તેઓ “કેવળ પ્રભુમાં” લગ્ન કરવાની પાઊલની સલાહથી પણ વાકેફ છે. લગ્ન વિશે યહોવાના બધા સાક્ષીઓ એ સલાહને આધારે નિર્ણયો લેતા હોવા જોઈએ. (૧ કોરીં. ૭:૩૯) તો પછી, શા માટે તેઓને એવા વિચારો આવે છે?

શા માટે અમુકને એવી શંકા છે?

એવી શંકા ધરાવનાર સાક્ષીઓ માને છે કે લગ્ન કરવાને યોગ્ય ભાઈઓ અને બહેનો ઓછી-વત્તી સંખ્યામાં છે. એ વાત સાચી કે ઘણા દેશોમાં એવી પરિસ્થિતિ જોવા મળે છે. જેમ કે, કોરિયામાં આશરે ૪૩ ટકા કુંવારા ભાઈઓ તો ૫૭ ટકા બહેનો છે. કોલંબિયાના સાક્ષીઓમાં ૬૬ ટકા બહેનો છે, જ્યારે કે ૩૪ ટકા ભાઈઓ છે.

અમુક દેશોમાં, સત્યમાં ન હોય એવાં માતાપિતા લગ્ન વખતે મોટી રકમ કે કીમતી ભેટ-સોગાદોની માંગણી કરે છે. આમ, આર્થિક રીતે મધ્યમ વર્ગના ભાઈઓ માટે લગ્ન કરવામાં નડતરો ઊભાં થાય છે. એ જોતાં, આપણાં કોઈ પણ બહેનને એમ લાગી શકે કે “કેવળ પ્રભુમાં” એટલે કે યહોવાના સાક્ષીઓમાં સારું પાત્ર મળવાની શક્યતાઓ ઓછી છે. તેથી, બહેનને કદાચ થાય કે ‘શું યહોવાના ભક્તોમાં યોગ્ય લગ્નસાથી શોધવો ખરેખર વાજબી છે?’ *

યહોવામાં ભરોસો રાખવો ખૂબ જરૂરી

જો તમને પણ એવો વિચાર આવ્યો હોય, તો ખાતરી રાખો કે યહોવાને તમારા સંજોગો વિશે ખબર છે. તે સારી રીતે જાણે છે કે તમે કેવું અનુભવો છો.—૨ કાળ. ૬:૨૯, ૩૦.

તેથી વિચારવા જેવું છે કે શા માટે યહોવાએ ફક્ત પ્રભુમાં લગ્ન કરવા વિશે બાઇબલમાં માર્ગદર્શન આપ્યું છે. તે પોતાના લોકો માટે શું સારું છે, એ જાણે છે. તે નથી ચાહતા કે ખોટો નિર્ણય લઈને તેઓ દુઃખી થાય. માટે તે તેઓનું રક્ષણ કરવા ચાહે છે. એટલું જ નહિ, યહોવા તો દરેક ભક્તને ખુશ જોવા માંગે છે. નહેમ્યાના દિવસોમાં ઘણા યહુદીઓએ એવા લોકો સાથે લગ્ન કર્યા જેઓ યહોવાના ભક્તો ન હતા. એ સમયે નહેમ્યાએ સુલેમાનનો ઉલ્લેખ કર્યો હતો, જેમણે ખરાબ દાખલો બેસાડ્યો હતો. ભલે, સુલેમાન ‘પોતાના ઈશ્વરના વહાલા હતા. તેમ છતાં તેમની પરદેશી સ્ત્રીઓએ તેમની પાસે પાપ કરાવ્યું.’ (નહે. ૧૩:૨૩-૨૬) તેથી, આજના સમયમાં પણ પોતાના ભક્તોની ભલાઈ માટે તે પ્રભુમાં લગ્ન કરવાની સલાહ આપે છે. (ગીત. ૧૯:૭-૧૦; યશા. ૪૮:૧૭, ૧૮) ઈશ્વરની એ પ્રેમાળ સંભાળ માટે તેમના સેવકો દિલથી આભારી છે! તેઓ ઈશ્વર પાસેથી મળતા ઉપયોગી માર્ગદર્શન પર આધાર રાખે છે. આમ, તેઓ એ આજ્ઞા પાળીને યહોવાને વિશ્વના માલિક તરીકે સ્વીકારે છે.—નીતિ. ૧:૫.

ચોક્કસ, તમે પણ “અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ” નહિ રાખો, એટલે કે સત્ય બહાર લગ્ન નહિ કરો. નહિતર, તમે યહોવાથી દૂર થઈ જશો. (૨ કોરીં. ૬:૧૪) સદીઓ દરમિયાન, એ સલાહ ખરી અને રક્ષણ આપનારી સાબિત થઈ છે. આજે યહોવાના ઘણા ભક્તોએ એ સલાહને લાગુ પાડી છે. તેઓ જોઈ શક્યા છે કે એ સલાહ લાગુ પાડીને તેઓએ સમજદારી બતાવી છે. જોકે, અમુકે એ સલાહ ગણકારી નથી.

એ સલાહ પાળવી આજે પણ વાજબી છે

ઑસ્ટ્રેલિયામાં રહેતાં મેગી નામનાં બહેન એવા યુવકના પ્રેમમાં પડ્યાં, જે સત્યમાં ન હતો. * બહેન જણાવે છે કે એ છોકરા સાથે ડેટિંગ કરવાં લાગ્યાં ત્યારે શું બન્યું: ‘તેની સાથે સમય વિતાવવા હું ઘણી સભાઓ ચૂકી જતી. જોત જોતાંમાં, હું યહોવાની ભક્તિમાં સાવ ઠંડી પડી ગઈ.’ ભારતમાં રહેતાં રત્ના નામનાં યુવાન બહેન પોતાની સાથે ભણતા છોકરાના પ્રેમમાં પડ્યાં. તે છોકરાએ બાઇબલ અભ્યાસ પણ શરૂ કર્યો. પરંતુ, સમય જતાં તેણે બતાવી દીધું કે તેનો ઇરાદો ફક્ત રત્નાને મેળવવાનો હતો. એ છોકરા સાથે પરણવા રત્નાએ સત્ય છોડી દીધું અને બીજો ધર્મ અપનાવ્યો.

બીજું ઉદાહરણ કેમેરૂનમાં રહેતાં બહેન નદેન્કાનું છે. તેમણે ૧૯ વર્ષની ઉંમરે સત્ય બહાર લગ્ન કર્યું. તેમના મંગેતરે વચન આપ્યું હતું કે લગ્ન પછી પણ નદેન્કા પોતાનો ધર્મ છૂટથી પાળી શકશે. પરંતુ, લગ્નનાં બે જ અઠવાડિયા પછી તેણે નદેન્કાનું સભામાં જવાનું બંધ કરાવી દીધું. બહેન જણાવે છે, ‘હું સાવ એકલી પડી ગઈ અને ખૂબ રડતી. મને ખ્યાલ આવ્યો કે મારા જીવન પરનો કાબૂ મેં ગુમાવી દીધો છે. મને સતત પસ્તાવો થતો.’

ખરું કે, સત્યમાં ન હોય એવા બધા જ લગ્નસાથી ક્રૂર કે ગેરવાજબી નથી હોતા. એમ પણ બને કે સત્ય બહાર લગ્ન કરવાનાં ખરાબ પરિણામો કોઈને ન પણ ભોગવવાં પડે. છતાં, આવા સવાલો પર વિચાર કરો: એવું પગલું ભરવાથી યહોવા સાથેના મારા સંબંધ પર કેવી અસર થશે? મારા હિત માટે આપેલી તેમની પ્રેમાળ સલાહ મેં નથી પાળી, એ જાણ્યા પછી મને કેવું લાગશે? અરે, સૌથી મહત્ત્વનું તો મારા એવા નિર્ણયને લીધે યહોવાને કેવું લાગશે?—નીતિ. ૧:૩૩.

દુનિયા ફરતે ઘણાં ભાઈ-બહેનો કબૂલે છે કે “કેવળ પ્રભુમાં” લગ્ન કરવાની સલાહ સૌથી સારી છે. લગ્ન કરવા ચાહતાં ભાઈ-બહેનોએ પણ નક્કી કર્યું છે કે, યહોવાના સાક્ષી સાથે જ લગ્ન કરશે. એવા નિર્ણયથી તેઓ યહોવાના દિલને આનંદ પહોંચાડે છે. જાપાનમાં રહેતાં મીચીકો નામનાં બહેનનો વિચાર કરો. સગાં-સંબંધી તેમને સત્ય બહાર લગ્ન કરવા માટે મનાવવાનો પ્રયત્ન કરતા. પરંતુ, બહેન એ દબાણમાં આવી ન ગયાં. તેમણે ધ્યાનમાં લીધું કે તેમના કેટલાક મિત્રો અને ઓળખીતાઓને મંડળમાંથી જ સારા લગ્નસાથી મળ્યા છે. બહેન કહે છે, ‘હું હંમેશાં પોતાને યાદ અપાવતી કે યહોવા “આનંદી ઈશ્વર છે.” તેથી, આપણી ખુશી એના પર નભતી નથી કે આપણે લગ્ન કર્યા છે કે કેમ. તેમ જ, હું માનું છું કે યહોવા આપણા દિલની ઇચ્છાઓ પૂરી કરે છે. લગ્ન કરવાની બહુ ઇચ્છા હોવા છતાં, યોગ્ય લગ્નસાથી ન મળે તો કુંવારા રહીએ, એ જ સૌથી સારું છે.’ (૧ તીમો. ૧:૧૧, NW) સમય જતાં, મીચીકોનું લગ્ન એક સરસ ભાઈ સાથે થયું. આજે તે ખુશ છે કે તેમણે રાહ જોઈ.

એવી જ રીતે, કેટલાક ભાઈઓએ પણ યહોવાના ભક્તોમાં યોગ્ય સાથી મળે ત્યાં સુધી રાહ જોઈ છે. ઑસ્ટ્રેલિયામાં રહેતા બીલ નામના ભાઈ પણ તેઓમાંના એક છે. તે કબૂલે છે કે પોતે કેટલીક વાર મંડળ બહારની યુવતીઓથી આકર્ષાતા. જોકે, તેમણે ખાસ ધ્યાન રાખ્યું કે એ યુવતીઓ સાથે વધારે પડતી મિત્રતા કરી ન બેસે. શા માટે? કેમ કે, સત્યમાં ન હોય એવાની સાથે “અઘટિત સંબંધ” રાખવા તરફ તે પહેલું પગલું પણ ભરવા ચાહતા ન હતા. વર્ષો પસાર થયાં તેમ, તેમને ઘણી સાક્ષી બહેનો ગમી હતી. જોકે, એ લાગણી એકતરફી હતી. ભાઈએ ૩૦ વર્ષો સુધી રાહ જોઈ. સમય જતાં, તેમને યહોવાના સાક્ષીઓમાંથી જ યોગ્ય પાત્ર મળ્યું. બીલ જણાવે છે, ‘મેં રાહ જોઈ એનો મને જરાય અફસોસ નથી! મને તો એ વાતની ખુશી છે કે અમે સાથે પ્રચારમાં જઈ શકીએ છીએ, સાથે બાઇબલનો અભ્યાસ કરી શકીએ છીએ અને સાથે મળીને યહોવાની ભક્તિ કરી શકીએ છીએ. હું બહુ ખુશ છું કે મારી પત્નીના મિત્રો સાથે સારી સંગતનો આનંદ માણી શકું છું, કેમ કે તેઓ બધા જ યહોવાના ભક્તો છે. બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડીને અમે અમારા લગ્નજીવનને મજબૂત બનાવી રહ્યાં છીએ.’

યહોવામાં ભરોસો રાખવાની સાથે સાથે

યહોવાના હાથમાં બાબતો સોંપી છે એ દરમિયાન તમે શું કરી શકો? તમે હજી સુધી લગ્ન નથી કર્યા એના કારણ પર વિચાર કરો. “કેવળ પ્રભુમાં” લગ્ન કરવાની બાઇબલની સલાહ માનવા માટે જો તમે હજી કુંવારા છો, તો એ ખરેખર પ્રશંસાને યોગ્ય છે! કેમ કે તમે ઈશ્વરની સલાહ માટે આદર બતાવો છો. ખાતરી રાખો કે બાઇબલ પ્રમાણે જીવવાના તમારા પાક્કા નિર્ણયથી યહોવા બહુ ખુશ છે. (૧ શમૂ. ૧૫:૨૨; નીતિ. ૨૭:૧૧) તમે પ્રાર્થનામાં યહોવાની “આગળ તમારું હૃદય ખુલ્લું કરો.” (ગીત. ૬૨:૮) ગમે તેવા દબાણમાં પણ જો તમે મક્કમ રહેશો, તો યહોવા સાથેનો સંબંધ મજબૂત થતો જશે. પછી ભલે એ દબાણ તમારી ઇચ્છાઓને લીધે અથવા લોકો તરફથી કેમ ન હોય! તમે એ પણ ખાતરી રાખી શકો કે વિશ્વના માલિક યહોવા, પોતાના બધા વફાદાર ભક્તોમાં રસ લે છે. એટલે તેમની નજરમાં તમે પણ કીમતી છો. તે તમારી જરૂરિયાતો અને ઇચ્છાઓની પરવા કરે છે. જોકે, દરેકને લગ્નસાથી મળશે જ એવું યહોવા કહેતા નથી. પરંતુ, તમને ખરેખર લગ્નસાથીની જરૂર હશે તો યહોવાને એની જાણ છે. તેમને ખબર છે કે તમારી યોગ્ય ઇચ્છાઓને તૃપ્ત કરવાની સૌથી સારી રીત કઈ છે.—ગીત. ૧૪૫:૧૬; માથ. ૬:૩૨.

કોઈક વાર તમને ગીતના લેખક દાઊદ જેવું લાગી શકે, જેમણે લખ્યું: “હે યહોવા, મને વહેલો ઉત્તર આપ; મારા આત્માનો [“બળનો,” NW] ક્ષય થાય છે; તારું મુખ મારાથી ન સંતાડ.” (ગીત. ૧૪૩:૫-૭, ૧૦) એવા સંજોગોમાં, સ્વર્ગમાંના પિતા તમારા માટે શું ચાહે છે એ જણાવવા તેમને તક આપો. તમે બાઇબલ વાંચવામાં અને એના પર મનન કરવામાં સમય ફાળવીને તેમની ઇચ્છા જાણી શકો. યહોવાની આજ્ઞાઓ વિશે તમને ખબર પડશે અને તમે જોઈ શકશો કે પહેલાંના સમયના સેવકો માટે તેમણે શું કર્યું હતું. તેમનું સાંભળશો તો તમારો એ વાતમાં ભરોસો વધશે કે તેમની આજ્ઞા માનવામાં આપણું ભલું છે.

કુંવારાં ભાઈ-બહેનો મંડળ માટે બહુ કીમતી છે, તેઓ કુટુંબો અને યુવાનોને મદદ આપે છે

તમે કુંવારા હો ત્યારના સમયને કઈ રીતે આનંદી અને ઉપયોગી બનાવી શકો? એ સમય દરમિયાન તમે પોતાને આ રીતે ઘડી શકો. જેમ કે, યહોવાને ગમતા નિર્ણયો લઈને, ઉદારતા બતાવીને, મહેનતું બનીને, આનંદી રહીને, ભક્તિભાવ વધારીને અને સારું નામ બનાવીને. લગ્ન સુખી બનાવવા માટે એ બધા ગુણો હોવા બહુ જરૂરી છે. (ઉત. ૨૪:૧૬-૨૧; રૂથ ૧:૧૬, ૧૭; ૨:૬, ૭, ૧૧; નીતિ. ૩૧:૧૦-૨૭) વધુમાં, પ્રચારમાં અને મંડળને લગતાં કામોમાં તમારાથી બનતું બધું કરીને, ઈશ્વરના રાજ્યને પ્રથમ રાખી શકો. આપણે બીલ ભાઈ વિશે આગળ જોઈ ગયા. તે કુંવારા હતા ત્યારનાં વર્ષો વિશે આમ જણાવે છે: ‘એ સમય બહુ ઝડપથી પસાર થઈ ગયો! મેં પાયોનિયરીંગ કરીને એ સમયને યહોવાની સેવામાં વાપર્યો.’

હા, “કેવળ પ્રભુમાં” એટલે કે યહોવાના ભક્ત સાથે જ લગ્ન કરવું આજે પણ વાજબી છે. એ માર્ગદર્શન પ્રમાણે નિર્ણય લેવાથી, તમે યહોવાને માન આપી શકશો અને જીવનમાં ખરો સંતોષ મેળવી શકશો. બાઇબલ જણાવે છે: ‘જે માણસ યહોવાનો ભક્ત છે અને તેની આજ્ઞાઓ પાળવામાં બહુ ખુશ થાય છે, તેને ધન્ય છે. તેના ઘરમાં ધનદોલત થશે અને તેનું ન્યાયીપણું સર્વકાળ ટકશે.’ (ગીત. ૧૧૨:૧, ૩) તેથી, “કેવળ પ્રભુમાં” લગ્ન કરવાની યહોવાની આજ્ઞા પાળવાનો તમારો નિર્ણય મક્કમ રાખો.

^ ફકરો. 7 આ લેખ બહેનોને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો છે. જોકે, એના સિદ્ધાંતો ભાઈઓને પણ એટલા જ લાગુ પડે છે.

^ ફકરો. 13 અમુક નામ બદલ્યાં છે.