યહોવા સાથે તમારો સંબંધ કેટલો ગાઢ છે?
“તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.”—યાકૂ. ૪:૮.
૧. શા માટે આપણે યહોવા સાથેનો સંબંધ મજબૂત કરતા રહેવાનું છે?
જો તમે, યહોવાના બાપ્તિસ્મા પામેલા સાક્ષી હો, તો તમારી પાસે એવું કંઈક છે, જે બહુ કીમતી છે. એ છે યહોવા સાથેનો તમારો સંબંધ. પરંતુ, એ સંબંધ પર શેતાનની દુનિયા તરફથી સતત હુમલા થઈ રહ્યા છે. ઉપરાંત, મનુષ્ય હોવાથી આપણી પોતાની કેટલીક નબળાઈઓ છે, જે એ સંબંધને કમજોર બનાવી શકે. તેથી, આપણે બધાએ યહોવા સાથેનો પોતાનો સંબંધ મજબૂત કરતા રહેવાની જરૂર છે.
૨. (ક) સંબંધ એટલે શું? (ફૂટનોટ જુઓ.) (ખ) આપણે કઈ રીતે યહોવા સાથે પોતાનો સંબંધ મજબૂત કરી શકીએ?
૨ શું તમારા માટે યહોવા સાચે જ છે? શું તે તમારા મિત્ર છે? શું તમે તેમની સાથેનો સંબંધ હજુ મજબૂત કરવા ચાહશો? જો એમ હોય તો યાકૂબ ૪:૮ જણાવે છે કે તમારે શું કરવું જોઈએ: “તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.” યહોવા સાથેના તમારા સંબંધમાં, તમે અને યહોવા એમ બંનેનો સમાવેશ થાય છે. * જો તમે, યહોવા પાસે જવા પગલાં ભરશો, તો તે પણ તમારી પાસે આવવા પગલાં ભરશે. એમ કરવા વધુને વધુ પ્રયત્ન કરશો તેમ, યહોવા સાચે જ છે એવો તમારો ભરોસો મક્કમ થતો જશે. તેમજ, તમારી વચ્ચેનો સંબંધ વધારે ગાઢ બનશે. ઈસુની જેમ તમે પણ અનુભવશો. તેમણે કહ્યું હતું: “જેણે મને મોકલ્યો છે તે સત્ય [“સાચે જ”, NW] છે” અને “હું તેને જાણું છું.” (યોહા. ૭:૨૮, ૨૯) તો સવાલ થાય કે શું કરવાથી આપણે યહોવાની નજીક જઈ શકીએ?
૩. શાના દ્વારા આપણે અને યહોવા એકબીજા સાથે વાતચીત કરી શકીએ?
૩ જો તમે યહોવાની નજીક જવા ચાહતા હો, તો તેમની સાથે તમારે દરરોજ વાતચીત કરવી બહુ જરૂરી છે. પરંતુ, એમ કઈ રીતે કરી શકાય? માની લો કે, તમારો એક મિત્ર ખૂબ દૂર રહે છે. વિચારો કે તમે તેની સાથે શાના દ્વારા વાત કરશો? કદાચ તમે એકબીજાને પત્ર લખશો અથવા ફોન કરશો. એ જ પ્રમાણે, તમે યહોવાને નિયમિત રીતે પ્રાર્થના કરીને વાતચીત કરો છો. (ગીતશાસ્ત્ર ૧૪૨:૨ વાંચો.) પરંતુ, યહોવા તમારી સાથે શાના દ્વારા વાત કરશે? બાઇબલ, જે યહોવાની વાણી છે એને તમે નિયમિત વાંચો છો અને મનન કરો છો ત્યારે, યહોવા તમારી સાથે વાત કરે છે. (યશાયા ૩૦:૨૦, ૨૧ વાંચો.) ચાલો જોઈએ કે યહોવા અને તમારા વચ્ચેની વાતચીત કઈ રીતે તમારા બંનેનો સંબંધ ગાઢ બનાવી શકે. તેમજ, યહોવાના પાક્કા મિત્ર બનવા તમે શું કરી શકો?
બાઇબલ અભ્યાસ દ્વારા યહોવા તમારી સાથે વાત કરે છે
૪, ૫. તમે બાઇબલનો અભ્યાસ કરો છો ત્યારે યહોવા તમારી સાથે કઈ રીતે વાત કરે છે? એનો એક દાખલો આપો.
૪ આપણે જાણીએ છીએ કે બાઇબલ એ યહોવાનો સંદેશો છે, જે તેમણે બધા લોકો માટે આપ્યો છે. પરંતુ, શું બાઇબલ તમને યહોવાની નજીક જવા મદદ કરી શકે? ચોક્કસ કરી શકે. કઈ રીતે? તમે નિયમિત રીતે બાઇબલ વાંચો અને એનો અભ્યાસ કરો ત્યારે, જે શીખવા મળે એના પર ધ્યાન આપો. અને જીવનમાં એને કઈ રીતે લાગુ પાડી શકો એનો વિચાર કરો. એમ કરો છો ત્યારે તમે યહોવાને તમારી સાથે વાત કરવા દો છો. તે તમારા પાક્કા મિત્ર બને છે, જે તમને મદદ કરે છે. તેમજ, તમે તેમની વધુને વધુ નજીક જાઓ છો.—હિબ્રૂ ૪:૧૨; યાકૂ. ૧:૨૩-૨૫.
૫ દાખલા તરીકે, ઈસુના આ શબ્દો વાંચીને તમને શું શીખવા મળે છે: “પૃથ્વી પર પોતાને માટે દ્રવ્ય [ધનદોલત] એકઠું ન કરો.” જો તમે એ પ્રમાણે કરીને યહોવાને જીવનમાં પ્રથમ રાખતા હશો, તો અનુભવી શકશો કે યહોવાને તમે ખુશ કર્યા છે. પરંતુ, તમને એમ પણ લાગી શકે કે ઈસુના એ શબ્દો તમને જીવન સાદું બનાવીને યહોવાની સેવા પર વધુ ધ્યાન આપવા કહે છે. એમ લાગે તો જાણો કે યહોવા તમને એ જોવા મદદ કરી રહ્યા છે કે તેમની નજીક જવા તમારે શું કરવું જોઈએ.—માથ. ૬:૧૯, ૨૦.
૬, ૭. (ક) બાઇબલનો અભ્યાસ કરવાથી યહોવા અને આપણા વચ્ચેના પ્રેમ પર શી અસર થાય છે? (ખ) આપણે ક્યા ધ્યેયથી બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ?
૬ ખરેખર, આપણે બાઇબલનો અભ્યાસ ૧ કોરીંથી ૮:૩ વાંચો.
કરીએ છીએ ત્યારે શીખીએ છીએ કે, યહોવાની સેવા વધુ સારી રીતે કરવા ક્યાં ફેરફાર કરવાની જરૂર છે. આપણે એ પણ શીખીએ છીએ કે યહોવાએ પ્રેમને લીધે આપણા માટે શું કર્યું છે. તેમજ, યહોવાના વ્યક્તિત્વ વિશે એવી સુંદર બાબતો શીખવા મળે છે, જેના લીધે આપણો તેમના માટેનો પ્રેમ વધે છે. આપણો પ્રેમ વધવાથી તેમનો પણ આપણા માટે પ્રેમ વધે છે. આમ, તેમની સાથેનો સંબંધ વધુ ગાઢ બને છે.—૭ જો આપણે યહોવાની નજીક જવા ચાહતા હોઈએ, તો યોગ્ય ધ્યેય સાથે બાઇબલ વાંચવું બહુ જરૂરી છે. ઈસુએ કહ્યું: ‘અનંતજીવન એ છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત જેમને તમે મોકલ્યા છે તેમને ઓળખે.’ (યોહા. ૧૭:૩) ખરું કે, બાઇબલ વાંચવાથી આપણે ઘણી નવી અને રસપ્રદ બાબતો શીખી શકીએ છીએ. પરંતુ, આપણો મુખ્ય ધ્યેય યહોવાને એક વ્યક્તિ તરીકે વધુ ઓળખવાનો હોવો જોઈએ.—નિર્ગમન ૩૩:૧૩ વાંચો; ગીત. ૨૫:૪.
૮. (ક) યહોવાએ અઝાર્યા સાથે જે કર્યું, એના વિશે કોઈને કેવું લાગી શકે? (ખ) જો તમે યહોવાને જાણતા હશો, તો તે જે કરે છે એ વિશે તમને કેવું લાગશે?
૮ આપણે યહોવાને પાક્કા મિત્ર ગણતા હોઈશું તો, શું બનશે? યહોવા જે કરે છે એ વિશે આપણા મનમાં જરાય શંકા નહિ ઊઠે. પછી, ભલેને એમ કરવાનું કારણ બાઇબલમાં ન જણાવ્યું હોય. ચાલો એક દાખલો લઈએ. રાજા અઝાર્યા યહુદાહ પર રાજ કરતા હતા ત્યારે, ઈશ્વરના લોકો જૂઠાં દેવોની ભક્તિ કરતા હતા. અઝાર્યા તેઓ સાથે જોડાયા નહિ. ‘તેમણે યહોવાની દૃષ્ટિમાં જે સારું હતું એ કર્યું.’ (૨ રાજા. ૧૫:૧-૫) છતાં, યહોવાએ અઝાર્યાને રક્તપિત્તની સજા કરી હતી. શા માટે? એનો જવાબ એ અહેવાલમાં નથી. તો પછી, યહોવાના એવા વર્તન વિશે વાંચીને તમને કેવું લાગશે? એને લઈને શું તમારા મનમાં શંકા ઊઠશે? શું તમને એવું લાગશે કે યહોવાએ બરાબર ન કર્યું? તેમણે કોઈ પણ કારણ વગર સજા કરી? ના. જો તમે યહોવાને સારી રીતે જાણતા હશો તો તમે માનશો કે યહોવાએ આપેલી શિસ્ત હંમેશાં બરાબર જ હોય છે. તે હંમેશાં યોગ્ય પ્રમાણમાં અને ‘ન્યાયી રીતે’ શિસ્ત આપે છે. (યિર્મે. ૩૦:૧૧) તેથી, ભલે તમને ખબર નથી કે શા માટે યહોવાએ અઝાર્યાને સજા કરી, છતાં તમને પૂરેપૂરો ભરોસો હશે કે તેમણે જે કર્યું એ બરાબર જ હતું.
૯. યહોવાએ અઝાર્યાને કરેલી સજાનું કારણ સમજવા આપણને કઈ માહિતી મદદ કરે છે?
૯ બાઇબલ આપણને અઝાર્યા રાજાના જીવન વિશે વધુ માહિતી આપે છે. તે ઉઝ્ઝીયા રાજા તરીકે પણ ઓળખાતા હતા. (૨ રાજા. ૧૫:૭, ૩૨) બીજો કાળવૃત્તાંત ૨૬:૩-૫, ૧૬-૨૧ કલમો જણાવે છે કે ‘તેમણે યહોવાની દૃષ્ટિમાં જે સારું હતું એ કર્યું.’ પરંતુ, એમાં એવું પણ જણાવ્યું છે કે પછીથી ‘તેમનું દિલ ઘમંડી થયું, તેથી તેમનું પતન થયું.’ અઝાર્યા રાજાએ એવું કંઈક કર્યું, જેની પરવાનગી ફક્ત યાજકોને જ હતી. એક્યાસી યાજકોએ તેમને કહ્યું કે તે ખોટું કરે છે અને તેઓએ તેમને રોકવાનો પ્રયાસ પણ કર્યો. પણ તે તો એટલા બધા ઘમંડી થઈ ગયા હતા કે તેઓ પર ગુસ્સે ભરાયા! આ વધારાની માહિતી આપણને સમજવા મદદ કરે છે કે શા માટે યહોવાએ અઝાર્યાને રક્તપિત્તની સજા કરી.
૧૦. આપણને યહોવાના દરેક નિર્ણય પાછળનું કારણ જાણવાની શા માટે જરૂર નથી? યહોવા એ જ કરે છે જે ખરું છે, એવો ભરોસો આપણે કઈ રીતે વધારી શકીએ?
૧૦ એમાંથી આપણને કયો મહત્ત્વનો બોધપાઠ શીખવા મળે છે? યહોવાએ અઝાર્યાને કરેલી સજાનું કારણ સમજવા બાઇબલમાં પૂરતી માહિતી મળી રહે છે. પરંતુ, બાઇબલ બધી માહિતી આપતું ન હોય ત્યારે શું? શું તમને યહોવાએ લીધેલા નિર્ણય પર શંકા થશે? કે પછી, તમે ભરોસો રાખશો કે યહોવા હંમેશાં યોગ્ય નિર્ણય લે છે, એની ખાતરી કરાવતી પૂરતી માહિતી બાઇબલમાં છે? (પુન. ૩૨:૪) યહોવાને તમે જેટલી સારી રીતે જાણશો એટલો વધારે તેમના માટે પ્રેમ અને ભરોસો વધશે. એ પછી, તેમના દરેક નિર્ણય પાછળનું કારણ જાણવાની તમને જરૂર નહિ લાગે. બાઇબલનો જેટલો વધુ અભ્યાસ કરશો એટલા વધારે તમે યહોવાને સારી રીતે ઓળખી શકશો અને તેમની નજીક જઈ શકશો.—ગીત. ૭૭:૧૨, ૧૩.
પ્રાર્થના દ્વારા યહોવા સાથે તમે વાત કરો છો
૧૧-૧૩. આપણે કઈ રીતે ખાતરી રાખી શકીએ કે યહોવા પ્રાર્થના સાંભળે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૧૧ પ્રાર્થના કરવાથી આપણે યહોવાની નજીક જઈએ છીએ. પ્રાર્થનામાં આપણે તેમની સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ અને મદદ માંગીએ છીએ. (ગીત. ૩૨:૮) પરંતુ, યહોવાના પાક્કા મિત્ર બનવા તમને ખાતરી હોવી જોઈએ કે તે પ્રાર્થનાઓ સાંભળે છે.
૧૨ કેટલાક લોકો કહે છે કે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળતા નથી. તેઓ માને છે કે પ્રાર્થનાથી વ્યક્તિને સારું લાગે છે, બસ એટલો જ ફાયદો છે. તેઓ એમ પણ માને છે કે પ્રાર્થના કરવાથી આપણને પોતાની મુશ્કેલીઓ વિશે વિચારવા તેમજ એનો જાતે જ ઉકેલ લાવવા મદદ મળે છે. ખરું કે, પ્રાર્થના એ રીતે પણ મદદ કરી શકે. પરંતુ, તમે પ્રાર્થના કરો છો ત્યારે યહોવા તમને ખરેખર સાંભળે છે. એવું શાના આધારે કહી શકાય?
૧૩ આનો વિચાર કરો: ઈસુ ધરતી પર આવ્યા એ પહેલાં તેમણે યહોવાને પોતાના ભક્તોની પ્રાર્થનાઓનો જવાબ આપતા જોયા હતા. પૃથ્વી પર હતા ત્યારે ઈસુએ પોતાનાં વિચારો અને લાગણીઓ યહોવાને પ્રાર્થનામાં જણાવી હતી. એક વાર તેમણે આખી રાત પ્રાર્થના કરી. (લુક ૬:૧૨; ૨૨:૪૦-૪૬) જો યહોવા પ્રાર્થના સાંભળતા ન હોત, તો શું ઈસુએ એમ કર્યું હોત? ઈસુએ પોતાના શિષ્યોને પણ યહોવાને પ્રાર્થના કરતા શીખવ્યું. જો યહોવા પ્રાર્થના સાંભળતા ન હોત, તો શું ઈસુએ એમ શીખવ્યું હોત? ઈસુને ખાતરી હતી કે યહોવા ખરેખર પ્રાર્થના સાંભળે છે. અરે, તેમણે કહ્યું: ‘હે પિતા, તમે મારું સાંભળ્યું છે, માટે હું તમારો ઉપકાર માનું છું. અને તમે નિત્ય મારું સાંભળો છો, એ હું જાણતો હતો.’ આપણે પણ પૂરી ખાતરી રાખી શકીએ કે યહોવા આપણી પ્રાર્થના સાંભળે છે.—યોહા. ૧૧:૪૧, ૪૨; ગીત. ૬૫:૨.
૧૪, ૧૫. (ક) જેની જરૂર છે, ખાસ એના વિશે પ્રાર્થના કરવાથી કઈ રીતે ફાયદો થાય છે? (ખ) બહેન કેથીની પ્રાર્થનાઓએ તેમને યહોવાની નજીક જવા કઈ રીતે મદદ કરી?
૧૪ કદાચ દરેક વાર તમારી પ્રાર્થનાનો દેખીતો જવાબ ન પણ મળે. પરંતુ, તમને જેની જરૂર છે,
ખાસ એના વિશે પ્રાર્થના કરશો ત્યારે, તમે યહોવાનો જવાબ વધુ સારી રીતે જોઈ શકશો. એમ થશે ત્યારે યહોવા સાથેની તમારી મિત્રતા પાક્કી થશે. યહોવાને તમે દિલ ખોલીને તમારી ચિંતા જણાવશો તો તે તમારી નજીક આવશે.૧૫ દાખલા તરીકે, બહેન કેથી ઘણી વાર પ્રચારમાં જતાં, પણ તેમને એમાં મજા ન આવતી. * તે કહે છે, ‘મને પ્રચાર કરવું ન ગમતું. અરે, સાવ ગમતું નહિ!’ બહેન નોકરી પરથી નિવૃત્ત થયાં ત્યારે, એક વડીલે તેમને નિયમિત પાયોનિયર બનવાનું ઉત્તેજન આપ્યું. બહેન કહે છે, ‘વડીલે મને પાયોનિયરીંગ ફોર્મ પણ આપી દીધું. મેં પાયોનિયરીંગ કરવાનું નક્કી કર્યું. પણ સાથે સાથે હું યહોવાને પ્રાર્થના પણ કરતી. મને પ્રચારમાં આનંદ આવે એવું તેમની પાસે રોજ માંગતી.’ શું યહોવાએ બહેનની પ્રાર્થનાનો જવાબ આપ્યો? ત્રણ વર્ષ પાયોનિયરીંગ કર્યાં પછી બહેન કહે છે: ‘હું પ્રચારમાં વધુ સમય પસાર કરી શકી અને બીજી બહેનો પાસેથી શીખી શકી. એમ કરવાથી પ્રચાર કરવાની આવડતમાં મને સુધારો કરવા મદદ મળી છે. શું આજે મને પ્રચાર કરવો ગમે છે? અરે, બહુ ગમે છે! સૌથી મહત્ત્વનું તો, યહોવા સાથેનો મારો સંબંધ વધુ ગાઢ બન્યો છે.’ બહેન કેથીની પ્રાર્થનાઓએ તેમને યહોવાની વધુ નજીક જવા મદદ કરી.
તમારો ભાગ ભજવો
૧૬, ૧૭. (ક) યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા આપણે શું કરવું જોઈએ? (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૧૬ આપણે યહોવાની નજીક જવામાં સદા લાગુ રહી શકીએ છીએ. ચાલો, આપણે બાઇબલનો નિયમિત અભ્યાસ કરીને યહોવાનું સાંભળતા રહીએ. તેમજ, પ્રાર્થના દ્વારા યહોવા સાથે વાતચીત કરતા રહીએ. એમ કરીશું તો યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત બનતો જશે. અને તે આપણને કસોટીઓ સામે ટકવા મદદ કરશે.
૧૭ અમુક વાર આપણને એવી તકલીફો સતાવે, જે સતત પ્રાર્થના કરવાથી પણ કદાચ દૂર ન થાય. એવા સમયે, બની શકે કે આપણે યહોવામાં ભરોસો ગુમાવવા લાગીએ. આપણને કદાચ થાય કે યહોવા આપણી પ્રાર્થના સાંભળતા નથી. અરે, આપણે તેમના મિત્ર છીએ કે કેમ એવી શંકા થવા લાગે. જો તમને એવું લાગે તો શું કરી શકો? હવે પછીનો લેખ એનો જવાબ આપશે.
^ ફકરો. 2 સંબંધ એટલે કે બે વ્યક્તિઓને એકબીજા માટે થતી લાગણી અને એકબીજા પ્રત્યેનું વર્તન. એકબીજા સાથેનો સંબંધ મજબૂત રાખવા બંને વ્યક્તિઓએ પ્રયત્ન કરવા પડે છે.
^ ફકરો. 15 નામ બદલ્યું છે.