સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

હઝકીએલમાં જણાવેલ માગોગનો ગોગ કોણ છે?

ઘણાં વર્ષોથી આપણાં સાહિત્યમાં માગોગના ગોગ નામ વિશેની સમજણ આપવામાં આવી રહી છે. અગાઉ એ નામ, સ્વર્ગમાંથી ફેંકી દેવાયેલા શેતાનને રજૂ કરતું હતું. એ તારણ શાના આધારે કાઢવામાં આવ્યું હતું? પ્રકટીકરણનું પુસ્તક શેતાનને એક એવા આગેવાન તરીકે જણાવે છે, જે ઈશ્વરના લોકો પર હુમલો કરશે. (પ્રકટી. ૧૨:૧-૧૭) તેથી, આપણે એવું સમજતા હતા કે શેતાનનું બીજું નામ ગોગ છે.

જોકે, એ તારણથી બીજા અમુક સવાલો ઊભા થતા. જેમ કે, ગોગના વિનાશની વાત કરતી વખતે યહોવાએ જણાવ્યું હતું કે, ‘પોતે ગોગને સર્વ પ્રકારનાં ફાડી ખાનાર પક્ષીઓને તથા જંગલી જાનવરોને ભક્ષ તરીકે આપશે.’ (હઝકી. ૩૯:૪) એ પછી યહોવાએ જણાવ્યું, ‘એ દિવસે ઈસ્રાએલમાં કબ્રસ્તાનને માટે ગોગને સોંપવામાં આવશે.’ (હઝકી. ૩૯:૧૧) શેતાન તો એક અદૃશ્ય દૂત છે. તો પછી, તેને કઈ રીતે પક્ષીઓ અને જંગલી જાનવરો ખાય શકે? તેને કઈ રીતે પૃથ્વી પર દાટવામાં આવી શકે? બાઇબલ તો સાફ જણાવે છે કે, શેતાનને ૧,૦૦૦ વર્ષ માટે ઊંડાણમાં નાંખી દેવામાં આવશે. (પ્રકટી. ૨૦:૧, ૨) તે પ્રાણીઓથી ખવાશે નહિ અથવા જમીનમાં દટાશે નહિ.

બાઇબલ જણાવે છે કે ૧,૦૦૦ વર્ષના અંતે શેતાનને ઊંડાણમાંથી છોડવામાં આવશે. એ વખતે, “તે પૃથ્વીને ચારે ખૂણે રહેતી પ્રજાઓને, ગોગ તથા માગોગને, ભમાવીને લડાઈને માટે તેઓને એકઠા કરવાને બહાર આવશે.” (પ્રકટી. ૨૦:૮) પરંતુ, જો શેતાન જ ગોગ હોય તો, તે કઈ રીતે પોતાને જ ભમાવી શકે? તેથી, હઝકીએલ અને પ્રકટીકરણનાં પુસ્તકોમાં જણાવેલ “ગોગ” શેતાનને રજૂ કરતો નથી.

તો સવાલ થાય કે માગોગનો ગોગ કોણ છે? એનો જવાબ મેળવવા બાઇબલમાં એ જોવું પડશે કે ઈશ્વરના લોકો પર કોણ હુમલો કરશે. બાઇબલમાં ‘માગોગના ગોગ’ના હુમલા, ‘ઉત્તરના રાજા’ના હુમલા અને “પૃથ્વીના રાજાઓ”ના હુમલા વિશે વાત થઈ છે. (હઝકી. ૩૮:૨, ૧૦-૧૩; દાની. ૧૧:૪૦, ૪૪, ૪૫; પ્રકટી. ૧૭:૧૪; ૧૯:૧૯) શું એ બધા અલગ અલગ હુમલા છે? કદાચ નહિ! લાગે છે કે બાઇબલમાં એક જ હુમલાને બતાવવા જુદાં જુદાં નામનો ઉપયોગ થયો છે. એવું શાના આધારે કહી શકાય? બાઇબલના જણાવ્યા પ્રમાણે, સર્વ રાષ્ટ્રો એ આખરી હુમલામાં ભાગ લેશે, જે આર્માગેદનના યુદ્ધની શરૂઆત હશે.—પ્રકટી. ૧૬:૧૪, ૧૬.

ઈશ્વરભક્તો પર થનાર આખરી હુમલા વિશે બાઇબલની એ બધી કલમો સરખાવવાથી એક વાત સ્પષ્ટ થાય છે. એ છે કે, “માગોગનો ગોગ” એ નામ શેતાનને બતાવતું નથી. એના બદલે એ નામ રાષ્ટ્રોના સમૂહને રજૂ કરે છે. શું એ સમૂહની આગેવાની “ઉત્તરનો રાજા” લેશે? એ આપણે ચોક્કસ રીતે કહી શકતા નથી. જોકે, એ સમજણ, ગોગ વિશે યહોવાના આ શબ્દો સાથે બંધબેસે છે: “તું ઉત્તરના સૌથી છેવાડા ભાગોમાં આવેલા તારા સ્થાનથી આવશે, તું તથા તારી સાથે ઘણા લોકો, તેઓ સર્વ ઘોડેસવાર થઈને મોટું દળ તથા મહા સૈન્ય બનીને આવશે.”—હઝકી. ૩૮:૬, ૧૫.

હઝકીએલના સમયમાં થઈ ગયેલા પ્રબોધક દાનીયેલે પણ ઉત્તરના રાજા વિશે એવું જ કંઈક જણાવ્યું: ‘પૂર્વ તથા ઉત્તર તરફથી આવતી અફવાઓથી તે ગભરાશે. અને ઘણાઓનો નાશ કરવાને તથા તેઓનો સંહાર કરવાને તે ઘણા જ ક્રોધમાં ચાલી નીકળશે. સમુદ્ર તથા સુંદર, પવિત્ર પર્વતની વચ્ચે તે પોતાના શાહી તંબુઓ નાંખશે. તોપણ તેનો અંત આવશે, ને તેને કોઈ સહાય કરશે નહિ.’ (દાની. ૧૧:૪૪, ૪૫) ગોગ શું કરવાનો છે એના વિશે હઝકીએલના પુસ્તકમાં પણ લગભગ સરખી માહિતી છે.—હઝકી. ૩૮:૮-૧૨, ૧૬.

આખરી હુમલા પછી શું થશે? દાનીયેલ આપણને જણાવે છે, “તે સમયે મહાન સરદાર મીખાએલ [એટલે કે, ઈસુ ખ્રિસ્ત], જે તારા લોકોના પક્ષમાં ઊભો રહે છે [એટલે કે, સાલ ૧૯૧૪થી], તે ખડો થશે [એટલે કે, આર્માગેદન વખતે]; અને એવો સંકટનો સમય [એટલે કે, મોટી વિપત્તિ] આવશે કે પહેલવહેલી પ્રજા ઉત્પન્ન થઈ ત્યારથી એ સમય સુધીમાં એવો કદી આવ્યો નહોતો; તે સમયે તારા લોકોમાંના જેઓનાં નામ પુસ્તકમાં નોંધાએલાં માલૂમ પડશે તે દરેકનો બચાવ થશે.” (દાની. ૧૨:૧) એના જેવી માહિતી ઈસુ વિશે પ્રકટીકરણ ૧૯:૧૧-૨૧માં આપવામાં આવી છે.

પરંતુ, પ્રકટીકરણ ૨૦:૮માં જણાવેલ “ગોગ તથા માગોગ” કોણ છે? એ નામ એવા બળવાખોરોને લાગુ પડે છે, જેઓ ૧,૦૦૦ વર્ષના અંતે થનાર છેલ્લી કસોટી વખતે યહોવા અને તેમના લોકોનો વિરોધ કરશે. આપણે જાણી ગયા તેમ માગોગનો ગોગ, મોટી વિપત્તિના અંતમાં ઈશ્વરના લોકો પર હુમલો કરનાર રાષ્ટ્રોને બતાવે છે. એ રાષ્ટ્રો મોટી વિપત્તિના અંતે નાશ પામશે. તેઓની જેમ જ “ગોગ તથા માગોગ” પણ નફરતથી ભરેલો હશે. અને તેઓનો નાશ ૧,૦૦૦ વર્ષના રાજના અંતે થશે. (પ્રકટી. ૧૯:૨૦, ૨૧; ૨૦:૯) આમ, ૧,૦૦૦ વર્ષના અંતે બળવો કરનારાઓને “ગોગ તથા માગોગ” કહી શકાય.

બાઇબલનો ઊંડો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ તરીકે, આપણે એ જાણવા આતુર છીએ કે નજીકના ભાવિમાં “ઉત્તરનો રાજા” કોણ બનશે. ભલેને, ઈશ્વરના લોકો સામે થવા રાષ્ટ્રોની આગેવાની લેનાર કોઈ પણ હોય. પરંતુ, આપણને આ બે બાબતોની પૂરી ખાતરી છે: (૧) માગોગનો ગોગ અને તેનાં સૈન્યો હાર પામશે અને તેઓનો નાશ થશે. (૨) આપણા રાજા ઈસુ ખ્રિસ્ત, ઈશ્વરના લોકોને બચાવશે તેમજ તેઓને શાંત અને સલામત નવી દુનિયામાં દોરી જશે.—પ્રકટી. ૭:૧૪-૧૭.