સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શેતાનની સામા થઈને તમે જીતી શકો છો!

શેતાનની સામા થઈને તમે જીતી શકો છો!

“તમે વિશ્વાસમાં દૃઢ રહીને તેની [શેતાનની] સામા થાઓ.”—૧ પીત. ૫:૯.

૧. (ક) શેતાન વિરુદ્ધની આપણી લડાઈ ખાસ કરીને હાલના સમયમાં શા માટે મહત્ત્વની છે? (ખ) શેતાન વિરુદ્ધની લડાઈ આપણે જીતી શકીએ છીએ એમ શાના પરથી કહી શકાય?

પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તો અને “બીજાં ઘેટાં”માંના સેવકો સામે શેતાન લડી રહ્યો છે. (યોહા. ૧૦:૧૬) તેના માટે બહુ થોડો સમય બચ્યો હોવાથી, તે બની શકે એટલા યહોવાના ભક્તોની શ્રદ્ધા તોડવા મથી રહ્યો છે. (પ્રકટીકરણ ૧૨:૯, ૧૨ વાંચો.) પરંતુ, શેતાન વિરુદ્ધની લડાઈ આપણે જીતી શકીએ છીએ. બાઇબલ જણાવે છે: “શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે.”—યાકૂ. ૪:૭.

૨, ૩. (ક) શેતાન છે જ નહિ, એવો વિચાર તે શા માટે ફેલાવે છે? (ખ) તમે શા માટે માનો છો કે શેતાન છે?

શેતાન છે, એવા વિચાર પર ઘણા લોકો હસે છે. તેઓ પ્રમાણે શેતાન અને તેના દુષ્ટ દૂતો તો ભૂતપ્રેતને લગતાં પુસ્તકો, ફિલ્મો કે વીડિયો ગેમ્સમાં જ જોવા મળે છે. તેઓનું માનવું છે કે તમે સમજદાર હશો તો, શેતાન કે તેના દુષ્ટ દૂતોમાં નહિ માનો. શેતાન અને તેના દૂતોમાં લોકો નથી માનતા એનાથી શું શેતાનને કોઈ ફરક પડે છે? ના. અરે, એમ માનનાર લોકોને છેતરવા તો શેતાન માટે સાવ સહેલું છે. (૨ કોરીં. ૪:૪) શેતાન પોતે જ એવો વિચાર ફેલાવે છે, જેથી તે લોકોને છેતરી શકે.

પરંતુ, યહોવાના ભક્તો તરીકે આપણે છેતરાતા નથી. આપણે જાણીએ છીએ કે શેતાન છે. એમ શાના પરથી કહી શકાય? બાઇબલમાં લખ્યું છે કે શેતાને એક સાપ દ્વારા હવા સાથે વાત કરી હતી. (ઉત. ૩:૧-૫) શેતાને યહોવા સાથે વાત કરી હતી, જેમાં તેણે અયૂબની વફાદારી પર સવાલ ઉઠાવ્યો હતો. (અયૂ. ૧:૯-૧૨) ઈસુને પણ શેતાને લલચાવવાનો પ્રયત્ન કર્યો હતો. (માથ. ૪:૧-૧૦) તેમજ, ૧૯૧૪માં ઈસુ સ્વર્ગમાં રાજા બન્યા એ પછીથી શેતાન, પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તો વિરુદ્ધ ‘લડવા નીકળ્યો’ છે. (પ્રકટી. ૧૨:૧૭) અભિષિક્તો ઉપરાંત બીજાં ઘેટાંના લોકોની શ્રદ્ધા તોડી પાડવા પણ શેતાન લડી રહ્યો છે. આ લડાઈમાં જીતવા આપણે શેતાનની સામા થવું પડશે અને આપણી શ્રદ્ધા મક્કમ રાખવી પડશે. એમ કરવાની ત્રણ રીતો આ લેખમાં જણાવવામાં આવી છે.

ઘમંડથી દૂર રહો

૪. શેતાન કઈ રીતે વધુ પડતા ગર્વનો મોટામાં મોટો દાખલો છે?

શેતાન ખૂબ જ ઘમંડી અને દુષ્ટ છે. તેણે ઈશ્વરના રાજ કરવાના હક્ક સામે પડકાર ફેંક્યો. આમ, તે વધુ પડતા ગર્વનો અને અહંકારનો મોટામાં મોટો દાખલો છે. તેથી, જરૂરી છે કે આપણે એ અવગુણોથી દૂર રહીએ અને પોતાને નમ્ર બનાવીએ. એમ કરીને આપણે શેતાનને લડત આપી શકીએ છીએ. (૧ પીતર ૫:૫ વાંચો.) તો સવાલ થાય કે ઘમંડ એટલે શું? શું ગર્વ લેવો હંમેશાં ખોટું જ હોય છે?

૫, ૬. (ક) શું ગર્વ લેવો હંમેશાં ખોટું જ હોય છે? (ખ) કેવા પ્રકારનો ગર્વ જોખમી છે? એ વિશે બાઇબલમાં કયા દાખલા આપ્યા છે?

એક શબ્દકોશ ગર્વનો અર્થ આમ જણાવે છે: ‘પોતાનામાં ભરોસો અને પોતાના વિશે માનની લાગણી હોવી.’ એમાં ‘સંતોષની એવી લાગણીનો પણ સમાવેશ થાય છે, જે તમે અથવા તમારા નજીકની કોઈ વ્યક્તિએ કંઈક સારું મેળવ્યું અથવા કર્યું હોવાથી જાગે છે.’ એવી લાગણી થાય એમાં કંઈ ખોટું નથી. પ્રેરિત પાઊલે કહ્યું હતું: “સર્વ સતાવણીઓ અને દુઃખોમાંથી પસાર થઈ ચૂક્યા હોવા છતાં તમે તે સહન કરો છો અને વિશ્વાસ રાખો છો, તેથી અમે ઈશ્વરની મંડળીઓમાં તમારે માટે ગર્વ લઈએ છીએ.” (૨ થેસ્સા. ૧:૪, કોમન લેંગ્વેજ) આમ, કોઈના કામ માટે અથવા પોતાના વિશે થોડો ઘણો ગર્વ લેવો ફાયદાકારક હોય શકે. આપણે કોઈ પણ કુટુંબ, સમાજ કે વિસ્તારના હોઈએ, આપણે નાનમ અનુભવવાની જરૂર નથી.—પ્રે.કૃ. ૨૧:૩૯.

જોકે, એક એવા પ્રકારનો પણ ગર્વ છે, જે સંબંધોમાં તિરાડ પાડી શકે. ખાસ કરીને, યહોવા સાથેના આપણા સંબંધમાં. એવો ગર્વ આપણને કોઈ પણ સલાહ પ્રત્યે નારાજગી બતાવવા ઉશ્કેરે છે. અરે, સલાહને નમ્રતાથી સ્વીકારવાને બદલે એને નકારવા ઉશ્કેરી શકે. (ગીત. ૧૪૧:૫) એવા ગર્વને “પોતાના માટે વધારે પડતું વિચારવું” પણ કહી શકાય. અથવા “બીજાઓ કરતાં પોતાને વધુ સારા માનતા લોકોનું અભિમાની વલણ” પણ કહી શકાય. અહંકાર કે ઘમંડી વલણથી યહોવાને સખત નફરત છે. (હઝકી. ૩૩:૨૮; આમો. ૬:૮) જ્યારે કે, પોતાના વિશે બડાઈ હાંકતા લોકો શેતાનને ખૂબ ગમે છે. નિમ્રોદ, ફારૂન અને આબ્શાલોમે પોતાના વિશે બડાઈ હાંકીને અયોગ્ય ગર્વ બતાવ્યો. જરા વિચારો કે ત્યારે શેતાન કેટલો ખુશ થયો હશે! (ઉત. ૧૦:૮, ૯; નિર્ગ. ૫:૧, ૨; ૨ શમૂ. ૧૫:૪-૬) યહોવા સાથે કાઈનનો સંબંધ તૂટવા પાછળનું એક કારણ ઘમંડ હતું. યહોવાએ કાઈનને ચેતવ્યો હતો, પણ ઘમંડી કાઈને તેમનું સાંભળ્યું નહિ. તે જિદ્દી બન્યો અને તેણે ઈશ્વરની ચેતવણી ધ્યાનમાં લીધી નહિ. અરે, યહોવા વિરુદ્ધ પાપ કરતા તે જરાય અચકાયો નહિ!—ઉત. ૪:૬-૮.

૭, ૮. (ક) જાતિવાદ શું છે અને એ કઈ રીતે ગર્વ સાથે જોડાયેલો છે? (ખ) વધુ પડતા ગર્વથી કઈ રીતે મંડળની શાંતિને નુકસાન પહોંચી શકે?

આજે, લોકો ઘણી ખરાબ રીતોએ ગર્વ બતાવે છે. કેટલીક વાર જાતિવાદ પાછળનું કારણ પણ વધુ પડતો ગર્વ હોય છે. એક શબ્દકોશ જાતિવાદના અર્થ વિશે આમ સમજાવે છે: ‘બીજી જાતિ કે સમાજના લોકો માટે રાખવામાં આવતો ભેદભાવ. અથવા, એવી માન્યતા કે જુદી જુદી નાત-જાતના લોકોમાં જુદી જુદી આવડતો કે ગુણો હોય છે. તેમજ, અમુક જાતિમાં જન્મેલી વ્યક્તિ ઊંચ કે નીચ હોય છે.’ જાતિવાદને લીધે ઘણાં લડાઈ-ઝઘડા, યુદ્ધો તેમજ કત્લેઆમ થયાં છે.

ખરું કે, ખ્રિસ્તી મંડળમાં એવી બાબતો નહિ થાય. તોપણ, ભાઈ-બહેનોમાં ગર્વને કારણે મતભેદો શરૂ થઈ શકે અને એ મોટું સ્વરૂપ લઈ શકે. એવું જ કંઈક પહેલી સદીના ખ્રિસ્તીઓ સાથે બન્યું હતું. તેથી, યાકૂબે તેઓને આ જોરદાર સવાલ કર્યો હતો: “તમારામાં લડાઈ તથા ઝઘડા ક્યાંથી થાય છે?” (યાકૂ. ૪:૧) જો આપણે બીજાઓ માટે નફરત રાખીશું કે પછી પોતાને તેઓ કરતાં સારા ગણીશું, તો કદાચ વાણી કે વર્તનથી તેઓને દુઃખ પહોંચાડીશું. (નીતિ. ૧૨:૧૮) સાફ વાત છે કે અભિમાનથી મંડળની શાંતિને નુકસાન પહોંચી શકે.

૯. જાતિવાદ અને બીજા અયોગ્ય ગર્વ સામે લડવા બાઇબલ આપણને કઈ રીતે મદદ કરે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

જો આપણા મનમાં બીજાઓ કરતાં ચઢિયાતા હોવાનો વિચાર આવે તો શું? એમ થાય ત્યારે યાદ કરીએ કે યહોવાને ‘દરેક અભિમાની મનવાળાથી’ સખત નફરત છે. (નીતિ. ૧૬:૫) બીજાઓ માટે આપણે શું માનીએ છીએ એના પર વિચાર કરીએ. એ માટે આ સવાલ મદદ કરશે: “શું હું બીજી જાતિ, સમાજ કે દેશના લોકો કરતાં પોતાને ચઢિયાતો ગણું છું?” જો આપણામાં એવું વલણ હોય, તો આપણે એક હકીકત ભૂલી રહ્યા છીએ. એ જ કે, ઈશ્વરે ‘સર્વ પ્રજાઓને એક માણસમાંથી ઉત્પન્ન કરી’ છે. (પ્રે.કૃ. ૧૭:૨૬) આપણે બધા જ આદમનાં સંતાનો હોવાને લીધે એક જ જાતિના છીએ. ઈશ્વરે અમુક જાતિઓને વધારે સારી બનાવી છે, એવું માનવામાં મોટી મૂર્ખામી છે. એમ માનીને તો, આપણે ખ્રિસ્તી પ્રેમ અને એકતામાં શેતાનને ભાગલા પાડવા દઈએ છીએ. (યોહા. ૧૩:૩૫) શેતાનની વિરુદ્ધ લડવા અને જીત મેળવવા આપણે અયોગ્ય ગર્વથી દૂર રહેવાની જરૂર છે.—નીતિ. ૧૬:૧૮.

ધનદોલત અને જગત માટેના પ્રેમથી દૂર રહો

૧૦, ૧૧. (ક) જગત માટે પ્રેમ જાગવો કેમ સહેલું છે? (ખ) શું બતાવે છે કે દેમાસને જગત માટે પ્રેમ હતો?

૧૦ શેતાન ‘આ જગતનો અધિકારી’ છે અને આખું જગત તેની મુઠ્ઠીમાં છે. (યોહા. ૧૨:૩૧; ૧ યોહા. ૫:૧૯) આ જગતની ઘણી બાબતો બાઇબલનાં ધોરણોની વિરુદ્ધ છે. ખરું કે, દુનિયામાં બધું જ કંઈ ખરાબ નથી. પરંતુ, એક વાત ચોક્કસ કે શેતાન આ જગતનો ઉપયોગ કરીને આપણી ઇચ્છાઓનો ગેરલાભ ઉઠાવવા અને આપણને પાપમાં પાડવાનો પ્રયત્ન કરશે. અથવા આપણે તેની દુનિયાને પ્રેમ કરીએ અને યહોવાની ભક્તિને મહત્ત્વ ન આપીએ, એવો તે પ્રયત્ન કરશે.—૧ યોહાન ૨:૧૫, ૧૬ વાંચો.

૧૧ પહેલી સદીમાં અમુક ખ્રિસ્તીઓ આ જગત પર પ્રેમ રાખતા. દાખલા તરીકે, પાઊલે લખ્યું, “દેમાસ હાલના જગત પર પ્રેમ રાખીને મને તજી” ગયો છે. (૨ તીમો. ૪:૧૦) દેમાસે જગતની કઈ બાબતને લીધે પાઊલને ત્યજી દીધા એ બાઇબલમાં જણાવ્યું નથી. બની શકે કે દેમાસે ઈશ્વરની ભક્તિ કરતાં ધનદોલતને વધારે ચાહી હોય. જો એમ હોય, તો ઈશ્વરભક્તિમાં મળતા ઘણા જોરદાર લહાવાઓ દેમાસ ગુમાવી બેઠા. શું તેમણે ઠીક કર્યું? ના. દેમાસ પાસે પાઊલના સાથીદાર બની રહેવાની તક હતી. દેમાસને યહોવાએ જે આપ્યું હોત એની સામે આ જગત શું આપી શક્યું?—નીતિ. ૧૦:૨૨.

૧૨. શેતાન “દ્રવ્યની માયા” વાપરીને કઈ રીતે આપણી ઇચ્છાઓનો ગેરફાયદો ઉઠાવી શકે?

૧૨ એવું જ આપણી સાથે પણ બની શકે. એક ખ્રિસ્તી તરીકે પોતાનું અને પોતાના કુટુંબનું ભરણપોષણ કરવાની ઇચ્છા હોવી સ્વાભાવિક છે. (૧ તીમો. ૫:૮) યહોવાએ આદમ અને હવાને સુંદર બગીચા જેવી ધરતી પર રાખ્યાં હતાં. એ પરથી સમજી શકાય કે આપણે જીવનનો આનંદ માણીએ એવી યહોવાની ઇચ્છા છે. (ઉત. ૨:૯) પરંતુ, શેતાન “દ્રવ્યની માયા” એટલે કે ધનદોલતની લાલચ વાપરીને, આપણી ઇચ્છાઓનો ગેરફાયદો ઉઠાવે છે. (માથ. ૧૩:૨૨) ઘણા લોકો માને છે કે પૈસા અને સુખ-સુવિધાથી જીવન સફળ અને સુખી બને છે. જો આપણે પણ એમ વિચારીશું, તો યહોવા સાથેનો આપણો સૌથી કીમતી સંબંધ તોડી બેસીશું. ઈસુએ આપણને ચેતવણી આપી, ‘કોઈથી બે માલિકની ચાકરી કરાય નહિ, કેમ કે તે એક પર નફરત કરશે અને બીજા પર પ્રીતિ કરશે. અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. ઈશ્વરની અને ધનદોલતની સેવા તમે એકસાથે કરી શકતા નથી.’ (માથ. ૬:૨૪) જો આપણે ધનદોલત મેળવવા પાછળ પડ્યા રહીશું, તો યહોવાની સેવા આપણે પડતી મૂકીશું. શેતાન ચાહે છે કે આપણે એવું જ કરીએ. તેથી, ધનદોલત અને એનાથી ખરીદી શકાતી વસ્તુઓને, યહોવા સાથેના આપણા સંબંધ કરતાં વધારે મહત્ત્વ કદી ન આપીએ. શેતાન વિરુદ્ધ લડવા અને તેના પર જીત મેળવવા ધનદોલત પ્રત્યે યોગ્ય વલણ રાખવું બહુ જરૂરી છે.—૧ તીમોથી ૬:૬-૧૦ વાંચો.

વ્યભિચારથી દૂર રહો

૧૩. શેતાનના જગતે લગ્ન અને જાતીયતા વિશે ખોટાં વિચારો કઈ રીતે ફેલાવ્યા છે?

૧૩ આપણને ફસાવવા શેતાન પાસે બીજી એક ચાલ છે. એ છે વ્યભિચાર. ઘણા માને છે કે લગ્નસાથીને વફાદાર રહેવું કે લગ્નજીવન ટકાવી રાખવું, એ તો જૂના જમાનાના વિચારો છે. એનાથી તો વ્યક્તિની આઝાદી છીનવાઈ જાય છે. દાખલા તરીકે, એક હીરોઈને કહ્યું: ‘મેં એવા કોઈને જોયા નથી, જે લગ્નસાથીને વફાદાર હોય અથવા વફાદાર બની રહેવા માંગતા હોય.’ એક હીરોએ કહ્યું, ‘મને નથી લાગતું કે કોઈ એક વ્યક્તિ સાથે આખી જિંદગી ગુજારવી એ આપણા સ્વભાવમાં છે.’ આવી પ્રખ્યાત વ્યક્તિઓ ઈશ્વરે આપેલી લગ્નની ભેટનો અનાદર કરે છે ત્યારે શેતાન જરૂર ખુશ થતો હશે. લગ્નની ગોઠવણને શેતાન ટેકો આપતો નથી અને લગ્નો સફળ થાય એવું પણ તે ચાહતો નથી. તેથી, શેતાન વિરુદ્ધ લડવા અને જીતવા લગ્નને આપણે એવું ગણવું જોઈએ જેવું ઈશ્વર એને ગણે છે.

૧૪, ૧૫. જો તમે કોઈ અશ્લીલ કામ કરવા તરફ લલચાઓ તો શું કરશો?

૧૪ ભલે, આપણે પરણેલા હોઈએ કે કુંવારા, આપણે દરેક પ્રકારનાં અશ્લીલ કામોથી દૂર રહેવા સખત પ્રયત્નો કરવાના છે. શું એમ કરવું સહેલું છે? ના. ચાલો દાખલો જોઈએ. એક યુવાન તરીકે તમે સ્કૂલમાં સાથે ભણનારાઓની એવી બડાઈઓ સાંભળી હશે કે તે ચાહે તેની સાથે સેક્સ માણી શકે છે. તેઓ કદાચ સેક્સટીંગ (ફોન પર અશ્લીલ સંદેશા કે ચિત્રો મોકલવાં) વિશે પણ બડાઈ મારતા હશે. અમુક દેશોમાં સેક્સટીંગને બાળકો પર ફિલ્માવવામાં આવતી પોર્નોગ્રાફી જેટલું જ ગંભીર ગણવામાં આવે છે. બાઇબલ કહે છે: “વ્યભિચારી પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે.” (૧ કોરીં. ૬:૧૮) વ્યભિચારથી જાતીય રોગો થઈ શકે છે. એવા રોગો ઘણી પીડા અને મરણનું કારણ બન્યા છે. જે કુંવારા યુવાનોએ સેક્સ માણ્યું છે, તેઓમાંના ઘણા કહે છે કે એમ કરવાનો તેઓને અફસોસ થાય છે. આજનું મનોરંજન જગત આપણને મનાવવા ચાહે છે કે ઈશ્વરના નિયમો તોડવામાં કોઈ નુકસાન નથી. એવાં જૂઠાણાંમાં માનવાથી આપણે “પાપના કપટથી” છેતરાઈ શકીએ છીએ.—હિબ્રૂ ૩:૧૩.

૧૫ જો તમે કોઈ અશ્લીલ કામ કરવા તરફ લલચાઓ તો શું કરશો? પહેલાં તો પોતાની એ નબળાઈ સ્વીકારો. (રોમ. ૭:૨૨, ૨૩) પછી, તમે ઈશ્વરને પ્રાર્થના કરો કે તે તમને એનો સામનો કરવા શક્તિ આપે. (ફિલિ. ૪:૬, ૭, ૧૩) એવા સંજોગોથી સાવ દૂર રહો, જેનાથી તમે ખોટાં કામો તરફ લલચાઈ શકો. (નીતિ. ૨૨:૩) ખરાબ કામની લાલચ આવતાની સાથે જ એને નકારો.—ઉત. ૩૯:૧૨.

૧૬. શેતાનની લાલચનો ઈસુએ કઈ રીતે જવાબ આપ્યો? તેમના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

૧૬ લાલચનો સામનો કરવામાં ઈસુએ જોરદાર દાખલો બેસાડ્યો છે. શેતાને આપેલાં વચનો કે લાલચોથી ઈસુ છેતરાયા નહિ. અરે, તેમણે તો એના વિશે એક પળ માટે પણ વિચાર કર્યો નહિ. એના બદલે, ઈસુએ તરત જ “એમ લખેલું છે” કહીને શેતાનને શાસ્ત્રમાંથી જવાબ આપ્યો. (માથ્થી ૪:૪-૧૦ વાંચો.) ઈશ્વરનાં શાસ્ત્રવચનો ઈસુ સારી રીતે જાણતા હતા. એના લીધે, ઈસુ તરત જ શાસ્ત્રવચનો વાપરીને શેતાનની લાલચોનો જોરદાર જવાબ આપી શક્યા. તેથી, શેતાન વિરુદ્ધ લડવા અને જીત મેળવવા જરૂરી છે કે આપણે કદીયે અશ્લીલ કામો તરફ લલચાઈએ નહિ.—૧ કોરીં. ૬:૯, ૧૦.

મક્કમ રહીને જીત મેળવો

૧૭, ૧૮. (ક) શેતાનની બીજી કઈ ચાલો છે અને તે એને કેમ અજમાવતો રહેશે? (ખ) શેતાનનું શું થશે અને તેનો અંજામ તમને શ્રદ્ધામાં અડગ રહેવા કઈ રીતે ઉત્તેજન આપે છે?

૧૭ શેતાનની ચાલાકીઓમાંથી આ ત્રણ વિશે આપણે ચર્ચા કરી: અહંકાર, ધનદોલત અને વ્યભિચાર. જોકે, તેની બીજી ઘણી ચાલો છે. જેમ કે, સત્યને લીધે કેટલાક ભાઈ-બહેનોનાં સગાં-વહાલાં તેઓનો વિરોધ કરે છે. અથવા આપણા યુવાનો સાથે ભણનાર વિદ્યાર્થીઓ તેઓની મજાક ઉડાવે છે. બીજાં અમુક ભાઈ-બહેનો, એવા દેશોમાં રહે છે જ્યાં આપણાં કામ પર પ્રતિબંધ છે. આપણે જાણીએ છીએ કે એવી મુશ્કેલીઓ આવતી રહેશે. ઈસુએ પણ એ વિશે ચેતવતા કહ્યું: ‘મારા નામને માટે બધા લોકો તમને નફરત કરશે, તોપણ જે કોઈ અંત સુધી ટકશે તે તારણ પામશે.’—માથ. ૧૦:૨૨.

શેતાનનો પૂરેપૂરો નાશ (ફકરો ૧૮ જુઓ)

૧૮ આપણે કઈ રીતે શેતાન સામે લડીને જીતી શકીએ? ઈસુ જણાવે છે, “મક્કમ રહેજો, કારણ એથી જ તમે તમારી જાતને બચાવી શકશો.” (લુક ૨૧:૧૯, કોમન લેંગ્વેજ) વિરોધીઓ આપણું કાયમી નુકસાન કરી શકે નહિ. આપણી અને ઈશ્વરની મિત્રતા, બીજું કોઈ તોડી શકે નહિ. (રોમ. ૮:૩૮, ૩૯) યહોવાને વફાદાર રહેવા જો કોઈ સેવક મરી પણ જાય, તોપણ શેતાન જીત્યો કહેવાય નહિ. કારણ કે, યહોવા એ સેવકને સજીવન કરશે. (યોહા. ૫:૨૮, ૨૯) જ્યારે કે, શેતાનનું ભાવિ સાવ અંધકારમય છે. આ દુષ્ટ જગતનો વિનાશ થયા બાદ, તેને એક હજાર વર્ષ માટે ઊંડાણમાં નાખી દેવામાં આવશે. (પ્રકટી. ૨૦:૧-૩) મસીહી રાજના એ હજાર વર્ષને અંતે, શેતાનને “બંદીખાનામાંથી છોડવામાં આવશે.” પછી તે છેલ્લી વાર સંપૂર્ણ માનવોને છેતરવાનો પ્રયત્ન કરશે. (પ્રકટી. ૨૦:૭-૧૦) શેતાનનું તો કોઈ ભાવિ નથી, પણ તમારું છે! શેતાન વિરુદ્ધ લડતા રહો અને તમારી શ્રદ્ધા મક્કમ રાખો. તમે શેતાનની સામા થઈને જીતી શકો છો!