સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખ્રિસ્ત તો ઈશ્વરનું સામર્થ્ય છે

ખ્રિસ્ત તો ઈશ્વરનું સામર્થ્ય છે

‘ખ્રિસ્ત તો ઈશ્વરનું સામર્થ્ય છે.’—૧ કોરીં. ૧:૨૪.

૧. પાઊલે શા માટે કહ્યું કે ‘ખ્રિસ્ત તો ઈશ્વરનું સામર્થ્ય છે’?

યહોવાએ ઈસુ દ્વારા અદ્ભુત રીતે પોતાની શક્તિ બતાવી છે. ઈસુ ધરતી પર હતા ત્યારે તેમણે ચમત્કારો કર્યા હતા. એમાંના કેટલાક ચમત્કારો વિશે આપણે બાઇબલમાં વાંચી શકીએ છીએ. એનાથી આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. (માથ. ૯:૩૫; લુક ૯:૧૧) હા, યહોવાએ પોતાના દીકરા ઈસુને ઘણી શક્તિ આપી છે. તેથી જ, પ્રેરિત પાઊલ કહી શક્યા: ‘ખ્રિસ્ત તો ઈશ્વરનું સામર્થ્ય છે.’ (૧ કોરીં. ૧:૨૪) પરંતુ, ઈસુના ચમત્કારો આજે આપણને કઈ રીતે અસર કરે છે?

૨. ઈસુના ચમત્કારો પરથી આપણે શું શીખી શકીએ?

પ્રેરિત પીતરે પણ જણાવ્યું હતું કે ઈસુએ “ચમત્કારો” કર્યા હતા. (પ્રે.કૃ. ૨:૨૨) એ ચમત્કારો આપણને શું શીખવે છે? ઈસુ હજાર વર્ષના રાજ દરમિયાન શું કરશે, એના વિશે શીખવે છે. એ સમયે ઈસુ મોટા પાયે ચમત્કારો કરશે, જેનાથી પૃથ્વી ઉપરના બધા લોકોને ફાયદો થશે. તેમના ચમત્કારો આપણને તેમના અને તેમના પિતા યહોવાના ગુણો વિશે ઘણું શીખવે છે. આ લેખમાં આપણે ઈસુના ત્રણ ચમત્કારોની ચર્ચા કરીશું. એનાથી આપણે શીખીશું કે કઈ રીતે એ ચમત્કારો આજે અને ભાવિમાં આપણને અસર કરી શકે.

ઉદારતાનો પાઠ શીખવતો ચમત્કાર

૩. (ક) કયા સંજોગોને લીધે ઈસુએ પહેલો ચમત્કાર કર્યો? (ખ) ઈસુએ કઈ રીતે કાના ગામમાં ઉદારતા બતાવી?

ઈસુએ પહેલો ચમત્કાર કાના ગામમાં એક લગ્નમાં કર્યો હતો. એ લગ્નમાં દ્રાક્ષદારૂ ખૂટી પડ્યો હતો, જેનું કારણ આપણે જાણતા નથી. બની શકે કે ધાર્યા કરતાં વધારે મહેમાનો આવ્યા હોય. કારણ ગમે તે હોય પણ એના લીધે વર અને કન્યાને શરમમાં મુકાઈ જવાનો વારો આવ્યો હોત. કેમ કે, આમંત્રિત મહેમાનોનું ધ્યાન રાખવાની ફરજ તેઓની હતી. એ મહેમાનોમાં ઈસુની માતા પણ હતાં. તેમણે ઈસુની મદદ માંગી. શા માટે? મરિયમે ઈસુ વિશેની ભવિષ્યવાણીઓ પર જરૂર મનન કર્યું હશે. તેમને જાણ હતી કે ઈસુ “પરાત્પરનો દીકરો” છે. એટલે કદાચ તેમને લાગ્યું હશે કે ઈસુ પાસે ચમત્કાર કરવાની શક્તિ છે. (લુક ૧:૩૦-૩૨; ૨:૫૨) જોઈ શકાય કે, એ યુગલને મરિયમ અને ઈસુ મદદ કરવા માંગતાં હતાં. તેથી, ઈસુએ ચમત્કાર કરીને આશરે ૩૮૦ લિટર પાણીને ‘સારા દ્રાક્ષદારૂ’માં બદલી દીધું. (યોહાન ૨:૩, ૬-૧૧ વાંચો.) શું ઈસુએ એ ચમત્કાર કરવો જ પડે એમ હતું? ના. તેમને લોકોની ચિંતા હતી માટે તેમણે એ ચમત્કાર કર્યો હતો. તેમજ, તે પોતાના પિતા યહોવાને અનુસરી રહ્યા હતા, જે ઉદાર દિલના છે.

૪, ૫. (ક) ઈસુનો પહેલો ચમત્કાર આપણને શું શીખવે છે? (ખ) કાના ગામમાંનો ચમત્કાર આપણને આવનાર સમય વિશે શું શીખવે છે?

ચમત્કાર કરીને ઈસુએ મોટી સંખ્યામાં આવેલા મહેમાનોને પૂરતા પ્રમાણમાં સારો દ્રાક્ષદારૂ પૂરો પાડ્યો હતો. એ ચમત્કાર આપણને શું શીખવે છે? એ શીખવે છે કે યહોવા અને ઈસુ કંજૂસાઈ કરતા નથી, તેઓ તો ઉદાર મનના છે. એ ચમત્કાર બતાવે છે કે તેઓને લોકોની લાગણીઓની ખૂબ પરવા છે. વધુમાં, એ પણ શીખવા મળે છે કે નવી દુનિયામાં આપણે કોઈ પણ જગ્યાએ રહીએ, યહોવા પોતાની શક્તિથી આપણને અઢળક ખોરાક પૂરો પાડશે.—યશાયા ૨૫:૬ વાંચો.

જરા વિચારો! યહોવા જલદી જ આપણી બધી જરૂરિયાતો પૂરી પાડશે. દરેકને પોતાનું સુંદર ઘર હશે તેમજ દરેકને સારો ખોરાક મળશે. સુંદર નવી દુનિયામાં યહોવા ઉદાર હાથે આપણને ઘણું બધું પૂરું પાડશે. એનો વિચાર કરીએ છીએ ત્યારે આપણું દિલ યહોવા માટે આભારથી છલકાઈ જાય છે!

લોકો માટે સમય કાઢીને આપણે ઈસુની જેમ ઉદાર બનીએ છીએ (ફકરો ૬ જુઓ)

૬. ઈસુએ પોતાની શક્તિ હંમેશાં કઈ રીતે વાપરી? આપણે તેમના સુંદર દાખલાને કઈ રીતે અનુસરી શકીએ?

ઈસુએ ક્યારેય સ્વાર્થ માટે પોતાની શક્તિનો ઉપયોગ કર્યો નહિ. શેતાને જ્યારે ઈસુને કહ્યું કે પથ્થરને રોટલીમાં બદલી નાંખે, ત્યારે શું થયું એનો વિચાર કરો. ઈસુએ પોતાના ફાયદા માટે પોતાની શક્તિ વાપરવાનો નકાર કર્યો. (માથ. ૪:૨-૪) ઈસુ તો બીજાઓની મદદ માટે પોતાની શક્તિ વાપરવા હંમેશાં તૈયાર હતા. ઈસુનું એવું નિઃસ્વાર્થ વલણ આપણે કઈ રીતે અનુસરી શકીએ? ઈસુએ કહ્યું હતું કે આપણે બીજાઓને ‘આપવાની’ ભાવના કેળવવી જોઈએ. (લુક ૬:૩૮) એમ કરવા આપણે બીજાઓને ઘરે જમવા બોલાવી શકીએ. સભા પછી, તેઓને મદદ આપવા સમય કાઢીએ. જેમ કે, કોઈ ભાઈ પોતાની સોંપણીની તૈયારી કરે ત્યારે તેમને સાંભળી શકીએ. અથવા ભાઈ-બહેનોને પ્રચારમાં મદદરૂપ બનવા આપણાથી બનતું બધું કરીએ. તેમજ, તેઓને અસરકારક રીતે પ્રચાર કરવા માટે સલાહ-સૂચનો આપી શકીએ. તક મળે ત્યારે બીજાઓને મદદ કરવા આતુર બનીને આપણે ઈસુનું ઉદાર વલણ અનુસરીએ છીએ.

“તેઓ સર્વ ખાઈને તૃપ્ત થયાં”

૭. શેતાનના જગતમાં કઈ સમસ્યા હંમેશાં રહેવાની છે?

ગરીબી એ કંઈ નવી સમસ્યા નથી. યહોવાએ પ્રાચીન ઈસ્રાએલીઓને કહ્યું હતું: “દેશમાંથી દરિદ્રીઓ કદી ખૂટશે નહિ.” (પુન. ૧૫:૧૧) કેટલીક સદીઓ પછી ઈસુએ પણ કહ્યું, “દરિદ્રીઓ સદા તમારી સાથે છે.” (માથ. ૨૬:૧૧) શું ઈસુનો કહેવાનો અર્થ એવો હતો કે ધરતી પર હંમેશ માટે ગરીબ લોકો હશે? ના. તે કહેવા માંગતા હતા કે જ્યાં સુધી શેતાનનું જગત હશે ત્યાં સુધી ગરીબી રહેશે. જ્યારે કે, નવી દુનિયામાં જીવન સાવ જુદું જ હશે! એ સમયે એક પણ વ્યક્તિ ગરીબ નહિ હોય. દરેકને ભરપેટ ખોરાક મળશે અને તેઓ સંતોષ અનુભવશે!

૮, ૯. (ક) ઈસુએ શા માટે હજારો લોકોને જમાડ્યા? (ખ) એ ચમત્કાર વિશે જાણીને તમને કેવું લાગે છે?

યહોવા વિશે એક ઈશ્વરભક્તે આમ કહ્યું: ‘તમે તમારો હાથ ખોલીને સર્વ સજીવોની ઇચ્છાને તૃપ્ત કરો છો.’ (ગીત. ૧૪૫:૧૬) ઈસુ ધરતી પર હતા ત્યારે તે પિતા યહોવાને પૂરી રીતે અનુસર્યા. તેમણે બીજાઓની જરૂરિયાતો ધ્યાનમાં લીધી. તેમણે લોકોની મદદ કરી, પણ પોતાની શક્તિનો દેખાડો કરવા નહિ. તેમને લોકોની સાચે જ ચિંતા હતી. ચાલો, આપણે માથ્થી ૧૪:૧૪-૨૧ની ચર્ચા કરીએ. (વાંચો.) લોકોનું ટોળું નગરોમાંથી ચાલતાં ચાલતાં ઈસુની પાછળ આવ્યું હતું. (માથ. ૧૪:૧૩) સાંજ પડી ત્યારે ઈસુના શિષ્યોને ચિંતા થઈ કે લોકોને ભૂખ અને થાક લાગ્યાં હશે. તેથી, એ લોકોને મોકલી દેવાનું શિષ્યોએ સૂચવ્યું, જેથી લોકો પોતાને માટે ખોરાક વેચાતો લે. ઈસુએ શું કર્યું?

પાંચ રોટલી અને બે માછલીઓથી ઈસુએ પાંચ હજાર પુરુષો ઉપરાંત સ્ત્રીઓ અને બાળકોને જમાડ્યાં. ઈસુએ શા માટે એ ચમત્કાર કર્યો? કારણ કે, લોકોને ઈસુ ખરેખર ચાહતા હતા અને તેઓની દિલથી ચિંતા કરતા હતા. ઈસુએ લોકોને ચોક્કસ ઘણો ખોરાક પૂરો પાડ્યો હશે, કેમ કે બાઇબલ જણાવે છે: “તેઓ સર્વ ખાઈને તૃપ્ત થયાં.” એ ખોરાકથી તેઓને શક્તિ મળી, જેથી તેઓ લાંબી મુસાફરી કરીને પોતાના ઘરે પાછા ફરી શકે. (લુક ૯:૧૦-૧૭) બધા લોકો ભરપેટ જમી રહ્યા એ પછી, શિષ્યોએ બચી ગયેલા ખોરાકની ૧૨ ટોપલીઓ ભરી.

૧૦. ભાવિમાં ગરીબીનું શું થશે?

૧૦ આજે, લાલચી અને ભ્રષ્ટ શાસકોને લીધે કરોડો લોકો ગરીબીમાં જીવે છે. અરે, આપણાં કેટલાક ભાઈ-બહેનોને પણ પૂરતું ખાવાનું મળતું નથી. પણ જલદી જ યહોવાની આજ્ઞા પાળતા લોકો એવી દુનિયામાં રહેશે, જ્યાં કોઈ ભ્રષ્ટાચાર કે ગરીબી નહિ હોય. યહોવા સર્વશક્તિમાન ઈશ્વર છે. તે ચાહે છે કે દરેકની જરૂરિયાતો પૂરી થાય. અને એ જરૂરિયાતોને પૂરી કરવા તેમની પાસે શક્તિ પણ છે. તે આપણને વચન આપે છે કે બહુ જલદી પોતે દરેક દુઃખ-તકલીફ દૂર કરશે!—ગીતશાસ્ત્ર ૭૨:૧૬ વાંચો.

૧૧. ભાવિમાં ઈસુ દુનિયા ફરતે પોતાની શક્તિ વાપરશે એવી ખાતરી તમને શા માટે છે? એ જાણીને તમે શું કરવાની ઇચ્છા થાય છે?

૧૧ ઈસુ ધરતી પર હતા ત્યારે તેમણે ફક્ત અમુક વિસ્તારોમાં જ ચમત્કારો કર્યા હતા અને એ પણ ફક્ત સાડા ત્રણ વર્ષ માટે. (માથ. ૧૫:૨૪) પરંતુ, હજાર વર્ષના રાજ દરમિયાન ઈસુ રાજા તરીકે દરેક મનુષ્યને મદદ કરશે. (ગીત. ૭૨:૮) તેમના ચમત્કારો ખાતરી અપાવે છે કે તે આપણા ભલા માટે પોતાની શક્તિ વાપરવા ચાહે છે. ખરું કે, તેમની જેમ આપણી પાસે ચમત્કાર કરવાની શક્તિ નથી. છતાં, શું આપણે બીજાઓને મદદ કરી શકીએ છીએ? હા, આપણે બાઇબલમાંથી અદ્ભુત ભાવિ વિશેનાં વચનો તેઓને જણાવવામાં પોતાનાં સમય-શક્તિ વાપરી શકીએ. યહોવાના સાક્ષીઓ તરીકે એ આપણી જવાબદારી છે. (રોમ. ૧:૧૪, ૧૫) ભાવિમાં ઈસુ જે કરવાના છે એના પર મનન કરવાથી આપણે ખુશખબર જણાવવામાં ઉત્સાહી બનીએ છીએ.—ગીત. ૪૫:૧; ૪૯:૩.

કુદરતી પરિબળો પર યહોવા અને ઈસુનો કાબૂ

૧૨. ઈસુને પૃથ્વીના પર્યાવરણની પૂરેપૂરી જાણકારી છે, એ શાના પરથી કહી શકાય?

૧૨ ઈશ્વરે જ્યારે પૃથ્વી અને એમાંની દરેક વસ્તુ બનાવી, ત્યારે ઈસુ “કુશળ કારીગર તરીકે” તેમની સાથે હતા. (નીતિ. ૮:૨૨, ૩૦, ૩૧; કોલો. ૧:૧૫-૧૭) તેથી, ઈસુને પૃથ્વીના પર્યાવરણની પૂરેપૂરી જાણકારી છે. કુદરતી પરિબળોને કઈ રીતે વાપરવાં અને એનાં પર કઈ રીતે કાબૂ મેળવવો એ તે જાણે છે.

ઈસુએ જે કારણથી ચમત્કારો કર્યા એ જાણીને તમને કેવું લાગે છે? (ફકરો ૧૩, ૧૪ જુઓ)

૧૩, ૧૪. કુદરતી પરિબળોને ઈસુ કાબૂ કરી શકે છે, એનો દાખલો આપો.

૧૩ ઈસુએ કુદરતી પરિબળો પર કાબૂ મેળવીને સાબિત કરી આપ્યું કે ઈશ્વરે તેમને શક્તિ આપી છે. દાખલા તરીકે, એક વાર ઈસુએ પવનના મોટા તોફાનને શાંત પાડ્યું હતું. (માર્ક ૪:૩૭-૩૯ વાંચો.) માર્કના પુસ્તકમાં વપરાયેલા “તોફાન” માટેના ગ્રીક શબ્દ વિશે બાઇબલના એક નિષ્ણાત કહે છે: ‘એ ગ્રીક શબ્દ મોટા વાવાઝોડા અથવા ચક્રવાતને દર્શાવે છે, જેમાં કાળાં વાદળો ઘેરાઈ આવે, ભારે પવન ફૂંકાવા લાગે, વીજળીના કડાકા થાય અને ધોધમાર વરસાદ પડે. એવું તોફાન શાંત પડે ત્યાં સુધીમાં તો ચારેકોર ઊથલપાથલ થઈ જાય છે.’ પ્રેરિત માથ્થીએ પણ એ વાવાઝોડાને “મોટું તોફાન” કહ્યું હતું.—માથ. ૮:૨૪.

૧૪ એ પરિસ્થિતિની જરા કલ્પના કરો: સમુદ્રનાં મોજાં હોડી પર મારો ચલાવી રહ્યાં છે. ઘણું પાણી હોડીની અંદર આવી રહ્યું છે. તોફાનનો મોટો ઘોંઘાટ થઈ રહ્યો છે અને હોડી પાણીમાં આમતેમ ઝોલાં ખાઈ રહી છે. ઈસુ થાકેલા હોવાથી ગાઢ ઊંઘમાં છે. પરંતુ, શિષ્યો ડરી જઈને ઈસુને જગાડતા કહે છે: ‘અમે નાશ પામી રહ્યા છીએ.’ (માથ. ૮:૨૫) ત્યારે ઈસુ શું કરે છે? તે ઊભા થાય છે અને સમુદ્રને કહે છે: “છાનો રહે, શાંત થા.” (માર્ક ૪:૩૯) એ મોટું તોફાન શમી જાય છે અને એ પછી “મહા શાંતિ” છવાઈ જાય છે. ઈસુએ પોતાની શક્તિથી કેટલી અદ્ભુત રીતે એ કુદરતી પરિબળો પર કાબૂ કર્યો!

૧૫. કુદરતી પરિબળોને પોતે કાબૂમાં રાખી શકે છે, એની સાબિતી યહોવાએ કઈ રીતે આપી છે?

૧૫ ઈસુ ખ્રિસ્તને શક્તિ આપનારા યહોવા છે. તેથી, આપણને ખાતરી મળે છે કે કુદરતી પરિબળો પર સર્વશક્તિમાન ઈશ્વરનો પૂરેપૂરો કાબૂ છે. દાખલા તરીકે, જળપ્રલય પહેલાં યહોવાએ કહ્યું હતું: ‘સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાળીસ દિવસ અને ચાળીસ રાત વરસાદ વરસાવીશ.’ (ઉત. ૭:૪) ઉપરાંત, નિર્ગમન ૧૪:૨૧માં આપણને વાંચવા મળે છે કે યહોવાએ “પૂર્વ તરફથી ભારે પવન ચલાવીને સમુદ્રને પાછો હઠાવ્યો.” યૂના ૧:૪માં આપણે જોઈ શકીએ કે “યહોવાએ સમુદ્ર પર ભારે વાવાઝોડું મોકલ્યું, ને સમુદ્રમાં મોટું તોફાન થયું, ને તેથી વહાણ ભાંગી જશે એવું લાગ્યું.” એ બતાવે છે કે યહોવાને કુદરતી પરિબળો પર પૂરો કાબૂ છે. તેથી, નવી દુનિયામાં તે કુદરતી પરિબળોને કાબૂમાં રાખશે, એ જાણીને ઘણી ખુશી થાય છે!

૧૬. યહોવા અને ઈસુ કુદરતી પરિબળો પર કાબૂ રાખી શકે છે એ જાણીને શા માટે રાહત મળે છે?

૧૬ યહોવા અને ઈસુ કુદરતી પરિબળો પર કાબૂ રાખી શકે છે. તેથી, હજાર વર્ષના મસીહી રાજ દરમિયાન પૃથ્વી પર દરેક માટે કેટલી સલામતી હશે! કોઈ પણ વ્યક્તિ કુદરતી આફતનો શિકાર નહિ બને. એ પછી, વાવાઝોડું હોય કે સુનામી, જ્વાળામુખી હોય કે ભૂકંપ, નવી દુનિયામાં કશાથી ડરવાની જરૂર નહિ રહે. કારણ કે, “ઈશ્વરનો મંડપ માણસોની સાથે” હશે! (પ્રકટી. ૨૧:૩, ૪) આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે હજાર વર્ષના રાજ વખતે યહોવા, કુદરતી પરિબળો પર કાબૂ રાખવાની શક્તિ ઈસુને આપશે.

યહોવા અને ઈસુને હાલમાં કઈ રીતે અનુસરી શકીએ?

૧૭. યહોવા અને ઈસુને આપણે હાલમાં કઈ એક રીતે અનુસરી શકીએ?

૧૭ એમાં કોઈ શંકા નથી કે કુદરતી આફતોને ટાળવી આપણા હાથમાં નથી. ફક્ત યહોવા અને ઈસુ જ એમ કરી શકે છે. જોકે, નીતિવચનો ૩:૨૭ પ્રમાણે કરવું આપણા હાથમાં છે. (વાંચો.) આપણાં ભાઈ-બહેનો દુઃખ-તકલીફમાં હોય ત્યારે, આપણે તેઓની લાગણીમય અને બીજી જરૂરિયાતોનો ખ્યાલ રાખી શકીએ છીએ. આપણે તેઓને દિલાસો આપી શકીએ. (નીતિ. ૧૭:૧૭) દાખલા તરીકે, કુદરતી આફતો પછી રાહત કામમાં આપણે મદદનો હાથ લંબાવી શકીએ. આપણાં એક વિધવા બહેનના ઘરને વાવાઝોડામાં નુકસાન પહોંચ્યું હતું. બહેન જણાવે છે: ‘હું યહોવાના સંગઠનમાં છું એ માટે ઘણી આભારી છું. ભાઈ-બહેનોએ મને દરેક રીતે મદદ કરી. ખાસ તો, મારી ભક્તિને લગતી જરૂરિયાતો પૂરી પાડી!’ બીજા એક કુંવારાં બહેન પોતાનું મકાન તબાહ થયું હોવાથી લાચાર પરિસ્થિતિમાં મુકાઈ ગયાં. અમુક ભાઈઓએ તેમના ઘરનું સમારકામ કરી આપ્યું. બહેન કહે છે: ‘હું શું કહીને તેઓનો આભાર માનું! મારી લાગણીઓ વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી. યહોવા, તમારો ઘણો આભાર!’ આપણાં ભાઈ-બહેનો બીજાઓની જરૂરિયાતોનું ખુશીથી ધ્યાન રાખે છે. એ માટે આપણે કેટલા આભારી છીએ! એનાથી પણ વિશેષ આપણે યહોવા અને ઈસુના આભારી છીએ, જેઓ સાચે જ આપણું ઘણું ધ્યાન રાખે છે.

૧૮. ઈસુએ જે કારણથી ચમત્કારો કર્યા એ જાણીને તમને કેવું લાગે છે?

૧૮ ઈસુએ પોતાના સેવાકાર્ય દરમિયાન સાબિત કર્યુ કે તે ‘ઈશ્વરનું સામર્થ્ય છે.’ પણ તેમણે કદીએ સ્વાર્થ કે દેખાડા માટે પોતાની શક્તિનો ઉપયોગ કર્યો નહિ. એના બદલે, લોકોને દિલથી પ્રેમ કરતા હોવાથી તેમણે ચમત્કારો કર્યા. એના વિશે આપણે આવતા લેખમાં વધારે શીખીશું.