‘જો કિંગસ્લી કરી શકે, તો હું પણ કરી શકું!’
દેવશાહી સેવા શાળામાં કિંગસ્લીની આ પહેલી સોંપણી છે. એક ભાઈ તેમનો ખભો અડકીને ઇશારો આપે છે અને કિંગસ્લી પોતાનું બાઇબલ વાંચન શરૂ કરે છે. તે દરેક શબ્દનો ખરો ઉચ્ચાર કરે છે અને એક પણ કાનો-માત્રા ચૂકતા નથી. પરંતુ, તે પોતાના બાઇબલમાં શા માટે જોઈ રહ્યા નથી?
કિંગસ્લી શ્રીલંકાના છે. તે અંધ છે તેમજ તેમને કાને ઓછું સંભળાય છે. હરવા-ફરવા તેમને વ્હીલચેર વાપરવી પડે છે. આ વ્યક્તિ કઈ રીતે યહોવા વિશે શીખી? દેવશાહી સેવા શાળામાં તેમને કઈ રીતે સોંપણી મળી? ચાલો, એ વિશે હું તમને જણાવું.
હું પેહલી વાર કિંગસ્લીને મળ્યો ત્યારે બાઇબલમાંથી શીખવાની તેમની ભૂખ જોઈને હું ખૂબ નવાઈ પામ્યો. અગાઉ પણ અમુક ભાઈઓએ તેમની સાથે બાઇબલ અભ્યાસ કર્યો હતો. તેમની પાસે બ્રેઈલ લિપિમાં જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તક હતું. * એ પુસ્તક ઘણું વાપરવાથી ઘસાઈ ગયું હતું. તેમણે બાઇબલ અભ્યાસ ફરી શરૂ કરવાનું મારું આમંત્રણ સ્વીકાર્યું. પણ અમારી સામે બે મુશ્કેલીઓ હતી.
પહેલી મુશ્કેલી હતી કે કિંગસ્લી વૃદ્ધ-અપંગ માટેના આશ્રમમાં રહેતા હતા. અભ્યાસ કરતી વખતે આસપાસ ઘોંઘાટને લીધે અને કિંગસ્લી ઓછું સાંભળી શકતા હોવાને લીધે
મારે ઘણું મોટેથી બોલવું પડતું. અરે, ત્યાં રહેતા દરેકને દર અઠવાડિયે ચાલતો અમારો અભ્યાસ સંભળાતો!બીજી મુશ્કેલી એ હતી કે કિંગસ્લી એકસાથે ઘણી બધી માહિતી સમજી શકતા નહિ. એટલે મારે દરેક અભ્યાસ વખતે થોડી થોડી માહિતી આપવી પડતી. અભ્યાસ દરમિયાન સારી રીતે સમજવા કિંગસ્લી અગાઉથી તૈયારી કરી રાખતા. એ માટે તે અભ્યાસની માહિતીને વારંવાર વાંચતા. તેમની પાસે બ્રેઈલ લિપિમાં બાઇબલ હતું, જેમાંથી તે કલમો જોઈ રાખતા. તેમજ, પોતાના મનમાં જવાબો તૈયાર કરી લેતા. એના લીધે અમારો અભ્યાસ ઘણો અસરકારક બનતો. અભ્યાસ વખતે તે શેતરંજી પર પલાઠી વાળીને બેસતા. જે સમજ્યા એને તે એકદમ ઊંચા અવાજે કહી જણાવતા. તે એટલા જોશમાં આવી જતા કે જમીન પર હાથ થપથપાવતા. થોડાક જ સમયમાં, અમે અઠવાડિયામાં બે વાર અને બે કલાક સુધી અભ્યાસ કરવા લાગ્યા.
સભાઓમાં જવું અને એમાં ભાગ લેવો
કિંગસ્લી આપણી સભાઓમાં આવવા ખૂબ આતુર રહેતા. પણ તેમની માટે એમ કરવું કંઈ સહેલું ન હતું. કેમ કે, તેમને વ્હીલચેર, કાર અને રાજ્યગૃહમાં ચઢવા-ઊતરવા કોઈકની મદદની જરૂર રહેતી. જોકે, મંડળમાં ભાઈ-બહેનો તેમને મદદ કરવાને એક લહાવો ગણતા. તેમને મદદ કરવામાં તેઓ વારો બાંધતા. સભામાં કિંગસ્લી સ્પીકરની નજીક બેસતા, જેથી ધ્યાનથી સાંભળી શકે અને જવાબો આપી શકે!
થોડો સમય અભ્યાસ કર્યા પછી, કિંગસ્લીએ દેવશાહી સેવા શાળામાં નામ નોંધાવાનું નક્કી કર્યું. બાઇબલ વાંચનની તેમની સોંપણીનાં બે અઠવાડિયાં પહેલાં મેં તેમને એની તૈયારી વિશે પૂછ્યું. તેમણે પૂરા જોશથી કહ્યું: ‘હા, મેં એની ૩૦ વાર તૈયારી કરી છે.’ મેં તેમની મહેનતના વખાણ કર્યા અને વાંચન સંભળાવવા કહ્યું. તેમણે પોતાનું બાઇબલ ઉઘાડ્યું અને બ્રેઈલ લખાણ પર આંગળી મૂકી અને વાંચન શરૂ કર્યું. પરંતુ, મને એ જોઈને નવાઈ લાગી કે કાયમ કરતા તેમ આ વખતે તે આંગળી આગળ સરકાવતા ન હતા. તેમણે બાઇબલ વાંચનનો આખો ભાગ મોઢે કરી લીધો હતો!
એ જોઈને મારી આંખોમાંથી આંસુ સરી પડ્યાં! મને માનવામાં ન આવતું હતું માટે મેં પૂછ્યું, ‘ફક્ત ૩૦ વાર વાંચીને તમે કઈ રીતે એને આખું મોઢે કરી લીધું?’ તેમણે કહ્યું: ‘મેં ફક્ત ૩૦ વાર નહિ, પણ રોજના ૩૦ વાર વાંચન કર્યું છે.’ કિંગસ્લી આશરે એક મહિનાથી એ રીતે તૈયારી કરી રહ્યા હતા. તે પોતાની શેતરંજી પર બેસીને દરરોજ વારંવાર વાંચન કરતા, જેથી એ મોઢે થઈ જાય.
હવે એ દિવસ આવ્યો, જ્યારે તે રાજ્યગૃહમાં પોતાની સોંપણી પ્રમાણે બાઇબલ વાંચન કરવાના હતા. જ્યારે કિંગસ્લીએ પોતાની સોંપણી પૂરી કરી ત્યારે આખું મંડળ તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યું. આ નવા વિદ્યાર્થીના મક્કમ ઇરાદા જોઈને ઘણાં ભાઈ-બહેનોની આંખમાં આંસુ આવી ગયાં! મંડળમાં એક પ્રકાશક એવા હતા જેમને શાળાની સોંપણી હાથ ધરવામાં બીક લાગતી. એટલે તેમણે સોંપણી સ્વીકારવાનું બંધ કરી દીધું હતું. પરંતુ, એ સભા પછી તેમણે ફરીથી સોંપણી લેવાનું નક્કી કર્યું. શા માટે? તેમણે કહ્યું, ‘જો કિંગસ્લી કરી શકે, તો હું પણ કરી શકું!’
કિંગસ્લીએ ત્રણ વર્ષ બાઇબલનો અભ્યાસ કર્યા પછી, સપ્ટેમ્બર ૬, ૨૦૦૮માં બાપ્તિસ્મા લઈને યહોવાને પોતાનું જીવન સમર્પિત કર્યું. એ ભાઈ મે ૧૩, ૨૦૧૪માં ગુજરી ગયા. તે પોતાના જીવનની છેલ્લી ઘડી સુધી યહોવાને વફાદાર રહ્યા. કિંગસ્લીને સુંદર બાગ જેવી નવી દુનિયાના વચનમાં પૂરો ભરોસો હતો. એ નવી દુનિયામાં તે પૂરી તાકાત અને સંપૂર્ણ તંદુરસ્તી સાથે પોતાની સેવા ફરીથી શરૂ કરશે. (યશા. ૩૫:૫, ૬)—પૉલ મૅકમેનસના જણાવ્યા પ્રમાણે.
^ ફકરો. 4 આ પુસ્તક ૧૯૯૫માં બહાર પાડવામાં આવ્યું હતું. પણ હવે છાપવામાં આવતું નથી.