સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

“ટાપુઓનો સમૂહ આનંદ પામો”

“ટાપુઓનો સમૂહ આનંદ પામો”

એ દિવસ હું લાંબા સમય સુધી ભૂલી નહિ શકું. બીજા દેશોથી આવેલા અમુક ભાઈઓ સાથે હું એ રૂમમાં બેઠો હતો, જ્યાં નિયામક જૂથના ભાઈઓની સભા થાય છે. અમે ઘણા બેચેન હતા. લેખન સમિતિના ભાઈઓ આવવાની તૈયારીમાં હતા. અમારે તેઓ આગળ એક રજૂઆત કરવાની હતી. ભાષાંતર કરનારાં ભાઈ-બહેનો જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં હતાં, એના પર પાછલાં અમુક અઠવાડિયાથી અમે તપાસ કરી રહ્યા હતા. હવે અમે તેઓની મુશ્કેલીઓના ઉપાયની ભલામણ લેખન સમિતિ આગળ કરવાના હતા. મે ૨૨, ૨૦૦૦નો એ દિવસ હતો. પરંતુ, આ સભા શા માટે ખૂબ મહત્ત્વની હતી? હું તમને એ સમજાવું એ પહેલાં ચાલો તમને મારા વિશે થોડું જણાવું.

મારું બાપ્તિસ્મા ક્વીન્ઝલૅન્ડમાં થયું હતું અને હું તાસ્મેનિયામાં પાયોનિયરીંગ કરતો. મેં ટુવાલુ, સમોઆ અને ફિજીમાં મિશનરી તરીકે સેવા આપી છે

મારો જન્મ ૧૯૫૫માં ઑસ્ટ્રેલિયાના ક્વીન્ઝલૅન્ડ રાજ્યમાં થયો હતો. મારા જન્મના થોડા જ સમય પછી, મારી માતા એસ્ટેલે યહોવાના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. એ પછીના વર્ષે મારી માતાએ બાપ્તિસ્મા લીધું. લગભગ ૧૩ વર્ષ પછી, મારા પિતા રૉન પણ સત્યમાં આવ્યા. વર્ષ ૧૯૬૮માં ક્વીન્ઝલૅન્ડના રાજ્યમાં શહેરોથી દૂર એક જગ્યાએ મારું બાપ્તિસ્મા થયું.

હું નાનો હતો ત્યારથી જ મને વાંચવાનું ખૂબ ગમતું અને ભાષાઓમાં મને ખૂબ રુચિ હતી. અમે કુટુંબ તરીકે પ્રવાસે જતા ત્યારે હું કુદરતી દૃશ્યો જોવાને બદલે, કારમાં પાછળ બેસીને પુસ્તકો વાંચ્યાં કરતો. એ જોઈને મારાં મમ્મી-પપ્પાને જરૂર કંટાળો આવતો હશે! પણ વાંચનના મારા શોખને લીધે ભણતરમાં મને મદદ મળી. તાસ્મેનિયા ટાપુના ગ્લનોર્કી શહેરની હાઈસ્કૂલમાં હું ભણતો હતો. ભણવામાં હોશિયાર હોવાને લીધે મને કેટલાંક ઇનામો મળ્યાં હતાં.

જોકે, સમય જતાં મહત્ત્વનો નિર્ણય લેવાનો વખત આવ્યો. એ જ કે, શું મારે સ્કૉલરશિપ સ્વીકારીને યુનિવર્સિટીમાં અભ્યાસ માટે જવું જોઈએ? ખરું કે મને અભ્યાસ અને પુસ્તકો માટે ઘણો પ્રેમ હતો. પરંતુ, કોઈ પણ વસ્તુ અને વ્યક્તિ કરતાં, યહોવાને વધુ પ્રેમ કરવાનું મારી માતાએ મને શીખવ્યું હતું. એટલે હું તેમનો ઘણો આભારી છું! (૧ કોરીં. ૩:૧૮, ૧૯) મારાં માતા-પિતાની સંમતિથી મેં સ્કૂલનો અભ્યાસ છોડ્યો. મને જેટલાં પ્રમાણપત્રોની જરૂર હતી એ મેં સ્કૂલમાંથી મેળવી લીધાં. અને જાન્યુઆરી ૧૯૭૧માં, ૧૫ વર્ષની ઉંમરે મેં પાયોનિયરીંગ શરૂ કર્યું.

પછીનાં ૮ વર્ષ સુધી મને તાસ્મેનિયામાં પાયોનિયરીંગ કરવાનો લહાવો મળ્યો. એ સમય દરમિયાન તાસ્મેનિયાની એક સુંદર છોકરી, જૅની અલ્કોક સાથે મારા લગ્ન થયા. અમે છૂટાછવાયા ટાપુઓ સ્મીથટોન અને ક્વીન્ઝટાઉનમાં ચાર વર્ષ સુધી ખાસ પાયોનિયર તરીકે સેવા આપી.

પૅસિફિક મહાસાગરના ટાપુઓ પર

વર્ષ ૧૯૭૮માં અમે પહેલી વાર સમુદ્ર પાર પાપુઆ ન્યૂ ગિની દેશના પોર્ટ મૉર્સબીમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ગયાં. એક મિશનરી ભાઈએ હિરી મોટુ ભાષામાં આપેલું પ્રવચન મને હજીયે યાદ છે. એ ભાઈ જે ભાષામાં બોલતા હતા એ હું સહેજ પણ સમજી શકતો ન હતો. છતાં, તેમના પ્રવચનથી મને મિશનરી બનવા, બીજી ભાષાઓ શીખવા અને તેમની જેમ પ્રવચનો આપવાં ઉત્તેજન મળ્યું. છેવટે, મને એક રસ્તો દેખાયો જે દ્વારા હું યહોવા માટેનો પ્રેમ બતાવી શકું, સાથે સાથે ભાષા શીખવાના મારા શોખને પણ પૂરો કરી શકું.

અમે ઑસ્ટ્રેલિયા પાછાં ફર્યાં ત્યારે, અમને નવાઈ પમાડનારા સમાચાર મળ્યા. અમને ટુવાલુ દેશના ફુનાફૂટી ટાપુ પર મિશનરી તરીકે સેવા આપવા આમંત્રણ મળ્યું હતું. એ ટાપુ અગાઉ એલીસ ટાપુ તરીકે ઓળખાતો હતો. જાન્યુઆરી ૧૯૭૯માં અમે અમારી એ નવી સોંપણી માટે પહોંચ્યાં. આખા ટુવાલુ વિસ્તારમાં બાપ્તિસ્મા પામેલા ફક્ત ત્રણ પ્રકાશકો હતા.

મારી પત્ની જૅની સાથે ટુવાલુમાં

ટુવાલુઅન ભાષા શીખવી આસાન ન હતી. એ ભાષામાં “નવો કરાર” સિવાય બીજું કોઈ પુસ્તક પ્રાપ્ય ન હતું. એ ભાષા શીખવા કોઈ કોર્સ ન હતો. અરે, કોઈ શબ્દકોશ પણ ન હતો. એટલે અમે દરરોજના ૧૦થી ૨૦ શબ્દો શીખવાનો નિર્ણય કર્યો. પરંતુ, જલદી જ અમને ખ્યાલ આવ્યો કે અમે જે શબ્દો શીખતા એનો સાચો અર્થ સમજતા ન હતા. જેમ કે, અમે લોકોને કહેવા ઇચ્છતા કે જાદુમંત્ર કરવું ખોટું છે. પણ અમે જે કહેતા એનો મતલબ થતો કે તમારે ત્રાજવાં કે ચાલવાની છડી વાપરવી નહિ! અમે ઘણા બાઇબલ અભ્યાસો શરૂ કર્યા હતા, જેના માટે અમારે એ ભાષા શીખવાની જરૂર હતી. એટલે અમે પ્રયત્નો કરતાં રહ્યાં. અમે એ ટાપુ પર સેવા શરૂ કરી એ સમયે એક સ્ત્રીને બાઇબલમાંથી શીખવ્યું હતું. વર્ષો પછી તેમણે કહ્યું: ‘અમને ઘણી ખુશી છે કે તમે હવે અમારી ભાષા બોલી શકો છો. શરૂ શરૂમાં તો તમે શું કહેવા માંગતા એની અમને જરાય સમજણ પડતી ન હતી!’

જોકે, અમને નવી ભાષા શીખવા માટે યોગ્ય માહોલ મળ્યો. અમને ભાડેથી ઘર ન મળવાને લીધે, ગામમાં રહેતા એક સાક્ષી કુટુંબ સાથે અમે રહેવા લાગ્યા. આમ, અમને પૂરેપૂરી રીતે એ નવી ભાષા અને ગામની જીવનઢબમાં ભળી જવાનો મોકો મળ્યો. અમે વર્ષો સુધી અંગ્રેજી ભાષા વાપરી ન હોવાથી, ટુવાલુઅન અમારી મુખ્ય ભાષા બની ગઈ.

ટૂંક સમયમાં જ ઘણા લોકો સત્યમાં રસ બતાવવા લાગ્યા. પરંતુ, એ સમયે ટુવાલુઅન ભાષામાં આપણું કોઈ સાહિત્ય ન હતું. તેથી, અમને થતું કે તેઓ જોડે અમે શામાંથી અભ્યાસ કરીએ? તેઓ વ્યક્તિગત અભ્યાસ શામાંથી કરે? તેઓએ સભામાં આવવાનું શરૂ કર્યું ત્યારે એ ભાષામાં ગીતોનું પુસ્તક પણ ન હતું. તો તેઓ ગીતો ગાય શામાંથી? અરે, સભાની તૈયારી માટે પણ કોઈ સાહિત્ય ન હતું. તો તેઓ કઈ રીતે પ્રગતિ કરીને બાપ્તિસ્મા લે? આ નમ્ર હૃદયના લોકો યહોવા વિશે શીખી શકે એ માટે, તેઓને પોતાની ભાષામાં સાહિત્યની જરૂર હતી. (૧ કોરીં. ૧૪:૯) અમે વિચારતા કે ‘ટુવાલુઅન ભાષા બોલનાર લોકોની વસ્તી ૧૫,૦૦૦ કરતાં પણ ઓછી છે. શું આ ભાષામાં ક્યારેય સાહિત્ય મળશે?’ યહોવાએ એ સવાલોના જવાબ આપ્યા જેનાથી બે વાત સાબિત થઈ: (૧) યહોવા ઇચ્છે છે કે તેમના વિશેનું સત્ય ‘દૂરના ટાપુઓ’ પર પ્રગટ થાય અને (૨) યહોવા ચાહે છે કે ‘દુઃખી અને ગરીબ’ ગણવામાં આવતા લોકો, યહોવાના નામ પર આધાર રાખે.—યિર્મે. ૩૧:૧૦; સફા. ૩:૧૨.

સત્ય શીખવતા સાહિત્યનું ભાષાંતર

વર્ષ ૧૯૮૦માં શાખા કચેરીએ અમને ભાષાંતર કરવાની સોંપણી આપી. પણ અમને લાગતું કે એ કામ માટે અમારામાં આવડત ન હતી. (૧ કોરીં. ૧:૨૮, ૨૯) શરૂઆતમાં અમે સરકાર પાસેથી છાપકામનું એક જૂનું મશીન ખરીદ્યું, જે મિમિઓગ્રાફ કહેવાતું. એની મદદથી અમે સભા માટેનું સાહિત્ય છાપતાં. સત્ય જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકનું ભાષાંતર અમે ટુવાલુઅનમાં કર્યું અને એને એ મશીન પર છાપ્યું. મશીનમાં વપરાતી શાહીની તીવ્ર ગંધ અને સખત ગરમીમાં છાપકામ માટે કરેલી મહેનત, મને હજીયે યાદ છે. એ દિવસોમાં અમે છાપકામ માટે હાથથી ચાલતું મશીન વાપરતા કેમ કે ત્યાં વીજળી ન હતી!

ટુવાલુઅનમાં ભાષાંતર કરવા મદદ મળે એવાં પુસ્તકો ન હતાં. એટલે ભાષાંતર કરવું, એક મોટો પડકાર હતો. પણ અમુક વાર અમે વિચાર્યું પણ ન હોય એવી જગ્યાએથી મદદ મળતી. એક સવારે હું ભૂલથી એવા ઘરે સાક્ષી આપવા પહોંચી ગયો, જ્યાં સત્યનો વિરોધ કરનાર એક માણસ રહેતો હતો. એ વૃદ્ધ માણસ એક શિક્ષક હતો. તેણે મને યાદ અપાવ્યું કે સાક્ષીઓએ તેમના ઘરે આવવું નહિ. પછી, તેણે કહ્યું, ‘મારે તમને એક વાત જણાવવી છે. તમે લોકો ભાષાંતરમાં જે વાક્યરચના વાપરો છો, એ ટુવાલુઅન ભાષામાં બહુ વપરાતી નથી.’ તેની વાત ખરી છે કે નહિ એ જાણવા મેં બીજાઓને પૂછ્યું અને તેની વાત સાચી નીકળી. એટલે અમે અમારાં ભાષાંતરમાં જરૂરી ફેરફારો કર્યાં. યહોવાએ અમને એવા એક વિરોધી પાસેથી મદદ આપી, જે આપણું સાહિત્ય અચૂક વાંચતો હતો. એ જોઈને મને ઘણું આશ્ચર્ય થયું!

ટુવાલુઅન ભાષામાં રાજ્ય સંદેશો નં. ૩૦

ટુવાલુઅનના લોકો માટે સ્મરણ પ્રસંગની આમંત્રણ પત્રિકા છાપવામાં આવી. જાહેર જનતા માટે એ આપણું પ્રથમ સાહિત્ય હતું. ત્યાર પછી, રાજ્ય સંદેશો નં. ૩૦ પત્રિકા અંગ્રેજી ભાષાની સાથે સાથે ટુવાલુઅનમાં પણ બહાર પાડવામાં આવી. લોકોને તેઓની ભાષામાં સાહિત્ય પૂરું પાડવાથી ખૂબ આનંદ મળ્યો! સમય જતાં, ટુવાલુઅન ભાષામાં અમુક મોટી પુસ્તિકા અને પુસ્તકો પણ મળવાં લાગ્યાં. વર્ષ ૧૯૮૩માં ઑસ્ટ્રેલિયાની શાખાએ ૨૪ પાનાંનું ચોકીબુરજ છાપવાનું શરૂ કર્યું, જે દર ત્રણ મહિને બહાર પડતું. એના લીધે, દર અઠવાડિયે અમને અભ્યાસ કરવા લગભગ સાત ફકરા મળી રહેતા. લોકો પર એની કેવી અસર થઈ? ટુવાલુના લોકોને વાંચવું ખૂબ ગમે છે, એટલે ત્યાં આપણાં સાહિત્ય બહુ પ્રચલિત થઈ ગયાં. સરકાર દ્વારા ચાલતા એક રેડિયો સ્ટેશનના સમાચારોમાં આપણાં દરેક નવાં સાહિત્યની જાહેરાત થવા લાગી. અરે, અમુક વાર એ જાહેરાત મુખ્ય સમાચારનો ભાગ બનતી! *

ભાષાંતર કેવી રીતે કરવામાં આવતું? સૌથી પહેલાં, કાગળ અને કલમ વાપરીને ભાષાંતર કરાતું. પછી, એ ભાષાંતરમાં સુધારો કરવા એને અનેક વાર ટાઈપ કરવામાં આવતું, જેથી છાપકામ માટે ઑસ્ટ્રેલિયાની શાખાને મોકલી શકાય. એ શાખામાં બે બહેનો બધાં લખાણો કૉમ્પ્યુટરમાં ટાઈપ કરતાં. તેઓ ટુવાલુઅન ભાષા સમજતા પણ ન હતાં. પણ આ રીતે બે વાર કૉમ્પ્યુટરમાં ટાઈપ કરવાથી અને એને સરખાવવાથી ભૂલો પકડાઈ શકતી. આમ, છાપકામમાં ઘણી ભૂલો ટાળી શકાતી. છાપ્યાં પછી એ માહિતી કેવી દેખાશે એ દર્શાવતાં પાનાં વિમાનથી અમને મોકલવામાં આવતાં. અમે એ પાનાં તપાસતાં અને છાપકામ માટે શાખાને પાછાં મોકલી આપતાં.

આજે ભાષાંતરની રીત કેટલી બદલાઈ ગઈ છે! હવે ભાષાંતર કરનારાઓની ટીમ માહિતીને ટાઈપ કરવા અને એમાં સુધારો કરવા કૉમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. મોટા ભાગે જે તે ટીમ પોતાને ત્યાં જ માહિતીને છાપકામ માટે તૈયાર કરે છે. પછી, એને છાપવા ઇન્ટરનેટ દ્વારા શાખાઓને મોકલે છે. ભાષાંતર કરેલી માહિતી મોકલવા હવે કોઈએ છેલ્લી ઘડીએ પોસ્ટ ઑફિસની ભાગદોડ કરવી પડતી નથી.

બીજી સોંપણીઓ

વર્ષો પસાર થતાં ગયા તેમ મને અને મારી પત્ની જૅનીને પૅસિફિક મહાસાગરના બીજા ટાપુઓમાં અલગ અલગ સોંપણી મળી. ટુવાલુ પછી, વર્ષ ૧૯૮૫માં અમને સમોઆ શાખામાં સોંપણી મળી. ત્યાં અમે સમોઅન, ટોંગન અને ટૌકાલાઉન ભાષાની સાથે સાથે ટુવાલુઅનમાં ભાષાંતર કામમાં મદદ કરતાં. * ત્યાર બાદ, વર્ષ ૧૯૯૬માં અમને ફિજી શાખામાં સોંપણી મળી. ત્યાં અમે ફિજીયન, કિરીબાટી, નાઉરુઆન, રોટુમન અને ટુવાલુઅનમાં ભાષાંતર કામમાં મદદ કરતાં.

ટુવાલુઅન ભાષામાં સાહિત્યનો ઉપયોગ કરીને અમે સત્ય શીખવતા

ભાષાંતરનું કામ ઘણું અઘરું અને થકવી નાખનારું હોય છે. છતાં, ભાષાંતર કરનારાં ભાઈ-બહેનો પોતાના કામને ઘણો પ્રેમ કરે છે, એ જોઈને મને ખૂબ નવાઈ લાગે છે. યહોવાની જેમ આ વફાદાર ભાઈ-બહેનો પણ દિલથી ચાહે છે કે લોકોને પોતાની ભાષામાં ખુશખબર સાંભળવા મળે. (પ્રકટી. ૧૪:૬) દાખલા તરીકે, પહેલી વાર ટોંગન ભાષામાં ચોકીબુરજનું ભાષાંતર કરવાની તૈયારીઓ થઈ રહી હતી. એ સમય દરમિયાન, ટોંગા વિસ્તારના બધા વડીલોને મળીને મેં પૂછ્યું કે ભાષાંતર માટે કોને તાલીમ આપી શકાય. તેઓમાંથી એક વડીલ પાસે મિકૅનિક તરીકેની સારી નોકરી હતી. તેમણે ભાષાંતરના કામમાં જોડાવવા માટે, બીજા જ દિવસે નોકરી પરથી રાજીનામું આપવાની તૈયારી બતાવી. પોતાના કુટુંબની દેખરેખ રાખવા પૈસા ક્યાંથી આવશે, એ તે જાણતા ન હતા. પણ તેમણે યહોવા પર શ્રદ્ધા રાખી. તેમની દૃઢ શ્રદ્ધા જોઈને મને ઘણું ઉત્તેજન મળ્યું. યહોવાએ તેમની અને તેમના કુટુંબની કાળજી રાખી. તે ઘણાં વર્ષો સુધી વફાદારીથી ભાષાંતરનું કામ કરી શક્યા.

ભાષાંતર કરનારાં ભાઈ-બહેનોની જેમ, નિયામક જૂથના ભાઈઓ પણ દિલથી ચાહે છે કે બધા લોકોને પોતાની ભાષામાં સાહિત્ય મળી રહે. પછી ભલે એ ભાષા બોલનારા લોકોની સંખ્યા ઘણી ઓછી કેમ ન હોય. દાખલા તરીકે, એક વાર એવો સવાલ ઊભો થયો હતો કે શું ટુવાલુઅન ભાષામાં સાહિત્યનું ભાષાંતર કરવામાં સમય-શક્તિ ખર્ચવાં જોઈએ. નિયામક જૂથ તરફથી મળેલો આ જવાબ વાંચીને મને ઘણું બધું ઉત્તેજન મળ્યું: ‘અમને એવું કોઈ કારણ નથી દેખાતું જેના લીધે તમારે ટુવાલુઅનમાં ભાષાંતર કામ બંધ કરવું પડે. બીજી ભાષાના લોકોની સરખામણીમાં ટુવાલુઅન બોલનાર લોકો ઓછા છે. છતાં, એ ભાષાના એવા ઘણા લોકો છે, જેઓ સુધી ખુશખબર પહોંચાડવાની હજીયે જરૂર છે.’

સરોવરમાં બાપ્તિસ્મા આપતી વખતે

વર્ષ ૨૦૦૩માં, અમને ફિજી શાખાના ભાષાંતર વિભાગમાંથી, ન્યૂ યૉર્કના પેટરસન બેથેલમાં મોકલવામાં આવ્યાં. ત્યાં અમને ભાષાંતર સેવા વિભાગમાં સોંપણી મળી. જાણે અમારું સ્વપ્ન સાચું થયું હોય એમ લાગ્યું. અમે એવી એક ટીમનો ભાગ બન્યા, જે આપણાં સાહિત્યનું ભાષાંતર નવી ભાષાઓમાં થાય માટે મદદ આપતી. એ વિભાગમાં અમે લગભગ બે વર્ષ સેવા આપી. એ દરમિયાન, અમને અલગ અલગ દેશોમાં જઈને કેટલીક ભાષાંતર ટીમની તાલીમમાં મદદ આપવાની સોંપણી મળી.

મહત્ત્વના નિર્ણયો

મેં શરૂઆતમાં તમને જે સભા વિશે વાત કરી હતી, ચાલો એના વિશે વધારે જણાવું. વર્ષ ૨૦૦૦ સુધીમાં નિયામક જૂથ પારખી શક્યું કે દુનિયાભરની ભાષાંતર ટીમને તાલીમની જરૂર છે, જેથી તેઓ વધુ સારી રીતે ભાષાંતર કરી શકે. તેઓમાંનાં મોટા ભાગનાં ભાઈ-બહેનોને ભાષાંતર માટે કંઈ ખાસ તાલીમ મળી ન હતી. તેથી, લેખન સમિતિ આગળ અમારી રજૂઆત પછી, નિયામક જૂથે નિર્ણય લીધો કે બધા ભાષાંતરકારોને તાલીમ આપવી જોઈએ. એ તાલીમ શીખવતી કે અંગ્રેજી લેખને કઈ રીતે સમજવો, ભાષાંતરમાં આવતી મુશ્કેલીઓ કઈ રીતે હાથ ધરવી અને ટીમ તરીકે એક થઈને કઈ રીતે કામ કરવું.

બધી ભાષાંતર ટીમને મળેલી તાલીમનું કેવું પરિણામ આવ્યું? હવે ભાષાંતરનું સ્તર ઊંચું થયું છે. એટલું જ નહિ, આપણું સાહિત્ય હવે પહેલાં કરતાં વધુ ભાષાઓમાં ભાષાંતર પામે છે. ૧૯૭૯માં અમને મિશનરી તરીકે સોંપણી મળી ત્યારે, ફક્ત ૮૨ ભાષાઓમાં ચોકીબુરજ મળતું હતું. એમાંય કેટલીક ભાષામાં તો અંગ્રેજી ચોકીબુરજ મળે એના અમુક મહિનાઓ પછી એનું ભાષાંતર બહાર પડતું. જ્યારે કે હવે ચોકીબુરજ ૨૪૦ કરતાં વધારે ભાષાઓમાં મળી રહે છે. એટલું જ નહિ, અંગ્રેજી ચોકીબુરજ બહાર પડે ત્યારે, મોટા ભાગની ભાષાઓમાં પણ એ અંક બહાર પાડવામાં આવે છે. આજે, ૭૦૦ કરતાં વધુ ભાષાઓમાં આપણું સાહિત્ય પ્રાપ્ય છે. એટલે, લોકોને એવું કંઈકને કંઈક મળી રહે છે, જે તેઓને બાઇબલનું સત્ય શીખવી શકે છે. અમુક વર્ષો પહેલાં એ અશક્ય લાગતું હતું.

વર્ષ ૨૦૦૪માં નિયામક જૂથે બીજો એક મહત્ત્વનો નિર્ણય લીધો કે બને એટલું જલદી અને શક્ય હોય એટલી ભાષાઓમાં બાઇબલનું ભાષાંતર કરવામાં આવે. એ નિર્ણયને લીધે ઘણા લોકો હવે ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન બાઇબલ પોતાની ભાષામાં વાંચી શકે છે. વર્ષ ૨૦૧૪ સુધીમાં તો આખું બાઇબલ કે એના અમુક ભાગ ૧૨૮ ભાષાઓમાં છપાઈ ચૂક્યા હતા. એમાં દક્ષિણ પૅસિફિકના ટાપુઓ પર બોલાતી ઘણી ભાષાઓનો પણ સમાવેશ થાય છે.

ટુવાલુઅન ભાષામાં ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ ક્રિશ્ચિયન ગ્રીક સ્ક્રીપ્ચર્સને બહાર પાડતી વખતે

વર્ષ ૨૦૧૧માં ટુવાલુમાં ભરાયેલું સંમેલન મારા જીવનના સૌથી યાદગાર પ્રસંગોમાંનો એક છે. એ આખા દેશમાં ઘણા મહિનાઓથી આકરો દુકાળ ચાલી રહ્યો હતો. એટલે, ભાઈઓને લાગતું કે એ સંમેલન રદ કરવું પડશે. પરંતુ, જે સાંજે અમે ત્યાં પહોંચ્યા ત્યારે ભારે વરસાદ શરૂ થયો. એ કેટલી ખુશીની વાત હતી! કારણ કે અમારે સંમેલન રદ કરવું ન પડ્યું. ટુવાલુઅન ભાષામાં ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ ક્રિશ્ચિયન ગ્રીક સ્ક્રીપ્ચર્સ બહાર પાડવાનો મને એક અનેરો લહાવો મળ્યો! ખરું કે, એ ભાષા બોલતાં ભાઈ-બહેનોની સંખ્યા ખૂબ ઓછી છે, છતાં યહોવા તરફથી તેઓને એ સુંદર ભેટ મળી. પછી, સંમેલનને અંતે ફરી એક વાર ભારે વરસાદ થયો. એટલે, એ દિવસે અમને ધોધમાર વરસાદના પાણી સાથે અઢળક પ્રમાણમાં સત્યનું પાણી પણ મળ્યું!

વર્ષ ૨૦૧૪માં ઑસ્ટ્રેલિયાના ટાઉન્ઝવિલ શહેરમાં યોજાયેલા એક સંમેલનમાં મારાં માતા-પિતા એસ્ટેલે અને રૉનનું ઇન્ટર્વ્યું લેતી વખતે

દુઃખની વાત છે કે એ પ્રસંગે મારી વહાલી પત્ની જૅની મારી સાથે ન હતી. દસ વર્ષ સુધી કૅન્સર સામે લડત આપીને, છેવટે વર્ષ ૨૦૦૯માં તે ગુજરી ગઈ. અમે લગ્નજીવનનાં ૩૫ વર્ષો સાથે વિતાવ્યાં. તે સજીવન થશે ત્યારે તેને એ જાણીને ઘણી ખુશી થશે કે ટુવાલુઅન ભાષામાં બાઇબલ બહાર પાડવામાં આવ્યું હતું.

યહોવાએ મને બીજી એક સુંદર પત્નીનો આશીર્વાદ આપ્યો. તેનું નામ લોરેની સીકીવો છે. લોરેની અને જૅની ફિજી બેથેલમાં સાથે કામ કરતાં હતાં. લોરેની પણ ફિજીયન ભાષાંતર ટીમનો ભાગ હતી. હવે ફરી એકવાર મારી પાસે એક વફાદાર પત્નીનો સાથ છે. તેની સાથે મળીને હું યહોવાની સેવા કરી શકું છું અને તેને પણ મારી જેમ ભાષામાં રુચિ છે.

ફિજીમાં લોરેની સાથે સાક્ષીકામ કરતી વખતે

વર્ષો દરમિયાન હું જોઈ શક્યો કે આપણા પ્રેમાળ પિતા યહોવા દરેક ભાષાના લોકોની જરૂરિયાતને ધ્યાન આપે છે. પછી, ભલે એ ભાષા બોલનાર લોકોની સંખ્યા ઓછી કેમ ન હોય! (ગીત. ૪૯:૧-૩) મેં જોયું છે કે લોકોને પોતાની ભાષામાં પ્રથમ વાર આપણું સાહિત્ય મળે ત્યારે, તેઓ કેટલા ખુશ થઈ જાય છે! અરે, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ભાષામાં યહોવા માટે ગીત ગાય છે, ત્યારે તેની ખુશીનો કોઈ પાર નથી રહેતો! એવા સમયે, યહોવાએ બતાવેલા અપાર પ્રેમને હું યાદ કરું છું. (પ્રે.કૃ. ૨:૮, ૧૧) ટુવાલુના એક મોટી ઉંમરના ભાઈ સાઊલો ટીઝીએ કહેલી વાત મને આજે પણ બરાબર યાદ છે. પહેલી વાર પોતાની ભાષામાં રાજ્યગીત ગાયા પછી, તેમણે કહ્યું, ‘મને લાગે છે કે તમારે નિયામક જૂથને જણાવવું જોઈએ કે અંગ્રેજી કરતાં ટુવાલુઅનમાં આ ગીતો વધારે મધુર લાગે છે.’

સપ્ટેમ્બર ૨૦૦૫માં મને યહોવાના સાક્ષીઓના નિયામક જૂથમાં એક સભ્ય તરીકે નીમવામાં આવ્યો. એ લહાવો મળવાથી હું બહુ નવાઈ પામ્યો. ખરું કે નવી સોંપણીને લીધે, હવે હું ભાષાંતર કરનાર તરીકે કામ નથી કરી શકતો. પણ, મને એક વાતની ખુશી છે કે દુનિયાભરમાં ચાલી રહેલા ભાષાંતર કામને મદદ આપવાનો યહોવાએ મને મોકો આપ્યો છે. યહોવા પોતાના લોકોની જરૂરિયાતો ધ્યાનમાં લે છે, એ જાણીને કેટલી ખુશી થાય છે! અરે, પૅસિફિક મહાસાગરના છૂટાછવાયા ટાપુઓના લોકો પર પણ તે ધ્યાન આપે છે! એક લેખકે સાચું જ કહ્યું કે “યહોવા રાજ કરે છે, પૃથ્વીના લોકો હરખાઓ, ટાપુઓનો સમૂહ આનંદ પામો.”—ગીત. ૯૭:૧.

^ ફકરો. 18 આપણું સાહિત્ય લોકોને કેવું લાગતું એ વિશેના અનુભવો વાંચવા માટે, ડિસેમ્બર ૧૫, ૨૦૦૦ના ચોકીબુરજમાં પાન ૩૨ જુઓ. ઉપરાંત, ઑગસ્ટ ૧, ૧૯૮૮ના ચોકીબુરજમાં (અંગ્રેજી) પાન ૨૨ અને ડિસેમ્બર ૨૨, ૨૦૦૦ના સજાગ બનો!માં (અંગ્રેજી) પાન ૯ જુઓ.

^ ફકરો. 22 સમોઆ વિસ્તારમાં ભાષાંતર કામ વિશે વધુ જાણવા ૨૦૦૯ યરબુકમાં પાન ૧૨૦-૧૨૧, ૧૨૩-૧૨૪ જુઓ.